કત અજાનારે


કત અજાનારે
કત અજાનારે જાનાઈલે તૂમિ
કત ઘરે દિલો ઠાંઈ,
દુર કે કરિલે નિકટ બન્ધુ
પરકે કરિલે ભાઈ
(કબી)(તે અજાણ્યાને ઓળખાવ્યા, તે કેટલાય ઘરમાં મને આશ્રય આપ્યો, આ કૃતજ્ઞતાથી મારું હ્યદય ભરાઈ ગયું છે.)

પૂર્વનો રવી પશ્ચિમમાં કેટલો તો પરિચિત ! પરિચિત દેશ-દેશાવરમાં તોય કેવો તો અપરિચિત આ જાદુગર, બહુરૂપી-ભાલોઈ કબી ! ભાલોઈ તોમાર અપૂરવ રૂપ !
હવે અકળાવવાનો આશય નથી મારો. આ તો ભૂરકી રવી ઠાકુરની કે, હું એના સર્જનના ઓછાયામાં આવી ગયો ને બંગાળી બોલવા લાગ્યો. ભાઈ, ગોળના ગાડા થઈ ગયા. રાત-દિવસ પાઠ થાય ‘કબિતિકા’નો હરતા ફરતાં થાય ને પરમ આંદની પ્રાપ્તિ થાય. લો તમેય માણો. કવિવરની દોઢસોમી જન્મ જયંતિના આ વર્ષે આ આનંદ ઓચ્છવ.

આભમાં ઊંચે રમતી વાદળી
પહાડોની ઉડ્ડયન-અભિલાષાની પતાકા છે.
That cloud floating so high Expresses the mountain’s longing to fly
રાતભર તારકલોકમાં જે બોલ ગુજ્યા
સવારે એ વનમાં ફૂલ બનીને ખીલ્યા
The night long whispered words of the stars bloom next day as woodland flowers.

આ તો બેક વાની નમુનાદાખલ. આવી તો સુરુચિપૂર્વક પસંદહી પામેલી અનેક કબિતિકા અહીં પાને પાને પથરાયેલી છે. રવીન્દ્રનાથ ઠાકુરના વિપુલ કાવ્યસર્જનમાં લઘુકાવ્યોનું વિશિષ્ટ સ્થાન છે. બે-પાંચ-આઠ પંક્તિમાં આવી રચનાઓને કવિવરે પ્રીતિપૂર્વક કબિતિકા કહેલી છે.
1899માં ‘કનિકા’ નામના સંગ્રહમાં આવી લઘુ પદ્યરચનાઓ પ્રગટ થઈ. 1916માં અંગ્રેજીમાં ‘સ્ટ્રેબડર્ઝ’, 1926માં ‘લેખન’માં બંગાળી-અંગ્રેજી તો કેટલાંક બેઉ ભાષામાં લઘુ કાવ્યો. 1928માં ‘ફાયરફ્લાઈઝ’ અંગ્રેજીમાં અને 1954માં બંગાળી ભાષામાં ‘સ્ફુલિંગ’ નામે લઘુ પદ્યરચનાઓ પ્રગટ થઈ. આમ, કવિવરે અગિયારસોથી પણ વધારે આવી રચનાઓ લખી છે. જે બંગાળી અંગ્રેજીમાં પ્રગટ થઈ છે.
કવિવરના ‘કનિકા’, ‘લેખન’ અને ‘સ્ફુલિંગ’ની બંગાળી રચનાઓને રવીન્દ્રસાહિત્યના અઠંગ અભ્યાસી અને અંગ્રેજ કવિ વિલયમ રેડીચેએ અંગ્રેજીમાં અનુવાદિત કરી છે. ક્યાંક રવીન્દ્રનાથે પોતે અંગ્રેજીમાં રચનાઓ આપી છે. આનો આધાર લઈને રવીન્દ્રસાહિત્ય અનુરાગી શ્રી જયંત મેઘાણીએ તેમાંથી તારવી-સારવીને ત્રણસો જેટલી રચનાઓ ગુજરાતી અનુવાદરૂપે ‘તણખલાં’ નામથી મુકી આપી છે. આટલું જ કહું તો ઓછું લાગશે ! આ તો તમારું કુતૂહલ સંતોષાય માટે. બાકી તો કુતૂહલ તો જાગે જોવા માટે એવું મનોહર નાનકડું, રૂપકડું કદ -ઉપરણા પર ટાગોરનું ચિત્ર આંખોને ખેંચી લે – તરત પ્રવેશીએ ભીતર રવીછબી – ‘આપનાં છે તે આપનાં ચરણોમાં’ એવી અર્પણ પંક્તિ બંગાળી, અંગ્રેજી, ગુજરાતી શીર્ષક અને રવીમુદ્રાને અનુવાદકના નાના ફોન્ટમાં છપાયેલું નામ સૂચક છે. હા, પ્રકાશક છે પ્રસાર, ભાવનગર. ને તેથી કેળવાયેલી રુચિનો પરિચય કેવળ કાવ્યચયન- અનુવાદ પૂરતો સીમિત ન રહેતા- કાવ્ય અનુરૂપ ત્વરિત આલેખન, રેખાંકનો, ચિત્રો સુધી વિસ્તરે છે અને આ ચિત્રકાર પણ રવીન્દ્રનાથ, નંદલાલ બસુ, યામિની રાય, એન.એસ.બેન્દ્રે, પ્રદ્યમ્ન તન્ના અને ભરત માલી-ચિત્રકાવ્ય જાપાની કળાશૈલીની યાદ અપાવે એવું સુંદર સુઘડ મુદ્રણ આંખને ઠારે છે.
રવીન્દ્રનાથની ઉત્કટ જીવનપ્રીતિ, ઊંચી કલ્પનાશક્તિ, કલ્પનોની તાજગી અહીં આ લઘુરચનાઓમાં સરસ રીતે પ્રગટે છે. ‘પ્રભુ અને પ્રિયતમા, તારા અને આકાશ, પર્ણોને પુષ્પો તૃણો ને વૃક્ષો, વાદળ અને વર્ષા, પહાડો અને ઝરણા-જીવનનાં આ ચિરંતન તત્ત્વો એમની કલમનાં અંતરંગી સંગી છે. ક્યારેક રમતિયાળ પંક્તિઓ, તો ક્યારેક તાત્ત્વિક ચિંતનકણિકાઓ એમનાં આ સ્ફુરણોમાંથી ઝરે છે.’
કવિ આની સર્જનપ્રક્રિયા વિશે કહે છે,- ‘બે કે ચાર કાવ્યપંક્તિઓ ફુરસદની ક્ષણોમાં જ્યાં હોઉં ત્યાં, મને સ્ફુરતી. મને તેમાં મજા પડતી. સાવ નાના, નાજુક ફલક પર એકાદ ભાવની ઘૂંટેલી આકૃતિ મારા અંતરે વિશેષ વસતી.’
અંગ્રેજી અને ગુજરાતી-દ્વિભાષામાં બંગાળી ભાષા સરસ રીતે ઝીલાયેલી છે. ભલે એ ગદ્યમાં અનુવાદિત હોય તો પણ પદ્યની લયછટા ક્યાંક ક્યાંક આબાદ પ્રગટી છે. ક્યાંક તો અનુસર્જન લાગે એવી ગુજરાતી ભાષાનું રૂપ અહીં પ્રગટે છે. એ માટે અનુવાદકને સાધુવાદ.

રવી-પ્રસાદ
પંખીની પાંખને સોને મઢી જોજો
પછી એ કદી આકાશમાં પાંખ ફફડાવી નહીં શકે.
Set bird’s wings with gold and it will never soar in the sky.
000
ધૂળમાં વેરાયેલાં પીછાં
એમના આભ-ઉડ્ડયન વીસરી ગયાં હશે?
Feathers in the dust lying lazily
Content have forgotten their sky.
000
એક નાનું પંખીડું ટહુક્યું ને
યુગાન્તરોના મૌનને
વાચા ફૂટી.

તો આ તો આઝી ઝલક કબિતિકાની. જો તમારી તરસ જાગી હોય તો વાંચો-વંચાવો અને વિસ્તરો.

તણખલાં(રવીન્દ્રનાથના મૌક્તિકો)અંગ્રેજી પરથી અનુવાદઃ જયંત મેઘાણી, 144 પાનાં-પાકું પૂઠું, મૂલ્ય રૂ. 40 પ્રકાશકઃ પ્રસાર, ભાવનગર-364002. પ્રકાશન વર્ષ-પ્ર.આ.-2007

અજય રાવલ
29 શ્યમશરણઃ।।
બોપલ, અમદાવાદ-380058, ગુજરાત, ભારત. E- mail: Ajayraval22@gmail.com

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index