ગ્રામ્ય સંસ્કૃતિની ગરિમા
(કાવ્યાસ્વાદ)

 

ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કો’ક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઉભીને એકલો
પડઘા ઊર-બોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં
એકલો એટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
- ઊમાશંકર જોષી

ઊમાશંકર જોષીનું મૂળ વતન ઇશાનિયો દેશ - ઇડર પંથક. નાનકડું અંતરિયાળ આદિવાસી વિસ્તારનું બામણા ગામ. પ્રકાૃતિથી રસ્યું-લચ્યું, રસભર-સભર. પ્રકૃતિએ એની સોળે કળાએ શણગાર સજીને અહતહ સર્વત્ર સાદર્ય વેર્યું છે એવા પ્રદેશમાં કવિનો જન્મ ને ઊછેર ને સંસ્કાર-સચન થયાં.પછીનાં વરસોમાં અભ્યાસ અને વ્યવસાય અર્થે ગ્રામપ્રદેશ છૂટી ગયો. પ્રકાૃતિથી છૂટા પડ્યાનો વસવસો કવિજીવને કરફોલી ખાય છે. જીવ ચૂંથાય છે નગરસંસ્કાૃતિમાં. મન વળી વળીને પેલી ડુંગરની ધારે, કોતરોની ગહન ગહરાઇમાં, વાૃક્ષો-વનરાજિમાં અટવાયા-ભટકાયા, રમ્યા-ભમ્યા કરે છે પરંતુ પરિસ્થિતિ કહો કે નિયતિ કંઇક જુદી છે, એટલે જીવંત સંપર્ક થતો-રહેતો નથી. એનો વસવસો, એ હૃદયવ્યથા અને પ્રકાૃતિ સાથે તદાકાર થવાની રમ્ય-અદમ્ય ઈચ્છાની કથા આ કાવ્યરૂપે પ્રકટ થઇ છે. કવિના જીવનની વાસ્તવિક અનુભૂતિ આ કાવ્યમાં ઝિલાઇ છે. કદાચ એટલે જ, કાવ્યમાં વપરાયેલા શબ્દોમાં સેળભેળ થઇ ગઇ છે. કવિની પોતીકી અનુભૂતિ છે એટલે હોવું તો એમ જોઇતું હતું કે આખેઆખું કાવ્ય પ્રાદેશિક બોલીમાં પ્રકટે. પરંતુ બન્યું એવું કે બોલચાલની ભાષા અને માન્યભાષા બંનેનો સમન્વય રચાયો. જુઓ, આ શબ્દોઃ
જોવી’તી, ભમવા’તા, લ્હોવી, સરવરિયા, કો’ક, પડઘા, એકલોઅટૂલો, ડુંગરિયા, ભોમિયા, આંખડી
- તો માન્ય ગુજરાતીના શબ્દોઃ કુંજ, કોતરો, ઊરબોલ, ઝૂલંત, વગેરે.
પ્રહ્લાદ પારેખનું એક કાવ્ય આ મતલબનું છેઃ ‘હે જી મારા નાનપણા ગામ, મારા બાળપણાના ધામ’. બાળપણું વીત્યું હોય એ ગામ ધામ જેવું હોય, પવિત્ર. એની સ્માૃતિ સતત ને મીઠા સળવળાટ જેવી હોય છે. કંઇકેટલાં સ્પંદનો, સંવેદનો એ વયે ઝિલાયાં હોય છે.
નગરસંસ્કૃતિ વિરુદ્ધ ગ્રામ્ય સંસ્કૃતિ, યાંત્રિકતા અને નગરજીવન વિરુદ્ધ કુદરત, એનું સૌંદર્ય - એ બે વચ્ચેનો વિરોધાભાસ જેણે અનુભવ્યો-માણ્યો હોય એની ઈચ્છા કેવી હેાઇ શકે એનું અહ આ કાવ્યમાં નિરૂપણ છે. કવિએ વતન છોડ્યું છે, બલકે છૂટી ગયું છે. પરિણામે પ્રકૃતિ સાથેનો નાતો તૂટ્યો છે. એનો વલોપાત છે, વેદના છે. એટલે કહે છેઃ
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી

ભોમિયો એટલે સ્થળનો અદ્દલ જાણકાર. પ્રત્યેક ગલી-કૂંચીની જેને જાણ હોય તે. કવિની ઈચ્છા હતી કે, એવા જાણકાર વગર ડુંગરા જોવા, જંગલની દરેકેદરેક કુંજ જોવી. એેમાં વિહાર કરવો. ભલે ખોવાઇ જવાય, ગુમ થઇ જવાય. એનીય એક મજા છે. બાળપણનો એ સમય, જયારે બાળક પાસે માત્ર ને માત્ર સમય હોય છે ને હોય છે દોડવા માટેના બે પગ, રમવા માટે બે હાથ, જોવા માટે બે આંખ, એ આંખોમાં વિસ્મયનો અગાધ દરિયો. અને એ જયાં જયાં વિસ્મય જુએ, ત્યાં ત્યાં એનાં ચરણ દોડી પડે, અનાયાસ. હાથ લંબાઇ જાય સ્પર્શવા. પણ કવિને એવો સમય ઓછો મળ્યો અથવા પડ્યો છે. એમણે એમની એક કવિતામાં ગાયું પણ છેઃ ‘ફૂલોની સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં’.

કવિને ડુંગરા જોવાની સાથે,

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

પ્રથમ ચાર પંકિતમાં જ જોવી’તીનું અનુરણન કર્ણપ્રિય લય ઉભો કરે છે. જોવી’તીની સાથે લ્હોવી હતીનો પ્રાસ પણ આહ્લાદ જન્માવે છે. કવિને માત્ર ડુંગર, જંગલ, કોતર, કંદરા, ઝરણાં જોવાં છે એટલું જ નહ, રોતાં ઝરણાંની આંખ લ્હોવી છે. કવિને ઝરણાં રડતાં દેખાય છે. કારણ, એણેય વિયોગ વેઠ્યો છે. પહાડ છોડી, કોતરો છોડી,જંગલ છોડી એણે નદીમાં ભળવું, ખળભળવું પડે છે ને અંતે જતાં સમુદ્રમાં વિલીન થવું પડે છે. આ માર્ગે જતાં પર્વતો-વૃક્ષો-વનરાજિનો ક્ષણેક થયેલો સ્પર્શ, કવિ જેવા સહૃદય માનવોનો સહવાસ - એ બધાંનો વિયોગ હોય એટલે ઝરણાંય કવિને રોતાં લાગ્યાં છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ તો પણ દૃષ્ટિ એવી સૃષ્ટિ વિધાન આ નિમિત્તે સાચું પડે છે. કવિહૃદય રડે છે એટલે એમને ઝરણાં પણ રડતાં જ દેખાય (સમસ્થિતિ) એવો તર્ક કરી શકાય.
ઊમાશંકર જોષીની રચનાઓમાં સાદૃશ્યમૂલક વર્ણનો જોવા મળે છે. આ કાવ્ય પણ એનું ઊદાહરણ છે. કવિની સાથે ભાવકની આંખ સામે પણ એક દૃશ્ય રચાય છે. એમાં ડુંગર છે, કોતર છે, જંગલ ને કુંજ છે, નરી વનરાજિ છે, ઝરણું છે ને પાછું સરોવર પણ છે. એમાં હંસ પણ છે, તો કોકિલાય કેમ ન હોય વળી ! કવિ ગાય છે,

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી.
ડાળે ઝૂલંત કો’ક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

સરોવરની પાળ સોનેરી છે. સવારના સૂરજનો કૂણો કૂણો તડકો પડે છે (સાંજ હોત તો ભૂખરો હોત) એથી એ પાળ સોનેરી ઝાંયથી ઝળહળી ઉઠી છે. પ્રકૃતિની ગોદમાં રહેનાર માણસ પાસે નગરજીવનની યાંત્રિકતા ન હોય, સમયની કશી પાબંધીય ન હોય; એની પાસે પ્રકૃતિને નજીકથી, જીવંતતાથી માણવાનો ભરપૂર સમય હોય છે, જે કવિ પાસે નહોતો અથવા એ ક્ષણો ચૂકી જવાઇ હતી; એટલે કવિ કહે છેઃ ‘હંસોની હાર મારે ગણવી હતી’. વળી, કવિની વેદનાને કવિએ જ ‘કોકિલા’ સાથે સરખાવી છે. કોકિલા જાતે પોતાનો માળો ખાલી કરે છે, પોતાનાં ઇંડાં કાગડાના માળામાં મૂકી દઇને, એમ કવિએ પણ જાતે જ પ્રકાૃતિ સાથેનો અનુબંધ તોડ્યો છે, તૂટ્યો છે, એટલે એની સાથે, કોકિલાના માળા સાથે, ‘અંતરની વેદના’ વણવાની ઈચ્છા વ્યકત કરે છે.
આવી આવી ઈચ્છાઓથી ભર્યાભાદર્યા કવિ નગરમાં વસે-શ્વસે છે. એમનું આકાશ સાવ કોરું ધાકોર છે. ત્યાં પંખીઓનું ગાન નથી, નથી એની પાંખોનો ફફડાટ. ત્યાં વૃક્ષોને સ્પર્શીને આવતો મંદ સુગંધિત સમીર નથી. નગરમાં તો મિલોનાં ભૂંગળાંની ને વાહનોની ચિત્કાર સમી ચીસો - આકાશમાં ધૂળ-ધુમાડો - હવામાં ગંદી ચાલો, વાહનોની ભીની ભેજલ દુર્ગંધ અનુભવાય છે. એથી ત્રસ્ત થયેલા કવિ ખુલ્લા આકાશ નીચેથી પોતાના આંતરનાદને ઝીલવાનો, ઓળખવાનો, પામવાનો પ્રયાસ કરે છે. એમનો આ યત્ન બોદો પુરવાર થયો છે એ તો એમણે પ્રગટ કરેલી ઈચ્છાઓમાંથી જ ફલિભૂત છે. કવિની આંતરવેદના જુઓઃ એમાં રહેલું ધોર-ગંભીર આક્રંદ સાંભળવા જેવું છેઃ

એકલા આકાશ તળે ઉભીને એકલો
પડઘા ઊરબોલના ઝીલવા ગયો

તો શું થયું?

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

સામો કશો પ્રત્યુત્તર નથી મળતો, કશો પડઘો નથી પડતો, કશો હોંકારો નથી મળતો, એટલે કવિ ઝાંખો પડે છે. એકલા, એકલો, એકલો અટૂલોની આવલિ અહ કર્ણપ્રિય બનવા સાથે હૃદયના ઊંડાણમાંથી ભકારનો પડઘો પાડે છે. એ પછીની, કાવ્યના અંત તરફની પંકિતઓમાં નિશ્ચયનો ભાવ આશાવાદ રૂપે પ્રકટ્યો છેઃ

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી,
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

કાવ્યની શરૂઆતની પંકિતઓ અને આ પંકિતઓમાં થોડી સમાનતા જોવા મળે છે, વિરોધ તો છે જ. ભાવ પણ જળવાઇ રહે છે. કાવ્યની શરૂઆતમાં આવતો ‘ભોમિયા વિના’ અને કાવ્યાંતે આવતો ‘ભોમિયા ભૂલે’ વચ્ચેનો વિરોધભાવ-ભેદ માણવાયોગ્ય છે. વાહ કવિ વાહ! બોલી જવાય.
તો,‘રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.’ સાથે ‘અંતરની આંખડી લ્હોવી જરી.’નું અનુસંધાન, પ્રાસ મળી રહે છે. તર્ક પણ સાચો પડતો જણાય છે. પ્રકૃતિથી છૂટા પડી ગયેલા વ્યકિતની આંખ પ્રકૃતિનાં દર્શને જ ઠરે... ત્યાં સુધી તો શ્રાવણનાં સરેવડાં. કવિનું આંતરમન પણ વિયોગનાં, વિચ્છેદનાં આંસુ સારે છે. એટલે ફરી પાછા પ્રકાૃતિની ગોદમાં જઇને અંતરમાં ઉમટતી વેદનાને શાંત કરવી છે, રડતી આંખોને લૂછી લેવી છે.

ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિ વર્ણનનાં, ગ્રામ્ય સંસ્કૃતિનાં, વતન વિચ્છેદની વેદનાનાં ઘણાં કાવ્ય અનેક કવિઓની કલમે આલેખાયાં છે. તરત જ સ્મરણે ચડતું પ્રહ્લાદ પારેખનું આ પ્રકૃતિગાન માણવા જેવું છેઃ

‘ભીની માટીની ગંધ આવે યાદ રે,
હાલો ભેરુ ગામડે રે...’

 

અજિત મકવાણા
કવિ, આસ્વાદક, પ્રુફ રિડર
સેકટર-13, ગાંધીનગર-382013

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index