શોર્ટકટ


બેઠો હોઉં નિરાંતે હિંચકે, ઝૂલતો હોઉં, પક્ષીઓના અવાજો સાંભળતો હોઉં. આસપાસનાં વૃક્ષોને જોતો હોઉં. મસ્તીથી ઝૂલતાં ઝૂલતાં વેલમાં બુલબુલના માળા, પંજા પર ઊંચો થઇ જોઉં તો અંદરના ઈંડાં ય દેખાય એટલા નીચા. બેઠું હોય બુલબુલ ઈંડા સેવતું. મને એકાદ ફૂટના અંતરે જોઇનેય ઉડે નહીં એવો તો વિશ્વાસ! સામે ચબૂતરો. આખો દિવસ એમાં હોલા, ચકલાં, લેલાં, કાબર, બુલબુલ, દરજીડા આવતાં-જતાં-ઉડતાં-ગાતાં હોય ને એ ચબૂતરા પાસેથી પસાર થઇ આસોપાલવમાં ગૂંથાઇ જતી મધુમાલતી તો જાણે ખિસકોલીઓની ચબૂતરા પરથી દોડાદોડ કરવાની સીડી. વળી, સામેના ખૂણામાં નાનકડી કૂંડી. કૂંડીમાં કૂઇ માછલીઓના તરતા-સરતા રંગ લિસોટા. મારે મન મારા નાનકડા, ઘરના કમ્પાઊન્ડના ખૂણાની એ હિંચકાવાળી જગ્યા એટલે સુખનો સાગર ને સ્વર્ગનું દ્વાર! મને એ સુખના સાગરમાં કલાકો સુધી ઝૂલ્યા કરવું ગમે. થાય, બસ અહીં જ બેસી રહું આખો દિવસ. ઝૂલ્યા કરું. જોયા-સાંભળ્યા કરું, બધું, દિવસ રાત....
બેઠો’તો હિંચકે, ઝૂલતો. જોયા-સાંભળ્યા કરતો’તો પક્ષીઓને, એમના અવાજોને, અને વાંદરાભાઇ આવી ચડ્યા. મારી બાજુમાં ગોઠવાઇ ગયા. ખભે ભરાવેલી બેગ, સાચવીને ખોળામાં મૂકી. મ એ જોઇને પૂછ્યું, ‘શું છે?’ તો કહે, ‘તને બતાવવા જ લાવ્યો છું. શું આખો દા’ડો અહીં નવરોધૂપ ઝૂલ્યા કરે છે?’ અને બેગ ખોલવા લાગ્યા. ‘તમારાથી શું અજાણ્યું છે. વાંદરાભાઇ - બસ, મજા પડે છે બધું જોવાની. જુઓ, ચબૂતરામાં કેવી ટહેલે છે કાબર અને જુઓ આ માળો, ત્રણ ઈંડા હતાં, બેમાંથી બચ્ચાં બહાર આવ્યાં છે...’
બેગમાંથી એમણે એક મજાનો કેમકોર્ડર કાઢ્યો. એની ગિ્રપમાં હાથ બરાબર ભરાવી ઓન કરતાં કહે, ‘જોયા હવે તારાં કાબર, બુલબુલ ને કબૂતરાં.... આમાં જો તને બતાડું, સ્વર્ગનું સૌદર્ય કયાં છે ને કેવું છે!’
‘જુઓ વાંદરાભાઇ તમને ઘડીભર જપ નથી એટલે બેસીને આ બધું માણી શકતા નથી. એક વાર જરા શાંતિથી બેસીને જુઓ તો ખરા આ બધી લીલા... પછી તમેય અહીંથી ખસવાનું નામ નહીં લો.’
જવાબમાં એમણે કેમેરાનો એલસીડી સ્ક્રીન મારી તરફ ધર્યો. આકાશને અડતા કોઇ ઊતુંગ શિખરની આસપાસ સફેદ વાદળના ગોટેગોટા વટળાઇ વળ્યા હતા. ઘેરા આસમાની રંગના આકાશમાં ચમકતાં સફેદ વાદળોની ય ઊપર ઝગારા મારતો હતો એ શિખરની ટોચ પરનો સ્નો... એવું લાગે જાણે થોડાં વાદળાં પર્વતની ટોચ પર ચડી નિરાંતે લંબાવીને સૂતાં છે... ઘડીમાં વળી એવું લાગે જાણે પર્વત વાદળની પાંખ કરી ઉડવા મથી રહ્યો છે.... જોયા જ કરતો હતો હું, ને કેમેરા સ્વિચ ઓફ. મેં વાંદરાભાઇ સામે અહોભાવથી જોયું તો ભ્રમર ઊલાળતા મારી તરફ રુઆબથી જોતા અદબ વાળીને બેસી ગયા.
‘અરે યાર, ગજબની જગ્યા છે આ તો---’ કહેતાં મેં ફરી વિડિયો બતાવવા પ્લીઝ કહીને વિનંતી કરી તો હસતાં હસતાં કહે, ‘અહીં બેઠાં બેઠાં જોવાની શી મજા? ત્યાં જઇને જુએ તો જાણે કે આટલી ઊંચાઇ પર હોવું શું વસ્તુ છે’
‘પણ વાંદરાભાઇ, કયાં હું ને કયાં આકાશને અડતું એ હિમશિખર! હું કઇ રીતે જઇ શકું ત્યાં?’
‘બસ ઈચ્છા હોવી જોઇએ, દોસ્ત! અને બુલંદ વિશ્વાસ પછી કંઇ અઘરું નથી. રહ્યો સવાલ ત્યાં પહાચવાનો તો હું છું ને!’
મને પાર વિનાના પ્રશ્નો થતા હતા... કેટલે દૂર હશે ને કઇ રીતે જઇશું... ને કયારે પહાચીશું... વાંદરાભાઇએ કેમેરાના સ્ક્રીન પર પેલા શિખરની જુદા જુદા એંગલથી લીધેલી સ્ટીલ ઈમેજિસ બતાવતાં બતાવતાં મારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા કર્યા ને હું તો થઇ ગયો ભઇ તૈયાર...
મારી ખાવા-પીવા-રહેવા-સૂવાની બધી જવાબદારી એમણે સ્વીકારી લીધેલી. કહે, ‘તું તારે બીજી બધી ફીકર મૂકી દે. તારે ખાલી ચાલવાનું છે મારી સાથે, મારી પાછળ - બાકી બધું હું સંભાળી લઇશ. ટૂંકામાં ટૂંકા રસ્તે તને ત્યાં પહાચાડીશ.’
વાંદરાભાઇ બોલી રહ્યા હતા ત્યાં એક હોલો સામેના ચબૂતરા પર ઉડી આવ્યો. આમતેમ આંટા મારવા લાગ્યો. ‘દાણા ખાલી થઇ ગયા લાગે છે.’ કહેતાં હચકેથી ઉભા થઇ મેં ચબૂતરા નીચે મૂકેલા ડબામાંથી વાડકી ભરી દાણા ચબૂતરામાં નાંખ્યા ને હોલો ભડકીને ઉડી હવામાં ચક્કર લગાવતો, આસોપાલવના ઝૂંડમાં ગુમ થઇ ગયો. વાંદરાભાઇ હિંચકે બેઠા મારું મૂવી ઊતારી રહ્યા હતા. મેં પાસે જઇને હિંચકે બેસતાં એમને કહ્યું, ‘પણ પછી આ બધાંનું શું? આ ચબૂતરો- આ પક્ષીઓ- વૃક્ષો- માછલીઓ ને આ હિંચકો...’ જરા અટકીને ભોળાભાવે મેં ઊમેર્યું ‘પાછા કયારે આવવાના આપણે?’
મારા માથે ટપલી મારતાં, ખડખડાટ હસતાં વાંદરાભાઇ કહે, ‘ભૂલી જવાનું પાગલ- બધું ભૂલી જવાનું. ત્યાં ગયા પછી પાછા ફરવાનો વિચાર પણ નહીં આવે. હવે થા ઉભો ને ચાલવા માંડ, મારી પાછળ...’ ને એ તો ચાલવાય માંડ્યા ઉભા થઇને.
‘પણ વાંદરાભાઇ, ત્યાં જવાનો રસ્તો!’
જરા અટકી મારી પાસે આવી મારા ખભે હાથ મૂકી વાંદરાભાઇ કહે, ‘તું જયાં ઉભો હોય ત્યાંથી જ પસાર થતા હોય બધા રસ્તા. બસ વૃત્તિ જોઇએ. પછી કદમ ઊપાડો ને રસ્તો હાજર.’ બાજુમાં ઝૂલતા જૂઇના ડાળખાંને હટાવતાં એમણે ઊમેર્યું, ‘જોવું છે તારે? તો જો, આ રહ્યા શોર્ટકટ...’
અને ખરેખર મારા આશ્ચર્ય વચ્ચે મારી જૂઇના ઝૂંડમાંથી પસાર થતો રસ્તો દેખાયેલો મને.
‘અરે વાંદરાભાઇ અહ તો હું રોજ કલાકો સુધી બેસતો હોઉં છું... મેં તો કયારેય આ રસ્તો જોયો નથી.’ જૂઇનાં ડાળખાં હટાવતાં મૂકીને આગળ વધતાં હસતાં એ કહે, ‘નજર જોઇએ દોસ્ત નજર, તું ચકલાં ને માછલાં જોતો બેસી રહે પછી આવા રસ્તા કયાંથી દેખાય તને!’
વાંદરાભાઇ ડાળખાં હટાવતાં વાંકા વાંકા આગળ ને આગળ ચાલતા રહેલા ને હુંય ચૂપચાપ એમની પાછળ પાછળ વાંકો વળીને, કયારે ઊઝરડાતો-ડગમગતો - પડતો-આખડતો - ભાંખડિયે ચાલતો - અથડાતો-કુટાતો આગળ ને આગળ ધપતો રહેલો. થોડો સમય એમ ને એમ આગળ વધતા રહ્યા પછી વાંદરાભાઇનો અવાજ સાંભળી ઊંધું ઘાલીને આગળ વધતાં મેં ઊંચે જોયું - એમનો હાથ મારી તરફ લંબાયેલો હતો.
‘આવી જા બહાર’ એમણે કહ્યું ને એમનો હાથ ઝાલી ઝાડીઝાંખરામાંથી બહાર નીકળતો હું ઉભો થયેલો.
ફાટી ગયેલી મારી આંખો. સામે દૂર દૂર સુધી વિસ્તરેલા લીલાછમ પર્વતોની હારમાળાની પાછળ, વાદળનાં ઝૂંડનાં ઝૂંડ લપેટીને ઉભેલા ઊંચા પર્વતશિખરની આકાશમાં ઓઝલ થતી આકૃતિ દેખાતી હતી.
ઘડીક તો શૂન્ય થઇ મેં જોયા જ કર્યું. મને કલ્પનાય નહીં કે આવો શોર્ટકટ વાંદરાભાઇ જાણતા હશે. ઢીંચણ કોણી છોલાયાં હતાં, શરીર ઊઝરડાયું હતું પણ એ બધું ભૂલીને આશ્ચર્યચકિત થઇ હું આસપાસ જોવા લાગેલો. પાછળ જોયું. જોવા, મારી જૂઇ - મારો હિંચકો કયાં ? પણ પાછળ તો ઘટાટોપ વૃક્ષો અને ઝાડીઝાંખરાંના લહેરાતા લીલા દરિયા વચ્ચે કંઇ દેખી શકાય એમ જ ન હતું.
બાવડેથી મને ઝાલી હચમચાવતા આંખો ઊલાળી વાંદરાભાઇ કહે, ‘છે ને શોર્ટકટ! નજર જોઇએ દોસ્ત નજર.’ મને તો વાંદરાભાઇને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાનું જ મન થઇ આવ્યું. ‘ચમત્કાર છો વાંદરાભાઇ તમે... હું તો સાત જનમમાં આટલે આવવાની કલ્પનાય ન કરી શકત...’ ગર્વથી હસતા એ કહે, ‘હજી તો શરૂઆત છે... જો પેલું શિખર દેખાય... હવે રાહ કોની જુએ છે!’
એને તીરની જેમ છૂટેલો હુંય. કદાચ તો વાંદરાભાઇનેય નવાઇ લાગી હશે મારી ગતિ જોઇને. ઘડીક તો મને એમ લાગેલું કે, એકીકૂદકે આકાશને અડકી જવાશે. વાંદરાભાઇ પણ હરખઘેલા થઇ ઠેકડા મારતા મારી પાછળ દોડેલા. મસ્તીથી ઉછળ-કૂદતા-તોફાન કરતા અમે પર્વત ચડવા લાગેલા... ચારે તરફ લીલુંછમ ઘાસ ને એવો જ મીઠો લીલો પવન... એક બાજુ જુઓ તો ખળખળ ખળખળ કરતું ઝરણું દોડ્યું જાય. લીલા-સફેદ-આસમાની એનાં પાણી ને વચ્ચે વચ્ચે મોટા મોટા પથ્થરો, જાણે ઝરણાની પગલીઓ...
દોડતાં દોડતાં થાકીને હાંફતો હું ધીમો પડેલો. વાંદરાભાઇના ખભે હાથ ટેકવી ઘડીક પેટ પકડી, વાંકો વળી, ઉભો રહ્યો. ત્યાં સુધીમાં તો અર્ધેથી ઊપર પહોંચી ગયેલા અમે. લીલાછમ પર્વતની ટોચ નજર સામે દેખાતી હતી અને એની પાછળ છુપાયું હતું પેલું હિમશિખર... બસ, આ પર્વતની ટોચ અને પછી એ શિખર! વિચારતાં ઘડીક ઉભા રહી મેં ફરી દોડવું શરૂ કરેલું... પગ ધ્રૂજતા હતા. હાંફ ચડ્યો હતો. નાના નાના પથ્થરો પર પગ પડી જતાં લપસી પડાતું હતું. છતાં હું જીવ પર આવીને ચડતો રહેલો અને ત્યારે જ અટકયો જયારે એે પર્વતની ટોચ પર પહાચ્યો.
મારા ચહેરા પર વિજયી હાસ્ય પથરાઇ ગયેલું ને એ જોઇને વાંદરાભાઇએ મને આસપાસ નજર કરવા ઈશારો કરેલો... મારા આશ્ચર્ય વચ્ચે જે પર્વત પર હું ચઢ્યો હતો એ હવે પર્વત લાગતો ન હતો. હું જાણે એક નાની ટેકરી જ ચડ્યો હતો. મારી નજર સામે એનાથી ઊંચા ઊંચા કેટલાય પર્વતોની હારમાળા ઉભી હતી અને પેલું હિમશિખર તો જાણે એટલું ને એટલું દૂર! થાકથી મારા પગ ધ્રૂજતા હતા. મને લાગ્યું કે, હવે ઉભા રહેવું શકય નથી. ઢગલો થઇ બેસી પડ્યો હું. પાછળ જોઉં તો ટેકરીનો ઢોળાવ પૂરો થતાં જ ગીચ ઝાડી લહેરાતી હતી. મારા ખભે ટેકો દઇ વાંદરાભાઇ ‘હાશ’ કરતાં બાજુમાં ગોઠવાયા. દૂર ક્ષિતિજ પાછળ સૂર્યનો ગોળો રાતોચોળ થઇ આકાશની ધૂસરતામાં વિલીન થતો જતો હતો. એના પ્રકાશથી પેલા હિમશિખરની કિનારીઓ રાતા રંગે રંગાઇ હતી. વાંદરાભાઇ એના પળે પળે બદલાતા સૌંદર્યનું વર્ણન કરતા રહેતા. પછી મોડા સુધી મને સમજાવતા રહેલા કે ધીમે ધીમે પણ સતત ચાલતા રહીને કેવી રીતે પર્વત પર ચડવું - પથરાળ રસ્તાઓમાં કેવી રીતે સાચવીને ચાલવું - કયાં કયારે અને કઇ રીતે થાક ખાવા બેસવું - ખીણની બાજુમાંથી કઇ રીતે પસાર થવું - ઢાળ ઉતરતાં શુ ધ્યાન રાખવું ને કઇ રીતે સમતોલન જાળવવું...
મારી બધી જવાબદારી તો એમણે સ્વીકારી જ હતી ને એ મુજબ મારી બધી જરૂરિયાતો એમણે પૂરી કરેલી. મારે તો બસ ચાલ્યા કરવાનું હતું, મારે તો બસ પહાચવાનું હતું, પેલા હિમશિખર પર. એટલી ઊંચાઇ પર કે જયાંથી આકાશ વત છેટું લાગે અને એ ઊંચાઇ પર પહોંચવા હું મક્કમ હતો. વાંદરાભાઇ મારી સાથે હતા. કોઇ અવરોધ ન હતો. કોઇ અમને રોકી શકે એમ ન હતું. કંઇ અટકાવી શકે એમ નહોતું.
વાંદરાભાઇએ મને સમજાવેલું કે વધુ ઊંચાઇ સર કરવા જરૂર પડે તો ખીણમાંય ઉતરવું. હું પહેલી ટેકરી પરથી દેખાતી પર્વતમાળાને સર કરવા ખીણમાં ઉતરેલો અને ગીચ ઝાડીઝાંખરાંવાળી એ પર્વતમાળા પર ચડાણ શરૂ કરેલું. લીલા ઘાસના ઢોળાવોવાળી ટેકરી જેટલું સરળ ન હતું. છતાં એ ઝાડીઝાંખરાં વટાવતા અમે આગળ વધતા રહેલા. હું જયાં જયાં ભૂલો પડતો ત્યાં વાંદરાભાઇ રસ્તો દેખાડતા, જયાં અટવાતો ત્યાંથી ઊગારતા, જયારે ગબડતો ત્યારે બચાવતા, હિંમત હારી જતો ત્યારે મનોબળ વધારતા. અને એમ ને એમ અટકતો, અટવાતો, બચતો, આગળ વધતો, હું જયારે પર્વતમાળાની ટોચ પર પહાચ્યો ત્યારે ફરી એક વાર મારી પર્વતમાળા મને નાની ટેકરી જેવી લાગેલી. સામે ઓર વિશાળ પર્વતો ‘નહીં જવા દઉં’ કહી હાથ વિસ્તારી ઉભા હતા. ફરી એક વાર પેલું હિમશિખર એટલું ને એટલું દૂર લાગેલું ને ફરી હું હિંમત હારી ગયેલો, ફરી વાંદરાભાઇએ મને વધુ ઊંચાઇ સર કરવા પ્રોત્સાહન આપેલું અને હું આગળ વધતો રહેલો.
એક પછી એક પર્વતમાળાઓ અમે વટાવતા ગયેલા. આગળ ને આગળ વધતા રહેલા. ચીડનાં વૃક્ષોની અસંખ્ય કતારોને જોઇ મને જયારે જયારે મારા હચકા પાસેના આસોપાલવ યાદ આવતા ત્યારે ત્યારે વાંદરાભાઇએ પેલા હિમશિખરનાં મોહક વર્ણનો કરીને કે એના સુંદર ફોટા બતાવીને મને આગળ વધાર્યો હતો અને એવુંય નહીં કે હંમેશા એ આવી સમજાવટથી કામ લેતા, બહુ જીદ કરું તો અકળાઇને કયારેક ખીણમાંય ધકેલી દે. રાત્રે અચાનક હાંફળોફાંફળો જાગી જાઉં ત્યારે ખબર પડે કે ઝાડની ડાળે ઊંધો લટકયો છું ને દોરી વાંદરાભાઇના હાથમાં છે. નીચે નજર કરતાંય ચક્કર આવે એવી ઊંડી ખાઇ હોય... ઊંધા માથે લટકતો કલાક સુધી કગરું ત્યારે પાછો ખેંચે અને પછી ઠપકોય આપે અને સાથે મને મારી સાહસકથા સંભળાવવા લાગે. અમે જે પર્વતો-ઝરણાં-વૃક્ષો-રસ્તા ને પર્વતમાળા વટાવતા પસાર થતા હોઇએ તેનું મૂવી વાંદરાભાઇ ઊતારતા રહે અને પછી મારી નિરાશાની ક્ષણોમાં મારા સંઘર્ષની ગાથાઓ સંભળાવતા મને એ વિડિયો બતાવે. અને હું મારી સામે વિકટ પડકાર બનીને ઉભેલી પર્વતમાળાને સર કરવાની હામ ભીડું અને સર કરીને રહું...
એમ કરતાં આખરે અમે એ હિમશિખર સમક્ષ જઇ પહાચેલા જયાં પહાચવા હું ન જાણે કેટલા સમયથી, કેટલે દૂરથી સંઘર્ષ વેઠતો રહ્યો હતો! જોકે, હવે એ સંઘર્ષ મારે મન સંઘર્ષ નહીં, મારી અવિસ્મરણીય સાહસકથા હતી. મને લાગેલું કે એકીદોટે એ શિખરની ટોચે પહાચી જવાશે પણ હું હવે જાણતો હતો કે, ભલે મને લાગે પહાચી જવાશે પણ એમ દોડીને પહાચાતું નથી. એટલે મ ધીરજપૂર્વક વાંદરાભાઇ સાથે મારા એ ધ્યેય તરફ પ્રયાણ આદરેલું...
દેવદારનાં વૃક્ષોથી આચ્છાદિત એની તળેટીને વટાવતાં અમે આગળ વધેલા. ઘેરા લીલા રંગનાં એ ગગનચુંબી વૃક્ષો જયારે ડાળમાં ડાળ પરોવી પવનમાં ડોલતાં ત્યારે મને લાગતું કે જાણે અમારા આગમનનો ઊત્સવ ઊજવાઇ રહ્યો છે. એ ઊલ્લાસી વૃક્ષોના વનને વટાવી અમે પથરાળ ઢોળાવો પર પહાચેલા. કપરાં ચઢાણ હતાં પણ વારંવાર પડવા-આખડવા છતાં હવે મને કોઇ રોકી શકે એમ ન હતું. હવે વાંદરાભાઇએય મને કંઇ શીખવવા સમજાવવાની જરૂર ન હતી. બધી જ મુશ્કેલીઓનો સામનો કરતો હું જયારે સ્નો સુધી પહાચ્યો ત્યારે મારી જાતને રોકી નહીં શકેલો. પાગલ થઇ દોડેલો હું ને સાથે વાંદરાભાઇ પણ ખરા જ... ખૂબ મસ્તી કરેલી અમે... ને એમ અમારા વિજયના આનંદને પહેલેથી જ ઉજવવા માંડેલા...
બર્ફીલા પહાડ પરથી વાંદરાભાઇએ મને નીચે નજર કરવા કહેલું. મારા આશ્ચર્ય વચ્ચે મેં મારી જાતને વાદળો કરતાં ઊપર જોયેલી. મને લાગેલું જાણે આકાશથી ઊંચે પહાચી ગયો છું હું અને એવા રોમાંચ સાથે હિમશિખરના ચો તરફ વિસ્તરેલા બરફમાં મેં ગડગડતી દોટ મૂકેલી. વાંદરાભાઇની સૂચનાઓનેય ભૂલીને હું દોડેલો. બરફની નીચે વહેતા ઝરણાને ખાળવા એમણે આપેલી લાકડી પણ મેં ફગાવી દીધેલી અને પાગલ થઇ ટોચ ભણી દોડી ગયેલો.
‘સંભાળીને દોડ જે - ધ્યાન રાખજે...’ કરતા મને સંભાળવા, મારું ધ્યાન રાખવા વાંદરાભાઇ પણ મારી પાછળ દોડવા લાગેલા અને હું એમના કરતાંય પહેલો એ શિખરની ટોચે પહોંચી ગયેલો... ઊત્સાહમાં ચીસો પાડવા મારું મોં ખૂલી ગયેલું... આનંદથી આંખો ફાટી ગયેલી અને મારા જ વિજયને વધાવવા હાથ ઊંચકાયેલા પણ ટોચ પર પહોંચીને મેં જે દૃશ્ય જોયું એનાથી મારું ચીસ પાડવા ખૂલેલું મોં આશ્ચર્ય અને નિરાશાના બેવડા ભાવથી લચી પડેલું, ફાટેલી આંખો ઢળી પડેલી અને ઊંચકાયેલા હાથ હેઠા લટકી પડેલા...
મારી આંખ સામે એક એકથી ઊંચાં અનેક શિખર હતાં. બસ જે દિશામાંથી હું આવ્યો હતો તે સિવાયની તમામ દિશાઓમાં ગણ્યા ગણાય નહીં એટલા એક એકથી ઊંચાં શિખરો જાણે હાથમાં હાથ પરોવી મારો ઘેરો ઘાલતાં અટ્ટહાસ્ય વેરી રહ્યાં હતાં.
વાંદરાભાઇનો હાથ મારા ખભે પડ્યો. મેં એમની સામે જોયું. એય ઘડીક તો મને જોઇ છળી ગયા. સીધા આશ્વાસન જ આપવા માંડ્યા... ‘અરે, ગાંડાભાઇ, આ તો તને આટલે સુધી લાવવા માટે... હજી તું આગળ જોજે તો ખરો... જો પેલ્લા શિખર પાછળ એક સરોવર છે...’ બોલતાં બોલતાં એમણે કેમકોર્ડર કાઢી મને હજી સુધી ન બતાવેલી તસવીરો બતાવવા માંડી. આ રહ્યું જો... અને તું હોલાં જોતો હતો ને! આ જો મોનાલ કહેવાય... અને આ જયૂટ સ્વાન... પેલા લેક પાસે જોવા મળે...’ એ બોલતા રહ્યા ફોટા બતાવતા રહ્યા... હું કંઇ બોલ્યા વિના બેસી પડ્યો. મારી સામે મારા આ હિમશિખરને તો કેડમાં ઘાલી રમાડે એવા વિરાટ પર્વતોનાં ગણ્યાં ગણાય નહ એટલાં શિખરો નાખી નજર ન પહાચે ત્યાં લગી વિસ્તરેલાં હતાં. ‘કયાં જઇશું વાંદરાભાઇ, ને કેટલાંને સર કરીશું? કઇ દિશામાં જઇશું ને કયાં સુધી? કંઇ અંત ખરો આનો?’ હું પૂછતો રહેલો વાંદરાભાઇને પણ નથી મારા પ્રશ્નોના એમની પાસે જવાબ ને નથી એમની વાતોમાં આવીને એક ડગલું ભરવાની મારી તૈયારી.
બસ, ત્યારથી અહીં જ છીએ. નથી વાંદરાભાઇ પાછા જવાનું સ્વીકારતા કે નથી હું આગળ જવા તૈયાર. રોજના ઝઘડા... એ કહે, ‘આગળ ચાલ’ ને હું કહું, ‘ચાલો પાછા’. એ કહે, ‘જો પેલા શિખરના ને પેલા લેકના ફોટા.’, હું કહું , ‘મને બતાવો મારા હિંચકાના- મારા ચબૂતરાના- મારી જૂઇ - મધુમાલતી ને આસોપાલવના ફોટા...’, કયારેક મને પટાવતા એ વિનંતી કરે, ‘ચાલ ને યાર, એકદમ શોર્ટકટમાં જઇશું’ ને હું ભીની આંખે વિનવું એમને કે, ‘મારા હિંચકા પાસે પહાચાડે એવો શોર્ટકટ બતાવો ને વાંદરાભાઇ...’
એકે રીત અજમાવવાની બાકી નથી રાખી એમણે. સમજાવે, ધમકાવે ને વિનંતીઓય કરે. વાર્તાઓ કહે, ગીતો ગાય ને લાલચોય આપે... પણ હું એકનો બે ન થાઉં... પછી ચિડાય બરોબરના. બરફનાં પાણી ધોધ થઇ વહેતા હોય એમાં ઊંધો લટકાવી દે. શરીર લાકડા જેવું થઇ જાય એટલે રાતી આંખ કરી પૂછે, ‘બોલ હવે, આગળ વધવું છે કે નહીં ?’ ને કકડતી દાઢીએ મારા મોઢેથી જયારે પહેલો શબ્દ નીકળે એ શબ્દ ‘ના’ જ હોય.
એકબીજાથી થાકી કંટાળી હારીને, એકબીજાની પીઠે પીઠે ટેકવીને પછી બેસી રહીએ. એ તાકયા કરતા હોય, શૂન્ય નજરે, પેલા પર્વતોની પાર, ...ને હું એમના કેમેરામાં છેલ્લે મારા હિંચકે બેસી એમણે રેકોર્ડ કરેલી મૂવી જોતો હોઉં... હચકે ઝૂલતાં ઝૂલતાં ઊતાર્યું છે એટલે મૂવીમાંનું પિકચર પણ હાલકડોલક થાય છે. ચબૂતરામાં આમતેમ આંટા મારી રહ્યો છે હોલો. હું હિંચકેથી ઉભો થઇ ચબૂતરા નીચે મૂકેલા ડબામાંથી વાડકી ભરી દાણા છૂટા નાખું છું ને ભડકીને હોલો ઉડી જઇ હવામાં ચક્કર લગાવતો આસોપાલવના ઝૂંડમાં ગુમ થઇ જાય છે...

જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ
૯, ન્યૂ સૂર્યનારાયણ સોસાયટી,
રન્નાપાર્ક, અમદાવાદ
મોઃ ૯૪૨૮૧ ૨૪૧૧૫

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index