Included in the UGC-CARE list (Group B Sr. No 172)

સમકાલીન સમયમાં જીવન વધુને વધુ જટિલ બની રહ્યું છે. પરિણામે માનવ ઉદ્દિગ્નતા અને અતૃપ્તિ સતત અનુભવતો રહે છે. તેના ચિત્તની આ ઉદ્દિગ્નતા સતત સાંત્વન શોધે છે. કોઈકને આ સાંત્વન ભૌતિક આનંદમાં સાંપડે છે. તો અન્યને તે આધ્યાત્મિકતા તરફ ગતિ કરાવે છે. ભારતીય આધ્યાત્મિક તત્ત્વચિંતન અને દર્શનો સમસ્ત વિશ્વમાં અદ્વિતીય છે. તે માનવને ઉત્તમ પુરુષાર્થ "મોક્ષ'ની પ્રાપ્તિ કરાવવા માટે પણ સમર્થ છે. પરંતુ આ તત્ત્વચિંતન તેના દાર્શનિક તર્કબદ્ધ સિદ્ધાંતો તથા તેના શાસ્ત્રીય નિરૂપણોને કારણે બહોળા જન-સમાજ માટે દુષ્કર છે. જાણે કે તે જ્ઞાનમાર્ગીઓ માટે જ છે ! સામાન્ય જન-સમાજને આશ્વાસિત કરી શકે તેવું કંઈક તત્ત્વ પણ આપણી સંસ્કૃતિ પાસે છે. અને તે છે "જીવન-દર્શન'. ભારતીય સંસ્કૃતિમાં ધબકતું અને સંસ્કૃત સહિત પ્રત્યેક આર્યભાષાના સાહિત્યમાં ઝિલાયેલું આ જીવન દર્શન સરલ અને સહજ હોવા સાથે જીવંત પણ છે. તેથી તેનું અધ્યયન રસપ્રદ બની રહેશે.

વિશ્લેષણ તે માનવ સ્વભાવની વિશિષ્ટતા રહી છે. તેથી જ આદિકવિઓ મહર્ષિ વ્યાસ, મહર્ષિ વાલ્મીકિ કે મહાકવિ કાલિદાસ સહિત અનેક પ્રાચીન-અર્વાચીન સાહત્યિકારોની કૃતીઓમાં પ્રતિબિંબિત જીવન-દર્શન સમજતા પૂર્વે "જીવન-દર્શન' એટલે શું ? - તે સમજવું અનિવાર્ય છે. કોઈપણ સંસ્કૃતિના વિકાસમાં તેની વિચારશીલતા અને તત્ત્વચિંતન પાયાના પથ્થરો હોય છે. અને તે પણ એટલું જ સ્વાભાવિક છે કે આ વૈચારિક અભિગમોનું ધડતર તે સંસ્કૃતિને પરિઆવૃત્ત પરિબળો જ કરે છે. ભારતીય સંસ્કૃતિ અને તેની સમૃદ્ધ ચિંતન પરંપરા એ માત્ર ભારતને જ નહીં સમસ્ત વિશ્વને "જીવન-દર્શન'ની સમજ આપી છે. પ્રાચીન કાલમાં એટલે કે પ્રાગ્વૈદિક કાલમાં જીવનની પ્રાથમિકતા માત્ર "જીવન' જ હતી, દર્શન નહીં. વિશ્વનાં અધિકાંશ વિદ્વાનો અને ભાષાશાસ્ત્રીઓ સાથે સહમત થઈએ તો ભુમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશોમાંથી કે પછી ઉત્તરના યુરોપ આદિ કોઈપણ પ્રદેશોમાંથી આર્ય પ્રજાએ પ્રસ્થાન કર્યું. તેઓ ઇરાનીયન આર્યોથી છુટા પડીને ભારતવર્ષમાં જ્યારે સ્થાયી થયા ત્યારે તેમની પ્રાથમિકતા આ સિંધુ આદિ નદીઓથી સમૃદ્ધ પ્રદેશમાં સ્થિર થઈ.

સુખપૂર્વક જીવન વ્યપન જ હોઈ શકે. તેથી જ વેદોમાં જીવનનું મહત્ત્વ વધારે છે ને "દર્શન' તેના પછી પ્રવેશ્યું તેમ કહી શકાય. વૈદિક સાહિત્યમાં માનવના સામાજિક અને આર્થિક વિકાસ માટે તથા ઇશ્વરીય આશિષ વડે સુખમય જીવન વ્યપન અર્થે પ્રાર્થનાઓ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જો કે આપણે એમ ન કહી શકીએ કે વેદોમાં દર્શન તત્ત્વ નથી. પરંતુ ઉડીને આંખે વળગે તેવી બહુલતા તો જીવન તત્ત્વની જ પ્રાપ્ત થાય છે.

વેદો પછીના આરણ્યકો અને ઉપનિષદો આદિ સાહિત્યમાં દર્શન તત્ત્વના સ્પષ્ટ સુરેખ દર્શન થવા લાગ્યા. પરંતુ તેમાં પણ જીવન તત્ત્વની મહત્તા ક્યાંય ઓછી ગણવામાં આવી નથી. એમ કહી શકાય કે જેને આપણે "દર્શન' કહીએ છીએ તે ખરેખર તો દૃષ્ટિનો એવો વિકાસ છે કે જેના આધારે આપણે "જીવન'ને સમજીને યથાર્થપણે જીવી શકીએ. આમ "જીવન' તત્ત્વ અને "દર્શન' તત્ત્વનો જ્યારે સુમેળ થાય ત્યારે "જીવન-દર્શન' રૂપે તે એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરે છે.

અહીં એ સ્પષ્ટતા અનિવાર્ય છે કે "જીવન-દર્શન' એક વસ્તુ છે અને દાર્શનિક સિદ્ધાંતોથી યુક્ત દર્શનશાસ્ત્રો તદ્દન ભિન્ન વસ્તુ છે. કલાકારો, સાહિત્યકારો, રાજનીતિજ્ઞો અને સમાજનું કલ્યાણ ઈચ્છનારા લોકનેતાઓ જીવન દર્શનના સમર્થક હોય છે. કોઈ સૈદ્ધાંતિક દર્શન વિશેષના પ્રવક્તા ક્યારેય હોતા નથી.

શ્રીમદ્‍ શંકરાચાર્ય, શ્રીમદ્‍ રામાનુજાચાર્ય, મહર્ષિ કપિલ, મહર્ષિ પતંજલિ આદિ દાર્શનિકોએ જીવનનો યથાર્થ શોધવાનો તેના અંતિમ લક્ષ્ય મોક્ષનો જ વિચાર કર્યો છે. પરંતુ તે લક્ષ્ય જેનાથી પ્રાપ્ત કરવાનું છે તેવા જીવનને તેઓ મોક્ષપ્રાપ્તિનું સાધન માત્ર માને છે. સાધ્ય નહીં.

શ્રીમદ્‍ શંકરાચાર્ય તેમના અદ્વૈત વેદાંત મતને સિદ્ધ કરવા માટે પહેલા પૂર્વપક્ષનું ખંડન અને પછી સ્વપક્ષનું ખંડન કરે છે. અને પોતાના સિદ્ધાંતોના અનુમોદન માટે વિવિધ શ્રુતિઓના પ્રમાણો પણ આપીને પોતાનો મત તાર્કિક પદ્ધતિથી સિદ્ધ કરે છે. આમ દર્શનશાસ્ત્ર વિદ્વતાપૂર્ણ શાસ્ત્રીય અધ્યયન છે.

જીવન દર્શન તેનાથી ભિન્ન છે. તે સાધારણ જનતા માટેનું એવું અસરકારક ચિંતન છે કે જેમાં દર્શનો ન સ્વીકારે તેવા મતો, માન્યતાઓ પણ સ્થાન છે. આમ હોવાનું કારણ એ છે કે જીવન-દર્શન વ્યાવહારિક જીવન પર નિર્ભર છે. અહીં દર્શનોના શબ્દ પ્રમાણ કરતાં વ્યાવહારિક જીવનની સફળતા વધુ હસ્તામલકવત્‍ છે. સિદ્ધાંતોની ગહનતા અને જ્ઞાનમાર્ગની ગુરુતા કરતાં નૈતિક મુલ્યોથી યુક્ત જીવન વ્યપન વધુ વરણીય છે. આમ, અહીં "દર્શન'નો અર્થ શાસ્ત્રીય પરંપરાના દર્શનો નહીં પરંતુ જીવન પરત્વે વિકસિત દૃષ્ટિ - એમ સમજવો જોઈએ.

આ પ્રકારની દાર્શનિક દૃષ્ટિના અભાવમાં પણ જીવન જીવાતું હોય છે. અને મહદ્‍અંશે પશ્ચિમી સંસ્કૃતિની જીવન પરત્વેની આવી જ દૃષ્ટિ બહુજન સમાજમાં જોવા મળે છે. આથી કહી શકાય કે જીવન એ દર્શન પર અવલંબિત નથી. છતાં જીવનની યથાર્થતા માટે તે સ-દર્શન હોય તે ઈચ્છનીય છે. જીવન તત્ત્વને તમે અનિર્વચનીય ગણી શકો ! કારણકે તેનો સાહિત્ય, કલા કે વિજ્ઞાનથી પાર પામી શકાતો નથી. તેથી જ સાહિત્યનો કોઈ શબ્દ અંતિમ નથી. આમ જીવન જ સાહિત્ય, કલા, વિજ્ઞાન કે પછી માનવ જીવનના ઉચ્ચતમ શિખર "દર્શન' કે "ચિંતન'નો આધાર છે. જીવનનું અસ્તિત્ત્વ દર્શન પર અવલંબિત નથી. છતાં "દર્શન' જીવનને વધુ સંતોષમય બનાવી શકે છે. જે માનવ સમાજ સાહિત્ય, કલા, વિજ્ઞાનથી અને દર્શનથી પૂર્ણ બને છે તે માનવ સભ્યતા ચીરસ્થાયી અને પ્રભાવશાળી બને છે. તેનું ઉદાહરણ આપણી ભારતીય સંસ્કૃતિ જ છે.

હજારો વર્ષોની પ્રાચીનતા પછી આજેય ભારતીય પરંપરા તેનું અસ્તિત્વ અને પરિવેશ જાળવી શકી છે. તેનું કારણ આપણી "સમૃદ્ધ' પરંપરા જ રહી છે. અહીં હવે તત્ત્વજ્ઞાનની તાત્વિક ચર્ચા કરવાને સ્થાને આ પીઠિકા પર ભારતીય જનમાનસ પર પ્રબળ પ્રભુત્વ ધરાવતા અને નિત્ય નવીન અર્થો તથા સમકાલીન પ્રશ્નોના સમાધાન આપતા મહાગ્રંથ શ્રીમદ્‍ ભગવદ્‍ગીતા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કોઈ એક ધર્મના જ નહીં સમગ્ર વિશ્વના મહાગ્રંથમાં સ્થાન આપી શકાય તેવા લધુકાય મહાગ્રંથ "શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતા'ની તેના જીવન દર્શનના અનુસંધાનમાં વિચારણા કરીએ. શ્રીમદ ભગવદ્‍ ગીતાના શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ, અર્જુન વિષાદયોગથી માંડીને અંતિમ મોક્ષ સંન્યાસ યોગ સુધીમાં કૃતિમાં આલેખિત જીવન દર્શન અને તેના પ્રસંગો પર પર્યાપ્ત વિચારણા થઈ ચૂકી છે. તેથી તેના આંતરિક ક્લેવરને સ્પર્શ્યા વિના તેના બાહ્ય પરિબળોની અહીં સમગ્રલક્ષી ચર્ચા કરવામાં આવી છે.

ગીતા અનેક રીતે ક્રાંતિકારી ગ્રન્થ છે. અર્જુન જેવો મહાનાયક જ્યારે યુદ્ધની પરિસ્થિતિથી મોહિત-સંભ્રમિત થાય અને યુદ્ધથી ભાગવાની વાત કરે તેવું આલેખન જ ગીતાકારની જીવન-દર્શનની વિભાવનાની પાદપીઠનું કાર્ય કરે છે. જ્યારે હિંસા ન કરવાની ભાવનાથી અર્જુન યુદ્ધની ના પાડે છે ત્યારે ગીતાકાર હિંસાની પરંપરાગત અર્થ-વિભાવના જ નકારી કાઢે છે. અને હિંસાના આ પરંપરાથી ચાલી આવતી અને તેથી આપણને નિર્માલ્ય અને નિવીર્ય બનાવી દે તેવી દંભી અહિંસાનો ગીતામાં સ્પષ્ટ વિરોધ છે. ગીતામાંથી ભારતવર્ષે માત્ર આટલું જ ગ્રહણ કર્યું હોત તો આપણે આટલા બધા વિદેશી આક્રમણોથી કચડાયાં ન હોત.

પરંતુ છતાં એમ ન કહી શકાય કે આપણે ગીતામાંથી કંઈ ગ્રહણ કર્યું નથી. ભારતીય જન માનસ પર ગીતાનો કોઈ એક (અને સર્વોત્કૃષ્ટ) સિદ્ધાંત છવાઈ ગયો હોય તો તે છે કર્મનો સિદ્ધાંત. નિષ્કામ કર્મયોગે ઔદાર્ય અને કર્તવ્યનિષ્ઠાને ધાર્મિક આસ્થા સાથે જોડી આપણી સંસ્કૃતિ પર મહાન ઉપકાર કર્યો છે. સાથે સાથે વેદાન્ત આદિ દર્શનોના મહાપંડિતો જ મોક્ષમાર્ગના અધિકારીઓ ગણાય તેવો ભ્રમ પણ શ્રીમદ ભગવદ ગીતાના ભક્તિમાર્ગે નિર્ભયતાથી દૂર કરી એક મહાન સામાજિક સમાનતાનું કાર્ય કર્યું છે.

ગીતાનો રચનાકાળ સામાન્યતઃ ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદી માનવામાં આવે છે.1 ગીતા સહિત મહાભારત પ્રાચીન ભારતના જીવન પ્રત્યેના અભિગમની પ્રતિનિધિ કૃતિ છે. ગીતાની આ પ્રાચીનતા ભારતના અઢી હજાર જેટલા વર્ષોની સાક્ષી રહી છે. ગણરાજ્યો, મૌર્યવંશ, શુંગ વંશ, શકો અને કૃષાણો, ગુપ્તવંશ અને હર્ષવર્ધન આદિ અનેક સામ્રાજ્યોના ઉત્કર્ષ અને પતનની ગીતા માત્ર સાક્ષી જ નથી, સાંત્વન આપનાર માતા તથા હિંમત આપનાર મિત્ર પણ બની રહી છે. મધ્યયુગમાં ઇસ્લામી આક્રમણકારો અને શાસક અને આજના આઝાદી પછીના પણ લોકોને નિરાશ કરનાર મોટા ભાગના (લોકશાહીથી લોકોએ જ ચૂંટેલા) અને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે સતત ટકી રહેવા ભારતીયો પાસે એક જ સંજીવની હતી અને છે. તે છે ભગવદ્‍ ગીતા.

આમ, કહી શકાય કે શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતા એ કોઈ ધર્મ વિશેષ, સંપ્રદાય વિશેષ કે પછી દર્શન વિશેષનો ગ્રંથ નથી. ભલે "પ્રસ્થાનત્રયી'માં અત્યંત આદરણીય સ્થાન પામતો આ ગ્રંથ જ્ઞાનમાર્ગ માટે પણ અત્યંત મહત્વનો હોય પણ જન સામાન્ય માટે તો તે મિત્ર-તત્ત્વચિંતક અને માર્ગદર્શક (Friend, Philosopher & Guide) છે. અર્જુન તે બીજું કોઈ નથી હું છું, તમે છો તે આપણા સૌનો પ્રતિનિધિ છે. સંધર્ષો, શોષણ અને મનોવ્યથાથી જેમ આપણે હતાશ થઈ જઈએ તદ્દન તેમ જ તે મહાનાયક હતાશ છે. અને તેની જેમ જ ભગવદ્‍ ગીતા પાસેથી પ્રેરણા લઈ આપણે પણ કહી શકીએ કે -

नष्टो मोहः स्मतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोडस्मि गतसन्देहः करिष्येवचनं तव ।।2

અર્થાત
હે અચ્યુત !
આપની કૃપાથી મોહ નાશ પામ્યો છે. અને મેં (સ્વ ધર્મ- સ્વ કર્મ વિષયક તથા સ્વ સ્વરૂપ વિષયક) સ્મૃતિ (પુનઃ) પ્રાપ્ત કરી છે. તેથી (હવે) સંશયરહિત થઈ હું ઊભો છું અને આપના વચન અનુસાર (યુદ્ધ) કરીશ.

અસ્તુ.

સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક, એજ્યુકેશન કોલેજ, મહેસાણા દ્વારા તા. 13-09-2009ના રોજ, ‘वेदव्यास, वाल्मीकि एवं कालिदासरचित संस्कृत साहित्यमें जीवन-दर्शन’ – વિષયક રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદમાં પ્રસ્તુત શોધપત્ર.

ડો. માધવી ઉપાધ્યાય, અધ્યક્ષા, સંસ્કૃત વિભાગ, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, એલિસબ્રિજ, અમદાવાદ-6