પગલાં ન જડે એવો પ્રસંગ પાથરી કહી દીધું, ન આવજે મારા દેશમાં,
ટપટપ વરસ વહી ગયાં તોય કદી કદી નદી જડી આવે એના વેશમાં;
લાલ લાલ ફૂલનો પીળો પરાગ
કાળા કાળા ભમરાને એ શું કહેશે?
બાગમાં તો બધું બેફામ હોય
તો કોણ પાક્કા ઘરમાં જઈ રહેશે?
પાંદડી સંગ પોત પથરાતું ભોમ પર ને આયખું લટકે અધ્ધર રવેશમાં;
પથારીમાં પંડ પડખાં ઘસે એમાં
ડાયરીનાં પાનાંએ શું થરથરવાનું?
બહુ મજાનું છે જાતને દૂરથી જોવી
શબ્દમાં પેસવાનું પાછું ફરવાનું,
ક્યાં આખી રાતને ગૂંથવાની વાત, ક્યાં ગૂંચવાવું આ એકેક કેશમાં !
‘છે’ અને ‘નથી’ની કેટલીય જાતરા પછી
પ્રસન્ન થયાં આ પ્રશ્નનાં દેવી,
એકેય આંખ નથી કુંવારી
કોને લાલ લાલ અંધારાની વાત કહેવી?
આંખમાં સમાય નહિ કદીય પછી સપનાં રેલાય છે ગાલ પર મેશમાં.
પગલાં ન જડે એવો પ્રસંગ પાથરી કહી દીધું, ન આવજે મારા દેશમાં,
ટપટપ વરસ વહી ગયાં તોય કદી કદી નદી જડી આવે એના વેશમાં.

નિસર્ગ આહીર,
કવિ, ચિત્રકાર, વિવેચક, સંશોધક
કે.કા.શાસ્ત્રી કોલેજ, મણિનગર
અમદાવાદ

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index