ગઝલ
1
સળગતા શ્વાસે બેઠો છું,
અડગ વિશ્વાસે બેઠો છું.
અતિતની સળગાવી હોળી ,
જરા અજવાશે બેઠો છું.
હવે શી ચિંતા છે મારે?
તમારી પાસે બેઠો છું!
કરી લે દોસ્ત તું પારખું,
બધે, ચોપાસે બેઠો છું.
ભરી આંખે, મૃગજળ થોડા,
હરણની પ્યાસે બેઠો છું.
કળી ક્યાં શક્યો છું પીયૂષ?
છતાં સહવાસે બેઠો છું.
હથેળીમાં ક્યાં છે રેખા?
ફક્ત આભાસે બેઠો છું.


2


જિંદગી દાવમાં લગાવી તો જો,
ઝાંઝવા જેમ છળ વહાવી તો જો.
ચૂમશે આપના ચરણ સૌ લોકો,
ખેલ ઈશ્વર વિશે બતાવી તો જો.
હોય સબંધ તો તરત પ્રગટશે,
થાંભલે બાથ તું ભરાવી તો જો.
દોડશું શ્વાસમાં બધા સ્મરણો લઇ,
'આવજો' એટલું કહાવી તો જો.
રાખશું કાયમી તને આંખો પર,
આંખમાં એક પલ વસાવી તો જો.

પીયૂષ પરમાર
સંતરામપુર


Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index