શું તમે આ પુસ્તકો વાંચ્યા....?

આ અંકમાં- ડોલ્ફિન(જૂલેવર્ન), બોર (નિબંધો-માવજી માહેશ્વરી, હું નિર્મિશ – નિ. ઠાકર, સંસારી પ્રેમ કથાઓ

 

૧. (ડૉલ્ફિન (નવલકથા) લે. જૂલે વર્ન. અનુ. જીગર શાહ, પ્ર.આ. ૨૦૧૦, પ્ર. આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લિ.,૨૦૧૦.કુલ પાનાં-૯૪. કિં. ૭૫.૦૦ રૂ. કાચું પૂંઠું, ડિમાઈ)


અગીયાર વર્ષની ઉમરે પહેલીવાર અજાણતા જ  ‘સાગરસમ્રાટ’ના કૅપ્ટન નૅમોનો ભેટો થયેલો ત્યારથી આજ સુધી જયારે પણ લાઈબ્રેરીમાં જઈને કોઈ પુસ્તક શોધતો હોઉં ને જો સામે જૂલે વર્ન-નું નામ દેખાય તો પતી ગયું.. બીજી શોધ ત્યાં જ અટકી પડે. ગુજરાતી અને હિન્દી ભાષામાં એની કથાઓના જેટલા પણ અનુવાદ થયા છે એ બધાં સરેરાશ ૧૦-૧૨ વખત વાંચ્યા છે. દરેક વખતે એ જ રોમાંચ, એકી બેઠકે વાંચવા બેસી રાખતો ધસમસતો કથા પ્રવાહ, અદ્ભુત લાગતી સૃષ્ટિ અને ભવ્ય પાત્રો ! આવો અનુભવ દુનીયાભરમાં અનેકોને છે. એટલે તો જૂલે વર્નની રચનાઓ અનેક ભાષાઓમાં અનુદીત થઈ છે. આવો જ રોમાંચક અનુભવ ‘ડાૅલ્ફિન’ના અનુવાદક જીગર શાહને પણ થયો છે. એ રોમાંચ એમને અનુવાદ કરવા તરફ પ્રેરી ગયો. ગુજરાતી કિશોર અને યુવાનો માટે આ લેખક અજાણ્યો નહીં જ હોય...જો હોય તો આપણી કમનસીબી. દરેકે આ લેખકની કોઈપણ રચના વાંચવી જોઈએ એમ હક્કપૂર્વક કહેવાનું મન થાય એવી વિજ્ઞાનકથાઓ, સાહસકથાઓના બેકગ્રાઉન્ડમાં જીવનના કેટલાય પરિમાણોને આ લેખક અદ્ભુત રીતે આલેખે છે.
અહીં વાત કરવી છે ‘ડૉલ્ફિન’ વિશે. જૂલે વર્નની વિશેષતાઓ છે  એની તર્કબદ્ધ આલેખનરીતિ, અપાર કલ્પના વૈભવ, વૈજ્ઞાનિકોને પણ સંશોધન માટે ભરપૂર પ્રેરણા આપે એવી ક્ષમતાવાળી દૃષ્ટિ, માનવના વિવિધ ભાવો, એની મર્યાદાઓ, વિવિધ દેશ-પ્રદેશની લાક્ષણિકતાઓ ઉપરાન્ત ત્યાંના લોકોની માનસિકતાઓનું શૂક્ષ્મ આલેખન, હળવી અને સરળ ચાલતી ભાષાશૈલી, ઈતિહાસ,ભૂગોળ, ખગોળ, ભૌૈતિકશાસ્ત્રથી માંડી અનેક પ્રકારની વિદ્યાશાખાઓમાં ફેલાયેલું લેખકનું જ્ઞાન આપણને અચંબામાં નાંખવા સાથે નવા જ અનુભવો તરફ દોરી જતું એ બધાંનું રસાયેલું આલેખન વર્નની કથાઓને અપૂર્વ બનાવવા સાથે ચિરંજીવ બનાવે છે. આ રચનામાં અનુવાદકે જણાવ્યું છે તેમ- ‘૧૮૬૧થી ૧૮૬૫ સુધી અમેરિકામાં થયેલ ભયંકર ગૃહયુદ્ધને પશ્ચાદ્ભૂમિકામાં રાખીને લખાઈ છે. અમેરિકાના તે સમયના ઇતિહાસ તથા તે સ્થળની ભૂગોળના પરિપ્રેક્ષ્યમાં સાહસ અને પ્રેમની આ અદ્ભુત કથાનું આલેખન થયું છે...જૂલે વર્નની આ નવલમાં અંગ્રેજોની લાલચુ વેપારીવૃત્તિના દર્શન પણ ખૂબ સારી રીતે થયા છે.’ (પ્રસ્તાવના)
ડૉલ્ફિન- કથાના આરંભ વર્નની લાક્ષણિક શૈલી મુજબ મોટી ભીડભાડવાળી જગ્યામાં અને લોકોની ઉત્સુકતાભર્યા વાતાવરણના આલેખનથી થાય છે. કથાનો આરંભ કરવાની એની ખાસ લાક્ષણિકતા છે. વાચકને પહેલા પ્રકરણના પહેલા જ વાક્યથી પકડી લેનારું આલેખન કરવા સાથે કશીક શરત, કશુંક સાહસ, અરૂઢ દિશા પકડવાની તત્પરતા આલેખાય છે- વાત સાવ સામાન્ય લાગતી વિગતોથી શરૂ થાય પણ ક્રમશઃ આવનારાં વમળો-સંઘર્ષોના ઈંગિત વાચકને ઢસડ્યે રાખે. અહીં મોટી શાખ ધરાવતી વહાણવટાની મોટી પેઢી પ્લેફેર એન્ડ કંપનીના માલિક વિન્સેસ પ્લેફેરનો ભત્રીજો જેમ્સ પ્લેફેર આ કથાનો નાયક અને ડૉલ્ફિન જહાજનો કેપ્ટન છે. અમેરિકાનો આંતરવિગ્રહ ચરમ અવસ્થાએ હતો ત્યારે ઉત્તર અમેરિકા ગુલામી પ્રથાની નાબૂદી માટે અને દક્ષિણ અમેરિકાના રાજયો ગુલામી પ્રથા ચાલુ રાખવા માટે થઈને લોહિયાળ જંગ ખેલે છે- એવા સમયે ફેલાયેલી અંધાધૂંધીમાં બ્રિટનના ઉદ્યોગોને કાચામાલની અછત સર્જાતાં મંદીનો ભોગ બનેલું હોય છે. એવામાં જો દક્ષિણ અમેરિકા જઈને જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવા સાથે જો દારુગોળો પણ દક્ષિણના રાજયોને પહોંચાડે તો આપ-સી યુદ્ધમાં ઘણી મદદ મળવા સાથે ખૂબ નાણાકીય ફાયદો થાય- ઉપરાન્ત વળતી મુસાફરી વેળાએ ત્યાંથી રૂની ગાંસડીઓ સસ્તાભાવે મળી જાય તે બિ્રટનમાં આવ્યા પછી મોંઘાભાવે વેચાય તેવી સ્થિતિમાં પ્લેફેર પેઢીને વેપારી ફાયદો કરાવવા ભત્રીજો જેમ્સ પ્લેફેર જોખમી સફર ખેડવા તૈયાર થાય છે.- મૂળ વાત આટલી પણ વર્નની કથાઓમાં જે ભરપૂર અકસ્માતોની વણઝાર આવે છે તે મુજબ છેલ્લી ઘડીએ કાકા અને ભત્રીજાના વેશમાં જહાજ પર ખલાસી તરીકે પ્રવેશ મેળવવામાં સફળ રહેલા પાત્રો જ આખી કથાને સાવ અજાણ્યું ને અણધાર્યું રૂપ આપનારાં નીવડે છે-તે કથા તો જાતે વાંચીને જ માણવી મજા આવશે. પણ એ નિમિત્તે પ્રેમકથા, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વિચારસરણીઓનો ભેદ- એના કારણો, એના હિમાયતીઓના ઉગ્રરૂપો તથા સામાન્ય નોકરથી માંડી વિવિધ પાત્રો દ્વારા જે માનવીય ઉદ્દાત એવી સાહસિકતાનું પ્રદર્શન થાય છે તે આ કથાના વિશેષો છે.
હા, ‘સાગરસમ્રાટ’, ‘પાતાળ પ્રવેશ’, ‘સાહસિકોની સૃષ્ટિ’ કે ‘ચંદ્ર પર ચઢાઈ’ જેવી કથાઓમાં જેટલું વૈવિધ્ય અને કલ્પનાનો વ્યાપ છે તે અહીં નથી. સ્વભાવિક જ અવકાશ પણ નથી. આલેખનરીતિનું પ્રભુત્વ તો એવું જ મજા કરાવનારું છે. હજી પણ વધારે ને વધારે રચનાઓ ગુજરાતી ભાષામાં અનુદીત થતી રહેશે...આપણા યુવાનો, કિશોરો માટે આ રચનાઓ કેટલો મોટો વૈભવ લોક ખોલી આપશે. મુળશંકર મો. ભટ્ટે પહેલીવાર વર્નની કથાઓને ગુજરાતીમાં અવતારવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી હરીશ નાયક, દોલતભાઈ બી.નાયક અને એ પરંપરામાં હવે જીગર શાહ પણ જોડાયા છે. એમન
ે સલામ.


૨. (બોર (લલિત નિબંધ) લે. માવજી મહેશ્વરી. પ્ર.આ.૨૦૦૯. પ્ર. ડિવાઈન પબ્લિકેશન્સ, ૩૦, ત્રીજે માળ, કૃષ્ણ કોમ્પલેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. કુલ પાનાં-૮૭, કિં. ૬૫.૦૦ રૂ.કાચું પૂંઠું. ક્રાઉન)


નિબંધો લખવાની આપણે ત્યાં જૂની પરંપરા છે. નર્મદથી શરૂ કરીને મણિલાલ ન. દ્વિવેદી સુધીના નિબંધો, કાકાસાહેબ કે સ્વામી આનંદનું ગદ્યલાલિત્ય, સુરેશ જોશીથી ભોળાભાઈ પટેલ સુધી ફેલાયેલા પટમાં નિબંધો અનેક સર્જકો દ્વારા ખેડાયા છે. લખનારાં દરેકે દરેક આ સ્વરૂપની આંગળી પકડીને વર્તમાનપત્રો દ્વારા વાચકો પર સતત ઝળૂંબતા રહ્યાં છે. એટલે આ સ્વરૂપને ફાયદો અને ગેરફાયદો પણ એટલો જ મોટા પ્રમાણમાં થયો છે. બાળપણની યાદો, શબ્દો અને વસ્તુઓ સાથે બદલાઈ ગયેલા વ્યવહારનો ડંખ, થોડા વિચારો અને બહુ બધી ઉપમાઓ, અન્ય ચિન્તકોના વિચારોની ટેકણલાકડીઓ, ટૂચકાઓ અને વર્તમાનપત્રોેએ વગર લખ્યે પણ કરી દીધેલા નિયમ મુજબ રચનાના અંતે પંચલાઈન- આ બધું હોય એટલે નિબંધ કહેવો.આ વાત લખવાનું કારણ એ છે કે, માવજી માહેશ્વરીના બધા નિબંધો પણ આ ફોર્મ્યુલાથી પર નથી.  તેમ છતાં અહીં જે તાજગી છે તે છે આગવા પરિવેશની. ભાષામાં જે કચ્છી લય-લઢણ આછા વઘારરૂપે આવ્યા છે તે ફલેવર મજા કરાવે છે.
મુખ્યત્વે વાર્તાઓ દ્વારા પ્રસિદ્ધ થયેલા માવજી મહેશ્વરીની રચનાઓમાં કચ્છ પ્રદેશ સરસ રીતે ઝીલાયેલો જોવા મળ્યો છે. પ્રયોગો છોડીને પરંપરાગત પ્રકારની વાર્તાઓમાં આગવી મુદ્રા ઉપસાવતા આ વાર્તાકાર એમનો પહેલો નિબંધ સંગ્રહ બોર લઈને આવે છે. રમણિક સોમેશ્વરે પ્રસ્તાવનાના આરંભે જ લખ્યું છે તેના દ્વારા મારી વાત માંડી રહ્યો છું. ‘શીર્ષકમાં જ આંખ, નાક-જીભને ઉત્તેજિત કરતી ખટમીઠી સુગંધ છે. એ સુગંધની આસપાસ કોઈ એક ચોક્કસ પ્રદેશ વીંટળાયેલો છે. એના સ્વાદમાં એક સ્મૃતિલોક વળગેલો છે. એ સ્મૃતિઓ, એ પ્રદેશ, એ પરિવેશનો ઉઘાડ પછી નિબંધો માં થતો રહે છે. અને ભાષાની નવી નવી ભાતો રચતો સમયના પડોને ઉકેલતો રહે છે.’
માવજી મહેશ્વરીના આ નિબંધોના વિષયોને એક રીતે જોઈએ તો વ્યાપક પટમાં પથરાયેલાં છે. વર્તમાનપત્રોમાં કોલમ સ્વરૂપે લખાયેલા આ લેખોમાં મર્યાદાઓ સમેત અનેક વિશેષતાઓને એક સાથે ઉજાગર કરતા આ નિબંધોમાં પ્રમુખ ભાવ છે દુઃખનો. હાથમાંથી, સાથમાંથી સરી ગયેલા સમયની સાથે જોડાયેલા સંદર્ભો જતાં રહેવાનું દુઃખ. મોટા થવા સાથે ખોવાઈ ગયેલ બાળપણની યાદોથી છલકતું સંવેદનશીલ વ્યક્તિત્વ આ નિબંધોમાં ઝીલાયું છે. બોર, ખરાવાડ વિશેનો નિબંધ, આંબો, કાળના પદચિન્હો, ધૂળિયે મારગ ચાલ, ફૂલ, સુગંધ અને સ્ત્રી, ક્યાં છે મારું બગદાદ અને અયોધ્યા ?- આ નિબંધોમાં જે તાજગી અનુભવવા મળી તે બીજી રચનાઓમાં ઘૂંટાઈ નથી. નિબંધ સ્વરૂપની મુશ્કેલી એ છે કે એ ક્યાંથી શરુ કરવો, કેટલો ઘૂંટવો અને ક્યાં પૂરો કરવો ? તેનો હંમેશા પ્રશ્ન રહે છે. એ પેલા દોરડા પર ચાલતા નટ જેવું જ છે. હાથમાં બેલેન્સ માટે રાખેલા વાંસને કોઈ નિયમ મુજબ ઊંચો નીચો કરવા જાય તો પડી જાય- એ તો હૈયા ઉકલતથી જ થતું હોય છે. જયારે કોલમના સ્થળ, સમયની સીમા લેખક સ્વીકારે છે ત્યારે આ સ્વરૂપને ભારે અન્યાય થતો હોય છે- જોવા હોય તો ઢગલો નિબંધસંગ્રહો લાઈબ્રેરીઓમાં પડ્યા છે. 
કેટલીએ રચનાઓનો ઉપાડ અને દિશા ઉત્કણ્ઠા જગવવામાં સફળ રહ્યાં પછી આગળ જતાં વિસ્તરણ અનુભવાય, દિશા ચૂક્યાનું અનુભવાય છે. તેમ છતાં કેટલાય કલ્પનો, કેટલાય રોમાંચક અને તાજગીસભર વર્ણનો મજા કરાવે છે. જેમ કે, ‘નાનપણમાં કલાઈવાળો મને જાદુગર લાગતો.ગામની બજારમાં કે કોઈ ચોકમાં અચાનક આવીને બેસતો કલાઈવાળો કશું કર્યા વગર છોકરાનું ટોળું બનાવી શકતો. એના ધમણિયા ચુલામાં તપીને લાલ થયેલા વાસણોમાં એ કશીક ભૂકી નાખતો અને એક મેલું કપડું ફેરવતો. વાસણો ચાંદી જેવાં થઈ જતા. મને કદી એ ન સમજાયું કે એના હાથમાં જાદુ હતો કે પેલા મેલા ટુકડામાં !’(પૃ.૩૨) આવા કૂતુહલ સ્વભાવિક જ એ પેઢીમાં સચાવયેલા પડ્યા હશે. લેખકે એના શબ્દોમાં સહજ-સરળ ભાષામાં આલેખી આપ્યાં છે જિવન્ત રીતે. બોર, ખરાવાડ, ખેતરો, સ્થળો, વ્યક્તિઓ સાથેના ભૂતકાળના પ્રસંગો રમણિક સોમેશ્વરે નોંધ્યાં છે તેમ વિવિધ ઈન્દ્રિયોને સંતર્પક રીતે આલેખાયાં છે. ગંધ અને સ્વાદ સાથેનો લેખકનો નાતો વારંવાર આલેખાઈને દૃઢ રીતે ભાવક ચિત્તમાં આકારિત થાય છે. સ્થળો પર જઈને ટૂંકા ટૂંકા પ્રવાસો- કચ્છના જ સ્થળો- આલેખ્યા છે ત્યાં વધારેની અપેક્ષા સ્વભાવિક જ જાગે છે. પણ આલેખન ઉભડક રહી જતું જણાય છે. એવા ઘણાં નિબંધો છે જે હજી બરાબર ઘૂંટાયા હોત તો ઘણી જ શક્યતાવાળી રચનાઓ તરીકે ઉપસી આવેત. ‘દૂર દેશમાં પાવો વાગે છે’, ‘ઝાકળભીનાં પદચિન્હો’ ‘સોનાનું પિંજર’ જેવી રચનાઓ આ લેખકની વેનના નથી. એમાં કેન્દ્રવિહિન અનુભૂતિ ભાસ્યા કરે છે. જે કહેવા ધાર્યું છે તે વાચક ચિત્તમાં રસાતું નથી, નથી તો એવી કોઈ અનુભૂતિ જગવતાં.
માવજી મહેશ્વરીના આ નિબંધોમાં પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાના વર્ષોનો કચ્છ વધારે અસરકારક બનીને ઉપસ્યો છે. વર્તમાન સાથે એટલો બધો તાલ મળતો નથી અનુભવાતો. એમના નિબંધોમાં આછા લસરકે ઉપસતા પાત્રો મજાના નીવડે છે. આપણા ચિત્ત પર એ અસર છોડે છે. કદાચ એ એમની વાર્તાકળાનો પ્રભાવ હશે. જો કે, સભાન રીતે લેખક એમના મનગમતા સાહિત્યસ્વરૂપથી દૂર રહ્યાં છે. પણ નિબંધ સ્વરૂપ હજી એમની કસોટી કરી રહ્યું છે. શક્યતાઓ ભરપૂર જણાય છે જો એ સર્જકતાને પણ નિર્બંધપણે વહેવા દ
ેશે તો.

.

૩. (હું નિર્મિશ (ટ્રાયોલેટ-સંગ્રહ) લે. નિર્મિશ ઠાકર. પ્ર.આ.૨૦૦૯ પ્ર. રન્નાદે પ્રકાશન. ૫૮।૨,બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, કુલ પાનાં-૬૦, કિં.૪૦.૦૦રૂ. કાચું પૂંઠું. ક્રાઉન)


હું નિર્મિશ- આ નામ વાંચીને મને થયું ચાલો હળવા પ્રકારનું કોઈ પુસ્તક વાંચવા મળશે. એ પ્રકારની માનસિક સજજતા સાથે આ પુસ્તકમાં પ્રવેશ કર્યો પણ શરૂઆતમાં જ આઘાત લાગ્યો ! હજી થોડાં જ સમય પહેલા જાપાની પ્રકારોની સેળભેળ સાથેનું નવું કાવ્ય સ્વરૂપ લઈને કિશોરસિંહ સોલંકી એ હાઈન્કા-સંગ્રહ આપેલો. એ જ પરંપરામાં ર્નિિમશ ઠાકરે ફ્રેન્ચ કાવ્ય પ્રકારઃ ટ્રાયોલેટને ગુજરાતીમાં અવતારવાનું સ્વીકાર્યું છે ને પૂરી ગંભીરતાથી સ્વીકાર્યું છે. આ સુખદ આંચકો એ કાવ્યોમાંથી પસાર થતી વેળાએ અનુભવ્યો. આરંભે પ્રમાણમાં અભ્યાસની પૂરતી સજજતા સાથેનો લેખ આપ્યો છે. એમાં આ સ્વરૂપની ઉત્તપત્તિ, ભારતમાં થયેલાં આછાપાતળાં પ્રયોગો, ભારતના અને ગુજરાતના ખ્યાતનામ કવિ-વિવેચકો પાસેથી લેખકે મળવેલ આ સ્વરૂપ વિશેની સમજ અને પરિસ્થિતિ અને સાથો સાથ ઈન્ટરનેટથી માંડી અંગ્રેજી પુસ્તકો તપાસીને એમણે આ સ્વરૂપને ગુજરાતીમાં સ્પષ્ટ કરવાનું, રોપવાનું અને એ માટે ઉદાહરણરૂપ કાવ્યસર્જન કરીને સભાન એવો પુરૂષાર્થ કર્યો છે. એ બદલ એમને ધન્યવાદ.

શરૂઆતમાં એમણે આ કાવ્યના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે તે ટૂંકમાં જોઈ લઈએ- અભ્યાસુઓને રસ પડશે.
૧. આ કાવ્યપ્રકારમાં કુલ આઠ પંક્તિઓ હોય છે.
૨. એમાં આરંભની બે પંક્તિઓ અતિ મહત્વની છે. પ્રથમ કાવ્યપંક્તિમાં ચોથા અને સાતમા સ્થાને ફરીથી આવે છે. એકની એક પંક્તિ આ રીતે ત્રણ સ્થાને આવતી હોવાથી કાવ્યપ્રકારનું નામ ‘ટ્રાયોલેટ’ રખાયું હોય, એમ માની શકાય.
૩. કાવ્યની બીજી પંક્તિ છેલ્લા, એટલે કે આઠમા સ્થાને ફરીથી આવે છે.
ટ્રાયોલેટમાં આઠ પંક્તિની મર્યાદા અને એમાં પણ પુનરાર્વિતત થતી પંક્તિઓ. આ કારણે પશ્ચિમના વિવેચકો આ પ્રકારને પડકારજનક માને છે. પંક્તિઓના પુનરાવર્તનને ઓઠે ઓછી મહેનતે કાવ્યસર્જન કરવાની વૃત્તિ સેવાય, તો કાવ્ય જોડકણાને સ્તરે પહોંચવાનું જોખમ રહે જ. મારી સમજ મુજબ કવિએ પુનરાવર્તનની આવશ્યક્તા ઊભી કરવા વિશેષ સર્જકતા દાખવવી પડે છે. (લેખમાંથી)

આ સ્વરૂપનો પહેલો સંગ્રહ ગુજરાતીમાં થઈ રહ્યો છે. લેખકને સ્વભાવિક જ અપેક્ષા પણ છે જ કે આ પ્રકારની ગુજરાતી કવિઓ નોંધ લે. એ પ્રકારમાં સર્જન કરે. વિવેચકો એમના આ પ્રયાસને સમજે, સ્વીકારે અને આ કાવ્યપ્રકારને ગુજરાતીભાષામાં મોકળાશ મળે તેવું વાતાવરણ રચી આપે તેવી અપેક્ષા પણ એમની લાક્ષણિક શૈલીમાં વ્યક્ત કરી છે- અને એ આગવા તર્કમાંથી જ સંગ્રહનું નામ પણ ‘હું ર્નિિમશ’ આપ્યું છે. એ પણ સાથે સાથે જોઈ જ લઈએ. ‘સમયે જેને મહાન શાયર સાબિત કર્યો છે, એ ગાલિબને એના સમકાલીન શાયરો-અભ્યાસીઓ મુખ્ય કવિ માનતા નહોતા ! સાૅનેટ, ગઝલ, ગીત, અછાંદસ વગેરે લઈ આવતા મારા અગાઉના બે કાવ્યસંગ્રહોએ મારા સમકાલીનો પર અસર પાડી નથી, એ આનંદની વાત છે.‘તઝમીન’ જેવા ઓછા જાણીતા પ્રકાર પરથી ‘વ્યંગ-તઝમીન’ જેવું સ્વરૂપ વિકસાવી મેં સમગ્ર ભારતનો પ્રથમ સંગ્રહ આપ્યો, તે મારા સમકાલીનોને દેખાયો નથી.(રંગ-અંધત્વ ?) હવે આ ટ્રાયોલેટનો નવો રંગ પણ નહીં જ દેખાય, આનંદ ! સમયે ર્નિિમશાત્મકતાને સ્વીકારવી જ પડશે, લિખલો ! આ પુસ્તકના શીર્ષકમાં પણ હું કાર છે જ અને રહેશે, બાત ખલાસ’ (લેખનો અંતિમ પેરેગ્રાફ)- આ વાંચ્યા પછી એમના આનંદીપણાને ધ્યાનમાં લઉં કે બીજા કોઈ રૂપને એની અવઢવમાં છું. એટલું જ કહેવાનું થાય કે, સાહિત્ય કે કોઈપણ સર્જનમાં સર્જનનો આનંદ છે એ જ સર્વોપરિ છે. એ દરેક સર્જકને મળતો જ હોય છે. ભાવક મળે, સમાનધર્મા મળે તો વિશેષ મજા પડે. પણ ન મળે કે નોંધ ન લેવાય- તેની પળોજણમાં પડીએ તો તો પત્યું. પેલી કહેવત-  ઘેટું ચરવા જાય ને ઊન મુકીને આવે-એવો ઘાટ થાય..! 
છેલ્લે, એમની જ એક ટ્રયોલેટમાં જે વાત કહી છે- એ સહેતુક નમુનારૂપે મુકી રહ્યો છું.
પ્યાસ આખા વિશ્વની આપી તને
હે કવિ, તારે બીજું શું જોઈએ ?
મૃગજળોમાં શબ્દ-મૃગ દોડાવને !
પ્યાસ આખા વિશ્વની આપી તને
છોડ પૃથ્વી, ઊડતો જા કલ્પને !
પ્યાસમાં તું પી જજે આકાશને!
પ્યાસ આખા વિશ્વની આપી તને
હે કવિ, તારે બીજું શું જોઈએ ?

નવા પ્રયોગ કરતા રહો કવિ. વાવેલું ક્યાંક અને ક્યારેક તો ઉગવાનું જ છે.


૪. (પારસી સંસારી પ્રેમકથાઓ(ટૂંકી વાર્તાઓ) લે. ડાૅ. રતન રુસ્તમજી માર્શલ. પ્ર.આ.૨૦૦૮. પ્ર. હર્ષ પ્રકાશન, ૪૦૩. ઓમદર્શન ફલેટ્સ, ૭, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ-૭, કુલ પાનાં-૧૯૨, કિં.૧૦૦.૦૦રૂ. પાકું પૂંઠું, ક્રાઉન)


રતન રુસ્તમજી માર્શલે ૯૫ વર્ષની વયે પ્રેમકથાઓનું પ્રકાશન કર્યું છે. એનું કારણ સરસ રીતે આપે છે. ‘આ લખનાર આમ તો ઈતિહાસ, નાટક, પત્રકારત્વ, સંશોધનનો જીવ છે, અને તે ઠીકઠીક સંખ્યામાં નવલિકાઓ લખે એ માટે એને સારી રીતે ઓળખનારને આશ્ચર્ય થાય. પારસી ગુજરાતી સાહિત્યના ગ્રંથમાં એને સારા નવલિકાકાર તરીકે ઓળખાવાયો એ એના પોતા માટેય આશ્ચર્યનો વિષય હતો. પણ આ ઉલ્લેખે એને નવલિકાઓ રચવાની પ્રેરણા આપી અને એણે જે કર્યું એને લઈ એના સંબંધના પ્રશંસાભર્યા વિધાનને એણે કેટલેક અંશે પણ યોગ્ય ઠેરાવ્યું હોય તો એને માટે તે આનંદ ભેગા સંતોષની વાત બને છે.’(પૃ.૬)- પારસીઓના ગુજરાતી સાહિત્યથી માંડી અનેક ક્ષેત્રોમાં પ્રદાન વિશે આપણે સૌ માહિતગાર છીએ જ. પારસીઓની ગુજરાતી ભાષા આગવી છે- એની મીઠાસ અને એમાં ભળે એમની સેન્સ ઓફ હ્યુમર એટલે મારા માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર તો બની જ રહ્યાં છે. આ વાર્તાઓને ત્રણ ત્રણ વિશેષો લગાડાયા છે. પારસી, સંસારી અને પ્રેમ-ની કથાઓ છે. પારસીબાવા પંચાણુંમા વર્ષે આ પ્રગટ કરી રહ્યાં છે !- પ્રેમને વયના-સમયના બંધન ક્યારેય લાગું પડ્યાં છે ?

આ સંગ્રહમાં કુલ ૧૯ વાર્તાઓ છે. બધી વાર્તાઓમાં પારસી ગૃહસ્થો કેન્દ્રમાં છે. વાર્તાઓમાં સ્ત્રી-પુરુષ અને સાથો સાથ પારસીપણા-નો પ્રેમ સહજ રીતે જ ઝીલાયા છે. સ્વરૂપની દૃષ્ટિએ આ વાર્તાઓ પરંપરાગત પ્રકારની શૈલીએ આલેખાયેલી છે. વાર્તાકારની હાજરી સતત રહે અને જે કંઈ કહેવું છે એ બહુધા અભિધાની સપાટીએ જ આલેખવામાં આવ્યું છે. રચના પ્રયુક્તિઓ પણ પ્રમાણમાં એકધારી અને સરળ છે. આરંભ, મધ્ય અને અંતની રેસિપી પણ મોટાભાગની રચનામાં સચવાઈ છે. ધુમકેતુકાલીન વાર્તાઓની જેમ વર્ણનો, મૂલ્યો, ઘટનાઓ, સુરેખ રીતે આલેખાતાં પાત્રો અને અંત સુધી પહોંચતામાં સર્જક દ્વારા સ્પષ્ટ થતું સીધું કથન પણ આ વાર્તાઓમાં મળે છે. એટલે કે એ દૃષ્ટિએ આ વાર્તાઓને મૂલવવાનો પ્રયત્ન કરવા જતા આટલી સામગ્રી, આટલી સજજતા અને આ પ્રકારની રચનાઓ અહીં મળી આવે. - પણ મારે જે કહેવું છે તે છે એના પરિવેશ વિશે. આ વાર્તાઓ ત્યાં સાવ અનોખી છે. પારસી પરિવેશ, પારસી માનસિકતા, પારસી કુટુંબોની વાસ્તવિકતા, એમના પ્રેમ, એમના વિચારો, એમાં રહેલ ભિન્નતાઓ, ધર્મભીરુતા, કોમને ટકાવવાની મથામણ, પરંપરા પ્રત્યેનો અનુરાગ, સ્ત્રી-પુરુષના સંબંધો વિશેની સમજ જેવી બાબતો આ વાર્તાને સાવ નોંખી પાડી આપે છે.
મોટાભાગની વાર્તાઓના પ્રેમીઓ આધેડ ઉમરના છે. બાળકો અને એમને ત્યાં પણ બાળકો થઈ ગયા હોય એવા વયસ્ક પ્રેમીઓની કથાઓ અહીં મોટી જગ્યા રોકે છે. આ પ્રેમ એ ખરા અર્થમાં તાવણી થયા પછીના પરિશુદ્ધ થયેલા પ્રેમની વાત છે. સામાજિક રીત-રિવાજો કે અન્ય સમાજ સાથેના ટકરાવ કે કશા મોટા સંઘર્ષો અહીં નથી. સરળ જીવન જીવતા સદ્ગૃહસ્થોની સરળ વાતો પણ પ્રેમમાં રહેલ ઘનીષ્ટતા અને એકબીજાનો સહારો એ આ વાર્તાઓમાં હ્ય્દયસ્પર્શી બની રહે છે.
સ્વાતંત્ર્યની ચળવળો, રાજય-દેશની પેઢીમાં આવી રહેલા બદલાવનો ગ્રાફ પણ આ કથાઓ નિમિત્તે મળતો રહે છે. કેટલીક વાર્તાઓના કથાનકો લેખકે જણાવ્યા પ્રમાણે વિદેશી પ્રેમકથાઓ પરથી પણ લીધા છે. પણ એને સંપૂર્ણપણે પારસીરંગમાં રંગી દીધા છે. આ વાર્તાની ભાષા પણ આગવો અભ્યાસ માંગી લે તેમ છે. પારસી સન્નારીઓના વ્યક્તિત્વો ખરેખર ચિત્ત પર અમીટ છાપ છોડનારાં છે. સેન્સ ઓફ હ્યુમરની વાત તો જાણીતી છે પણ સાથો સાથ આ વાર્તામાંથી મોટાભાગના પુરુષપાત્રોમાં એક સર્વસામાન્ય બાબત ઉપસી આવી છે તે છે એમનો જલદી ગુસ્સે થઈ જવાનો અને પછી એટલા જ જડપથી હસી નાંખવાની દિલેરી ઉડીને આંખે વળગે છે. પ્રેમ કરવાની મજા તો ચોમાસામાં, ખાનદાની, બખ્તાવર, ત્રણ તૈલિચિત્રો, સંગ્રામ-સ્વતંત્રતાનો ને સંસારનો, ઈરાનનો પીરાન, ખુશબૂ, પાઈનેપલ, ડાયમંડ જયુબિલી- જેવી રચનાઓ ચિત્ત પર ઘેરી છાપ છોડે છે.
હાસ્ય સાથે કરુણને વણવાની કલાનો એક સરસ નમૂનો- વૃદ્ધ માતા-પિતાને છોડીને પુત્ર એની પત્ની અને બાળક સાથે શહેરમાં જ બીજું ઘર વસાવે છે. આ વૃદ્ધ પતિ-પત્નીને ઊંઘ નથી આવતી એટલે વાતો કરે છે. ‘મને એમ થાય છ ગુલચહેર ! કે તેં એક દીકરો તો આપ્યો. આભાર તારો. કુટુંબને તેં વારસ આપ્યો જે આપરો પાસ છોરી ગયો. જેવી ખુદાઈજીની ઈચ્છા પણ મને એ વિચાર આવે છ કે તું એક દીકરી પણ આપે તો ?’
ખડખડાટ હસતાં ગુલચહેર બોલીઃ ‘સડસઠમે વર્ષે તમને દીકરી જોઈએ છ. જયારે વખત હતો ત્યારે નાના કુટુંબના ફાયદાની તમે વાતો કરતા હતા અને હવે તમને દીકરી જોઈએ છ ? એ વેળા તો ક્યારનીય વહી ગઈ’
‘પણ પ્રયત્ન કરવામાં જાય જ શું ?’ ગુસ્તાદજી રંગીલા મૂડમાં હતા.
‘હવે કોર મરડો અને મૂંગા મૂંગા સૂઈ જાવ. સરસઠમાં વર્ષે આય પારસીને પ્રયત્ન કરવાનો શોખ થયો છ. દીકરીના બાપ બનવાનો. પ્રયત્ન કરવાનો વખત હોય છ ત્યારે પારસીઓ પલાયણવાદ પસંદ કરેછ, ગુસ્તાદ, હવે પહોરી જાવ. મારી આંખમાં ઊંઘ છે. હું અષેમ વોહુ ભણું છ, તમે પણ ભણો ને દાદરજીને યાદ કરીને પહોરો. સવારે વહેલા ઊઠજો.’ (પૃ.૩૧)
આ સંગ્રહની વાર્તાઓમાં સંઘર્ષનું આલેખન ભાગ્યે જ છે. મોટાભાગે પ્રસન્ન દાંપત્ય અને રોજબરોજની મુશ્કેલીઓ, એમાંથી સાથ-સંગાથે રહીને માર્ગ શોધતાં સ્નેહાળ સજજનોનો આ સમુહ આપણને એકદમ હકારાત્મક વિશ્વના દર્શન કરાવે છે. આ વાર્તાઓ મારે મન એ રીતે પણ મોટું મૂલ્ય ધરાવે છ
ે.

000000000

નરેશ શુક્લ
૫૩-એ, હરિનગર સોસાયટી, મુ.પો.વાવોલ. જિ.ગાંધીનગર-૩૮૨૦૧૬  ફોન- ૯૪૨૮૦૪૯૨૩૫. 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index