શહીદોનું સ્મારક- આંદામાન

(રાષ્ટ્રીયતીર્થ  આંદામાન –  લે - સ્વામી સચ્ચિદાનંદ)

ગૂર્જર પ્રકાશન માર્ચ - ૨૦૦૬,પૃ-૧૪-૧૬૨ કિં- ૫૫


પ્રવાસ એ મારા જીવનનું મહત્વનું અંગ બની ગયું છે. નવા નવા દેશો ,પ્રદેશો, વિદેશો જોવા- સમજવા અને તેમની હકીકતને લોકો સુધી પંહોચાડવી એ મારી સાધના છે.  એવું કહેનાર સતત પ્રવાસી સાહિત્યકાર સ્વામી સચ્ચિદાનંદે તેમની પ્રવાસપુસ્તિકા  રાષ્ટ્રીયતીર્થ  આંદામાનમાં આંદામાન અને બીજા દ્રીપસમૂહો વિશે રસપ્રદ અને મામિઁક રીતે રજૂઆત કરી છે. આ પુસ્તિકામાં તેમને  પ્રવાસનાં આંરભથી માંડીને આંદામાનનું ભૌગોલિક,સામાજિક,ઐતિહાસિક તથા ત્યાં રહેનારી આદિમ જાતિઓની સાચી ઓળખ, વિવિધતાથી ભરેલી જીવનશૈલી, તેમના શોખ,રીતરિવાજ, મૂલ્ય, ગુણ –દોષ એમ વિવિધ પાસાનો ઉંડાણપૂર્વક અભ્યાસ કયોઁ છે. જેનાથી આ નાની પુસ્તિકા વાચકનાં મનોજગતને આંદામાન અને તેની ભવ્યતાથી રોમાંચિત કરી દે છે    

પ્રસ્તુત પુસ્તિકામાં તેમને વીસ પ્રકરણોમાં આંદામાન દ્રીપસમૂહ વિશે રોમાંચપૂર્ણ વાતો કરી છે તો સાથે નજીકનાં દ્રીપસમૂહ નિકોબારની સામાન્ય માહિતી તથા આંદામાન નિકોબારની  કેટલીક એૈતિહાસિક તવારીખો અને ખાસ કરીને આપણા સ્વાતંત્ર્યસૈનિકો કે જેમણે આંદામાન સેલ્યુઅર જેલમાં જે કપરી અને કષ્ટદાયી  સજા ભોગવેલી તેની માહિતી કરુણાંતશૈલીએ આપી છે

આ પુસ્તિકા  આમ તો પ્રવાસવર્ણન છે પણ સાથે સાથે રાષ્ટ્રીયભાવનાને ઉજાગર કરતી મહત્વની વાતોથી પણ સભર બની છે એ તેના પાને પાને જોઈ શકાય છે વણજોયેલી જગ્યાને આંખ સામે જીંવત કરવાની આગવી વર્ણનશૈલી આ સર્જકને હાથવગી છે તે આ પુસ્તિકાનાં   આંદામનની સેલ્યુઅર જેલનાં વર્ણન દ્રારા જોઈ શકાય છે. તો સાથે તેમણે જેલ વિશેની કેટલીક માહિતી પણ આપી છે જેમાં તેમણે ચાર પ્રકરણોમાં તેની નિર્માંણ તારીખથી માંડીને  મહાન ક્રાંતિકારીઓની અમાનવીય સજા, ક્રાંતિકારીઓની યાદી, તેમની ઉપર અંગ્રજોએ  ગુજારેલા ભયાનક અત્યાચારની વાતો અને સાથે   સ્ત્રી કેદીઓની દાસ્તાનની વાતો એવી ભાવભરી શૈલીએ આલેખી છે કે આઝાદીનાં ઈતિહાસને ન જાણનાર વાચકને તે મહત્વનો દસ્તાવેજ બની શકે એમ છે. તો આજ સુધી આપણ ને ખબર નથી તેવા અનામી આઝાદીનાં લડવૈયા જેવા કે લાધારામ ઈમામલ, લાહિડી આશુતોષ, નાનીગોપાલ મુખરજી, પં.પરમાનંદ, બારીન્દુકુમાર ઘોષ, ઈન્દુભૂષણ રોય જેવાનો પરિચય પણ કરાવ્યો છે તો ભારતીય આઝાદીનાં શહીદોમાં જેમનું નામ મોખરે લેવાય તેવા વીર સાવરકર વિશે પણ ઉપયોગી વાતો મળી રહે છે.

સાથે આંદામાનનાં મહત્વનાં નાના ટાપુ સેસ, કોરલ,વાઈવર, પહુરબીચ અને હેરિયટ વિશે સુભગ માહિતી પણ આપે છે અને દરિયાની રોમાંચપૂર્ણ મુસાફરીની રજૂઆત પણ આકર્ષક બની છે તો લુપ્ત થતી જતી આદિમ જાતિઓ અને જેમની ભવ્ય સંસ્કૃતિ નામશેષ થવાની કગાર ઉપર છે તેવી દુર્લભ જાતિઓ જેવીકે જારવા ,આંદામાનીઝ, સેન્ટીલિઝસ, ઓંગીસ, નિકોબારી અને શોમ્પેનસ વિશે લેખકે  ચિંતિત સ્વરે કહેવાતા સભ્ય સમાજને ચેતવ્યા પણ છે. તો સાથે તેમના વિવિધતાભર્યા જીવનરસ, આગવા રીતરિવાજ, અનોખા પહેરવેશ,સ્વભાવ અને તહેવાર વિશે જણાવીને વાચકને ઉપયોગી માહિતી તો આપી છે પણ અજાણ્યા ખૂણામાં વસતા અજાણ્યા આદિવાસીની પ્રાણીથી પણ બદતર હાલત વિશે  સંવેદનાપૂર્વક લખીને વાચકને વિચારતો પણ કયોઁ છે. તો નામશેષ થવાની અણી ઉપર આવી ગયેલી જારવા આદિવાસીઓ વિશેનાં સરકારી અભિગમ અને તેમના ભાવિની ચિંતા પણ સર્જકે કરી છે   આંદામાનમાં હાલમાં વસી રહેલા લોકોની ખુમારી, હિન્દુ-મુસલમાનની એકતા તેમના સંસ્કારો આંદામાનની ભૌતિક સંપત્તિ,તેનું અપ્રતિમ સૌંન્દર્ય, જંગલ, જળ, નદીઓ,પર્વતો, વૃક્ષો વિશે વાચકને રસાળશૈલીએ તરબોળ કયોં છે

પુસ્તિકાની નોંધનીય બાબત એ છે કે તેની શૈલી તો રસાળ છે પણ  સાથે તેમા આપેલા સુંદર ચિત્રો વાચકનાં મનને મોહી લે એવા છે સર્જકે બે રીતે પુસ્તિકાને ઘાટ આપ્યો છે એક તો આંદામાનનું  બાહ્યચિત્ર  અને બીજુ એ ચિત્રને આધારે લેખકનું અંગત તત્વગૂંફન આ બન્નેનાં સુમેળથી  ચાલતી આ પુસ્તિકા  આખરે શિખર સર કરે છે  પેલી પ્રંચડ રાષ્ટ્રીયભાવનાનું મતલબ કે પુસ્તકનાં પાને પાને રાષ્ટ્રીયતાની ભાવના સતત ઉજાગર  થતી રહે છે તો સાથે સાથીપ્રવાસીઓ  સાથે નાં સંસ્મરણો પણ યાદગાર બન્યા છે. અને એટલેજ કહી શકાય કે પ્રસ્તુત પુસ્તિકા એ માત્ર પુસ્તક નહિ પણ શહીદોનું સ્મારક છે. 

બળદેવ મોરી
મ.દે.ગ્રામસેવા મહાવિદાલય,
ગૂજરાત વિદ્યાપીઠ,રાંધેજા,
તા.જિ,ગાંધીનગર-૩૮૨૬૨૦
મો-૯૪૨૬૭૬૬૦૧૩
ઈ.મેલ- baldevmori@gmail.com

 

000000000

***