શ્યામવદની
(મા ! તું કોની ઢીંગલી સંગ્રહમાંથી)

લે. પદ્મા ફાડિયા

મારા ઘરની સામે જ એનું ઘર હતું . મારી નાનકડી બારીમાંથી એ સામા ઘરના એક એક ખુણે મારી ચકોર આંખો ફરી વળતી હતી. એક પરાયા ઘરમાં આવી ચોરીચૂપીથી નજર ન નંખાય, પાપ લાગે એવું માનવા છતાંય ને હજાર હજાર પ્રયત્નો કરવા છતાંય કેમે કરીને મારી દ્રષ્ટિ ત્યાંથી ઉખડતી જ ન હતી. એ ઘરમાં એવું કંઇક હતું કે જેને કારણે મારું દિલ ત્યાં વારંવાર ડોકિયાં કરતું હતું. મને પોતાને પણ ખબર પડતી ન હતી કે હું શા માટે કોને જોવા આટલી તલસતી હતી ? ખરેખર એ એક કુતૂહલ હતું મારા આશ્ચર્યનો પાર ન હતો. એવું એ આશ્ચર્ય હતું.
ત્યાં ઝાંઝરના ઝંકાર ન હતા, ત્યાં બિલાવલ રાગની મધુરી શરણાઇ બજતી ન હતી. ત્યાં અમર સુખનું કોઇ ધામ ન હતું કે ત્યાં શ્રીમંત ઘરની ઉંચી હવેલીની રોશની ઝળહળતી ન હતી. ને તેમ છતાંય ત્યાં રોશની ઝળહળતી હતી. તિમિર છાયા આકાશમાં જાણે વીજળી ઝબૂકતી હતી. એ પ્રકાશની આછી પાતળી રેખામાં એક સુંદર યૌવના જાણે જુગ જુગથી કોઇની વાટ જોતી હોય તેમ ઝરુખામાં ઊભી હતી. એની ચંપાકલિ જેવી કોમળ અંગુલિઓ તાલ બદ્ધ નર્તન કરતી રમતી હતી. અને વારંવાર ઉંચી ડોકે, મસ્તીભરી આંખે, પગના પંજા પર ઊભી રહીને દૂર દૂર મીંટ માંડીને એ કોઇને શોધતી હતી. અને પછી થોડી જ વારમાં વિહવળ શી બની આંખોમાંથી આંસુ વહેવડાવતી કોઇ પ્રગાઢ કારુણ્યમાં ફસડાઇ પડતી હતી.
ને તે જ ક્ષણે એના ઘરની સમસ્ત રોશની બૂઝાઇ જતી.
વળી પાછી બીજી વહેલી સવારે મેલાં ઘેલાં વસ્ત્રોમાં, શરીરને સંકોરતી, મુખ છૂપાવતી, દુ:ખભેર્ય હૈયે એ સારાયે ઘરને ધોઇ ધોઇને સાફ કરી નાખતી ને આખો દિવસ બંધ બારણે લપાઇ જતી.
ફરી પાછી સંધ્યા ઢળતી ને એના ઘરની રોશની ઝળહળી ઉઠતી. એ પ્રગલ્ભ નારી સોળે શણગાર સજી બહાર હસતી આવતી ને દૂર દૂર કોઇને શોધતી એની આંખો ભાવરી શી બનતી. એનાં નયનોમાં આંસુડાં ઉભરાતાં ... ને આંસુની અંજલિ એ અર્પતી ! પણ કોને ?... શાને ?
બસ એ જ મારું આશ્ચર્ય હતું. મહાન આશ્ચર્ય.
આ ઠાઠમાઠ, આ...ઐશ્વર્ય...ને છતાં ય આટલી અપાર કરુણતા ! આટલી અશાંતી !
અપવિત્રતા તો એને અંગેઅંગથી ચૂતી હતી. છતાંય આટલી વેદના !
સમાજમાં ખેલ કરીને એ રમતી હતી. બીજાને રમાડતી હતી. અરે બીજાઓથી એ રમાડાતી હતી ! અરે, જેણે જીવનમાં મોજ અને શોખ સિવાય બીજો ધર્મ જાણ્યો નથી, જે રાત દિવસ રંગતની મહેફિલોમાં માણે છે, એવી આ નારી શા દુ:ખે ઝૂરતી હતી ભલા !
‘ શું એના પ્રિયતમને શોધતી હતી !’
‘ ના...’
‘ તો પછી!’
બાપરે ! એની જીવનલીલા તો મારી આંખે જોઇ જતી ન હતી. એને જોઇ જોઇને તો મારા હૈયામાં ચાબખા વીંઝાતા હતા ને દિલ ઘવાતું હતું. અરે, લજવાતું હતું હું એક સુશિક્ષિત ભદ્ર નારી, આ ચારિત્ર્યહીન કલંકિત નારીના કંગાલ હ્રદયનો પાર પામવા શા માટે ઝંખતી હતી ! શરમથી હું મરી જતી હતી. છતાંય મારું દિલ એ પ્રશ્નનો જવાબ શોધવા ત્યાં ને ત્યાં જ ભટકતું હતું.
આજે પણ રોશની પૂર બહારમાં ખીલી હતી.
આખો દિવસ બંધ બારણાની પાછળથી નવું સ્વરૂપ, નવયૌવન, નવશૃંગારો સજી સમાજની ગંદી ગલીઓના એ કંગાલ અને કદરૂપાં જીવો ડોકિયાં કરી કરીને સૌને આહવાન આપી રહ્યાં. ત્યારે ધીરે પગલે એ પણ ઝરૂખામાં આવીને ઊભી રહી. એના અંગેઅંગમાંથી ઝરતી સુવાસ મારી તરફ આવતાં મનેયે ઘેલી બનાવી રહી.
રસ્તા પરથી પસાર થતા લોકોની સામે એ ટીકી ટીકીને જોતી, હસતી, અંગ મરોડતી, હાવભાવ કરતી, આંખોને નચાવતી ને પછી હાથના ઇશારાથી એ સૌને આમંત્રતી. છતાંય એને બારણે કોઇ ઢુંકતું નહિ.
પરંતુ ક્યારેક કોઇને એના પગથિયે ચઢતાં જોતી ત્યારે એ એકદમ ઝરૂખાની આડમાં સંતાઇ જતી. એની કાળી કાળી મેઘ શી પાંપણોમાં વર્ષા છલકાઇ જતી. પરાણે અંગને આગળ ધકેલે તે પહેલાં તો પેલા કંગાલ જીવો. અરે, રૂપજીવીઓ ધરતી પરના પેલા આગિયાના ટૂકડાને ચંન્દ્ર માની એને વીંટળાઇ વળી ક્યાંયે અલોપ થઇ જતા.
આમ ને આમ કેટકેટલાય દિવસો વહી ગયા. પરંતુ એના બારણે ન તો કોઇ અતિથિ આવ્યો કે ન તો કોઇ એનો પ્રિયતમ બનીને આવ્યો.
વર્ષા વીતી, મોરના ટહૂકાર શમ્યા, દાદુરનાં ગીત થંભ્યા; તો ય ન તો કોઇ આવ્યું કે ગયું.
એક ભારે નિ:શ્વાસ નાખી એ દિવસો વીતાવી રહી.
એક બપોરે એ બંધ બારણાને ભેદી કરુણ રૂદનના સૂર હવામાં વિંઝાતા વિંઝાત મારા ખંડમાં અથડાવા લાગ્યા. મારા કાન સરવા થયા.
અરે ! આ તો હવામાં ચાબૂક વિંઝાતી હતી ને ! અને આ ક્રંદન તો પેલી...પેલી... શ્યામવદનીનું જ. શા માટે આ માર ! એને કોણ મારતું હશે ! મારા આશ્ચર્યભરેલા હૈયામાં લાખ લાખ પ્રશ્નો ઉઠ્યા.
પણ હા...આ અવાજ પેલી માલિકણનો હતો...એ હું સ્પષ્ટ રીતે સાંભળતી હતી.
એ કહેતી હતી. ‘આવી રીતે ધંધો કરવો મને નહિ પાલવે. તને મફતના રોટલા નથી ખવરાવતી સમજી ! ગમે તેવો પુરુષ આ ઘરમાં આવે ને પૈસા આપે અને જેની માંગણી કરે તેને એની પાસે જવું જ જોઇએ. તારે પુરુષની સાથે નિસ્બત રાખવાની નહિ, માત્ર કેટલા પૈસા મળે છે એ જ મારે ને તારે જોવાનું છે. તે બદલામાં જે માંગે તે આપવાનું છે, સમજી ? જા...નહિ તો યાદ રાખજે; આજે તો આ રીતે જવા દઉં છું...દૂર થા મારી આંખ આગળથી અભાગણી !’
ને એ ચીસ...એ અવાજ...પેલા બંધ બારણાની પાછળ ભેદી રીતે સમાઇ ગયા.
દુનિયાના એવા અનેક કંગાલ જીવોમાં શ્યામવદની પણ એક હતી. હા, એ કંગાલ હતી જીવનથી, ભૂખ અને તરસથી; પણ રૂપથી કે દિલથી કંગાલ ન હતી.
આજે તો એ પૂરબહારમાં બની ઠનીને ઝરુખે ઊભી હતી ને રસ્તે જનારાઓને ઇશારો કરીને બોલાવતી હતી.
અચાનક હસતાં હસતાં એનું મુખ એકદમ વિલાઇ ગયું. એના લાલ ગુલાબી હોઠ ફોક્કા પડી ગયા ને વાંકી ડોક તૂટેલી લતાની જેમ નીચી ઢળી પડી.
દૂર રસ્તા પર મેં નજર નાંખી સામેથી એક વયોવૃદ્ધ, શ્વેતવાળ વાળો ને બેસી ગયેલાં ગાત્રો વાળો કદરૂપો પુરુષ એની સીડીએ ચઢવા લાગ્યો. મેડીએ ચઢી શ્યામવદનીના રૂપ પર ફીદા થતો બોલી ઉઠ્યો.
‘ઇતના રૂપ ! ઇતની સુંદરતા. મૈને કભી નહિ દેખી, કમાલ કર દિયા માશુક તુને...’
‘ આઇએ...આઇએ...બાબુજી...’ માલિકણે કદમ બોશી કરી વૃદ્ધ શેઠને ગાદી પર બેસાડ્યા.
‘શ્યામવદની કો બુલાઓ...’
‘હાં...હાં...અભી બુલાતી હું...જાઇએ...આપ અંદર જાઇએ ...ને માલિકણે બૂમ પાડી...‘શ્યામવદની...ઓ રે...શ્યામવદની !’
ને શ્યામવદની પટકાતા દિલે અંદર આવી.
બારણે ટપોટપ પડદા પડ્યા. રોશની બૂઝાઇ ગૈ. બહાર ઊભેલા કંગાલ જીવો અંદરના સુખનું દિવાસ્વપ્ન અનુભવવા લાગ્યા.
અંદર શ્યામવદની તરફડવા માંડી.
એ સારીયે રાત અંધકાર છવાઇ રહ્યો.
વળી પાછી બીજી સવારે એ ઘરને ધોવા મંડી પડી.
મેં બારીએ ઊભાં એ જોયા કર્યું.
જ્યારે મારી ને એની આંખો મળી કે તરત જ એ બારણું બંધ કરી અંદર ચાલી ગઇ.
એ અંદર ચાલી તો ગઇ પણ એવું કંઇક મૂકતી ગઇ કે જાણે હું એનામાં જ ખોવાઇ ગઇ. રડતી લાલઘૂમ આંખોનો કરુણ ચિતાર, ભાંગેલા હ્રદયની પ્રતિચ્છાયા...એક નારીની અપાર વેદનાનાં આંસુભર્યાં સંભારણા ! ! !
મને આ કંઇ ન સમજાયું.
શ્યામવદની એ તો એક રૂપજીવિકા, યૌવન વેચનાર, પૈસો મેળવીને પેટ ભરનાર, શિયળ વેચીને સ્ત્રીત્વ ખોનાર, રાત પડે ને શણગાર સજીને ઝરુખે ઊભી રહે, લોકોને બોલાવે ન આવે તો નિરાશ થાય, આવે તો રડે, કકળે ને સંતાઇ જાય અને વળી પાછી રોજ સવારે ઘરને ઘસી ઘસીને સાફ કરે ને નિ:શ્વાસ નાખી જીવન વ્યતિત કરે.
આમ કેમ ?
ગમે તમ આ  કોયડો મારી ઉકેલવો જ રહ્યો. ને મને તક મળી.
એ જ મધ્યાન્હે મેં એને નીચે ઉતરીને બહાર જતી જોઇ કે તરત જ હું પણ એની પાછળ નીકળી પડી, ઝડપ વધારી ને મેં બૂમ પાડી.
‘શ્યામવદની !’
એણે પાછળ જોયું, ચમકીને બેવડી ઝડપે ચાલવા માંડી.
ચાલવામાં મેં પણ હરિફાઇ આદરી.
છેવટે મેં એને પકડી પાડી.
એ હારી.
હું જીતી.
‘કેમ ચાલી જતી હતી શ્યામવદની ? હું કાંઇ તને હેરાન ન કરત !’
‘બહેન !’ ધીમે ધીમે ચાલતાં એણે જવાબ આપ્યો ‘ એ હું જાણું છું, પણ અમારા જેવા હૈયાહીણાં, સંયમ વિહોણા, ચારિત્ર્ય હીનની સાથે તમે ભદ્ર નારી શોભો નહિ. એટલે જ હું દોડી જતી હતી.’ કહી એણે ચોતરફ ભયભીત ભરી દ્રષ્ટિ કરી.
‘ શોભું નહિ એટલે ?’
‘અમે રહ્યાં સ્ત્રીત્ત્વને વેચનારાં, તમે એને પોષનારા, તમે અમારી સાથે બોલોચાલો તો સમાજ તમારી નિન્દા કરે, અમારા હલકા જીવનમાં તમે શા માટે ઉંડાં ઉતરો ?’
‘તું પણ મારા જેવી એક સ્ત્રી છે ને ?’
‘હા અભાગી સ્ત્રી છું...પણ શિયળ વેચનારી, ભદ્ર સમાજની નારી તરીકે અમે સ્થાન પામ્યા નથી.’
તેથી થઇ શું ગયું? મને તો તારું આ વર્તન નથી સમજાતું ?’
‘એ નહિ જ સમજાય !’
‘એમ કેમ બોલે છે બહેન !’ મેં ગદગદિત સ્વરે પૂછ્યું : ‘રૂપ વેચવું, શિયળ વેચવું એ તો તારો ધંધો છે, છતાંય તું તો રડે છે, એનું શું ? કેમ કસાઇ ઘેટાંબકરાં કાપવાનો ધંધો નથી કરતો, ભંગી ગંદુ નથી ઉપાડતો, સોની સોનામાંથી ચોરી નથી કરતો, શ્વેત વસ્ત્રાધારી વેપારીઓ કાળો બજાર નથી કરતા, આ જગતની અંદર કોણ પોતાનો ધંધો નથી કરતું ! અને તે ય અપ્રમાણિકપણે...’
‘ના...બહેન તમને  એ નહિ સમજાય...!’ શ્યામવદની મારી પાસેથી છૂટવા મથી રહી...
‘ન સમજાય તો ભલે એ ન સમજાય; પણ તું મને જરા એ તો કહેતી જા કે તું જો તારા શરીરને જ શિયળ માનતી હોય તો એ શિયળ નથી, ને તારે પેટને ખાતર, તું ગુલામ છું એ ખાતર, તારે આ ધંધો કરવો પડે છે. પરંતુ પેલા કહેવાતા ભદ્ર સમાજનાં નરનારીઓ જે જાણીબૂઝીને આ કામ કરી રહ્યા છે તેને તું શું કહીશ ?’
‘ એ હું કાંઇ નથી જાણતી !’ શ્યામવદનીએ મુખ પરથી ઘેરી વ્યથાને મહાપરાણે હટાવતાં ભ્રકુટિ ઉંચી ચડાવતાં કહ્યું : ‘અમે તો શાપિત જીવો છીએ, અમારા શાપિત હ્રદયને ઉકેલવાની તમે કદી યે અપેક્ષા રાખશો નહિ, અમારા એ ઘોર શાપનું પ્રાયશ્ચિત અમને કરવા દો !’
‘પણ એનો ઉદ્ધાર !’
’કીટકોનો વળી ઉદ્ધાર કેવો ?’
‘ ઇશ્વર ભજન...ભક્તિ...ત્યાગ...?
‘ઇશ્વર ભજન ! જેણે અમને જીવનભરનો શાપ આપી ગૃહજીવનથી વંચિત કર્યાં તે શું અમારી પ્રાર્થનાથી રીઝશે ખરા કે ? અરે, સમગ્ર જીવન તપમાં વ્યતિત કરીએ તો શું એ શાંત થશે ખરા કે ? તમારો ઇશ્વર તો પાષાણ હ્રદયી છે પાષાણ હ્રદયી ! બહેન, તમે ગમે તે હો ! એ પાષાણ ભગવાનને તો મેં જીવનભરમાં ખૂબ ખૂબ યાદ કર્યો છે, રડી છું, એના ચરણે પ્રાણ પાથર્યા છે. છતાંય જ્યારે એણે કોઇ રીતે દાદ ન દીધી ત્યારે જ મારા પોતાના બળ ઉપર વિશ્વાસ રાખી આ સમાજમાં ભળવા માટે જિંદગીમાં જે આવે તેને વધાવીને જીવન વિતાવવાનો રસ્તો મેં નક્કી કર્યો છે. હવે પાપ શું ને પૂણ્ય શું ? ને એને સર્જનારો ઇશ્વર કોણ? હવે તો હું એ કાંઇ સમજતી નથી...સમજું છું માત્ર એક આ ધંધો...ને એ દ્વારા મળતા પૈસાથી પેટ ભરવાનો અભરખો...’’
‘ તો પછી ગ્રાહકોને આવતા દેખી રડે છે શા માટે ? છૂપાઇ જાય છે શાને ?’
‘ ઓહ !’ હજુ પણ એ સાથે ચાલતી હતી તે અટકી જતાં બોલી: ‘ તમે પણ ઠીક નજર રાખો છો...’ કહી ફરી એક ઉનો નિ:શ્વાસ તેણે નાખ્યો.
પણ બીજી જ ક્ષણે એણે આંખો મીંચી, નાક ફૂલાવ્યું, હોઠ કરડ્યા ને એક તીક્ષ્ણ વેધક દ્રષ્ટિ મારી પર ફેંકી મને જોઇ રહી.
હું કંપી ઉઠી.
ત્યાં મક્કમ ને ગંભીર સ્વરે એ બોલી:
‘ તમારી સાંભળવું છે ? શું સાંભળવું છે ? મારી અપવિત્ર કહાણી ! ના...ના...તમને કહેવાથી શો ફાયદો ? બોલો...તમને...હું એ કહું તો તમે મને પવિત્ર ગણશો ? નિષ્કલંકિત કહેશો ? તમારા ભદ્રસમાજમાં મને અપનાવશો ? બહેન...બહેન...’ કહી એ થોડી વાર શ્વાસ લેવા થોભી...આંખો પર મૃદુ ભાવ લાવીને ફરી પાછી આગળ બોલી... ‘ બહેન ! મારીયે ઘરબાંધવું છે, તમારી જેમ જ સંસ્કારી થવું છે, ભદ્રસમાજમાં ભમવું છે ને કોઇ સુંદર બાળકની માતા બનવું છે...બોલો.....બોલો તમે એ કરી શકશો ? જુઓ...હું ય સ્ત્રી છું મારી પણ એક સ્ત્રી હ્રદય છે. બરોબર તમારા જેવું જ. આજ સુધી તો આવા સમાજમાં રહેવા છતાંય મેં મારું શિયળ સાચવી રાખ્યું છે, દેહથી નહિ તો દિલથી...જીવનથી નહિ તો આત્માથી...’
‘ તામારા ભદ્ર સમાજમાં રહેવા માટે મેં અનેક યાતનાઓ, માર, ડામ, દુ:ખ બધું જ સહ્યું છે. ભલેને મેં મારા અંગ ઉપર શણગારો સજ્યા પણ એને તો મેં હંમેશા આગના અંગારા જ લેખ્યા છે. મારા દેહે ભલે સુંદર વસ્ત્રો ઓઢ્યાં હોય, તો પણ મેં એને કાષાયનાં વસ્ત્રો માન્યા છે. ભલે તમારા ભદ્ર સમાજના પ્રતિષ્ઠિત પુરુષોએ મારા શરીરની હુંફ લીધી હોય, તો પણ મેં મન, વચન અને કાયાએ જલકમલવત રહી સંયમિત જીવનની અપાર સાધના કરી છે, ને એક સાધ્વી જેવું જીવન ગાળ્યું છે, પણ તેથી તમારા સમાજમાં મને કોણ સ્થાન આપશે ?’
કહેતાં કહેતાં એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
મેં એના ખભે મમતાભર્યો હાથ મૂક્યો.
એ ચમકી; દૂર હઠી.
‘ ના...ના...મને ન અડકશો.’
‘શ્યામવદની ! જે તને ગમતું નથી તે ધંધો તું શા માટે કરે છે ?
‘ આ ધંધો ! ન કરું તો શું કરું ? બહેન ! હું તો હરહંમેશ મારા પ્રિયતમની પ્રતીક્ષામાં દિવસો ગાળું છું. રોજ રાતે શણગાર સજીને જ્યારે ઝરુખે બેસું છું ત્યારે જાણે રાધા બની મારા કાનને ઢૂંઢૂ છું. એ આવશે... હમણાં આવશે...આ આવ્યો...અને એ મધુર સ્વપ્નોમાં મારું હૈયું કમલની જેમ ખીલી ઉઠે છે. પણ પછી તો એ કાનને બદલે જ્યારે બીજું જ કોઇ આવે છે ત્યારે નાછોટકે મારું નિરાધાર હૈયું ઘા નાખી મૂર્છા પામે છે. હાય રે ભગવાન ! તેં જો મને સ્ત્રી ઘડી, સ્ત્રીનું હૈયું આપ્યું તો પછી એ હૈયાને વીંધ્યું જ શા માટે ? એ સ્ત્રીત્ત્વને શા માટે હણી નાખ્યું ? મારા જીવનને, અંતરને અનુરૂપ એવું ઘર શા માટે ન આપ્યું ! શું એટલું સુખ આપતાંય તું ઓછો થઇ જતો હતો ! જ્યારે તમારા જેવી સુખી નારીને જોંઉ છું ને મારું દિલ ચીસ પાડી ઉઠે છે : ‘ ઓ ભગવાન ! આ તે કેવો શાપ ! અમારો કેવો ઉપહાસ !’ એક સ્ત્રીને...એક નાજુક દિલને... જગતની એક મહાન સિદ્ધિને આવો અન્યાય ?
અને વિસ્ફારિત નેત્રો કરી હાથના ભાવ સાથે એ ખૂબ જ વેગથી બોલી : ઓ ઇશ્વર ! ‘ ને કપાળે હાથ પટકી એ બબડી, ‘બહેન ! પ્રહલાદને ખાતર એ ઇશ્વર નૃસિંહ બન્યો, ગજેન્દ્રમોક્ષાર્થે એ સૂતેલો દોડ્યો, અર્જુન ખાતર તે સાર્થી બન્યો ત્યારે મેં એવાં શાં પાપો કર્યા છે કે આટાઅટલું વિનવવા છતાંય એ મારું સાંભળતો નથી ! શું અમને અવતાર આપી એ શરમ અનુભવી રહ્યો છે ? બહેન ! હું પૂછું છું કે સૃષ્ટિના સરજનમાં સ્ત્રી ન હોત તો ? અરે આ કુટુંબમાં બહેનની મીઠાશ ન રેડી હોત તો ? ને સ્ત્રીમાં પ્રેમનો ભાવ જાગૃત ન કર્યો હોત તો ? તો શું તમારી આ દુનિયા સુખરૂપે ચાલી શકત ?’
‘બસ...બહેન...બસ...હવે આગળ ન કહે...મારાથી સહેવાતું નથી આ...’ મારી આંખોમાંથી ટપટપ કરતા આંસું ઢળી પડ્યાં.
‘રડો છો શા માટે ? હું પૂછું છે કે આ ભદ્ર સમાજ અમારા કરતાં યે વધુ અધ:પતનને નથી પામેલો ? તમારા સમાજમાં ચારિત્ર્યનો ડોળ કરનારાં સ્ત્રી-પુરુષો શું અમારાથી યે વધારે બદતર નથી ? બહેન, તમે જ એક સ્ત્રી થઇને ન્યાય આપો. ખરું પૂછો તો તમારું રક્ષણ કરનારાં અમે છીએ, સુખી બનાવનાર છીએ, એ ખાતર પણ તમે એટલું પણ વિચારજો કે અમે સ્ત્રી છીએ. અમને પણ પત્ની બનવાના, માતા બનવાના કોડ છે, ઝંખના છે કે જેથી અમે આ દોજખમાંથી છૂટીએ. કોઇ...કાન...મળે તો....!!!’
કહેતાં કહેતાં...અચાનક જ એ મુખ ફેરવી ચાલવા માંડી.
હું તો એના વેગને ... વેદનાને ધુમ્રસેરની જેમ પ્રસરતી જોઇ રહી.

*                 *                 *

અને ફરી એ કાજળ કાળી રાત આવી. આજે તો શ્યામવદની રાધિકા બનીને કાનની વાટ જોતી બેઠી હતી. એની પાયલ ઠમકા લેતા હતા. એનું હૈયું મિલનબંસીના સૂર છેડતું હતું ને ગુલાબી ઓઢણી આજે લહેરાતી હતી.
ફર...ફર...આંખ ભરીને એણે મીંટ માંડી, ભ્રમર ખેંચી, નીચી નમી, ઝૂકીને ત્યાંજ એનાથી એક કરુણ ચીસ નંખાઇ ગઇ.
ફરીથી ભદ્રસમાજનો પેલો પ્રતિષ્ઠિત વૃદ્ધ ચાલ્યો આવતો હતો.
‘ ના...ના...ના...’ શ્યામવદનીએ જોરથી ઇન્કાર કર્યો. પણ ત્યાંતો આ માલિકણના હાથે ખેંચાઇ, ઘસડાઇ, અર્ધબેભાન, મૂર્છિત હાલતે એનાં નૂપૂરના રણકાર થરડાતા હતા, એનું દિલ વેદનાની ભઠ્ઠીમાં શેકાતું હતું, એનાં કાષાય શાં વસ્ત્રો કોઇની અપવિત્રતામાં રગદોળાતાં હતાં. એના સંયમિત જીવનને કોઇ પતનની પરાકાષ્ટાએ પહોંચાડતું હતું. એની કંચનવરણી કોમળ કાયા સૂકા રણમાં શોષાતી હતી. ચંપાતી હતી, ભૂંજાતી હતી.
એક કારમી ચીસ આવીને રોશની બૂઝાઇ ગઇ. હું બેબાકળી બની એને એના ઘરને ખૂણે ખૂણે આંખથી શોધી રહી.

      ‘હાય ! પણ ક્યાં હતીએ ?       બિચારી ! મૂર્છિત હાલતમાંયે એક પાશવી એનું શિયળ લૂંટતો હતો.

      ‘પણ કાલ...કાલ...શું એનેન હું જોઇ શકીશ કે ?       અને સવાર ઉગી. ધોયેલા દૂધ જેવી સવાર ઉગી. અંધકારની મલિનતા ક્યાંય ઓગળી જતી હતી, સુરમ્ય પ્રકાશની આછી કિરણ રેખા સંતપ્ત પૃથ્વીને ઉષ્મા આપતી હતી. આકાશમાં પંખીઓ પ્રભાતનાં મીઠાં ગીત ગાતાં ચારો ચણવા જઇ રહ્યા હતાં. ત્યારે મારી આંખ ઉઘડી. ઝટપટ ઊભા થઇ બારી ખોલી સામે નજર કરી તો સફેદ વસ્ત્રોમાં દર્દભર્યા સૂરો છેડતી શ્યામવદની કરુણ ભાવે ગાઇ રહી હતી,

મને ચાકર રાખોજી,
ચાકર રહેશું, બાગ લગાશું, નિત ઉઠ દરશન પાશું,
બિન્દરાબનકી કુંજનગલિનમેં ગોવિંદ લીલા ગાશું,
મને ચાકર રાખોજી !

      હાય! જેણે જીવનમાં કદી સુખ જોયું નથી. સારીયે જિંદગીમાં જેણે કદી કોઇનોય મીઠો ટહુકો સાંભળ્યો નથી, ભદ્ર સમાજમાં જેણે કદી યે પોતાના સ્થાન માટેનો હક્ક દાવો નોંધાવ્યો નથી. જે સદાયે પોતાની સ્ત્રી સહજ સુંદરતાને, પવિત્રતાને ઢાંકી કુરુપતાનો પ્રચ્છન્ન વેષ ધારણ કરીને બેઠી છે, સદાય અંતરની અશ્રુધારાને હર્ષના ધોધમાં રેલાવતી બેઠી છે, જેણે લોકદ્રષ્ટિએ અપવિત્રતાનો અંચળો ઓઢી લીધો છે એવી એ અર્ધભૂખી અર્ધદગ્ધ ગુલામ નારી પોતાના જીવનની, ઘરની અરે ! સમસ્ત સમાજની અપવિત્રતાને જાણે ઘસીઘસીને ધોઇ રહી છે. એટલું જ નહિ પણ પોતાના હ્રદયનો રાતો રંગ પૂરી પોતાના પ્રાણપ્રિય એવા નારી સમાજને સુખી કરવા નિજ જીવનનું વિલોપન કરી રહી છે !      

હાય રે શ્યામ વદની ! ! !

000000000

'મા !તું કોની ઢીંગલી' વાર્તા સંગ્રહ, પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 1961, નવયુગ પુસ્તક ભંડાર રાજકોટ

***