વાર્તાવરણ (વાર્તાસંગ્રહ) ઇ.સ. ૧૯૮૭ – રાધેશ્યામ શર્મા

રાધેશ્યામ શર્માનો પ્રથમ વાર્તા સંગ્રહ ‘બિચારા’ ૧૯૬૯ અને ‘પવન પાવડી’ ૧૯૭૭ પછી ત્રીજો વાર્તાસંગ્રહ ‘વાર્તાવરણ’ ૧૯૮૭માં પ્રકાશિત થયો. આ વાર્તાસંગ્રહમાં સંગ્રહિત થયેલી. ૩૭ વાર્તાઓમાં ૧૮ વાર્તાઓમાં ‘પવન પાવડી’ નું સાતત્ય જણાય છે. તેમની કેટલીક વાર્તાઓ ત્રીજો પુરૂષ એકવચનમાં આલેખાઇ છે. મોટાભાગની વાર્તાઓ કપોલકલ્પિત સૃષ્ટિને આલેખે છે. હવે આપણે તેમની બે વાર્તાઓ જોઇએ:
‘બે કાગળ’ વાર્તામાં મોટાભાઇ ‘રા’ને કાગળ લખે છે. બંને ભાઇ વચ્ચે પ્રવૃત્તિને કારણે પત્રોની આપ-લે પણ નથી. મોટો ભાઇ ‘પિતૃસેવા’ બંગલામાંથી પત્ર લખે છે.
પત્ર આ પ્રમાણે લખે છે. દસ બાર વર્ષથી બાપુજી જનકરાય ભૃગુશાસ્ત્રી કેવળ ખાટલાવશ છે. ઉંમર એમની અગણ્યાએંશીની છે. પથારીમાં પાસું પણ ફેરવી શકતા નથી. છેલ્લા દશ દિવસથી હું અને બહેન મળમુત્ર કરાવતા, પાસા બદલાવવા, ટાલ્કમ પાઉડર બરડે લગાવવા, પાણી પીવડાવવા, નવડાવવા બધું જ ભક્તિ-ભાવનાથી કરીએ છીએ. બહેનને વધુ અડચણ ન પડે તે માટે એક બાઇ પણ રાખી છે. છતાં જનકરાય ભવિષ્યવાણી ભાખવા માંડ્યા છે. “હું હાટકેશ્વરની કૃપાથી બેઠો થઇ જવાનો છું ચાલતો મહાલતો થવાનો છું ને મારે કુટુંબી પ્રમાણે લગ્નયોગ પણ છે. પછી તમને બંનેને બતાવી આપીશ કે સેવા કેમ કરાય અને કેમ લેવાય”(પૃ.૨) દાક્તરોએ આશા ક્યારનીયે મેલાવી દીધી છે. મનથી પણ અમે હારી ગયા છીએ પણ જનકરાય જેનું નામ. તેમની આંખોની અંદરનો ચમકારો પરશુરામ પૃથ્વી નક્ષત્રી કરવા નીકળ્યા હોય એવી ફરસી જેવો છે તેમની શારીરિક કષ્ટવાળી દશા જોતાં આ આશાવાદ મને સમજાતો નથી.
બે દિવસ અગાઉ દાક્તર મધુસુદન મળવા આવેલા અને તેમણે પરદેશમાં બહું રીબાતા દર્દી પર દવા લાવી ઈંજેક્શન આપી ‘મર્સીકિલિંગ’નો એક કિસ્સો સંભળાવેલો પરંતુ દકતરે આ વાત મને કેમ કહી એનું આશ્ચર્ય થયું? આમાં શું કોઇ ગર્ભિત સૂચન હતું? શું ડૉક્ટર અમારો કંટાળો પરખી ગયો હશે?
એ જ ટપાલમાં ઉપર આવેલો બીજો કાગળ તે ખોલે છે. પરબીડિયા પર છાપેલા એડ્રેસ પરથી તે પોતાના પરમ મિત્રનો પત્ર છે. એમ જાણીને કવર ફાડે છે તે વાંચે છે.
આ પત્રમાં જણાવે છે તે મુજબ મિત્રની બા એંશી વર્ષની વયે વીસ-પચીસ દિવસ પૂર્વે ખૂબ જ રીબાતા-રીબાતા અવસાન થયું. ઘડપણના કારણે શરીરની સાથે મગજના કોષો લગભગ ઘસાઈ ગયા હતા. યાદશક્તિ ઘટી ગઈ હતી. મહિના પૂર્વે જોવા ગયો હોઉં તોય આ જ સવારે જ ભાઈ જોવા આવેલો એમ પાડોશીઓને કહેતા યુવાનીમાં બા પોતાનો માળો, કારોબાર સંભાળી રાખતા હતા. યુવાનીમાં ખોરાકમાં ઘણી વસ્તુઓ તેમને નડતી. ટેક્સીમાં ટેક્સીના દર્પણમાં મે માનો સુંદર ચહેરો જોયો છે. હું ક્યારેક બોલતો હોઉ તો અટકી પડું છું. કારણ મારો અવાજ મને પરકો લાગે છે. એ અવાજ મારો નહીં, મારી પાસે નહીં રાખેલી માનો જ અવાજ છે.
- મિત્રના ભાઇ પાસે મા રહેતી હતી.
- માના મૃત્યુ પછી માની ઘેલછા.
આમ, વાર્તાના બંને પાત્રોમાં આધુનિક માનવીના બિનઅંગતપણાના વ્યવહારને આલેખવામાં આવ્યો છે.
‘વવળાટ’ આ વાર્તામાં ધરતીકંપના કલ્પન દ્વારા સતીશભાઇના હંસાભાભી સાથેના આડસબંધની વાત કરી છે. હંસાભાભી સાથેના આડસંબંધનો ઉલ્લેખ ‘ચા’ આપવાને બહાને હંસાભાભી તેમની પાછળ જાય છે. ત્યાં જ રસોડાના બારણે સાણસીના ટકોરા સંભળાયા...... વર્ષોથી ફિફટી ફિફટી ચા વહેંચીને પીવાનો ક્રમ હતો....(પૃ. ૯)
હંસાભાભી સાથે પોતે ૨૬૦૦૦ વખત જાતીય સંભોગ કર્યો હોવાનો ઉલ્લેખ આ વાર્તામાં આલેખાયેલ ૨૬૦૦૦ ધરતીકંપ દ્વારા મળી રહે છે.
તેમના ‘સેક્સ્યુઅલ’ રીતે જોડવાની વાત ‘ચા’ ના પ્રતિરૂપ દ્વારા આલેખી છે.
“પથારીની કરચલીઓ પ્રમાણે છાપા પર છવ્વીસ હજારના મરણને બદલે ‘મરણ’ શબ્દ છુપાઇ જવાની હવે ૨૬૦૦૦ ધરતીકંપ એમ વંચાતું હતું....” (પૃ. ૧૮)
આમ, વાર્તામાં આલેખાયેલ ‘ચા’ પીવાના ઉલ્લેખ ધરતીકંપ, વવળાટ, પાન ખાવાની ક્રિયા વગેરે ઉલ્લેખ સતીશભાઇ અને હંસાભાભીના સેક્સ્યુઅલ સંબંધને પ્રકાશમય કરનાર બની રહે છે.
‘ગેટ વે’ વાર્તામાં ‘રિગલ’ થી ચાલતું ચાલતું એક જોડું ‘ગેટ વે ઓફ ઇંડિયા’ તરફ આવી રહ્યું હતું. પ્રૌઢ પત્નીના ચંપલ ઘસાવાને કારણે ભાવ પોસાઇ એવો લાગે તો લઇ જ લેવા. પરંતુ ચંપલ લીધા વિના જ તાજ પાસેથી પસાર થયા. શિવાજીના કાળા બાવલા તેની પાસે ઉડતા કાગડા, ચાઇનીજ છોકરો, ‘ઇનડિયા મેપ ટેન રૂપિઝ – ટેન રૂપિઝ’ એમ બોલી ઘરાકોને બોલાવતો હતો. પતિ-પત્ની એક બાંકડા પર બેઠા અને પતિ ગઇકાલે અધૂરા રહી ગયેલા પુસ્તકનું વાંચન કરવા કહે છે. પત્ની અનુવાદ જ સીધો વાંચે છે. ત્યારે પતિ કહે છે ‘તારુ અંગ્રેજી એવું નહીં નહીંતર મૂળ વાચવાની મજા આવે પતિનું અંગ્રેજી પરનો મોહ અને માનસિક ગુલામી વ્યક્ત કરી છે. પત્ની વાચતાં વાચતાં સ્મૃતિમાં ડૂબી જાય છે. પતિ ઇંસ્પેક્ટર, લગ્નની વીસમી વર્ષગાંઠ પરણીને ધારેલું કે પોતે સુખી થશે પણ આળસુ જડ દારૂડિયા સાથે પરણીને એની જિંદગી કઠણાઇ અને વેદનામાં વીતતી હતી. બાજુના ખંડમાં જઇ ઝેર ગટગટાવી લીધું પરંતુ બચી ગઇ. કેસ ચાલ્યો પોતે ચુપ રહી. પરંતુ તેની પુત્રીએ મા પર જે વીતી તે અદાલતમાં કહ્યું કોર્ટે છુટા રહેવાનો હૂકમ આપ્યો અને દર અઠવાડિયે બાઇને પંદર શિલિંગ આપવાનો હૂકમ કર્યો.
બેસ્ટાર્ડ પતિ પ્રથમ અઠવાડિયાના પંદર શિલિંગ આપે છે. પણ બાઇએ પૈસા પતિના મોં પર છુટા ફેંક્યા ચીસ પાડી તે બોલી ઊઠી.
“તારા પૈસા પાછા લઇ લે તે મારાં વીતેલાં
વીસ વરસ મને પાછા આપ....” (પૃ, ૧૮)
સ્ત્રીનો પતિ પ્રત્યેનો રોષ અને અરમાનોના છૂંદણા જોવા મળે છે. વાર્તામાં લેખક ‘શિવાજીના કાળા બાવલા પર ટકરતો તડકો’ જેવા કલ્પનો પ્રયોજ્યાં છે અને પુરૂષપ્રધાન સમાજ ઉપર કટાક્ષ કર્યો છે.
આમ, રાધેશ્યામ શર્માનો વાર્તાસંગ્રહ ‘વાર્તાવરણ’ માંથી બે વાર્તાઓનું વિસ્તૃતપુર્વક આલેખન કરવાનો પ્રયાસ આ લેખમાં મેં કર્યો છે. તેમની વાર્તાઓ પ્રયોગશીલ છે અને બાહ્ય જગત તેમજ આંતર ચેતનાને વાસ્તવિકતા સાથે રજૂ કરે છે. તેઓ વાર્તાઓમાં વર્તમાન અને ભુતકાળની સહોપરિસ્થિતિ તેમજ કેટલીક વાર્તાઓમાં ‘સ્ટ્રીમ ઑફ કોંશીયસનેસ’ ની ટેકનીકનો ઉપયોગ કરે છે.
શ્રી વિજય શાસ્ત્રી તેમની વાર્તાઓ વિશે કહે છે : ‘માનવીની ચૈતસિક વ્યાપારોની વિવિધ મુદ્દાઓને સ્પર્શવા- પામવા અને આલેખવાનો રાધેશ્યામનો ઉધમ દેખાઇ આવે છે’ (પૃ. ૮૦) પશ્યલિ ‘જ્યંતિલાલ ગોહિલ’
અંતે, ‘વાર્તાવરણ’ સંગ્રહની વાર્તાઓમાં પરીકથા, બોધકથા, પુરાણકથાના પરિવેશમાં ભાવકને એક બાજુ આદિમતા સાથે સંલગ્ન કરે છે, તો બીજી બીજુ સમ્પ્રજ્ઞતા સાથેના તીવ્ર તણાવમાં મૂકી આપે છે.
                           

પ્રા. વર્ષા એન. ચૌધરી
સરકારી વિનયન કૉલેજ,
અમીરગઢ

 

000000000

***