નર્મ, મર્મ હાસ્યની છોળો ઉડાડતી નિબંધિકાઓ

ગુજરાતી ભાષા સાહિત્યમાં શ્રી મુધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ હાસ્યલેખન, વિવેચન, સંપાદન અને અનુવાદ વગેરે જેવા ક્ષેત્રોમાં એમનું પ્રદાન રહ્યું છે. ગુજરાતી હાસ્ય સાહિત્ય ક્ષેત્રે જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટની સાથે શ્રી મધુસૂદન પારેખનું નામ હાસ્ય લેખક તરીકે મૂકી શકાય. શ્રી મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ એ હળવા નિબંધોની સાથોસાથ નિબંધિકાઓના સંગ્રહો પણ આપ્યા છે. ‘સૂડી સોપારી’,  ‘વિવોદાયન’, ‘હાસ્યદેવાય નમઃ’, ‘પ્રિયદર્શીની હાસ્યલીલા’ વગેરે નિબંધિકાઓના સંગ્રહો મળે છે. ‘પ્રિયદર્શીની નિબંધિકાઓમાં’ એમાં એક વધુ ઉમેરણ છે.
 ‘પ્રિયદર્શીની નિબંધિકાઓમાં’ 39 જેટલી નિબંધિકાઓનો સમાવેશ થયેલા છે. આ સંગ્રહમાં ‘શ્રીમતીનું સમાજસેવા મંડળ’ થી શરૂ કરી ‘આખરે હું લેખક થયો ખરો !’ ત્યાં સુધીની નિબંધિકાઓની સફરમાં તેમણે નર્મ-મર્મ એમ બંને પ્રકારની હાસ્યની છોળો ઉડાડી છે.
‘શ્રીમતીનું સમાજસેવા મંડળ’ એ નિબંધમાં સ્ત્રીઓ સમાજસેવા કરે છે. પરંતુ એમના જ ઘરનું કામ નથી કરતી, અને પુરુષોને ઘરના નોકરની જેવા હાલ કરે છે. એ કેવી સમાજસેવા છે ? પ્રસ્તુત નિબંધમાં વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મળે છે. સાથોસાથ લેખકે આધુનિક વિચારસરણી ધરાવતી સમાજસેવા મંડળોમાં વ્યસ્ત સ્ત્રીઓ પર માર્મિક વ્યંગ કર્યો છે. અન્ય એક નિબંધમાં શીલાના મિત્રની કફોળી સ્થિતિનું વર્ણન થયું છે. જેના દ્વારા લેખક વાચકને પેટ પકડીને હસાવે તેવી રમૂજ રજૂ કરી છે.
‘અમારા બાબાના લગ્નનું આલબમ તો જુઓ !’ એ નિબંધિકામાં વીરુભાઇને તેમના સંબંધી એમનાં બાબાના લગ્નનો આલબમ બતાવે છે. દરેક ફોટાનો પરિચય અને એની પ્રશંસા કરે છે. સાથોસાથ વિવેચન કરે છે. આ પ્રસંગમાં વીરુભાઇની હાલત પર વાચકને દયા આવી જાય તેવી છે. તેમની કપરી સ્થિતિમાંથી જન્મતું હળવું હાસ્ય પ્રગટે છે. લેખકે અહીં પ્રશંસા ભૂખ્યા મામસો પર હળવો માર્મિક વ્યંગ કર્યો છે.
‘તમે અમેરિકા જવાના છો ? ત્યારે....’ એ નિબંધિકામાં અમેરિકા જતા વ્યક્તિને સગાસંબંધીઓ તરફથી કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે આ નિબંધમાંથી ફોઇબા, મામા અને બનેવીના કામોક માગણી પરથી જણાય છે. માણસ અમેરિકા જતા પહેલાં કેન્સલ કરી નાખે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ જાય છે. અહીં હળવું હાસ્ય પ્રગટે છે. ‘મંદિરમાં બૂટ-ચંપલની બબાલ’ એ નિબંધિકામાં ભગવાનનાં દર્શન માટે મંદિર બહાર બૂટ-ચંપલ કાઢવાની રામાયણ સર્જાય છે. તેમાં પત્નીનો કરકસરિયો સ્વભાવ પ્રગટે ચે. પત્નીનાં ચંપલ સાચવવા પતિ મંદિર બહાર બેસે છે. ત્યાં અન્ય એક પરિચિત સ્ત્રી ચંપલ મૂકીને દર્શન કરવા જાય છે. એ પછી સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો આદરભાવ કેટલો હોય છે. તેનાં દર્શન લેખક વ્યંગ્યાત્મક રૂપમાં પ્રગટ કરે છે. અન્ય એક નિબંધિકામાં રીટાયર્ડ પતિને એની પત્ની ઉપાધિ સમજે છે.
‘’બધું હપ્તે-હપતે એ નિબંધિકામાં ધનીરામ જેવા મામસો સમાજમાં ઘણા છે. જે પોતાની દીકરીનાં લગ્ન પણ હપતે-હપતે કરે છે. ઘરે ઉઘરાણી આવે તો તેને પણ વાયદો આપવામાં હોંશિયાર છે. અહીં ચાર્વાકમુનિનો એક શ્લોક યાદ આવે છે કે ‘ઋણ’ કૃત્વા ધૃતપી બને ? ધનીરામ દેવું કરીનેય ઘી પીવું એવું માનનારા ફિલસૂફ છે. આ નિબંધનો વિષય નાવિન્યતાથી રજૂ કર્યા છે. જે વાચકને આનંદ આપે છે.
‘મફત મેળવવાની મઝા’માં આપણા લોકો છાપું પણ મફત વાંચે છે. પછી પુસ્તકો તો કોણ ખરીદીને વાંચે. આ નિબંધમાં મફતમાં છાપું વાંચવાનું અને પછી રાખવાની અહીં મફતનું લેવાવાળા લોકોનાં વ્યક્તિત્વનો પરિચય મળે છે. ‘ઉનાળાની એક યાદગાર બપોર’ માં ઉનાળાની બપોરનાં વિવિધ સ્વરૂપ, પંડિત અને મહારાજ જેવા શબ્દોનો વિનિપાત થયો છે. એનો અહીં નિર્દેશ છે. આ ઉપરાંત કાકા સાહેબ કાલેલકર અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક યાદગાર મુલાકાતમાં વિનોદ પ્રગટે છે. ‘એક રાજકીય નેતાના ઉપવાસ’ એ પ્રસંગમાં વિરોધ પક્ષના નેતા સરકાર સામે ખેડૂતો માટે ઉપવાસ કરે છે. પરંતુ નેતાજીના આ ઉપવાસની અસર કોઇને ખાસ થઇ નહીં. અહીં નેતાની સ્થિતિનો ચિતાર આપ્યો છે. જેમાં વર્તમાન રાજકારણમાં દંભી નેતાઓ પોતાની પબ્લિસીટી કરવા માટે કેવા નુસખા અજમાવે છે. તેના પર વૈધક કટાક્ષ કર્યો છે. ‘અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યુ દીસે’ એ પંક્તિના શીર્ષકને આ નિબંધિકામાં દાસકાકા અને આન્ટીના જીવન દ્વારા સાર્થક થાય છે. એમના જીવનમાં મઝા જ કરવી એવો એમનો સિદ્ધાંત છે. આ દંપતિ અબાલવૃદ્ધને શરમાવે તેવી સ્ફૂર્તિથી સુંદર જીવન જીવે છે. કવિ શ્રી કલાપીની ઉપર્યુક્ત પંક્તિ યથાર્થ છે.
‘એક ભિખારીનો ઇન્ટરવ્યુ’માં ભિકારીના વ્યવસાયમાં હવાલદારને હપતો આપવો પડે છે. આપણા સમાજમાં હપતો આપવાની લેવાની પ્રથા ઘર કરી ગઇ છે. ભિખારીઓના ઇન્કમટેક્ષ ઓફિસર હવાલદાર. આ ભિખારી અંગ્રેજીમાં બોલીને ભિખ માગે છે. એને પૂછવામાં આવ્યું કે તું અંગ્રેજી જાણે છે તો એણે કહ્યું કે ઇમ્પ્રેશન પાડવા, વ્યવસાયમાં ટકી રહેવા માટે અંગ્રેજી થોડું શીખી ગયો છું. મારી પત્ની આંધળીનો રોલ કરી ભિખ માંગે છે. ભિખારી દંપતિના નામ અદભૂત છે. ‘કબીર’ અને ‘લખમી’ નામ થતાં ભિખારી છે. આ નિબંધમાં લેખકે વાચકને હાસ્યરસના કુંડમાં સ્નાન કરાવી દે છે, અને વર્તમાન ભિખારીઓની સ્થિતિનો ચિતાર પણ આપે છે.
આ નિબંધિકાઓના સંગ્રહમાં ‘પેટ તે જ શ્રેષ્ઠ’ માં પેટના મૂલ્ય અને તેનો આધાર સર્વ અંગોમાં મહત્વનો છે. જ્યારે રેલવે મુસાફરીની રોચક વાત ‘રાત્રિ ટ્રેનની મુસાફરી: એક અનુભવ’ નિબંધમાં નિરૂપાઇ છે. અન્ય એક નિબંધમાં સત્તા-ખુરશીના પૂજારીઓ કેટલી હદ સુધી જાય છે. તેનો ચિતાર મળે છે. જેમાં વર્તમાન રાજકારણમાં ધર્મના નામે ગોરખધંધા ચાલે છે. તેનો નિર્દેશ કર્યો છે.
‘ગુર-શિષ્યની બોધકકથા’ નિબંધમાં ભોલારામ પોતાના ગુરુ સ્વામી ધૂર્તાનંદસ્વામી પાસે આશીર્વાદ લેવા જાય ત્યારે ભોલારામે પોતાના ગુરુ પાસે રાજકારણમાં પ્રવેશવાની વાત કરી છે. ગુરજી શિષ્યને રાજકારણના પાઠ ભણાવે છે. શિષ્ય પ્રધાનપદ મેળવી લે છે અને આશ્રમની જમીન રિંગરોડમાં કપાય છે ત્યારે ગુરુજી શિષ્ય પાસે જાય છે. પણ શિષ્ય ગુરુજીને કહે છે કે રાજકારણમાં વચનો આપવાના હોય પાળવાનાં હોતા નથી. અહીં ગુરુ-શિષ્ય જેવા પવિત્ર સંબંધમાં રાજકારણે પ્રવેસ કરી લીધો છે.
આ ઉપરાંત ‘અહીં કશું ખોવાનું નથી ને કશું જડતું નથી’ નિબંધમાં પુરુષોની દરેક વસ્તુ શોધવામાં પત્નીનો સહારો લે છે. ત્યારે જે સંવાદો થાય છે તેમાંથી હળવું હાસ્ય નિષ્પની થાય છે. અન્ય એક નિબંધમાં મનુષ્યની નિર્ણયશક્તિ કેટલી મકક્મ છે એની વાત કરી છે. ‘આખરે હું લેખક થયો ખરો !’ એ નિબંધમાં લેખક બની સાહિત્ય સેવા કરવી ઇન્ચનાર વ્યક્તિનાં વ્યક્તિત્વનાં દર્શન થાય છે. જેમાંથી એવાં લહિયો લેખક બને એવું માનનાર વર્ગ પરકટાક્ષ કર્યો છે.
આમ, આ સમગ્ર નિબંધિકાઓમાંથી શ્રી મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ની કલમની તાજપ જણાય છે. હાસ્ય નિબંધિકાઓમાં એમનો વિનોદ ક્યારેય કટુ બનતો નથી. એમનું મૃદુ અને મિષ્ટ વિનોદ હાસ્ય આ નિબંધિકાઓમાંથી મળે છે. આ નિબંધિકાઓમાં મોટે ભાગે કૌટુંબિક તેમજ સામાજિક ઘટનાઓ દ્વારા વાચકોને હાસ્ય પીરસાયું છે. એમના હાસ્યને અબાલવૃદ્ધથી પીઢ સાહિત્યવિવેચકોએ બિરદાવ્યું છે. શ્રી મધુસૂદન પારેખે ‘પ્રિયદર્શી’ તખલ્લુસ આ નિબંધિકાઓ દ્વારા સાર્થક કર્યું છે. અને એમાં એમનું સૂક્ષ્મ વૈચારિક હાસ્ય સહૃદય વાચક-ભાવકોને હાસ્યરસથી તરબોળ કરી મૂકશે એવી અભ્યર્થના.


પ્રો. ભરત ઠાકોર
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

000000000

***