આવકારાયેલ ‘આવકાર’ વિશે

 

આધુનિક અને અનુઆધુનિક યુગમાં જગત અને જીવન સાથે નિસબત રાખનારા, પોતાની મસ્તીમાં લખનારા સર્જકશ્રી મોહમ્મદ માંકડે ગુજરાતી સાહિત્યમાં ૩૪ જેટલી નવલકથાઓ અને ૧૧ જેટલા વાર્તાસંગ્રહો આપી ઉત્તમ નવલકથાકાર અને વાર્તાકાર તરીકે તો પોતાનું સ્થાન અંકે કરી દીધું છે, પરંતુ આ સિવાય ત્રીજી એક બાબતથી પણ તેઓ પોંખાતા અને પ્રજાપ્રિયતા પામતા રહ્યા છે, એ છે એમનાં ચિંતનાત્મક લખાણોથી. સંદેશમાં છપાતી ‘કેલીડોસ્કોપ’ કૉલમના ભાગરૂપે તેમણે આજસુધીમાં ૧૬ જેટલાં ચિંતનાત્મક લખાણોના પુસ્તકો આપ્યાં છે. એમના આ લખાણોમાં સમાજ, શિક્ષણ તેમજ જ્ઞાન-વિજ્ઞાન વિશેનું ચિંતન-મનન રજૂ કરતાં રહ્યા છે. એમના ચિંતનમાં વિચાર ઉપરાંત પ્રેરણા આપનારું તત્વ ગજબનું છે જે ભાવકને સતત આકર્ષતું રહ્યું છે.
      મોહમ્મદ માંકડ પાસેથી ‘કેલીડોસ્કોપ’ કૉલમ રૂપે આપણને ચિંતનાત્મક લખાણોનો વધુ એક મણકો ‘આવકાર’ (૨૦૧૦) પ્રાપ્ત થયો છે જે તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિકથી આવકારાયો પણ ખરો.
      ‘આવકાર’ સંગ્રહમાં ત્રીસ ચિંતનાત્મક લેખો સમાવેશ પામ્યા છે. જેમાં નિબંધકારે સમાજજીવન, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, નારીનું મહત્વ, ભાષા પ્રત્યે ચિંતા, શિક્ષણ જેવા સાંપ્રત સમયના અનેક વિષયોને લઈને ચિંતન રજૂ કર્યું છે. એમના આ લેખોમાં સર્જકનો વાંચન-મનન અને અનુભવનો નિચોડ પાને પાને જોવા મળે છે.
      પ્રસ્તુત સંગ્રહના આરંભમાં જ ‘આવકાર’, ‘હોઠ બહાર નહીં આવેલા શબ્દો’, ‘અવાજ, વરદાન, ઘોંઘાટ, શાપ’,  ‘જિંદગીના છલકતા જામને તમારે હાથે ઢોળી ન નાખશો’, ‘અડધી ભેટ’ જેવાં લેખો પર નજર કરતાં માલુમ પડે છે કે સર્જકની શૈલી વાતચીતીયા ઢબની છે. તેઓ પોતાના વિચારને કથા, ટુચકા તેમજ વાર્તા દ્વારા રજૂ કરે છે. જેથી વાચકને વિશેષતા અહીં વિશેષ ધ્યાનપાત્ર બની રહે છે.
      તો ‘આવકાર’ સંગ્રહના લેખોની બીજી એક ખાસિયત એ છે કે તેમાં સમાવિષ્ટ લેખોની રજૂઆત જુદી જુદી છે. ‘સ્ત્રી પુરુષ સમોવડી થઈ શકે છે, પુરુષ સ્ત્રી સમોવડો થઈ શકે ?’, ‘જે ન જાણતા હો, તે જાણતા હોવાનો દંભ ન કરશો’ જેવા લેખોની શરૂઆત નિબંધકાર વાર્તા ઢબે કરે છે. તો ‘ગુજરાતી બોલો, ગુજરાતી વાંચો, ગુજરાતી લખો’, ‘માણસ ખરેખર કોની સાથે છેતરપિંડી કરે છે ?’ જેવા લેખોમાં સર્જકની પંક્તિઓથી લેખોનો આરંભ કરે છે. તો ‘માનવીની ચમત્કાર ઘેલછા’ જેવા લેખ કહેવતથી શરૂઆત કરે છે. સર્જકની આ પ્રકારની રજૂઆત લેખને રસપ્રદ બનાવે છે. એટલું જ નહિ, આવા લેખો આરંભથી જ વાચકને કૂતુહલ પ્રેરનારા બની રહે છે જે વાચકને સતત જકડી રાખે છે.
      ‘આવકાર’ના મોટાભાગના લેખોમાં નિબંધકાર પોતાના વિચારોને એકથી વધુ કથા-વાર્તા તેમજ દ્રષ્ટાંતોથી સમજાવે છે. કેટલાંક દ્રષ્ટાંતો જોઈએઃ ‘આવકાર’ લેખમાં માણસે કરેલા ગુનાઓ, ઈરાદા વગર થયેલા ગુનાઓ તેમજ પોતે ગુનેગાર ન હોય તો પણ ગુનેગાર ઠેરવ્યો હોય એવી પરિસ્થિતિમાં માણસને સજા કેવી રીતે મળે છે. આ વાતને નિબંધકાર પ્રેમચંદની ‘ગબન’ તેમજ અમેરિકન લેખક હેન્રીની વાર્તા દ્વારા સમજાવે છે. તો ‘વાંચવા જેવી, વિચારવા જેવી, બે પત્રોની વાત’માં સર્જકે પત્ર શૈલી દ્વારા ઉંમર વધવાની સાથે સાથે ખુમારી અને ગૌરવથી કેમ જીવવું જોઈએ વિશે વાત કરતાં કરતાં સાઈઠી વટાવી ચુકેલા વિન્સ્ટન ચર્ચિલ, મોરારજી દેસાઈ, પી.વી. નવસિંહરાવ, વાજપેયી, યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, ટાંગાનિકાના જોમો કેન્યાટા, મન્ડેલા, ગ્લેડસ્ટન, એડેનોર કૉનરાડે, હિન્ડેન્ડ બર્ગ, હિટલર એમ જુદા જુદા દેશોમાં રહી ચૂકેલા વડાપ્રધાનોને યાદ કરે છે. જે સર્જકની વાંચન શક્તિનો નિચોડ અનુભવ કરાવે છે. આવા તો કેટલાય લખાણો પ્રસ્તુત સંગ્રહમાંથી મળી રહે છે.
      ‘સુખી સંસારના ચિત્રની કેટલીક નાનકડી રેખાઓ’, ‘ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા’ જેવા લેખો ‘સુખ’ વિષયક છે. જેમાં નિબંધકાર સુખી થવાની કેટલીક ચાવીઓ આપે છે. ‘સંસાર’ની નાની-નાની વાતો, ઘટનાઓને કેન્દ્રમાં રાખી તળતી વાસ્તવિકતાને ‘સુખી સંસારના ચિત્રની કેટલીક નાનકડી રેખાઓ’માં નિબંધકાર છતી કરી આપે છે. એટલું જ નહિ, બાળકોને ધમકાવતાં માતા-પિતાના સંવાદો દ્વારા સંસારમાં આપણી નાની ભૂલો કેવી સમસ્યાઓ સર્જે છે અને સંસારને તિતર-બિતર કરી મૂકે છે એ રૂબરૂ કરાવી આપ્યું છે. તો અંતે પાડોશીઓ, મિત્રો વગેરે સાથેના વ્યવહારમાં માણસે સજાગ રહી પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ એ પણ સહજ રીતે દર્શાવી આપ્યું છે. મોહમ્મદ માંકડના આવા લખાણો સહેજે ભારરૂપ બનતા નથી.
      ‘આવકાર’ સંગ્રહમાં ‘જિંદગીના છલકતા જામને તમારા હાથે ઢોળી ન નાખશો’, ‘એને વેડફી ન નાંખશો-વાગોળજો’, ‘શિખામણના ત્રણ સોનેરી શબ્દોઃ ઉતાવળ ન કરવી’, ‘જે ન જાણતા હો, તે જાણતા હોવાનો દંભ ન કરશો’, ‘ભવિષ્યનું આયોજન કરવામાં વર્તમાનને વેડફી ન નાખશો’, ‘જીવન એક ઝંઝાવાત છે, ઝંઝાવાત સામે ઝઝૂમતા શીખો’ જેવા લેખો સાંપ્રત સમયના યુવાન-યુવતીઓને બોધરૂપ બને એવાં છે. ‘જિંદગીના છલકતા જામને તમારા હાથે ઢોળી ન નાખશો’ જીવનમાં કોઈ પણ બાબતમાં નિષ્ફળતા મળતાં હતાશ-નિરાશ થઈ આતઘાત કરવા ઈચ્છતા આજના યુવાન વર્ગને જીવનને નિરર્થક ગણવાને બદલે ઉત્તમ રીતે જીવવાનો બોધ આપતો ઉત્તમ લેખ છે. તો આપણને મળેલી વિશિષ્ટતાનો વિચાર કરી આપણે જિંદગીને હરીભરી કેવી રીતે બનાવી શકીએ છીએ અને જીવનમાં સુખી બની શકીએ છીએ એવો બોધ ‘એને વેડફી ન નાખશો-વાગોળશે’માંથી મળી રહે છે. ‘શિખામણના ત્રણ સોનેરી શબ્દોઃ ઉતાવળ ન કરવી’માં નિબંધકાર આજના યુવાન-યુવતીઓ કે જેઓ પુખ્ત વયના થતાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરી નથી શકતા અને પછી અનેકવાર ભૂલો કરે છે. આવા યુવાન-યુવતીઓને એક સાદી કથા દ્રષ્ટાંત દ્વારા ‘કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી’એ વાતને સમજાવે છે. ‘જે ન જાણતા હો, તે જાણતા હોવાનો દંભ ન કરશો’માં નિબંધકારે આજના મનુષ્યો કે જેઓ અજ્ઞાની હોવા છતાં જ્ઞાની હોવાનો દંભ કરે છે એ વિવિધ પ્રસંગો, દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે. એટલું જ નહિ, સોક્રેટિસ અને ન્યુટન જેવાં મહાન વિજ્ઞાનીઓની વાત દ્વારા સાચી વાત સ્વીકારવાનું સૂચન પણ કરે છે. ‘ભવિષ્યનું આયોજન કરવામાં વર્તમાનને વેડફી ન નાખશો’માં માણસની ધનલોભવૃત્તિ અને સંગ્રહતવૃત્તિને છતી કરે છે. તો સાથે સમય મર્યાદિત છે, જિંદગી માણવા માટે છે. છતાં આપણે તેને માટે સમય ફાળવાતા નથી. પરિણામે કેવા દુષ્પરિમાણો આવે છે તે નિબંધકાર વેપારીના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. એટલું જ નહિ, માણસ જ્યારે જે કંઈ કરે છે તેનો એ વિચાર કરતો થશે ત્યારે જ તેને ખબર પડશે કે વર્તમાન એમના માટે કેટલો મહત્વનો છે તે વાતને પણ સ્પષ્ટ કરે છે.
      ‘માતૃભાષા ઉપરના પ્રેમની હૃદય હચમચાવી મૂકે તેવી વાત’, ‘ગુજરાતી બોલો, ગુજરાતી વાંચો, ગુજરાતી લખો’, ‘ભૂલો ભલે બીજુ બધું, માતૃભાષાને ભૂલશો નહિ’ જેવા લેખોમાં નિબંધકારે આજના પશ્ચિમી પ્રભાવને કારણે ભૂસાતી જતી આપણી માતૃભાષા (ગુજરાતી) વિશે ચિંતા વ્યકત કરી છે. તો ગુજરાતી ભાષાને કેવી રીતે સમૃદ્ધ કરી શકાય એ માટેના સૂચનો પણ કર્યા છે.
      ‘અવાજ, વરદાન, ઘોંઘાટ, શાપ’, ‘વિચાર કરો; તમારા અવાજ વિશે તમે આવું કંઈ જાણો છો ?’ જેવા લેખો અવાજ વિષયક છે. ઈશ્વર દ્વારા વરદાન રૂપે મળેલા અવાજને આજના આધુનિક માનવીએ કેવો ઘોંઘાટિયો બનાવી શાપરૂપ બનાવી દીધો છે એ વિશે ‘અવાજ, વરદાન, ઘોંઘાટ, શાપ’માં વિચાર કર્યો છે. તો ‘અવાજ વિશે તમે આવું કંઈ જાણો છો?’માં  અવાજની વિવિધ ખાસિયતો દ્રષ્ટાંતોને આધારે સ્પષ્ટ કરી સામાન્ય માણસ તરીકે મળેલા અવાજનો આપણે જો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આપણા વ્યક્તિત્વને કેટલું મોહક બનાવી શકીએ એ વિશે વિચાર કર્યો છે.
      ‘આંકડાઓ વિશે રસ પડે એવું થોડું’, ‘સ્વપ્ન અને દિવાસ્વપ્ન માત્ર તરંગ નથી’, ‘ચતુર કાગડાઓ કેમ છેતરાય છે?’ જેવા લેખોમાં નિબંધકારની ચિંતનમુદ્રા વિશેષ ખીલેલી જોવા મળે છે. ‘આંકાડાઓ વિશે રસ પડે એવું થોડું’માં માનવજીવન સાથેનો આંકડાઓનો સંબંધ કેવો રહ્યો છે એ વિશે રહસ્યાત્મક ફિલસૂફી વેરે છે. તો ‘ચતુર કાગડાઓ કેમ છેતરાય છે?’માં કાગડાના ગુણોની વાત કરી એને આજના માનવી સાથે સરખાવ્યા છે. તો વળી, કાગડો આટલો ચતુર હોવા છતાં કોયલથી કેવી રીતે છેતરાઈ જાય છે તેની માંડીને વાત કરી છે.
      આજના જમાનામાં ખૂબ જ વિખ્યાત પામેલ નારીકેન્દ્રી વલણને ધ્યાનમાં રાખી ‘સ્ત્રી પુરુષ સમોવડી થઈ શકે છે, પુરુષ સ્ત્રી સમોવડો થઈ શકે?’માં સ્ત્રી સશક્તિકરણ વિશે વિચાર કર્યો છે. એક પ્રસંગ દ્વારા નિબંધકારે ભારતીય નારીમાં રહેલા ગુણો, ધીરજ, પ્રેમ અને માતૃત્વનો મહિમા કરી તેને પુરુષ સમોવડી બતાવવા નોંધે છે જુઓ, ‘‘વાત વિચારવા જેવી છે પુરુષ જે કામ કરે છે એ કામ સ્ત્રી કરી શકે છે, આસાનીથી કરી શકે છે, પરંતુ સ્ત્રી જે કામ કરે છે તે પુરુષ કરી શકતો નથી.’’ (પૃ.૬૪)
      ‘અડધી ભેટ’ ભાતૃપ્રેમને પ્રકટ કરે છે. આજના સ્વાર્થી અને લોહીથી લથબથ જમાનામાં પણ લક્ષ્મણ જેવો ભાતૃપ્રેમ ક્યાંક ક્યાંક સર્જકને ટમટમતો જોવા મળે છે. એની પ્રતીતિ રોબર્ટ મેક્સના એક અંગ્રેજી લેખના દ્રષ્ટાંત દ્વારા કરાવે છે તો ‘મનને દુરસ્ત રાખવાનો ગાંધી ચીંધ્યો માર્ગ’માં ભક્તિ, ધ્યાન અને પ્રાર્થના દ્વારા મનને દુરસ્ત કેવી રીતે રાખી શકાય એ વિશે નિબંધકાર સંગીત સમ્રાજ્ઞી જૂથિકાજીએ પોતાના જીવનથી કડવી-મીઠી વાતોનું પુસ્તક ‘ચૂપકે ચૂપકે બોલે મેના’માં કરેલ ગાંધીજીના પ્રસંગના આલેખન દ્વારા સમજાવે છે. એટલું જ નહિ, સર્જનાત્મક કામ કરવા માટે સ્વસ્થ અને શાંત મન હોવું જોઈએ એમ કહી એ વિશે વિચાર પણ કરે છે. તો દુનિયામાં રાચતાં માણસોને વાસ્તવિક દુનિયા કઠોર લાગતાં તેઓ કેવી રીતે ભ્રમમાં રાચે છે અને પછી પોતાની એક જુદી જ દુનિયા રચી બેસે છે અને પોતાના જીવનને કેટલું અસ્વસ્થ બનાવી મૂકે છે. રોજીંદા જીવનમાં બનતા બનાવોના દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે. અંતે તેઓ સૂચન પણ કરે છે. જુઓ; ‘‘આ લેખ વાંચનાર વાચકના સંપર્કમાં ભ્રમની દુનિયા જીવતી હોય એવી કોઈ વ્યક્તિ આવે ત્યારે એ પોતાના મનનાં ઉંડાણમાં પણ જરા નજર કરી જુએ એન પોતે જો એવો કોઈ ભ્રમમાં હોય તો એનો અતિરેક થાય અથવા બીજા લોકોને એ વાગે એટલા પ્રમાણમાં વિકસે એ પહેલા એના ઉપર જરા લગામ લગાવે.’’ (પૃ.૧૪૨)
      ‘આવકાર’ સંગ્રહમાં નિબંધકાર ક્યાંક ક્યાંક પોતાના વિચારોને દ્રષ્ટાંતો કથાથી ઉઘડવા દે છે અને પછી તેઓ વાતને એ રીતે મૂકી અટકી જાય છે જાણે પોતે જ વાચક હોય એ રીતે રજૂઆત કરે છે. તો કેટલીકવાર લેખોમાં વાચકને બોધ કોઈ માર્મિક ઉદાહરણ દ્વારા જ રજૂ કરી દે છે. કેટલાક ઉદાહરણો જોઈએ.

  • ‘ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા’માં સુખી જીવન કેમ જીવવું એ વાતને છેલ્લે ‘બટ્રૉન્ડ રસેલ’નું આ વાક્ય યાદ રાખવા જેવું છે. “The happy man is the man who has wide interests” એમ કહી અટકી જાય છે. આ વાક્ય વાચકને કેટલું બધું સૂચવી જાય છે. (પૃ.૮૧)
  • ‘જીવન એક ઝંઝાવાત છે, ઝંઝાવાત સામે ઝઝૂમતા શીખો’માં જીવનમાં ઝંઝાવાત સામે કેમ ઝઝૂમવું એ વાતને વિદ્યાર્થીઓ અને યુવાન-યુવતીઓને સમજાવતા છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે. ‘‘જે વ્યક્તિ પોતાના માર્ગમાં પડેલી, ખસેડી ન શકાય એવી મહાકાય શિલાનો સ્ટેપિંગ સ્ટોન તરીકે આગળ વધવાના પગથિયા તરીકે ઉપયોગ કરી શકે છે’’ (પૃ.૯૧) એમ કહી કેટલું બધું સૂચવી જાય છે.

‘આવકાર’ સંગ્રહની શૈલીની દ્રષ્ટિએ વાત કરીએ તો સમગ્ર લેખોની શૈલી સાદી-સરળ છે. સામાન્યમાં સામાન્ય વાચક સમજી શકે, એવી સાદી અને સરળ ભાષામાં લેખો લખાયા છે. જો કે ક્યાંક ક્યાંક સર્જકની આગવી શૈલીના પણ દર્શન થઈ રહે છે. ‘વાંચવા જેવી, વિચારવા જેવી બે પત્રોની વાત’માં પત્રશૈલી તો વળી ‘વૃદ્ધાવસ્થાની વેદના’માં વાર્તાશૈલી દ્વારા લેખો આપ્યા છે જે સર્જકની સર્જકતાનો પરિચય કરાવી રહે છે.
‘આવકાર’માં કેટલાંક લેખોમાં વિચારોનું પુનરાવર્તન થયું છે. નિબંધકારે એક જ વિચારને જુદા જુદા લેખોમાં વણી લીધો છે. છતાં તેમાં રહેલ સર્જકના અભિવ્યક્તિ વૈવિધ્યને કારણે લેખો તાજગીથી રસભર બની રહે છે.
‘આવકાર’ સંગ્રહના સમગ્ર લેખો પર દ્રષ્ટિપાત કરતાં માલૂમ પડે છે કે નિબંધકાર પાસે પોતાનું આગવું અનુભવ વિશ્વ છે. તેઓ જાણે હરતી-ફરતી લાયબ્રેરી જેવા છે. મુનશી પ્રેમચંદ, ઓ હેન્રી, વેબ્સ્ટર, આઈન્સ્ટાઈન, ક્રિસ્ટોફર, ઈવાન્સ, લોરેન્સ શેફર, એડવર્ડ શોર્ટન, મિકાઈલ ફેરેડે, જર્મન ફેડ્રીક કેકૂલે, સ્ટીવ હાર્વે, પાસ્કલ, બાલ્ઝાક, અમિતાભ બચ્ચન, લશ્કરી વડા જે. એન. ચૌધરી, વૉલ્ટર સ્કોટ, અમેરિકન વિદ્વાન જિરાલ્ડ મૂર, ન્યૂટન, સોક્રેટિસ, બટ્રૉન્ડ રસેલ, દિનકર જોષી, રોબર્ટ મેક્સ, ગાંધીજી, કવિ ખબરદાર, રસૂલ હમઝાતોવ, પાબ્લો નેરુદા, ગ્રેબિયલ ગ્રાર્મિયા માર્કવેઝ, શેક્સપિયર, સંગીત સમ્રાજ્ઞી જુથિકાજી જેવા દેશ વિદેશના અનેક નામી-અનામી સર્જકો, વિદ્વાનો તેમજ અગ્રણીઓના કોઈકને કોઈક રીતે લેવાયેલા સંદર્ભો તેમના લખાણમાં પ્રવાહિત રીતે વણાયા છે જે તેમની બહુશ્રુતતાનો સુખદ અનુભવ કરાવી રહે છે.
‘આવકાર’માં ક્યાંક ક્યાંક નિબંધકારે રૂઢિપ્રયોગને ઉપયોગ પણ કર્યો છે. ‘જીવમાં જીવ આવવો’ (પૃ.૧૨, ‘મોતીયા મરી જવા’ (પૃ.૧૩), ‘નાકનું ટેરવું ચઢાવવું’ (પૃ.૧૭), ‘ધૂંઆ પૂંઆ થઈ જવું’ (પૃ.૧૯), ‘જીવ ઉછાળા મારવો’ (પૃ.૧૯), ‘ઘરડું ઢોર મરયું તો ખાતું મટ્યું’ (પૃ.૧૪૭) જેવા શબ્દ પ્રયોગો સર્જક અભિવ્યક્તિનો પરિચય આપે છે.
‘આવકાર’ સંગ્રહમાં કેટલાંક સૂત્રાત્મક વાક્યો પણ જોવા મળે છે. જે નિબંધકારના ભાવજગતને-વિચારજગતને સબળ બનાવે છે. કેટલાંક ઉદાહરણો જોઈએ.

  • ‘‘ખોરાકમાં મીઠું જરૂરી છે પણ એકલું મીઠું ખાઈ શકાતું નથી. વધારે મીઠું ખોરાકનો સ્વાદ બગાડી નાખે છે.’’ (પૃ.૮૫)
  • ‘‘મોરનાં પીંછા ખોસીને મોર દેખાવા પ્રયત્ન કરનાર કાગડો મોર દેખાઈ શકે છે પણ મોર દેસાઈ શકે છે પણ મોર બની શકાતો નથી.’’ (પૃ.૧૩૬)

આમ, નિબંધકારની વિચારોની ગહનતા કરતાં પોતાના વાંચન-મનન અને અનભવનો નિચોડ અહીં ‘આવકાર’ સંગ્રહના સમગ્ર લેખોમાં રસિકતાથી સરળબાનીમાં રજૂ થયો છે. સાંપ્રત સમયમાં અસ્વસ્થ વાતાવરણ વચ્ચે જીવી રહેલા માણસોને સ્વસ્થ કરી આપે એવી નિસબત પૂર્વકની ખીલવણી પ્રસ્તુત લેખોમાં અનુભવાય છે. આથી આ પ્રકારનું વિચાર ચિંતનનું ભાથું આજના વાચકોને સાચો રાહ બતાવવા માટે ઉત્તમ બની રહેશે.


હરેશ જી. પ્રજાપતિ
રિસર્ચ ફેલો, ભાષા-સાહિત્યભવન,
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
(મો.) ૯૮૨૫૩ ૬૮૧૦૬

 

000000000

***