રાતાં કંકણ

 

ગોરજનો સમય હતો.
દૂરદૂરના મંદિરમાં આરતિનો ઘંટનાદ સંભળાતો હતો. ઘેનુનાં ધણ પણ ઉતાવળાં ઉતાવળાં ઘર ભણી વળી રહ્યાં હતાં. કિલ્લોલ કરતાં પંખીઓ નિજ નિબિડ ભણી ઘસી રહ્યાં હતાં ને પથોકો પંથ કાપતાં વિશ્રામસ્થાન તરફ જઇ રહ્યાં હતાં. ત્યારે રક્તવર્ણી સંધ્યા ઘૂમટા ઓઠે મુખડું છૂપાવી રજનીના પાલવે લપાતી હતી.
ગામની ભાગોળે નદી કિનારે એ ઉતરતી સંધ્યા ટાણે બે અબોલ હૈયાં વિરહની વેદનામાં ઝૂરતાં હતાં.
' કલી, ચાલ હાથ લંબાવ. હવે તો આપણે લાંબા ગાળા સુધી નહિ મળી શકીએ. વિદાય વેળાએ આંસુ પાડી અપશુકન ન કરાવ. જો તો ખરી હું તારા માટે શું લાવ્યો છું તે !'
'શું લાવ્યા છો ?'
'પણ તું હાથ ધરે ત્યારે ને ?'
'લો આ હાથ ધર્યો. લાવો શું છે તે !'
'લે...' કહી કિશોરે કલીના હાથમાં બે રાતાં કંકણ પહેરાવી દીધાં.
'અરે, અરે, ! તમે આ શું કર્યું !'
'જે કર્યું છે તે ઠીક જ કર્યું છે. હ્રદયની પ્રીતને જાકારો કેમ દેવાય !'
'પણ તમારો સમાજ ! હું તો એક ખેડુતની દીકરીને તમે જમીનદાર. તમારી ને મારી વચ્ચે...'
'પણ કિશોર, તારી સાહિત્યની સૃષ્ટિ અને આ સમાજ બંને એક નથી જુદાં છે. સાહિત્યની સૃષ્ટિએ માનેલો પ્રેમ સમાજને નહિ રુચે.'
'મારા જવા બાદ તું તારે એ વિષે બેઠી બેઠી વિચાર કર્યા કરજે. અત્યારે તો હું એટલું જ કહું છું કે તું લાલ રંગે રંગાઇ ચૂકી છું. આ ગોરજ ટાણે ને દેવની સાક્ષીએ તેં હિંદુ સ્ત્રીના સૌભાગ્યના શણગાર પણ સજી લીધા છે. બસ તું હવે પરમ સૌભાગ્યશાલિની બને, તારો પ્રેમ સભર બને, મારૂ જીવન સફળ બને એ જ મારી મહેચ્છા...ચાલ...હવે...જઇએ.'
'ને કલીએ નીચા નમી કિશોરની ચરણરજ લીધી અને હોઠે આવતી હજાર હજાર વાતોને હૈયામાં પાછી ઠેલી બે મૂક અને પ્રેમાળ હૈયાં મ્લાનમુખે છૂટાં પડ્યાં.
*                 *                 *
કિશોર પરદેશ ઉપડી ગયો.
કલી મનમાન્યા ઘરની રાજરાણી બની વિહરવા લાગી. જાણે સમસ્ત દુનિયા એને પોતાની લાગવા માંડી. ગામના લોકો વણવસંતે એને ખીલતી જોઇ મોઢામાં આંગળાં ઘાલી ગયા. ગામની સાહેલીઓ એને છંછેડવા લાગી.
'અલી રે, આટલું બધું રૂપ શાને કાઢ્યું છે.'
'કલુડી ! આ જવાનીનો ભાગીદાર કોણ છે  રે !'
ત્યારે કલી શરમાઇ દોડી જતી ને મનમાં ને મનમાં પેલાં કંકણ જોઇ બોલી ઉઠતી : 'ભાગીદાર છે ત્યારે સ્તો ને ! એ તે કાંઇ તમને થોડું કહેવાય ! અને એમણે કહેવાનીએ ના પાડી છે. નહિ તો ઢોલ પીટીને જાહેર કરત.'
ને એ સુખસ્વપ્નમાં પોઢી જતી.
*                 *                 *
એક દિવસે સવારે નદી કાંઠેથી પાણી ભરી એ પાછી વળતી હતી ત્યાં કોઇએ ઝાડીમાંથી એના તરફ કાંકરો ફેંક્યો.
કલી ચમકી. 'કોણ છે એ  ?'
'એ તો હું દુરંગી' કહેતો ઝાડીમાંંથી એક યુવાન બહાર નીકળ્યો ને કલી સામું જોઇ હસવા લાગ્યો.
'દુરંગીભાઇ તમે...તમે ! તમારા ભાઇના સમાચાર છે ?' કલી આતુર હૈયે બોલી ઉઠી.
'ભાઇના સમાચાર ! છટ...ભાઇ તો ત્યાં કોઇને પરણી બેઠા છે !'
' હેં...! !' કલીના હૈયેથી રાડ નીકળી ગઇ.
' હા...હા...એટલે જ કહું છું કે તું થઇ જા ... બાપુજીની બીકથી તને પરણીશ તો નહી પણ તને મોટાભાઇની જેમ દગો નહિ દઉં.'
'એટલે !'
'બસ તું મારી થા, તને પૈસાની ખોટ કદી નહિ પડવા દઉં !'
'પ્રેમીઓને મન પ્રેમ એ જ એનું મહાધન છે, પૈસો નહિ સમજ્યા ?'
' પણ કલી ! તારા વિના મારુંજીવન...'
'ચાલ્યા જાવ અહીંથી...સૂર્ય ફરે, તારા ફરે પણ કલીનો પ્રેમ કદી ફરશે ન્હિ, એ અવિચળને અખંડ રહેશે.'
ને કલી ઝપાટાબંધ ત્યાંથી ચાલી ગઇ.
દુરંગીનો પાસો ઉંધો વળતાં તે ગભરાયો. તેણે ઘેર જઇ પિતા પાસે ચૂગલી ખાધી કે મોટા ભાઇ ગામમાં પાછા આવીને પેલી કલી સાથે લગ્ન કરવાના છે અને જો તમે નહિ કરાવો તો બન્ને નાસી જશે એવું કલી કહે છે.'
'કોણ કલી ?' પિતાજીનો પિત્તો ગયો.
' એ તો પેલી ખેડુત કન્યા. આખા ગામનો ઉતાર.'
એ શું મારા છોકરાને ભરખી ખાવા માંગે છે ? સાળી કમજાત.
' અને પિતાજી, એને નથી મા, નથી બાપ, રામજીને રસ્તામાંથી જડેલી છે.'
' ને જમીનદારને ત્યાં આવવાના ઓરતા થાય છે એમ ! હમણાં જ હું એની ખબર લઇ નાખું છું.' કહી જમીનદાર માણેકરાય હાથમાં લાકડી લઇ ઘર બહાર નીકલી ગયા.
ઝુંપડીમાં પગસંચ્આર થતાં જ કલી ચમકી ઉંચી આંખ કરી જોયું તો એ અંગારા જેવી બે આંખો એની સામે તગતગતી હતી.
'ઓ બાપરે ! તમે...તમે...કોણ છો ?...બાપુજી તો ખેતરે ગયા છે.'
કલીથી બોલાઇ જવાયું.
' મારે તારા બાપનું કામ નથી, તારૂં કામ છે સમજી ! અને યાદ રાખ, તું અહીંથી ચાલી જા, તારા જેવી ગરીબ અને હલકી સ્ત્રીને મારા જમીનદારના ઘરમાં સ્થાન નથી. એથી તો મારી જમીનદારી લાજે. હું પ્રેમબેમમાં માનતો નથી. મારા છોકરાઓને બગાડી તું તારા કુળની ઇજ્જત બગાડવા બેઠી છે ! ચૂડેલ, એક રખડતી, માબાપહીન છોકરી ! જા ચાલી જા નહિ તો તું પણ હતી ન હતી થઇ જશે, અને યાદ રાખજે જો મારા છોકરાને તેં ભરખી ખાધો છે તો ?' કહી માણેકરાય ત્યાંથી સડસડાટ ચાલ્યા ગયા.
કલી સ્તબ્ધ બની અવાક હૈયે બેસી જ રહી, રસોઇ બળી ગઇ તેનું પણ તેને ભાન ન રહ્યું માત્ર તેના હૈયે એક જ ઘા હથોડાની જેમ વારંવાર વાગતો હતો...' મારા છોકરાને ભરખવા બેઠી છે ચૂડેલ !' ઓહ...હું નબાપી, નમાઇ... રખડેલ ... ગરીબ... હલકી... મારૂં સ્થાન જમીનદારને ત્યાં ? બરોબર મારું સ્થાન ત્યાં ન જ હોઇ શકે, રે ન જ હોઇ શકે. હું પરણું અને એનું સારું ય જીવન વેડફાઇ જાય. મારે ખાતર એને ત્રાસ, એના ઘરમાં કંકાસ... ના, ના,  ભગવાન, મને પ્રેમ આપ્યો તો મારા પ્રેમનું મંદિર શાને ભાંગી નાંખે છે? હે જગતનિયંતા હું તને પૂછું છું કે જો માનવીના હૈયામાં તું પ્રેમનું સર્જન કરે છે તો એનું ખંડન કરવામાં તને શો આનંદ આવે છે ? કંઇ નહિ પણ એટલું તો જરૂર જાણજો કે તમે મારૂં પ્રેમમંદિર તોડી શકશો. મારા પ્રેમને તોડવાની તમારામાં પણ તાકાત નથી... ભલે મારો કિશોર સુખી થાય.'
અને કોણ જાણે કલીને શું સૂઝ્યું કે તે ઉભી થઇ ને ઝૂંપડીનાં બારણાં ખાલી અટકાવી સીધો નદીનો રસ્તો લીધો. જ્યાં પોતે અને પોતાનો પ્રિયતમ રોજ મળતાં હતાં ત્યાં થોડી વાર બેઠી અને છેવટે તેણે ઉંચી ભેખડ પર ચઢી નદીમાં પડતું મૂક્યું. તરતાં આવડતું હોવા છતાંય એણે તરવાનો પ્રયાસ ન કર્યો ને તણાતી તણાતી એ ક્યાંયે દૂર નીકળી ગઇ. થાકીને લોથપોથ થઇ જતાં એણે ભાન ગૂમાવ્યું. મૃત્યુ નજીક જ છે એમ માની એણે નિરાંતનો શ્વાસ ખેંચ્યો.
પરંતુ અભાગીઓ માટે મૃત્યુ હંમેશા દૂર જ હોય છે.
કલીને જ્યારે ભાન આવ્યું ત્યારે એ ખાટલામાં હતી. એ ચારે બાજુ જોવા લાગી. છેવટે મંદસ્વરે એણે પૂછ્યું : ' હું ક્યાં છુ ? '
' મારે ઘેર બહેન ! '
' તમે કોણ છો ? ' કલીએ બીતાં બીતાં પૂછ્યું.
' હું રચનાત્મક સંઘંનો કાર્યકર. બીશો નહિ બહેન ? શા દૂ:ખે આપઘાતે વળ્યાં ? '
' એ મને ન પૂછશો, ન પૂછશો...' કહેતાં કલી ધૃસકે ધૃસકે રડી પડી. ' ભલે બહેન, તમે તમારી અહીં રહો.'
' ને કલી કાર્યકરને ત્યાં રહેવા લાગી. એનું નામ પંકજ. ગ્રામસુધારણા એ એનો આદર્શ. ને સાદું સરળ જીવન જીવવું એ એનો ધર્મ. થોડા જ સમયમાં કલી અને પંકજ વચ્ચે ભાઇબહેન જેવો સંબંધ બંધાઇ ગયો. પંકજના સંગનો એને રંગ લાગ્યો. એ પણ હવે તો ગામડાની અભણ બેનોને ભણાવવા લાગી. દેશપરદેશના સમાચારો કહેવા લાગી. પોતે પણ નવા નવા સમાચારો વાંચીને મન બહેલાવવા લાગી.
' એક સવારે એ છાપું હાથમાં લઇને બેઠી. બીજુ પાનું ખોલતાં જ એ ચમકી.
'અરે, આ તો કિશોર...' કલીથી ચીસ પડાઇ ગઇ.
' શું થયું બહેન  ?' કહેતો પંકજ બહાર દોડી આવ્યો.
' પંકજ ! જરા આ વાંચ તો.'
' તું જ વાંચી લેને !'
' ના...ના...' શંકાની નજરે જોતાં કલીએ ગળગળા સાદે કહ્યું.
પંકજ વાંચવા લાગ્યો : ' કિશોર જમીનદાર આજની ઊગતી પેઢીના નાટ્યકાર. ગુજરાતી સાહિત્યમાં એમનું સ્થાન ખૂબ જ આશાસ્પદ અને ગૌરવવંતુ છે. એમનાં નાટકો મોટે ભાગે સામાજિક હોય છે, એમાં વિશુદ્ધ પ્રેમભાવની છાંટ હોય છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતી નાટ્ય સાહિત્યને એ વધુ પ્રગતિમાન બનાવે.'
' તા...ના રોજ 'વિશ્વાસઘાત' નામનું એમનું નાટક ભજવાશે.'
કલાની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી.
'ભાઇ ! મને આ નાટક જોવા લઇ જાવ.'
' પણ બહેન...! !'
' ના ભાઇ ના, હવે પણ બણ કાંઇ નહિ. જે રીતે તેં મને દુનિયામાંથી ઉગારી એ રીતે તું મને લઇ જા, મારે એને મળવું છે. ને એ વિષે તું કાંઇ પણ મને પુછીશ નહિ.'
બન્ને ભાઇબહેન... શહેરમાં ગયાં. નાટકની ટિકિટો લીધી. નાટક શરૂ થવાને વાર હતી એટલે તેઓ દરવાજા પાસે ઊભાં રહ્યાં. કલીની નજર ચોમેર બ્હાવરી બનીને ઘૂમતી હતી. પંકજને કાંઇ સમજ પડતી ન હતી. એવામાં એક સુંદર મોટર દરવાજામાં દાખલ થઇ.
કલી દોડી. મોટર ધીમી પડતાં જ એણે અંદર ડોકિયું કર્યું તો કિશોર જ. ' આ...આ મારો જ કિશોર ' એ બબડી... 'પણ આ સાથે કોણ ?' શું કિશોર પરણ્યો ? મને ભૂલી ગયો ?'
ને ત્યાં તો એના ગાલ પર સડસડાટ કરતો એક તમાચો પડ્યો.
' સા... જોતી નથી. મોટરની અંદર શું જોવાનું છે? ' કહેતી મોટરમાં બેઠેલી યુવતીએ તમાચો મારી ધક્કો માર્યો. ને કિશોરે ઉઘાડેલા બારણા તરફથી એ નીચે ઉતરી. કિશોર એનો હાથ ઝાલી હસતો હસતો અંદર ચાલ્યો ગયો.
કલી જાણે ક્યાંય મંડાઇ હતી પંકજ ગભરાયો. એણે કલીને હાથ પકડી ઢંઢોળી.
' બહેન, ચાલ જલદી કર, નહિ તો નાટક શરૂ થઇ જશે.' અનીચ્છાએ કલી નાટ્યગૃહમાં ધકેલાઇ.
નાટક શરૂ થયું.
સુમૈત્રી નામની એક યુવાનબાળા પોતાના ગામના જ યુવાન રણમલંને ચાહે છે; બન્ને પોતાની દુનિયામાં મસ્ત છે અચાનક રણમલંને પરદેશ જવાનું થાય છે. ત્યારે છેવટની વિદાય વેળાએ રણમલ પ્રેમની ભેટ રૂપે સુમૈત્રીને રાતાં કંકણ પહેરાવી વિદાય લે છે અને એકબીજાને વફાદાર રહેવાના સોગંદ આપી છૂટા પડે છે.
વર્ષો પછી આશાભર્યા હૈયે રણમલ પાછો ફરે છે કે એ તો બીજા કોઇ યુવાન સાથે પરણીને મોજ મજા કરે છે. પુરાણા મિત્રને એ યાદ પણ નથી કરતી.
રણમલના દુ:ખનો પાર નથી રહેતો એને સ્ત્રી માત્ર પ્રત્યે તિરસ્કાર આવે છે. જગતથી ત્રાસી એ એકલો જ વિહરે છે. ને છેવટે આત્મઘાત કરે છે.ત્યારે એ એટલું લખીને જાય છે, 'જગતમાં સ્ત્રીનો વિશ્વાસ કોઇ કરશો નહિ. વિશ્વાસઘાતીની સ્ત્રી.'
નાટકના કરુણ અંતે કલીને વિહવળ બનાવી દીધી. એ બહાર દોડી નાત્યકાર પાસે સાચો ન્યાય મેળવવા એ દોડી. પણ એ પહેલાં એણે મોટરને ધૂમાડા સાથે સરકતી જોઇને ભાંગેલે હૈયે  એ પગથિયા પર બેસી ગઇ. તોય એ હિંમત ન હારી. એણે મહામહેનતે નાટ્યકારનું સરનામું મેળવ્યું ને પંકજને લઇ એની શોધમાં ચાલી નીકળી.
નાટ્યકારનું ઘર શોધતી શોધતી છેવટે તે એના બારણે આવી ઊભી ને બારણે ટકોરા માર્યા.
' કોણ છે ?' અંદરથી અવાજ આવ્યો.
'બારણાં ખોલોને ભાઇ !'
'અત્યારે આટલી મોડી રાતે વળી કોણ બલા આવી હશે.' એમ બબડતાં કોઇએ બારણા ખોલ્યાં.
' નાટ્યકાર કિશોરચંન્દ્ર ક્યાં છે ?'
' અરે ભાઇ ! એ તો અહીં નથી આવ્યા. કોણ જાણે ક્યારે આવશે ? મેમસાહેબ છૂટા કરશે ત્યારે ને ! અને તું વળી કોણ છે ? જા...જા... તારા જેવીને તે વળી મોટા સાહેબ મળવા નવરા નથી... જા ચાલી જા...
' પણ ભાઇ ! મારે એમનું ખાસ કામ છે.'
' ભીખ માંગવી હશે ભીખ. પણ અમારા સાહેબ સ્ત્રીઓને ભીખ આપતા જ નથી જા.'
' અરે, મારે ભીખ માંગવી નથી. હું તો એમની સગી...'
' જા જા સગી વાળી, બધાંય હગલા ફાટી નીકળ્યાં છે તે ?' કહી પેલા માણસે ભડાક દેતાં બારણાં વાસી દીધાં.
કલી એક હાથ નાખી ઢળી પડી.
બીજે દિવસે વહેલી સવારે નાટ્યકારે બારણાં ખખડાવ્યાં. બારણાં ખૂલ્યાં ને જેવો તે અંદર દાખલ થવા જાય છે કે તેના પગની હડફેટથી કોઇ વસ્તુ ખણણણ કરતી દૂર જઇ પડી ને એના ટૂકડે ટૂકડા થઇ ગય.
નાટ્યકાર ચમક્યો. એણે નીચા વળી જોયું.
' ઓહ...રાતાં કંકણ...! ! કલી ... કલી... !' એના ગળામાંથી એક ચીસ નીકળી ગઇ. એણે ઘરમાં પૂછપરછ કરી તો ખબર મળી કે મોડી રાતે એક સ્ત્રી આવી હતી તે તેને મળવા ખૂબ ઇંતેજાર હતી. એની હાલત ખૂબ જ ખરાબ હતી.
' નક્કી એ જ...' એ દોડ્યો થોડે દૂર જતાં જ એણે એક ટોળું જોયું. ટોળાની અંદર એ ઘુસ્યો. જોયું તો એક સ્ત્રી પડી હતી...
એની પાસે બેસી એક યુવાન રડી રહ્યો હતો.
' કલી' કહેતો નાટ્યકાર એ નારીને ચરણે ઢળી પડ્યો. જાણે કલિની મૃદુ આંખો કહી રહી હતી. ' સ્ત્રીનો પ્રેમ એજ એનો પરમ વિશ્વાસ, એજ એનું જીવનસત્વ.'

 

સૌજન્ય- ડૉ. ભાવેશ જેઠવા, ભૂજ

લેખિકા : પદ્મા ફડિયા
સંગ્રહનું નામ : મા ! તું કોની ઢીંગલી
પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, પ્રથમ આવૃત્તિ : 1961  

 

000000000

***