'લોહીની સગાઇ' વાર્તાની ભાષા અને માનસશાસ્ત્ર.

 

ભારતીય સંસ્કૃતિ સમુદાયની સંસ્કૃતિ છે. કુટુંબ અને લગ્ન નામની સંસ્થાઓ આપણે ત્યાં હજી પણ શ્વસે છે. કૌટુંબિક સંબંધોના સમીકરણો આપણે ત્યાં બહુ જટિલ રીતે એકમેકમાં ગૂંથાયેલા જણાય છે. આવા જ એક શાશ્વત સંબંધને લઇને આવતી વાર્તા 'લોહીની સગાઇ' વિષે થોડી પૃથક્કરણાત્મક સમીક્ષા કરવાનો અહીં ઉપક્રમ છે. આ વાર્તા ગુજરાતી ભાષાની નિવડેલી વાર્તાઓ પૈકીની એક છે, પણ આ વાર્તાને ઉત્તમ વાર્તા બનાવવામાં તેની ભાષાની શું ભૂમિકા રહી છે અને તે ભાષા વાર્તામાં રહેલા માનસવિજ્ઞાનના સથવારે કઈ રીતે વાર્તાને એક કલાકીય પરિમાણ આપે છે તે પણ આ તપાસનો વિષય છે. પ્રસ્તુત વાર્તામાં લેખક માતા અને સંતાનના સંબંધને ભાવનાત્મકતાની પરમ કોટિ સુધી લઇ ગયા છે. વાર્તાનું કથાનક સંક્ષેપમાં જોઈએ તો આટલું જ છે- ગાંડી દીકરી મંગુ પ્રત્યે અમરતકાકીને અત્યાધિક સ્નેહ હોય છે. મનેકમને તેઓ મંગુને ગાંડાનાં દવાખાને મૂકવા તૈયાર થાય છે પણ મંગુને દવાખાને છોડીને આવતા તે એટલી હદે તાણ અનુભવે છે કે મંગુની ચિંતા એમને જ ગાંડા કરી મુકે છે. હવે આ વાર્તાની શિલ્પરચના તરફ જઈએ.
કોઈ પણ ટૂંકીવાર્તાના પ્રથમ પરિચ્છેદ પાસે એવી અપેક્ષા હોય છે કે જે ભાવક ને એવા પરિવેશમાં લઇ જાય જેમાં સર્જક લઇ જવા ચાહે છે. તેમાં કોઈ સંદિગ્ધતા હશે તો ભાવક આખી વાતથી વિખુટો પડેલો જ રહેશે. માટે વાર્તાનો આરંભ જેટલો પારદર્શક એટલો જ ભાવક માટે સુગમ અને સદ્યપ્રવેશકારક. અહી પારદર્શક એટલે મુખર કે બોલકો એવો અર્થ લેવાનો નથી પરંતુ સર્જકને જે પ્રપંચ રચવો છે તેનું પ્રત્યાયન થાય એટલી પારદર્શિતા પુરતી છે.- આટલી વાતને અંકે કરીને 'લોહીની સગાઇ'નો પ્રારંભ નાણી જોઈએ: 'મંગુને ગાંડાનાં દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતા ત્યારે તેમની આંખોમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એ એક જ જવાબ આપતાં " હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય ? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.'' '
ઉક્ત પરિચ્છેદમાં એવી દુનિયા વિષે વાત થઇ છે જેનાથી અનભિજ્ઞ ભાવકને એક સાથે ઘણાં અભિજ્ઞાન મળે છે. જૂઓ : મંગુ નામે કોઈ છોકરી ગાંડી છે, અને એ હદે ગાંડી છે કે તેને દવાખાનામાં મૂકવી પડે તેમ છે. જયારે કોઈ તેને દવાખાનામાં મૂકવાની સલાહ આપતું ત્યારે અમરતકાકીની પ્રતિક્રિયા હતી - 'આંખોમાં ઝળઝળિયા'. અમરતકાકીની વત્સલતાને પ્રગટ કરવા આ એક શબ્દ પુરતો છે. બસ, હવે પછી ભાવકને આ બધા પાત્રો અને પરિસર અજાણ્યા લાગતા નથી. આ તકે અમરતકાકીનાં પાત્રને પણ પિછાણવામાં રસ પડે તેમ છે. ગુજરાતી સાહિત્યમાં માતાઓના જે પાત્રચિત્રણ થયા છે તેમાં 'અમરતકાકી'નું પાત્ર હ્રદયંગમ છે. નામ જ કેટલું મધુરું છે! 'અમરતકાકી' ! માત્ર નામ પાસે જઈએ તો પણ હાથ લાગે ખાસ્સું ! અમરતકાકી નામમાં બધે જ રેફ, માત્રા, અજ્જુ, વરડું વગરની સરળતા છે. પ્રથમ સંવાદ થી જ જાણે અમરતકાકીનો મમતાભીનો ચહેરો સ્પષ્ટ થઇ જાય છે.
મંગુનાં ગાંડપણનો પ્રભાવ અમરતકાકીએ વાર્તાના અંતે અચાનક જ ધારણ કર્યો છે એવું નથી. અમરતકાકી ગાંડા થઈ જાય છે, એ શિખર સુધી પહોચવા માટે સર્જકે બહુ વહેલા પગથીયા ગોઠવવા માંડ્યા છે. અમરતકાકી જેવી લાગણીસભર સ્ત્રીની વાર્તાના અંતે કઈ ગતિ થવાની છે તેની ગૂંથણી વાર્તાના આરંભથી જ થઇ જાય છે. આખી વાર્તાનું પોત એવા કસબથી વણાયું છે કે ઝીણી આંખે વાર્તાને જોઈએ તો જ એ તાંતણાઓ દેખાય કે જે વાર્તાના અંત તરફ ઇંગિત કરતા હોય. એવા દિશાનિર્દેશોને નજીકથી જોઈએ. શરૂઆત નીચે દર્શાવેલા બે ઉદાહરણોથી કરીએ.
-"માગશર મહિને તાકડે મંગુને ચૌદ વર્ષ પુરા થઇ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરતકાકી ચડી જતાં હતાં. ચૌદમું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઇ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો... મુઈનું રૂપ તો એવું છે કે મુરતિયો એને જોતા સમો હા પાડી દે! "
-"...અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતાં- કમુ વખતે ઘરની સ્થિતિ આજના જેટલી સારી ન હતી. આજે બે ભાઈઓ શહેરમાં મબલખ કમાય છે. પાણીની પેઠે પૈસા વાપરે છે. પછી મંગુનાં લગ્નમાં હું શું કામ પાછું વળીને જોઉં !?"
ઉપરના ગદ્યખંડોના અંતિમ વાક્યો પછીતે રહેલા ભાવને જાણવામાં રસ પડે તેવું છે. એ બન્ને વાક્યોમાં બોલનારના હૃદયનો ઉમળકો ઉછળીને વ્યક્ત થઇ રહ્યો છે. અંદર ચડેલો હરખનો હેલ્લારો છુપ્યો છુપાતો નથી. તો બીજી બાજુ મંગુને દવાખાને મૂકીને આવ્યા પછીની તેમની હાલત પણ દયનીય છે. મંગુને દવાખાનામાં મૂકી ને પાછા ફરતા જ તેમના ચિત્ત ઉપર અસામાન્યતાનો સંચાર થવા લાગ્યો હતો. તેની સાહેદી આ વાક્યો પાસે થી મળશે : 'એમની નજર પેલા બંધ બારણાને વીંધીને મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે કે એમને યાદ દેવડાવ્યું હોય તેમ બોલ્યા : "એ લુખ્ખો રોટલો ખાતી નથી." ' આમ, તેની ચિંતાએ તેમને એકલા એકલા કોઈ પણ ઉદેશ્ય વગર બોલતા તો કરી જ દીધા હતાં. વળી આ અવસ્થા અટકતી નથી પણ ઉત્તરોઉત્તર તીવ્ર થતી ચાલે છે. ઘરે પાછા ફરતી વખતે  ગાડીમાં તેને આભાસો થવા લાગે છે. જૂઓ: ' ભૂતની માફક ભમતી અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગંદી સ્ત્રીઓ ઘુમતી હતી. એ સાથે અમરતકાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો.'
આગળ જે આભાસ થયો તે દૃષ્ટિનો હતો. બારણા સોંસરવી મંગુ દેખાઈ હતી અને તેની પ્રતિક્રિયા અમરતકાકીના એકલા એકલા બબડવાથી પ્રગટ થઇ હતી. પણ હવે અસ્થિરતાની માત્રા વધે છે અને તે અનુભવો માત્ર દૃષ્ટિ અને વાચા પૂરતા સીમિત ન રહેતા શ્રુતિના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરે છે. અમરતકાકીની આ અવસ્થા આટલે અટકતી નથી અને એ હવે ધીમે ધીમે તેમની વાણી ઉપર પણ ભારે પડી રહી છે. મંગુથી વિછોડાયા બાદ રાત્રે પથારી માં પડ્યા પડ્યા એકલા એકલા બબડે છે : " બેટા, પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી." તેને એવો ભાસ પણ થાય છે કે મંગુ બ્હાવરી બ્હાવરી માને શોધી રહી છે. આ બધા જ ઉત્પાતો અમરતકાકી માં અત્યાર સુધી માનસિક સ્તરે જ ઉદ્ભવતા હતા. પણ હવે તેનું દૈહિકક્રિયાઓમાં રૂપાંતર થાય છે. અમરતકાકી ખાટલાની ઇસ સાથે કપાળ કૂટે છે અને ડૂસકું ભરે છે. આ ડૂસકું જ એમને ગાંડપણના પ્રદેશમાં ધકેલનારો ધક્કો બની રહે છે.
બીજા પણ થોડા સંકેતો વાર્તામાંથી મળી આવે છે જેને તપાસી જોઈએ. મંગુને દવાખાને મૂક્યા પછી મા-દીકરી નો વિચ્છેદ હંમેશ માટેનો છે તેવો પણ એક અર્થ આકાર લઇ રહ્યો છે. જયારે અમરતકાકી મંગુને દવાખાને મૂકવાનું નક્કી કરે છે ત્યારે તેનું મન હા-ના ના હિંડોળે હોય છે. પણ બધી તૈયારીઓ થઇ જાય છે ત્યારે તેનું મન વળી ના પાડવા લાગે છે. ' એમને થતું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવવી, પણ દીકરાને કહેતા જીભ ઉપડતી ન હતી... હવે ના પાડું  તો એને થાય કે માને બીજો ધંધો નથી..! ' આમ, અમરતકાકી ની અનિચ્છાએ વાત આગળ વધે છે. એ અનિશ્ચિતતા જ આવનારા અનિષ્ટ તરફ સંકેત કરે છે. મંગુથી વિખુટા પડવાની ક્ષણને પણ લેખકની ભાષાથી વધારે ધાર મળી છે. – ' પેલું બારણું અધખૂલું થઇ મંગુને ગળી ગયું. ' અમરતકાકીનું મન મંગુથી વિછોડાતા જે પીડા અનુભવે છે તેને આ પ્રકારનો ભાષા પ્રયોગ યથાતથ રીતે વ્યક્ત કરી આપે છે. વળી, દવાખાનામાં મંગુની ઓરડી ન જોઈ શકવાનો વસવસો કરતા પણ અમરતકાકી ને વિચાર આવે છે કે 'ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભરી આવત.' અહી 'જુવત' અને 'આવત' જેવા ભાષાપ્રયોગ ભલે ખુબ સહજ રીતે લેખકની સર્જનશક્તિમાંથી ઉતરી આવ્યા હોય પણ એનો અર્થવિસ્તાર બહુ માર્મિક છે. આ શબ્દપ્રયોગ ત્યારે વપરાતા હોય છે જ્યારે એવી ક્ષણો વિષે વાત થઇ રહી હોય જે હાથમાંથી જતી રહી છે, જેને સુધારવાનું શક્ય નથી. જેમ કે " મળેત તો કહેત .- પણ શું થાય મળ્યા જ નહિ. " આમ આ શબ્દોમાં 'કશુક થઇ શક્યું હોત' ની સંભાવના છે. અને અફસોસ પણ છે કેમકે હવે એ નહિ થઇ શકે... આમ સાદા જણાતા શબ્દો પણ કેવી શક્તિ ધરી બેઠા છે તેનો ખ્યાલ હવે આવે કે જે કઈ કરવું હતું તે પહેલા થઇ શકેત... પણ હવે કશું થઇ શકે તેમ નથી . આવા શબ્દપ્રયોગ એકાધિક વાર થયા છે જૂઓ : ' અમરતકાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ એ ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. ( પણ હવે શું ! ). વાર્તામાં આ વિધાન ત્યારે પ્રગટ થયું છે જ્યારે ભાવકને હજી -અમરતકાકી ગાંડા થઇ જવાના છે- એવા ભવિષ્ય ની જાણ નથી. એવી વાતનો સ્ફોટ થયા પહેલા જ આ વિધાને વાર્તાના નિશ્ચિત અંતની સુક્ષ્મ આગાહી કરી દીધી છે.
આ વાર્તાની ભાષાની તપાસ કરીએ છીએ ત્યારે તેના ભાષાકીય મામલા તરીકે તેમાં રહેલી સંવાદકળા તરફ પણ અછડતી નજર કરીએ. લેખકે દરેક પાત્રના મુખમાં યથોચિત-પાત્રોચિત સંવાદ મૂક્યા છે. અમરતકાકીના સંવાદોમાંથી સાવ સાદી ભાષામાં માર્મિક વાતો પ્રગટ થઇ છે. મા પાસે રંગરોગાન કરેલી, વાક્ચાતુરીથી મંડિત ભાષા ક્યાંથી હોય! તેની પાસે તો ભાવ હોય જે આંખોમાં આવીને અવારનવાર છલકાતો હોય. આ ભૂમિકાને અમરતકાકી બરાબર નિભાવી શક્યા છે. કહીએ કે લેખક આ ભૂમિકાને અંત સુધી અખંડ રાખી શક્યા છે. અમરતકાકી જેટલા બોલીને અભિવ્યક્ત નથી થતાં એટલાં આંખોથી અભિવ્યક્ત થાય છે.જૂઓ : "મુઈનું રૂપ તો એવું છે કે મુરતિયો એને જોતા સમો હા પાડી દે." આ સાદાવાક્યમાં પણ કેટલો ઉમળકો અને આરત રહેલી છે! હંમેશા દીકરીના દુઃખે દુભાયેલી રહેતી આ માનો દૃઢનિર્ધાર ઝળકે તેવા ખુમારીભર્યા બોલ પણ તેણે ઉચ્ચાર્યા છે. ગુજરાતી વાર્તાસાહિત્યના નમુનેદાર સંવાદોમાં આ સંવાદની ગણના કરી શકાય? -"મંગુની સાચી મા બની રહું ત્યારે જ મારી લોહીની સગાઇ ખરી!"
સંવાદના વૈવિધ્ય માટે બીજા પાત્રો પાસે પણ જઈએ તો અમરતકાકીની બીજી દીકરી કમુનું  ભાષિક પોત જુદું જ છે. "ગાંડો હીરો છાતીથી અળગો કરાતો નથી." બોલનારી કમુનું પાત્ર પણ જુદી ભાત પાડે છે. તેનું આકરાં-અકોણા વેણ ઉચ્ચારવા પાછળનું વલણ સમજી શકાય તેમ છે. ગાંડી દીકરી મંગુની આળપંપાળ કરવામાં અમરતકાકી બીજા સંતાનોની જાણેઅજાણે ઉપેક્ષા કરી બેઠા હશે અને ઉપેક્ષિત થયેલી કમુને પોતાના હિસ્સાનું હેત અને મહત્વ જેને મળ્યું હશે તેવી મંગુ પ્રત્યે દ્વેષ થાય એ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ બહુ સરળ રીતે સ્વીકારી શકાય તેવી બાબત છે. કમુ કડવી રીતે વાત કરે છે પણ તેની વાતમાં સામાજિક સત્ય પણ ભારોભાર રહેલું છે. અમરતકાકીનાં મૃત્યુ પછી લાડકોડથી ઉછરેલી ગાંડી મંગુની શી દુર્ગતિ થાય તેની તે અત્યારથી ચિંતા કરી રહી છે. તેની વાતમાં એવો એક પણ સુર નથી જેનાથી ભાવકને એમ લાગે કે તે મંગુનું અહિત વાંછી રહી છે. તેથી કમુની વ્યક્તિભાષા વ્યવહારપટુ અને સત્યદ્રષ્ટા જેવી કર્ણકટુ લાગે તેવી છે. અમરતકાકીની માયાળુભાષાની બાજુમાં કમુની કઠોર ભાષા એક કલાત્મક વિરોધાભાસ રચે છે અને સરવાળે કૃતિને વધુ ભાષાકીય વૈવિધ્ય સાંપડે છે. આ વાર્તાના ભાષિક ચંદરવામાં ત્રીજી ભાત ગાડીમાં મળેલા મુસાફરોની છે... મંગુ ગાંડી છે અને એને દવાખાને મૂકવા જઈ રહ્યા છે તેની જાણ થતા જ મુસાફરો ને 'મજાનો ખોરાક' મળી ગયો. 'મજાનો ખોરાક'- માત્ર એક જ શબ્દ થી અહી લેખકે સમાજની દુઃખભંજક(!) અને લોક હિતેચ્છુ બનવાની વૃતિ ને ઉજાળી આપી છે. એ લોકોની 'સદભાવનાપૂર્ણ'  ચર્ચાથી અમરતકાકી તો વ્યથિત થતા જ  રહ્યાં પણ એક છેલ્લો મર્મવેધી ઉદ્ ગાર ભાવકને પણ આહત કરી મુકે તેવો છે. રેલગાડીના ડબામાં એક સ્ત્રી સહાનુભૂતિથી પૂછી બેસે છે કે " આ છોકરીની મા નથી ? " એક નાનકડા વાક્યની કેટકેટલી અસરો વાર્તામાં જોઈ શકાય છે. આ પ્રકારના ટૂંકા છતાં ચોટદાર વાક્યોની પસંદગી વાર્તાને દીર્ઘવર્ણનોના ભારથી બચાવી લે છે. બીજા સ્વરૂપો કરતા કદાચ આ અર્થમાં ટુંકીવાર્તા વધુ કલાત્મક સ્વરૂપ કહેવાય છે.
જેમાં વાર્તાની ભાષાને સચોટતા અને વાર્તામાં રહેલા માનસશાસ્ત્રીય અભિગમને ઉત્તમ રીતે અભિવ્યક્તિ મળી છે તેવા અંતિમ વાક્યોની તપાસ કરીને ચર્ચાને સંકેલી લઈએ. મંગુને દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમરતકાકીની સુરતામાં મંગુ જ છવાયેલી રહે છે. તેમની આ માનસિક અવસ્થાને અવતારવા લેખકે જે શબ્દપસંદગી કરી છે તે બહુ સાભિપ્રાય છે.- "અમરતકાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. - મંગુ અત્યારે શું કરતી હશે? " માણસનું ધ્યાન કોઈ એક જ બિંદુ પર સ્થિર થયેલું હોય તેના અનેક લૌકિક કારણો હોઈ શકે. અહી અમરતકાકી મંગુની ચિંતાને લીધે તીવ્ર માનસિક યંત્રણામાંથી પસાર થઇ રહ્યાં હતાં અને એ સંઘર્ષની અવસ્થાને લેખક 'તંબુરો વાગવા' જેવી આધ્યાત્મિક ઉચાઇ સાથે જોડી આપે છે. સમાધિની દશા, એકતાનની દશા, એકલક્ષિતાની દશાને અમરતકાકી પામે છે. ચિત્તના બધા જ સંચલનો એક માત્ર મંગુ પર સ્થિર થાય છે. આત્મગ્લાનિ અને પસ્તાવો ચિત્તતંત્રના ઉત્પાતોને ભયજનક સપાટીએ પહોચાડે છે. અનર્ગળ બબડાટ પણ શરુ થાય છે. તેમનું સંવેદનજગત વધુ ને વધુ આંદોલિત થાય છે અને અમરતકાકી પણ મંગુની દુનિયામાં ગરકાવ થવા લાગે છે. આ  આખી વાર્તામાં જે ઘડો ટીપે ટીપે ભરાયો તેનો ઘટસ્ફોટ કરવા માટે વાર્તાકારે છેલ્લા વાક્યમાં કરેલો શબ્દપ્રયોગ પણ અત્યંત પ્રસ્તુત છે - 'અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતાં.' અહી 'વટલાઈ જવું' શબ્દ અમસ્તો જ નથી મુકાયો. લેખકને ભલે અનાયાસે જ આ શબ્દ હાથ લાગ્યો હોય તો પણ અહી તે શબ્દપ્રયોગ ઘણું મહત્વ ધરાવે છે. વટલાવવાની પ્રવૃત્તિમાં પરિવર્તન હોય છે પણ તેને વિધેયાત્મક પરિવર્તન નથી ગણવામાં આવતું. તેમાં બળાત્કાર છુપાયેલો હોય છે. "શું કરવું?" અને "શું ન કરાય" આ બે અંતિમોનો  બળજબરીપૂર્વકનો ગજગ્રાહ અમરતકાકીના માનસપ્રદેશમાં સંભવે છે તેમાં રહેલું તીવ્રતમ તાણ વાર્તાને કરુણાંત તરફ તાણી જાય છે. લાગણીનું વ્હેણ એટલું બળકટ બન્યું કે અમરતકાકીની આખીએ ચેતના એમાં તણાઈ ગઈ અને મંગુ તો સાજી થઇ કે નહી એ તો શી ખબર પણ અમરતકાકી ખુદ તેની પાછળ ગાંડા થઇ ગયાં. અહીં નાભિનાળનો સંબંધ જુદી રીતે સાબિત થયો. 'લોહીની સગાઇ' બહુ હૃદયવિદારક અર્થછાયા ધારણ કરી ને સાર્થક થઇ. જો વાર્તાનો અંત 'મૃત્યુ' હોય તો જ તેને દુખાંત કહેશું ? મોત કરતા પણ કષ્ટદાયક પરિસ્થિતિઓ જીવનમાં હોય છે અને મનુષ્યે તેમાં પોતાને હોમી દેવા તૈયાર રહેવાનું હોય છે આવું દર્શન આ વાર્તા જરા પણ મુખરિત બન્યા વગર કહી જાય છે. જીવનના ઘેરા રંગે લીપાયેલી આ 'લોહીની સગાઇ' ભાવકના હૈયાને કરુણતાથી ભીંજાયેલો કલાત્મક આનંદ આપી, તેને નિર્મળ બનાવે છે.

 

શક્તિસિંહ ર. પરમાર
રૂમ નં : ૭૫, જૂની મિલની ચાલી,
નિર્મળનગર રોડ, બહુમાળી ભવન સામે,
ભાવનગર. પીન - ૩૬૪૦૦૧

000000000

***