ડૉ. કેશુભાઈ દેસાઈ લિખિત લઘુનવલ “ઓશિયાળ”: એક અભ્યાસલેખ

સર્જકતાને શિલ્પીની ચતુરાઈ કરતાં જિંદગીની સચ્ચાઈ વિશેષ ઉપકારક નીવડે છે. લેખક કહે છે તેમ તેમની પ્રથમ નવલકથા ‘ વન વનનાં પારેવાં ’ થી ‘ ઓશિયાળ ’ લગીની દોઢેક દાયકાના સફર દરમિયાન તેમણે ઘણું બધું વેઠ્યું પણ છે. પોતાની આસપાસના વ્યક્તિઓ અને ઘટના કે બનાવો પરથી પ્રેરણા લઈ તેમણે નવલકથા આપવાનો પ્રયાસ કર્યો છે. લેખકની આવી અનન્ય લેખનકલાને બિરદાવતાં યશવંત શુક્લ કહે છે કે, ગ્રામ પરિવેશને પ્રત્યક્ષ કરવાની લેખકની શક્તિ અસાધારણ છે. પણ એમની આ કૃતિ ‘ઓશિયાળ’ એમની પ્રસિદ્ધ કૃતિઓમાં સુદ્ધાં વિશિષ્ટ ભાત પાડે છે.
સાહિત્યરૂપની દ્રષ્ટિએ એને કયા ખાનામાં બેસાડવી ? લાંબી ટૂંકી વાર્તાના ? લઘુનવલના ? બંને સ્વરૂપોમાં એ નભી શકે એમ છે. જે લેખકની ટેકનીકની બલિહારી ગણી શકાય. મેની પોતાને ઘેરથી પોતાની દીકરીને લઈને સાસુ સસરા રહે છે ત્યાં ખેતરે જવા નીકળીને ચાલતાં ચાલતાં પોતાના વિચાર સંક્રમણમાં એનો પોતાનો આખો ભૂતકાળ તાદ્રશ થાય, માનુષી સંબંધોના વળાંકો અને વિચિત્રતાઓ તાદ્રશ થાય એ રીતે વાર્તા કહેવાઈ છે. એ પહેલાં જે બને છે અને એ પછી જે બને છે તે કારણે અને મેનીની ચેતનામાં ઝબકેલા ભૂતકાળમાં અનેક પાત્રોની રમણા હોય એ કારણે આ કૃતિને લઘુનવલ કહી શકાય, તો જે મુખ્ય સંદર્ભ લેખકે મેનીની ચેતનામાં કંડાર્યો છે  એને લઈને આ કૃતિ લાંબી ટૂંકી વાર્તા પણ કહેવાય.
આ કથામાં રૂપના નામકરણને ગૌણ ગણીએ તો મેની આખી કૃતિના કેન્દ્રમાં છે. એ જ મુખ્ય પાત્ર છે. બીજું મુખ્ય પાત્ર રામસિંહનું છે, જે તેનો પાડોશી છે, સગો છે. રામસિંહ સુશિક્ષિત અને ભલો છે. મેનીનું અંતરમન એને ઝંખે છે. એક સંજોગ એવો પણ હતો, જ્યારે મેનીનું સગપણ એની સાથે થઈ શક્યું હોત, પણ એમ થતું નથી. છતાં મેનીનાં ચિત્તતંત્રમાં રામસિંહ માટેની ઝંખના ધરબાયેલી પડી છે. પહાડ જેવો ઊંચો, દેખાવડો, કર્મઠ પુરુષ આખા ગામમાં અતિશય પરમાર્થી અને કુશળ અગ્રજન તરીકે પ્રતિષ્ઠિત છે, સુશિક્ષિત અને કાર્યસાધક છે તે મેનીના ચિત્તતંત્રને કેમ ન આકર્ષે ? પણ તેનું લગ્ન એક બીજા જરાયે આકર્ષક નહીં તેવા ગ્રામજન સાથે થઈ જાય છે અને જ્યારે વાર્તા ઊઘડે છે ત્યારે તો મેનીને એક નાની દીકરી પણ હોય છે. આ દીકરી પિતાને ખૂબ વહાલી છે. આટલું પણ તેનું લગ્ન એક બીજા જરાએ આકર્ષક નહીં ને કુશળ કે સફળ પણ નહીં એવા ગ્રામજન સાથે થઈ જાય છે અને જ્યારે વાર્તા ઊઘડે છે ત્યારે તો મેનીને એક નાની દીકરી પણ હોય છે.આ દીકરી પિતાને ખૂબ વહાલી છે. આટલું જ એ પતિ થનાર પુરુષનું જમા પાસું મેનીએ નોંધ્યું છે. બાકી એનું પોતાનું એને સહેજેય આકર્ષણ નથી. છતાં પોતાના પરણ્યા પ્રત્યેની સ્થૂળ વફાદારીમાંથી એ લગીરે વિચલિત થતી નથી.
લેખકે વાર્તાનો જે સમય પસંદ કર્યો છે તે આપણો અત્યારનો સમય છે,જે એક રીતે વાર્તાના ગ્રામીણ પાત્રો માટેનો વિલક્ષણ સંક્રાંતિકાળ છે. જેમ કે મેની પોતે એક ગ્રેજ્યુએટ છે પણ ગામડામાં ઊછરીને ગામડામાં જ પરણી છે. એનો પતિ એક મામૂલી પુરુષ છે પણ પડ્યું પાનું એ નિભાવી લે છે.
વાર્તાનો ઉઘાડ થાય છે ત્યારે મેનીનો પતિ ગુમ થયેલો હોય છે અને એ ઘટનાએ સૌનાં ચિત્ત જકડેલાં છે. તો આવા રસાળ કથાનકને પામવા તેની કેડીએ પગરણ માંડીએ. ચોમાસાની ૠતુ છે, ને વરસાદ પણ મૂશળધાર વરસી રહ્યો છે. બપોરે સાસુ-સસરાને જમાડ્યા બાદ ઘરે આવીને સૂતેલી મેની હજી સુધી સાંજ પડ્યે ઊઠી નથી. મુન્નીને જગાડીને એ ખેતરે જવાની તૈયારી કરે છે. ઊંઘમાંથી જાગેલી મુન્ની તરત મમ્મીને પૂછી નાખે છે, ‘પપ્પા આયા?’સાંભળીને જ મેનીની આંખો ભીંજાઇ ગઈ. તો બીજી બાજુ રામસિંહની મા મુન્નીના સવાલનો જવાબ આપતાં બંનેને આશ્વાસન આપે છે. મુન્નીના સવાલો મેનીને ગૂઢાર્થમાં વિચારવા પ્રેરતા હતા. મુન્ની ઉંમરમાં ભલે નાની હતી, પણ એને સમજણ મોટા માણસ જેટલી પડતી હતી. આકાશમાં થયેલો કાટકો જોઈ મુન્ની ચીસ પાડી ઊઠે છે. ત્યારે ડોશી તેને કહે છે : “રોયે નંયં ! ઈમ કાંય આભલું હેઠું નહીં પડી જવાનું !”(પૃષ્ઠ ૫)ને આ સાંભળીને મેનીનો જે જવાબ રજૂ થયો છે એ જ જિંદગીની આકૃતિને રજૂ કરી જાય છે વળતો સવાલ કરતાં મેની કહે છે, “હવે આભલું હેઠું પડવામાં બાચીય શું રૈ જ્યું સઅ ,મા?” (એજન) મેનીનો આવો સવાલ સાંભળીને ડોશીનુંય કાળજું વલોવાઈ ગયું. ડોશી ઘણીવાર નસીબના મણકા ફેરવતી કહી નાખતી કે મારે તો તને મારા ઘરે વહુ બનાવીને લાવવી હતી પણ તારું નસીબ કાણું નીકળ્યું ને એ શક્ય ન બન્યું. આખા પંથકમાં મેનીનું રૂપ વખણાતું હતું. સૌ કોઈ એને પોતાના ઘરની વહુ બનાવવાના ઓરતા રાખતું હતું. પરંતુ પિતા આબરૂદાર અને વચની હતા. ને એમણે આપેલા વચન મુજબ મેનીનાં લગ્ન જેઠા જમાદારના જેસંગ સાથે થયાં. જો કે આ બાજુ જેશંગમાં પણ એવા ગુણ નહોતા કે જેથી એ મેનીની હરોળમાં ચાલી શકે. પરંતુ આ બધું થવા પાછળ મેનીનાં પિતાને દેખાયેલો ઓરમાન ભાઈ માનસંગનો અમેરિકા વસવાટ. વિદેશી વાયરાને ધ્યાનમાં લઈને જ મેનીના લગ્ન સાવ સામાન્ય એવા જેશંગ સાથે કર્યાં હતા. પોતાના પતિ તરફ વિશેષ આકર્ષણ ન હોવા છતાં મેની પતિધર્મને પાળતી, સ્વીકારતી હતી. પતિના ગુમ થયા બાદ જાણે સાવ છત્રછાયા જ જતી રહી હોય એમ તે અનુભવતી હતી. વળી રહી જતું હતું તે ભગવાને પોતાની કૂખે આપેલી આ દીકરી જ તેના જીવનનો કોયડો બની ગઈ હતી. છોકરો હોત તો અથડાતા-કૂટાતાંય જીવન કાઢી લે પણ છોકરીનું શું ? એ સવાલ સતત તેને કાંટાની જેમ વાગતો હતો.
મેની એનાં માબાપની લાડકી દીકરી હતી. દીકરા કરતા સવાયા લાડથી ઊછરેલી દીકરી. વળી એની સમજણ અને શાણપણ સૌને આશ્ચર્યમાં મૂકી દે એવાં. તેની વાત કરવાની છટા અને તેની સુંદરતા સૌની આંખો આંજી દે એવી હતી. પિતાએ સિંચેલા સંસ્કારો તેના જીવનઘડતરને વધુ દ્રઢ આધાર પૂરો પાડે છે. પોતાના જીવનની સત્યતાને રજૂ કરતાં તે કહે છે કે, “મીઠા જળનાં માછલાને કંઈ છોળો મારતા દરિયામાં ન ધકેલી દેવાય. એમને તો એમનું ખાબોચિયું જ ખપે!” (પૃષ્ઠ ૧૩) તેની આ ઉક્તિમાં આપણને તેની વિવશતા અને એમ છતાંય વડવાઓના નિર્ણયને અપાયેલું માન જણાય છે. મોટાં કુળ જોઈને દીકરીને પરણાવતાં ઘણીવાર જીવન આખું પછતાવું પડે છે. એમ એ વાક્ય સૂચવી જાય છે. આ બાજુ જેશંગ સાથે વીતાવેલા જીવનને યાદ કરતાં તેની વાસ્તવિકતાને પણ લેખક તેના શબ્દોમાં વ્યક્ત કરી જાય છે. જેશંગે એકવાર સામે ચાલીને પૂછી નાખેલું કે મેની, હું તને નથી ગમતો ખરું ને? ત્યારે એ સાંભળીને મેની અચંબામાં પડી ગયેલી. તેને મન ઐચ્છિક પસંદગીને અવકાશ જ ન હોય ત્યાં આવી વિચારણાનો તો સવાલ જ ક્યાં પેદા થતો હતો. પરંતુ પતિના પ્રશ્નનો જવાબ આપતાં તેણે એટલું જ કહેલું કે, “તમે તમારી જાતને જ પૂછી જુઓ ને ! તમને પોતાને તમે કેટલા ગમો છો ?”(પૃષ્ઠ ૧૪) મેનીએ એવો સણસણતો જવાબ આપેલો કે ફરીવાર જેશંગની બોબડી જ બંધ થઈ ગઈ. અને બીજી વાર આવો સવાલ કરતાં સો વાર વિચારે એવો જવાબ તેણે સંભળાવી દીધો. પરંતુ તેના ગયાને આટલા બધા દિવસો થઈ ગયા તો મેનીને એમ પણ થઈ ગયું કે હું બોલી એટલે જ તેઓ ઘર છોડીને જતા રહ્યા છે. પરંરુ બીજી જ ક્ષણે એમ પણ લાગતું કે આવી તકરાર તો રોજ થયા કરતી. એમ કંઈ મારા બોલથી ઘર છોડે એમાંના તો એ નહોતા.
વરસાદ થોભી ગયો છે પણ ખેતરે જતી મેનીના વિચારવિશ્વમાં તો ઘણા વિચારો એક પછી એક આવ્યા જ કરતા હતા. કથામાં મઢીવાળા મહારાજનીય વાત વણી લેવામાં આવી છે. મેનીના સસરા જમાદાર હતા. નિવૃત્ત થયા એ સમયે જેશંગ નાનો હતો એટલે એમણે તેના ઉછેર માતે અને ઘરમાં સ્ત્રીના મહત્વને સમજીને બીજા લગ્ન કરેલા. નિવૃત્ત થઈ તેઓ મઢીવાળા મહારાજની જોડે ઘણીવાર ભજન-પાઠમાં જતા. આખું જીવન પોલીસની નોકરી કર્યા બાદ પ્ર્ભુને પામવાની આંતરિક ઈચ્છાથી તેઓ ભગત બની જવા તરફ ચાલ્યા. અલખ ધણીની પ્રાપ્તિ માટે તેઓ સતત મઢીમાં મહારાજની સંગે જોડાઈ ગયેલા. અને હવે તેમનો દિકરો જેશંગ પણ ધીરેધીરે મઢીવાળા મહારાજની સેવામાં સતત રહેતો એ મેનીને યાદ આવે છે.
મઢીવાળા મહારાજ વિશે ગામ આખામાં વિચિત્ર પ્રકારની દંતકથાઓ ચાલ્યા કરતી. કોઈ કહેતું બાવો બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન ફોજ સામે લડેલા છે ! એમના હાથે વધુ નહીં તોય બસો-પાંચસો લોથ ઢળી હશે. એક રાતે એમને જોગંદર જટાળાનાં સપનામાં દર્શન થયાં. બસ, પછી તો બંદૂક ફેંકીને માળા પકડી લીધી. તો વળી કોઈ એમ પણ કહેતું કે આ મહારાજની તો મુંબઈમાં ઝવેરાતની પેઢી હતી. નુકશાન ગયું એટલે દેવાળું ફૂંકીને ભેખ ધરી લીધો. કોઈ એમને દત્તાત્રેયનો અવતાર માનતું, તો કોઈ એમને ખૂન કરીને ભાગી છૂટેલા ગુનેગાર સમજતું હતું. ત્યારે એ પોતે કહેતા કે, “હું પાપી છું ! મને હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું એની પણ ખબર નથી...! અજ્ઞાનના અંધકારમાં અટવાઈ પડ્યો છું. અજવાળું શોધવા કેટકેટલા જન્મજન્માંતરથી ફાંફાં મારતો ફરું છું. છતાં વધુને વધુ ગાઢ તમસમાં ઘેરાતો જાઉં છું...” (પૃષ્ઠ ૨૪) મહારાજની આવી અધ્યાત્મની વાતો જ સૌને પકડી રાખતી. 
લેખકે મેનીની વિચારશૃંખલા દ્વારા મેનીના સસરા જેઠા જમાદારનું ચિત્ર આપણી સમક્ષ મૂકવાનો સફળ પ્રયાસ કર્યો છે. જેશંગ દર પૂનમે માણેકનાથનાં દર્શને જતો એ મેનીને યાદ છે. આ એ જ માણેકનાથ કે જ્યાં તેઓ અગાઉ જઈ આવ્યાં હતાં. મેનીને સારા દહાડા હતા એ વખતે એણે બબુ માટે રામસંગને ત્યાં જવા કહેવડાવ્યું. એ પ્રસંગને યાદ કરતાં કહી શકાય કે રામસંગના હ્રદયમાં મેની માટે કૂણી લાગણી એ વખતે જન્મી હતી. દિવસ નક્કી થયો ને પછી જેશંગ, મેની અને રામસંગ ત્રણેય ટ્રેક્ટરમાં બેસી ત્યાં નીકળે છે. એ વખતે મંદિરની ગૂફામાં પ્રવેશવાની ઘટનાનો અનુભવ મેનીને થતાં રહી જાય છે. ગૂફા બે-એક કિ.મી. જેટલી લાંબી હતી. અને અંધારામાં ચાલવાનું શરૂ થયું. મંદિરનો એક માણસ દીવો લઈને આવે એ પહેલાં ગૂફામાં જેશંગ અને રામસંગની વચ્ચે મેની એમ ત્રણેય ચાલવા લાગ્યાં. એ વખતે રામસંગના મનમાં જાગી ઉઠેલો વાસનાનો એ રાક્ષસ વારંવાર એને મેનીને સ્પર્શવા ધકેલતો હતો. ઘણીવાર સ્પર્શ પામી જતો રામસંગ અંદરથી પરસેવે રેબઝેબ થઈ જતો. મનમાં તો હતું જ કે આજે મેનીને બાથમાં ભરી લેવી પણ બીજી બાજુ સંબંધોની મર્યાદા નડી જતી હતી. મેનીને આલીંગન આપવાની તૈયારીમાં જ તે હતો ને એવામાં પેલો માણસ દીવો લઈને આવી જાય છે. અને મેની સદનસીબે બચી જાય છે. બસ, આ પ્રસંગ જ રામસંગના હ્રદયમાં મેનીને પામવાની તીવ્રતા લઈને આવે છે. કથાના અંત સુધી તરસ્યા મૃગની જેમ ભટકતો રામસંગ પોતાના ઘરમાં પણ ઓશિયાળું જીવન જીવતો હતો. ગામના લોકોની વાતોથી ભરમાયેલી રામસંગની વહુ બબુ પણ ઘણી વાર ગુસ્સે થઈ જેમતેમ બોલી હતી. પણ રામસંગ હ્રદયનો ખૂબ જ ઉદાર માણસ હતો. એ તેની આવી વાણીને અવગણી દેતો.
આવા અનેક વિચારો સાથે ચાલતી મેની ખેતરે પહોંચવાની નજીકમાં છે. તો બીજી બાજુ તેડેલી મુન્નીને તે થોડુંક ચાલવા કહે છે ને મુન્ની ચાલતાં ચાલતાં અનેક સવાલો કરી મેનીના હ્રદયને હલાવી નાખે છે. પરંતુ એ વખતે એને વહાલસોઈ પુત્રી સામે જૂઠું બોલ્યાનો ડંખ જરૂર સતાવતો પણ એને સાચું કહીને દુ:ખી કરવા જેટલી એ ક્રૂર પણ કઈ રીતે બને ! ‘જગતમાં મા જ એક એવી હસ્તી છે જેના ઉપર બચ્ચું એનો સઘળો વિશ્વાસ ઓવારીને જીવે છે.’
‘ગોતવું’ પાર કરીને મેની જેવી સધીમાની દેરીએ પહોંચે છે ત્યાં જ એને રામસંગને જેમતેમ બોલતી બબુનો સ્વર સંભળાય છે. એ સાંભળીને જ મેની નખશીખ કંપી ઊઠી. બબુ રામસંગને અભદ્ર બોલતી હતી પણ એમાં નામ તો મેનીનું વગોવાતું હતું. બબુના મોઢેથી નીકળતાં આવા બોલ ભલભલાને ક્રોધાગ્નિમાં બાળી નાખે તેવા હતા. રામસંગ એને ઘણીવાર ચૂપ રે’વા કહે છે પણ ચૂપ રે’ એ આંજણી શાની ? લેખકે મેનીને ઉદ્દેશીને બબુના મોઢેથી નીકળેલા રામસંગને સંભળાવતા આ સંવાદ સાચે જ ભલભલાને હચમચાવી જાય એવા હતા.
“કાળ મૂઢાના ! તારે બીજો ધંધો જ નથી ? (પૃષ્ઠ ૧૩૭)
“શોંદી પડ્યાં રહેતાં હોય પારકાંના હેઠ્ય, પછંઅં એ ચેટલાં વા’લાં લાગે ?” (એજન)
“ગલોલા જેવાં તો થયાં છે મારી મા ! નહિતર ધણી જેવો ધણી જતો રહ્યો હોય એ તો સુકાઈને સાઠી ન થઈ જાય કે !” (પૃષ્ઠ ૧૩૮)
“માર ! હજી વધારે માર ! ફોડી નાખ મારું ભોડું ! કાયટિયા, તારી રાંડને રાજી કરવા મારાં હાડકાં ભાગે છે. એ કાંય હું નથી જોણતી ? હજી બાકી રહી જતું હોય, તો પૂરું કર્ય ! એટલે તને ને તારી રાંડ – બેય જણાંને ટાઢક થાય...!” (પૃષ્ઠ ૧૩૯)
લેખકની કલમે અવતરેલા આ સંવાદોમાં ભારોભાર પ્રાદેશિકતા પ્રગટે છે. ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલીમાં વ્યક્ત થયેલા આ સંવાદોમાં ક્યાંક અશ્લિલતા પણ જણાય છે. સંવાદોમાં રામસંગ પર ઠલવાતો બબુનો ઉભરો મેનીને દઝાડી જાય છે. ઝાડની પાછળ ઊભી મેનીને ધરતી ફાટે ને સમાઈ જઉં એમ થાય છે. વળી એને દયા પણ આવે છે કે ક્યાંક રામસંગ પેલી બબુને મારી ન નાખે. આ બધું સાંભળીને ડઘાઈ ગયેલી મેની હાંફળીફાંફળી બનીને તરત જ ફલાંગો ભરતી તેના ખેતરે પહોંચી જાય છે. તેને મોડી આવેલી જોઈને ડોસો-ડોસી પણ તેને કારણ પૂછી નાખે છે ને તે શાંત બની જવાબ વાળે છે. પછી મેની શિરામણ આપીને પાણીની ડોલ ભરીને બોરની ઓરડી પાછળ નહાવા ચાલી જાય છે. મુન્ની પણ તેની પાછળ ચાલી જાય છે.
નવલકથાનો અંત ઘડાઈ જવા લાગ્યો છે. મેની નહાવા બેસી જાય છે ને મુન્ની એની પીઠ પર ઠીકરી ઘસતી મેલની પોપડીઓ વખોડે છે. મુન્નીના કુતૂહલનો જવાબ આપતાં જ એ વખતે મેનીની નજર બોરની જાળીમાંથી એની સામે ટગર ટગર તાકી રહેલી બે આંખો પર પડે છે. પછી તરત જ ‘કોણ છે એ હરામખોર ?’ કહેતી ઊભી થાય છે એટલામાં જ પેલું માણસ ત્યાંથી દૂર થઈ જાય છે. મનમાં થાય છે કે પોતાનો ભાગીયો ગાભલો હશે, પણ નાઈને રોટલા કરતી વખતે ડોસાએ કરેલી ચોખવટથી એ કોણ હશે એની એને ચિંતા થવા લાગી. મનમાં મનમાં ઘણાય સવાલો ઊભા થયા. પછી છેલ્લો રોટલો કલેડામાં નાખી પરસેવો લૂછતી બહાર નીકળી ત્યાં જ બોર પાછળ એરંડાવાળા વાંટામાં કળશિયે ગયેલાં ડોશીની બૂમ સંભળાઈ – “અલ્યા, હોંભળો છો ? આ તો આંય પડ્યો છ લોંબો હોટ થઈ નંઅં ! આંશ્યો ય ફાટી જઈ છંઅં મૂઆની...!!” (પૃષ્ઠ ૧૫૯) પછી તરત જ મેની પાછળ દોડીને જુએ છે તો એના પગ ભાંગી પડે છે. ને પછી પોતાના સાડલાની કોરથી મેની રામસંગના મોઢે વળેલાં ફીણ સાફ કરે છે. લોટે જવા નીકળેલાં ડોશીના ડબલાના પાણીથીય કંઈ ફેર ન પડ્યો. રોકકળ કરતી મેનીને મન ઘણુંબધું લૂંટાઈ જતું લાગ્યું. વરસાદનાં ફોરાં પડવા લાગ્યાં. ઘડીક આકાશમાં તો ઘડીક રામસંગની ખુલ્લી આંખો સામે જોતી મેની એનું માથું ખોળામાં લઈ વિલાપ કરતી રહી. પછી એ દહાડે મોડી રાતે સમાચાર આવ્યા કે, થાણામાંથી ફોન હતો, એમને જેશંગની કંઈક ભાળ મળી છે. અને નવલકથાનો અંત આવે છે.
ખૂબ જ આશ્ચર્યકારક કરુણતાસભર અંત આણીને લેખકે ખુશીની આશાને પણ જીવતી રાખવાનો પ્રયત્ન કર્યો છે. રામસંગનાં મૃત્યુની કરુણ વેળાની રાતે આવેલા ફોનના સમાચારે મેનીના આંસુઓમાં રહેલી ભાવપ્રગલ્ભતાના બે પાસા આપણને દ્રશ્યમાન થાય છે. સુંદર સંવાદકલા, પ્રસંગચિત્રણ, જીવંત પાત્રસૃષ્ટિ, કથામાંડણીનો ઘાટ, પ્રકૃતિચિત્રણ જેવાં અનેક ઘટકતત્વોની ભભકદાર છાંયમાં સર્જાયેલી આ નવલકૃતિ ખરેખર આહલાદક અનુભવ કરાવે છે.

 

ડૉ. શીતલ બી. પ્રજાપતિ
૯૨૬/૨, સેક્ટર-૭ સી,
ગાંધીનગર-૩૮૨૦૦૭
મો. ૯૬૬૨૫ ૨૭૫૯૬
ઇમેલ: shitu27584@yahoo.com

000000000

***