વાસ્તવાભિમુખ વાર્તાવિશ્વ : છેલ્લું ફરમાન

 

ઇવાડેવ ગુજરાતી સાહિત્યક્ષેત્રે જાણીતું નામ, તેમની પાસેથી ‘આગંતુક’, ‘તરંગિણીનું સ્વપ્ન’, ‘તહોમદાર’, ‘કાળરાક્ષસ’ વગેરે જેવા પાંચેક વાર્તાસંગ્રહો આ પહેલા મળી ચૂક્યા છે. જેમાં આ એક વધુ વાર્તાસંગ્રહ ‘છેલ્લું ફરમાન’ નામે મળ્યો છે. આ ઉપરાંત તેમની પાસેથી ‘ઇસુને ચરણે’, ‘પ્રેયસી’, ‘મિશ્રલોહી’ જેવી લધુનવલો પણ મળી છે. આ સંગ્રહની વાર્તાઓ આ પહેલાં કુમાર, અખંડઆનંદ, ચિત્રલેખા, પરબ વગેરે સામયિકોમાં પ્રગટ થઇ ચૂકી છે. ઇવાડેવની વાર્તાઓમાં જીવનના વિવિધ પ્રશ્નો કેન્દ્રમાં રહેલા જોવા મળે છે. જેમાં દામ્પત્યજીવન, સમાજ, કુટુંબ વગેરે જેવા પ્રશ્નો છે. આ વાર્તાસંગ્રહની કેટલીક વાર્તાઓમાં મધ્યમવર્ગના માનવીઓ, વર્તમાન સામાજિક પ્રશ્નો, ધાર્મિક-રાજકીય પ્રશ્નો તથા સ્ત્રીઓને લગતી સમસ્યાઓને વાર્તાઓમાં વણી લીધી છે. આ વાર્તાસંગ્રહમાં કુલ 23 વર્તાઓનો સમાવેશ થયેલો છે. જેમા ‘છેલ્લું ફરમાન’થી ‘નેણમાં નેહ હોય યે !’ ત્યાં સુધી વાર્તાપ્રવાહ વહેતો જાય છે. આ વાર્તાસંગ્રહમાં વાર્તાઓનાં શીર્ષકો વૈવિધ્યવાળા છે. તેમ વિષયવસ્તુ પણ વૈવિધ્યસભર છે.
‘છેલ્લું ફરમાન’ વાર્તામાં વાર્તાકાર ઇવાડેવની ભાષાશૈલી તથા સુંદર વર્ણનોથી વાર્તાને વેગ મળે છે. આ વાર્તામાં મધ્યમવર્ગીય શસાદ અને સલમાનની પ્રેમગોષ્ઠની આસપાસ આખીય વાર્તાનું ફલક વિસ્તરે છે. વાર્તામાં ગરીબીનું દારૂણ ચિત્ર રજૂ થયું છે. આ વાર્તાઓ દિલ્હીથી શરૂ થઇ બાંગ્લાદેશના ઢાકા શહેરનો એક નાના આંતરિયાળ ગામમાં પૂરી થાય છે. આ વૈશિવન્ક સંદર્ભ સર્જકે ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો છે. આ બે દેશના બે મહત્વના શહેરોના સંદર્ભો બે સંસ્કૃતિનો પરિચય આપે છે. આ વાર્તામાં વાર્તાગાયિકા શમશાદની અત્યંત દયનીય સ્થિતિ સમગ્ર નારી જાતિની સામાજિક નિખાલસ-નિર્મળ અને બહાદુર છે. શમશાદના જીવન ઉપરથી પ્રેરણા લઇ સલમાન પણ હિંમત દાખવે છે. વાર્તાનાયક સલમાન અને વાર્તાનાયિકા શમશાદના જીવનનું છેલ્લું ફરમાન મોલવીજી કરે છે. એ ઘટના દ્વારા વાર્તાનો સુખદ અંત આવે છે. તે ઘટનાથી શીર્ષક યથાર્થ થાય છે.
‘દાદો કેમ ઊઠતો નથી’ એ વાર્તામાં વાર્તાકારે વિશિષ્ટ પ્રાદેશિક બોલીનો પ્રયોગ કર્યો છે. આ વાર્તામાં દાદાને અકસ્માત થાય છે. તે ઘટનાની આસપાસ કથાવસ્તુ ગૂંથાયું છે. આપણી શાસન વ્યવસ્થાનો કૂટ પ્રશ્ન અહીં પ્રસ્તુત થયો છે. કોઇપણ જગ્યાએ અકસ્માત થાય ત્યારે પહેલાં પોલીસ પંચનામું કરે છે. પછી તે ઘાયલ વ્યક્તિને દવાખાને ખસેડાય ચે. તે બાબત પર ધ્યાન દોર્યું છે. જે આપણા દેશની વ્યવસ્થાની નબળાઇઓ છતી કરતી વાર્તા છે. ‘ભાઇચારો’ એ વાર્તામાં ગુજરાતમાં થયેલ ગોધરા હત્યાકાંડ પછીનું જે વાતાવરણ ખડું થયું હતું તે આલેખાયું છે. નાના-મોટાં શહેરોમાં અજંપાભરી સ્થિતિ વર્ણાવાઇ છે. આ વાર્તામાં બે કોમના લોકો વચ્ચેનો પ્રેમ, આદર અને ભાઇચારો કેટલો છે તે અહીં જોવા મળે છે. આ ઉપરાંત આવી તનાવભરી સ્થિતિમાં પોલીસ કર્મચારીઓની ભૂમિકા પ્રસંશનીય બની રહે છે. આ વાર્તામાં સર્જકનો હેતુ દેશમાં જે ધાર્મિક વૈયમનસ્ય પ્રગટ્યું છે તે પ્રશ્નો ઇંગિત કરીને શાંતિ સ્થાપવાનો જણાય છે.
‘વેદિયો’ વાર્તામાં મધ્યમ વર્ગની મુસીબતોને કારણે નવપરિણિત યુગલનું જીવન ખંડિત થાય છે. આ વાર્તામાં નાયક વાદિયાની જેમ વર્તન કરે છે. માટે તેના લગ્નજીવનમાં તિરાડ પડી છે. વાર્તાનાયિકાનું પાત્ર આધુનિક નારીનું પ્રતિબિંબ ઝીલતું જણાય છે. વાર્તાનાયિક મુક્ત વિચારસરણી ધરાવે છે. સમગ્ર વાર્તાનું વિષયવસ્તુ વાર્તાનાયિકા ઘર છોડીને જાય છે. તેની આસપાસ વિસ્તાર પામે છે. આ વાર્તામાં પરંપરાગત અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ દેખાય છે. ‘ઘરની પ્રેમલીલા’ વાર્તામાં એક સ્ત્રીની લાચાર સ્થિતિનું બયાન છે. આ વાર્તામાં વડીલ ગૃહોમાં ચાલી રહેલા ટ્રસ્ટીઓની ઇજારાશાહી તરફ અંગૂલિનિર્દેશ થયો છે. સમાજમાં સેવાને નામે ચાલતા શોષણ તરફ આ વાર્તા આંગળી ચિંધે છે. ‘માબાપ અને બાળકો’ એ વાર્તામાં એક હર્યોભર્યો, પરિવાર વેરવિખેર થઇ ગયો છે. તેમાં કોણ જવાબદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેની દૂરી અને એકલતા તમને ક્યાં લઇ જાય છે તે અહીં નિર્દેશાય છે. એક પુરુષનો પરસ્ત્રી પ્રત્યેનો ભાવ સુખી દામ્પત્યજીવનમાં તિરાડ પાડી દે છે. આ વાર્તામાં વાસંતીની સહિષ્ણુતા અને અનુરાગની વાસ્તવથી દૂર ભાગવાની વૃત્તિ જણાય છે. આ દંપતિના બે બાળકો માતા-પિતા વચ્ચે પડેલી વૈચિરક ભૂમિકાની ખાઇને પુરવાનો પ્રયત્ન કરે છે. આ વાર્તાના વસ્તુ-વિકાસમાં પાંચમું ગૌણ પાત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. જેનાથી વાર્તાને વેગ મળે છે. આ વાર્તામાં દામ્પત્યજીવનનાં પ્રશ્નો સુંદર રીતે ગૂંથાયા છે.
એક વિલક્ષણ ક્ષણ એ વાર્તામાં વાર્તાનાયક તેમની ઓફિસની છોકરી કમલિનીનું આકર્ષણ અનુભવે છે. અને તેને વ્યક્ત પણ કરે છે. આ વાર્તામાં આજના આધુનિક સમયમાં સ્ત્રીઓની સાથે થતા આવા વ્યવહારોનો નિર્દેશ થયો છે. વાર્તાકારની અદભૂત વર્ણનશૈલી કાવ્યાત્મક રૂપમાં વર્ણવાઇ છે. આ વાર્તામાં નોકરી કરતી સ્ત્રીઓને પુરુષ વર્ગ તરફથી વેઠવા પડતાં શોષણનો નિર્દેશ થયો છે.
‘અનોખું તીર્થસ્થાન’ વાર્તામાં વાર્તાનાયક ચીનુ અને ઘેલછા છે. ચીનુને વિદેશ અભ્યાસ દરમ્યાન મિસ્ટર બાકરાથ બાકરાથના પરિવારના સભ્ય તરીકે રહેતો હતો તે સમયની યાદો તાજી થાય છે. વાર્તાનાયક ફરીથી વોશિંગ્ટન જાય છે ત્યારે સુધા પણ હોય છે. સુધાને લઇને મિસ્ટર બાકરાથના ઘરે જાય છે. મિસ્ટર બાકરોથના જીવનનો ખાલીપો આ દંપતિ દ્વારા આનંદમાં પરિણમે છે. વાર્તાનાયક જઇ ચડે છે અને તેમને નવો જ અનુભવો થાય છે. આ વાર્તામાં વાર્તાકારે મિસ્ટર બાકરોથ અને મિસિસ બાકરાથના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. તો સાથસાથ તેમના સંતાનોની વ્યક્તિગત લાક્ષણિક્તાઓનો પણ પરિચય થાય છે. જે આજે દુનિયામાં હયાત નથી. ‘ભાયડા ગણવા !’ એ વાર્તામાં સમાજમાં વ્યાપેલી દેરાણી-જેઠાણી વચ્ચેની રોજરોજની રામાયણ ઘર માટે કેવી મુસીબત છે અને આખી બાબત અંધશ્રદ્ધા તરફ કઇ રીતે જાય છે તેનું સુંદર નિરૂપણ થયેલું છે. લેખકે કુટુંબજીવનના પ્રશ્નો વણી લઇને અંધશ્રદ્ધાની તરફ સમસ્યા નિર્દેશ કર્યો છે. ‘એચ-વીઝાનું છટકું’ એ વાર્તામાં વાર્તાનાયિકા મંદાની દર્દભરી કહાની છે. આ વાર્તામાં મંદાના લગ્ન જીવનમાં પડેલી મુશ્કેલીઓ અને અમેરિકામાં લગ્નજીવન કઇ રીતે સુખેથી જીવી શકાય તે માટેના પ્રયત્નો જણાય છે. વીઝાની અટપટી વાતો અને અમેરિકાનું રોજિંદુ જીવન કેવું છે તે બાબત અહીં મંદાના મુખે ફ્લેશબેકમાં કહેવાયેલી વેદનાભરી કહાની છે. આ વાર્તામાં એક પત્ની પોતાના પતિને સુખી કરવા માટે કેટલી હદ સુધી સહન કરે છે. તે બાબત ધ્યાનાકર્ષણ છે. આ વાર્તામાં અમેરિકા તરફનું આંધળું આકર્ષણ ત્યાંના કલ્ચરના પ્રભાવથી કેટલીયે સ્ત્રીઓની જિંદગીમાં આવતી સમસ્યાઓ તરફ મંદાના પાત્રતી પ્રકાશ ફેંકાયો છે.
‘વનવગડાનો માણસ’ એ વાર્તામાં ઝીણાભાઇનું પાત્ર એના જીવન દરમ્યાન પોતાના નિખાલસ અને નિર્મળ સ્વભાવની છાપ છોડીને વનવગડાનો માણસ થઇને ચાલ્યો જાય છે. આ વાર્તામાં મધ્યમવર્ગ અને અશિક્ષિત સમાજની રૂઢિઓનાં દર્શન થાય છે. મધ્યમવર્ગીય સમાજ રૂઢિ અને પરંપરામાં પિસાઇને જીવે છે તે વાત રજૂ થાય છે.
‘નેણમાં નેહ હોય તો...!’ વાર્તામાં રાજેશ અને શીલાના લગ્નજીવમાં તેમની બાળકી વિભૂતિ મિલનના સેતુરૂપી બને છે. તેની વાત નાયક રાજેશે શીલા સાથે છૂટાછેડા લીધા છે. રાજેશ એકભીલ કન્યા નબી સાથે બીજા લગ્ન કરે છે. આ લગ્ન શીલા જુએ છે. ત્યારે તેને રાજેશને જે બીક હતી તે અહીં નજરે નથી પડતી. નબી રાજેશની વાત કરે છે અને કહે છે કે નેણમાં નેહ હોય એટલે ઘણું છે. આ વાક્યમાં ઘણું કહેવાઇ ગયું છે. આ વાર્તામાં શિક્ષિત અને અભણ વચ્ચેનો ભેદ દર્શાવાયો છે. નાયિકા શીલાના છૂટાછેડાનું કારણ રાજેશનું વર્તન અને તેનો ડર હતો. આ વાર્તામાં પણ દામ્પત્યજીવનની સમસ્યા નજરે પડે છે.
આમ, આ સંગ્રહની વાર્તાઓ જીવનની આસપાસ ગૂંથાયેલ છે. આ વાસ્તવ સાથે નિસ્બત ધરાવતી વાર્તાઓ છે. જેમાં કુટુંબ જીવન, સમાજજીવન, નારીજીવન, મધ્યમવર્ગીય પ્રશ્નો વગેરે વાર્તાનો ઘાટ પામીને સર્જક ઇવા ડેવની કલમે પ્રગટ્યો છે.

 

પ્રો. ભરત ઠાકોર,
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,
સુરત  
    

 

 

000000000

***