“ પના નામે નવલકથા: તરસ્યા મલકનો મેધ”

ગુજરાતી સાહિત્યસ્વરૂપોમાં જીવનચરિત્રનું ખેડાણ છેક નર્મદકાળથી થતું આવ્યું છે. ‘કવિચરિત્ર’ નામે મધ્યકાલીન કવિઓના આછેરા પરિચય સાથે શરૂઆત પણ નર્મદ જ કરે છે. ક્રમશ: આ સહિત્યસ્વરૂપમાં  સમયાંતરે અવનવી કૃતિઓ તો મળતી જ રહે છે. પણ,  શરૂઆત હતી એટલે સ્વરૂપગત કેટલીક મર્યાદાઓ શરૂઆતનાં કેટ્લાંક જીવનચરિત્રોમાં જોવા મળે છે. મૂળે પચ્મિમાંથી આવેલું સાહિત્યસ્વરૂપ એટલે પચ્મિમમાં લખાયેલાં કેટલાંક ઉત્તમ જીવનચરિત્રોના સંસર્ગમાં આવ્યા પછી જ આ  સહિત્યસ્વરૂપ પ્રત્યેની સ્વરૂપગત સભાનતા વધતી ચાલી ને; ગુજરાતીમાં પણ ઉત્તમ કહીં શકાય એ પ્રકારનાં જીવનચરિત્રો મળવાં લાગ્યાં. નર્મદથી આરંભાયેલો આ પ્રવાહ ઉત્તરોત્તર અવનવાં જીવનચરિત્રોસાથે આગળ વધે છે. ને, ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’, ‘બાપા વિષે’, ‘બરફમાં જ્વાળામુખી’ ઇ. ઉત્તમ પ્રકારનાં જીવનચરિત્રો આપે છે. આ પ્રવાહમાં  મણિલાલ હ. પટેલ ઉત્તમ કહીં શકાય એવું જીવનચરિત્ર, પન્નાલાલ પટેલને ચરિત્રનાયક તરીકે આલેખી ‘તરસ્યા મલકનો મેઘ’ નામે ઉમેરે છે. ગુજરાતી ચરિત્રસાહિત્યમાં સીમાચિહ્ન કહી શકાય એવી કૃતિ મળે એ વાતનો આનંદ ઓછો કંઇ રીતે હોઇ શકે?
ગુજરાતી જીવનકથાઓમાં નોંખી ભાત પાડતી આ કૃતિ પન્નાલાલ પટેલને ચરિત્રનાયક તરીકે આલેખે છે એતો ખરું જ, પણ સાથે સાથે મણિલાલનું લલિત ગદ્ય પણ  જીવનકથાને જીવંત, કહો કે સરાહનીય બનાવે છે. પન્નલાલ પટેલની જીવનકથા નહીં! પણ, પન્નાલાલ નામે નવલકથા હોય એમ જ લાગે. ને એટલે જ સ્તો ધીરૂભાઇ પ્રસ્તાવનામાં ‘ નવલકથાનો આસ્વાદ કરાવતી જીવનકથા’ કહીંને પોંખે  છે.
મણિલાલ મૂળે તો કવિ. પરંતુ વાર્તા, નવલકથા, નિબંધ, અને ચરિત્રસહિત્યમાં પણ માતબર કહીં શકાય એ પ્રકારનું કામ કર્યું છે. જીવનકથા સંદર્ભે તો ‘જીવનકથા’ નામે જીવનકથાની સંજ્ઞા, વ્યાખ્યા, વિચારોને વ્યક્ત કરતું સંશોધનાત્મક પુસ્તક પણ આપ્યું છે. શોધ, સત્ય, વિવેક અને વર્ણન એ શિષ્ટમાન્ય ધોરણોને નજર સમક્ષ રાખીને લખાયેલી આ કૃતિ ચરિત્રકાર અને ચરિત્રનાયકની મુઠ્ઠેરી ઊંચી કરી જાય છે એમાં બે મત નહીં. બાળપણમાં પના નામે ઓળખાતા પન્નાલાલ પટેલના સમગ્ર જીવન ઝાંખી અહિ આલેખાઇ છે.
જીવનકથાની શુરૂઆતમાં જ પન્નાલાલ પટેલના ગામ માંડલીની વાત કરતાં કેવું નિરાળું ગદ્ય આપે છે જૂઓ: “....ગુજરાત સરહદે ઊભેલું છેલ્લું ગામ તે માંડલી...ગામ એટલે ખરેખર તળમલકનું ગામ. ધોળા પથરળી ટેકરીઓ, વાંકીટેઢી વાટ. સાપ-ચાલે ચાલતી સીમવગડાની કેટીઓ. વ્હોળાં-વાંઘાં જીવતાં વચ્ચે વચ્ચે  ઢોળવે ને મેદાને લાંબાટૂંકાં ખેતરો- ટેકરીએ બેઠેલું ગામ ટૂંટીયું વળી ને બેઠેલાં કૂતરાં જેવું.માંડ પંદરવીસ ઘર.....ઘરમાં અનાજની કોઠીઓ- માટીની.એમાં ઝાઝાં તમસ ને આછાં તેજ. પણિયારાં અને અંધારિયાં તથા ધુમાડે કાળાં કજળેલાં રાંધણિયાં.....ભીંતે ખાટલા ને ફળિયે ગાલ્લાં. ગામમાં ઝાડવાં ઓછાં, સીમ- વગડોય લગભગ વેરાન....હજીયે જાણે છપ્પનીયા કાળનો દૂકાળ ઊઠ્યો નથી....” (પૃ:1)  
સાથે સાથે આખાય પ્રકરણમાં લેખકે પન્નાલાલ પટેલ નિમિત્તે પટેલ જ્ઞાતિ અને એની સાથે સંકળાયેલી અન્ય કોમો- રજપૂત, વાળંદ, સૂથાર, વણકર, મોદી, પગી, ડામોર, ખાંટ,કટારા, બારીયા….ઇ. સોળે વર્ણની વાત ને આવરી લીધી છે. ઉપરાંત આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ/પરિવેશનો પણ સુપેરે પરિચય આપ્યો છે. જૂઓ, શું કહે છે! ‘…..કુદરતને આશ્રયે જીવતું ને વેઠવા સાથે મોજ કરતું....માંડલી ને પન્નાલાલનો આ મલક તે આવો નોખો.....’ (પૃ:04)
કૂલ્લે ત્રેવીસ પ્રકરણોમાં વિભાજિત આખીયે જીવનકથા “….. એક રીતે વખાના માળ્યા મનેખની વીતક કથા છે. તો બીજી રીતે જીવનનો ભરપૂર રસ માણનાર મોજીલા માણસની અસાધારણ અનુભવકથા જણાય છે....” (પ્રસ્તાવના-ધીરૂભાઇ ઠાકર)
ઇ.સ.1912 ના મે મહીનાની બારમી તારીખે હીરાબાની કૂખે જન્મેલો પના નામનો એક છોકરો, જીવનના વિવિધ રંગાનુભવોને સમયાંતરે સાહિત્યમાં ઢાળીને ગુજરાતી સાહિત્યને કેવા ઉત્તંગ શીખરે પહોંચાડે છે તેની જીવન-કથા અહીં આલેખાઇ છે. આ પનો એજ આપણા પન્નાલાલ પટેલ. પિતા ‘નાનશા’(નાનાલાલ ખુશાલદાસ)નું શિરછત્ર તો નાનપણમાં જ ગૂમાવેલું. પણ, નાનશાની વિદ્યાના સીધા સંસ્કાર જાણે કે પન્નાલાલમાં જ ઉતળ્યા હતા. હીરાબાના મુખે સાંભળેલી છપ્પનિયા દુકાળની વાતો ને માંડલી/રાજેસ્થાનમાં પ્રકૃતિ મેળાઓની સીધી અસર તેમના સાહિત્યમાં આલેખાયેલી જોવા મળે છે.
પન્નાલાલ પટેલનું બાળપણ ખટ-મીઠી વાતો ને અવનવા અનુભવોથી ભરેલું છે. સતત બાની આંગળી એ વળગેલા રહેતા પન્નાલાલને ‘બાવજી’ મેઘરજમાં ભણવા લઇ જાય છે. પ્રસંગોપાત ઇડરના રાજકુંવરે તેમના સુરિલા કંઠથી પ્રભાવિત થઇ ઇડરની છાત્રાલયમાં રહેવાની મફત સગવડ કરી આપેલી. ત્યાં ઉમાશંકરના સાનિદ્યમાં આવે છે. મેઘરજમાં ચાર ચોપડી સૂધીનો અભ્યાસ કરે છે. ‘બાવજી’ સાધુમાંથી સંસારી થતાં પન્નાલાલનો અભ્યાસ અંગ્રેજી ચોથા ધોરણથી અટકે છે. પરંતુ અનુભવ જગતની અમૂલ્યમૂડી એમના જીવનમાં સસત ઉમેરાતી રહે છે. એક વાત અહીં ચોક્કસ નોંધવી ઘટે કે જે ‘બાવજી’ પન્નાલાલને ભણવા લઇ જાય છે તે ‘….ભણવાનું તો ખૂદ બાવજી એ જ નંદવી આપ્યું હતું! ચોપડીઓ જેતે દાતાશેઠને પરત કરવાને બદલે બાવજીએ વેચી દઇને બેપાંચ રૂપિયા કમાણી કરી હતી. જેણે ભણતરની વાટ બતાડી હતી એણે જ એ વાટ આગળ વાડ કરી લીધી.....(પૃ:100) ને એનો વસવસો પન્નાલાલને આજીવન રહ્યો.  
ડુંગરપુર અને સાગવાડામાં જે વર્ષોમાં નોકરી મળે છે એ વર્ષોમાં, દુનિયાદારીની રીતરસમથી પૂરા વાકેફ બની જાય છે. ચરિત્રકાર કહે છે તેમ “...બધી રીતે વટલાઇ જાય છે...”(પ્રસ્તાવના) પરંતુ મહત્ત્વની વાત એ બની કે પન્નાલાલ ક્યારેય માણસાઇ છોડતા નથી. માણસ પ્રત્યેની અપાર લાગણી અને વેદના-સંવેદનાથી ઘુંટાતુ એમનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થતું રહે છે. ને આમ પણ “….નાનપણથી ગોરો વાન અને ગુલાબી ઝાંય ધરાવતું મુખ સૌને ગમી જાય તેવાં હતાં.....” ને એટલે જ સ્તો, “.....બાઇબા, રેવા, ઝમકુ જેવી યુવતીઓ તો તેને પ્રેમ કરીને નવરાવી મૂંઝવી નાખે છે....”(પૃ:પ્રસ્તાવના) મૂળે પન્નાલાલ પટેલનું અનુભવ સમૃદ્ધ જીવન તે પછીના દિવસોમાં તેમની વાર્તાઓ, નવલકથાઓ, ઇ.માં પ્રગટી આવે છે. જૂઓ: બાઇબા સાથેના પ્રેમની વાતનું આલેખન કરતાં લેખક કહે છે કે – ‘….બાઇબા બારોટ સાથે મન મળ્યાની વાત તો સાવ ઓર જ! તલોદ પાસેના એક ગામમાં યજ્ઞ- મેળાવડામાં આ સંગાથ આવી મળ્યો હતો. રેવા સાથેનો મનમેળ અને લાગનીઓનો નાતો પસીના વર્ષોમાં પનાલાલને બદલે છે. અંદરથી બદલે છે. પ્રેમ માણસને ઘડે છે. – એનું રૂપાંતર કરે છે...એ બધુ થયું – બંને વખતે થયું. પણ બાઇબા સથેની એમની પ્રીત તો અનોખી બની રહે છે....(પૃ:57) ને આ બાઇબા સાથેનો તેમનો પ્રેમ પછીથી ‘મળેલા જીવ’માં જીવી બનીને પ્રગટે છે. ‘વળામણા’માં ઝમકુ, ‘માનવીની ભવાઇ’માંની રાજુ અને ‘સાચાં સમણાં’ની મણી જેવાં પાત્રો પણ પન્નાલાલના નીજી જીવનઅનુભવની જ છાપ છે. આ ઉપરાંત બાળપણમાં હીરાબાને મૂખે સાંભળેલી છપ્પનિયા દુકાળની વાતોનો કલાત્મક વિનિયોગ ‘માનવીની ભવાઇ’નું મુખ્ય થીમ બનીને આવે છે.
અવનવા અનુભવોને સહિત્યમાં ઉતારવાનો મનસુબો પનાલાલની નીજી મૂડી બની ને ભાવક સામે આવે અવતરતો જ રહે છે. ઇ.સ 1930થી અમદાવાદમાં કરકૂનની નૉકરી મળતાં અમદાવાદને પોતાનું કયમી નિવાસ્થાન બનાવે છે. 1940માં પહેલી જ લઘુનવલ ‘ વળામણાં’ના પ્રકાશ સાથે ધ્યાનપાત્ર નવલકથાકારોમાં સ્થાન મેળવે છે; ને 1941માં ‘મળેલાજીવ’ના પ્રકાશન સાથે જ એક લોકપ્રિય લેખક તરીકેની નામના મેળવી લે છે. ને પછી તો, તેમનું લેખનકાર્ય અવિરત ધારા બનીને વહેતુ જ રહે છે. ‘ભીરુ સાથી’, ‘ સુરભી’, ‘યૌવન’ જેવી નવલકથાઓ વાર્તાઓની સાથે સાથે ઇ. સ 1947માં પ્રસિદ્ધ નવલકથા ‘માનવીની ભવાઇ’ આપે છે. જેને ઇ.સ 1985માં સહિત્ય્નો સર્વોચ્ચ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ પ્રાપ્ત થાય છે. ગુજરાતી સહિત્યને વિશ્વ સાહિત્યના પટ પર પથરાવે છે. આ સમય દરમિયાન ક્ષયનો રોગ લાગુ પડતાં સારવાર અર્થે પંચગની જાય છે. તબીયતમાં સુધારો થતાં પોંડિચેરી શ્રી અરવિંદના આશ્રમમાં નિવાસ કરે છે. આ સમય દરમિયાન સાહિત્યની સાધના તો અવીરત ચાલુ જ રહે છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં માતબર કહી શકાય એ પ્રકારનું  ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યને ઉત્તંગ શિખરે પહોંચાડે છે. સાહિત્યનો આ સિતારો ચરિત્રકા નોંધે છે તેમ “… 6-4-1989ના રોજ પન્નાલાલ પટેલનું અવસાન થયું. તરસ્યા મલકનો આ મેઘ આપણી તરસ છિપાવવા આજે પણ આપની વરસતો રહે છે...” (પૃ:167)
સમગ્રતયે આ જીવનકથા પન્નાલલા પટેલના વ્યક્તિત્વનો સમગ્ર પરિચય કરાવી જાય છે. સાથે સાથે ગુજરાતી જીવનચરિત્ર સાહિત્યસ્વરૂપમાં એક આગવી છાપ મૂકી જાય છે. જીવનકથા લખવાની એક આગવી છટા મણિલાલના ગદ્યમાં નૉંખી તરી આવે છે. જીવનકથાનું તળપદુ ગદ્ય, સચોટ સંવાદ અને ચિત્રાત્મક વર્ણનો  ભાવકને નવકલકથા વાંચનનીની જેમજ જીવનકથામાં પણ પકડી રાખે છે. છેલ્લે ધીરૂભાઇના શબ્દોમાં જોઇએ તો .”...તેમની જીવનકથા તેમની કથાપરંપરાના એક મર્મી અભ્યાસી ને અનુગામી કથાસર્જક પાસેથી મળે છે તે સુભગ સંજોગ છે.”


ડૉ. દશરથ સો. પટેલ
આદર્શ આટર્સ અને કૉમર્સ કૉલેજ, ધાનેરા
તા: ધાનેરા, જિ: બનાસકાંઠા
મો:9428255911, ઇ-મેઇલ: dspatel282@gmail.com

000000000

***