સ્વાતંત્ર્યોત્તોર યુગનું નારીલિખિત પ્રવાસ સાહિત્ય

 

ત્રિવેણીબહેન મોદી ‘યાત્રાનો ચમત્કાર’ (૧૯૮૦)
શ્રી ત્રિવેણીબહેન મોદી પાસેથી ‘યાત્રાનો ચમત્કાર’માં તેમણે કરેલી બદરીકેદારની યાત્રાનું વર્ણન કર્યું છે. લેખિકાએ યાત્રા કર્યા પછી અઢી દાયકા બાદ આ પ્રવાસ પુસ્તક તરીકે બહાર પાડે છે. પ્રવાસ દરમિયાન તેમની સાથે ‘ગીતા’ હતી. એટલે પ્રવાસની સાથે સાથે ‘ગીતા’નો ધર્મ આપણને સમજાવતા ગયા છે. રસ્તે આવતા સ્થળોનું વર્ણન કરે છે.તે સાથે ગીતાના કર્મફળ ત્યાગની વાત અચૂક કરી છે. ખાંડ-ગોળનાં આવરણથી જેમ કડવું ઓસડ પીવડાવવામાં આવે છે તેમ લેખિકાએ બદરીકેદારનાથનાં મહિમાનું ઓઠું લઈને ‘ગીતા’ની કર્મફળત્યાગની વાત, ગાંધીજીની અહિંસા, વિશ્વકુટુંબની ભાવના વગેરેનું દ્રાવણ કરીને મૂકી આપી છે.
‘ગીતા’ના કર્મફળત્યાગનો મહિમા ખૂબ જ ગાયો છે. અને આજના સંદર્ભે તે કેવી રીતે ઉપયોગી બની શકે તેની વાત તેમણે પ્રસ્તાવનામાં નોંધી છે, ‘આ યુગમાં કર્મફળ ત્યાગનું અર્થઘટન થાય છે. પૂર્ણ રાષ્ટ્રીયકરણ, પૂર્ણ રાષ્ટ્રીયકરણમાં માનવસેવા સહિત સર્વસ્વનું રાષ્ટ્રીયકરણ થાય છે. સર્વએ પોતાના માથે આવતી સેવા રાષ્ટ્રને અર્પણ કરવાની રહેશે. રાષ્ટ્રે પૂર્ણ રાષ્ટ્રીયકરણને કાનૂનથી અપનાવવાનું  રહેશે.’ ૧ યુદ્ધથી જીવન જે ક્ષણભંગુર થતું જાય છે, એકબીજા જે આપણે દૂર થતાં જઈએ છીએ તેની વાત તેઓ ગીતાની રાજવિદ્યા દ્વારા આપણને શીખવે છે. તેઓ કહે છે, ‘આપણે યુદ્ધ શા માટે કરીએ છીએ ? માનવ સંહાર કરવાનું શું કારણ ? જે જોઈએ તે ઈશ્વરે અખૂટ આપ્યું છે. કાળની દૃષ્ટિએ માનવજીવન ક્ષણિક છે. આ ક્ષણિક જીવનયાત્રા શાંતિથી ચલાવવી ઘટે. યુનો જેવી વિશ્વ સંસ્થા માનવહકની શોધ કરી રહેલ છે. તેમણે ગીતાની રાજવિદ્યા અપનાવી વસુધૈવ કુટુમ્બકમ્‌નો નાદ ગજાવવો જોઈએ, તે જ જગત પર શાંતિ લાવશે.’ર
બદરીકેદારનાથ યાત્રાના ઘણા પુસ્તકો મળે છે. પરંતુ લેખિકાએ આ વર્ણનમાં સાથે ગીતાનો રસ ઘોળી જુદી ભાત પાડી છે. પ્રવાસ વર્ણનની સાથે આવતા ગીતાના વર્ણન ખૂંચતા નથી.
કથાનો પ્રવાહ અટકતો નથી પણ કથામાં નવો પ્રાણ રેડાય છે. હિમાલય સાથે સંકળાયેલી કેટલી કથાઓ, મહાભારત સાથે સંકળાયેલી કથાઓ રસપ્રદ રીતે આલેખી છે. અલકનંદા, ભાગીરથી વગેરે નદીઓના વર્ણનો, પહાડી રસ્તાઓ, ઊંડી ખીણો, બરફથી આચ્છાદિત પહાડો અને તેમને જે લોકો મળ્યાં તેમની સાથે કરેલી ગોષ્ઠી વગેરેના વર્ણન રસપ્રદ રીતે કર્યા છે. તેમને થયેલા અનુભવો પણ તેમણે નિખાલસપણે આપ્યા છે.
નિર્મળ ભટ્ટ ‘શમણાં નંદનવનનાં’ (૧૯૬૭)
શ્રી નિર્મળાબહેને ભટ્ટે આફ્રિકાથી યુરોપનો જે પ્રવાસ ખેડ્યો તેનું યથાર્થ ચિત્ર ‘શમણાં નંદનવના’માં નિરૂપાયું છે. આમ તો નાનપણથી તેમને પ્રવાસ કરવાનો ખૂબ જ શોખ હતો. અને તેમની માતાને પણ એવી ઈચ્છા કે મારી દિકરી દુનિયા આખીની સફર કરે અને દુનિયાનાં જે રીત-ભાત છે તે જુએ. પણ આ તેમનું સ્વપ્ન જ રહી ગયું. જે પાછળથી નિર્મળા બહેનનાં પતિએ પૂરું કર્યું. આમ તો લેખિકા તેમની તબિયતના સુધારા માટે હવાફેર કરવાના બહાના તળે આ યુરોપના દેશોની રખડપટ્ટી આદરે છે. અને જે યુરોપમાં ચાર-પાંચ મહિના રહ્યાં તેના ફલશ્રુતિરૂપે આપણને આ પ્રવાસપુસ્તક મળે છે.
શ્રી નિર્મળાબહેન એક સાહિત્યકારની હેસિયતથી આ પ્રવાસનું વર્ણન કરે છે‘એફિલ ટાવર’ની મહાનતા કરતા ‘એફિલ’ની મહાનતા તેમણે વધારે ગાઈ છે. ઉપરાંત યુરોપનાં સર્જકો, ચિત્રકારોને તો તેઓએ દંડવત્‌ પ્રણામ કર્યા છે. એટલું જ નહિ પણ શક્ય બન્યું છે તો તે સર્જકનાં મ્યુઝિયમ કે ઘરોની મુલાકાત લીધી છે.
યુરોપના થોડા દેશોમાં તેઓ ઝાઝુ ફર્યા છે. ત્યાંની દરેક બાબતમાં તેઓ ઊંડી સૂઝ અને સૂક્ષ્મ નિરીક્ષણ કરી બારીકાઈથી ત્યાંની દરેક ચીજોને જોવા-મૂલવવાનો પ્રયત્ન કર્યો છે.
લેખિકાએ યુરોપને જોયું-જાણ્યું છે અને યુરોપથી અંજાઈ પણ ગયા છે. ત્યાંની ઘણી બધી એવી બાબતો છે જે આપણા સમાજમાં સ્વીકાર્ય નથી. એવી બાબતોનો ઉલ્લેખ નથી કર્યો. ઉલટાનું આપણી (ભારતીય) સંસ્કૃતિ અને સભ્યતા તેમને યુરોપની સંસ્કૃતિ અને સભ્યતા કરતાં ઉતરતી લાગે છે. જો કે તેમનાં (લેખિકાના) આફ્રિકાના નિવાસને કારણે તેઓ ભારતીય સંસ્કૃતિને પૂરી સમજી શકયા નહીં હોય.
શ્રી ભાનુશંકર ઓધવજી વ્યાસ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે “લેખિકાએ કરેલા આ પ્રવાસને હું કેવળ રાષ્ટ્રધર્મરૂપ જ નહિ, સાહિત્યધર્મ રૂપ પણ ગણું છું. આ પુસ્તક આ સમન્વિત ધર્મનું મિષ્ટ ફળ છે.”૩ તો શ્રી ડૉ.અરુણાબક્ષી નોંધે છે કે ‘લેખિકાએ લંડન અને તેના પરગણા યોર્કશાયરમાં નિરાંતે સફર કરી છે. ત્યાંના શિક્ષણધામો, કલાધામો, ઉદ્યોગ, વાહન-વ્યવહાર તેમજ પ્રજાની રહેણીકરણીનું તેમણે સૂક્ષ્મ નિરીક્ષણ-નિરૂપણ કર્યું છે. શેક્સપિયર, વડ્‌ર્ઝવર્થ, સ્કોટ, જેઈન ઑસ્ટીન વગેરે સાહિત્ય સ્વામીઓનાં સ્મૃતિધામોની તેમણે મુલાકાત લીધી છે તથા તેમને સદ્‌ભાવપૂર્વક અંજલિ આપી છે. તેમણે સ્કોટલેન્ડનું શાંત નિરાળું જીવન, પેરીસનું વિલાસી જીવન, માલ્ટાની સ્ત્રીઓની ઉત્સવપ્રિયતા વગેરેના પણ માહિતીલક્ષી વર્ણનો કર્યા છે. પરંતુ પરંપરિત વર્ણનરીતિને લઈ પુસ્તકમાં ઘણે સ્થળે નિરસતા અનુભવાય છે.’૪ છતાં પણ કહી શકાય કે વિદેશમાં રહીને વિદેશપ્રવાસ કર્યો અને જે પણ માહિતી કે અનુભવો તેમણે કર્યા તેનો ચિતાર માતૃભાષાની સેવા અર્થે પ્રવાસ પુસ્તક લખીને કર્યો છે.
પૂર્ણિમા પકવાસા, ‘જયશ્રી બદરીકેદારનાથ’ (૧૯પ૮)
શ્રી પૂર્ણિમાબહેન પકવાસા પાસેથી ‘જયશ્રી બદરીકેદારનાથ’ પ્રવાસ પુસ્તક મળે છે. તેમણે કરેલી બદરીકેદારનાથની યાત્રાનું વર્ણન આ પુસ્તકમાં કર્યું છે. આ ધામની યાત્રા કરનાર બીજા યાત્રીઓને વિશેષ ઉપયોગી તેવી માહિતી આ પુસ્તકમાંથી મળે છે. આ પુસ્તક ની પ્રસ્તાવના શ્રી કાકાસાહેબ કાલેલકરે ખુલ્લા હૃદયે હિમાલય પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને લખી આપી છે. આ પુસ્તક પહેલાં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયું હતું. પાછળથી સંકલિત કરીને પુસ્તકરૂપે લેખિકાએ લીધી છે. પરંતુ કયા પુસ્તકમાંથી લીધી તે પુસ્તકનું નામ તેમણે આપ્યું નથી. પરંતુ નિવેદનમાં તેમણે સ્વીકાર્યું છે.
શ્રી પૂર્ણિમાબહેને બદરીકેદારનાથની યાત્રા કરતાં પ્રવાસ કર્યો હોય તેવું લાગે છે. તેઓએ રસ્તો કેવી રીતે પસાર કર્યો, રસ્તામાં શું જમ્યા વગેરે માહિતી વધારે આપી છે. બદરીકેદારનાથ કરતાં અલકનંદા, મંદાકિની, ગંગા વગેરે નદીઓનો મહિમા વિશેષ દર્શાવ્યો છે. લેખિકાને સંગીતનો વધારે શોખ છે. ‘ઉત્તરાખંડ’ પ્રકરણમાં ત્યાંની પ્રજા અને આ પહાડી વિસ્તારમાં ચાલતી શાળાઓ, દવાખાનાઓ અને ત્યાં લોકોની કેવી પરિસ્થિતિ છે. તેનો ખ્યાલ આપ્યો છે. અને આગળના ભવિષ્યમાં આ લોકોની પરિસ્થિતિ સુધરે તેવી આશા વ્યક્ત કરી છે.
દરેક પ્રકરણની શરૂઆત પહેલાં કાવ્યપંક્તિથી કરી છે. જેમાંની કેટલીક તો જોડકણાં જેવી પણ છે. તો કયાંક ગદ્યને પદ્ય બનાવવા નો પુરુષાર્થ પણ નજરે ચડે છે. જો કે આ પંક્તિઓ તેમની નહીં બીજા કવિઓની તેમણે લીધી છે.
આ પુસ્તક વિશે ડૉ.અરુણા બક્ષી નોંધે છે કે, ‘પૂર્ણિમા પકવાસાએ બદરીકેદારનાથની યાત્રામાં હિમાલયની ભક્તિભાવપૂર્વક આરાધના કરી છે. ઈશ્વર ભક્તિ સાથે તેમણે ઈશ્વર નિર્મિત પ્રકૃતિનું પણ તેવાં જ ભાવથી દર્શન-નિરૂપણ કર્યું છે. મંદા અને અલકનંદા જેવી નદીઓના મદમસ્ત મિજાજનું તેમણે સખી ભાવે સુરેખ ચિત્ર આલેખ્યું છે. પરંતુ તેમાં નિરૂપિત પ્રવાસમાર્ગની ચટ્ટીઓ, મંદિરો, હિમાલયમાં વસતી પહાડી પ્રજા વગેરે અંગેની માહિતીપૂર્ણ વિગતો શુષ્ક લાગે છે.”પ
મંદા અને અલકનંદાનો મહિમા ગાવામાં જ બદરીકેદારનાથનો મહિમા ગાવો ચૂકી ગયા છે.કૃતિ આનંદલક્ષી બનતા માહિતીલક્ષી વધારે બની જતી હોય તેવું લાગે છે. કાકાસાહેબ અને સ્વામી આનંદ ગદ્યથી તેઓ આકર્ષાય છે અને લખવાનો પ્રયત્ન કરે છે છતાં તેમની અસર ઝીલી શક્યા નથી.
મંજુલા મહેતા, ‘નંદનવન કાશ્મીર’ (૧૯૬ર) ‘યુરોપની યાત્રાનો આનંદ’ (૧૯૭૩)
શ્રી મંજુલાબહેન મહેતાએ ભારત તેમજ વિદેશોમાં ખૂબ જ પ્રવાસો કર્યા છે. શ્રી કાકાસાહેબ કાલેલકર સાથે તેઓ ચીન પ્રવાસે ગયા હતા. તેમને પ્રવાસવર્ણન લખવાની પ્રેરણા કાકાસાહેબ પાસેથી મળે છે. કાકાસાહેબના કહેવાથી જ આ પ્રવાસવર્ણનના પુસ્તકો તેમણે લખ્યા છે. શ્રી મંજુલાબહેન પાસે જોવા-જાણવાની આગવી રીત છે. ઉજળું એટલું દૂધ એવું માનીને ચાલનારામાં તેઓ નથી.
આપણા દેશના લોકો વિદેશોમાં જાય છે અને પાછા આવી ત્યાંની મોટી મોટી વાતો કરી આપણો દેશ ગરીબ છે. અથવા તેઓ જે દેશમાં ગયા હોય તેની તુલનાએ આપણા આ દેશને ઉતરતો ગણાય હોય છે. પરંતુ લેખિકા એ બાબતે તટસ્થે રહ્યા છે.તેઓ પ્રદેશની મુલાકાત લીધી છે, મુલાકાત બાદ જે નજરમાં કેદ થયું છે તેમાં સારા-નરસાનો ભેદ પારખી બતાવ્યો છે. યુરોપનાં લોકોની જે સારી બાબતો છે તેનાં ભરપેટ વખાણ કર્યા છે તો સામે તેમની કુટેવો પર આકરી ટીકા પણ કરી છે. યુરોપમાં વૃદ્ધ લોકો ઉપર દયાભાવ છે પણ આપણે ત્યાં જે મમતા જોવા મળે છે તેવી મમતા યુરોપના લોકોમાં જોવા મળતી નથી. યુરોપના લોકો એકબીજાને ખુલ્લા હૃદયે જરૂર મળે છે, પણ તેમનામાં આત્મીયતા નથી. ત્યાં લોકો પૈસા કમાવવાની લાયમાં આખોય વખત ઓફિસ કે અન્ય કામકાજમાં વિંટાળાયેલા જ રહેતા હોય છે.હાડમારી ભર્યું તેમનું જીવન  છે. જાહેર ચુંબન કરવું એ તો ત્યાં સામાન્ય બાબત ગણવામાં આવે છે. તો ત્યાંની કેટલીક સારી બાબતો પણ સ્વીકારી છે. યુરોપમાં વિદ્યાર્થીઓ મોટેભાગે વેકેશનમાં કોઈપણ પ્રકારની નોકરી કરવા તૈયાર હોય છે અને પોતાનો અભ્યાસનો ખર્ચ જાતે જ ઉપાડતા હોય છે. જ્યારે એની સામે આપણે ત્યાં છોકરાનાં ભણતરની માંડીને લગ્ન સુધીની જવાબદારી તેના પિતાની હોય છે. યુરોપિયન લોકો કોઈપણ જાતના કામમાં નાનમ નથી અનુભવતાં. હોટલનાં વેઈટરથી શરૂ કરી પ્રવાસીઓનાં ગાઈડ તરીકેનું કામ કરવા તૈયાર હોય છે.
શ્રી મંજુલાબહેન યુરોપના બેલ્જિયમ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈટાલી, સ્વિઝરલેન્ડ, જર્મની, ઓસ્ટ્રિયા, પેરિસ, રોમ, સ્વીડન, નોર્વે, લંડન, એડિન્બરો, ગ્રેટબ્રિટન વગેરે દેશો-શહેરોની મુલાકાત લે છે. લગભગ યુરોપનાં ૧૪ જેટલા દેશોમાં પ્રવાસ કર્યો છે. યુરોપ જવાનો મુખ્ય આશય તેમની બહેનની સુવાવડમાં મદદ કરવાનો અને તે બહાને જોવાનો હેતુ હોય છે. અને તે ગાળામાં મળેલા ચાર મહિના તેઓ યુરોપમાં ફરે છે. યુરોપને આમ તો ઉભળક ઉભળક નજરે જુએ છે. છતાં વિશેષતા એ વાતની છે કે દરેક દેશનો પરિચય દેશ નામ આગળ વિશેષ લગાડીને કરે છે. ‘પ્રાચીન નગરી રોમ’, ‘સૌંદર્યભૂમિ સ્વિટ્‌ઝરલેન્ડ’, ‘કલાભૂમિ-ઈટાલી’, ‘સ્મોગ નગરી લંડન’ વગેરે.
દરેક દેશની વિશેષતાઓ અને મર્યાદાઓ પણ દર્શાવી છે. આ પ્રવાસ દરમિયાન તેમને થયેલા કડવા-મીઠા અનુભવો પણ એમણે આપ્યા છે. ઉપરાંત તે પ્રદેશના ફોટોગ્રાફ પણ આપ્યા છે. સફરમાં સાથે રહેલા રમેશભાઈના રમૂજી મિજાજનો પરચો બતાવ્યો છે.
ભાષા ઉપરનું તેમનું પ્રભુત્વ દેખાઈ આવે છે. બને તેટલા ઓછા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને પ્રવાસ વર્ણન કર્યું છે.
ડૉ.અરૂણાબક્ષી કહે છે કે, ‘લેખિકા પાસે સૂક્ષ્મ નિરીક્ષણવૃત્તિ અને સમજ છે. પરંતુ તેમના શૈલી-નિરૂપણમાં સળંગ એકસરખું સૌંદર્ય જાળવી રાખવાની ક્ષમતા નથી. પ્રસંગોપાત તેઓ દૃશ્ય, પરિસ્થિતિ, વ્યક્તિના સુંદર ચિત્રો આલેખી શકે છે, પરંતુ સમગ્ર કૃતિમાં તેવા ચિત્રો ઝાઝા મળતા નથી. પરિણામે તેમની કૃતિ સાદ્યંત સ-રસ બની શકી નથી.’૬
‘નંદનવન કાશ્મીર’માં કાશ્મીરના પ્રવાસનું વર્ણન કર્યું છે. કાશ્મીરના વિવિધ સ્થળો ગુલમર્ગ, પહલગામ, અમરનાથ યાત્રાનો માર્ગ વગેરેનો વર્ણનો કર્યા છે. જો કે તેઓ અમરનાથનાં દર્શન નહોતા કરી શકયા. કાશ્મીરના જે વિસ્તારમાં તેઓ ફર્યા છે તેની વિગતે પ્રચૂર માહિતી આપી છે. કાશ્મીર વિશેની પ્રચલિત વાતો તેમણે નોંધી છે. ડૉ.અરુણા બક્ષી કહે છે કે, ‘નંદનવન કાશ્મીર’માં કાશ્મીરના પ્રવાસનું નિરૂપણ થયેલું છે. તેમની પાસે કાશ્મીરનું સૌંદર્ય જોવા-માણવાની દૃષ્ટિ છે, પરંતુ તેનું આનંદપ્રદ નિરૂપણ તેઓ કરી શકયા નથી, તેની કૃતિ માહિતીલક્ષી અને શિથિલ બની છે.’૭
શ્રી મંજુલાબહેન પાસેથી બે પ્રવાસવર્ણનનાં પુસ્તકો મળે છે. તેમનામાં રહેલી પ્રવાસ લેખક તરીકેની એક છાપ ઊભી થાય છે. કયાંક વધુ પડતી વિગત આપવાના લોભમાં પડતાં અતિશયોક્તિમાં જતાં રહ્યા છે અને તેના કારણે કૃતિને બંધ શિથિલ બને છે. આમ છતાં તેમનામાં રહેલી વસ્તુને જોવા-પારખવાની શક્તિ અનન્ય છે. સારા-નરસાનો ભેદ પારખવામાં અને સાચુ બતાવવામાં તેઓ નિડર છે.
સૌ.મંજુલા વડગામા, ‘જોયું મેં યુરોપ’ (૧૯૬૬)
સૌ.મંજુલાબહેન વડગામ પાસેથી ‘જોયું મેં યુરોપ’ પ્રવાસ વર્ણનનું પુસ્તક મળે છે. આમ તો લેખિકા નાઈરોબીમાં રહે છે પણ મૂળે ગુજરાતી હોવાને કારણે અને ગુજરાત પ્રત્યેનો તેમનો અનન્ય પ્રેમ હોવાને લીધે નાઈરોબીથી યુરોપના જે વિવિધ દેશોના પ્રવાસ કર્યા તેની માહિતી ગુજરાતની પ્રજાને પુસ્તકરૂપે આપી છે. યુરોપનાં ફ્રેન્ચ, જર્મની, ગ્રેટબ્રિટન, સ્વિઝરલેન્ડ, સ્પેન, ઈટાલી, સ્કેન્ડીનેવિયા, હોલેન્ડ અને બેલ્જિયમ જેવા વિવિધ દેશોમાં આરામથી સહકુટુંબીજનો ફર્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ નિખાલસ અને સામાન્ય વ્યક્તિ બનીને પ્રવાસ કર્યો છે. સાથે સાથે એક ભારતીય અને તેમાંય ગુજરાતી હોવાને લીધે હંમેશા ગુજરાત અને ભારતની ગરિમાને ઓળંગ્યા વિના આપણો સંસ્કાર વારસો ટકાવી, આપણી સંસ્કૃતિનું જતન યુરોપના લોકો પણ કરે તેવા ભાવ અને લાગણી સાથે યુરોપમાં તેઓ ફર્યા છે. જો કે આવી કોઈ માહિતી તેમણે આપી નથી. પરંતુ પ્રવાસ દરમિયાન યુરોપનાં જે લોકો તેમને મળ્યાં છે, તેમની સાથે ગોષ્ઠી કરી છે અને તેમણે પહેરેલા પોશાકથી એ લોકો જે પ્રભાવિત થયા છે તેના દ્વારા અનુમાન કરી શકાય.
યુરોપના દેશો બીજા વિશ્વયુદ્ધ પછી કેવી રીતે જલદી પોતાના પર ઉપર ઊભા થયા અને પોતાના દેશને કેવી રીતે અન્ય દેશોની હરોળમાં મૂકી દેવો તેનો અથાગ પરિશ્રમ યુરોપિયન લોકો કરી રહ્યા છે. યુદ્ધનાં સમયે કેવું વાતાવરણ હતું અને તેમાં કેવી રીતે લોકોએ દિવસ પસાર કર્યા તે બધાનો ખ્યાલ આપ્યો છે.
યુરોપ વિશેની ઐતિહાસિક-સામાજિક બાબતો પણ વણી લીધી છે. ઈટાલી, જર્મની જેવા દેશ વિશેની માહિતી વધારે પ્રમાણમાં મળે છે. તો સ્વિઝરલેન્ડ, હોલેન્ડ, ગ્રેટ બ્રિટન જેવા દેશો વિશેની માહિતી પ્રમાણમાં ઓછી આપી છે.
પ્રવાસ દરમ્યાન વર્ણનો કર્યા છે. પણ કલ્પનાનો સહારો લઈ શકયા નથી અને કૃત્રિમ લાગે છે.‘એફિલ ટાવર’ ની ભૌમિતિક માહિતી આપે છે પણ તેનું વર્ણન કર્યું નથી. તેમની પાસેથી કોઈ નવીન માહિતી સાંપડતી નથી. સ્વિઝરલેન્ડમાં કેટલા મનોહર દૃશ્યો જુએ છે, ત્યાંની પ્રકૃતિનો તેઓ અનહદ આનંદ લૂંટે છે પણ તેટલો આનંદ વાચકને કરાવી શકતા નથી. નેપોલિયન, હિટલર જેવા ક્રાંતિકારોનું શબ્દચિત્ર પણ ઉપસાવી શક્યા નથી. બીજા વિશ્વયુદ્ધમાં રશિયા અને અમેરિકાએ ભેગા મળીને જે જર્મનીનું કચ્ચરઘાણ કરી નાખ્યું અને તેનાં બે ભાગ પાડ્યાં અને ત્યાંની પ્રજા કેટલાં દુઃખો સહન કરે છે અને કેવી રીતે અમેરિકન સૈનિક પાસે ભીખ માંગીને બ્રેડ-માંસ ખાધા છે વગેરેની વાત રજૂ કરે છે. પણ કરુણાંતિક જન્માવી શકયા નથી.
પ્રવાસ દરમિયાન તેમને થયેલા સારા-નરસા અનુભવો નિખાલસપણે આપ્યા છે. યુરોપની પ્રજાએ એમનું જે રીતે સ્વાગત કર્યું અને જે તેમને મદદ કરી તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે. સાથે સાથે ભારતીય અને યુરોપિયન પ્રજાની તુલના પણ કરી છે. સાથે સાથે ગાંધીજીની અહિંસા અને ‘ગીતા’ની કેટલીક વાતો તેમણે વણી લીધી છે. ડૉ.અરુણાબક્ષી નોંધે છે તેમ ‘પ્રવાસ પ્રદેશ, પ્રકૃતિ અને રોજિંદી દિનચર્યા વિશેના ચીલાચાલુ વર્ણનોમાં પ્રવાસનો અનુભવ થતો નથી.’૮ છતાં પણ ગુજરાતી સાહિત્યમાં યુરોપ વિશેની કેટલીક માહિતીસભર પ્રવાસ પુસ્તક મળે છે તેનો પણ આનંદ છે.

માલતી દલાલ, ‘ચાલો કેદારબદરીનાથ’
            માલતી દલાલ કૃત ‘ચાલો કેદારબદરીનાથ’ પુસ્તક ખૂબ જ મહેનત કરવા છતાં ઉપલબ્ધ થઈ શક્યું નથી તેનું દુઃખ અનુભવું છું. પરંતુ ડૉ.અરુણાબક્ષી કૃત ‘ગુજરાતી પ્રવાસ સાહિત્ય’માં આ પુસ્તક વિશે જે નોંધ મુકેલ છે તે નીચે નોંધું છું
‘ચાલો કેદારબદરીનાથ’ માં માલતી દલાલે બદરીનાથ અને કેદારનાથના પ્રવાસના અનુભવોનું વર્ણન કર્યું છે. લેખિકાએ તેમનાં બાળકોને પત્રરૂપમાં પ્રવાસની માહિતી આપી છે. તેમાં પ્રવાસની રૂઢ વિગતો અને વર્ણનની અનેકવિધતા વારંવાર નજરે પડે છે. અલબત્ત, તેમની ઈશ્વર પ્રત્યેની અવિચળ આસ્થા મુસીબતોમાં પણ ટકી રહે છે. બદરીનાથ અને કેદારનાથનાં દર્શનની તીવ્ર ઝંખનાના નિરૂપણમાં તેમની શ્રદ્ધા-ભક્તિનાં દર્શન થાય છે.
લાભુબહેન મહેતા, ‘રશિયા...રશિયા...રશિયા’
શ્રી લાભુબહેન મહેતા પાસેથી ‘પંદર દિવસનો પ્રવાસ’ અને ‘રશિયા..રશિયા..રશિયા’ એમ બે પ્રવાસ સંગ્રહો મળે છે. ‘પંદર દિવસનો પ્રવાસ’ એ ગાંધી યુગમાં પ્રકાશિત થયેલ હોવાથી તેની ચર્ચા અહીં કરેલ નથી.
‘રશિયા..રશિયા...રશિયા’સાદી-સરળ ભાષામાં લખાયું છે. લેખિકાએ રશિયામાં જેજોયું-જાણ્યું-માણ્યું-અનુભવ્યું તેની વિગતો આપી છે. રશિયા પ્રત્યેનો એમનો પ્રેમભાવ દેખાઈ આવે છે.રશિયાના લોકોમાં રહેલી પોતાના દેશ પ્રત્યેની ભાવના વર્ણવી છે. જેટલું લેખિકા રશિયાને પામ્યાં છે એટલું વાચકોને પમાડી શકયા નથી. રશિયા વિશેની ભરપૂર માહિતી આપી છે.તેઓ કોઈપણ સંસ્થાની મુલાકાતે ગયા હોય તો તે સંસ્થામાં કેટલા કર્મચારી, કેટલા ઓરડા, સંસ્થાનો વિસ્તાર, શાળા હોય તો તેમાં વિદ્યાર્થીઓ કેટલા, સંસ્થાના કર્મચારીઓ શું કામ અને કેવી રીતે કામ કરે છે વગેરે જેવી શુષ્ક માહિતી આપી છે.
લેનિનનું શબર જોયું હોય કે કીવમાં ગયા હોય, મોસ્કો હોય કે લેનિનગ્રાડ દરેકનાં અનુભવો તેમના પૂરતાં સિમિત જ રહ્યાં છે. વર્ણનો ખૂબ જ ઓછા કર્યા છે. લેખિકાનું માનવું છે કે ‘જેણે રશિયા નથી જોયું એણે જિંદગી નથી જોઈ’ પરંતુ રશિયા તેઓ એકલા જ જોઈ શક્યા છે. વાચકોને માત્ર રશિયા વિશેની માહિતી જ મળી શકી છે.
આપણને યુરોપ, અમેરિકા જેવા દેશોમાં જવાનો ઘણો શોખ છે. પણ રશિયા જેવા દેશમાં આપણે જઈએ તેવી એમની ભાવના જણાઈ આવે છે. લેનિન વગેરે જેવા સામ્યવાદીઓનાં વ્યક્તિચિત્રો ઉપસી આવ્યા છે. રશિયાની પ્રજામાં રહેલો તેમના દેશ માટેનો અનન્ય ભાવ આપણને શીખ આપે છે. રશિયાનો કોઈપણ વ્યક્તિ પોતાના દેશ માટે કંઈપણ કરી શકવાની હામ લઈને જ સવારે ઊઠતો હોય છે. દરેક વ્યક્તિને પોતાનાં દેશનાં નેતાઓ તથા દેશ પ્રત્યેની બધી જ માહિતી હોય છે અને બીજા સુધી પહોંચાડવાને પ્રયત્નશીલ પણ હોય છે.
લીના મંગળદાસ પરીખ ‘ચીન પ્રવાસ’ (૧૯૭૮)
શ્રી લીનાબહેન પાસેથી ‘ચીન પ્રવાસ’ અને ‘સ્થળચિત્રો’ એમ બે પ્રવાસસંગ્રહો મળે છે. પરંતુ ‘સ્થળચિત્રો’નું ગાંધીયુગમાં પ્રકાશન થયું હોવાને કારણે તેની ચર્ચા અહીં કરેલ નથી.
શ્રી લીનાબહેન ‘ઈન્ટરનેશનલ યુનિયન ઓફ ચાઈલ્ડ વેલ્ફેર’ના ઉપક્રમે જે કાર્યક્રમ યોજાયો તેમાં ભારત તરફથી તેઓ અને સાથે બીજા ત્રણ સભ્યો તેમાં ભાગ લેવા માટે ગયા હતા. લેખિકા ચીનના પાંચ શહેરોની મુલાકાત લે છે. તે સમયે ચીનની જે વર્તમાન પરિસ્થિતિ હતી. તેનો નિચોડ આપ્યો છે. જો કે આ પુસ્તક વાંચતા હોઈએ ત્યારે પ્રવાસ પુસ્તક વાંચીએ છીએ તેવો ભાવ જન્મતો નથી. માહિતીનો વધારો નિરાશા જન્માવે છે. ડૉ.અરુણ બક્ષી કહે છે, ‘ચીનનાં પાંચ શહેરોનું વર્ણન તથા ચીન વિશેની વિવિધ પ્રકારની શુષ્ક માહિતી રજૂ થયેલી છે. પ્રવાસકથાના રસનો તેમાં અભાવ જ વર્તાય છે.’૯ ચીનામાં લગ્ન વિશેના કેવા કાયદા છે. સ્ત્રી-પુરુષોનાં હક્કો કેવા છે વગેરે જેવી માહિતીલક્ષી વિગતો આપીને અટકી ગયા છે. આમ, ‘ચીન-પ્રવાસ’ પ્રવાસ પુસ્તક કરતાં માહિતીલક્ષી પુસ્તક વધારે હોય તેવું લાગે છે.
વર્ષા મહેતા, ‘અમેરિકાની અનુભવ યાત્રા
શ્રી વર્ષામહેતા કૃત ‘અમેરિકાની અનુભવયાત્રા’ અથાગ પ્રયત્ન છતાં મેળવી શકયો નથી તેનું દુઃખ છે.  છતાં ડૉ.અરુણા બક્ષીકૃત ‘ગુજરાતી પ્રવાસસાહિત્ય’માં જે નોંધ મળે છે તે નીચે મુકું છું:
“શ્રી વર્ષા મહેતાએ ‘અમેરિકાની અનુભવયાત્રા’માં અમેરિકાના પ્રવાસનું વર્ણન કર્યું છે. આંતરરાષ્ટ્રીય જીવન જીવવાના પ્રયોગરૂપે તેમણે અમેરિકામાં પંચાવન દિવસ વસવાટ કર્યો હતો. અમેરિકન કુટુંબજીવનના તેમના અનુભવોનું તથા ત્યાંના પ્રજાજીવનનું તેમણે વિગતવાર નિરૂપણ કર્યું છે. પરંતુ પરંપરાગત માહિતીલક્ષી શૈલી નિરૂપણને લઈ, કૃતિ સામાન્ય લાગે છે.’
વીમરતીબહેન ત્રિવેદી હિમાલય દર્શન
શ્રી વીરમતીબહેન ત્રિવેદી પાસેથી ‘હિમાલય દર્શન’ નામે પ્રવાસ પુસ્તક મળે છે. આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે લેખિકાનું અવસાન થયું હતું અને પાછળથી તેમના પતિશ્રી રમણભાઈ ત્રિવેદીએ આ પુસ્તક પ્રકાશિત કરાવ્યું હતું.
શ્રી વીરમતીબહેનમાં રહેલી ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનાં દર્શન થાય છે. હૃદયરોગની બિમારી હોવા છતાં બદરીકેદારનાથની યાત્રા કરવાનું સાહસ કરે છે. લેખિકાએ રામાયણ, મહાભારત, ભાગવતનો સઘન અભ્યાસ કરેલો છે, તેની ભાળ થઈ આવે છે. ‘હિમાલય દર્શન’માં પાંડવો, શિવ, વિષ્ણુ કે અન્ય દેવોની વાત કરી છે ત્યારે મહાભારત હોય કે પુરાણ હોય કે કોઈ પ્રચલિત દંતકથા હોય તે બધાનો ખ્યાલ આપણને જરૂર કરાવ્યો છે.
‘હિમાલય દર્શન’નું મંગલાચરણ અને અંત ભગવાન ગણેશ, સ્વામીનારાયણ, બદરીવિશાલ, કેદારનાથ, જલારામબાપા અને સદ્‌ગુરુદેવને વંદન કરીને કરેલ છે. આ પુસ્તકમાં તેઓ લખતા કરતાં વધારે બોલતા લાગે છે અને તેનું કારણ પણ એ છે કે આ પુસ્તક તેમણે બોલીને જ શ્રી વાકાણીભાઈ પાસે લખાવડાવ્યું હતું. જીવન-જગત વિશેનો ખૂબ જ ઊંડો ખ્યાલ, ધર્મ ઉપરની શ્રદ્ધા અડગ છે. એટલે જ તેઓ કહે છે, ‘પરમાત્મા એ મનુષ્યની વૃત્તિઓને બાંધવાનો ખીલો છે, મનુષ્ય ગમે તેવો ગુણી હોય, સ્વરૂપવાન હોય કે વિજ્ઞાનની ઘણી ડિગ્રીઓ પ્રાપ્ત કરેલો હોય, છતાં પણ કોઈ અદૃશ્ય શક્તિ તેની પાછળ કામ કરી રહી છે એટલી પણ શ્રદ્ધા જો તેનામાં ન હોય તો તે ભવાટવીમાં હરાયા ઢોરની માફક ફરે છે.’૧૦ ‘હિમાલય દર્શન’ આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે વાંચતા કરતાં વધારે લેખિકા સાથે પ્રવાસ કરતાં હોઈએ તેવો ભાસ થાય છે. જે વર્ણન આપ્યા છે તે એક પછી એક આપણી સામેથી પસાર થતાં હોય તેવું અચૂક લાગે છે.
જલારામબાપા ઉપરની શ્રદ્ધા અને બાપાનાં ચમત્કારનો પણ પરિચય કરાવ્યો છે. સૌભાગ્ય ચંદભાઈ અને તેનાં પતિ રમણભાઈના સ્વભાવનો પરિચય કરાવે છે. છતાં નોંધવું જોઈએ કે સ્થળની વિગતો વધારે પડતી આપવાની વર્ણનો શુષ્ક લાગે છે. ઉપરાંત તેઓ ત્યાં જઈને શું શું કર્યું, કયો કયો હવન કર્યો, કોનું શ્રાદ્ધ કર્યું, કયા કુંડમાં નાહ્યા, શું ભેટમાં આપ્યું વગેરે જેવી માહિતી કથારસને નિરસ બનાવે છે. છતાં એટલું તો કહી શકાય કે શ્રી વીરમતી બહેને જગત-જીવન બંનેને જાણ્યા અને માણ્યા છે.
શાંતાબહેન કવિ ‘કાશ્મીર’ (૧૯પ૪)
શાંતાબહેન કવિ પાસેથી ‘કાશ્મીર’ પ્રવાસ પુસ્તક મળે છે. કાશ્મીર વિશેની વિપુલ પ્રમાણમાં માહિતી તેમણે આપી છે. કાશ્મીરનું મહત્ત્વ, કાશ્મીરનો વૈભવ, કાશ્મીર સિવાય અન્ય સ્થળે પ્રકૃતિ દૃશ્યો કે તળાવો જોયા હોય તો તેની સરખામણી પણ કરી છે. કાશ્મીરના લોકોની ગરીબાઈનું વર્ણન પણ કર્યું છે.
બરફની ખીણોમાં ચિત્રાત્મક વર્ણનો આશ્ચર્યચક્તિ કરી દે તેવાં છે. લેખિકાએ જાનના જોખમે જે સાહસ કર્યું છે તેની નોંધ હૃદય કંપાવી દે તેવી છે. કાશ્મીર સાથે જોડાયેલી કેટલીક ઐતિહાસિક માહિતી પણ આપી છે. તો સાથે સાથે કેટલાક નામો કેવી રીતે પ્રચલિત બન્યા તેનો નિર્દેશ કર્યો છે.
તેમણે લીધેલ ફોટોગ્રાફ સૌની નજર ખેંચે તેવા છે. આ ફોટોગ્રાફ દ્વારા તેમનામાં રહેલી પ્રકૃતિને જોવા-જાણવાની રીતનો ખ્યાલ આવે છે. અન્ય કોઈપણ પ્રયુક્તિનો અજમાયશ કે લાભ લીધા વગર જ સાદી-સરળ ભાષામાં કામ પાડીને પણ હૃદયસ્પર્શી રીતે ભાષાને રજૂ કરી છે. ઉપરાંત માહિતી પુસ્તિકા નહીં પણ પ્રવાસ પુસ્તક લખી રહ્યા છે તેવી સભાનતા સાથે પુસ્તક લખાયું છે તે જણાઈ આવે છે.
સરોજિની નાણાવટી ‘શર્કરાદ્વીપ મોરિશિયસ અને બીજા ટાપુઓ’ (૧૯૬ર)
શ્રી સરોજિની નાણાવટીએ કાકાસાહેબ કાલેલકર સાથે કરેલા પ્રવાસનું આ વર્ણન છે. કાકાસાહેબના કહેવાથી મોરિશિયસ અને બીજા ટાપુઓનું વર્ણન કર્યું છે. આ પ્રવાસપુસ્તક કોઈ વિશેષ માહિતી સાંપડતી નથી. પ્રવાસ દરમિયાન કાકાસાહેબ કાલેલકરે જે સ્વજનોને પત્રો લખ્યા તેનું સંપાદન કર્યું છે અને બીજા થોડાં લેખો એવું કહીએ તો અતિશયોક્તિ ન ગણાય. કાકાસાહેબ લખેલા પત્રો, પ્રવાસ દરમિયાન કોની સાથે તેઓ મળ્યાં, કઈ વા તચીત થઈ, ત્યાંના લોકોએ કેવું સ્વાગત કર્યું આથી વિશેષ કોઈ માહિતી પુસ્તકમાં આપી નથી. લેખિકાનાં વર્ણનો કરતાં કાકાસાહેબના પત્રો સવિશેષ આકર્ષક લાગે છે.
ડૉ.અરુણાબક્ષી કહે છે ‘મોરિશિયસ, રીયુનિયન, માલગાસે વગેરે ટાપુઓના તેમણે કરેલા પ્રવાસનું નિરૂપણ કર્યું છે. પ્રવાસ દરમિયાન કાકાસાહેબે તેમના સંબંધીઓને લખેલા કેટલાંક પત્રોનું પણ આ પ્રવાસકથામાં સંકલન થયું છે. આ પત્રોમાંથી પ્રવાસ પ્રદેશમાં વસતા ભારતીયોની જીવનરીતિનો કેટલોક પરિચય પ્રાપ્ત થાય છે. લેખિકાએ પ્રવાસના પોતાના અનુભવોનું નિરૂપણ કરવાને બદલે કાકાસાહેબને ત્યાં કેવો આવકાર મળ્યો, કોને કોને તે મળ્યા, કયાં તેમણે ભાષણો કર્યા, ચર્ચાઓ કરી વગેરે બાબતોને વધુ મહત્ત્વ આપ્યું છે. લેખિકાની કાકાભક્તિનો તેમજ કાકાસાહેબના મહત્ત્વનો તેઓ ખ્યાલ આવે છે, પણ પ્રવાસભૂમિનો કે ત્યાં વસતા લોકોનો કશો પરિચય મળતો નથી.૧૧
ડૉ.સ્નેહલતા મહેતા, ‘જોયા વિધ વિધ દેશ’ (પુનર્મુદ્રણ-૧૯૭૯)
ડૉ.સ્નેહલતા મહેતા પાસેથી ‘જોયા વિધ વિધ દેશ’ પ્રવાસ પુસ્તક મળે છે. તેની પ્રથમ આવૃત્તિ ઈ.સ.૧૯૭પમાં પ્રકાશિત થઈ હતી. તેઓ બીજી વખત વિદેશનો પ્રવાસ ખેડે છે અને ફરી પુર્નમુદ્રિત કરી ઈ.સ.૧૯૭૯માં પ્રકાશિત કરે છે. ‘જોયા વિધ વિધ દેશ’ આ પુસ્તક ભાગ-૧ અને ર અને બંને ભાગ સંયુક્ત રીતે એવી રીતે પણ ઉપલબ્ધ છે. આ પુસ્તક પ્રથમ ‘મુંબઈ સમાચાર’માં સાપ્તાહિક રીતે પ્રકાશિત થયું હતું અને વાચકોમાં ખૂબ લોકપ્રિય બન્યું હતું એવું લેખિકાએ પ્રસ્તાવનામાં નોંધ્યું છે.
લેખિકાએ કરેલી દુનિયાની બીજી વખતની સફરની નોંધો આ પુસ્તકમાં મળે છે. સમગ્રપણે જોતાં તેમણે જે વિશ્વ જોયું અને જાણ્યું, કેવા કેવા અનુભવો થયાં, દરેક દેશની ખાસિયતો તેમણે નોંધી છે. લેખિકાએ ચચીનનાં લોકો પ્રત્યે અણગમો હોય તેવું લાગે છે. કારણ કે તેમણે તોછડેથી તેમનું વર્ણન ‘ચીનાઓ’ તરીકે કર્યું છે. દુનિયાનાં વિવિધ દેશોનો સંગમ આ પુસ્તકમાં તેમણે કર્યો છે. દરેક દેશમાં લેખિકાએ નવાં-નવાં અનુભવો થયા છે તેની નોંધ આપી છે. લેખિકાએ દરેક દેશ વિશેની માહિતી આપી છે. તે દેશની દિનચર્યા, વાહનવ્યવહાર, સ્ટેજ-શો, ધાર્મિક સગવડો, વર્તમાનપત્રો, વસંતનું આગમન જેવાં નાના-નાના મુદ્દા પાડીને કેટલાંક વર્ણનો કર્યા છે.
લેખિકા જે દેશમા ગયાં અને ત્યાંકોને મળ્યા, તે દેશમાં કેવી વ્યવસ્થા છે, તે દેશ કેવો છે, જેવી માહિતી સવિશેષ આપી છે. પરંતુ તે દેશ વિશેનો એથી વિશેષ પરિચય આપણને થતો નથી. જેતે દેશની વ્યવસ્થાનો અભ્યાસ કરવા લેખિકા નીકળ્યા હોય તેવું દેખાઈ આવે છે. વર્ણનો પ્રમાણમાં ખૂબ જ ઓછા આપ્યાં છે. લેખિકાની દૃષ્ટિ આ પ્રવાસ પુસ્તક દ્વારા દુનિયાનાં વિવિધ દેશોની જેપરિસ્થિતિ છે તેનો આપણને ખ્યાલ કરાવવાની હોય તેમ લાગે છે. ભારતનાં યુવાનો જે વિદેશમાં ભણવા જાય છે અને પછી ત્યાંના વાતાવરણમાં એવા તો રંગાઈ જાય છે કે આપણને તેમની સ્થિતિ જોતાંય શરમ આવે. તો હિપ્પીઓ કે અન્ય જાતિનાં લોકોમાં જે શારીરિક સંબંધો બાંધવામાં મનમાની છે, ગમે તો જ વ્યક્તિ સાથે લગ્ન કરવાં અને એ વ્યક્તિ ન ગમે એટલે બીજો શોધી તેને છૂટાછેડા આપી દેવાનું વધતું જતું પ્રમાણ વગરે બદીઓ ઉપર તેમણે ધ્યાન દોર્યું છે.
ડૉ.અરુણા બક્ષી નોંધે છે કે , ‘સ્નેહલતા મહેતા કૃત ‘જોયા વિધ વિધ દેશ’ નામનાં પુસ્તકમાં દુનિયાના વિવિધ દેશોની સફરનું નિરૂપણ થયેલું છે. સ્નેહલતા મહેતાએ બેંગકોંગ, હોંગકોંગ, જાપાન, હવાઈ ટાપુઓ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપના કેટલાંક સ્થળોનો તેમજ આફ્રિકાનો પ્રવાસ કર્યો છે. લેખિકા એકલાં અટૂલાં દુનિયાની સફરે નીકળી પડયાં હતાં. એટલી સ્ત્રી તરીકે તેમને અનેક સારા-માઠા અનુભવો થયાં હતાં. તેમણે આવા અનુભવો ઉપરાંત પ્રવાસ પ્રદેશ અને જનજીવનનું વિગતે વર્ણન કર્યું છે. લેખિકા પાસે અનુભવોની સમૃદ્ધિ છે, પરંતુ તેમની વર્ણનકલામાં રસિકતા જેવું ખાસ કંઈ મળતું નથી. પ્રવાસકથાને રસિક બનાવવા માટે તેમણે સાયાસ કેટલાક પ્રસંગોનું તેમાં નિરૂપણ કર્યું છે, જેમ કે અમેરિકામાં તેમને થયેલા હિપ્પીઓના અનુભવોનું વર્ણન, પરંતુ તેમાં તેમના આયાસ અને સભાનતા પ્રગટ થઈ જાય છે. તેમ છતાં, દક્ષિણ અમેરિકા વિ શેની કેટલીક માહિતી સૌપ્રથમ ‘જોયા વિધ વિધ દેશ’ પુસ્તકમાંથી પ્રાપ્ત થતી હોવાથી તે ઉલ્લેખનીય છે.૧ર આ પ્રવાસ વિશે લેખિકા કહે છે કે, ‘જીવનમાં આવી પડેલા અનિવાર્ય વિષાદને દૂર કરવા મેં આ પ્રવાસનું આયોજન કર્યું હતું એ હેતુ સફળ થયો. જીવનમાં જ્યારે જ્યારે હતાશા પ્રગટે, કંટાળો ઓ કે વિશાદ આવી ચડે ત્યારે પ્રવાસ જેવો ઉત્તમ કોઈ ઈલાજ નથી.૧૩

સંદર્ભ :
૧. યાત્રાનો ચમત્કાર, ત્રિવેણીબહેન મોદી, પૃ.૬
ર. એજન, પૃ.૮
૩. શમણાં નંદનવનનાં, નિર્મળાબહેન ભટ્ટ, પૃ.૧૪
૪. ગુજરાતી પ્રવાસ સાહિત્ય, ડૉ.અરુણાબક્ષી, પૃ.૩૦૬
પ. ગુજરાતી પ્રવાસ સાહિત્ય, ડૉ.અરુણાબક્ષી, પૃ.ર૯૭
૬. ગુજરાતી પ્રવાસ સાહિત્ય, ડૉ.અરુણાબક્ષી, પૃ.ર૮ર
૭. એજન, પૃ.ર૮ર
૮. એજન, પસ.૩૦૬
૯. એજન, પૃ.રપર
૧૦. હિમાલય દર્શન, વીરમતીબહેન ત્રિવેદી, પૃ.૩,૪
૧૧. ગુજરાતી પ્રવાસ સાહિત્ય, ડૉ.અરુણાબક્ષી, પૃ.૩૧૦
૧ર. એજન, પૃ.૩૦ર
૧૩. જોયા વિધ વિધ દેશ, ડૉ.સ્નેહલતા મહેતા ,પૃ.૩ર૦

પ્રા. દેવજી સોલંકી
મુ : ધામા તા : પાટડી
જિ : સુરેન્દ્રનગર, પીન ૩૮૨૭૫૫
ફોન : ૯૪૨૯૫૧૧૫૬૪

000000000

***