લોકકથાના સંશોધન-સંપાદન ક્ષેત્રે મેઘાણીનું યુગકર્મ

 

રાષ્ટ્રીય શાયર તરીકે પોંખાયેલા ઝવેરચંદ મેઘાણી માનવતાના મરમી અને માણસુડા, હૈયાઉકલત ધરાવતા અને પરખંદા સાહિત્યકાર હતા. કવિતા-નવલકથા આદિ સર્જનાત્મક સ્વરૂપોમાં એમણે નોંધપાત્ર અર્પણ કર્યું છે, પરંતુ એમનું વિશેષ મૂલ્યવાન અને યુગકાર્ય ગણાય એવું અર્પણ કંઠ્ય પરંપરા અને લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે રહ્યું છું. ઇ.સ. 1928માં એમને આ મહત્કાર્ય માટે જ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.
ઈ.સ. 1923માં પ્રકાશિત થયેલ સૌરાષ્ટ્રની રસધાર-ના પ્રથમ ભાગના નિવેદનમાં આરંભે જ મેઘાણી લોકકથાઓના સંપાદન માટે ઉપાડેલા મિશન અંગે કેફિયત આપે છેઃ “મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિઃશ્વાસ નાંખેલો કે કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં કવિઓને પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીર જવું પડે છે !?
એવું આકરું મેણું પામેલા આ કાઠિયાવાડની આ સૌરાષ્ટ્રની પૂરી તો નહિ, પણ બની તેટલી પિછાણ આપવાનો રસધારનો અભિલાષ છે.”

પછી તો પ્રચંડ ખેવના અને અનેરું કૌવત અંકે કરી સોરઠની તળભૂમિમાં, ગામડે-ગામડે ઘૂમી વળી ચારણો, બારોટો, ભરવાડો, ભરથરીઓ, ભજનિકો, રાવણહથ્થાવાળાઓ, દાદીમાઓની પાસે બેસીને ભાતીગળ લોકકથાઓ-લોકગીતોનો સમૃદ્ધ ખજાનો ઊઘાડી બતાડ્યો. ‘કાંટિયાવરણ’ જેવા કલંકથી ઓળખાતી પ્રજાના સુષુપ્ત સંસ્કારો, બલિદાન, પ્રેમ-શૌર્ય, દિલાવરીની બુલંદ ભાવનાઓ તથા યાતનાઓની ચેતનવંતી ભાતીગળ કથાસૃષ્ટિને શબ્દદેહે અવતારી આપી. મેઘાણી પૂર્વે કંઠસ્થ પરંપરા અને લોકસાહિત્ય ક્ષેત્રે આછુંપાતળું કામ થતું રહ્યું નોંધ્યું છે, પરંતુ લોકવાણીનાં તેજ અને તાકાતની અસલી પિછાણ મેઘાણી એ જ કરાવી. જયમલ્લ પરમાર નોંધે છેઃ
“લોકવાણીના પુરોગામી સંગ્રાહકોમાં અને મેઘાણીમાં ફેર ત્યાં પડ્યો કે, મેઘાણી પહેલાં લોકવાણી લોકસાહિત્યનું સ્વરૂપ નહીં પામેલ. મેઘાણીએ જ લોકવાણી પાછળ રહેલાં જીવનબળ અને સંસ્કારબળોની પિછાન કરાવી અને શિષ્ટ સાહિત્યને ઉપકારક એવાં લોકવાણીનાં તેજ અને તાકાત પ્રગટાવ્યાં. એનાં મૂલ્યાંકનો આંકીને લોકવાણીના સંશોધન, સર્જન અને વિવેચન વડે લોકસાહિત્યનું સ્વરૂપ આપ્યું.”

(2)

‘સૌરાષ્ટ્રની રસધાર’-ના પાંચ ભાગ ઉપરાંત ‘ડોશીમાની વાતો’, ‘દાદાજીની વાતો’, ‘કંકાવટી-1-2’, ‘સોરઠી બહારવટિયા’, ‘સોરઠી સંતો’, ‘રંગ છે બારોટ’, ‘પુરાતન જ્યોત’- વગેરેમાં સંપાદિત લોકકથાઓમાં કાઠિયાવાડની વિધ વિધ જાતિઓના ધીંગા અને ભાતીગળ લોકસંસ્કારો, લોકમાન્યતાઓ, રૂઢિ-પરંપરાઓ, ટેક-વફાદારી, સાહસ-શહીદી, વતનપરસ્તી અને પ્રણયભાવના જેવાં પ્રાચીન સનાતન મૂલ્યો ઊઘડવા પામ્યાં છે. એની સાથે સાથે તત્કાલીન લોકમાનસમાં ઘર કરી ગયેલ કુરિવાજો, અંધશ્રદ્ધા, શંકા-કુશંકા, વેરભાવના, અનાસ્થા ઇત્યાદિ દૂરિતો પણ ગ્રામ ચેતનાના અંશરૂપે સહોપસ્થિત થતાં રહ્યાં છે. એ સૌનો સમવાય આ લોકકથાઓમાં આગવી રીતે ગુજરાતની અસ્મિતા અને ભારતીયતાનો યુગસંદર્ભ ઉપસાવી રહે છે.
સ્વાભાવિક છે કે આ લોકકથાઓમાં તત્કાલીન લોકજીવનનો સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ સાંગોપાયેલો છે. જનમાનસને સ્પર્શી જતી મૂળભૂત ભાવનાઓનાં રૂપોને એનાં સદ્-અસદ્ તત્ત્વો સમેત મેઘાણીએ સાચા સંશોધકની વૈજ્ઞાનિક ચોકસાઈ, સત્યનિષ્ઠા તેમજ તાટસ્થ્ય જાળવીને રજૂ કરવાની સજગતા રાખી છે. એકથી વધું પાઠાંતરો હોય કે ભિન્ન ભિન્ન માન્યતાઓ હોય, એ અંગે જે તે સંદર્ભે ટિપ્પણ મૂકીને મૂળ કંઠસ્થ કથાની લગોલગ રહેવાનો એમનો અભિગમ પ્રશસ્ય બન્યો છે.
આ લોકકથાઓનો પ્રાણ એમાં રસાયેલું લોકતત્ત્વ છે. ‘લોક’-નો ધાતુગત અર્થ છે દેખવું, પરખવું. લોક સંજ્ઞામાં સદીઓથી ચાલ્યા આવતા માનવ-ચૈતન્ય પ્રવાહની સંકુલ અર્થચ્છાંયા પડેલી છે. ‘લોક’ એટલે વર્ગ વિશેષ સિવાયની સર્વદેશીય સમુહચેતના. આ લોકચેતનામાં વસ્તુસ્થિતિની આરપાર તીવ્ર અવગાહના કરી મૂળભૂત સત્ય પારખવાની અનુભવનિષ્ઠ દૃષ્ટિ, પરખશક્તિ અને મિજાજ રહેલાં છે. આથી જ લોકતત્ત્વનો પુદગલ (Nucleus) ધરાવતી લોકકથાઓ કોઈ પ્રાંતવિશેષની જ નહીં, સમષ્ટિગતની, સમગ્ર માનવ્યની કથાઓ બની રહી છે.
લોકકથાઓનું બીજું વ્યાવર્તક ઘટક એમાં યોજાયેલ લોકબોલીનું તત્ત્વ છે. બોલાતી ભાષાનું વાણીમય સ્વરૂપ એ લોકતત્ત્વને તાદૃશ્ય ઉજાગર કરી આપે છે. સમસ્ત સ્થળ-કાળમાં લોકકથાઓ અતિ લોકપ્રિય બની તેના મૂળમાં જીવાતા જીવનનો રણકાર ધરાવતી સજીવ લોકબોલી તેમજ ચેતનાના વિવિધ સંચરણનો લય પકડતી સર્જનાત્મક ભાષાની તરેહો છે. મેઘાણીએ આ લોકકથાઓમાં પ્રયોજાયેલ ભાષા એ ખરેખર તો રસાનુભવ સિદ્ધ કરવાની પ્રમુખ રચના-રીતિ છે. લોકકથાના નિયામક ઋત તરીકે એ પ્રગટ થઈ છે.

(3)

‘આઈ કામબાઈ’-નો ચારણ ઘરથી દૂર દેશાવરમાં ઘોડાની સોદાગરી કરવા ગયો છે. જુવાનજોધ કંકુવરણી ચારણી કામબાઈના રૂપને મોહી પડેલો નગરધણીજામ લાખો કામવિહ્વળ થઈ ધરાર મેઘો પડ્યો છે. જામના આદરમાન કરવા આદેશ થયો. ઢોલિયો ઢાળી બેસી પડેલ લાખાએ ફરમાન કર્યું.
‘ભાભી ! દેવતા લાવજો. હોકો ભરીએ.’
‘ભાભી’ શબ્દ સાંભળતાં તો ચારણીના માથામાં ચસકો પડ્યો. કોઈ કુહાડો લમણે જાણે પડ્યો. દેવતા દીધો. બીજીવાર ‘ભાભી’ કહી દૂધ માંગ્યું. કામબાઈની કાયા ધણેલી ઊઠી. ત્રીજી વાર ‘ભાભી’ કહી પાણી માંગ્યું. અને ચારણીને એ વેણ અંતરમાં ઠેઠ ઊતરી ગયું. ઢોલિયે બેઠેલ રાજાને રૂંવાડે રૂંવાડે કામ પ્રગટ થયો છે. વિકારના અંગારા બળે છે.
“લે બાપ ! તારે જોતું’તું ઈ બધું...!” અવાજ કરી સન્મુખ આવીને ચારણી ઊભી. કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા થરથર કંપે છે. “લે..! .લે..!.લે ઝટ..!”  એમ ફરી ત્રાડ પડી.
“શું..?” રાજા ચમકીને બોલ્યો.
“તારે જોતું તું ઈ બધું !” - કહીને કામબાઈએ થાળી ઉઘાડી.
“અરરર... આઈ...” લાખાનો સાદ ફાટી ગયો. થાળીમાં કાપેલા બે થાનેલા (સ્તન) દીઠાં. ઘર ભૂલેલા, શિયાંવિયાં થઈને હાથ જોડતા રાજાને ચારણીએ સંભળાવ્યું.
હું ભેણી ને તું ભા. સગા...!  આદુનો સંબંધ.
કવચન કાછેલા !  કિયે અવગણે કાઢિયું !
(હે રાજા ચારણી એટલે બહેન:  ને તું ક્ષત્રિય એટલે ભાઇ. ચારણ-રાજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ. છતાં હે, કચ્છમાંથી આવેલ જાડેજા રાજા (કાછેલા) તેં ભાભી વું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું ? )
સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી. “લેતો જા ! બાપ, લેતો જા.”- એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો.
સંચેલ ધન ચારણ તણાં, જરશે નહીં જસા
અજરો રે અસા, લોઢું લાખણશિયડા !

(હે જામ લાખા ! આ તો ચારણીનાં રૂપ-રૂપી ધન. એ તને નહીં પચે. આ તો લોઢું કહેવાય. એનો તને અપચો થશે)
જામ લાખો ઘોડો દોડાવી નગરમાં પેસી ગયો. મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી ને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા. મોંમાં તરણું લઈને બોલ્યાઃ “માતાજી, મને પારકાએ ભુલાવ્યો. હવે ક્ષમા કરો.”

(4)

‘આહીરની ઉદારતા’-માં દેહસુખની કામના વિનાનો સખ્યભાવ દામ્પત્યના ઉચ્ચ આદર્શરૂપે નિરુપાયો છે. નાયક વીકમસી પુરુષાતનમાં નથી. ઘરના સભ્યોને વીનવે છે કે મારે નથી પરણવું. પરંતુ સાચું કારણ જણાવી શકતો નથી. સોનબાઈ સાથે લગ્ન થતાં પ્રથમરાત્રિએ જ પત્નીને સાચી હકીકત જણાવી દે છે. સોનબાઈને બીજે પરણી જીવન સુધારી લેવા સમજાવે છે. પણ સોનબાઈ એકવાર બંધને બંધાઈ તે બંધાઈ. પ્રથમરાત્રિના મિલનની સંકુલ ક્ષણોને મેઘાણીએ સંવાદ થકી ઉપસાવી છે.
આશાભરી સોનબાઈએ ધણીના મોં ઉપર લગનની પહેલી રાતના તેજ દીઠાં નહીં. પૂછ્યુઃ “કાં આયર, શું થઈ ગયું...?”
વીકમસી ગળગળો થઈ ગયો. થોડીવાર તો વાચા જ ઊઘડી નહીં. હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયાં.
સોનબાઈ ઢૂકડી આવી. કાંડું  ઝાલ્યું.
“તું મને અડીશમાં ! આયરાણી. હું નકામો છું.
કાં ?
“હું પુરુષાતણાં નથી. માબાપને મેં ઘણી ઘણી ના પાડીતી પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં. કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં.”
“તે પણ શું છે...?”
“બીજું તો શું કરું ? આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે પછી માવતર જઈને ખુશીથી બીજો વીવા ગોતી લેજો. મેં તને બહુ દખી કરી. ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું....”
“અરે આયર !  આમ શીદ બોલો છો ? એથી શું થઈ ગયું....કાંઈ નહીં. આપણે બે જણાં ભેળાં રહીને હરિ-ભજન કરશું.”  સાંભળીને વીકમસીનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યોઃ
“ના, નાના, તારું જીવતર નહીં બગાડું.”
“મારું જીવતર બગડશે નહીં. સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાતો મેલી દ્યો.”
ખોળામાં માથું લઇને મોંવાળા પંપાળતાં પંપાળતાં સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર છોડીને પોતે પણ નીંદરમાં ઢળી. કોડિયાના દીવાની જ્યોત બેય જણાનાં નિર્દોષ મોઢાં ઉપર આખી રાત રમતી હતી.
આખરે વીકમસી પાવૈયાઓની જમાત ભેગો નીકળી જાય છે. સોનબાઈને લખમસી વેરે પરણાવી દેવાય છે. વળી વીકમસી સોનબાઈનું થતું આકસ્મિક મિલન, લખમસીની ઉદારતા અને માતાજીની કૃપાથી વીકમસીનું પુરુષાતન પાછું મળે એ દૃશ્ય-નિરુપણ માનવ્યની ગરિમાનો આદર્શ પ્રગટાવે છે.

(5)

ગરાસણી’-ની અઢાર વરસની ગર્ભવતી રૂપાળીબા એકલે હાથે કામી લૂંટારાઓને જેર કરે છે એનું વર્ણન મેઘાણીની જોમવંતી ભાષાશૈલીનું નદર્શન છેઃ
રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે આડેધડ ઘા કર્યું. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યાં. ત્યાં તો ગરાસણીને શૂરાતન ચડી ગયું. આડું લઇને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠણભેર થઈ જાય છે. પાછી ઊઠીને આડાનો ઘા કરે છે. એ ઘા-ચંડીરૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તેને ફરીવાર ઊઠવા નથી પામતો. ભારતીય નારીમાં સુષુપ્ત શક્તિસ્વરૂપા જગદંબાનું રૂપ દીકરો-ની હીરબાઈમાં પણ મેઘાણીએ દર્શાવ્યું છે. બાપના દુશ્મનને પોતાના જ આંગણમાં પૂરો કરીને આપા લાખાની દીકરી હીરબાઈ દીકરાની ખોટ પૂરી કરે છે. દુશ્મન દેવાત લાખાને પડકારવા ફળીમાં આવ્યો છે. એના હાકલા સાંભળી લાખાવાળાની સ્ત્રી થરથર ધ્રૂજે છે. ફળીમાં બાંધેલ વછેરો છોડી લઈ જઈ લાખાવાળાને નીચાજોણું કરાવવા વિચારતો હોય છે. ને ઓરડે ઊભી મા દીકરીને અંદર આવતી રહેવા સાદ કરે છે. ફળીમાં ઊભી હીરબાઈ જોઈ રહી છેઃ “તૈયાર ભાલો, તૈયાર બરડો, ને નિર્જન ફળિયું...વિચાર કરવાને એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો, દેવાતને ધરતી સાથે જડી દીધો.”

(6)

‘સાંઈ નેહડી’-માં જુવાન ચારણી આશરો નિભાવવાનો આપદ્ ધર્મ આવી પડે છે. તળાજાનો રાજવી એભલવાળો જંગલમાં રસ્તો ભૂલે, ઘોડાની ડોકે મડાગાંઠ વળી ગઈ છે. બારે મેઘ ખાંગા થઈને વરસી રહ્યાં છે. સમજુ ઘોડો એના માલિકને સાચવીને એક ઝુંપડાની ઓસરી પાસે લઈ આવે છે. સાંઈ નેહડી સૂસવતા પવનમાં કમાડ ઊઘડે છે. ઘોડાની નજીક આવી ઘોડાને મોં-માથે હાથ ફેરવે છે. ટાઢા હિમ જેવા અસવારના બે હાથની મડાગાંઠ વળી ગયેલી નિહાળે છે. આંગણે આવેલ અજાણ્યા નિરાધારને આશરો આપવાનો ધર્મ સાંભળી સાંભરે છે. પતિ પરદેશ છે. પોતે એકલી છે. છતાં જગદંબા લાજ રાખશે એવી શ્રદ્ધા સાથે અસવારને ઘરમાં ખેંચી લઈ ખાટલે સુવાડે છે.  ક્ષણોનું એનું મનોમંથન નિરુપાયું છેઃ
“શું કરું ? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહિ થાય. ? હું ચારણ્યઃ મારે શંકર અને શેષનાગ સમાં કુળના પરખાં અને આ હત્યા શું માટે માથે ચડશે.....? ફકર નહિ. દીવો તો નથી. પણ ઇશ્વર પંડે તો અંધારેય ભાળે છે, ને ! આ મળમૂતર ભરેલી કૂડી કાયા બીજે ક્યાં કામ લાગશે ? અને આ તો મડું છે, મારું પેટ છે, ફકર નહિ.
જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબું કર્યું. કામળીની સોડ તાણી લીધી. પોતાની હૂંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી.
ધીરે ધીરે ધબકારા વધ્યાં. અંગ ઊંભા થવા લાગ્યાં. શરીર સળવળ્યું. અને સ્ત્રીએ ઊભી થઈ લૂગડાં સંભાળ્યાં. ટોયલી ભરી ભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું.
બીજી તરફ ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકાથી સાંઈ નેહડીએ એભલવાળાની વાત કહી. ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવરણી ચારણી ઉપર એ ટાણેકટાણે ખિજાવા મંડ્યો. એકવાર ગાય દોતી ચારણીને મહેણું મારતાં કારમો પ્રહાર કર્યો. ચારણીના વાંસામાં ફટકો પડ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડીવાર એ અબોલ ઊભી રહી. દૂઘના બોઘરણામાંથી અંજલિ ભરીને આથમતા સૂરજના સંમુખ બોલીઃ  “હે સૂરજ, આજસુધી તો ખમી ખાધું. પણ હવે બસ. હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો ડાડા.” – એમ કહીને એણે ચારણ ઉપર અંજલિ છાંટી. છાટતાં તો સમ સમ સમ...કોઈ અંગારા છંટાતા હોય તેમ ચારણને રોમે રોમ આગ લાગી. અને ભંભોલા ઊઠ્યા. ભંભોલા ઊઠીને પરુ ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીના નેણાં નીતરવા લાગ્યાં.
આશરાધર્મ માટે થઇને પવિત્ર ભાવથી તમામ મર્યાદા વટાવી ઘોડેસવારને જીવતદાન બક્ષે છે, તો પોતાના ઉપર ત્રાસ ગુજારનાર પતિને અભિશાપિત કર્યા પછી ય એક પતિવ્રતા નારી તરીકે બધી જ સેવાચાકરી કરે છે. ભાઈ માનેલ એભલવાળો ચારણને જીવતદાન આપવા એકના એક પુત્રનું બલિદાન આપે છે. પ્રાણ સાટે પ્રાણ આપી કરજ ચુકાવે છે.


(7)

મેઘાણીએ લોકકથાઓને રસાળ બનાવવા, કથારસમાં સઘનતા આણવા તથા પાત્રોના મનોભાવોને સંવેદ્યતાથી રજૂ કરવા યથા સ્થાને દુહાઓનો વિનિયોગ કર્યો છે. આ દુહાઓમાં અદભુત, કરુણ, શૃંગાર, શાંત, રૌદ્ર આદિ વિધવિધ રસની સૃષ્ટિ સભર બની છે. દુહાઓમાં માધુર્ય –મૃસણતા અને બરછટતા – બંને છે. શૌર્યની બિરદાવલી છે તો વ્યંગ-કટાક્ષની વેધકતા પણ એમાં સંગોપાઈ છે.
પાત્રોના મનોભાવોની સૂક્ષ્મ વ્યંજના પણ દુહાઓમાં જોવા મળે છે. ‘શેત્રુંજીના કાંઠે’- માં અન્યત્ર લગ્ન થઈ જતાં આણલદેની વેદના આ પ્રકારે વ્યક્ત થઈ છે.
ફરતાં ચડે મું ફેર, મંગળ આંટા મન વન્યા,
(મારી) કેમ આંખ્યુંમાં અંધેર, ચિતડું ચગડોળે ચડ્યું..!

વરકન્યા કંસાર જમવા બેઠાઃ
ચોરી આંટા ચાર (હું), ફફડતે દલડે ફરી
(પણ) કેમ જમું કંસાર, દખ માને મું દેવરો.

આણલદે વેલ્યમાં બેઠી. પૈડાં સિંચાણા, નાળિયેર વધેરાયાં. અને જોતજોતામાં વેલડું શેત્રુંજી કાંઠાના ઝડવાં વળોટી ગયું. ઘૂઘરમાળના રણકાર આઘે આઘેના વગડામાં આણલદે રોતી હોય તેના રુદન-સ્વર જેવા, પાદરે ઊભેલ દેવરો સાંભળતો રહ્યો.
ઢોલરાની ઉદાર ભાવનાથી આણલદે-દેવરાનું મિલન થાય છે.
“હું ઢોલરો, દેવરા.. ! તારું હતું તેને હું ચોરી ગયેલો તે આજ પાછું દેવા આવ્યો છું.”
‘શું ભાઈ...?’
“તારું જીવતર, તારી પરણેતર.”
“મારી પરણેતર..?”
“હા, બાપ..તારી પરણેતર. હૈયાના હેતથી તને વરેલી. ઈ તારી પરણેતર મેં ભૂલથી વેચાણ લીધેલી. વહેવારને હાટડે માનવી વેચાતાં મળે છે. પણ માનવીએ માનવીએ ફેર છે. એની મને જાણ ન હતી, દેવરા...!’
“આયર..ભાઈ...” દેવરાની છાતી ફાટ ફાટ થવા લાગી.
“દેવરા જરાય અચકાઈશ મા. હું પરણ્યો ત્યારથી જ એ મા-જણી બોન રહી છે.”
-માનવ્યની ગરિમા અને સંસ્કારની સુવાસ ઢોલરો પ્રગટાવે છે. તત્કાલીન રીત-રિવાજોમાં કન્યા-વિક્રય, સોદા અને લેવડ-દેવડના કિસ્સાઓ બનતા હશે એવી લોકજીવનની નબળી બાજુઓ પણ મેઘાણીએ સર્જક તાટસ્થ્ય જાળવીને આલેખી છે. જેમાંથી આ લોકસંસ્કૃતિ તેજ-અંધારનું અભિનવ રસાયણ છે એની પ્રતીતિ થવા પામે છે.


(8)

સુકુમાર નારી હ્ય્દયનાં શૌર્ય હોય કે નામાલ પુરુષોની કાયરતા હોય, રાજવીઓની પ્રજાવત્સલતા હોય કે એમની કામવાસના, સતી હોય કે કુલટા, સંત હોય કે શઠ. મજૂર હોય કે મૂડીદાર- અદનો માનવી મેઘાણી માટે અવગાહનનો વિષય રહ્યો છે. કશી સૂગ કે આળપંપાળ વિના જીવનના અફાટ વહેતા પ્રવાહમાં નિર્દંભ લોકવાણીના બળે સદીઓ જૂના ઈતિહાસ-પોપડાઓનું ઉત્ખનન એમણે હાથ ધર્યું. એમાં  સ્ટોરી-ટેલિંગની કથનરીતિ ધ્વનિ-નાદ ગત તરેહોથી વિલક્ષણ શ્રાવ્યગુણને કારણે સફળ બની છે. લોકસંસ્કારોના સાચા પડછંદા ઝીલતી, જીવનની અદ્દલ તસવીર બનતી, ભાવના તેમજ વાસ્તવની જોરદાર છાપ ઉપસાવતી મેઘાણીની બળુકી ગદ્યશૈલી વર્ણનોમાં ઝળકી ઊઠે છે.
ભીમડાદનો દરબાર ખોખરો શેખ મેડીએ બેઠો બેઠો આખી સીમમાં નીકળતી કન્યાઓનાં શિયળ લૂંટતો હતો. કાઠિયાણીની વેલ જઈ રહી હતી. ખોખરો શેખ ઘોડે ચડી વેલ્ય ભણી વહેતો થયો.
‘આવોને અંદર’ - આટલાં જ વેણ એના પરવાળાં જેવા હોઠમાંથી ટહુક્યાં. નેણ ઉછાળ્યાં. વળાવિયા કાઠીઓનાં માથા જાણે ફાટી પડ્યાં. ખોખરો ઘોડેથી ઉતરીને વેલ્યમાં ચડવા ગયો. કેડ સુધી દાખલ થયો. હાથ પહોળાવીને માશૂકને છાતીએ ચાંપવાની જ વાર હતી. એક જ વેંતનું અંતર હતું. ત્યાં તો ભોણમાંથી ફૂંફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજૂબાના હાથમાંથી કટારી છૂટી. ખોખરાની ઢાલ જેવી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઊતરી ગઈ. ઘડી પહેલાની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધારણ કર્યું. ગોઠણભેર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી.
ક્રિયાત્મક, ગત્યાત્મક અને નાટ્યાત્મક ચિત્રણો, વાક્યવિન્યાસના રમતિયાળ આરોહ-અવરોહ થકી સંવેદ્ય બને છે.
‘ઘોડી અને ઘોડેસવાર’-માં વર્ષાઋતુનું વર્ણનઃ
“ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમવા માંડ્યા હોય એમ આષાઢ ધડૂકવા માંડ્યો. ડુંગરાને માથે સળવળાટ કરતી વીજળી આભ-જમીનનાં વારણાં લેવા માડી. વાદળાંના હૈયામાં વિજોગની કાળી બળતરા સળગતી હોય એવી વીજળી આકાશનાં કાળજાં ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી.”
ધ્વનિમય દ્વિરુક્ત પ્રયોગો તથા રવાનુકારી નાદ-ધ્વનિયુક્ત વર્ણો પાસેથી મેઘાણી ધાર્યું  કામ કઢાવી શકે છે. આ કથાઓમાં પ્રાચીન ભાવનાઓ, અદભુતરસથી પ્રચુર ચમત્કારોની સૃષ્ટિમાં રંગદર્શિતા તેમજ ભાવોના ઘેરા રંગ મર્યાદારૂપે જણાય  સ્વાભાવિક છે. પરંતુ ગુજરાતીના અપભ્રંશકાળ અને તે પૂર્વેના ભારતીય ભાષાઓના કાળની કંઠસ્થ લોકકથાઓ સઘળા પંથકમાં અમર થઈ ગયેલી તથા લોકધરતીમાંથી પોષણ મેળવનારી છે એ યાદ રાખવું રહે. આ લોકકથાઓને ટૂંકી વાર્તાની સ્વરૂપગત શિસ્ત અનુસાર મૂલવવાનો પણ વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે. પણ સાચી કૃતિઓ હમેશાં સ્વરૂપલક્ષી ધોરણોને અતિક્રમી જતી હોય છે. સુરેશ જોષીએ આ પરિપ્રક્ષ્યમાં જ સાહિત્ય સ્વરૂપોને Aesthetic Categories ‘રસકીય કોટિઓ’ લેખે પુરસ્કાર્યા છે. એ સંદર્ભે મેઘાણીની લોકકથાઓની કળાત્મક અપીલનું ક્ષેત્ર સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી એટલું વ્યાપક અને ધારદાર રહ્યું છે કે ગુજરાતના લોકહૈયામાંથી એ ક્યારેય વિસરાશે નહીં.

અંતમાં, પિંગળશીભાઈએ ગાયું છે એ મેઘાણી-વંદનાને સ્મરીને વિરમીએઃ

લોકગીતોનો લાડીલો ને કાંઈ લોકહ્ય્દયમાં રમનારો,
મુડદાઓના મનમંદિરમાં, પ્રાણ ખરેખર પૂરનારો,
આપી એણે સાવ અનોખી, સોરઠમાંથી સરવાણી,
શાયર દુનિયામાં સાચો, મુગટ હતો એ મેઘાણી...

 

ડૉ. જગદીશ ગૂર્જર
અંકલેશ્વર

000000000

***