ગુજરાતી સારસ્વતોના જીવનરંગોનો બહુમૂલ્ય દસ્તાવેજ : 'સહરાની ભવ્યતા'  

 

 

'સહરાની ભવ્યતા' રઘુવીર ચૌધરીનું વિશિષ્ટ પુસ્તક છે. જેમાં ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સારસ્વતોના જીવન-કવનને તેમણે સમીક્ષક બન્યા વિના આલેખ્યું છે. ગુજરાતી સાહિત્યમાં રઘુવીર ચૌધરીની ઓળખ મુખ્યત્વે નવલકથા સર્જકની રહી છે. તેમણે કવિતા, વાર્તા, નાટક-એકાંકી અને વિવેચનક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેઓ ગુજરાતની સાહિત્યિક-સાંસ્કૃતિક અને કેળવણી વિષયક પ્રવૃત્તિઓમાં પણ સદૈવ સક્રિય રહ્યા છે. 'સહરાની ભવ્યતા' પુસ્તકમાં રઘુવીર ચૌધરીની લેખક તરીકેની વિભિન્ન મુદ્રા ઉપસી છે. 'સહરાની ભવ્યતા' એક અર્થમાં તો રેખાચિત્રોસંગ્રહ છે. ગુજરાતના સાક્ષરજીવનની કહો કે સાહિત્યિક ગતિવિધિઓની કેટલીક મહત્ત્વની કલમોને નિજી અનુભવોથી જોઈ-તપાસીને જે-તે સર્જકના વ્યક્તિજીવન અને સર્જકજીવન વિશેના મહત્ત્વપૂર્ણ નિર્દેશો રઘુવીર ચૌધરીએ આ શબ્દચિત્રોમાં ખોલી આપ્યા છે. ગુજરાતના જાણીતાં સાક્ષરવર્યોના જીવનને-સર્જનને આત્મીય અનુભૂતિસભર વાણીમાં અભિવ્યક્ત કરતું રઘુવીર ચૌધરીનું આ પુસ્તક ગુજરાતી રેખાચિત્રોના સાહિત્યમાં ઘણીબધી રીતે જુદું પડે છે.
'ગ્રંથ' નામના સામયિકમાં શ્રી યશવંત દોશીએ ઈ.સ.૧૯૬૭-૬૮માં 'તસવીર' નામે શ્રેણી ચલાવેલી, જેમાં ઉમાશંકર જોશી અને જયંતિ દલાલ વિશે રઘુવીર ચૌધરીએ લખ્યું અને પછી 'સંદેશ'ના તંત્રી શ્રી ચીમનભાઈ પટેલે 'સાહિત્યસંગમ' વિભાગ સોંપ્યો જેમાં નગીનદાસ પારેખ વિશે લખ્યું. પછી તો એ રીતિમાં ગુજરાતી ભાષાના સર્જકોના જીવનને તેમનાં સર્જનવિશેષના પરિમાણો સાથે ઊઘાડી આપતાં ભાવચિત્રો લખાતા ગયા અને પરિણામ સ્વરૂપે ગુજરાતી ભાષાને 'સહરાની ભવ્યતા' નામે સબળ રેખાચિત્રો પ્રાપ્ત થયા.
જયંતિ દલાલનું રેખાચિત્ર અહીં 'સહરાની ભવ્યતા' શીર્ષકથી આલેખાયું છે. જે સમગ્ર સંચયનું પણ શીર્ષક બન્યું છે. રઘુવીરભાઈ આ પુસ્તકની નાનકડી પ્રસ્તાવનામાં પોતાની નિસબત આમ રજૂ કરે છે :
'મને એમ લાગે છે કે સર્જકનું સંવેદન જગતના ઉધાર પાસાને વધુ ત્વરાથી ઝીલે છે. પલાયનવાદીઓ, સીનિકો, નખશિખ નાસ્તિકોને શોધવા જનારે પહેલાં કલાકારોની દુનિયામાં ડોકિયું કરવું. સમૃદ્ધિ નકારાત્મક પણ હોઈ શકે, ફકીરોમાં હોય છે તેવી. જેનો ખાલીપો વિશાલ હશે એણે આખા આકાશને ધાર્યું હશે. જ્યાં વિશ્વ સમગ્રની છાયા-છબિ ઝિલાય એ સહારાને  હું ભવ્ય કહું છું. દલાલને અહીં યોગ્ય સંગત મળી હશે. એમને પંગતની જરૂર ન હતી.' (પૃ. V )
રઘુવીરભાઈએ અહીં પોતાની ચેતનામાં ઝીલાયેલા ભાવબિમ્બો સાથે  સમૂહચેતનાનો પણ સંકેત આપીને આ પ્રકારના લખાણનું એમને મન શું મૂલ્ય છે તેની સ્પષ્ટતા કરી આપી છે. 'સહરાની ભવ્યતા'ના રેખાચિત્રો રઘુવીરભાઈએ સ્વપસંદગીથી રચ્યા છે. લખવા માટેની પ્રેરણા અને પરિબળો વિભિન્ન પરિસ્થિતિમાંથી સાંપડ્યા છે પરંતુ તેનું કેન્દ્ર સર્જકવ્યક્તિત્વને સમભાવથી પ્રગટ કરવાનું રહ્યું છે. આ સંચયમાં કોના શબ્દચિત્રો કેવી સર્જનાત્મકતા સાથે કઈ રચનાશૈલીથી રચાયા છે તેની સંક્ષિપ્તમાં વાત કહું.
'સહારાની ભવ્યતા' રેખાચિત્રો સંચયમાં કુલ પચ્ચીસ સારસ્વતોના અંગત જીવન અને સર્જન વિશેના લખાણો છે. આ લખાણો અભ્યાસમૂલક ઓછા અને અંતરંગ પરિચય જેવા વધુ છે. અહીં જે તે સર્જકોના સર્જનને મૂલવવાનો –વિવેચવાનો ઉદ્દેશ નથી પરંતુ સર્જકોના અંગત જીવનમાં ડોકિયું કરવાનો-તેમને નજીકથી જોવા-અનુભવવાનો પ્રયાસ છે. એ અનુભવ જેટલો વ્યક્તિગત  છે એટલો જ સાર્વજનિક પણ છે. અહીં ઉમાશંકર જોશી, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, રાજેન્દ્ર શાહ, રાવજી પટેલ, સુન્દરમ્, સુરેશ જોશી, અને સ્નેહરશ્મિ-જેવા ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિઓના  જીવન વિશેની સંવેદનમઢી ભાવક્ષણોને ઓછા પણ અસરકારક શબ્દોમાં આલેખવામાં આવી છે. અહીં જે તે કવિઓની કવિતાઓને કે સર્જનને અધ્યેતાના દ્રષ્ટિબિંદુથી તપાસવાને બદલે રઘુવીર ચૌધરીએ જે તે સર્જક-કવિ સાથે વીતાવેલી મનભર-મનહર ક્ષણોને આલેખીને તેમના વ્યક્તિત્વની વિભિન્ન વિશિષ્ટ મુદ્રાઓ ચીંધી આપે છે. તે માટે રઘુવીર ચૌધરી જે ભાષાપ્રયોગ કરે છે તેના એક-બે ઉદાહરણ જોઈએ :

  • " ઉમાશંકરભાઈ મૂંઝાયા. છેવટે ધર્મસંકટ સમજીને તૈયાર થયા. કહ્યું : ' લો, હું આંખો બંધ કરું છું. મારા હોઠ પર એક નાનું ટીપું મૂકી દો, મને ખબર ન પડે એ રીતે.' એમના આ સુંદર ઉદ્દગાર પર ખૂશ થઈને એ માર્ક્સવાદી વિદ્વાનોએ ઉમાશંકરભાઈને ગાંધીવાદી રહેવા દીધા ને પોતપોતાની રીતે ખાધુંપીધું." (પૃ.૧૮-૧૯)
  • " હસતો, ક્યારેક હસાવતો. સાચું-ખોટું બધું જ બોલતો. અમદાવાદમાં ઓળખાયો ત્યારથી દુઃખ એ જ એની કથા છે. '૬૨માં બુધાસભાનું પ્રથમ કાવ્યસત્ર થયેલું એમાં એ આવેલો. પટાવાળો લેંઘો પહેરી તીતીઘોડાની જેમ ઊડયા કરતો. અવાજ વિનાનું હસ્યા કરતો. હાઈસ્કૂલમાં જ એક શિક્ષક મળેલા, એમની પાસે કવિતા સમજતો. 'કુમાર'માં આવતો થયો અને એક વર્ષમાં તો એ સહુથી જુદો તરી આવતો હતો." (પૃ.૧૧૩)
  • "હા, સુરેશભાઈ સહેજ પણ ક્રૂર નહોતા. કડક પણ નહોતા. પ્રેમાળ હતા. સાહિત્યમાં નરી લાગણીના નિરુપણના  ભલે વિરોધી હોય પણ પોતે લાગણીના ભૂખ્યા હતા. સાહિત્ય રસિક જિજ્ઞાસુઓ એમને વીંટળાઈને બેસે તો એમને બીજું કંઈ ન જોઈએ. (પૃ. ૧૪૫)

અહીં ઉમાશંકર જોશી જેવા પુરોગામી પ્રત્યેનો અહોભાવ અને રાવજી પટેલ, સુરેશ જોશી જેવા સમકાલીનો કવિઓ પ્રતિ રઘુવીર ચૌધરીનો સમભાવી અભિગમ પ્રમાણી શકાય છે. તેમણે 'સ્નેહરશ્મિ' વિશે પણ ખુબ ઝીણવટથી રેખાચિત્ર આલેખ્યું છે. 'ઝીણાદાદા'ના સ્વભાવવિશેષને રઘુવીર ચૌધરી માનવીય અભિગમથી નિરુપે છે. આ સંગ્રહમાં 'નિરંજન ભગત', 'પ્રિયકાન્ત મણિયાર, 'રાજેન્દ્ર શાહ', 'સુન્દરમ્' –જેવા કવિઓના રેખાચિત્રો આસ્વાદ્ય બન્યા છે. જેમાં જે તે કવિ વિશેષની સાથે તેમના વ્યક્તિત્વવિશેષની સુગંધ માણવા મળે છે.
'સહરાની ભવ્યતા'માં આપણે ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, 'દર્શક', પન્નાલાલ – જેવા કથાસર્જકોના ભાવરંગી શબ્દચિત્રો ભાવસભર બની માણી શકીએ છીએ. પેટલીકર, પન્નાલાલ અને પીતાંબર  પટેલ વચ્ચેનો ભેદ તારવતા રઘુવીર ચૌધરી એક જ વાક્યમાં લખે :

  • ' પીતાંબર એટલે ઉત્સાહ. પન્નાલાલ એટલે કોઠાસૂઝ અને પેટલીકર એટલે વિવેક.' (પૃ. ૯)

ચુનીલાલ મડિયા પ્રત્યેની આદરયુક્ત પ્રીતિને લેખક આમ વર્ણવે છે :

  • " એ વડીલ લેખક જ નહિ, મોટી ઉમરના સ્વજન જેવા હતા. અમારો સંબંધ 'વર્તુળ બનેલી રેખા' જેવો થઈ ગયો હતો. એનો આરંભ કે અંત શોધવાનો રહ્યો નહીં. એમનો પ્રેમ તો ગંજાવર હતો. એમણે એક બે ટપલીઓ પણ બરોબર મારી હતી." (પૃ. ૨૯ )

આ સંચયમાં પન્નાલાલ અને 'દર્શક' વિશેના રેખાચિત્રો પણ સ્મરણીય બન્યા છે. અહીં 'કિશનસિંહ ચાવડા'નું  હ્રદયસ્પર્શી વ્યક્તિચિત્ર મળે છે તો 'પંડિત સુખલાલજી' જેવા ચિંતક સારસ્વતના જીવનની નર્મમર્મ લાક્ષણીકતાઓ નોધપાત્ર રીતે આલેખવામાં આવી છે.
ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રખર વિદ્વાનો-સંશોધકો-ભાષાવૈજ્ઞાનિકો તરીકે પ્રસિદ્ધ નગીનદાસ પારેખ, ડૉ.પ્રબોધ પંડિત, ભાયાણીસાહેબ, રાવળસાહેબ, વિષ્ણુભાઈ –વગેરેના સ્મરણચિત્રો આ પુસ્તકની સમૃદ્ધિ છે. 'બચુભાઈ રાવત' અને 'યશવંત શુક્લ' – શીર્ષકના રેખાચિત્રોમાં 'કુમાર' અને 'ગ્રંથ'ના તંત્રી તરીકે કવિતા અને કવિઓને પ્રોત્સાહન આપતા તંત્રીઓના વ્યક્તિચિત્રોને રઘુવીર ચૌધરી આત્મીય રંગે અભિવ્યક્ત કરે છે. 'પ્રવીણ જોશી', 'રસિકલાલ છો.પરીખ' અને 'શિવભાઈ'-માં રઘુવીર ચૌધરી ગુજરાતી નાટ્યસાહિત્ય અને રંગમંચના પ્રતિનિધિઓની વૃત્તિ-પ્રવૃત્તિઓને ભાવરંજક રીતે આલેખે છે. જયંતિ દલાલના જીવનરંગ અને સર્જનરંગને ખાસ તો પ્રજાજીવનના સંસ્પર્શને 'સહારાની ભવ્યતા'ના રૂપકથી આસ્વાદ્ય બનાવે છે. રઘુવીર ચૌધરી અહીં જયંતિ દલાલના વ્યક્તિત્વના અનેક પરિમાણો ખોલી આપે છે. વિશિષ્ટ સંદર્ભો સાથે અહીં દલાલના અંગતજીવનને ભાવકો સમક્ષ પ્રસ્તુત કરવામાં રઘુવીર ચૌધરીની નિજી લેખનશૈલી કારણભૂત બની છે.
'સહરાની ભવ્યતા' સંચયના મોટાભાગના રેખાચિત્રો સ્મરાંજલિ રૂપે લખાયા છે. સદ્દગત સારસ્વત સાથેના નિકટ સંબંધને સંયોજીને રઘુવીર ચૌધરી આ રેખાચિત્રોમાં એક જુદાં જ પ્રકારની સાહિત્યિકચેતના અભિવ્યક્ત કરે છે. એક અર્થમાં આ રેખાચિત્રો અંગત લખાણો હોવા છતાં તેમાંથી પસાર થતાં જાણી શકાય છે કે અહીં લેખકનું લક્ષ્ય પોતાની વાત વધુ કરવાને બદલે જે-તે સર્જકચરિત્રોના જીવનનું દર્શન કરાવવાનું વધુ રહ્યું છે.
'સહરાની ભવ્યતા'માં રઘુવીર ચૌધરી જુદાં જુદાં સર્જકોની વાત અલગ અંદાજથી માંડે છે. ચરિત્રોના બાહ્ય દેખાવની અલપઝલપ પરંતુ નોંધપાત્ર વિશિષ્ટતાઓ ઓછા શબ્દોમાં આલેખી મુખ્યત્વે તો જે-તે સર્જકચરિત્રના આંતર વ્યક્તિત્વને ઉજાગર કરે છે. સંગ્રહની મોટાભાગની રચનાઓમાંથી પસાર થતાં આપણે જે સર્જકોનો શબ્દસંગથી પરિચય પામ્યા હોઈએ તેનાંથી વિશેષ અંગત જીવનની અનેક ઝીણી-મોટી ખાસિયતો અહીં જાણવાં-માણવાં મળે છે. એ અર્થમાં આ રેખાચિત્રોનો સંચય ગુજરાતી ભાષામાં સર્જક્વ્યક્તિત્વોના અંગતજીવનને દસ્તાવેજી મૂલ્ય સંપડાવે છે.
'સહરાની ભવ્યતા'ના  રેખાચિત્રોમાં રઘુવીર ચૌધરીની ભાષા ભાવાત્મક વધુ છે. અલબત્ત લેખક મહત્ત્વની વિગત આપવાનું ચૂકતા નથી. વળી, બિનજરૂરી વિગતો આપીને ગદ્યને મેદસ્વી પણ બનાવતા નથી. સર્જકોના જીવનની અંતરંગ ભાવાક્ષણો-ભાવસ્થિતિઓને પ્રભાવક ભાષામાં આલેખી છે. અહીં કેટલાક રેખાચિત્રોમાં જીવનરંગની પડછે રઘુવીર ચૌધરીએ સર્જનવિશેષના પણ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી છે. તેવાં રેખાચિત્રો અભ્યાસ્લેખોની ગરજ સારે તેવા બન્યા છે. અહીં તેમણે મિત્રો પ્રત્યેની સહજ પ્રીતિથી વાત કરી છે તો પ્રત્યક્ષ-પરોક્ષ ગુરુજનો પ્રત્યે સમાદર વ્યકત કર્યો છે. વૈચારિક અને જીવનદ્રષ્ટિની રીતે મતભેદ હોય તેવા સર્જકો પ્રતિ પણ તટસ્થ સમભાવ કેળવી વાત કરી છે. ગુજરાતની પ્રખર સાહિત્યિક પેઢીનો સંસ્કાર વારસો અનુભવવા-ઝીલવા નવી પેઢીના વાચકો-ભાવકો અને અભ્યાસીઓએ એકવાર તો 'સહરાની ભવ્યતા'માંથી અચૂક પસાર થવું ઘટે એવું આ પુસ્તક છે. અહીં સર્જક વ્યક્તિત્વોના વિભિન્ન-વિશિષ્ટ મિજાજ તદ્દન સહજ અને અંગત અભિવ્યક્તિ પામ્યાં હોવાને કારણે આસ્વાદ્ય બન્યા છે. વળી, સર્જકવિશેષનો અભ્યાસ કરવા ઈચ્છતા અભ્યાસીઓ માટે દિશાદર્શક પણ બન્યા છે.
ગુજરાતી ભાષામાં સર્જકોના અંતરંગ જીવનમાં પ્રવેશ કરાવતું આ પુસ્તક એક અર્થમાં વિલક્ષણ છે. રઘુવીર ચૌધરીએ 'સહરાની ભવ્યતા' કહીને જે-તે સર્જકોના જીવન-સર્જનની ભવ્યતાનો સૂમેળ સાધ્યો છે. આ પ્રકારના ગ્રંથો ગુજરાતી ભાષામાં સમયાન્તરે અને સમાન્તરે રચતા રહે તો ગુજરાતી સાહિત્યનો અલગ પ્રકારનો ઇતિહાસ પ્રાપ્ત થઈ શકે. 'સહરાની ભવ્યતા' ગુજરાતના સાંસ્કૃતિક-સાહિત્યિક વારસાનું જતન-સંવર્ધન કરનારા સારસ્વતોના જીવનરંગોનો બહુમૂલ્ય દસ્તાવેજ છે એમ સ્વીકારવું જ રહ્યું.

ડૉ.વિપુલ પુરોહિત,
આસિ.પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક વિભાગ,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
ભાવનગર.

000000000

***