Sahityasetu
A leterary e-journal

ISSN: 2249-2372

Year-3, Issue-6, Continuous issue-18, November-December 2013

સાંપ્રત સમાજની ઘટનાઓમાંથી સ્ફૂરતી સંવેદનાઓ

હિમાંશી શેલતનો ઓગસ્ટ, ૨૦૧૧ માં પ્રગટ થયેલા વાર્તાસંગ્રહ ‘ઘટના પછી’ માં પણ અગાઉના સાત વાર્તાસંગ્રહની જેમ સમકાલીન સમાજ સાથેની નિષ્ઠા સતત ઊભરી આવી છે. આ વાર્તાસંગ્રહની ગ્રંથસ્થ વાર્તાઓની વિશેષતા એ છે કે તે કંઈકને કંઈ ઘટના બન્યા પછી લખાઈ છે. સામાજિક કે લૌકિક નજરે અઘટિત લાગતી વસ્તુ સાહિત્યકૃતિમાં પ્રયોજાઈને કેવી સંવેદના જગવી શકે છે એ આ વાર્તાઓમાંથી અનુભવી શકાય એમ છે. આ વાર્તાઓમાં પ્રયોજેલા વિષયવસ્તુમાં પણ નાવીન્યતા જોવા મળે છે. લેખિકાએ નિવેદનમાં જણાવ્યું છે: “ક્ષુબ્ધતાપ્રેરક ઘટનાઓ પછી સર્જાયેલાં વમળો અને એ વમળોથી ઉત્પન્ન થયેલાં પ્રબળ સંવેદનો આ ચૌદ વાર્તાઓના મૂળમાં છે.” ચિત્તમાં સચવાયેલી સંવેદનાને શબ્દના માધ્યમથી રજુ કરવાની સર્જકકળા પણ તેમના આ  વાર્તાસંગ્રહ માં જોવા મળે છે.

‘ત્રીજુંકોણ?’, ‘એવું પણ બને-’, ‘આગ’ અને ‘વારસો’ જેવી વાર્તાઓમાં સર્જકની સમાજનિષ્ઠાનો અહેસાસ અનુભવી શકાય છે. કોમી તોફાનો, અત્યાચાર જેવા દિનદહાડે ઉદ્દભવતા પ્રશ્નોને એની પુરેપુરી સંકુલાતામાં તેઓ પ્રગટ કરે છે. અને એનો ઉકેલ પણ જીવન પ્રત્યે જોવાની    સ્વસ્થ દર્ષ્ટિમાંથી જ સાંપડે એવા દષ્ટાંતો વાર્તાને અંતે છોડી તેઓ ભાવકને અવાક્ કરી મુકે છે.

કોમી રમખાણોમાં ખપી જનાર ‘ત્રીજું કોણ?’ એ શીષર્ક હેઠળ આરંભાયેલી સર્જકની શોધમાં કંઇક ઊંડાણપૂર્વકનું તથ્ય છુપાયેલું છે. રઘુવીર ચૌધરીએ તે તથ્યની પ્રતીતિરૂપે નોંધ્યું છે : "વ્યવહારુ લેખક કોમી રમખાણો વિશે લખવાનું ટાળે, લખે તો પણ સત્ય સુધી જવાની ખેવનાના અભાવે અધવચ્ચે અળપાઈ જાય." ‘ત્રીજુંકોણ?' વાર્તામાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે. લંડનમાંથી આવેલ નિગારઆન્ટીના ભાઈ-ભાભી કોમી હુલ્લડમાં ખપી જાય છે, પણ એમની સાથે રહેલી ત્રીજી વ્યક્તિ કોણ હતી? એ પ્રશ્ન દ્વારા ઘટનાને ઘૂંટીને એવી રીતે મૂકી છે કે જે માનવીય સબંધોની ગહેરાઈને વ્યક્ત કરવામાં ખાસ્સી મદદરૂપ બને છે. સમગ્ર વાર્તામાં નિગારઆન્ટીની વેદના-સંવેદના વ્યક્ત થઇ છે. નિગારઆન્ટીના બધા પ્રશ્નોના જવાબ માઈકલ કે મુનારા આપી શકતા નથી. પરિણામે તેઓ હુલ્લડની સીડી બતાવે છે. કોમી રમખાણની સીડી જોયા પછી એમની તબિયતને માઠી અસર થાય છે. મોડી રાત્રે આવેલા સ્વપ્નમાં ત્રીજી વ્યક્તિ કોણ? એ પ્રશ્નનો ઉકેલ મળી આવે છે. એમના ભાઈ-ભાભી અને સંપતને સારો સંબંધ હતો. સંપત બીજા ધર્મનો એટલે એને સતત ધમકીઓ મળતી. આમ છતાં એમના ભાઈ-ભાભીએ સાથ છોડ્યો નહોતો અને સાથે ચા-પીતાં પીતાં જ મોતને સામે ચાલીને સ્વીકાર્યુ હતું. સપનામાંથી જાગ્યા પછી નિગારઆન્ટી આ ત્રીજા વ્યક્તિ સંપતની શોધ આદરે છે. સરનામા વગર નામ માત્રથી આદરેલી શોધ સાથે રઘુવીર ચૌધરી સર્જકની શોધને આ રીતે સરખાવે છે : "સર્જકની શોધ કંઇક આવી જ હોય. હત્યાકાંડો અટકાવવા જતાં ખપી જનાર માણસની શોધ. ભલે એ સ્વપ્નમાં વસતો હોય !"

'એવું પણ બને-' વાર્તામાં વેમ્પાયરમાં સમૂળગું પરિવર્તન આણીને લેખિકાએ ધારદાર ચોટ આણી છે. તોફાનો, દંગાફસાદ, ચોરી, લૂટફાટમાં પોતાનું જીવન વ્યતીત કરતા વેમ્પાયરોના જીવનની ઝલક લેખિકાએ બખૂબીથી વ્યક્ત કરી છે. અભિવ્યક્તિની દર્ષ્ટિએ પણ આ વાર્તા અલગ તરી આવે છે. "એ દીઠો એ ઘડીએ જાણે ભેજામાંથી એની ઓળખ ફૂટી પડી."(૨૭)પોતાના જ ધંધાના ચાર-પાંચ માણસો રેલવેના ડબ્બામાં એક સામટા ભેગા મળી ધંધાની મિજલસ માણતા વેમ્પાયર ડબ્બામાં રડતી એક ટેણકીનો અવાજ સહી શકતો નથી. તે અત્યંત ક્રોધિત થાય છે ત્યારે એક વૃદ્ધાનો હાથ તેને શાંત પાડી બેસાડે છે. અને પુરુષોની ઘર  માટેની-પરિવાર માટેની જવાબદારીનું અર્થસભર વર્ણન કરે છે. અહીં વેમ્પાયરમાં અણધાર્યું પરિવર્તન લેખિકાએ સક્ષમતાથી દર્શાવ્યું છે.

'આગ' જેવી વાર્તામાં બળાત્કાર, અપહરણ, કોમીતોફાનો, ખૂનામરકી અને દિનદહાડે તથા અત્યાચારમાં મરેલાઓ માટે જીવ રેડી સત્ય સાબિત કરવા મથતા મોટાભાઈની વ્યથા વ્યક્ત થઇ આવે છે. પાંસઠ વર્ષ વટાવી ચુકેલા મોટાભાઈ ભ્રષ્ટતંત્ર કે અન્યાય સામે પોતાનું માથું ઊંચકે છે. એમની સતત દોડધામ જોઈ વિવિધ અટકળો કરી ઘરના સભ્યો જ એમને ગાંડા માણસમાં ખપાવે છે. જુદા-જુદા મનોચિકિત્સક કે સાઈકિયાટિકને બતાવવાનું ગોઠવે છે. સાવ અજાણ્યા માટે જીવ રેડનાર આવા મહાન વ્યક્તિને જોઈ ડૉ.રામકૃષ્ણ કહે છે : "એમને સારવારની જરૂર જ ક્યાં છે? એમનામાં શી ખામી છે એ તો કહો ! માણસજાતના આવા પ્રતિનિધિ કેટલા ?"(૪૪)આમ, આ વાર્તા અનુભૂતિની સચ્ચાઈ અને નિરૂપણના વૈશિષ્ટને કારણે કલાત્મક બની રહે છે.

'વારસો' વાર્તામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંખ ઉઠાવનાર પુત્રના મૃત્યુથી હચમચી ગયેલા પિતાની દારુણ વેદના છતી થઇ છે. સમગ્ર વાર્તામાં ઘટનાનિરૂપણ અને ચરિત્ર નિરૂપણમાં સર્જકની કથનાત્મક ભાષા વિવિધ છટાઓ ધારણ કરે છે. ગામડું છોડી મા-બાપની મરજી વિરુદ્ધ પણ સારી નોકરી મેળવવાની ઘેલછાએ શહેરમાં ગયેલ અભય છેવટે મૃત્યુને ભેટે છે. જિંદગીભર ડરપોક જીવન જીવનાર દ્વારકાપ્રસાદ માટે અણધાર્યો જીવલેણ આઘાત આવી પડે છે. પણ અભયને યાદ કરનાર સંખ્યાબંધ શ્રમજીવીઓને જોઈ દ્વારકાપ્રસાદના હૃદયમાં બદલાની આગ જલે છે. અને તેમાં વધારો કરવા બીમલેન્દુના પિતાજીનો સાથ મળે છે. બન્ને વૃદ્ધ પિતા અને પુત્રોના મૃત્યુની ઊંડી તપાસ કરાવવા માટે તૈયાર થાય છે. આમ, પુત્રમૃત્યુ ઘટના પછી દ્વારકાપ્રસાદમાં આવેલ એકાએક પરિવર્તન અને તેમની પત્નીનો સાથ દામ્પત્યપ્રેમ પ્રગટ કરે છે. લેખિકાએ અસહ્ય વેદના ધરાવતા પાત્રોના આંતર-બાહ્ય વ્યક્તિત્વને સુપેરે ખીલવ્યું છે.

અંત:વિશ્વમાં સ્ફુરતા શાબ્દિક સ્પંદનોને, યોગ્ય પાત્રરચના ને સાનુકુળ વાતાવરણ સર્જી, 'વાઈબ્રેશન' અને 'જીર્ણોદ્વાર' જેવી વાર્તાઓમાં કંડાર્યા છે. અસલ જીવનચેતના ખોઈ બેઠેલા યંત્રયુગીન સમાજજીવનની વાસ્તવિકતાને તેઓ કોઈ એક ઘટનાની આસપાસ ગૂંથીને રજુ કરે છે. 'વાઈબ્રેશન' જેવી વાર્તામાં સાત્વિક મનોભાવ વૈયક્તિક જીવનમાં કેટલો અનિવાર્ય છે તેનું નિરૂપણ બે પાત્રો દ્વારા થયું છે. વાર્તાનાયક પ્રથમેશ બ્રાગેચા ગુરુજીના સાનિધ્યમાં વાઈબ્રેશનના આવિભાર્વ માટેની સાધના આદરે છે. અને તેનું સકારાત્મક પરિણામ પણ ટ્રેનના ડબ્બામાં અનુભવે છે. વાર્તાના અંતમાં બાળકોના સામુહિક હત્યાંકાંડનું ચિત્રણ કરી લેખિકાએ વાર્તાનાયકના મનને વિચલિત કર્યુ છે. અહીં પાત્રના મનમાં બાહ્ય અને આંતરિક સંઘર્ષ ઊભો કરી રહસ્યને વધુ ઘેરું બનાવ્યું છે. 'જીર્ણોદ્વાર'માં દેવયાની બહેનની કર્તવ્યનિષ્ઠા ઉપર પ્રસન્ન થતા સ્વજનો એમના જીર્ણસ્વપ્નોનો ઉદ્વાર કરવા એકઠા મળે છે. અહીં સ્વજન ગુમાવ્યાની વેદના નથી, પરંતુ પાત્રોમાં જોવા મળતી મજાકમસ્તી આજની રુક્ષ લૌકિક ભાવનાને ઉજાગર કરે છે. દેવયાની બહેનની ઊંચી સાહિત્યરસીક્તાની સાથે સ્વજનોમાં જોવા મળતી ગુજરાતી ભાષાની ઉપેક્ષાની વાત સૂઝપૂર્વક આલેખાઈ છે. 'જીર્ણોદ્વાર' જેવું અત્યંત અર્થપૂર્ણ શીર્ષક આપી સર્જકે માનવીય સંબંધોમાં જોવા મળતું નર્યુ ખાલીપણું પ્રગટ કર્યુ છે.

સંગ્રહની બહુધા વાર્તાઓ નાયિકાપ્રધાન છે. 'સ્મૃતિલોપ', 'સુવર્ણપત્ર', 'સમજ', 'સાતમા આસમાનની ભોંય', 'શોધ', 'બે પૂર્ણવિરામની વચ્ચે', 'સાથે કોઈ છે ?' અને 'ઘટના પછી' વાર્તાઓમાં નારીમનની અનેક અકળ ગતિવિધિઓનું આલેખન જોવા મળે છે.

'સ્મૃતિલોપ' વાર્તાના કેન્દ્રમાં સમરણશક્તિ ગુમાવી બેઠેલાં બા છે, પણ વાસ્તવિકતા તો કેતકી-અબ્બાસના આંતરધર્મીય લગ્નની સૂચક છે. કેતકીની હાજરી સૂચવે એવી એક પણ વસ્તુ બા ઘરમાં રહેના દેતી નથી. બાના અલ્ઝાઈમર્સ પછી બાની સારવારમાં રોકાવા માટે આનાકાની કરતા સ્વજનોમાં પ્રજાના વ્યવહારુ ઉકેલની આંટીઘૂંટી નજરે ચઢે છે.બા હવે કોઈ જાણીતાને પણ ઓળખતાં નથી ત્યારે અબ્બાસને અહીં કેમ ન બોલાવી શકાય? ડૉકટર સંમતિ આપે છે. 'સ્મૃતિલોપ' માટે ભારે આઘાત કે પોતે કેટલી જવાબદાર છે એવી ગડમથલ પછી કેતકી હવે આ મુદ્દાને ગૌણ ગણે છે. અબ્બાસ લાંબો પ્રવાસ ખેડી એકાએક આવી પહોંચે છે. બા આગંતુકને જોતા હોય એ ઢબે એની સામે જુએ છે અને કેતકીને ઓળખાણ આપવા માટે જણાવે છે. કેતકી કંઇ બોલે એ પહેલાં જ અબ્બાસ મસ્તીથી કહે છે : "તમે જે આપશો એ મારું નામ ! તમને જ ગમે તે."(૧૮)અહીં લેખિકાએ આ વાક્ય દ્વારા સંપ્રદાયને ગૌણ બતાવી માનવીય સંબંધની ઓળખ છતી કરી છે.

'સુવર્ણપત્ર' માં પૂરની ભયાવહ અસરોને જીવનવ્યવહારમાં ઉદ્દભવતી સમસ્યાઓ સાથે સાંકળી લઇ સબળ અભિવ્યક્તિ અર્પવાની લેખકની સર્જકકળા બેનમૂન છે. ભૂતકાળ સાથે જોડાયેલી કેટલીક અમૂલ્ય સ્મૃતિઓને ખંડિત થયેલી જોઈ વિહવળ બનતી નાયિકાની મન:સ્થિતિનો ચિતાર સમગ્ર વાર્તામાં અનુભવવા મળે છે. આકસ્મિક વિપદાઓ માનવીય જીવનને કેટલું કુંઠિત કરે છે, જીવનવ્યવહારને કેટલું ત્રસ્ત કરી મૂકે છે તેનું લેખિકાએ તાદાત્મયતાથી વર્ણન કરેલું નોંધપાત્ર છે. ત્રણ પુત્રો અને પતિ સાથેની ઉપેક્ષાભરી જિંદગીમાં નાયિકાને પેલા સુવર્ણપત્ર સાંત્વનરૂપ બની રહે છે. તેના આ શબ્દો જુઓ : "આજકાલ તમે મનમાં રહો છો. કારણ-અકારણ યાદ આવો છો. થાય છે કે નિરાંતે બેસીને આપણે ખુબ વાતો-" (૮૯) પણ પુરની ભયાવહ સ્થિતિમાં ન સચવાયેલા એ પ્રેમપત્રોને કિચડમાં ગરક થતા જોઈ નાયિકાનું હૃદય દ્રવી ઉઠે છે. વાર્તાના અંતમાં અવસાદની પરિસ્થિતિ રચીને લેખિકાએ નાયિકાના વિષાદને વધુ કરુણ બનાવ્યો છે.

'સમજ' વાર્તામાં લેખિકાએ તરુણાવસ્થામાં રહેલી સ્ત્રીની પુરુષ પ્રત્યેની લાગણીનું સૂક્ષ્મતાથી સભર આલેખન કર્યુ છે. શરૂઆતમાં 'મોલેસ્ટેશન' શબ્દનું નિરૂપણ સમગ્રત: વાર્તાનો નીચોડ દર્શાવે છે. મુખ્યપાત્ર કૃપાના અંત:મન પર આ શબ્દના અર્થ વિશે, તેની વાસ્તવિકતા વિશે નિ:શંક થવાની જિજ્ઞાસા રહેતી હોય છે. મિત્ર-વર્તુળમાં થયેલી ચર્ચાથી મોલેસ્ટેશન એટલે શારીરિક છેડછાડ, અડવું-એવું જાણવા મળે છે. કૃપાના અનુભવજગતમાં ઘટેલી ઘટનાઓ તેની આ સમજને અંશત: તૃપ્તિ આપે છે પરંતુ પૂર્ણત: નિ:શંક થતી નથી. તેને સંપૂર્ણ સમજ શિરીન મેડમ પાસેથી મળે છે. મોલેસ્ટેશન એટલે " સેકસુઅલ ઓવરચર્સ, એટલે કે છોકરીને જેને લીધે જરા બી ડીસ્કમફર્ટ થાય, જેને એવોઈડ કરવાનું દિલ થાય, તે" (૪૮) વાર્તાના અંતમાં લેખિકાએ એક નવો વળાંક લીધો છે. કૃપા જેને પૂજનીય ગણતી હતી તે પિતાજીનું શ્રેયા સાથેનું વર્તન પણ તેને અણગમો પ્રેરે છે. પિતાની શ્રેયા સાથેની તમામ ક્રિયાઓનું તે સુક્ષ્મતાથી અવલોકન કરે છે. વાર્તાના અંતે કૃપાના  મુખે પડતી ચીસ તરુણીઓ ઉપર પડતી વિઘાતક અસરોને રજૂ કરે છે.

'સાતમા આસમાનની ભોંય' માં લેખિકાએ પ્રેમજીવનની સૂક્ષ્મ બારીકાઈને સુપ્રિયા અને અમિતના પાત્રો દ્વારા આલેખી છે. કોન્ટેસ્ટ જીતી ફેવરીટ એક્ટર સાથેની ઘડી બે ઘડી ટીવી પર આવવાની ક્ષણો સુપ્રિયાના હૃદયમાં ભાવભરતી ભરી દે છે. અમિત આ સમયે ચેન્નઈ છે. પરંતુ જયારે પાછો આવે છે ત્યારે આ પ્રોગ્રામની સીડી જોવાનું ગોઠવાય છે. અમિતના મનમાં ગુંચ પડે છે : " સાચેસાચ અને નકકર ઘટનાનું, અભિનય ન કરતો હોય તેવા માણસનું મૂલ્ય, પેલી આખેઆખી ઉપજાવી કાઢેલી ઘટનાની સરખામણીમાં કેટલું ?"(૨૬) અહીં પોતાની સગાઇ વખતે ગુલાબ આપવું, વીંટી પહેરાવવી અને સાથે સાથે હૃદયથી પ્રેમનું પ્રપોઝ કરવું - છતાં પણ સુપ્રિયાની આંખોમાં હર્ષાશ્રુ જોવા મળતાં નથી. જયારે આ બનાવતી એકટીંગ સામે તેનું વર્તન સાતમા આસમાનની ભોંય જેવું બની રહે છે. વાસ્તવિક જીવનથી બિલકુલ વિપરિત દ્રશ્ય સર્જીને લેખિકાએ સંબંધોનું મહત્વ દર્શાવ્યું છે.

'શોધ' વાર્તામાં આજના માનવજીવનમાં ત્રસ્ત, લાચાર સ્ત્રીની સુખ અને શાંતિ માટેની શોધ કેન્દ્રસ્થાને છે. પોતાના ત્રસ્ત દાંપત્યજીવનથી કંટાળેલી દંતિની મૈયા તરફ આકર્ષાય છે. આજના કહેવાતા ધર્મરાજ્યમાં કરાલચક્ષુ જેવા પુરુષો દ્વારા દંતિની જેવી કેટલીય સ્ત્રીઓની ઉપેક્ષા થાય છે. પોતાને સાંત્વન આપનાર મૈયાના સુખી ધર્મરાજ્યની કલ્પનામાં રાચતી દંતિનીને મૈયાના અગ્નિપ્રવેશની જાણ થાય છે. દશરથપુત્ર રઘુનંદન પર પણ અધર્મનો પ્રભાવ વધ્યો છે. તેમણે મૈયા પર સંદેહ કરી નકારી કાઢ્યા. એટલે મૈયા તેનો પ્રતિભાવ અગ્નિપ્રવેશ કરી આપે છે. દંતિની ચકિત થઇ જાય છે. "ધર્મરાજ્યમાં શું-શું સંભવી શકે એના વિસ્મીયનો રોમાંચ ફરફોલા થઈને દંતિનિના દેહ પર ફૂટી નીકળ્યો. ચચરાટની એ દારુણ પીડામાં એને માટે બાકીનું બધું જ નિરર્થક બની ગયું. એની અસહાય આંખે દૂર ઊભેલો એક ધુમાડીયો આકાર જેવો. કરાલચક્ષુ!" (૧૦૮) મૈયાની અગ્નિપ્રવેશની ઘટનાનું લેખિકાએ પ્રસંગોપાત વાતાવરણ રચીને  જે આલેખન કર્યું તે ભાવકને સ્પર્શી જાય તેવું છે. વાર્તાના મુખ્યપાત્ર દંતિનીની 'શોધ' ની વિભાવના સમગ્ર વાર્તામાં પડઘાયા કરે છે.

'બે પૂર્ણવિરામની વચ્ચે' વાર્તાનું કેન્દ્રસ્થ પાત્ર ચિત્રાંગદા જીજીના અવસાનની સંદિગ્ઘતામાં જ અટવાતી જોવા મળે છે. જીજીનું મૃત્યુ આકસ્મિક, આત્મહત્યા કે હત્યા થયું હશે તેની અસમજસતા અનુભવતી ચિત્રાંગદાની મન:સ્થિતિ આલેખાઈ છે. જીજીના મૃત્યુસ્થળની વિરૂપતા, ગૌતમ, સુબંધુ-માલતીની લાગણીહીનતા તેને ખટકે છે. વાર્તાની ઘટનાને જીજી સાથેના વ્યક્તિગત સંબધો સાથે જોડીને લેખિકાએ સંદિગ્ઘતા ઊભી કરી છે. મમ્મા, જીજી જેવી સ્ત્રીઓ નિરપેક્ષ પ્રેમના બદલે જે પરિસ્થિતિનો ભોગ બને છે તેના તરફ લેખિકાએ સારો એવો પ્રકાશ ફેંક્યો છે.

'સાથે કોઈ છે?' માં નાયિકાના મનોવ્યાપારોને કલાત્મક રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. લેખિકા એક એવા પાત્રનું આલેખન કરે છે કે જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નથી. આમ છતાં, તે પાત્ર સમગ્ર વાર્તામાં છવાયેલું રહે છે. નાયિકા લેખાબહેનના એકલવાયા જીવનમાં વિપાશાનું સહજીવીપણું જોવા મળે છે. સામે પક્ષે લાંબા સમયે પરત આવતો નિખિલ વિપાશા નામધારી ત્રીસ વર્ષની યુવતી માટે સાહજિક રીતે આકર્ષાય, ન જોયેલી હોવા છતાંય વિપાશા તરફ ઘેરાતા નિખિલ દ્વારા પુરુષોની સ્ત્રીસહજ લાલસા જોવા મળે છે. વાર્તામાં પાત્રોના ચિત્તની લાગણીને પ્રત્યેક ભાવ સાથે અભિવ્યક્તિ અર્પવાની સર્જકકળા પણ અનોખી છે.

આ સંગ્રહની શીર્ષસ્થ વાર્તા 'ઘટના પછી' માં છે અભયના અવસાન પછી રાખવામાં આવતા બેસણાની વાત તાત્વિક રીતે દર્શાવવામાં આવી છે. અભયને ચીલાચાલું લૌકિક બાબતો બિલકુલ પસંદ નહોતી એ વાત યાદ આવતા સુનંદા બોલી ઊઠે છે : "નથી રાખવી પ્રાર્થનાસભા"(૧૧૦) પણ અહીં વ્યવહારુ માણસો પોતાના અભિપ્રાયો આપતાં કહે છે: "જો બેન, અભયને ન ગમે એ ખરું પણ હવે સવાલ તારો છે. જો પ્રાર્થનાસભા નહીં હોય તો ગમે ત્યારે લોકો આવ્યા કરશે, તને જંપવા નહિ દે, ફાવશે એવું?"(૧૧૦) અહીં સ્વજન ગુમાવવાની સંવેદના એક બાજુ છે અને બીજીબાજુ રીતરિવાજોની આડશમાં ફરજ પતાવી દેવાની લાગણીહીન ઉતાવળ. અભયનાં સાત ભાઈ-બહેનોમાંથી કોઈપણ અભય જીવતો હતો ત્યાં સુધી ન આવ્યા અને હવે આવશે કે કેમ ? એવા વાહિયાત સવાલો વચ્ચે પણ અભય નથી એની પીડા સુનંદા અનુભવી રહે છે. "નથી રહ્યો તેમાં જ યાદ આવે પાછલું... પાળા તોડીને ધસતા ડૂમાને માંડ અટકાવી સુનંદા ઊભી થઈ ગઈ. મરણના ઘરમાં જ સંભવે એવો સુનકાર ઓરડાને ગળી ગયો." (૧૧૨) વાર્તાના અંતમાં બેસણા-પ્રાર્થના પછી પ્રવેશતા મોટા ભાઈનું ચિત્ર ખડું થાય છે. સુનંદાને પહેલીવાર મળે છે. અભયને પણ છેક ઓગણીસો બાણુંમાં મળેલા ત્યારે અભય- સુનંદાનાં લગ્ન નહોતાં થયાં. વર્ષો પહેલાં મોટાભાઈના આગમનની રાહ જોતાં ગાંડોઘેલો બનતો અભય સુનંદાના ચિત્તમાં છવાઈ જાય છે. અભયના ફોટા પાસે અજાણી વ્યક્તિની જેમ જઈ રહેલા મોટાભાઈ ત્યાં પહોંચે તે પહેલાં જ સુનંદા અભયનો ફોટો ઉપાડી લે છે. આ વાર્તામાં લેખિકાએ સગાંવહાલાંની જડતા અને સુનંદાની સંવેદના વચ્ચે રહેલા સૂક્ષ્મ સંઘર્ષને બરાબર ખીલવ્યો છે.

અગાઉના સાત વાર્તાસંગ્રહની જેમ 'ઘટના પછી' વાર્તાસંગ્રહમાં પણ માનવવાસ્તવને સાહિત્યવાસ્તવમાં રૂપાંતરિત કરવામાં લેખિકા કુશળ રહ્યાં છે. એમની સુસજ્જ કથની અને રચનારીતિ વિશે તો કંઇ કહી શકાય એમ જ નથી. દરેક વાર્તામાં પાત્ર પરિસ્થિતિ અનુરૂપ ભાષા સંયોજવામાં પણ તેઓ કાબેલ છે. અલંકારયુક્ત વાક્યો અને લાઘવભર્યા આલેખનથી તેમની વાર્તાઓ ભાવકચેતના પર ઊંડી છાપ છોડી દે છે :'બહારની ધગધગતી હવા હાંફળીફાંફળી અંદર દાખલ થઇ ગઈ અને પંખા નીચે બેસવાના રઘવાટમાં હોય એમ બધે અટવાવા લાગી.' (૧),'એ દીઠો એ ઘડીએ જાણે ભેજામાંથી એની ઓળખ ફૂટી પડી.'(૨૭), ' બારીમાંથી બીનાનો અવાજ કુદી પડ્યો'(૩૬), 'નીચે શહેર દોડતું હતું.' (૫૫), ' ચુપકીદીમાં રસ્તા પરના બધાયે અવાજો ઓરડામાં પેસી ગયા.'(૮૧), 'જેમનાં ઘર ભોંય પર પલાંઠી વાળીને બેઠેલાં...'(૮૬), 'મરણના ઘરમાં જ સંભવે એવો સૂનકાર ઓરડાને ગળી ગયો.'(૧૧૨) આમ, મૂળ ઘટના સાથે તાદાત્મ્ય કેળવતાં અર્થપૂર્ણ વાક્યો વાર્તાને નાવીન્યતા બક્ષે છે.  માનવમનની સંકુલતાને પ્રગટ કરતી હિમાંશી શેલતની આ વાર્તાઓ ભાવકને કલાકીય પરિતોષની અનુભૂતિ ચોક્કસપણે કરાવ્યા વગર રહેતી નથી.

*******************************************************

ભારતી  એલ. રહામણા
ગુજરાતી શિક્ષક માધ્યમિક વિભાગ
શ્રીસ્વામિનારાયણ વિદ્યા સંકુલ, વિજાપુર