Sahityasetu
A leterary e-journal

ISSN: 2249-2372

Year-3, Issue-6, Continuous issue-18, November-December 2013

“લંડનમાં પહેલો પાઠ”

સૌપ્રથમવાર લંડન ગયો ત્યારે દેડકાએ પહેલીવાર દરિયો જોયો હોય એવી હાલત થયેલી. હીથરો એરપોર્ટ પર ઉતર્યો ત્યાંથી જ લાગવા માંડ્યું હતું કે હું જુદા દેશમાં, જુદી દુનિયામાં આવી ગયો છું. દેશમાં પચીસ વરસ નોકરી કરીને ગયો હતો તો પણ આ દેશમાં નોકરી મેળવવા ઘણું નવું શીખવાનું હતું. અહીં નોકરી સરળતાથી મળતી નથી. વળી યુવાનોને પહેલી પસંદગી મળે. મારી વય અને મારી ઉચ્ચ પદવીઓને અનુરૂપ નોકરી તો ભાગ્યે જ મળે. જ્યાં જાઉં ત્યા જવાબ મળે you are over qualified ! ના પાડવાની આ એક સારી રીત ! અહીં નોકરીની શોધ કરતાં કરતાં મને મારી કારકિર્દીની શરૂઆતની મથામણના દિવસો યાદ આવી ગયા. જયારે નોકરી માટે પ્રયાસ શરુ કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે અહી કોઈ પણ પદ પર નિમણુંક કરવાની પધ્ધતિ વિશિષ્ટ છે. જે જગ્યા માટે અરજી કરવાની હોય તેની આવશ્યકતા પ્રમાણે ચોક્કસ શબ્દો પસંદ કરીને આપણે તે જગ્યા માટેની આપણી યોગ્યતા દર્શાવવાની. મિત્રોએ સલાહ આપી કે અહીં તાલીમ વર્ગો હોય છે એમાં જોડાઈ જાવ. બધું સમજાઈ જશે.

એમજ કર્યું. ‘લીપ’ (leap) નામની સંસ્થામાં જોડાયો. મારા દીકરા-દીકરીની વયના યુવક-યુવતીઓ મને તાલીમ આપવાના હતાં. એ લોકો મને નામથી જ બોલાવતા હતાં. થોડું અડવું પણ લાગતું હતું અને ગમતું પણ હતું. યુવાન હોઉં એવું લાગતું હતું. ત્રણ અઠવાડિયાનો કોર્સ હતો. સવારના બરાબર નવ વાગે પહોચી જવું પડે. સાંજના પાંચ વાગ્યા સુધી વર્ગો ચાલે. હું હેરોમાં રહેતો હતો. ત્યાંથી આ સ્થળ, કેન્સલગ્રીન, ઠીક ઠીક દુર હતું. એટલે વહેલા જાગીને ઝટપટ તૈયાર થઈને ભાગવાનું. ત્યાં જઈએ એટલે બધાં હાય- હલો કરે, હસીને મળે. બહુ સારું લાગે. ક્યારેક કોઈ આવીને ભેટે પણ ખરા અને  ત્યારે જરા ક્ષોભ થાય. ભેટવાનો આપણે ત્યાં રિવાજ નહી ને એટલે. કાર્યસ્થળે બધાના ચહેરા પ્રસન્ન જ હોય અને હોવા જ જોઈએ એવો ત્યાં આગ્રહ. પ્રસન્નતા અને ખુશીનું વાતાવરણ કાર્યક્ષમતાને વિકસાવે. કોઈ ઘડીવાર થોભે નહિ. આયોજન પ્રમાણે પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરે. કોઈને કશું કહેવું ન પડે. સૌ પોતાની મેળે નિષ્ઠાથી કામ કરે એ વાત મને બહુ જ સ્પર્શતી હતી. બેસીને ગપાટા મારવાની તક માત્ર નાનકડા વિરામમાં મળે. વિરામ વખતે છોકરા તો ઠીક, છોકરીઓ પણ સિગરેટ પીએ તે જોઈને આંચકો પણ લાગ્યો. અહીં યુવાનોમાં વ્યસનોનું પ્રમાણ ઘણું ઊંચું છે. ઘણીવાર એ લોકો મને પણ પૂછે would you like to smoke ? હું ના કહું તો બધાં હસે. એમાનું કોઈક સિગરેટ ધરીને કહે પણ ખરું “why don’t you try it ?” મને ક્ષોભ થાય એટલે હું ત્યાંથી ખસી જાઉં. પાછળથી ઠહાકો સંભળાય. એ ઠહાકાનું જરાય દુખ ના થાય, દુઃખ થાય કે દયા આવે એમની આ કુટેવ પ્રત્યેની અસભાનાતાની.

આ કાર્યશાળામાં અમે લગભગ બાર દેશનું પ્રતિનિધિત્વ કરતા અઢાર તાલીમાર્થીઓ હતાં. અમારાં બે ટ્યુટર હતાં, કર્ટીસ અને મર્લિન. બંને આફ્રિકન. પહેલા દિવસે મર્લિનના શાહુડીના પીંછા જેવા વાળ જોઈને ડરી ગયો હતો પરંતુ જેમ જેમ પરિચય થયો તેમ તેમ એ શ્યામ વર્ણની, માધ્યમ બાંધાની ઉત્સાહથી છલકાતી ચપળ છોકરી તરફ માન અને આદર થયા.  ખુબ જ વિનયી, હોશિયાર અને કર્મઠ હતી. એની વયના પ્રમાણમાં એ ઘણી પરિપક્વ હતી. થોડા દિવસ પછી એના લગ્ન થવાના હતાં. આ કાર્યશાળામાં પહેલા દિવસે સૌએ પોતાનો ટુંકમાં પરિચય આપવાનો હતો અને પોતાના જીવન વિષે કહેવાનું હતું. મર્લિન આજે એના જીવન વિષે બોલવાની નહોતી કેમકે આ શિબિરમાં વારો કર્ટિસનો હતો.

કર્ટિસ તેત્રીસ વર્ષનો મજબુત બાંધાનો છ ફૂટ ઊંચો મિલનસાર યુવક. બ્રાઉન રંગનો શુટ પહેરીને આવ્યો હતો. એના શીન્દરી જેવા બરછટ વાળ. એમાંના અડધા વાળ કેસરી જેવા રંગથી રંગેલા. થોડો વિચિત્ર લાગે પણ તેમ છતાં દેખાવડો લાગે. એના પ્રસન્ન ચહેરા પાછળ મને આછી આછી વિષાદની રેખાઓ કેમ વંચાતી હતી તે એની કથની સાંભળ્યા પછી સમજાયું. લગભગ ત્રીસેક વર્ષ પહેલા એનો પરિવાર ઇંગ્લેન્ડ આવીને વસ્યો. એનો જન્મ આફ્રિકામાં જ થયો હતો. એના પિતા ટ્રકડ્રાઈવર હતા. નશાખોર અને સ્ત્રીઓના શોખીન. કર્ટિસ જયારે છ વર્ષનો થયો ત્યારે એ કોઈ બીજી સ્ત્રી સાથે રહેવા ચાલ્યો ગયો. એ વખતે એનો નાનોભાઈ હજી જન્મવાનો હતો. કર્ટિસની માને ભારે આઘાત લાગ્યો પરંતુ એણે પરિસ્થિતિ સ્વીકારી લીધી. મહેનત મજુરી કરી ઘર ચલાવવા લાગી. ભારે કપરા દિવસો હતા. ઘરમાં ક્યારેક ખાવાનું હોય, ન હોય. અઠવાડિયામાં બે ત્રણ દિવસ નિશાળે ભૂખ્યા જ જવું પડે. શાળામાં અન્ય વિદ્યાર્થીઓના નાસ્તાના ડબ્બાઓને તાક્યા કરતો. એની મા એને ભણવાની પ્રેરણા આપતી. ઘરમાં પૈસા ખૂટે ત્યારે ક્યારેક એની માથી છાનો એના બાપને મળવા જતો. મોટે ભાગે તો એ મળતો જ નહિ. એની નવીમા એને ગાળો દઈને કાઢી મુકતી. ભૂલેચૂકે એનો બાપ મળી જાય તો દારૂ પીને પડ્યો હોય. કોઈવાર ઠેકાણે હોય તો થોડા પૈસા આપે નહીતર મારીને કાઢી મુકે. માએ બહુ દુખ વેઠીને બંને ભાઈઓને ભણાવ્યા પરંતુ જયારે કર્ટિસને સારી નોકરી મળી ત્યારે એ જોવા એ જીવતી નહોતી. એની માની અંતિમ ક્રિયામાં પણ એનો બાપ આવ્યો નહોતો. થોડા વરસ પછી એક દિવસ ઓફીસમાં જ એના બાપના મૃત્યુના એને સમાચાર મળ્યા. એ પણ એની અંતિમક્રિયામાં ન ગયો ! આ સંસ્થામાં એ પાંચ વરસથી સેવાઓ આપે છે. હમણા એનું લગ્ન કરવાનું પ્લાનીંગ નથી ! માતા-પિતાના કરુણ લગ્ન જીવનની એના મન પર ખુબ નકારાત્મક અસર પડી છે. એ કહેતો હતો કે જયારે એને લાગશે કે એ એના બાળકને સારી રીતે રાખી શકશે ત્યારે જ પરણશે. એની વાત સાંભળીને ઉદાસ થઇ જવાયું. પરંતુ હજી બીજી હૃદય વિદારક વાતો તો સાંભળવાની હતી.

તાલીમાર્થીઓમાંથી શરૂઆત મેક્સીમે કરી. સ્થૂળકાય, શ્યામ અને ઉંચી મેક્સિમ પણ આફ્રિકાની છે. બોબ્ડ હેરસ્ટાઈલ, હોઠ પર લાલ ચટ્ટક લીપસ્ટીક લગાવી હતી. સોળ વર્ષની હતી ત્યારે એની સાથે સ્કુલમાં ભણતા એક છોકરાથી એને ગર્ભ રહ્યો. ઘરમાં અને સમાજમાં હોહા થઇ ગઈ. છોકરાનું નામ જાણવા એના મા-બાપે એને ખુબ મારી પણ એણે એ છોકરાનું નામ ન કહ્યું. માબાપે ઘરમાંથી એને કાઢી મૂકી. સમાજ દ્વારા એના પર ખુબ અત્યાચાર થયો પણ એ ડગી નહિ. એણે એના બાળકને જન્મ આપ્યો. સમાજમાં એનું નામ ખરાબ થઇ ગયું હતું તેથી હવે એને પરણવા કોઈ તૈયાર નહોતું એટલે એનાથી બમણી ઉમરના એક પુરુષ સાથે રહેવા લાગી. પરંતુ એ એક દિવસ એને કહ્યા વગર ચાલ્યો ગયો. વળી એકલી પડી. જેમ તેમ કરી થોડા વર્ષો કાઢ્યા. પછી એક વેસ્ટઇન્ડિયન સાથે મૈત્રી થઇ. એની સાથે રહેવા લાગી. એનાથી એક બાળક થયું. થોડા સમય પછી એ પણ એને કહ્યા વગર ચાલ્યો ગયો ! હવે ફરીથી એકલી છે. સરકારની સહાયથી અત્યારે જીવે છે.  એ પોતાની વાત કરતાં કરતાં બહુ રડતી હતી અને  કહેતી હતી કે હું ભણી પણ નથી. હવે હું શું કરું ? ક્યાં જાઉં? હું જ મૂરખી હતી પણ હવે શું થાય ? બધાએ એને સાંત્વના આપી પણ એનું રડવાનું અટકતું જ નહોતું. મર્લિન એને ઓફિસમાં લઇ ગઈ અને એને મનોચિકિત્સકની સારવાર અપાઈ. ત્યા દરેક સંસ્થાઓમાં માનસિક સારવારની વ્યવસ્થા હોય છે.

હવે વારો હતો પ્રેમપાલનો. પંજાબી છે. મસ્તમૌલા. બધાં સાથે મસ્તી કર્યા કરે છે ને મોટેથી હસ્યા કરે છે. એની આપવીતીમા ખાસ કઈ નહોતું. ઈંગ્લેન્ડમાં જ જનમ્યો છે. બહુ ભણ્યો નથી. ગયે વર્ષે દેશમાં જઈને પરણી આવ્યો છે ને ખાસ્સું દહેજ લઇ આવ્યો છે. હમણા રોયલમેઈલમા પાર્ટ-ટાઈમ નોકરી કરે છે. સારી નોકરીની શોધમાં છે.

તબાની વેસ્ટઇન્ડિયન છે, સંગીતકાર છે. દેખાવમાં આપણા ખાખીબાવા જેવો લાગે. માથે મોટી જટા. એકદમ કાળો. અંધારામાં મળે તો દેખાય નહિ. એણે એના જીવનની વાત શરુ કરતાં કહ્યું કે “’મારે કેટલા ભાઈ બહેન છે એની મને ખબર નથી કારણકે મારા પિતાને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ હતો !! હા, મારી માતાના અમે બે ભાઈઓ છીએ’.” એને પણ એનો બાપ નોધારા મુકીને ચાલ્યો ગયો હતો અને એની માએ જ મજુરી કરીને મોટો કર્યો છે. અંગ્રેજ છોકરીને પરણ્યો છે. આર્થીક સ્થિતિ બહુ જ ખરાબ છે. કામ મળતું નથી એટલે તકલીફમાં છે. એની વાત સંભાળીને મને કે થયું લોકો પોતાની અંગત વાત, પોતાના માતા – પિતાના ચારિત્ર્યની વાત પણ કેટલી સહજતાથી જાહેરમાં કહી શકે છે !

લોઝેટે પણ કાળી છે. નાયજીરીયાની છે. નમણી છે અને સ્માર્ટ છે. પરણી નથી અને પરણવા માગતી પણ નથી. કાયદાનો અભ્યાસ કર્યો છે. એક બિઝનેસ કર્યો હતો પરંતુ સફળતા ન મળી. ફરી કારકિર્દી ઘડવા મથી રહી છે.

સોમાલિયાથી આવેલો અબ્દુલ્લા બહુ જ હસમુખો છોકરો છે પણ એની કથની ભારે પીડાદાયક છે. સોમાલિયામાં એ સ્કૂલમા ભણતો હતો. એક દિવસ સ્કૂલમાં જ હતો ને યુદ્ધ ફાટી નીકળ્યું. બે દિવસ સુધી સ્કૂલમાં જ સંતાઈ રહ્યો. બે દિવસ પછી ઘરે ગયો ત્યારે ત્યા કોઈ નહોતું. ઘરની આસપાસ લાશો પડી હતી. એમાં એણે પોતાના પરિવરના સભ્યોને શોધ્યા પણ કોઈ મળ્યું નહિ. મા-બાપ, ભાઈ- બહેનો જીવ બચાવવા એને એકલો મુકીને ક્યાંક નાસી ગયા હતાં. એ ગભરાઈને ઘરમાં સંતાઈ ગયો. સાત આઠ દિવસ બહાર જ ન નીકળ્યો. પછી ઘરમાં કઈ ખાવાનું નહોતું એટલે ના છુટકે ઘરની બહાર નીકળ્યો. ભીખ માગીને, જ્યાં-ત્યા નાનું-મોટું કામ કરીને દિવસો પસાર કરવા લાગ્યો. એકાદ મહિના પછી એણે એના કાકાને જોયા. દોડીને એમની પાસે પહોચી ગયો. કાકા પણ એણે જોઈને રાજી થયા. ઘરે લઇ ગયા અને સાથે રાખ્યો. કાકી ક્રૂર હતી અને ત્રાસ આપતી હતી. દુખ વેઠીને પણ એણે ભણવાનું ચાલુ રાખ્યું. સાથે ભણતી એક છોકરીના પ્રેમમાં પડ્યો. એક દિવસ બંને વાતો કરતાં કરતાં ઘરે જતાં હતાં ત્યા વેરાન રસ્તા પર ગુંડાઓએ ઘેરી લીધા. અબ્દુલ્લાને ઝાડ સાથે બાંધી દીધો અને એની પ્રેમિકા પર બધાએ બળાત્કાર કર્યો અને નાસી ગયા. બંને જેમતેમ કરીને ઘરે પહોચ્યા. છોકરીને એના પરિવારના લોકો દવાખાને લઇ ગયા, સારવાર કરાવી. થોડા દિવસ પછી છોકરી અબ્દુલ્લાને મળવા આવી અને કહ્યું કે ‘હવે હું તારે લાયક રહી નથી’. અબ્દુલ્લાએ કહ્યું કે ‘જે બન્યું એમાં તારો કોઈ દોષ નહોતો અને હું હજી તને ચાહું છું’. પરંતુ એ માની નહિ અને ચાલી ગઈ. આ દુઃખમાં ડૂબેલો હતો અને એવામાં એને સમાચાર મળ્યા કે એના મા-બાપ, ભાઈ બહેન જીવે છે અને ઝામ્બીયામા છે. એની મોટી બહેન ઈંગ્લેન્ડમાં છે. બધાં સાથે સંપર્ક થયો. મોટી બહેને એને ઇંગ્લેન્ડ બોલાવી લીધો. હવે એ અહીં કામ શોધે છે. અને હા, કામ હજી મળ્યું નથી પણ ફરીથી એક છોકરીના પ્રેમમાં પડ્યો છે!

નીમા મૂળ મોરેસિયસની છે. એ ભારતીય મૂળની છે. એના પૂર્વજો મહારાષ્ટ્રના પરંતુ વર્ષો પહેલા મોરેસિયસ જઈને વસેલા. આમ એનું નામ પૂર્ણિમા છે પણ ટુંકમાં સૌ એને નીમા કહે છે. માધ્યમ કદની નમણી છોકરી. કોમ્પ્યુટરમા ડીપ્લોમાં કર્યો છે. એનો ફ્રેન્ડ અહીં લંડન ભણવા આવ્યો છે એની સાથે આવી છે. થોડા વર્ષ પહેલા એના પિતા ગુજરી ગયા. આર્થીક મુશ્કેલીઓ આવી ત્યારે એના ફ્રેન્ડે એના પરિવારને ખુબ મદદ કરી. બંને હમણા પરણવાનું વિચારતા નથી. એની મોટી બહેન હીરા ઘસે છે. સારું કમાય છે પરંતુ એ વિધર્મીને પરણી છે એનું એને ભારે દુખ છે. દેશ છોડીને ભલે ગયા પણ એ કહેવાતી ધર્મની, જ્ઞાતિની માન્યતાઓ છૂટી નથી !!

ક્રિસ્ટીના ઈટાલીની છે. ‘હોટેલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ’માં એમ.એ. કર્યું છે અને હવે પીએચ.ડી કરવું છે. સ્પેનિશ, ફ્રેંચ, ઈંગ્લીશ જેવી અનેક ભાષાઓ જાણે છે. ઈટાલીના એક સંપન્ન અને રૂઢીચુસ્ત પરિવારમાં એનો જન્મ થયો હતો. . એકની એક દીકરી એટલે ભારે લાડકી. પિતા નેવીમાં મોટા અધિકારી. મહિનાઓ સુધી ઘરે ન આવે એટલે બાળપણ બહુ એકલવાયું પસાર થયું. કલાકારોને એ ધિક્કારે છે કેમકે એ સ્કૂલમાં હતી ત્યારે એક ચિત્રકારના પ્રેમમાં પડી હતી. ચિત્રકાર પરણેલો હતો અને બે સંતાનોનો પિતા હતો. બંનેએ પરણવાનું નક્કી કર્યું અને સ્પેઇન જતાં રહેવાનું ગોઠવ્યું. માએ બહુ સમજાવી પણ માની નહિ. પ્લેનની ટીકીટ બુક થઇ ગઈ. એ સમયસર એરપોર્ટ પહોચી ગઈ. પરંતુ ચિત્રકાર આવ્યો નહિ. પ્લેન ઉપાડવાનો સમય થયો. અકળાઈ. પેલાને ફોન કર્યો તો એ કહે કે ‘હું મારી પત્નીને છોડી શકું પરંતુ મારા બાળકોને છોડી શકું નહિ. સોરી !!’ ભારે આઘાત લાગ્યો. બહુ રડી. પરંતુ પછી હિંમત હાર્યા વગર ભણવા લાગી. સ્કૂલનું શિક્ષણ પૂરું કરી ઇંગ્લેન્ડ આવી. અહીં હોટેલમાં કામ કરીને ભણી. ભણતા ભણતા એક છોકરા સાથે પરિચય થયો. બંને પાર્ટનર તરીકે સાથે રહે છે. પરંતુ હવે આ સંબંધ પણ ક્યાં સુધી ચાલશે એ જાણતી નથી કેમેકે એ છોકરો હવે પોતાના દેશમાં પાછો જવા માગે છે અને એને સાથે લઇ જવા માગતો નથી ! શું થવાનું છે તે જાણે છે તેમ છતાં ઘણી સ્વસ્થ છે.

અન્ય તાલીમાર્થીઓની વાતમાં જાણ્યું કે સૌને નાનામોટા દુ:ખ હતાં. સૌથી સુખી હું જ હતો !! અલબત્ત હું એવું માનતો હતો કે મારા જેટલું દુખી કોઈ નહિ હોય. બધાને કહેતો ફરતો હતો કે ‘હું બાળોતિયાનો બળેલો છું. મારા જીવનમાં સુખ આવ્યું હોય તો એ પણ દુખના પડીકામાં પેક થઈને જ આવ્યું છે’. પરંતુ આ બધાના દુઃખ સંભાળતા લાગ્યું કે મારા દુઃખ તો સાવ મામુલી છે. દુનિયાના લોકોને કેવા કેવા દુખ હોય છે તે આજે જ જાણ્યું. દુખો વચ્ચે પણ પ્રસન્ન રહેતા, મસ્તી કરતાં એ યુવક યુવતીઓ પાસેથી મને નવું જીવન દર્શન મળ્યું, નવો પાઠ શીખ્યો.  

*******************************************************

દીપક રાવલ