Sahityasetu
A leterary e-journal

ISSN: 2249-2372

Year-3, Issue-6, Continuous issue-18, November-December 2013

જૅન્તી-હંસા સિમ્ફની : એક વિલક્ષણ પ્રયોગાત્મક કૃતિ

આધુનિક –અનુઆધુનિક સમયના સાહિત્ય અંગે સતત વિચારશીલ રહેનારા એવા અભ્યાસુ ડૉ. સુમન શાહની વિશેષ ઓળખ તો વિવેચક રૂપે છે પરંતુ વાર્તાક્ષત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. પોતાના સાહિત્યલેખનમાં તથા એ નિમિત્તે ગુજરાતી સાહિત્યમાં પુનરાવર્તિત થયા સિવાય કૈક નવું આપવાના પ્રયાસમાં તેમની  વિશેષ રુચિ જોઈ શકાય છે.એવો જ એક ઉપક્રમ  વાર્તાલેખન ક્ષેત્રે નિહાળી શકાય – એક આધુનિક પ્રયોગાત્મક કૃતિ ‘જૅન્તી-હંસા સિમ્ફની’ રૂપે. આ, પ્રેમના વિભિન્ન સ્વરૂપોની કથા છેએ સાચું કે પ્રેમ જેવા અમૂર્ત તત્વને સમયખંડોમાં વહેચીને વ્યાખ્યિત ન જ કરી શકાય પણ અહીં સમય સાથે બદલાતા જતા આ તત્વના અનિશ્ચિત રૂપોની વિભિન્નતાઓનું આલેખન સુપેરે થયેલ જોઈ શકાય છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ નવ વાર્તામાં સાંપ્રત સમયના લગ્નજીવન તથા પ્રેમના વિભિન્ન રૂપો માત્ર બે જ મુખ્ય પાત્ર જૅન્તી તથા હંસાના નિમિત્તે મળે છે. આ એક વિલક્ષણ એવી પ્રયોગાત્મક કૃતિ છે એ અર્થે કે પ્રત્યેક વાર્તામાં જૅન્તી-હંસા હોવા છતાં પ્રત્યેક જૅન્તી-હંસા જુદા છે. વળી, નર્યા રોજિંદા વાસ્તવના પિંડમાંથી જન્મેલી આ વાર્તાઓને માત્ર બે જ મુખ્ય પાત્રો પર ઊભી રાખવાની છે. સાથે એ તરફ પણ સતત તકેદારી રાખવાની છે કે વાર્તાઓ કલાના ધોરણે કેવળ ઊભી જ નહિ પણ ટકી રહે અને એ પણ કોઈ પણ પ્રકારની ભારેખમ ઘટનાઓના ઘટાટોપ વિના માત્ર સંવાદ તથા ચૈતસિક આલેખન વડે કૃતિની સફળતા - નિષ્ફળતાના મુદ્દાને બાજુએ મૂકીને ઉપરોક્ત સંદર્ભે વિચારીએ તો આ રીતે વાર્તા આલેખવાનું કાર્ય એક ‘સાહસ’ જ ગણાય . કહો કે કોઈપણ વાર્તાકાર માટે આ એક પડકાર જ લેખાય. વળી વાર્તાનાયક પોતે જ મુખ્યત્વે વાર્તાકથક પણ છે અને ક્યાંક ક્યાંક તો દ્વિ-કથન પદ્ધતિ પણ વિનિયોગમાં લેવાઈ છે. પ્રથમ વાચને અનુભવાતી સાવ સીધી –સાદી  જણાતી આ વાર્તાઓની સરળતા હકીકતમાં તો નરી આભાસી પુરવાર થાય છે. જૅન્તી ંસાનાં દામ્પત્યજીવનની દિનચર્યા વાસ્તવમાં ગૂઢ ંકુલ ભેદી તથા વેદનાપરક છે સાંપ્રત સમયના વિશિષ્ટ તથા વિચિત્ર પરિસ્થિતિમાં મુકાતા પુરુષનું પ્રતિનિધિરૂપ પાત્ર જૅન્તી છે તો હંસા પણ વિભિન્ન રૂપોને ઉજાગર કરતી સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિત થાય છે. આ બંને જીવે છ બાહ્ય રીતે સુખમય લાગે તેવું ક્ષણિક ઈર્ષ્યા આવે તેવું જીવે છે પરંતુ તે એક છલનામાત્ર છે – જાત સાથે તથા જગત સામે કહેવાતી સંવાદિતા વચ્ચે પ્રચ્છન્ન રીતે જે હાથમાં રહે છે તે તો કેવળ વિસંવાદિત પ્રેમની સિમ્ફનીનું રૂપ છે. અહીં આલેખાયેલ વિસંવાદિતા સાંપ્રત માનવઅસ્તિત્વની વાસ્તવિક વૃત્તિઓને ઉજાગર કરે છે.

‘ટૉયોટા’ વાર્તાનો કથાનાયક જૅન્તી ‘મારી પત્ની પ્રેમાળ છે’ના વિધાનથી વાર્તા આરંભે છે. જે વાર્તાન્તે ‘પણ મારી પ્રેમાળ પત્ની અહી આ ઊંઘે છે તે?’ના સંશયભર્યા પ્રશ્નાર્થ સાથે પૂરી થાય છે. આખી વાર્તામાં જૅન્તી પોતાની પત્નીની પ્રશંસા કરતો રહે છે - હંસા પ્રેમાળ છે,પતિના જમ્યા બાદ જ જમે છે, પતિને મૂકવા કમ્પાઉન્ડના ગેટ સુધી જાય છે,પતિને માનાર્થે બોલાવતી રહે છ, બનાવટની એને સૂગ છે, નજીવી એવી નાની નાની વસ્તુઓ પણ બજારમાં જઈને શ્રમપૂર્વક ખરીદી લાવે છે. હોશિયાર ગૃહિણી છે, જૅન્તીને બજારમાંથી ખરીદીનું લીસ્ટ પણ બનાવી આપે છ, ‘ખરી વાત છે તમારી‘કહી ક્યારેક ક્યારેક જૅન્તીનો સ્વીકાર પણ કરી લે છ. જૅન્તીના કમરના દુ:ખાવાની ચિંતા કરીને ‘વિન્ટોજીનો’ પણ ઘસી આપે છે. આ બધું જ હોવા છતાં દેખાતું આ સત્ય વાસ્તવમાં નરી પોકળતા છે. તે કયું વાસ્તવ છે? કમરની જમણી બાજુએ થતા દુ:ખાવા માટે હંસાને વિન્ટોજીનો ઘસી આપવાનું કહે છે ત્યાં ‘અત્યારે ઊંઘ આવે છે. જાતે જ ઘસી લ્યો’ કહેતી હંસા વિકસ ઘસવાની સલાહ આપે છ. વિકસ માઈલ્ડ હોય છે ને દર્દ સુધી જવલ્લે જ પહોચે છ. ઊંડે ઊતરીને તત્કાલ અસર કરે એવી નાયકની માંગણી છતાં ‘એવું તો નથી’ કહેતી હંસાના અવાજમાં આ વિસંવાદિતા પ્રગટ થાય છે. હંસા સૂતી વખતે કૈક યાદ આવ્યાનું કહે છે પણ વળી ભૂલી ગયાનું કહે છે. નાયકને પૂરી ખાતરી છે કે વિન્ટોજીનો તેને યાદ આવ્યું જ છે પણ ઘસી આપવાનો તેનો ઈરાદો નથી. સામે હંસાને પણ સુવાના સમયે જ બરડે મીઠી ચળ આવે છે. જે રતિરાગને પ્રગટ કરે છે. નાયકને ઓફિસમાં પેન્સિલ વડે પીઠ ખંજવાળતી ટાઇપિસ્ટનું સ્મરણ થતાં અસ્વસ્થ બની જાય છે. તે હંસાને  પ્લાસ્ટિકનું સ્ક્રેચર લાવી આપવાનું કહે છે પણ ભૂલી જાય છે. પત્ની પણ લિસ્ટમાં ઊમેરતી નથી. હંસા જૅન્તીને ડૉક્ટર પાસે નહીં પણ પેથોલોજીસ્ટ પાસે લઇ જવાનું સૂચવે છે. વિન્ટોજીનો ઘસતી હંસા નાયકમાં ઊંડે સુધી ઉતરી જવા ઇચ્છે છે પણ ત્યારે જ ‘ક્યાં દુ:ખે છે એટલીયે ખબર નથી પડતી?’ જેવા હંસાના હળવા ઠપકાથી એ ઘણે દૂર નીકળી જાય છે. વાર્તાન્તે નાયક જે સ્વપ્ન જુએ છે તેમાં રસ્તા વચ્ચે ઊભેલી, ક્યાંય ન સરતી સિલ્વર ગ્રે ટોયોટા કારના બંધ કલર ગ્લાસ નજીક ઊભેલો જૅન્તી અંદર પ્રવેશવા હવાતિયાં મારે છે. તેના જડ સ્થગિત જીવનનો નિર્દેશ ખૂબ માર્મિક બને છે . અહીં વાર્તાન્તે આવતી સ્વપ્નદ્રશ્ય અને તેમાંનો ‘બંધ’ દરવાજો પણ સૂચક પ્રતીક બની રહે છે. ગ્રે રંગ (ઉદાસી)ના બંધ અંધકારને અઢેલીને ઊભો રહેલો જૅન્તી અસ્તિત્વની વિવશતાનો કરુણ સ્થિતિનો નિર્દેશ કરે છે.

‘છોટુ’ આ સંગ્રહની સહુથી કલાત્મક વાર્તાની પ્રતીતિ કરાવે છે. અહીં વાચક સાથે કે જાત સાથે ‘વંચના’ની યુક્તિ જે રૂપે મૂકવામાં આવી છે તે પ્રશંસનીય છે. વાર્તામાં જૅન્તીની ‘ભોળી પત્ની’ એવી હંસા તથા છોટુના સંબધો સંદર્ભે પોતાની પત્નીને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ આપતો જઈ છેવટે દોષનો ગાળિયો છોટુ ઉપર નાખે છે. છોટુ પણ જૅન્તીને જળોની માફક વળગ્યો છે. પોતાની ગેરહાજરીમાં હંસાને મળવા આવ્યા કરતો છોટુ નાયકને ઉંદર જેવો, કૂતરા જેવો , ઈડિયટ જેવો કે તડબૂચની જેમ આડેધડ વધી ગયેલો લાગે છે. પોતાની હાજરીમાં હંસાને ‘ભાભી’ સંબોધતો, પાણી આપતી હંસાના આંગળા સ્પર્શતો અને પોતાના બાપનું ઘર હોય એમ સોફામાં લંબાવી દેતા છોટુને જૅન્તી ધિક્કારે છે. નાયકને હંસામાં પણ હવે કાવતરાની ગંધ આવવા લાગે છે – હંસા છોટુની સામે ગોઠવાય છે, છોટુએ પહેરેલ સફારીને વખાણે છે, છોટુના ટાણે જ પાણીનો ગ્લાસ ટ્રેમાં લાવવાનું ભૂલી જાય છે... હંસા જૅન્તીની ગેરહાજરીમાં આવેલ છોટુની વાત જૅન્તીને સંતાડ્યા વિના કરે છે પણ ‘ભઈ’ ના હોય તે ‘ભાભી’ને મળવા ના અવાય? જેવા છોટુના પ્રશ્ન બાબતે  હંસાના જવાબનું અનુમાન જૅન્તીને આ જ  રૂપે થાય છે –“અવાય અવાય, કેમ નહીં વળી!” આમ જૅન્તીને બંનેનું ‘ગોઠવાયેલું’ જ અનુભવાય. ક્રોધમાં જૅન્તી છોટુને ગામના એક નાલાયકની વાર્તા ઘડીને સંભળાવે છે. પરસ્ત્રીને ત્યાં જતા માણસ પ્રત્યે કેટલો આક્રોશ છે એ છોટુને દર્શાવા મથે છે પણ ત્યાં તો  ‘એ કરતા તો જૅન્તી ભઈ, તમે કહો છો એવા નાલાયક જાડિયાઓ સારા. બાઈની મરજી વિરુદ્ધનું તો કંઈ કરતા નથી...’ જેવા વાક્યો એના આશયને રગદોળી નાંખે છે. શંકાની પરાકાષ્ઠા તો ત્યાં સુધી પહોચે છે કે ઑફિસના પાંડેને પોતાની સ્ટેનો સાથે ઠહાકા મારતા લંચ લેતા જુએ છે તેમાં પણ હંસા અને છોટુના જ ઠહાકા સંભળાય છે. છોટુના નામનું  સ્મરણ માત્ર તેના મનને વિચલિત કરી મૂકે છે. ડહોળાયેલા મન સાથે તે રીક્ષા કરીને સીધો જ ઘેર પહોચે છે ત્યારે પહેલી ભોંઠપ એ અનુભવે છે કે ઘર આંગણે ઊભેલી રીક્ષામાંથી કોણ ઊતર્યું એ અંગે કુતૂહલ દાખવતી હંસા ત્યાં ઊભી  નથી . પોતાના જ ઘરમાં અજાણ્યા આદમી રૂપે પ્રવેશ્યાનો ભય તેને ભીતરથી ચૂંથી નાંખે છે. છોટુ નથી એ જાણ્યા પછીય એની ચોર નજર આખા ઘરમાં ફરી વળે છે .જૅન્તીને મન ‘હાશ”શબ્દ ‘ છોટુ નથી’ એમ ઘટિત થાય છે. હંસા તો સંતાઈને તાલ જોવાની અને કાવતરા ઘડવાની સલાહ પણ આપે છે પરંતુ વાર્તાની એક અતિ મહત્વની ક્ષણ એ છે કે જ્યારે પાણીનો ગ્લાસ્સ હરતી હંસના આંગળા પોતાને સ્પરેશે છે ત્યારે “હું જ છોટુ છું કે શું?”ની વિચિત્ર લાગણી જન્મે છે.વાર્તાન્તે મૂકાયેલ આ વાક્ય “એમાં નથી મારી શંકા, નથી મારો વિશ્વાસ, નથી હંસાની સચ્ચાઈ, નથી હંસાની ચીડ...’માં વાચકને  પ્રતીતિ જન્મે છે કે આ આખી વાર્તા છેવટે તો જૅન્તીના માનસપટ પર રચાયેલ છે. અંતિમ વિધાન “છોટુ, કઈ નહીં તો અમારા બેયનાં મનનાં સહિયારા ફળિયામાં ઊભો છે. આ વ્યંજના એક ઘેરી ઉદાસીભર્યા ચિત્રણને તાગે છે .સંગ્રહની કલાક્ષમ  વાર્તામાંની એક છે. છોટુ અર્થાત શંકાનો એ પડછાયો છેવટે તો જૅન્તીનો જ છે અને પડછાયો કાયાથી અલગ રહી શકતો નથી.

‘સોલો સ્વિંગ’ પણ દામ્પત્યજીવનમાં વિસ્તરેલા ખાલીપાની વાત વણાયેલી છે. વાર્તાની રચનારીતિ રસપ્રદ છે. વાર્તાનાયક જૅન્તી અને તેનો કૉમન મિત્ર જે.જે. બંને વાર્તાના કથક છે. બેશક અહીં આ દ્વિકેન્દ્રી કથનપદ્ધત્તિમાં બંને કથકનો કેમેરો પોતાના કરતા ત્રીજા પાત્ર એવી હંસાને વધુ ફોકસ કરે છે. જૅન્તી અને હંસાનો કોમન મિત્ર જે.જે છેલ્લા છ મહિનાથી અમદાવાદનો રહેવાસી થયો છે. બસ, ત્યાર થી જ તે બંને મિત્રોને વધુ ઓળખતો થયો છે. તે સતત જૅન્તી-હંસાને ઘેર આવ-જ કરે છે. જૅન્તી હંસાને પૂછે છે: “તને ગમે છે જે.જે. આપણે ત્યાં ફ્રીક્વન્ટલી આવે એ?” હંસાનો જવાબ છે: “ગમે છે.” જૅન્તીની ગેરહાજરીમાં ઘેર આવતા જે.જે. માટે હંસા “એમાં શું?” જેવા શબ્દો કહે છે. આ શબ્દો જૅન્તીને પણ ‘પ્રોપર વર્ડ’ લાગે છે. એટલું જ નહિ, તે તો જે.જે.ને પણ સામેથી જ પૂછી લે છે : “જે.જે. તું હંસાને ચાહે છે?” ને પછી ‘કેરી ઑન ‘ કહીને વાત વાળે છે. અહીં પ્રથમ દૃષ્ટિએ જૅન્તી તદ્દન નિખાલસ પતિ લાગે છે. કદાચ તેના આવા વર્તન પાછળનું કારણ એ જ છે કે તે પત્ની હંસાની નજરે સંકુચિત અને ‘પરંપરાગત’ પતિની વ્યાખ્યામાંથી બહાર રહેવા ઇચ્છે છે. આજના સાંપ્રત સમયમાં તો આ બધું ચાલ્યા કરે! હાઈ પ્રોફાઈલ લાઇફમાં આવા લફરાં અને વાતો એક રીતે પ્રતિષ્ઠાનો હિસ્સો બની ગયો હોય તેમ –“એમાં શું?” અને પતિના જન્મદિનના આગલે દિવસે “હંસા, આઈ ડોન્ટ માઈન્ડ અવર જે.જે. તને તો ખબર છે” કહે છે. પણ વાસ્તવ કેવું છે? દામ્પત્યજીવનની વિસંવાદી સિમ્ફની કેવી રચાય છે? ‘ગૃહિણી’ રહેવામાં મજા છે એમ કહેતી હંસા જૅન્તીને ટ્રાફિક સિગ્નલ પર થતી લાઈટ જેવી વિચિત્ર લાગે છે. ભીડ હોય ત્યારે હંસાને ‘ચૂંથારો’ થાય છે એની ખબર જે.જે.ને છે ,જૅન્તીને નહીં. સર્જકે અહીં ખૂબ સાંકેતિક રીતે કહ્યું છે કે પતિ સામે હંસાએ પોતાનું અંતરંગ ખોલ્યું નથી.., વાતો વહેંચી નથી. એક છત નીચે રહેવા છતાં બંને જોજનો દૂર છે. જૅન્તીને પ્રયત્નપૂર્વક પોતે હંસાનો ‘ઓનરેબલ હસબંડ’ છે એમ જાતને સતત યાદ અપાવ્યા કરવું પડે છે. મજાકમાં છતાં પોતાની સાથે રહેતી પોતાની પત્ની ખુશ છે કે નહીં તે વિશે જે.જે.ને પૂછવું પડે છે. હંસા જૅન્તીને ચુંબન કરી સ્પર્શે છે, જ્યારે જૅન્તી સાથેની તેની રાતો નદીના બે કિનારા જેવી છે. હંસાનાં વસ્ત્રોમાં ઘુસી ગયેલા ફૂદાને લઈને જૅન્તી મજાકમાં કહે છે: “હાઉ કૂડ હી ધેટ?” અને હસીને જવાબ આપતી હંસા કહે છે: “હી કૂડ, બિકોસ યુ કૂડન્ટ...!” અહીં અતૃપ્તિના સંકેતો સ્પષ્ટ જોઈ શકાય છે. પોશ અરિયામાં ફ્લેટ ધરાવતા, ઈરાની કાર્પેટથી લઈને તમામ પ્રકારના સુખવૈભવમાં રાચતા જૅન્તી-હંસા પણ સતત કૈક ખોળતા રહે છે. સાથી હોવા છતાં જીવનના ‘સોલો સ્વિંગ’માં ઝૂલતા રહે છે.

જેમાં ભારોભાર નાટ્યાત્મક શક્યતાઓ રહેલ છે તેવી ‘સોમપ્રસાદ મંગળપ્રસાદ બુદ્ધિપ્રસાદ’ વાર્તા નવ્ય રૂપે પ્રગટતી માણસની લઘુતાગ્રંથિને તાગે છે. પ્રમોશન મેળવવા માટે, બોસને વહાલો થવા જૅન્તી જામનગર જાય છે અને ત્યાંથી પરત થઈ ઘેર આવીને તે હંસાને જામનગરમાં બનેલી ઘટના સંભળાવે છે. જૅન્તી પોતાના ત્રણ મિત્રોની વાત કહે છે. જેમાં સોમપ્રસાદને પોતાની યોગ્યતા હોવા છતાં પ્રમોશન મળ્યું નથી. તે મંગળપ્રસાદથી સિનિઅર છે અને છતાં મંગળપ્રસાદને પ્રમોશન મળ્યું છે જે તેને અસહ્ય બને છે. આથી તે બુદ્ધિપ્રસાદની હાજરીમાં ઓફિસમાં જ  મંગળપ્રસાદનું ડોક મરડીને ખૂન કરી નાંખે છે. હંસા સમક્ષ જૅન્તી પોતે જ બુદ્ધિપ્રસાદ હોવાની વાતનો ખુલાસો કરે છે.  તે કહે છે કે આ નામ તેનું નાનપણનું નામ છે. ટુકડે ટુકડે આખી ઘટના આગળ ચાલે છે. જૅન્તીને લાગે છે કે મંગળપ્રસાદના ખૂનમાં અજાણતા પણ પરોક્ષ રીતે તેનો પણ હાથ છે જ કારણ કે ડોક મરડીને મારી નાખવાની પ્રયુક્તિ પોતે જ સોમપ્રસાદને  કહી હતી. જેનાથી પ્રેરાઈને તેને આ ખૂન કર્યું છે.પણ ‘પોતે ‘વાઘ’ છે માટે કઈ થવાનું નથી’ની પ્રતીતિ હંસાને કારાવા મથે છે પણ વાસ્તવમાં તો ભયભીત થયેલી પોતાની જાતને જ આ ભ્રમ હેઠળ સંતાડવા ચાહે છે .આ વાર્તાની મજા તો ત્યાં છે કે જામનગરવાળી આખી ઘટના વાસ્તવમાં તો જૅન્તીના માનસની જ નીપજ છે. સર્જકે અહીં કપોળ કલ્પિત પ્રયુક્તિનો આશ્રય લઈને વાર્તાને વધુ ગર્ભિત બનાવી છે અને આ  કીમિયો સફળ પણ નીવડ્યો છે. હકીકતમાં તો જૅન્તીને પોતાને અંદરથી સતત થયા કરે છે કે પોતે પ્રમોશન માટે લાયક હોવા છતાં તેને પ્રમોશન મળ્યું નથી. એ માટે તેની બદલી થવાની પણ સંભાવના છે. વાર્તામાં ક્યાંય મુખર રીતે કહેવાયું નથી કે જૅન્તી જે કંઈ કરે છે તે તમામ ક્રિયાકલાપ એક ફેન્ટસી છે. સર્જકે હંસાના વિધાનોમાં કેટલાંક સંકેતો મૂક્યા છે. વાર્તાની વ્યંજના ઊંડાણસભર છે. એક સસ્પેન્સ થ્રિલરનો રસ સાદ્યંત જળવાઈ રહે છે. ‘સોલો સ્વિંગ’ વાર્તામાં જે.જે. કહે છે તેમ જૅન્તી પણ જાણે છે કે પોતાના કરતા પોતાની પત્ની વધુ ચાલક છે, હોશિયાર છે. પોતાની તમામ નબળાઈઓને જાણે છે. ભીતરથી સતત લઘુતાગ્રંથિ અનુભવતો જૅન્તી પોતાની વંધ્ય નિષ્ક્રિયતાને સંતાડવા મથે છે. કદાચિત એટલે જ  મંગળપ્રસાદમાં પોતાના બોસનું રૂપ આરોપિત કરે છે. સોમપ્રસાદ એ તેનું એક રૂપ છે જે અન્યાયી થયેલ છે અને બુદ્ધિપ્રસાદ એ તેનું જ બીજું સ્વરૂપ છે જે દમિત ઈચ્છાઓનું  વાસ્તવિક રૂપ છે. પોતાને સાબિત કરવાની યાતના પીડે છે. એ માટે  જે ‘બુદ્ધિપ્રસાદ’નું કાલ્પનિક રૂપ ધારે છે. અને નામ પણ જુઓ , કેવું પસંદ કર્યું છે! ઘર તથા બહાર બંને જગ્યાએ પોતે ‘બુદ્ધિ’ ધનનો માલિક છે એમ સહુને દેખાડી દેવાની હોંશ છે. ખરેખર તો પોતે કઈ જ કરી શકતો નથી , ભીરુ છે માટે પોતે ઘડી નાખેલી આ ઘટના વડે તે પોતાની દમિત ઇચ્છાઓને ઉજાગર કરવા ચાહે છે પણ ત્યાંય તેનું અસંતોષી તથા ભીરુ હદય જ પ્રગટ થાય છે કારણ કે પોતાની ઉપજાવી નાખેલી સમગ્ર વાતમાં ય પોતે ખૂન કરી શકતો નથી , માત્ર ઉશ્કેરણી કરીને વ્યર્થ સંતોષ મેળવે છે. વળી, વાર્તાના અંતે બોલતો ‘વાઘ’ શબ્દ પણ એની ભીતરની ભીરુતાને જ છતી કરે છે. એક સાથે અનેક રસની અનુભૂતિ કરવાતી વાર્તામાં વાચકને પણ જૅન્તીએ ઉપજાવી નાખેલી વાતમાં હંસા જેટલું જ કૂતુહલવૃત્તિ જન્મે છે. જૅન્તીના ચૈતસિક સંચલનોને સર્જકે તેની શારીરિક ચેષ્ટાઓ વડે બખૂબી આલેખ્યા છે.

‘ઉચ્ચન્ડ સફેદ કેરીઓ’ વાર્તા ‘છોટુ’ વાર્તાનો ભાવવિસ્તાર લાગે છે. જોકે એ સ્વીકારવું રહ્યું કે નિરર્થક લંબાણને લીધે ‘છોટુ’ જેટલી કલાત્મક વાર્તા બની શકી નથી. ‘છોટુ’ રૂપે જૅન્તીના માનસમાં વ્યાપ્ત એવી શંકા વૃત્તિનું કાલ્પનિક રૂપ નિરુપાયું છે તો અહીં જૅન્તી અને હંસા એમ ઉભયના મનમાં પ્રવેશતા અન્ય પાત્રો તેમના લગ્નજીવનમાં એક પ્રકારની અસ્વસ્થતા ઊભી કરે છે. આ અસ્વસ્થતા તેની દૃષ્ટિમાં પણ દેખાય છે એટલે જ તેને દુનિયા ઊંધી લાગે છે. કહો કે તેની વિકૃત મનોવૃત્તિના વરવાં રૂપોને તે જુએ છે તેથી જ તો તેને કેરીઓ સફેદ રંગની દેખાય છે, પૃથ્વી સુકાઈને માખણના લોંદા જેવી લાગે છે. પોતાની અસ્વસ્થતા એ હદે વિસ્તરે છે કે તે હંસાને ગાળો આપે છે અને પોતાની જાતને ઉંદરમાં રૂપાંતરિત થતી જુએ છે. જૅન્તીને મળવા આવતી મધુરિતા કે હંસાને મળવા આવતો મનમોહન લગ્નજીવનના બેસુરા રાગને આલાપે છે. બંને આ પ્રકારની ખંડિતતાનો અનુભવ કરે છે પણ વક્રતા તો એ છે કે ઉદભવેલી  આ પ્રકારની વિછિન્ન્તાના મૂળ કારણ પણ તેઓ પોતે છે. ‘ફેલિફિતુર’ વાર્તામાં પણ જૅન્તીના અસ્વસ્થ માનસના પ્રતિબિંબો તેના વર્તન વ્યવહારમાં જોઈ શકાય છે. બહારગામ ગયેલી હંસાને કારણે એકલો પડેલો જૅન્તી ક્યાંક અસ્થિરતાનાં રૂપને પ્રગટ કરતો પણ અનુભવાય છે. આરંભે મામાના મૃત્યુનું દુઃખ સતત વાગોળ્યા કરે છે અને તરત પોતાના શરીરને પણ આ જ રીતે એક દિવસ અગ્નિમાં નાખી દેશે એ વિચારે એ ભય અનુભવે છે. આ ભય આપણને તેની વિચારક્રિયાઓમાં જોઈ શકીએ છીએ. ભોજન ચાવવાના વિચારો કે પંખીઓની પાંખોનો ફડફડાવાનો અવાજ પણ તેને ભયગ્રસ્ત બનાવે છે. આખી વાર્તાની  ચાવીરૂપ ક્ષણ  એ લાગે છે કે આરંભે હંસાના જવાથી વિવિધ પ્રકારના ભયની કલ્પનાઓ કરતો જૅન્તી પછીથી એ જ હંસાના જવાથી એક રીતે રોજિંદા વાસ્તવની એકવિધતાથી છૂટીને કૈક મોકળાશનો અનુભવ કરે છે. કૈંક ભારણ ખસી ગયાથી હળવુંફૂલ બની જવાતું એને લાગે પણ છે. “ડાહ્યા છોકરાની પતંગ જેવું સાવ સીધું સટ જીવન’’માં આ નિમિત્તે પણ કૈક નવો સંચાર થયો હોવાનું અનુભવે છે... પણ સમગ્ર વાર્તાની વક્રતા તો એ છે કે વાર્તાને અંતે પરત ફરતી હંસાથી જ આધાર મેળવતો પ્રતીત થાય છે . જે એકધારાપણાથી છૂટી ક્ષણિક મોકળાશનો અનુભવ કરે છે પણ આખરે તો એ જ  રોજિંદુ વાસ્તવ જ એને આધાર આપનારું બને છે. ભલે તે વાસ્તવ માણસને સ્વીકાર્ય હોય કે અસ્વીકાર્ય...!

‘મજાનો ડખો’ વાર્તામાં સર્જકે ‘ડખા’ની વક્રોક્તિ જે રીતે સાધી છે તે રસપ્રદ છે. ત્રણ મિત્રો સ્ત્રી વિષયક પ્રેમ અને શરીર સંદર્ભે ચર્ચા કરે છે. ત્રણે મિત્રોની માન્યતા ભિન્ન છે, દૃષ્ટિકોણ અલગ છે. જૅન્તીના મિત્ર કાંતિને બીજી સ્ત્રી સાથેના આડા સંબંધથી જ પત્ની સાથેના પ્રેમમાં મજા મળે છે. મિત્ર શાંતિ આવા દૃશ્ય જોવામાત્રથી પણ મજા આવાની કબુલાત કરે છે. જૅન્તીનું મંતવ્ય આ બંનેથી વિપરિત છે. પોતાના જીવનના આ પ્રકારના પ્રેમ માટે તેને આવા બાહ્ય અનુભવોની કોઈ જરૂર નથી. છતાં આ પ્રશ્નની વધુ ચર્ચા માટે, ઉકેલ માટે પોતાના મિત્રોના આગ્રહવશ શરદપૂનમે મળવાનું નક્કી કરે છે પણ હંસાને નહીં જ ગમે એવો હંસાનો વિચાર કરીને તેની આ પ્રકારની ચર્ચા માટે મળવા તેનું મન માનતું નથી અને પરિણામે તે ના પડી દે છે. છતાં પત્ની હંસા સાથે ચર્ચા કરવાનું વિચારે છે. અહી ‘મજાનો ડખો’ શીર્ષક વ્યંજનાસભર છે. પ્રેમની આ પ્રકારની ચર્ચા એ મજાનો ડખો નથી પણ આ ડખો તો જૅન્તી અને હંસાના લગ્નજીવનમાં છે તે વિષય છે. મજા વિશેનો હંસાનો પોતાનો દૃષ્ટિકોણ તેની ધારણાથી  તદ્દન જુદો છે. હંસાને આવી વાતોમાં મજા ન જ પડે તેવું માનેલા જૅન્તીને જયારે હંસા કપોત  યુગલની વાત કે કામવાળીની વાત મજા લઇ લઈને શરમાતા શરમાતા કરે છે ત્યારે જૅન્તીની ભ્રમણા ભાંગે છે. જૅન્તીના જીવનમાં નવા ડખાનો પ્રવેશ થાય છે પણ એ તેની માટે ‘મજાનો’ નથી જ..! એ જ રીતે ‘ચાહવું’ એટલે ‘ચાહવું’ વાર્તામાં હંસા વિનાનો જૅન્તી હંસા વિનાના અવકાશમાં, પોતાના પડછાયામાંથી હંસાને ગમે તે રીતે શોધી નાખવાના – મળી જાય એ માટે વલખે છે. વંધ્ય શૂન્યતાની આ ક્ષણોમાંથી છૂટવા તે હંસાની ડાયરી વાંચે છે. આ ડાયરીમાં ‘એ’નો નિર્દેશ થયેલ છે . ‘એ’ એ બીજું કોઈ નહિ પણ જૅન્તી જ છે. હંસાનું ચાહવું સહજ છે. ચાહવાનો પર્યાય માત્ર ચાહવું જ હોઈ શકે પરંતુ જૅન્તીનું ચાહવું હંસાથી અલગ છે, એની રીતિ જડ છે. જૅન્તીને જયારે ખાતરી થાય છે કે ડાયરીમાં ‘એ’ને  ‘ઠૂંઠા’ જેવી ઉપમા અપાયેલ છે અને ‘એ’ એ જૅન્તી જ છે એ જાણ્યા પછી એમાં આ પ્રકારની ઉલ્લેખાયેલ વાતોથી વિષાદ જન્મે છે, વેદના વિસ્તરે છે. વાર્તાન્તે મૂકાયેલ વિધાન “ચાહવું એટલે ચાહવું: પછી મારાથી સહેજ હસી પડાયું. એ જો કે ખાસ ફિક્કું ન્હોતું” કૈક અંશે જૅન્તીના જીવનના હકારાત્મક અંશ બાજુ પ્રગટ કરે છે.

બેશક, આ વાર્તાઓ એક ‘વિલક્ષણ’ પ્રયોગરૂપે જન્મી છે એમ લેખું છું ત્યારે પણ કૃતિમાં ક્યાંક ક્યાંક પ્રવર્તતી શિથિલતા સંદર્ભે નોંધવું ઘટે કે અહીં નિરુપાયેલ ભાવવિશ્વ મહદઅંશે વૈવિધ્યસભર અનુભવાતું નથી. મોટા ભાગની વાર્તાઓ સાંપ્રત જીવનની એકલતા, ખાલીપા, અવિશ્વાસ તથા વિસંવાદિતાને પ્રગટ કરે છે. ‘ટૉયાટો’, ‘સોલો સ્વિંગ’, ‘ઉચ્ચનડ સફેદ કેરીઓ’, ‘છોટુ’,‘ચાહવું’ એટલે ‘ચાહવું’ જેવી વાર્તાઓ આ સંદર્ભે નોંધી શકાય. ક્યાંક ભીતર કોઈ વૃક્ષની જેમ વિસ્તરતી જતી વંધ્ય શૂન્યતામાં કઈ જ ન કરી શકવાની ઉદભવતી વિવશતા છે જે ‘ફેલિફિતુર’ જેવી વાર્તા સંદર્ભે નોંધી શકાય. ‘સોમપ્રસાદ મંગળપ્રસાદ બુદ્ધિપ્રસાદ’ કે ‘ઇસ્કોતરો’ જેવી વાર્તાઓમાં નિરર્થક લંબાણ પણ વર્તાય છે એ ખરું, પણ  નર્મ–મર્મ સંવાદો વડે સાંપ્રત સમયના માણસના ચહેરાને ઉજાગર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે એ કહેવું ઘટે કે આ વાર્તાઓની સાર્થક અભિવ્યક્તિ આધુનિક ગુજરાતી વાર્તાસાહિત્યમાં એક નવું પરિમાણ ઉમેરે છે.

****************************************************

ડૉ.પન્ના ત્રિવેદી,
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.