Sahityasetu
A leterary e-journal

ISSN: 2249-2372

Year-3, Issue-6, Continuous issue-18, November-December 2013

નમણી નારીનો નવીન પરિવેશ: “ મૅડમ ”
લે. શ્રી કેશુભાઈ દેસાઈ

ડૉ. કેશુભાઈ દેસાઈ મહાનવલ લખશે ? લખી શકે ? એ તો કેમ કહી શકાય કે તેઓ એક કે તેથી વધુ મહાનવલ સર્જશે ? આપણે કેવળ તેઓની સર્જનલીલાની આ ઘડીએ એવી શુભેચ્છા જ દર્શાવી શકીએ અને દર્શાવીએ ! પરંતુ ખાતરીપૂર્વક એ જરૂર કહી શકાય કે આ લેખક મહાનવલ રચી શકે, કારણ પુરાવો દ્રષ્ટિ સમક્ષ જ છે : ‘મેડમ’. લગભગ પાંચસો પાનાંની આ દીર્ઘ નવલમાં જ મહાનવલનાં બીજ પડેલાં છે. કારણ કે આટલો પ્રલંબ કથાપ્રવાહ વહાવ્યા પછી પણ, લેખકે આ કથા ઉતાવળે કે અધૂરે આટોપી લેવી પડી છે. ભલે જેવી સર્જકની ઈચ્છા ! આ બધી શક્યતાઓને બાજુ પર રાખી કથાને આસ્વાદીએ.

નાયિકા કોઈ ચીલાચાલુ, નટખટ રૂપવતી, કોડભરી કિશોરી કે યુવતી નથી. નાયક સિનેમાના હીરો જેવો પ્રેમમાં પાગલ બની, પ્રમદાને પામવાના પુરુષાર્થનાં પ્રકરણો કે પ્રસંગો પ્રસ્તુત કરતો નથી. સ્ત્રી-પુરુષ સંબંધોની કથા હોવા છતાંય આ પ્રણયકથા નથી, એટલે કે એમાં શૃંગાર સ્વલ્પ જ છે, એથી ઊલટું, કરુણારસનો સાગર ઘૂઘવે છે. ઉપનાયિકાનું પાત્ર વિચિત્ર, વિલક્ષણ તથા ‘અવળચંડું’, જે આટલી દીર્ઘ રચનામાંય સાવ અવિકસિત જ રહી જાય છે. આટલા પ્રસંગોની હારમાળા, જીવસટોસટની પ્રસંગયાત્રા છતાં, મુખ્ય કથા કેવળ ઉપસંહારરૂપે આટોપાય છે. કોઈ બળવાન, કુટિલ ખલપાત્રના અવરોધ વિના જ અહીં લગભગ તમામ પાત્રોનાં જીવન છિન્નભિન્ન બની રહી જાય છે, અથવા તો જે નવજીવન પામે છે એની કોઈ કથા જ અત્રે નથી કહેવાની. ઈતર પાત્રોમાં બાવાજી તથા અરુણાબહેન ઉભય પણ વિચિત્ર ખોપરીઓ જ છે. બાકી રહ્યા આચાર્ય, જેમનું કથામાં કોઈ જ કર્તૃત્વ જ નથી. વાસ્તવમાં આ નવલ રચનાની ખૂબી એ જ છે કે, એમાં ઘટનાપ્રવાહની કરુણ-વિલક્ષણ ગતિમાં કોઈ એક યા બે પાત્રોનું નિર્ણાયક કર્તૃત્વ જ નથી. બધા જ પાત્રો કેવળ પોતપોતાની રીતે જ  ગતિ કરે છે, અને એના સહજ-અસહજ પરિણામને પામે છે. આ નવલમાં પતિ પત્નીનું- પત્ની પતિનું, માતા પુત્રીનું, ખલપાત્ર કોઈ યુગલનું કે મુખ્ય પાત્ર-પાત્રોનું ભાવિ ઘડતું-વણસાડતુંય નથી, ફક્ત પ્રકૃતિએ સર્વ ગતિને કે અગતિને પામે છે. લેખક કબૂલે છે તેમ, જાણે કથાનો ડોર તેઓ અમુક તબક્કા બાદ છૂટો જ મૂકી દે છે. આમ ‘મૅડમ’ ગુજરાતી સાહિત્યની એક ઉલ્લેખપાત્ર વિશિષ્ટ રચના સિદ્ધ થાય છે.

પાત્રો સામાન્ય નથી. નાયક-નાયિકા કથાના પ્રારંભ પૂર્વે જ જ્ઞાતિના રીતરિવાજ મૂજબ પરણેલા છે. એટલું જ નથી, નાયિકા પત્નીનો પિયરમાં લગ્નેતર પ્રેમસંબંધ વિકસ્યો છે. અને સગર્ભા બની ચૂકી છે. એય કથારંભ પૂર્વે ! હવે કથા કરવાનું જ ક્યાં રહે છે ? અને છતાં આ વિલક્ષણ રચના લગભગ પાંચસો પાનામાં અનાયાસે પ્રસરે છે, કદાચ અધૂરી આટોપાય છે એ જ તો આ સર્જકની આગવી કલ્પનાલીલાની ખૂબી છે ને !

કથાનાયક ત્રણ ત્રણ ભવ્ય-વિલક્ષણ નારી પાત્રો વચ્ચે કદાચ નિષ્ક્રિય અને નિ:સત્વ લાગે, પરંતુ એના જ અજોડ ‘પુરુષાર્થ’ આ કથા આવી સર્જાઈ શકી છે. કારણ કે ગમે તેવો માયકાંગલો લાગતો એ પુરુષ ભાવના તથા ત્યાગમાં અજોડ ધીરોદાત્ત છે. એમાંથી જ આ કથાનાં બે મુખ્ય સ્ત્રીપાત્રો યથેચ્છ વિહરે છે અને વિકસે છે. આ પુરુષને પૂરો અધિકાર છે, છતાં તે પુરુષસહજ કઠોર, નિર્દય વ્યવહાર આચરતો નથી.જો કોઈપણ તબક્કે તે સામાન્ય પુરુષ ક્ષણભર પણ બની રહ્યો હોત, તો ત્યાં જ કથા ટૂંપાઈ જાત. આમ એક નિર્બળ નાયકના હાથમાં કથાનો મુખ્ય દોર સોંપી દઈને, લેખક ડૉ. કેશુભાઈએ કેવળ કમાલ કરી છે.

જેનાં લગ્ન થઈ ચૂક્યાં છે એવી મુગ્ધ કલાવતી ગામના કોઈ યુવક ( જે કથામાં પ્રગટતો નથી ) સાથેના લગ્નેતર પ્રેમ-સંબંધથી ગર્ભવતી બની છે, એની જાણના હાહાકારથી જ કલીના ખાનદાન પિતા મરણશરણ થઈ જાય છે. એ સાથે એકની એક સંતાન એવી કલી નિરાધાર બની જાય છે, એક જ વિકલ્પ સાથે કે હવે પોતેય મરવાનું જ છે. માતા તો તે શિશુવયે જ ગુમાવી બેઠી છે. કલી ઝાઝી આશા કે ઉત્સાહ વિના જ વળી એક બીજો વિકલ્પ અજમાવી જુએ છે : તે પતિને એક હ્રદયવેધક પત્ર પાઠવે છે.

મુશ્કેલીમાં છું...બચાવવી હોય તો બચાવી લેજો...તમારાથી છાનું રાખ્યું નથી, એટલો સંતોષ લઈને મરીશ...ભયંકર ભૂલ થઈ ગઈ છે...પણ તમે ભણેલા માણસ છો, કદાચ મને માફ કરી પણ લો. ચોમેર અંધારું છે...હું તમારી આજ્ઞા વગર આપઘાત નહીં જ કરું. મને વહેલામાં વહેલી તકે તેડી જજો...તો મારી બાંધી મૂઠી સચવાઈ જશે. એકવાર મને તમારો ઉંબરો દેખાડો બસ, બીજી જ પળે મારી ઠાઠડી નીકળવાની હશે, તોય મને પરવા નથી. જીવવાનો નહિ, મરવાનો હક્ક માગું છું.” (પૃષ્ઠ ૨૪-૨૫) 

- તમારી જનમોજનમની દાસી
કલાના પ્રણામ

હજી જેની સાથેની સોહાગરાત પણ બાકી છે એવી પત્ની અહીં પોતાના વ્યભિચારની કબૂલાત પાઠવે છે અને કેવળ બધાંની જ આબરૂ સચવાઈ રહે, એટલા જ ખાતર પોતાને એકવાર તેડી જવા તે પતિને વીનવે છે. ત્યારબાદ હત્યા કે આત્મહત્યા માટે તે તૈયાર જ છે. એક અબુધ, અપરાધી ગ્રામ યુવતીના મનમાં કેટલા ટકા એવી શુભાશા હોઈ શકે કે આવી પરિસ્થિતિમાં પતિ તેને અપનાવી લેશે ?

પરંતુ સમગ્ર કથા દરમિયાન નમાલા જેવો લાગતો આ નાયક ખરેખર એક વિરલ વીરનર સાબિત થાય છે. તે તત્કાળ પત્નીને તેડવા એકલો જ પોતાના જ ભેંકાર સાસરિયે આવી રહે છે. જ્ઞાતિના રિવાજ મુજબ આવું પગલું ધૃષ્ટ, અવ્યવહારું તથા મૂરખ, બંડખોર ગણાય. કલીનાં બધાં સગાં વિરોધ કરે છે, વંકાય છે, અંતે લાચાર બની જતાં કટુ ગાળો દે છે. આવા સમાજવિરોધી પગલાને નફ્ફટ ને અભદ્ર કહી અવરોધવા મથે છે. પણ નાયક મક્કમ જ રહે છે, તે જાણે છે,

કલીને બચાવવી હોય, તો ફક્ત એ જ રીતે બચાવી શકાય...હુંય આખરે માણસ છું.”(પૃષ્ઠ ૨૪,૨૫,૨૭)

અને કલીને તેડીને-ભગાડીને તે પોતાને ગામ માતા પાસે એને લઈ આવે છે. નાયકના સગાંએ એ જ રૂઢિચુસ્ત સમાજનાં હોઈ, કસોટી કરે છે. પરંતુ બા ભલી, પ્રેમાળ માતા છે. નાનકડી નણદલ નંદુ તો કશુંય સમજવાય અસમર્થ છે. આમ મામલો પતી જાય છે અને માસ્તર કલીને લઈને પોતાને નોકરીને ગામ દેવનગર પાછા ફરે છે- કેવળ માનવતાને નાતે.

નાયકની મનોવેદના, યાતના આપણે સહેજે કલ્પી શકીએ, જે લેખકે તીવ્રતાથી આલેખી છે છતાં ધન્ય છે એ પુરુષને કે જે કદાપિ પોતાની આવી મનોદશા વ્યક્ત કરતો નથી, કલીને શાબ્દિક કે શારીરિક પીડા આપતો નથી, મનોમન સળગી રહ્યો છે, છતાં કલીને તો આશ્વાસન જ આપતો રહે છે, અને હસતે મોંએ જીવનનું આ નીરસ, નિરહેતુક, કેવળ બોજરૂપ એવું ગાડું બરાબર હાંક્યા કરે છે. આવો નાયક સર્જીને સર્જકે એક કાંકરે બે રૂપાળાં પક્ષી ભાવક સમક્ષ પ્રસ્તુત કર્યાં છે. ગુજરાતી નવલકથા સાહિત્યનો એક અજોડ નાયક જન્માવ્યો છે અને બીજું, કઠોર પુરુષજાતને પરોક્ષ બોધપાઠ આપ્યો છે કે, ઉદારતા અને માનવતા શું ચીજ છે ! આવી વિષમ પરિસ્થિતિમાં શિક્ષિત, વિચારશીલ, દયાળુ-કરુણાવાન પતિ શું કરે ? તેણે શું કરવું ઘટે ? આમ છતાં આટલો મહાન માનવતાધારી નાયક આ કથામાં જરાય પ્રભાવક કે અન્યથા નિર્ણાયક બનતો નથી, ઘણે અંશે એ નિષ્ક્રિય, નિર્બળ માણસ જ રહે છે. અલબત્ત, તે અદભૂત, નાજૂક મનભર તથા પુરી સફળતાથી ધારા સાથે લગ્નેતર પ્રેમ જરૂર કરી જાણે છે. પરંતુ એ પણ અલપ-ઝલપ જ વર્ણવાયો છે અને વળી એમાંય ઘણે અંશે તેની લાચારી જ પ્રવર્તે છે. આને આપણે લેખકની ખૂબી કહીશું કે ખામી ? જે કહો તે આપણને તો એમાં કલાત્મક ખૂબ જ પ્રતીત થાય છે – પતિતા કલાના પતિની !

દેવનગર આવીને કલી પોતાના પતિનું ઘર માંડે છે. પોતાના ઘોર, અક્ષમ્ય અપરાધથી એ એટલી તો પીડિત તથા દયામણી બની ચૂકી છે કે, મૂંગી મૂંગી કેવળ વેદના વેંઢારતી હોય એમ એ ઘર ચલાવવા માંડે છે.

અલબત્ત, આમ તો જીવન લાંબુ ચાલી શકે જ નહીં, પરંતુ નઠારા એવા દેવનગર ગામમાં માસ્તર-કલીને આકસ્મિક રીતે જ બે વ્યક્તિઓ બહુ જ સરસ તથા સહાયક મળી ગઈ, જેથી જીવન સ્વલ્પ હરિયાળું અનુભવાયું. એક તો રામજી મંદિરના વયોવૃદ્ધ પૂજારી બાવાજી અને બીજી અલ્લડ, સ્વતંત્ર મિજાજી, હિંમતબાજ, રૂપવતી કિશોરી ધારા. આ બે પાત્રો પછી માત્ર આશ્વાસનરૂપ જ નથી રહેતાં, કથા પ્રવાહનાં સબળ સુકાની પણ બની રહે છે.

નાજુક, નમણી પુષ્પકલિ જેવી કલી આ પાત્રપ્રધાન નવલકથાનું સૌથી વધુ આકર્ષક પાત્ર છે. લેખક ભલે ધારાને નાયિકા લેખાવતા હોય અથવા તો લેખક અને નાયક ભલે ધારાના પ્રેમમાં પડી ગયા હોય ! ભાવકો તો કલીને જ નાયિકાપદે જ સ્થાપી ચાહવાના. મેડમ તે જ ભૂતપૂર્વ કલી છે એટલા માટે નહીં, પરંતુ કલી એક અદભૂત પાત્ર છે એટલા જ માટે. એ અંબાર શી રૂપવતી છે, માટે આકર્ષક છે એવુંય નથી. એમ તો ધારા આગળ એની શી વિસાત ? અને એ ગુણવતી છે, માટે હૈયે વસી જાય છે એવુંય ક્યાં છે ?  લેખકે એવા કોઈ અસાધારણ, ગુણગાન એના કર્યા જ નથી. ભાવક સમક્ષ નખશીખ ચિત્ર જેટલું ધારાનું પ્રગટે છે, એટલુંય કદાચ કલીનું નથી પ્રગટતું. કારણ એવું આપવાનું મન થાય કે, જેને કલાવતી પણ કહેવાનું ન ગમે એવી આ કલી વર્ણનથી પર છે, કારણ કે એ અપરાધભાવનું જાણે કે મૂર્તિમંત સ્વરૂપ છે. અને છતાં વ્યવહારમાં એક સામાન્ય, કુશળ, મળતાવડી પણ કહી શકાય એવી ગૃહિણીરૂપે એ સહજભાવે વર્તી-પ્રવર્તી શકે છે. જે કાંઈ મળે છે એ સૌને એ ગમી જાય છે, તે એટલી હદે કે સ્થિતપ્રજ્ઞ જેવા વયોવૃદ્ધ બાવાજી સુદ્ધાં એના અંત સુધી આશિક રહે છે. આવી નમણી, નાજૂક, પુષ્પકલિ સમી કલીને વર્ણવવી જ હોય, તો થોડા વિશેષણો જોડી લઈએ. એ અજોડ વિનમ્ર એવી અથાગ સહનશીલ છે, લાગણીશીલ છતાં સંયમી છે. સ્વેચ્છાએ પોતાના અપરાધની સજા ભોગવતી હોય તેમ કલી નાયકને અસીમ પ્રેમે ચાહતી હોવા છતાંય કશી શારીરિક, માનસિક અપેક્ષા કદી દાખવતી નથી. એ ભારે ધૈર્યવાન તથા ગૌરવશાળી પણ છે જ. પરાયો ગર્ભ પેટમાં વેંઢારતી હોવા છતાંય ક્યારેય એ હદ બહારની સચિંત, વ્યાકુળ કે બહાવરી બનતી નથી કે એ જન્મશે ત્યારે અને પછી શું થશે ? જોકે સર્જકે ખૂબ સુક્ષ્મ કલાદ્રષ્ટિથી જ કલાનાં એ ગર્ભનો ઉચિત સમયે પાત કરાવી દીધો. કારણ કે એ તુચ્છ કલીની ‘મેડમ’ બનવાની આ તો કથા છે. કલીની દિનચર્યા યા તો સામાન્ય વ્યવહાર અત્રે ખૂબ ઓછાં વર્ણવાયાં છે. છતાં જાણે એના પ્રત્યેક હલનચલનમાંથી નિર્વ્યાજ સાલસ સૌંદર્ય નીતરતું ભાવક અનુભવી શકે છે.

લગભગ પાંચસો પાનામાં વિસ્તરતી આ નવલકથામાં મુખ્ય નિર્ણાયક પાત્રો ફક્ત પાંચ જ છે, બાકીનાં ત્રણ તે અનુક્રમે ધારા, બાવાજી અને અરુણાબહેન. આ ત્રણેયનું પાત્રાલેખન પણ અત્રે વિવેચવું ગમે તેવાં વિશિષ્ટ, પ્રભાવક પાત્રો છે તેઓ, પરંતુ સ્થળ સંકોચવશ એ જતું કરવું જ પડે. ચંચળ, ચબરાક, મનસ્વી અને અવળચંડી એવી ધારા યાદગાર ઉપનાયિકા છે, વળી એવી અલ્લડ છોકરી પ્રેમમાં પ્રગલ્ભ અને ગંભીર છે. પરણેલાં પ્રેમમાં પડે યા પરણેલાના પ્રેમમાં પડે એ ડૉ. કેશુભાઈ દેસાઈનો એક ક્રાંતિકારી કથાવસ્તુ-અંશ છે, જે એમની ઘણી નવલકથાઓમાં પ્રવર્તતો જોવા મળે છે. ધારાય કલીના પતિના એવા જ સાચા પ્રેમમાં પડી છે, છતાં બંનેને લેખકે ઉદાત્ત જ રાખ્યાં છે. શારીરિક સંબંધ દર્શાવી, શૃંગારની છોળો ઉડાડવાનું લેખકે સંયમપૂર્વક ટાળ્યું છે એ પ્રશસ્ય સર્જકદ્રષ્ટિ છે.

બાવાજી એક સક્રિય ઉપદ્રષ્ટા છે. સંસારથી પર છતાં માનવીય પ્રેમ-વાત્સલ્ય તથા માનવતાને નાતે તેઓ માસ્તર-કલીના સંસારમાં રસ લે છે. અને છેક સુધી સાથે રહે છે...કલી માટે તેઓને અનન્ય સ્નેહભાવ છે. દેવનગર પલટાઈ ગયું છે. બાવાજી ગામ છોડીને જતી વખતે સુંદર શબ્દાંજલિ આપતાં કહે છે કે,

બેટા રામકલી, આજ તુમ્હારે હાથોં કી રસોઈ પાકે હી જાઉંગા. ઈસ વિરાને મેં એક તુમ હી તો બચ ગઈ હો–વરના સભીકો કલજુગ કે કાલિયા નાગને ડસ લિયા હૈ..”(પૃષ્ઠ ૪૭૧)

અરુણાબહેનને અવર્ણનીય જ ગણાવીને અત્રે નહીં વર્ણવીએ...એટલું જ નોંધીએ કે અરુણાબહેનનાં સદાય વિલક્ષણ એવાં જીવન, વ્યવહાર તથા કાર્યપ્રણાલીએ જ કલીને એક સામાન્ય દુ:ખીયારી નારીમાંથી રાજકીય અગ્રણી એવી દેવનગરની ધારાસભ્ય ‘મેડમ’ બનાવી દીધી.

આવી પ્રલંબ નવલમાં સર્જકની શિષ્ટ ભાષા સડસડાટ વહેતી રહે છે. એ હથોટી અભિનંદનીય છે. શબ્દો, અલંકારો, વર્ણનો બધું અનાયામ અવતરતું જ રહે છે. કવિત્વમય વર્ણનોમાં તથા યથાસ્થાને એવાં વર્ણનો પ્રસ્તુત કરવામાં ડૉ. કેશુભાઈ દ્રષ્ટિવંત નિષ્ણાત છે. જેમ કે અંબાજી જતા માર્ગનું વર્ણન, ફાર્મ નજીકની મેઘલી સવારનું વર્ણન, ચોમાસુ રાત્રિનું વર્ણન, હરિદ્વારનું વર્ણન, ભૂમાનંદ શાહી આશ્રમનું વર્ણન, પાત્રવર્ણન, પ્રસંગવર્ણન વગેરે.

ઉપમા-રૂપકો તથા અન્ય અલંકારોથી આ કથા રમણીય બની છે. પ્રતીકાત્મકતાનો સુંદર વિનિયોગ પણ અત્ર-તત્ર  આસ્વાદ્ય બને છે, જેમ કે પૃષ્ઠ.૨૯૭ પરનું બિલાડીનું પ્રતીક તથા પૃષ્ઠ.૩૦૦ પર પતિ-પત્નીના નીરસ, નિરર્થક સહશયનમાં વરસાદનું પ્રતીક : “ આકાશમાં વાદળ ઊમટ્યાં...વીજળીના ચમકારા થયા. ગર્જનાય ઘણી થઈ. ફક્ત વરસાદ જ ન થયો.”

*******************************************************

પ્રા. ડૉ. શીતલ બી. પ્રજાપતિ
સરકારી વિનયન કૉલેજ, બહુચરાજી
મો. ૯૬૬૨૫૨૭૫૯૬
મેઈલ : shitu27584@yahoo.com