‘વળામણાં’ લઘુનવલમાં સકુંલ પાત્રચિત્રણ : મનોરદા મુખી

‘સૂઝ’ અને ‘ધરતીના છોરું’ શબ્દોથી જાણીતા બનેલા પન્નાલાલ પટેલ જેમણે ગ્રામજીવનનું માનસ શબ્દો દ્વારા ચિત્રિત કરી વાસ્તવિકતાની ભૂમિ પર શબ્દોના અસ્તિત્વ સાથે કળાત્મક  રીતે  ખડું  કરી  આપ્યું  છે.  ગ્રામ્યજીવનને  આટલી  નિકટતાથી  વર્ણવનાર  અને સચ્ચાઈભર્યું સંવેદન પન્નાલાલ તેમની સર્જકતા દ્વારા સાહિત્યમાં પ્રસ્તુત કરે છે. તેમના પાત્રો આપણને ગ્રામ્યજીવનની નજીક લઈ જાય છે. પાત્રોમાં રહેલ ભાષા, પહેરવેશ, સંવાદો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો કથાને વધુને વધુ સૌંદર્ય બક્ષે છે.

પન્નાલાલ પટેલની કથાસાહિત્યમાં પ્રસિદ્ધિ પામેલી ત્રણ નવલકથાઓ ‘વળામણાં’ (૧૯૪૦), ‘મળેલાં જીવ’ (૧૯૪૧) અને ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭). જે સાહિત્ય પ્રિય વાંચક સિવાય પણ અન્ય વાંચનપ્રિય વ્યક્તિને પોતાની સૌંદર્યશીલતાનું રસદર્શન કરાવ્યા વિના રહેતી નથી. પન્નાલાલ પટેલની વળામણાંની રચના૧૯૪૦માં ગુજરાતી સાહિત્યમાં મળી આવે છે. ત્યારબાદ ૧૯૪૫, ૧૯૫૧,૧૯૫૪,૧૯૫૬,૧૯૫૯,૧૯૬૮,૧૯૭૨,૧૯૮૦,૧૯૮૯,૧૯૯૦, ૧૯૯૫, ૨૦૦૩ ને ૨૦૦૫ સુધી આ લોકપ્રિય કૃતિની આવૃત્તિ થતી રહી છે. જે સર્જકની સર્જકતાને વધુને વધુ ઉજાગર કરે છે.

‘વળામણાં’ કૃતિમાં રહેલ કેન્દ્રવર્તી પાત્ર મનોરદા મુખી છે. સમગ્ર લઘુનવલ મનોરદા પાત્રની સાથે સાથે જ ગતિ કરે છે. આમ, મનોરદાનું પાત્ર કથા સાથે ગતિશીલ અને પાત્રની ગતિશીલતા સાથે કથા વિકસતિ જાય છે. કૃતિમાં પાત્રની નાટ્યાત્મક સંવાદોની કાર્યસૂઝ તેની બુદ્ધિની એરણ પર ધારદાર થતી ઘટનાઓ અને પાત્રના મનોસંચલોના દ્વારા પાત્રની સ્થિરમાંથી ગતિશીલ થતી ક્રિયાને સર્જકે રજૂ કરી છે.

નાનકડાં કલાધાટવાળી લઘુનવલ:
કૃતિનું કથાવસ્તુ કંઈક આવું છે. જમનાની દીકરી ઝમકુંનો પગ બ્રાહ્મણ તલાટીનાં કુંડાળામાં પડ્યો અને સમાજ માટે ઝમકું હડધૂત બને છે. તેના માટે સમાજ આત્મહત્યા અથવા તો શહેરમાં વેચી દેવી એવા સંજોગો ઉભા થાય છે. ત્યારે ગામનો મુખી આ તકનો લાભ લેવાનો વિચાર કરી આ પંચાતને હાથમાં લે છે અને ઝમકું ને પહેલા બાવાના મંદિરમાં આશ્રય અર્થે મુકે છે. અને ત્યાંથી તેને અમદાવાદ વેચવા માટે લઈ જવાનો ઈરાદો સેવે છે. પરંતુ જ્યારે મનોરદા પોતાની મૃત પુત્રીના વસ્ત્રો ઝમકુંને જુએ છે ત્યારે પિતૃહૃદયનું વાત્સલ્ય મનોરદાને પિગળાવી દે છે. આ ખલનાયક જેવું પાત્ર કથાને અંતે ઝમકુંનો સંસાર ફરી વસાવે છે અને નાયક તરફની ગતિ કરે છે. આ ઉપરાંત કથામાં સુથાર જ્ઞાતિના ઝઘડાં, રિવાજો, શહેરી વાતાવરણ કથાને વધુને વધુ સુદૃઢ બનાવે છે.

લઘુનવલના આરંભથી અંત સુધી કાર્યક્ષમ પાત્ર: મનોરદા મુખી 
લઘુનવલમાં સૌથી કાર્યક્ષમ પાત્ર મનોરદા મુખી બને છે. જેમાં લેખકની પાત્ર નિરૂપણ કળા સુરેખ રીતે ગતિ કરતી જાય છે. અહીં મુખીપણા સાથે સંકળાયેલી કુટિલતા તેને લાલચમાં નાંખે છે. સર્જક આ દ્વારા માણસ સ્વયં ખરાબ હોતો નથી પરંતુ ક્યારેક ખોટા કામ કરતાં ખરાંખરીના સમયે મનુષ્ય પાછાં નીતિના રસ્તે વળામણાં કરે છે. એવી ગતિશીલતા દર્શાવવા માટે સર્જકે પોતાની દ્રષ્ટિ અને સૂઝનો સમન્વય સાધીને આ લઘુનવલની રચના કરી છે.

કથાના આરંભે સર્જકે આખા ગામની ખબર રાખનાર મનોરદા મુખી મોડાંમાં મોડાં જમીને ઉઠ્યા અને હાથ કોરાં કરી રહ્યા છે. તેવામાં જ કોઈ માણસનાં પગરવનો અવાજ મનોરદાને સંભળાય છે. ‘એ તો હું મોત્યો, મનોરકાકા! તમારું જરા કામ પડ્યું છે’ એવો અવાજ કાને પડે છે. અને  મનોરદા ‘કુણ જાણે એને વળી શું કામ પડ્યું છે અત્યારે!’ એમ બબડે છે. અને જવા નિકળે છે. અહીં લેખક મનોરદાનું બાહ્ય પાત્રચિત્રણ તેના પહેરવેશ દ્વારા રજુ કરે છે. “મનોરદાના પાતળિયા અંગનું ઘરડું છતાંય મજબૂત કાઠું અત્યાર વધારે સ્ફૂર્તિમાં આવી ગયું હોય તેમ લાગતું હતું. તેમણે ઓશીકે મુકેલું અંગરખું પહેરી લીધું. ઘરમાં જઈને ખીંટીએ ભરાવેલું સૂંથિયા જેવું ગોળ ફાળિયું માથે મુક્યું અને કામળી પણ ઓઢી લીધી; એક હાથમાં લાકડી અને બીજા હાથ હૂંકો લઈ નીકળ્યા.”(પૃષ્ઠ-૭)

મનોરદા નિકળે છે અને તેમના કાન પર બે ચાર શબ્દો પડે છે. ‘ગઈ ત્યાં જાય ના! કાઢી મેલ, મારા જેવો ભૂંડો....’(પૃષ્ઠ-૭) મનોરદાની ચતુરદૃષ્ટિ આટલાં જ વિધાનમાં આખી વાત સમજી જાય છે કે સુથાર જ્ઞાતિના બહેચરની બહેન ઝમકું તલાટીને ત્યાંથી પાછી આવી છે. અને આ તકનો લાભ લેતાં મનોરદા મોતીને બદલે બહેચરને ત્યાં જાય છે. અહીં પાત્રની પ્રસ્તુતિ ખુબ જ નાટ્યાત્મક રીતે થાય છે. અને સંવાદોની કળા પણ સુંદર યોજાઈ છે. વાતનો ગલ કઈ રીતે જાણી લેવો એ મનોરદા મુખી ખૂબ જ સારી રીતે જાણે છે અને કહે છે “એક કે’વત છે કે, ‘અલ્યા, તારી માં તો નાતરે ગઈ.’ પેલો કે’ છે : ‘ ઘણું ખોટું થ્યું!’ પણ પાછી આવી! પેલો કે’છે : ‘એ તો વળી એનાથી ખોટું-ડુબી મરવા જેવું થ્યું!’ એના જેવી વાત છે. (પૃષ્ઠ-૮)

આ રીતે મનોરદા પોતાની ઘાક જમાવીને સાચી વાતની વેતરણમાં લાગી જાય છે અને કહે છે  “તમારા મનથી તો એમ છે કે કોઈ જાણતું નથી પણ એ.... પેલો..... તમારો વેરવાઈ તો ઘર ઘેરી લેવાની વેતરણમાં છે, સમજ્યા ને?” (પૃષ્ઠ-૮) મનોરદા આ રીતે કડકાઈ ભર્યા અવાજમાં બધી વાત જાણી લે છે અને બહેચરના ઘરની ફજેતી ન થાય એ માટે એને મદદરૂપ થવા કહે છે. કથામાં બીજી તરફ સુથાર જ્ઞાતિનો મોતી અને તેની માતા અંબાને બહેચર સાથે વેર છે. માટે તેની ફજેતી થાય એવી ઈરાદે ગામના મુખીને બોલાવ્યો હતો. મનોરદા અહીં પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અંબાભાભી અને બીજા પાત્રો સાથે બહેચરના ઘરની જડતી લેવડાવે છે. પરંતુ ભાગીને આવેલી ઝમકું હાથ લાગતી નથી આ સંજોગોમાં મનોરદા સંપૂર્ણ અંબા અને મોતીના પક્ષે છે એમ દર્શાવવા માટે એ કહે છે ‘મુળા! તુ મ કર, બે’ચરિયાના પાછલે બારણે જઈને સંતાઈ રહે’, પેલી ક્યાંય છટકી ન જાય...’(પૃષ્ઠ-૧૫)

એકદમ અજાણ્યા ભાવે બહેચરના ઘરની તપાસ થાય છે. ‘જરાં દિવો સળગાવોને બે ચાર બોયાંય લાવો’ આવા સમયે બહેચર કંઈ બોલતો નથી ત્યારે મનોરદાના મનમાં થાય છે કે બુદ્ધિનો બુઠ્ઠો કંઈ પુછતોય નથી. એટલે પછી ફરીથી ધુરકીને કહે છે. ‘ મારી સામે શું તાકી’ર્યો છે? હમણાં ખબર પડશે!’ એટલે બહેચરમાં મોઢાંમાં જીભ આવી હોય તેમ ‘વસવા ન પડતો હોય તો જુઓ, આ રહ્યું ઘર’ સમગ્ર નાટ્યાત્મકતા બાદ મનોરદા નિશ્વાસ નાંખતા હોય તેમ સાથે આવેલા પાત્ર વીરાને કહે છે કે ‘વીરા! આ તો ઠીક છે કે ગામમાં કોઈ જાણતું નથી, ને આપણામાંથી કોઈ વાત કરે એવું નથી. નકર આ ધાડ મારી આવ્યા એ જો કોઈ જાણે તો મારે તો આટલાં વર્ષે હેઠું ઘાલવા વખત આવે!’ (પૃષ્ઠ-૧૬) આમ પાત્ર સ્વયં પોતાનો મોભો જાળવીને અન્ય પાત્રોને પોતાની હા એ હા કરાવી જાણે છે.

મનોરદા બધાથી છુટા પડી ઘરે જાય છે. પત્નીને આખી વાત કહે છે અને ઝમકુંડીને ક્યાંય શહેરમાં જઈ વેચી આવી સોનાના નળિયા કરવા એવી વેતરણમાં લાગી જાય છે. મહુડાના ઝાડ નીચે બેસેલી ઝમકું ને રાતના અંધારામાં ગામથી દૂર મહાદેવના બાવાના મંદિરમાં મુકી આવે છે. બાવાને પણ મનોરદા જ્ઞાતિ અને સમાજની પરિસ્થિતિ વર્ણવી ઝમકુંને આશ્રિત તરીકે રાખવા માટે કહે છે. બીજી બાજું ગામમાં ત્રણ ચાર દિવસ ઝમકુંની આવવાની વાતો સમી જાય પછી તેને બાવાના મંદિરમાંથી લઈ જઈ ક્યાંક ઠેકાણે પાડવી એમ વિચારે છે. આ સંજોગોમાં ઝમકુંની માતા વારંવાર દિકરીના સમાચાર પૂછવા આવે છે ત્યારે મનોરદાના કઠોર વચનો જાણે ખલનાયક તરીકે તેને ચિતરે છે. તે જમનાને સંભળાવે છે કે,
        ‘ગોઝારિયા કુવામાં .........?’ (પૃષ્ઠ-૩૨)
        ‘મે’રબાની કરીને હમણાં તમે ઘેર જશો? કોઈ નહીં વે’માતું હોય તોય.....!(પૃષ્ઠ-૩૨)
        ‘પુછતાં જરા લાજેય નથી આવતી!  એ કાળમુખીના સમાચાર પૂછતાં તમારી જીભ શું કરીને ઉપડે છે!’ (પૃષ્ઠ-૩૨)
        ‘મારા જેવી તો જો મા હોત તો અત્યાર લગી તો ક્યારનીય ગળે નખ દઈને મારી નાંખી હોત, હોવે!’ (પૃષ્ઠ-૩૨)
        ‘કહ્યું તો ખરું કે હજી જો ન નાહ્યા હો તો નાંહી નાંખજો; સમજ્યા હવે’ (પૃષ્ઠ-૩૩)
        ‘એના કરતાં તો પા’ણો વેંઢારવો’તો કે તમે ને અમે બધાય લુગડાં ધોય ખાત.’ (પૃષ્ઠ-૩૩)
        ‘આમ લાડ લડાવી લડાવીને જ દિકરીને વે’તી મેલી’તી......’ (પૃષ્ઠ-૩૩)
        ‘આટઆટલી ફજેતી થતાય માને લાજ નથી પછી વળી દીકરીમાં તો ક્યાંથી જ હોય?’(પૃષ્ઠ-૩૩)

ઉપરોક્ત સંવાદોમાં મનોરદાનો ગુસ્સો પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીનું સ્થાન અને લાલચી મુખીની કુટિલતા ઉપસતી જાય છે. ગામમાં ઝમકુંની વાત શાંત થતાં જ મનોરદા પોતાની મૃત પુત્રીના કપડાં લઈને ઝમકું પાસે જાય છે. ઝમકું એ કપડાં જોઈને સમજી જાય છે એ તેની માતા એ તો મોકલ્યા નથી જ. મનોરદા ઝમકુંને શહેરમાં ધરમશાળાની ઓરડીમાં રાખે છે. અહીં મનોરદાથી પણ કુટીલ એવું પાત્ર ઉમેરાય છે અમરસિંહ. જેની સાથે મનોરદા ઝમકુંનો સોદો કરે છે. આ અરસામાં ઝમકુંની બાળસહજ નિર્દોશતા અને મનોરદાની પિતા તરીકેની છબી વિકસતી જાય છે. જેને સોનાના નળિયા કરવાની અભિલાષા હતી તેને ઝમકુંનું વાત્સલ્ય સ્પર્શે છે. ઝમકુંને વેચવા આવેલો મનોરદા આખું શહેર ફેરવે છે. સોદો કર્યો પછી કોઈ એક ક્ષણે મનોરદાને પોતાની મૃત પુત્રીનું સ્મરણ થતાં તે ખરાખરીના સમયે અનીતિથી નીતિ તરફ વળે છે. હવે મનોરદા ઝમકુંને પાછો ગામ લઈ આવે છે. પરંતુ ઝમકુંને કોઈ જીવતી નહીં મે’લે  એ વિચારે મનોરદા ફરીથી પોતાની બુદ્ધિનું તેજ અજમાવે છે. ઝમકુંને ગામના મહુડાં ઝાડ નીચે બેસાડી પ્રથમ તો તેના ભાઈ બહેચરને ભાઈ બહેનના સ્નેહની વાત સમજાવે છે કે, ‘ગાંડા....! બુનના તો લોકોને ઓરતાં હોય છે ઓરતાં!’ (પૃષ્ઠ-૮૮) અને વધુ ઉમેરતાં કહે છે ‘ને તારી બુને વળી એવો તે શો ભારે ગનો કરી નાંખ્યો છે? તું કે’તો હોય તો તારી નાતમાં એક એકનો કાન જાલીને કહી દેખાડું કુણ કેટલાંમાં છે.’ આ રીતે મનોરદા પોતાની ચાતુરી ભરી સૂઝથી જે અંબા બહેચરની ફજેતી કરવાની હતી તેના દિકરા મોતી સાથે જ લગ્નની વાતને ગળે ઉતારી દે છે. પહેલાં તો અંબા આ સાથે સંમત થતી નથી. પરંતુ મનોરદા વાતની રજૂઆત સૂઝ અને વ્યંગથી કરે છે. અને કહે છે કે હું શોધવા નીકળું તો ઝમકું માટે ઘણાંય મળી રહે પણ આ તો તમારે કામની પંચાત મટે માટે કહું છું. ઝમકુંના પક્ષે બોલતા હોય તેમ મનોરદા કહે છે કે બિચારીને સાસરી સારી ન મળી ને પિયરમાંય ભાભીના મેણાં એમાં વળી તલાટીનાં બે પ્રેમભર્યા શબ્દોમાં ભોળવાઈ ગઈ. અને આવું પગલું ભરી બેઠી. પણ છે તો ડાહી એટલે તરત જ અંબા કબૂલ કરતી હોય તેમ કહે છે કે ‘હું ક્યાં એને નથી ઓળખતી? આમ તો મુઈ દુશ્મનનેય વા’લી લાગે એવી છે’ (પૃષ્ઠ-૧૦૨)

આમ, રાતો રાત ઝમકું અને મોતીના લગ્ન થાય છે. પરંતુ હવે મનોરદા સામે એક મોટો પ્રશ્ન શરૂ થાય છે કે સુથાર જ્ઞાતિના રિવાજો અને સામાજિક વાતાવરણ. આખી સુથાર જ્ઞાતિ અને બીજી તરફ મનોરદા અને તેની પટલાઈ. પંચ ભેગું થાય છે અને મનોરદા કહે છે કે આ ઝમકુંને હું સમયસર ન લઈ આવ્યો હોત તો કોક મુસલમાનના ઘરે જઈને બેઠી હોત અને આખા ગામની ઈજ્જત જાત અને ધર્મ વટલાંત એ બીજું અને બીચારા મોતીએ તો એને રાખીને સુથાર જ્ઞાતિની ઈજ્જત રાખી છે. એ બિચારા ગરીબને શું કામ નાત બહાર મુકો છો? જે કંઈ ખર્ચ થાય એમાં પુરું કરોને. વધુમાં તે કહે છે કે આમાં ભૂલ તો ઝમકુંની છે તો એને સજા કરો અને પંચ એવો નિર્ણય લે છે કે ઝમકુંને મોઢામાં તરણું લઈને નાતના બધા સામે માફી મંગાવી.આ વાતને પણ મનોરદા ખુબજ ચતુરાઈપૂર્વક પ્રથમ તો સ્વીકારી લે છે. પછી પંચના પાંચ આગેવાનોને કહે છે કે “માધા, સુથાર, આ ઠીક નથી થતું હોં! એમાં નથી તો તમારા કૂળની આબરું વધતી કે નથી તમારા પંચની વધતી!”(પૃષ્ઠ-૧૧૮) એમ કહીને ઝમકુંને સજામાંથી ઉગારવાનો પ્રયત્ન કરતાં વાતની નવી ઝાળ રચે છે. અને કહે છે “હજું કોઈ મરદ માણસ પાસે લેવડાવીએ તોય એક વાત છે પણ બૈરી પાંહે? મને તો આ નથી ગમતું!” (પૃષ્ઠ-૧૧૮) વળી એમાં ઉમેરતા હોય એમ કહે છે “કાળા મટીનેં ધોળાં આવ્યા પણ આવી શિક્ષા તો મીં ક્યાંઈ દુનિયામાંય નથી સાંભળી!” (પૃષ્ઠ-૧૧૯)

આ રીતે કથામાં મનોરદાની કુશાગ્ર બુદ્ધિ તેને ખલનાયક બનાવે છે અને કથાને અંતે નાયક તરીકે નિરૂપિત કરી જાય છે. મનોરદાના હૃદયનું પરિવર્તન પોતાની મૃત પુત્રી નાથીને સ્મરિત કરતાં ઝમકું ઉપર વાત્સલ્યની ધારા વહે છે. દલાલ બનીને ગયેલો મનોરદા પિતૃહૃદય દ્વારા પોતાનાં વળામણાં કરે છે. કથાને અંતે તો મનોરદા પોતાના ઘરેથી ઝમકુંને વળાવે છે. એક તરફ ઝમકુંની વિદાય અને બીજા ખુણામાં મોનરદાની આંખોમાંથી આંસુની એકધારી સેર નિરાતે વહીને ખોટા કાર્યનું પ્રાયશ્ચિત અને સાચા કામની નિંરાત અનુભવે છે. આ મંગલ ઉકેલવાળી નવલના અંતે સમગ્ર કૃતિને દીર્ધજીવી બનાવી જાય છે.

સમગ્ર લઘુનવલનું સુંદર અંગ સર્જકનું ભાષા પ્રભુત્વ છે. કૃતિમાં કહેવતો, રૂઢિપ્રયોગો, તળપદા શબ્દોની ભરમાર કળાકીય રીતે રચાઈને વાંચકને વધુને વધુ ગ્રામ્યજીવન તરફ લઈ જાય છે. ગ્રામ્યપ્રદેશમાં પણ આવા ખલનાયક પાત્રો અને તેમના મુખે બોલાયેલી ભાષા જાણે સહજ સરી પડતાં શબ્દો ભાવકને વધુને વધુ આકર્ષિત કરતી રહે છે.

*******************************

પ્રા. અનિતાબેન એન. પાદરિયા
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદ
મો. ૯૫૮૬૮૭૬૯૬૫