સંસ્કૃત સાહિત્યમાં અભિવ્યક્ત થતો ભારતીય નારીવાદ  


નારીવાદ એ મૂલત: સામાજિક સંજ્ઞા છે. સમાજજનિત અને એથીયે વધારે પુરુષસત્તાક સમાજજનિત નિયમોમાં જકડાયેલી અને રુંધાયેલી નારીના મુક્તિ માટેના સંઘર્ષે ધીરે ધીરે નારીવાદ ( Feminism)નું સ્વરૂપ ધારણ કર્યું છે. નારીના નારીત્વની ખોજ માટેના આ સંઘર્ષે સામાજિક ક્ષેત્રે વ્યાપક બદલાવ આણ્યો છે. નારીના હક્કો માટેની ચળવળનો પ્રારંભ ૧૯મી સદીમાં ઇંગ્લેન્ડમાં થયો. તેના મૂળમાં જે.એસ.મિલની The Subjection of the Women નામની વિવેચન કૃતિ હતી. ત્યાર પછી વર્જિનીયા વુલ્ફની A Room of One’s Own અને ફ્રેંચ લેખિકા સીમોન દ’બુવ્વાની The Second Sex કૃતિઓએ તો જાણે આ ચળવળમાં પ્રાણ પૂર્યા. અને તે ચળવળ ખૂબ ઝડપથી વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઇ. આ રીતે નારીનાં આંતર અસ્તિત્ત્વની શોધ સામાજિકની સાથે સાથે સાહિત્યિક પણ બની, અને ભારતીય નારીવાદે વીસમી સદીના સાહિત્યમાં મહત્ પ્રદાન કર્યું. વૈશ્વિક પ્રવાહોની સાથે સાથે ભારતીય સાહિત્યમાં પણ નારીવાદે પ્રવેશ કર્યો. કમલા માર્કંડેયની કલમના માધ્યમથી સૌપ્રથમ ભારતીય અંગ્રેજી સાહિત્યમાં અને ત્યારબાદ હિન્દી અને અન્ય પ્રાદેશિક સાહિત્યમાં આ વાદે ભારતીય નારીની આંતરચેતનાને અભિવ્યક્તિની તક આપી. [1]

            વૈશ્વિક સાહિત્યમાં નારીવાદને સમજવાની મથામણ કરીએ ત્યારે એટલું સમજાય છે કે, એક તો તેમાં વર્ષોથી દમિત અને પોતાપણું ખોઇ બેઠેલાં સ્ત્રીપણાને ઢંઢોળવાનો પ્રયાસ છે, અને બીજું કે તેમાં પુરુષસત્તાક સમાજવ્યવસ્થા પ્રત્યે તિરસ્કાર છે. પશ્ચિમના સમાજમાં અને સાહિત્યમાં આ વાદે અનેક નવા વાદોને જન્મ આપ્યો છે. જેમાં Sexism, Lesbian feminism, liberalism, individualist  feminism, racial feminism આદિ વાદોના કારણે તે ધીરે ધીરે નારીસ્વાતંત્ર્યના બદલે નારી સ્વાછંદ્ય તરફ ઘસડાઇ રહ્યો છે. “નારીવાદની વિચારધારામાં ઇંગ્લીશ ફેમિનીઝમ, કેનેડિયન ફેમિનીઝમ, આફ્રિકન, ઓસ્ટ્રેલીયન અને ન્યુ મીલેંડ ફેમિનીઝમ જેવા દેશાનુસારી પેટાવલણો પણ ડો. ચમન નાહલ જેવા આ વિષયના તજજ્ઞોએ તારવ્યાં છે અને અલબત્ત, માર્કસીસ્ટ ફેમિનીઝમ પણ છે.”[2] આ વાદોએ ભારતીય સમાજમાં પણ કેટલીક અચિંતનીય પરિવર્તનો આણ્યાં છે. ઘરકામ કરતી પત્નીને પણ સવૈતનિક ગણી તેને વેતન ચૂકવવા અંગેનો ખરડો તેનું તાજું ઉદાહરણ છે. આની અસર જ્યારે ભારતીય સાહિત્ય ઝીલશે ત્યારે આ સમસ્યા ઉકેલાવાને બદલે નવી સમસ્યાઓ તો નહી સર્જાયને  ! તેવી આશંકા જાગે છે. કારણ કે આ વાદો ભારતીય સમાજના દ્રષ્ટિબિંદુ સાથે કોઇપણ રીતે સુસંગત બની શકે તેમ નથી. આથી જેમ અન્ય દેશાનુસારી નારીવાદોનો સ્વીકાર થયો છે તેમ ભારતીય નારીવાદ નામના નારીવાદનો પૂર્વગ્રહમૂક્ત બનીને સ્વીકાર કરવો જોઇએ. નારીવાદ ભલે આધુનિક સંજ્ઞા હોય, પરંતુ તેનો વાસ્તવિક અર્થ તો નારીના અંતસ્તત્વને સમજવાનો જ થવો જોઇએ. અને એ દ્રષ્ટિએ ભારતીય પ્રાચીન સાહિત્યે નારીવાદનું દર્શન અનેક સ્થાનોએ કરાવ્યું છે.

            સંસ્કૃત સાહિત્ય અને નારીને જ્યારે જોડવામાં આવે છે ત્યારે પુરુષપ્રધાન સમાજમાં અને પુરુષો દ્વારા રચાયેલા સાહિત્યમાં સ્ત્રીને નિમ્ન સ્થાન અપાયાનું પ્રતિપાદન તરત કરી દેવામાં આવે છે. કેટલેક અંશે તે સાચુ પણ છે. પરંતુ જ્યાં સુધી ભારતીય ચિત્ત અને માનસને સંબંધ છે ત્યાં સુધી તે વ્યક્તિત્ત્વના પૂર્ણપણાનો સ્વીકાર કરે છે. તેમાં જીવના બ્રહ્મપણાનો સ્વીકાર છે. પુરુષ, સ્ત્રી કે નપુસંક જેવા કોઇ ભેદ ત્યાં નથી. न स्त्री पुमानेष न चैवाय नपुंसक : | यद्यदच्छरीरमादते तेन तेन स रक्षते | [3] વેદો પણ સ્ત્રીના પુરુષસમત્વ કે પુરુષપપૂરક્ત્વનો સ્વીકાર કરે છે. આશ્વલાયન અને પારસ્કર ગૃહ્યસૂત્રો કહે છે, अमोहमस्मि सा त्वं | सा त्वमसि अमोऽहं | सामहमस्मि ऋक त्वं | द्यौरहं पृथ्वी त्वं |” [4] પરંતુ ચિત્ત અને માનસની સાથે જ્યારે કાળ નામનું તત્ત્વ જોડાય છે ત્યારે કાળાનુસારી ડહાપણ સ્ત્રીના સ્થાનને શુદ્રની સમકક્ષ મૂકી દે છે. ભલે કાળાનુસારી હોય, પરંતુ સ્મૃતિગ્રંથો આ માટે આધુનિકોની ઉગ્ર ટીકાના પાત્ર બન્યા છે. આ ગ્રંથોએ સ્ત્રીના અધ્યયન ઉપર જ નહી પરંતુ તેના સ્વાત્રંત્ય ઉપર પણ અંકુશ મૂકી દીધો છે.[5] આ અંકુશ તેના પુત્રી, પત્ની અને માતા એમ ત્રણેય સ્વરૂપો પર હતો. મનુએ સ્ત્રીને પૂજાર્હા ગણાવી હોવા છતાં તેના સ્વાત્રંત્ય બાબતે કોઇ સમજૂતિ કરી નથી.[6] વેદકાળના સ્ત્રીના ગૌરવપૂર્ણ સ્થાન અને મનુએ નિર્ધારેલા નિયંત્રિત પૂજાર્હ સ્થાન વચ્ચેની ખૂટતી કડીને તપાસવાની તાતી જરૂર છે.

            સંસ્કૃત સાહિત્યના સંદર્ભમાં નારી કે નારીવાદને જોતાં પહેલાં ભારતીય દ્રષ્ટિએ નારીનાં સ્થાનને અને નારીની અવધારણાને સમજવાની જરૂર છે. ભારતીય દ્રષ્ટિએ નારી શક્તિનું પ્રતીક છે.[7] તે સર્જનનું પણ પ્રતીક છે. જેમાં પુરુષ સ્વયં પોતાને જ સર્જે છે.[8],[9] ભારતીય પ્રમાએ સ્ત્રીને પુરુષના અર્ધાંગ સ્વરૂપે સ્વીકારી તેની અનિવાર્યતાનો સ્વીકાર કર્યો છે. अर्ध्धं शरीरस्य भार्या |[10]  ભારતીય દ્રષ્ટિએ પુરુષના રતિ, પ્રીતિ અને ધર્મ સ્ત્રીને જ આધીન છે.[11] મનુ અનુસાર પિતૃઓનું સ્વર્ગ પણ સ્ત્રીઓને આધીન છે.[12] સરવાળે અહીં નર અને નારીનું આલેખન રથના બે ચક્રો જેવું છે. वि चिद्बृहेव रथ्येव चक्रा |[13]

            ભારતીય સમાજ વ્યવસ્થા સંપૂર્ણપણે પરિવારાશ્રિત છે. આથી નારીનું સ્થાન પરિવારના એક ઘટક તરીકે હોય તે સ્વીકાર્ય જ છે. અને તેમાં જ તેની મહત્તા પણ સ્વીકારાય છે. પૂર્વે કાર્યવિભાજનની દ્રષ્ટિએ પુરુષ ઘરની બહારનું કામ સંભાળતો અને સ્ત્રી ઘરની અંદરનું. બહારનું કાર્ય મહદાંશે શારીરિક, શક્તિ આધારિત રહેતું આથી તે કાર્યમાં સ્ત્રીનો કોઇ ભાગ નહોતો. એ જ રીતે ઘરની અંદરનું કાર્ય વધારે મહત્ત્વનું હતું તેમાં સંતાનોના ઉછેરથી માંડીને વૃદ્ધોની સેવા સુધીનું બધું જ કાર્ય સમાવિષ્ટ હતું. દ્રૌપદી જેવી મહારાણી પણ આ કાર્યોમાં વ્યસ્ત રહેતી તેવો ઉલ્લેખ સભાપર્વમાં જોવા મળે છે. યુધિષ્ઠિર તેના રૂપ અને ગુણોનું વર્ણન કરતાં એવું પણ કહે છે કે તે સૌથી છેલ્લી સૂએ છે અને સૌથી પહેલી જાગે છે.[14] આમ એ દૃષ્ટિએ સ્ત્રીના કાર્યનો નિર્ણય તટસ્થ જણાય છે. પરંતુ વેદોત્તર કાળમાં તેના શિક્ષણ પરનું નિયંત્રણ અને પુરુષની સંપૂર્ણ અધીનતા સમજથી પર છે.

            સંસ્કૃત સાહિત્યમાં સમગ્રતયા સ્ત્રીનું આ સ્વરૂપ જ સામે આવે છે. છતાં સ્ત્રીનો તેજોવધ સ્વીકૃત જણાતો નથી. જ્યાં જ્યાં સ્ત્રીનું સ્ત્રીત્ત્વ ઘવાયું છે. ત્યાં ત્યાં તેણીએ ઉગ્ર શબ્દોમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. જ્યાં જ્યાં નારીત્વનો અનાદર છે. ત્યાં નારીએ સ્વયં ધર્મનો આધાર લઇ પુરુષોના મસ્તકને નમાવ્યું છે. આ બાબતને મહાભારતના વિશેષ સંદર્ભમાં જોઇએ.

            મહાભારત માટે કહેવાયું છે, यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित | આ રીતે જોતાં તો મહાભારતમાં નારીવાદનો ઉલ્લેખ પણ હોવો જોઇએ. આ દૃષ્ટિએ તપાસતાં મહાભારતમાં અનેક સ્ત્રીપાત્રોનું દર્શન થાય છે જેમણે મૂંગે મોઢે અન્યાય સહન કરવાને બદલે ધર્મનો આધાર લઇને પોતાનો પક્ષ મજબૂત રીતે મૂક્યો છે. દ્રૌપદીએ પારકા દ્વારા થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે તો શકુંતલાએ પોતાના લોકો દ્વારા થતા અન્યાયને સહન કર્યો નથી. કુંતીએ પોતાના પુત્રોને થતા અન્યાય સામે તો ગાંધારીએ પોતાના પુત્રો દ્વારા થતા અન્યાય સામે અવાજ કર્યો છે. સાવિત્રીનો સંઘર્ષ તેના પતિ માટે છે તો ગાર્ગીનો સંઘર્ષ જ્ઞાનપ્રાપ્તિ માટેનો છે. આ ઉપરાંત સીતા, દમયંતી, ઉર્વશી, સાવિત્રી, અંબા, આદિ સ્ત્રીઓના વ્યક્તિત્વોને વ્યાસે અબળા તરીકે ક્યાંય વર્ણવ્યાં નથી. દરેક સ્ત્રીપાત્રને મહાભારતકારે પોતાને થતા અન્યાય સામે લડવાની પૂરતી સ્વતંત્રતા આપી છે. અહીં ફરક માત્ર એટલો છે કે દરેકે પોતાની વાત ધર્મની મર્યાદામાં રહીને કરી છે.

            સંસ્કૃત સાહિત્યના આ બધા નારીપાત્રોમાં સૌથી જવલંત પાત્ર યાજ્ઞસેની દ્રૌપદીનું છે. તેણીએ અનેક સ્થાનોએ પોતાનો પુણ્યપ્રકોપ વ્યક્ત કર્યો છે. તેના સૌથી તેજસ્વી વચનો સભાપર્વમાં સાંભળવા મળે છે. જ્યારે દ્યુતમાં જીતાઇ ગયેલી દ્રૌપદીને રાજસભામાં આવવાનું કહેવાય છે ત્યારે દ્રૌપદી જેનો હંમેશા આદર કરતી હતી તેવા જ્યેષ્ઠ પતિ ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રતિકામીના માધ્યમથી બે વખત પ્રશ્ન કરે છે કે "તમે પહેલા પોતાની જાતને હાર્યા કે મને ?"[15] અહીં પોતાનાં નારીપણાનું અપમાન સહન ન કરી શકતી દ્રૌપદી ભીષ્મ અને અન્ય કુરુઓને ભરી સભામાં કટુ પ્રશ્નો પૂછીને નિ:શબ્દ બનાવી દે છે. ભીષ્મ ઊભા થાય છે પરંતુ દ્રૌપદીએ ઉઠાવેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તરો તેમની પાસે નથી. આથી "ધર્મ સૂક્ષ્મ છે" એવી પાંગળી દલીલ સાથે બેસી જાય છે.[16] આવી વિકટ પરિસ્થિતિમાં પણ દ્રૌપદી વડીલોને પ્રણામ કરવાનું ન ચૂકી સ્ત્રીપણાની સંસ્કારિતા છતી કરે છે. યુધિષ્ઠિરના કારણે તેણી આ સ્થિતિમાં આવી પડી હોવા છતાં વિવેક ન ભૂલીને તે યુધિષ્ઠિરના ગુણોને જ પ્રશંસે છે. અહીં તેના નારીત્વનું ઉદાત્ત દર્શન પ્રાપ્ત થાય છે. આમ છતાં તે પોતાના અપમાનને ભૂલતી તો નથી જ. તે એવી વેધક દૃષ્ટિથી પતિઓને જૂએ છે કે રાજ્ય, ધન અને રત્નોની હારથી પણ જેટલું દુ:ખ નહોતું થયું તેટલું દુ:ખ તેઓને કૃષ્ણાના આ કટાક્ષોથી થાય છે.

            પરાક્રમી પતિઓના દાસત્વથી ક્ષોભ પામેલી અને દુર્યોધનાદિ ચાર વરૂઓ વચ્ચે ઘેરાયેલી દ્રૌપદી ભીષ્માદિ કુરુઓને અને સ્વયં રાજા ધૃતરાષ્ટ્રને પણ ધર્મયુક્ત પ્રશ્નો વડે આરોપીના પાંજરામાં ઊભા કરે છે. ચીરહરણ પછી તો તેની વાણી અત્યંત ધારદાર બની જાય છે અને આ સભામાં "કુરુઓનો ધર્મ આજે નાશ પામ્યો છે" તેવું વેધક વિધાન પણ તેણી કરે છે. આ અપમાન પછી સભાને છોડી ન જઇને હું જીતાયેલી છું કે વણજીતાયેલી એ પ્રશ્ન સાથે ત્યાં જ ઊભી રહે છે. આખરે રાજાએ નમવું પડે અને તેણીને વરદાન માગવા કહેવું પડે છે. અહીં પણ દ્રૌપદીના નારીપણાની ગરિમા દેખાય છે. તે પ્રથમ વરદાનમાં યુધિષ્ઠિરની મુક્તિ અને બીજા વરદાનમાં બાકીના ચાર પતિઓની સશસ્ત્ર મુક્તિ માંગે છે. ત્રીજું વરદાન મળતું હોવા છતાં તેણી તેનો સ્પષ્ટ નકાર કરે છે. વરદાનમાં તે દુર્યોધન માટે મૃત્યુદંડ પણ માંગી શકી હોત પરંતુ પુરુષપણા પ્રત્યેનો ધિક્કાર તેના નારીપણાનો આદર્શ નથી. સંસ્કૃત સાહિત્યમાં જોવા મળતાં નારીવાદનું આ તેજસ્વી દૃષ્ટાંત છે.

            નારીવાદની ઉત્કટતાને દર્શાવતું અન્ય પાત્ર શકુંતલાનું છે. મહાભારતના શકુંતલોપાખ્યાનની મુગ્ધા નાયિકા શકુંતલાની મુગ્ધતાનો લાભ ઉઠાવી દુઃષંત તેણી સાથે ગાંધર્વ વિવાહ કરે છે. તે તેણીને થનારા પુત્રને યુવરાજ બનાવવાની શરતનો સ્વીકાર પણ કરે છે. પરંતુ જ્યારે તે પત્રને લઇને શકુંતલા પતિગૃહે પહોંચે છે ત્યારે દુઃષંત તેને ઓળખવાનો પણ નકાર કરી દે છે. પોતાના સ્ત્રીત્વ પર થયેલા આ આઘાતને શકુંતલા સહન કરી શકતી નથી અને અનેક ધર્મયુક્ત વચનો વડે દુઃષંતને ઝાંખો પાડી દે છે. પરંતુ અહીં પણ જોવાની વાત એ છે કે શકુંતલાનો વિરોધ દુઃષંત પ્રત્યે નથી. પરંતુ તેના મિથ્યાચારીપણા પ્રત્યે છે. તેણી દુઃષંતને વારંવાર સત્ય અને ધર્મનો પથ દર્શાવવા પ્રયાસ કરે છે. તેણીને પોતાના ત્યાગની પરવા નથી કારણ કે પૂર્વે તે એક વખત માતાપિતા (મેનકા-વિશ્વામિત્ર) વડે ત્યજાયેલી જ છે. પરંતુ તેણી પોતાના પુત્રને અપનાવી લેવાની વિનંતી કરે છે (જેથી રાજ્યને તેનો ઉત્તરાધિકારી મળે) જ્યારે તેનો પણ અસ્વીકાર થાય છે ત્યારે કોઇપણ પ્રકારે દીનતા બતાવ્યા વિના તેણી કહે છે કે ”હું જાતે જ ચાલી જાઉં છું. કારણ કે તમારા જેવા (જૂઠાબોલા) સાથે હું જ રહેવા ઇચ્છતી નથી. હે દુઃષંત ! તમારા વિના પણ મારો પુત્ર પર્વતરાજ હિમાલયરૂપી કિરીટથી શોભિત ચાર છેડાવાળી પૃથ્વીનુ પાલન કરશે."[17] આખરે આકાશવાણી થાય છે, જેમાં માતાને માત્ર ચામડાની કોથળીની જ ઉપમા અપાય છે. પુત્રને તો પિતાનો જ ગણાવાય છે. એ પુરુષસત્તાક ભાવનાની વચ્ચે પણ સ્ત્રીત્વનું તેજ તો ઝળહળતું રહે છે. કાલિદાસની શકુંતલા વ્યાસની શકુંતલાથી વધારે નબળી સાબિત કરી શકાય તેમ નથી જ.

            મહાભારતમાં જ નારીવાદનું ત્રીજું ભવ્ય ઉદાહરણ સાવિત્રીનું છે.[18] પોતાના તેજથી જ ભલભલા પુરુષોને મહાત કરતી સાવિત્રીને યોગ્ય કોઇ વર પિતા અશ્વપતિને મળ્યો નહીં ત્યારે પિતાએ સ્વયં સાવિત્રીને જ વર શોધી લેવાનું કહ્યું. કન્યા સાવિત્રીએ વર પણ કેવો શોધ્યો ! અંધ અને રાજપાટ ગુમાવી વનમાં રહેતા દ્યુમમત્સેન  નો અત્યંત ગુણવાન પરંતુ અલ્પાયુષી સત્યવાન ! પિતાએ ઘણું સમજાવી પણ તે માની જ નહીં. આખરે વિવાહ સંપન્ન થયા પછી સાવિત્રીએ પોતાના દઢ નિશ્ચયથી અને સ્વધર્મનું પાલન કરવાથી મળેલા તેજના સહારે યમરાજને પ્રસન્ન કરી સસરાની દૃષ્ટિ અને તેનું રાજ્ય, પિતાને એકસો પુત્રો અને સત્યવાનથી પોતાને એકસો પુત્રોનું વરદાન મેળવ્યું, આમ માત્ર પોતાની નિષ્ઠા અને સત્યપ્રિતાથી તેણીએ પોતાના અલ્પાયુષી પતિ માટે ચારસો વર્ષનું દીર્ઘાયુષ્ય મેળવ્યું. આ વરદાન કંઈ એમને એમ મળ્યું નથી. તે માટે તેણીએ તેણીએ દર્શાવેલી બુદ્ધિપ્રતિભા અને શ્રદ્ધા કારણભૂત બની છે. ભારતીય નારીત્વનો  આ એક વિશિષ્ટ આયામ છે.

            નારીવાદનો અન્ય એક મુખ્ય આયામ માર્કણ્ડેયપુરાણમાં પણ જોવા મળે છે.[19] ઋતુધ્વજની પત્ની મદાલસાને ચાર પુત્રો થાય છે. જેમાનાં પહેલા ત્રણ પુત્રો વિક્રાંત, સુબાહુ અને શત્રુમર્દનને અધ્યાત્મનો ઉપદેશ આપી મહાજ્ઞાની બનાવ્યા. પરંતુ ચોથા પુત્ર અલર્કને પતિની વિનંતીથી રાજધર્મનો ઉપદેશ કર્યો અને તેને ઉત્તમ રાજા બનાવ્યો. અહીં માતા તરીકે નારીત્વના આદર્શને ચરિતાર્થ થતો કવિએ દર્શાવ્યો છે. ‘ઉત્તમ માતા બનવામાં જ નારીપણાની સાર્થકતા છે’ તેવું સૂચન અહીં દેખાય છે. માતા તરીકેના સ્ત્રીના સ્વરૂપને તો સ્મૃતિઓએ પણ ખૂબ જ વખાણ્યું છે. મનુ કહે છે, "દશ ઉપાધ્યાયથી ઉત્તમ એક આચાર્ય છે. સો આચાર્યથી શ્રેષ્ઠ એક પિતા છે અને હજાર પિતાથી શ્રેષ્ઠ એક માતા છે."[20] સંસ્કૃત સાહિત્યમાં જાણે અજાણે એવો સ્વીકાર દેખાય છે કે માતાના સાંનિધ્યમાં રહેલા પુત્રો તેજસ્વી બન્યા છે. સર્વદમન, લવ – કુશ, અભિમન્યુ, અલર્ક અને શિવાજી તેનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

            સમગ્ર રીતે જોતાં મહાભારત અને સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં જોવા મળતા ભારતીય નારીવાદના લક્ષણો આ રીતે તારવી શકાય તેમ છે.-
►  નારી પાસે નર સદૃશ અધિકારો નથી. તે પરતંત્ર છે,પણ તેના વિના સમાજનું નિર્માણ શક્ય  નથી.
►  નારી ઉપભોગની વસ્તુ નથી.
►  નારી નરની પૂરક છે, તેના વિના નર અધુરો છે.
►  નારીને ગમે ત્યારે પતિને બદલવાની કે વિધવા વિવાહની છૂટ નથી, અહીં લગ્ન એક સંસ્કાર છે, કરાર નહીં.
►  નારી નરના ધર્મ,અર્થ,કામ અને મોક્ષનું કારણ છે.
►  નારીનું કાર્ય ધનોપાર્જન નથી. દાસી, ગણિકા,નૃત્યાંગના જેવા કેટલાંક જ ક્ષેત્રોમાં નારીનું ધનોપાર્જન દેખાય છે.
►  નારી માત્ર પોતાના અધિકાર માટે લડતી નથી. કેમકે તેનામાં માતૃત્વ છે.
►  નારીનું કાર્યક્ષેત્ર ઘર છે. ગૃહિણીથી જ ઘરની પ્રતિષ્ઠા કહેવાય છે.[21]
►  નારી સામન્ય રીતે પુરુષના પડછાયાની જેમ રહે છે. પરંતુ જ્યારે તેના સ્ત્રીત્વને આંચ આવે છે ત્યારે તે શક્તિસ્વરૂપા પણ બની શકે છે.
►  નારી ક્યારેય અપમાનની અધિકારિણી નથી.
►  સાહિત્યમાં નારીપાત્ર હંમેશા ગૌણ રહ્યું છે. જોકે તેનું ચિત્રણ અબળા તરીકે થયું નથી.
►  માતૃત્વ તેનો આદર્શ છે.

            વર્તમાન સંદર્ભમાં નારીવાદનો અર્થ છે દરેક પ્રકારની સ્વતંત્રતા – જીવવાની, વિચારની, ખર્ચની, આનંદની અને પરિવારરૂપ બંધનથી સ્વતંત્રતા. આમાં હકક મહત્ત્વનો છે, કર્તવ્યની લડત નથી. નારીવાદનો આ સંદર્ભ સંસ્કૃત સાહિત્ય સાથે તપાસતાં તેમાં આધુનિક નારીવાદના ચિહ્નો ક્યાંય પડેલા જણાતા નથી. તેમાં ક્યાંય પુરુષ સાથેનો સંઘર્ષ નથી. વળી તેમાં પુરુષ સમોવડી થવાના કે પગભર થવાના સ્ત્રીના ઓરતા દેખાતા નથી તો પછી સજાતીય સંબંધો કે સ્વચ્છંદીપણાની વાત તો ક્યાંથી હોય ? નારીને સમજવા માટેનું ભારતીય માનસ ભિન્ન છે તે સ્વીકાર્યા વગર છૂટકો નથી. અહીં ધર્મપાલજીને ટાંકીએ તો, "પોતાના વિશ્વમાં પાછા ફર્યા વિના, આપણા સહજ ચિત્ત, માનસ અને કાળની આધારભૂમિને પામ્યા વિના આપણું કામ ચાલવાનું નથી. ભારતીય ચિત્ત પર જે અંકિત થયેલું છે અને એનો કાળ સાથે જે સંબંધ છે તે અનેક રીતે અભિવ્યક્ત થયું હશે એ અભિવ્યક્તિઓને જોવા જાણવાની આપણા ચિત્ત અને કાળનું એક ચિત્ર ઉપસી આવશે. ભારતીય સભ્યતાના પ્રાચીન સાહિત્યને પણ ભારતીય ચિત્ત અને કાળની એક અભિવ્યક્તિના રૂપે જોવું જોઇએ. એ સાહિત્યમાં કદાચ ભારતીયતાની, સહજ ભારતીય ચિત્ત અને કાળની ઘણી વિશદ ઝલક જોવા મળશે."[22] સંસ્કૃત સાહિત્યમાં નારીવાદનો જે ભારતીય આદર્શ રજૂ થયો છે તે આદર્શ પૂર્વગ્રહયુક્ત માનસ વડે સમજાય તેવો નથી. આ આદર્શની આધારશીલા સ્ત્રી-પુરુષનું પરસ્પર પૂરક્ત્વ છે. અહીં. પ્રત્યેક પુરુષમાં રહેલી સ્ત્રી અને પ્રત્યેક સ્ત્રીમાં રહેલા પુરુષની હયાતીનો સ્વીકાર છે. પુરુષ-પ્રકૃતિ, શિવ-પાર્વતી અને મનુ-શતરૂપા એ નર અને નારીના નૈસર્ગિક યુગલપણાની ઉદાત્ત વિચારશૃંખલાઓ છે, જેને કોઇપણ વાદ સાથે સંબંધ નથી.

*******************************

1. 'નારીવાદ-વિભાવના અને વિમર્શ',સં. ઉર્વશી પંડ્યા, ૨૦૦૮, પૃ.૧૨૦
2. એજન
3. શ્વેતાશ્વતર ઉપ. ૫/૧૦
4. આશ્વ.ગૃ.સૂ.૧.૭.૬, પા.ગૃ.સૂ. ૧.૬.૩
5. મનુસ્મૃતિ ૫.૧૪૮,૧૪૯
6. એજન ૩.૫૬
7. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता |
8. आत्मात्मनैव जनितः पुत्रः इत्युच्यते बुधैः | ઐત.બ્રા.૭.૩૩.૧૩
9. ॠषिणामपि का शक्तिः स्रष्टुं रामामृते प्रजाः |મહાભારત ૧.૬૮.૫૧
10. તૈત્તરીય સંહિતા
11. रतिं प्रीतिं च धर्मं च तास्वयत्तमवेक्ष्य च |મહાભારત૧.૬૮.૫૦
12. अपत्यं धर्मकार्याणि शुश्रूषा रतिरुत्तमा | दाराधीनस्तथा स्वर्गः पितृणामात्मनश्च |મનુસ્મૃતિ ૯.૨૮
13. ઋગ્વેદ ૧૦.૧૦.૭
14. સભાપર્વ ૫૮.૩૫
15. એજન ૬૦.૧-૭
16. એજન ૬૦.૩૫-૪૨
17. મહાભારત ૧.૬૯.૨૬,૨૭
18. એજન, આરણ્યક પર્વ, અધ્યાય ૨૭૭ થી ૨૮૩
19. અધ્યાય ૧૬, ૧૭
20. उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता | सहस्रं तु पितृन्माता गौरवेणाधिरिच्यते |મનુસ્મૃતિ ૨.૧૪૫
21. गृहाः वै पत्न्यै प्रतिष्ठाः |શત.બ્રા.૧૨.૮.૨.૧
22. ધર્મપાલ સમગ્ર લેખન, ખંડ ૧ પૃ. ૨૧૭


પ્રો. મેહુલ શાહ,
અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ
લાલન કોલેજ, ભૂજ, કચ્છ

*******************************