સંપાદકીય 


મિત્રો,

સાહિત્યસેતુ ઈ-જર્નલ ત્રણ વર્ષની મજલ કાપીને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. દર બે મહિને પ્રગટ થતાં આ ઇ-જર્નલને આપ સૌ દ્વારા જે રીતે પોંખવામાં આવ્યું છે એનો અમને સવિશેષ આનંદ છે. 80થી વધારે દેશોમાં, 4500થી વધારે નિયમિત વાચકો ધરાવતું આ જર્નલ આખાય વિશ્વને જોડવાનું માધ્યમ બની રહ્યું છે-ત્યારે સ્વાભાવિક જ ગૌરવની અનુભૂતિ થાય છે. શરું કર્યું ત્યારે અને અત્યારે પણ વેબસાઈટ અને આ ઇન્ટરનેટની દુનીયા વિશે કોઈ જ સભાનતા નહોતી, વેબ બનાવવા માટે કોઈ જાણકારના આશ્રયે ગયા વિના જ શીખતા ગયા અને આજે આ રીતે નવા-નવા રૂપરંગ સાથે સાહિત્યસેતુ નિયમિત રીતે પ્રકાશિત થઈ રહ્યું છે તે આપ સૌએ આપેલ પીઠબળનો પ્રતાપ છે.

હા, ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાના ધોરણો, લોકપ્રિયતાના ધોરણો બરાબર જળવાતા નથી, અમે સભાન છીએ એ બાબતે પણ સાથોસાથ અમારો વિચાર એ પણ છે કે સાવ નવા, લખવાનું, સંશોધન કરવાનું શરું કરનારા માટે પણ એક પ્લેટફોર્મ હોય- એ હેતુથી અમે ઘણીવાર નબળી રચનાઓને પણ આ મેગેઝીનમાં સ્થાન આપી બેઠા છીએ. એમનો ઉત્સાહ વધ્યા પછી એમને પુનઃ લેખન, અથવા તો અસ્વીકારનો ઘૂંટડો ગળવા આપ્યો છે.

કવિતા અને વાર્તાઓ પ્રમાણમાં ઓછી આવે છે. આવે છે તે બધી જ છાપવા જેવી હોતી નથી. એટલે અમે વધારે ધ્યાન ગ્રંથાવલોકન, સમીક્ષા અને વિવેચન-સંશોધન પર આપી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં ત્રણ નવલકથાઓ પ્રકાશિત કરી, એક અધૂરી રહેવા પામી. કટાર લેખન પણ સારું એવું ચાલ્યું. પ્રશ્નબેંક શરુ કરી પણ હજી નિયમિત થઈ શક્યા નથી. ઇ વર્ઝનમાં નવલકથાઓ સ્વીકાર્ય રાખી છે- કેટલાક લેખકો સંમત થયાં છે, ભવિષ્યમાં આખી નવલકથા અહીંથી ડાઉનલોડ કરીને વાંચી શકાશે.

ભારત સીવાય વસતા મિત્રોને જણાવવાનું કે વાંચવાની સાથો સાથ તમે જો ડાયરી, તમારી આસપાસના સ્થળો, પ્રસંગો, વિશે અહેવાલ કે નિબંધ લખીને મોકલશો તો અમે એને ચોક્કસ સાહિત્યસેતુમાં સમાવવા પ્રયત્ન કરીશું.

હવે,

આનંદની એક વાત.....................

સાહિત્યસેતુના પ્રથમ નારી વિશેષાંકને ગત વર્ષ 2012-13નો લાડલી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તા. 20 ડિસેમ્બર 2013ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારંભમાં બેસ્ટ ઇ-મેગેઝિન તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. હજ્જારો એન્ટ્રીમાંથી સાહિત્યસેતુની પસંદગી કરવામાં આવી એટલે સ્વાભાવિક જ અમારો આનંદ ચરમસીમાએ છે. અમારો ઉત્સાહ બેવડાયો છે.

આ મેગેઝિન મુખ્યત્વે સાહિત્ય અને કલાઓને કેન્દ્રમાં રાખતું હોવા છતાં ક્યારેય સામાજિક દાયિત્વથી અળગા રહેવાનો પ્રયાસ કર્યો નથી. છેલ્લા વર્ષોમાં ભારતભરમાં જે રીતે બળાત્કારોના, ઉત્પિડનના બનાવોએ માજા મુકી છે ત્યારે કોઈ જ સભાન નાગરિક એનાથી દૂર ન રહી શકે. અમને ચિન્તા છે. જૂદા જૂદા વેશમાં – ક્યારેક બસ ડ્રાઈવરરૂપે તો ક્યારેક પત્રકારરૂપે ક્યારેક મોટા સાધુ સંતરૂપે તો હદ વટાવીને ભગવાન નામધારીઓએ સ્ત્રીઓની જે અવનતિ કરી છે એ ઘૃણાસ્પદ છે. કાયદાઓ તો એમની રીતે કામ કરશે પણ દરેક નાગરિકે પોતે જ એ બાબતે સભાન રહીને સક્રિય થવા જેવું છે. સમાજમાં વિકૃતિ વ્યાપે એ પહેલા જાગવાની જરૂર છે.

અમે આ માધ્યમથી સતત એ માટે પ્રયત્નશીલ છીએ.
આપ સૌ આપના વિચારો જણાવો,કવિતા, વાર્તાઓ, લેખો, સંશોધનો, અહેવાલો, અથવા તો અન્ય કોઈ માર્ગે અમારા આ કાર્યમાં જોડાઓ એવી ઇચ્છા વ્યક્ત કરીએ છીએ.

નરેશ શુક્લ
મુખ્ય સંપાદક

*******************************