મારે પણ એક ઘર હોય" : કૃતિ-પરિચય 

("મારે પણ એક ઘર હોય", લે. વર્ષા અડાલજા, પ્રકાશક: આર.આર.શેઠની કં. અમદાવાદ-મુંબઈ, પ્ર.આ. ૧૯૭૧, નવી આવૃત્તિ ૧-૩-૧૯૯૫)

જીવનભર માણસે કોઈકનાં દર્શન કરવાની ઝંખના સેવી હોય અને લાંબી રઝળપાટને અંતે તેને પ્રત્યક્ષ જોવાની ઘડી સમીપ આવે ત્યારે તેને સહસા ખબર પડે કે પોતાની આંખે હવે જ્યોતિ જ રહી નથી. તીવ્ર તૃષા અને તલસાટને અંતે મેળવેલો અમૃતપ્યાલો વિષ બની જાય તેવી વ્યથા-કરુણતા “મારે પણ એક ઘર હોય”માં જોવા મળે છે.

માણસના હૃદયની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે તેનામાં અનેક ભાવ રહેલા છે. એક સમયે તે જેને ધિક્કારે છે, તેને જ તે બીજી પળે ચાહવા માંડે છે. જેની સાથે તે લડવા ચાહે છે તેની જ ખાતર તે બલિદાન પણ આપે છે. જેનામાં દુર્બળતા છે, સ્વાર્થ છે, સુખી થવાની ભાવના છે, તો સાથે સાથે ઉદારતા, મમતા અને બીજા ખાતર મરી ફીટવાની અપૂર્વ ત્યાગભાવના પણ છે. આ કથાની નાયિકા લીના પણ આવી જ કંઈક લાગણી ધરાવે છે.

લીના પોતે જે ઇચ્છે છે તે બધું સુરેખાને આપી દેવું પડે છે. બંને વચ્ચે દ્વંદ્વયુદ્ધ ચાલે છે. આ દ્વંદ્વયુદ્ધ કેવળ બંને બહેનો વચ્ચેનું દ્વંદ્વયુદ્ધ નથી પણ લીનાના પોતાના હૃદયમાં ચાલતાં બે પરિબળો વચ્ચેની લડાઈનું પ્રતિબિંબ છે અને આ વાત બહુ વેધક રીતે ત્યારે પ્રગટ થાય છે જ્યારે લીના કહે છે : “આઇ એમ એ ફાઇટર. આઇ વિલ ફાઇટ થ્રૂ એન્ડ થ્રૂ. હું છેક સુધી લડી લઈશ. હું નમતું નહીં આપું. હાર નહીં માનું.”

લીનાની લડાઈ કોઈની સામે નથી (સુરેખા, અનુપમ, હરિદાસ). નિયતિએ તેને જે આપ્યું છે તે ચૂપચાપ નહીં તો આક્રોશ સાથે પણ તે સ્વીકારી લે છે. લીનાની લડાઈ એની પોતાની જ જાતના એક ભાગ સાથે છે પોતાની જ અંદર તે પોતાના અંશને ચાહે છે ને બીજાને ધિક્કારે છે. આ બંને વચ્ચે સતત ચાલતો સંઘર્ષ તે જ તેના જીવનનું યુદ્ધ છે અને એ યુદ્ધમાં તે જીતે છે. પોતાને માટે સુખ પામવાની ઇચ્છાનો છેલ્લો તંતુ એ છોડી દે છે તે પળે જ તેણે ઇચ્છેલું સઘળું તેને મળે છે. આ ઘર, અપૂર્વ અને અનુપમ એના છે ને નથી પણ, પણ હવે એના હૃદયમાં ધિક્કાર નથી, પ્રેમનો અમૃતઝરો સતત વહ્યા કરે છે. પોતાની અંદર ચાલતા યુદ્ધમાં તેણે ધિક્કારને સંપૂર્ણપણે પરાજિત કર્યો છે અને એટલે જ પ્રાપ્તિનું આ બદલાયેલું ‚રૂપ તેને ઈશ્વરની અનુકંપા સમાન લાગે છે. ઘર એટલે સંપૂર્ણ સંવાદિતાનો અવકાશ. જો એવો અર્થ થતો હોય તો એ સંવાદિતા તેને પોતાના અંતરમાં જ સાંપડી છે. હવે તેના હૃદયમાં છે કેવળ પ્રેમ અને વાત્સલ્ય. ઘર્ષણ અને ત્યાગથી શ‚રૂ થયેલી તેની યાત્રા ઈશ્વરે નિર્મેલી પરિતૃપ્તિને પામે છે, આંખેથી જ્યોતિ જતાં આંતરચક્ષુ ખૂલે એમ લીના પોતાને જે મળ્યું તેમાં ઈશ્વરની કરુણા જુએ છે. એ તેનો અંતિમ વિજય છે.

વાર્તામાં મુખ્ય પાત્ર લીના છે અને સુરેખા, અનુપમ ગૌણ પાત્રો. કથામાં લેખિકાએ બંને બહેનો વચ્ચેના પ્રેમ અને ધિક્કારની લાગણીને વાચા આપી છે. પ્રેમ અને ધિક્કાર વચ્ચે ઝોલાં ખાતા એક નાજુક સંબંધની આ વાત છે. માનસિક રોગથી પીડાતી નાની બહેન તરફ પોતાને અનુકંપા છે, પ્રેમ છે એમ માનતી લીનાને ખબર પડે છે કે ના, એ પ્રેમ નહોતો... પ્રેમનું સંતર્પક વારિ તો ક્યારનુંય સુકાઈ ગયું હતું. રહ્યો હતો કેવળ ધિક્કાર(નો કીચડ) ‚રૂપી વિષનો ઝરો. ને અચાનક એની દુનિયા પલટાઈ જાય છે.

મુખ્ય નાયિકા લીનાની આસપાસ વાર્તાનો કથાતંતુ જોડાયેલો છે. લીના ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તેને ડોક્ટર બનવું છે પણ પોતાની નાની બહેન સુરેખા (સિઝોફેનિક) માનસિક રોગની પીડાની દર્દી છે. પોતે જે ઇચ્છે છે તે બધું જ નાની બહેનને આપી દેવું પડે છે. ત્યાં સુધી કે જે વ્યક્તિને તે ચાહે છે તે વ્યક્તિ પણ પોતાની નાની બહેનને આપી દે છે. માનસિક બીમારીની આડ નીચે સુરેખા પોતાની મોટી બહેનના અનુપમને પણ આંચકી લે છે. તેથી સુરેખા એક દિવસ મોટી બહેન લીનાને કહે છે : “અનુપમ મને નહીં પરણે તોયે તમને તો નહીં જ પરણે. કારણ કે તે મને ચાહે છે, તમને નહીં.” સામે લીના કહી શકી હોત કે : “મને ન પરણે તો કાંઈ નહીં પણ તારી સાથે તો એનાં લગ્ન નહીં જ થવા દઉં.” - ના, પણ લીના આવું કંઈ જ કરતી નથી. લીના એટલે લીન થઈ જવું તે. જે વ્યક્તિ પોતાના પરિવારના સુખ અને દુ:ખમાં લીન થઈ જાય તે વ્યક્તિ પોતાની નાની બહેન સુરેખા માટે અહિત કઈ રીતે ઇચ્છી શકે. તે સામે ચાલીને પોતાના પિતાને સુરેખા અને અનુપમના પ્રેમની વાત કરે છે. લીના અત્યાર સુધી પોતાનું બધું જ સુરેખાને આપતી આવી છે. તે પોતે વિધિનિર્મિત સંજોગોનો વિરોધ કર્યા વગર ચૂપચાપ જોયા કરે છે. પોતાના દ્વારે આવેલો પરમ સાર્થકતાનો રથ બીજાના દ્વાર ભણી વળી જતો જોયા કરે છે, ને એ બીજા દ્વારે સ્વાગતનો દીવો પોતે જ પેટાવી આપે છે.

લીના ઇચ્છી હોત તો સુરેખાને પરાસ્ત કરી શકી હોત, પણ તેને એમ કરવામાં કશો રસ જ નથી. ઉપરથી તેને વિદાય આપતાં અકળ વ્યથાથી રડી પડે છે અને તેને બાળક આવવાનું હોય છે તે જાણીને ગાંડી-ઘેલી બની જાય છે. લીના ધિક્કાર અને એમાંથી જન્મતી ગુનાની ભાવનામાંથી જાતે જ બહાર આવી છે. સાંકડા નરકની બારી ખોલી પ્રેમનો સ્વર્ગીય પ્રકાશ પોતે જ પેટાવે છે.

સુરેખા નાજુક અને સુંદર છે પણ સાથે માનસિક રીતે બીમાર પણ છે. સુરેખાને જ્યારે હુમલો થાય છે ત્યારે લીના પોતાની વસ્તુ એને આપી દેતી. તેને થતું કે વિધાતાએ જાણે તેની સાથે સોદો કર્યો હતો. ત્રાજવાના એક પલ્લામાં હમેશાં સુરેખાને મૂકવી જ પડતી અને પોતે ગમે તે કરે પણ હમેશાં સુરેખાનું પલ્લું જ નમી જતું. સુરેખાની સામેના પલ્લામાં એ પોતાનું સમગ્ર અસ્તિત્વ હોડમાં મૂકી દેતી. (પૃ. ૧૩)

લીનાને થતું, સુરેખા નામની ધરી પર ઘર જોર જોરથી ગોળ ગોળ ઘૂમી રહ્યું છે. તેને ચક્કર આવતાં. એને થતું, એ ચીસો પાડીને બધાંને કહી દે : ના ના ના, બસ બહુ થયું. હું સુરેખા માટે કશું જતું નહીં કરું. હું પણ માણસ છું. મને મારી રીતે જિંદગી જીવવાનો અધિકાર છે. - પણ મા-બાપના કારણે તે કશું બોલ્યા વિના ચૂપચાપ પોતાના ખંડમાં જઈ બારણાં ભીડી દેતી. પરંતુ ઘણી કોશિશ છતાં મનનાં બારણાં ખોલી નાખવાની તક એને ક્યારેય આપી જ નહીં. (પૃ. ૨૧)

લીનાને થતું, આંખે પાટા બાંધી એને એક ગોળ પૈડા સાથે જકડી દીધી છે. એ સતત ગોળ ગોળ એકધારું ફરતી હતી. એ દરરોજ ખૂબ ચાલતી, થાકી જાય ત્યાં સુધી, છતાં એ ત્યાં જ હતી. એક તસું પણ ખસી નહોતી!

લીનાને એક દિવસ રમીલાની જન્મદિવસની પાર્ટીમાં જવાનું હતું પરંતુ સુરેખાના ગાંડપણના કારણે બંધ રહે છે. તેથી લીનાને થાય છે કે સુરેખા એના જીવન પર જળોની જેમ ચોંટી ગઈ હતી. પૂરેપૂરું લોહી પી લીધા વિના એ નહીં જ ઊખડે. (પૃ. ૨૯)

લીનાને થતું આજ સુધી એનું સમગ્ર અસ્તિત્વ સુરેખા નામની ધરી પર ઘૂમતું હતું. (પૃ. ૩૪) તેને થયું, એકદમ જ દુનિયા પરથી એકલતાનો, કંટાળાનો પડદો ઊંચકાઈ ગયો છે.

અનુપમ અને સુરેખાને સાથે જોઈને લીનાને થયું કે એ દૈવ જ શાપિત છે. સુખનું વરદાન એને નથી મળ્યું. એ હવે શું કરી શકે? શરીરમાંથી તમામ તાકાત નિચોવાઈ ગઈ હોય એમ અશક્ત બની લીના બારણાને અઢેલીને ત્યાં જ ઊભી રહી ગઈ. (પૃ. ૪૬) લીનાએ સુરેખા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. તેણે સુરેખાના હાસ્યની કિંમત આંસુથી ચૂકવી છે. લીના જિંદગીભર સુરેખાના સુખને માટે પોતાનાં અરમાનો અને સ્વપ્નો સળગાવી તેના માર્ગમાં પ્રકાશ પાથરતી આવી છે. લીનાને ખૂબ ઇચ્છા હતી કે તે ખૂબ ભણે, ડોક્ટર બને. એને ખૂબ ઊડવું હતું. સુખ-સમૃદ્ધિની ટોચે પહોંચવું હતું અને આજે તળેટીમાં કાદવમાં ખદબદતા એક કીડાની જેમ, જીવવા માટે પણ પોતાને (લીના) ફાંફાં મારવા પડે તેમ છે (પૃ. ૫૮)

લીના મોટી બહેન હતી, આજ્ઞાંકિત પુત્રી હતી, કુટુંબની રક્ષક હતી. એ બધી લીનાઓમાંથી લીના એક સ્વતંત્ર વ્યક્તિને શોધી કાઢવા માગતી હતી. અત્યાર સુધી પોતાના એક ચહેરા પર અનેક મહોરાં પહેરીને જીવતી હતી. આજે એ તમામ મહોરાં ફગાવી દઈ એક જાદુગરની જેમ છતી થવા ઇચ્છતી હતી. (પૃ. ૬૧) લીના સ્વગત બોલી, "આઇ એમ ફાઇટર એન્ડ ફાઇટર, થ્રૂ આઉટ." ના, રડવાનું એના સ્વભાવમાં નહોતું. એની નજર ઉપર આકાશ તરફ ગઈ. એને થયું આકાશમાંથી ખરી પડેલા તારાની જેમ એ અનુપમ-સુરેખાના જીવનમાંથી ખરી ગઈ હતી. (પૃ. ૬૨) તેને થતું, એ ખાલી થઈ ગઈ છે. પોતાનાં પત્તાં પૂરાં થઈ ગયાં પછી રમવાનો કશો અર્થ જ ન હોઈ શકે એ લીના સમજતી હતી. (પૃ. ૬૫)

લીના સુરેખાના દીકરાને પોતાનો દીકરો સમજી ઉછેરે છે. અપૂર્વ લીનાનો પ્રાણ-શ્વાસ હતો. તેને મન અપૂર્વ જિંદગીનો પર્યાય બની જાય છે. (પૃ. ૯૦-૯૧) ખૂબ ચાલીને લીના અંતે ત્યાં જ ઊભી હતી જ્યાંથી એણે શરૂ‚આત કરી હતી. સુરેખાના દર્દે અચાનક ઊથલો મારતાં એનો સંસાર ક્ષણમાં ઉપર-તળે થઈ ગયો હતો. સ્વપ્નને વેરવિખેર કરી નાખ્યું હતું. ખૂબ જહેમતથી એક એક તાંતણો ગૂંથીને પોતે સુખી હોવાની એક ભ્રમજાળ રચી હતી. જિંદગી જોડે એણે (લીના) સમાધાન કરી લીધું હતું. સુરેખા-અનુપમ સુખી હતાં, અપૂર્વ પોતાનો હતો અને ઉદાસ થયેલું મન ફરી પાછું વસંત પેઠે મહોરી ઊઠે છે. (પૃ. ૯૯) પણ સદાય હસતી, પ્રસન્ન લીના કરતાં આજની લીના જુદી જ લાગતી હતી. (પૃ. ૧૦૯)

સુરેખા અને લીના શરીરનો, સ્વભાવનો અને સ્વાસ્થ્યનો ભેદ પાર કરી બંને ક્યારેય એક થઈ શક્યાં નહીં. સુરેખા માટે લીનાનાં સ્વપ્નોનું સતત સમર્પણ તેને પાગલ કરી મૂકતું. તે નહોતી ઇચ્છતી છતાં તે સુરેખાને ધિક્કારવા લાગી હતી. (પૃ. ૧૧૧) બીજા દિવસે પણ સુરેખાના દર્દમાં કશો ફેર નહોતો પડ્યો. અનુપમ અને અપૂર્વને જોતાં એટલી ચીસો પાડી એ રડવા માંડતી કે એને જુદા ખંડમાં જ પૂરી દેવી પડતી. એનું દર્દ કાબૂ બહાર હતું. સુરેખાની આ સ્થિતિ જોઈને તેને મેન્ટલ એસાઇલમમાં મૂકવાનો નિર્ણય લેવાયો. તેને એસાઇલમમાં દાખલ કરી તે રાત ગમગીનીમાં પસાર થાય છે. ઘરે જાણે ઉદાસીનો અંચળો ઓઢી લીધો હતો. સ્તબ્ધતા અને શાંતિ વફાદાર સેવકની જેમ મૌન બનીને ઊભાં હતાં. (પૃ. ૧૧૫-૧૧૭)

લીનાએ શું માંગ્યું હતું? અનુપમ એનો પતિ હોય, મારે પણ એક ઘર હોય, એક બાળક હોય! આજે એ બધું જ એને અનાયાસે મળ્યું હતું અને... છતાં, આ એનું ઘર નહોતું, અનુપમ એનો પતિ નહોતો, અપૂર્વ એનો પુત્ર નહોતો અને છતાં આ બધું જ એનું હતું. આ ઈશ્વરની કરુણા જ હતી. (પૃ. ૧૧૮)

લેખિકાને પોતાને આ વાર્તા ઘણી ગમી છે. લેખિકા પોતે લીનાના પાત્રમાં એકાકાર થઈ જાય છે. જાણે રંગમંચ પર લેખિકા તે પાત્ર ભજવતાં હોય એવું દૃશ્ય નજર સમક્ષ ખડું થાય છે. અને એટલે જ કદાચ દસ-બાર દિવસમાં જ આ કૃતિ લખાઈ ગઈ હતી. ધીરુબહેને “સુધા”માં આ કૃતિને હપતાવાર પ્રગટ કરી હતી.

“મારે પણ એક ઘર હોય”ને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી મોટા પ્રેરિત ભગિની નિવેદિતા પારિતોષિક મળ્યું હતું. મુંબઈ દૂરદર્શન પરથી પાંચ ભાગમાં ટેલિ પ્લે તરીકે રજૂ થયું હતું. હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ થયા. એકાંકી તરીકે આકાશવાણી પરથી રજૂ થયું. તખતા પર આંતરકોલેજ સ્પર્ધામાં શ્રેષ્ઠ નાટકનું વિજયપદ્મ પણ મળ્યું. અમદાવાદ દૂરદર્શન પરથી ૧૩ ભાગમાં સિરિયલ તરીકે રજૂ થયું અને શ્રેષ્ઠ કથાપટનું પારિતોષિક મળ્યું. આ કથા પરથી “મોતી વેરાયાં સપનાંના ચોકમાં” નામે ગુજરાતી ચલચિત્ર બન્યું હતું. ગુજરાત સરકાર તરફથી ચલચિત્રને શ્રેષ્ઠ કથાનું પારિતોષિક મળ્યું હતું. સુરેખાની સિઝોફ્રેનિક માનસિક દશાનો એંગલ અને આ કથાનાં જ પાત્રો અને થોડા નવા પ્રસંગો વણી લઈને હિન્દી સિરિયલ પણ બની હતી.

શિવાંગી પંડ્યા
પ્લોટ નં. ૧૦૦૦-૧, સેક્ટર નં. ૨-ડી, ગાંધીનગર

*******************************