બટુકનો બાપ કોણ ?

લે. કેશવપ્રસાદ છોટાલાલ દેસાઇ

અમદાવાદથી પાંચ છ માઇલને દૂર નરોડા નામે નાનું ગામ આવેલું છે. શહેરની પાડોશમાં જ હોવાથી તે છેક ગામડા જેવું રહ્યું નથી. અને તેમાંયે વળી પ્રાંતીજ રેલ્વેનું તે એક સ્ટેશન હોવાથી હમણાં હમણાંમાં તો નવા લોક ત્યાં રહેવાં આવતાં હતાં. તેમાનાં કોઇક અમદાવદનાં મોંઘા ભાડાં અને બીજી મોંઘવારીઓમાંથી બચવા આવતા હતા. કોઇ ચોખ્ખી હવાનો લાભ મેળવવા તથા ગ્રામીણજીવનનો લહાવો લેવા આવતા હતા, ત્યારે વળી કોઇને કાંઇ અને કોઇ ને કાંઇ કારણોને લીધે એકાંત ઘર શોધતાં ત્યાં આવતા હતા.

એક અજાણી બાઇ ત્યાં આવીને વસી હતી. પ્રથમ કોઇ પુરુષ આવીને, ગામમાં જે સારી બાંધણીનાં થોડાં ઘણાં ઘર હતાં તેમાનું એક વેચાણ રાખી ગયો. વેચાણ રાખનાર તરીકે દસ્તાવેજમાં બાઇ...મગનલાલ મણિલાલની દીકરીનું નામ લખવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા દિવસ પછી એક વીસેક વર્ષની યુવાન અને રૂપવતી બાઇ પાંચેક વર્ષના એક પુત્રને લઇને ત્યાં રહેવા આવી. તેની સાથે કોઇ ચાકર નફર નહોતું. ગામમાં રહેવા આવ્યા પછી પણ તે બાઇએ કોઇની સાથે કાંઇ પણ જાતનો વ્યવહાર બાંધ્યો નહોતો. કાંઇ જોઇતું કરતું હોય તો વેપારી સાથે તેટલી જ વાત કરતી હતી. દરરોજ સવારના તળાવના કિનારા ટેકરા ઉપર પોતાના પુત્રને લઇને જતી હતી. ગામમાં નિશાળ તો હતી પણ છોકરાને નિશાળે મોકલતી નહિ. પોતે તેને ઘેર ભણાવતી હતી. આ બાઇ કોણ છે, તેનો પાછલો ઇતિહાસ શો છે, તે આમ એકાંત વાસમાં કેમ રહે છે, વગેરે જાણવાની ગામલોકને ઇંતેજારી તો ઘણી જ થતી હતી, પણ તેઓને તેની કાંઇ જ ખબર પડતી નહોતી. પ્રથમ તો ગામની કેટલીક બાઇઓ એ તેની ઓળખાણ કરવાનો પ્રયત્ન કર્યો.સવારે તે તળાવ કિનારે ફરતી હતી ત્યારે તેની પાસે એકબે બાઇઓ આવી પહોંચી, અને એકદમ teneeતેની સાથે વાતો કરવા માંડી અને કહ્યું કે :" બેન! તમે કોઇ શહેરના રહીશ જણાઓ છો. તમે શહેરનાં લોક અતડાં બહુ. આટલા દિવસથી આવ્યાં છો પણ કોઇ સાથે બેસવું ઉઠવું જ નહિ. આતે કાંઇ સારું કહેવાય ! " કાલે એને લઇને મારે ઘેર આવજો. મારા છોકરાને બપોરે તેડવા મોકલીશ."
" નાજી, આપ કાંઇ મહેનત લેશો નહિ. મારો સ્વભાવ એવો થઇ ગયો છે કે મને એકાંતમાં જ બહુ ગમે છે. તમે મારા ઉપર ખોટું લગાડશો નહિ."

તે વખતે તો એટલેથી પતી ગયું. પણ આ બાઇઓએ આ વાત ગામનાં બૈરાંને કહી અને એમને વાત કરવાનો એક વિષય જડ્યો. તેઓએ આ બાઇની અંદરાંદર પુષ્કળ મશ્કરી કરી. એના જીવન માટે કાંઇ કાંઇ કલ્પનાઓ કરી, અને છેવટે એમ ઠરાવ્યું કે કાંઇ ઉખડેલ બાઇ છે. આ વખતે ગામની રહેવાશી પણ શહેરમાં પરણેલી અને સુસંસ્કાર પામેલી એક યુવતીએ કહ્યું " તમે સૌ ગમે તે કહો પણ એની આંખ ઘણી નિર્મળ છે. આખો દિવસ એ બાળક સાથે રમ્યા કરે છે. અને કોઇનીય સામું ઊંચી આંખે જોતી નથી. આવી બાઇના ઉપર કાંઇ પણ કલંક કેવી રીતે તમે મૂકી શકો ? તમે એને અન્યાય કરો છો." પણ એનું કહ્યું કોણ સાંભળે ? 'બેસ બેસ ચબાવલી.' એમ કહીને એન્ને બધાયે દબાવી દીધી ને ઉલટી મશ્કરીઓ કરવા માંડી. આ પછી એકાદ બે વાર કોઇ કોઇ બાઇઓએ એને ઘેર કાંઇ માંગવા જવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમને પણ એમણે ચાલાકીથી વિદાય કરી દીધી હતી. અને વાત આમ ત્યાંથી જ અટકી હતી.

પુરુષવર્ગમાં એથી જુદીજ જાતની પ્રવૃત્તિઓ ચાલુ હતી. એ બાઇ છે કોણ તે જાણવાની આતુરતા તેમનામાં પણ વધી ગઇ હતી, તે માટે તેઓએ જુદા જુદા પ્રયત્નો આદર્યા. પ્રથમ તો જે ઘર વેચાણ લેવાયું હતું તેના જૂના માલિક મારફતે તપાસ થવા લાગી. આ માલિક પણ ધંધા અર્થે અમદાવાદ રહેતો હતો. પણ કોઇવાર ગામમાં આવતો હતો ખરો. તેને પૂછતાં માલમ પડ્યું કે ઘર રાખનારને તે ઓળખતો નહોતો. ઘણું કરીને તે સુરતનો રહેવાસી હતો અને દલાલ મારફતે કોઇક ગામમાં ઘર લેવાની તજવીજ કરતો હતો. હું નરોડાનો રહેવાસી એટલે મને દલાલે પૂછ્યું કે તમારા ગામમાં ઘર વેચાણ મળે કે કેમ ? અને મોં માગ્યા દામ મળવાથી મેં મારું જ વેચી દીધું. આથી વધારે મને તેની ઓળખાણ નથી. આ રસ્તો નિષ્ફળ નિવડવાથી ગામ લોકે બીજો માર્ગ પકડ્યો. ટપાલવાળા મારફતે તે બાઇની ટપાલ તપાસવા માંડી. તેની ટપાલમાં કોઇના કાગળો આવતા નહિ. એક અઠવાડિક પત્ર અને કેટલાંએક માસિક પત્રો તેના ઉપર આવતાં. દર માસની શરૂઆતમાં એક મનીઓર્ડર મુંબાઇના એક સોલીસીટરની પેઢી તરફથી આવતો હતો. અંતે તે પણ કેવળ ધંધાની રૂએજ આવતો હોય તેમ લાગતું હતું. કોઇ કોઇ વાર એક બીજો મનીઓર્ડર સુરતના કોઇ જરીવાળા તરફથી આવતો હતો. અને તેમાં લખેલું હતું કે તમારા મોકલાવેલા ભરતના મહેનતાણા પેટે. આ વેપારી તરફથી ઝીંક વગેરે પાર્સલ આવતું અને આ બાઇ તરફથી તેને સરનામે કોરો વગેરેનું પાર્સલ જતું. આ સિવાય કોઇના પત્રો ત્યાં આવતા નહિ.

ગામનો એક છોકરો એક વાર મુંબઇ ગયો. ત્યાં તે પેલા સોલીસીટરની પેઢીએ પહોંચ્યો, અને કોઇ ક્લાર્કને આ બાઇનું નામ દઇ, મનીઓર્ડરની યાદ આપી. બાઇ કોણ છે તે પૂછવા લાગ્યો. તે ક્લાર્ક તેને પોતાના શેઠ પાસે લઇ ગયો. શેઠે તો આને બેચાર સવાલ પૂછી તરત જાણી લીધું કે આતો કોઇ ખાલી કુતૂહલ ધરાવનાર નવરો માણસ છે. તેણે આ ભાઇને ખૂબ ધમકાવ્યા, અને કહ્યું કે આવી નવરી પંચાત કરશો તો અને તે બાઇને કોઇ પણ રીતે હેરાન કરશો તો તમને પોલીસ કોર્તતમાં ઘસડવામાં આવશે. ભાઇ તો ડરી ગયા અને રસ્તે પડ્યા. ગામમાં આવી રીતે સોલીસીટરની પેઢીમાં તપાસ કરી આવ્યા હતા તે વાત બહાદુરીથી સૌને જણાવી દીધી પણ પોતાને ધમકાવી કાઢ્યા હતા તે છુપાવી દીધું, પણ બાઇનો ઇતિહાસ તો કોઇએ હજી જાણ્યો નહિ.

ત્યાર પછી ત્રીજો એક ઉપાય કેટલાએક જણે કર્યો. આ ગામમાં કજીયા દલાલો પુષ્કળ હતા. બનાવટી કેસો ઉપજાવી કાઢવાનો એમનો ધંધો હતો. અને પોલીસની ફરિયાદો પણ નિપજાવવાનો હતો. આ કારણથી ત્યાંના જમાદાર સાથે સારાસારી ર્આખવાની તેમને જરૂર પડતી હતી. અને જમાદાર સાહેબને પણ આવા લોકવડે જ બે પૈસાની પ્રાપ્તિ હતી. આવા કેટલાએકોયે લોકો જમાદાર સાહેબને એક યુક્તિ સુઝાડી. જમાદાર પોતે પણ એ બાઇ કોણ છે તે જાણવાને ઘણા આતુર હતા. ઘણી વાર મુછે તાવ દઇ ખુંખારો મારતા, એ બાઇના ઘરની પાસે થઇ તે. ઘરમાં નજર નાંખતા નાંખતા જતા હતા. પણ ખરી રામબાણ યુક્તિ તેમને સુઝી નહોતી. પેલા ખટપટીયાઓએ સુચવ્યું કે કદાચ આ બાઇ કાંઇ રાજદ્રોહી ગુન્હેગાર તો ના હોય ! તમે સી.આઇ.ડી. વાળાને લખીને કાંઇ તપાસ તો કરાવો. આ સાંભળી જમાદાર સાહેબને બુદ્ધિ આવી. તેમણે તુમાર મોકલ્યો કે અત્રે એક શકમંદ બાઇ છે, તેના પાછલા ઇતિહાસની ભાળ મળતી નથી. પરંતુ કોઇ સાથે સહવાસ રાખતી નથી. તેના ઉપર મનીઓર્ડરો આવ્યા કરે છે. રજીસ્ટર્ડ પારસલો આવે છે ને જાય છે. તેને કોઇ ફીતુરી ટોળી સાથે સંબંધ હોય એમ લાગે છે. વળી તે ચોપાનીઆં વાંચે છે. આ પ્રમાણે લખીને તેમણે તે બાઇના દેખાવનું વર્ણન આપ્યું.

જમાદાર સાહેબની આ યુક્તિથી આખું સી.આઇ.ડી. ખાતું હાલી ઉઠ્યું. છેક હેડ ઓફીસ સુધી લખાણ ગયું. આ બાઇની ખાસ તપાસ કરવા માણસો મુકરર થયા. અત્યાર સુધી 'બ્લેક લીસ્ટ'માંના શકમંદ આસામીઓમાં આ બાઇ જેવા વર્ણનવાળા કોઇનુંયે નામ હતું નહિ. આ કોઇ નવો શત્રુ પેદા થયો એમ ખાતાવાળાઓને લાગ્યું. કાંઇ કાંઇ વેશ કાઢીને તે ખાતાના માણસો નરોડે આવ્યા. ઘર વેચાણ લેનારને તેમણે શોધી કાઢ્યો. તે સુરતનો રહેવાસી હતો. આ બાઇ તેની ભત્રીજી હતી. તેનો બાપ તો છેક નાનપણમાં ગુજરી ગયેલો હતો. આટલી હકીકત તેઓ એ માણસ પાસેથી મેળવી શક્યા. વિશેષ માટે તેઓ સુરત અને મુંબાઇ સોલીસીટરને ત્યાં તપાસ કરવા ઉપડ્યા. સોલીસીટરને ત્યાં તો એમનું કંઇ બહુ વળ્યું નહિ. તેમણે તો કહ્યું કે એ બાઇના મરનાર બાપની કેટલીએક મિલકત હતી તે એના કાકાએ અમારે હસ્તક ટ્રસ્ટમાં મૂકી છે. તેની આવકમાંથી એને માસિક ખર્ચ માટે અમે એને રકમ મોકલી આપીએ છીએ. આથી વિશેષ અમને કાંઇ ખબર નથી. આટલું કહ્યા પછી એમણે મશ્કરી કરી કે આપ સૌ બળીઆઓ આ અબળાથી આટલા બધા ડરી કેમ હયા છો ? સુરતની તપાસમાં એમને કાંઇક વધારે જાણવાનું મળ્યું. ઘણી તપાસને અંતે એમને ખબર મળી કે મગનલાલ અને છગનલાલ મણિલાલ નામના બે ભાઇ હતા.તમાંથી મગનલાલ એક નર્મદા નામની છોકરી મૂકીને ઘણા વખત ઉપર ગુજરી ગયા હતા, અને તેમના દોઢ મહિનામાંજ તેમના વહુ ગુજરી ગયાં હતાં. નર્મદાને છગનલાલે ઉછેરીને મોટી કરી હતી. આ છગનલાલ હમણાં અમદાવાદમાં નોકર છે. આ નર્મદા વિશે ગામમાં કાંઇ કાંઇ વાયકા ચાલે છે. કોઇ કહે છે કે ક્યાંય નાસી ગઇ છે. કોઇ કહે છે એ નીકળી ગઇ છે. પણ એનાં લગ્ન થયાં નથી અને ઉંમર હવે તો ઘણી મોટી થઇ ગઇ હશે. આ બધી તપાસને અંતે સી.આઇ.ડી. ઓફીસને તો ખાત્રી થઇ કે આ બાઇને ફીતુરી ટોળી સાથે તો કોઇ સંબંધ નથી. એ પ્રમાણેનું લખાણ જમાદર સાહેબને કરી દીધું. અને આવી બાબતમાં જાગૃતિ રાખવા માટે તેને ધન્યવાદ આપ્યો.

જમાદાર સાહેબથી હવે કાંઇ વધારે બોલાયું નહિ. ફીતુરી ટોળીની તપાસ માટે કાંઇ એમણે લખાણ નહોતું કર્યું. એમની મરજી તો આ બાઇનો ઇતિહાસ જાણવાની હતી. જોઇએ તેવો ઇતિહાસ તો ન મળ્યો પણ આ ગામના લોકોને ઘણું જાણવાનું મળ્યું. બાઇ નર્મદા સુરતની હતી. એને માબાપ નથી; તથા લગ્ન થયાનું જાણ્યામાં નથી આ હકીકત ગામ લોકોને માટે ઘણી હતી. આ થોડી ઘણી હકીકત ઉપરાંત બાકીનું તેમણે કલ્પી દીધું. જરૂર આ બાઇને લગ્ન પહેલાં છોકરૂં આવ્યું હશે. મોટા શહેરોમાં ઉચ્ચ વર્ણોમાં હવે કન્યા મોટી કરીને પરણાવવાનો રિવાજ થયો છે. એટલે આ બાઇની બાબતમાં પણ તેમ બન્યું હશે, અને તે આડે રસ્તે ચઢી ગઇ હશે, અને આ પ્રમાણે બાળકનો જન્મ થયો હશે. એટલે એની સાથે લગ્ન કોણ કરે ? અને શહેરમાં કોઇને મોં બતાવવા જેવું રહ્યું નહિ, એટલે ગામડામાં વાસ ખોળ્યો હશે. બસ, આ ગામના લોકોને તો તદન ખાત્રી જ થઇ ગઇ. આ બાઇ પાપી છે, તે કુલટા છે, તે વ્યભિચારિણી છે. બધાં છોકરાઓએ હવે એના સામું મોં મચકોડવા માંડ્યું. ઘણીએ બાઇઓ જેઓની કુચાલ જાહેર હતી. તેઓ પણ તેની વાત કરવા મંડી. બાઇને પોતાને તો આ કશી વાતની ખબર પડી નહોતી. પણ જ્યારે તે બહાર નીકળતી હતી ત્યારે કોઇ બાઇઓ હોય તો તેઓ હવે નિરાંતે વાત કરતાં હતાં કે આ બાઇ તો લક્ષણવંતી છે, એ તો હજી કુંવારી છે અને વળી છોકરૂં છે. આ વાર્તા નર્મદાને કાને પડવા માંડી. એને ઘણુંજ લાગી આવ્યું, અને હવે કોઇ લોક હોય ત્યારે બહાર જવાનું જ મૂકી દીધું. બપોરે બધાં ઘરમાં હોય ત્યારે જ તે જરા તેના પુત્રને લઇને બહાર નીકળતી હતી. દરરોજ સવારમાંજ બહાર નીકળનારીને આમ ઘરમાં ભરાઇ રહેવાનું થવાથી અને વળી આ મહેંણાં સાંભળવાથી ઘણું લાગી આવતું હતું. તેમાં વળી આ એક નવું દુ:ખ ઉમેરાયું.

એક વાર ગામમાં વાત ચાલી કે નર્મદાનાં તો લગ્ન નથી થયાં તો પણ તેને છોકરો છે. એટલે પ્રથમ તો ટીકા બહુ થઇ, કોઇ કોઇ પુરુષોએ દુનિયાના પ્રવાહ વિષે ચિંતા બતાવી. બાળલગ્નનાં ખૂબ વખાણ કર્યા. સુધારાવાળાઓને ગાળો દેવાઇ. પરંતુ થોડો કાળ વિત્યા પછી જે ભાઇઓ આ બાઇને વખોડવામાં આગળ પડતો ભાગ લેતા હતા તેમાનાં એક જણની ચીઠ્ઠી તે બાઇને મળી. તેમાં સૂચવ્યું હતું કે જો તે પોતાનું દ્વાર ખુલ્લું મૂકશે તો બે ઘડી વાતચીત કરવા પોતે આવશે. આવા એક બીજા ભાઇએ તો હવે તે ઘર આગળ વારંવાર ફેરાજ મારવા માંડ્યા, અને વળી તેઓ ગાયન-નાટકનાં ગાયન પણ લલકારતાં હતા. આ રીતે બીજા પણ કેટલાંક ભાઇઓએ પ્રયત્ન કર્યા, પણ તેઓ સૌ નિષ્ફળ નીવડ્યા. આ કોઇના સામે તે બાઇએ આંખ પણ ઊંચી કરી નહિ. પ્રથમ તો તે ઘણી ત્રાસી ગઇ. ઘરમાં એકલી એકલી ઘણીવાર રડતી હતી. એના મનમાં આવતું હતું કે શું આમ જ મારું જીવન વ્યતિત થવાનું ? આ પૃથ્વીમાં સ્ત્રીજાતીનું માથે આટઆટલું દુ:ખ છે તેમાંથી એક તલપૂર પણ ઓછું કરવાના કાર્યમાં હું નહિ આવી શકું ? ઉલટું મારા ઉપર આ દુ:ખ ઉભરાયાં કરશે ? હા, ભૂલ થઇ. મેં એકવાર મૂર્ખાઇ કરી પરંતુ તેની સજા આટલી બધી અને આ મારા નિર્દોષ વહાલા બાળકની શી ગતિ ? એની વધારે કેળવણી, એની વધારે ખીલવણી હવે કેવી રીતે હું કરી શકીશ ? એ મોટો થશે. મને કંઇક પ્રશ્ન પુછશે તેનાં હું શા ઉત્તર આપીશ ? પ્રભુ, પ્રભુ, આ ફુલને માટે જ હું જીવું છું. નહિ તો ક્યારનો મારા જીવનનો અંત આણ્યો હોત. આમ એ શોક કરતી કરતી હતી. પરંતુ તરત વેળાને માટે તો દુ:ખના દિવસ જતા રહ્યા. એની અડગ પવિત્રતા અને નિર્મળ વૃત્તિ જોઇ દુષ્ટો પણ દબાઇ ગયા, અને પછી તે બાઇને કાંઇક શાંતિ આવી.

છેલ્લાં થોડાં વર્ષોથીબ અમદાવાદના સમસ્ત ગુજરાત પૈસા ફંડ મારફતે ગામલોકો મહાદેવની ઓસરીમાં અંગ્રેજી નિશાળ ઉઘાડી હતી. આ નિશાળમાં ગામલોકો ઉત્સાહ ભર્યો ભાગ લેતાં હતાં. અને ગામના પચાસેક છોકરા તેમાં ભણતા હતા. એ નિશાળ નીકળી ત્યારે જ નર્મદાને વિચાર આવ્યો હતો કે તે પુત્ર બટુકને પોતે ગુજરાતી ઘેર ભણાવી રહેશે એટલે અંગ્રેજી ભણાવી શકાશે. બટુકનો ગુજરાતી અભ્યાસ હવે પૂરો થયો હતો, અને ગામલોકોનું તોફાન શમી ગયે પણ હવે ઘણો વખત થઇ ગયો, નર્મદાના મનમાં હવે શાંતિ થઇ ગઇ હતી. અને નવાં ધોરણો ચઢાવવાનો વખત થવાથી નર્મદાએ છોકરાને નિશાળે મૂકવાનો વિચાર કર્યો.

આ સમયમાં અંગ્રેજી નિશાળના માસ્તર એક વાર એના ઘર પાસે થઇ ને જતા હતા. આ માસ્તર સ્વભાવે ઘણા સારા હતા. ગામમાં હમણાંજ નવા આવેલા હતા, અને ગામલોકનાં તોફાનની તેમને કાંઇ ખબર નહોતી. નર્મદાએ તેમને કહ્યું કે બટુકને દાખલ કરો તો નિશાળે મોકલું. જોઇતી ચોપડીઓ મંગાવી આપજો અને પૈસા હું અપીશ. માસ્તરે તેના અત્યાર સુધીના અભ્યાસ વિશે પૂછ્યું અને દાખલ કરવાની હા કહી. તે વખતથી નર્મદા અને બટુક તો નિશાળની જ વાતો કર્યા કરતાં હતાં. બટુકને પણ નિશાળે જવાની હોંશ થઇ હતી. નર્મદાએ તેને એક લુગડાનું દફતર શીવી આપ્યું. કાગળની એકબે નોટો બાંધી આપી. લેસન ચાલતું હોય ત્યારે ધ્યાન દઇ સાંભળવાનું કહ્યું. બટુકે પણ બહુ વાતો પૂછી. છોકરાઓ કેવી રીતે બેસે ? લેસન શી રીતે શીખવાય, ઘેરથી કેટલે વાગે જવાનું ? આ પ્રમાણે છેક રાત સુધી માદીકરાએ વાતો કરી સવારે વળી પાછી ચોપડીઓ ગોઠવી અને ખાઇને દફતર લઇને બટુક નિશાળે ગયો. બધા છોકરા આવ્યા હતા. નવા આવેલા છોકરાઓનો વર્ગ હજી જુદો પડ્યો નહોતો. એટલે કલાસમાં એક બાજુએ તેમને બેસાડી રાખ્યા હતા. બીજા છોકરાઓનું લેસન ચાલતું હતું. આજે નવા છોકરાઓને તો અમસ્તા બેસી જ રહેવાનું હતું. સાંજે નિશાળ છુટવાનો વખત થયો ત્યારે માસ્તરે બધા નવા છોકરાઓને કહ્યું કે તમારું નામ લખાવી જજો. બધાં છોકરાઓએ નામ લખાવ્યાં. છેલ્લે વારો બટુકનો આવ્યો. માસ્તરે પૂછ્યું;" બાપનું નામ શું ?" એટલે તે બોલ્યો :"મઅરે તો બાપ નથી. મા છે." આ સાંભળી કલાસ્ના છોકરા ખડખડ હસી પડ્યા. માસ્તરે કહ્યું કે કાલે તારે ઘેરથી પૂછીને આવજે. તરત જ નિશાળ છુટી. હવે છોકરાઓને કહેવું શું ? નિશાળથી બહાર નીકળતાં જ બધા બટુકની આસપાસ વિંટાઇ વળ્યા. કોઇએ પૂછ્યું અલ્યા તારા બાપ ક્યાં છે ?" બીજાએ પૂછ્યું "તારા બાપ છે કે નહિ ?" બટુક તો ગભરાઇ ગયો, અને ઉતાવળે ઘર તરફ ચાલવા લાગ્યો. છોકરાઓ એની પાછળ પડ્યા અને "બટુકનબાપો""બટુક બાપ વિનાનો" એમ ઘાંટાઘાંટ કરી ચીઢવવા મંડી ગયા. બટુક બહુ જ ચીઢાયો ને ચીઢમાં ને ચીઢમાં એણે એકને સ્લેટ મારી અને બીજાને પત્થર માર્યો. છોકરાઓ પણ સામા પથરા મારવા જતા હતા. પણ એટલામાં ત્યાંથી એક મજબુત કદાવર શરીરનો માણસ જતો હતો તેણે ઘોંઘાટ સાંભળ્યો અને તે એકદમ ત્યાં આવ્યો. બધા છોકરાઓને ધમકાવી કાઢ્યા અને બટુકનો હાથ ઝાલ્યો, અને છાનો રાખ્યો. છોકરાઓતો નાસી ગયા. પછી બધી હકીકત એણે બટુક્ને પુછવા માંડી. બટુકે બધી વાત કહી. પેલા માણસે તે સાંભળી. પણ કાંઇ જવાબ આપ્યો નહિ. તે બટુકને તેના ઘર સુધી મૂકી ને ચાલી ગયો. ઘેર જઇને બટુકે બધી હકીકત પોતાની બાને કહી. નર્મદા આ સાંભળી ધૃસકે રડી. બટુકે જક લીધી કે મારા બાપનું નામ મને કહે. બધા છોકરાઓંને બાપનું નામ અને મને કેમ નહિ. નર્મદાએ બટુકને સમજાવીને કહ્યું કે કાલે સવારે કહીશ. તરત તો ખાવા આપ્યું અને સમજાવી સુવાડી દીધો. પછી નર્મદાથી ન રહેવાયું ને ફરી રડી. હાથ જોડી પરમેશ્વરની પ્રાર્થના કરવા મંડી ગઇ અને કંઇક મોટેથી બોલી :" હે પ્રભુ ! હવે તો આ સહન થતું નથી. આ પુત્ર મને બહુ પ્રિય છે. એના રક્ષણ માટે મારા જીવનની જરૂર છે. પરંતુ હવે તો તેને તારે ખોળે સોંપીને આ દેહનો ત્યાગ કરીશ. મારાં સર્વ સગાંએ મને તજી છે. મારે હવે આ દુનિયામાં કોઇ જ નથી. એક પાપ કરી બીજું પાપ ન કરવા માટે આ બાળકને મેં જાળવી રાખ્યો હતો. પણ હવે તો એ ઇશ્વર ! મારા અપરાધ ક્ષમા કરજે અને આ બાળક્ને જોજો."

આટલું કહી તે નીકળી અને તળાવ તરફ ચાલી. રાત અંધારી હતી. રસ્તે કોઇ નહોતું. તળાવ સુધી જતાં નર્મદાને કાંઇજ અડચણ આવી નહિ. પણ જેવી તે ઘરમાંથી નીકળી કે તરત જ થોડા સમય પછે એક આકાર દૂર દૂર છુપાતો છુપાતો તેની પાછળ ચાલ્યો. તળાવ પાસે જઇને નર્મદા અંદર પડવાની તૈયારી કરે છે કે તરત જ " હાં,હાં; સાહસ ન કરો", એમ બોલી તે આકાર ત્યાં દોડી આવ્યો અને નર્મદાને આંતરીને ઊભો રહ્યો. જે માણસે બટુકને છોકરાઓ પાસેથી છોડાવી ઘેર પહોંચતો કર્યો હતો તે જ આ માણસ હતો. બટુક સાથે ઘેર આવતો નર્મદાએ તેને જોયો હતો. પણ તે બરાબર જ પાછો ચાલી ગયો હતો. વળી બટુકે કહ્યું હતું કે એમણે મને બચાવ્યો હોત નહિ તો છોકરાઓ મને મારત. નર્મદા સામે ટીકા કરવામાં કે કનડવામાં આ મણસ કદી હતો નહિ; અને સાધારણ રીતે બીજો માણસ હોત તો બટુકને લઇને ઉલટો ઘરમાં આવત અને નર્મદા તેનો ઉપકાર માનત. પણ આ માણસ તો બારોબાર જ ચાલી ગયો હતો. તેથી નર્મદાના મનમાં તેને માટે માનવૃત્તિ ઉત્પન્ન થઇ હતી. અર્મદાને તેણે કહેવા માંડ્યું કે આજ સાંજના બનાવ ઉપરથી તમે આવાં કાંઇક પગલાં લેશો એવો મને ભય લાગ્યો હતો. મેં તમારા વિશે પ્રથમ કાંઇક સાંભળ્યું હતું. ત્યાર પછી હું કોઇવાર તમારા વિષે બારોબાર ખબર કાઢતો હતો. તમારા નિર્મળ વર્તનને લીધે ગામલોકોનાં મો બંધ થઇ ગયાં હતાં. પણ તેમણે જે હેરાનગતિ તમને કરી હતી તેથી તમને ઘણું લાગી આવ્યું હશે, એમ હું ધારી શકું છું. તેમાં વળી આ નવો બનાવ બન્યો છે. તેથી તો તમે આવું કાંઇક કરશો જ એમ મને લાગ્યું હતું. તમને આમ કરતા અટકાવવા જોઇએ એ મેં મારી ફરજ માની અને હું રાત પડતાંજ તમારા ઘરની પાસે છુપાઇ રહ્યો. હવે હું તમને વિનંતી કરું છું કે તમે ઘેર પાછા ફરો. તમે જે કાંઇ મદદ મારી પાસે માગતાં હો તે આપવા હું ખુશ છું.

નર્મદા એકદમ અટકી ગઇ તો હતી જ, અને આ બધું સાંભળી આ ગૃહસ્થને માટે તેને બહુ માનવૃત્તિ થઇ. તેણે કહ્યું :"આપે મારા ઉપર ઉપકાર કર્યો છે. પણ આપ મને કાંઇ મદદ કરી શકો તેમ લાગતું નથી. આપ ખરેખરા ગૃહસ્થ લાગો છો. પરંતુ તમને મારી ખરી હકીકતની ખબર નથી એટલે જ મારા તરફ આટલો ભાવ બતાવો છો. બધું જાણ્યા પછી તમે પણ મને તિર્સ્કારશો. હું અવિવાહિતા છું છ્તાંયે આ પુત્ર મારો છે. દુનિયામાં મારો સંગ કોઇ કરશે નહિ. એ રીતે જીવ્યાં કરતાં તો મરવું સારું છું. આપ દયાળુ દેખાવ છો, તો મારા પુત્રને જોજો."

પેલાં ગૃહસ્થે કહ્યું કે "મારી હાજરીમાં તો તમે આવું કાંઇ જ નહિ કરી શકો. અત્યારે તમે ઉશ્કેરાઇ ગયાં છો. શાંતિની તમને બહુ જરૂર છે. અત્યારે પાચાં વળો અને તમારી રજા હશે તો ફરીથી હું મળીશ." બહુ આગ્રહથી તેણે નર્મદાને પાછી વાળી. અને ઘર સુધી એને મૂકી આવ્યો. નર્મદાની રજાથી એણે જણાવ્યું કે સવારે વહેલો હું અહીં આવીશ. ગામમાં કોઇએ કાંઇ જાણ્યું નહિ. સ્વતંત્ર શાંતિનું રાજ્ય હતું. અશાંત ફક્ત નર્મદા અને પેલો ગૃહસ્થ એ બે જણ જ હતાં. આ ગૃહસ્થનો ઇતિહાસ આપણે જાણવા જેવો છે. તેનું નામ મી. મણિલાલ મહેતા છે. મેટ્રીક સુધી અભ્યાસ કરી તે મીલ લાઇનમાં ગયો હતો. ત્યાં ઇજનેરની પરીક્ષામાં પાસ થયા પછી એક લોખંડી સામાન બનાવવાના કારખાનામાં તે દાખલ થયો હતો. તેની બુદ્ધિ આ કામમાં સારી ચાલતી હતી. તેથી શેઠ તેને સારો પગાર આપતા હતા પણ થોડા સમય પછી મણિલાલને એમજ લાગ્યું કે જો પોતે આવું સ્વતંત્ર કારખાનું કાઢે તો વધારે સારું કમાય. અમદાવાદમાં જગાની કિંમત બહુ તેથી નરોડામાં જમીન લઇ કારખાનું કરવાનો તેણે નિશ્ચય કર્યો. નરોડા રેલ્વે સ્ટેશન હોવાથી આ કામમાં તેને બહું ફાવ્યું. થોડા સમયમાં તો એનું કારખાનું પ્રખ્યાત થઇ ગયું. પોતે ઇજનેર હતો અને આવા મહેનતના ધંધામાં પડ્યો હતો પણ તેને વાંચનનો ઘણો શોખ હતો. તેનું હ્રદય ખરેખરું કેળવાયેલું હતું.

બીજે દિવસે પરોઢમાં તે નર્મદાને ત્યાં ગયો. બટુક હજી ઉંઘતો જ હતો. નર્મદાએ એને કહ્યું "પ્રથમ હું તમને મારી બધી હકીકત સંભળાવવા માંગું છું. નાનપણમાંજ મારાં માબાપ દેવલોક પામ્યાં હતાં. હું કાકાને ઘેર ઉચારી. કાકાની નોકરી અમદાવાદમાં હતી. અને મારી ઉમ્મર બાર વર્ષની થઇ ત્યારી મારી કાકીનો ભાઇ ત્યાંથી કૉલેજમાં ભણવા માટે કાકાને ઘેરજ રહેવા આવ્યો. તેની ઉમ્મર તે વખતેસોળની હતી. અને બે જણાં ઘણાં જ સહવાસમાં આવતાં હતાં. બે વઋશ સાથે રહ્યાં. તે બી.એ. ક્લાસમાં આવ્યો. ત્યારે એકવાર તેણે મને કહ્યું કે હું તો તને ઘણો જ ચાહું છું. મારો તારી તરફ અગાધ પ્રેમ છે. અને બી.એ. પાસ થયા પછી હું તારી સાથે લગ્ન કરવા માગું છું. તારી શી ઇચ્છા છે ? પ્રેમની ઊંડી લાગણીમાં હું સમજતી નહોતી. પણ ચઢતા આવેશમાં હતી. નવી જુવાની હતી, તેવે વખતે આવા નવયુઅવકની મોહક વાતો કેમ ન ગમે? હવે તો હું એના સહવાસમાં વધારે અને વધારે રહેવા માંડી. વળી એ મારી સાથે લગ્ન તો કરનાર જ છે ને. એટલે એ મરા પતિ જ લેખાય એમ મનમાં હું સમજતી હતી. એણે મને ભોળવી. મને ગર્ભ રહ્યો. શરૂઆતમાં હું કાંઇ સમજું નહિ, ને પછી તો બધાંયને જાણ થવા લાગી. પેલા યુવકને લગ્ન કરવાનું મેં કહ્યું. ત્યારે તેણે જવાબ આપ્યો કે તેના પિતા ના કહે છે. મારી આજીજી મારી કાકલુદી કાંઇ જ એણે સાંભળી નહિ. અને મેં બહુ કહ્યું ત્યારે એકદમ સતો થઇ ગયો અને મને ઉલટું કહેવા મંડ્યો કે પોતે દુરાચારી થઇને કોઇને ગળે પડતાં સારું આવડે છે. આ સાંભળીને તો હું હેબકાઇ જ ગઇ. મારાં કાકીએ મારી વાત સાંભળી એટલે એકદમ મને મુંબાઇ ઉપાડી ગયાં. ત્યાં વખત આવે એક સુવાવડખાનામાં મને દાખલ કરી દીધી. બાળકને જીવતો રાખવાનો મારો બહુ જ આગ્રહ હતો. મેં કહ્યું કે હું સમજીશ કે હું બાળવિધવા છું. આ દેશમાં બાળવિધવાઓની ક્યાં ખોટ છે, પણ મને મારો બાળક આપો. મારા કાકાએ બાળક મને આપી કેટલાંએક વર્ષ છુપાતે અને સંતાતી રાખી. અંતે બાળક પાંચ વર્ષનો થયો એટલે નરોડામાં મને ઘર લઇ આપી રાખી અને સોલીસીટરને ત્યાં અમુક રકમ મૂકી. થોડીક માસિક રકમ મને મળે તેવી ગોઠવણ કરી છે. ત્યાર પછીની બધી હકીકત તો તમે જાણો છો. હવે આ સ્થિતિમાં તમે શી મદદ કરી શકશો ?"

આ સાંભળી મિ. મણિલાલ બોલ્યો :"તમારાં બે વાક્યોએ આખી રાત મારા મનમાં જબરૂં તોફાન જગાવ્યું હતું તમે અવિવાહિત છો છતાં તમને બાળક છે એમ તમે કહ્યું હતું. તમારું હાલનું વર્તન જોતાં તમે વ્યભિચારી જીવન ગાળ્યું હશે તેની તો મને કલ્પના પણ ન આવી. તમે કાંઇ ભૂલ કરી હશે કે તમને કોઇએ ફસાવ્યાં હશે એમ જ મને લાગ્યું હતું તે ભૂલને માટે તમે જન્મારો અવિવાહિત શા માટે રહો ? બાળવિધવાનાં દુ:ખ નિવારવા તેમનાં પુનર્લગ્નની હીલચાલ થાય છે. તો તમારા જેવી જેની અવસ્થા થઇ હોય તેમનાં લગ્ન કરવા માટે ઉદાર પુરુષોએ કેમ તત્પર ન થવું જોઇએ ? તમે તો શુદ્ધ અને નિર્મળ જીવન ગાળી શક્યાં છો. તે તમારું ઉચ્ચ ચારિત્ર્યબળ બતાવે છે. પરંતુ સામાન્ય રીતે તો કેવળ નિર્દોષ બાઇઓને કોઇ દુષ્ટ ફસાવે છે અને તેનું પરિણામ જો વિપરીત આવે છે તો તે બાઇઓ ઘણું ખરું તો કુમાર્ગે જ જાય છે. તે વગર તેમનો છુટકો પણ રહેતો નથી. તેઓ પોતાની લાગણીઓ કઠણ કરે છે. લગ્ન તેમને માટે રહે નહિ તો પછી મોટા શહેરમાં વેશ્યાગૃહોમાં તેઓ એકનો વધારો કરે છે. આવી બાઇઓને પાછી સમાજમાં ભેળવવી જોઇએ એમ હું ધારું છું. તમારી પોતાની બાબત પાકા વિચાર પછી, તમને કાંઇ પણ અપમાન આપવાના હેતુ વિના, હું તમારી પાસે લગ્નની માગણી કરું છું. મારી પાસે ધન છે. આબરુ પણ છે. અને હું હજી અવિવાહિત છું." નર્મદા આ સાંભળીને વિચારમાંજ પડી ગઇ. તેને લાગ્યું કે આ ગૃહસ્થ મારે માટે ભોગ આપવા તત્પર થયો છે તેથી તેણે ફરીથી વિચાર કરવાનું સૂચવ્યું. તેની આબરૂને ધોકો લાગશે તે જણાવ્યું. પણ મણિલાલ તો અડગ હતા. નર્મદાએ વાત કબુલ કરી અને તરત જ બટુક જાગ્યો.

મિ. મણિલાલને જોઇને બટુકને આનંદ થયો. કારણકે ગઇ કાલે તેમણે તેને બચાવી ઘેર આણ્યો હતો. પછી તેણે પોતાની બા તરફ ફરીને કહ્યું, ‘બા, તેં કહ્યું હતું કે સવારે તું મારા બાપનું નામ કહીશ તે હવે કહે.’ આ સાંભળી મણિલાલે એને એકદમ તેડી લીધો અને કહ્યું. "તારા બાપનું નામ મણિલાલ. તારા માસ્તરને કહેજે કે કારખાનાવાળા મણિલાલ મારા બાપ થાય." આ સાંભળી બટુક આનંદમાં આવી ગયો અને બટુક મણિલાલ, બટુક મણિલાલ, બટુક મણિલાલ એમ બોલવા મંડી ગયો.

તરત જ આઠ વાગે અમદાવાદની ગાડી જતી હતી તેમાં મણિલાલ, બટુક, અને નર્મદા ત્રણ જણ અમદાવાદ આવ્યાં. મણિલાલે અને નર્મદાએ રજીસ્ટરની વિધિથી લગ્ન કર્યાં. અનાથ આશ્રમ અને વિધવા આશ્રમમાં મણિલાલે સારી રકમની ભેટ મોકલી, અને સાંજની ગાડીમાં બધાં પાછાં નરોડા આવ્યાં. ત્રણે જણે કારખાનાના બંગલે ગયાં. બીજે દિવસે ગામમાં વાત જાહેર થઇ ; બટુક નિશાળે પણ ગયો. તેણે પોતાનું નામ રોફબંધ જણાવ્યું, "બટુક મણિલાલ." મણિલાલ કારખાનાવાળાનું નામ સાંભળી બધાં ચૂપ જ રહ્યાં કોઇએ મશ્કરી કરવાની હિંમત કરી નહિ. કારણ કે મણિલાલનો ગામમાં રોફ હતો તે ધનવાન હતા અને દરેક સારા કામમાં પૈસાની એ સારી મદદ કરતા હતા. આ દિવસથી નર્મદાના સુખનો સૂર્ય ઊગ્યો. અને આ આખું કુટુંબ ઘણા સુખમાં દિવસ ગાળવા લાગ્યું.

ડૉ. ભાવેશ જેઠવાના સૌજન્યથી.