ગારુડીના સાણસામાં સપડાયેલી સાપણ જેમ વળ ખાતી 'ખીંટી'

ઈ.સ. ૧૯૮૦ના દાયકામાં ગુજરાતી સાહિત્યને હરીશ નાગ્રેચા જેવા નોંધપાત્ર વાર્તાકાર મળ્યા છે. ૧૯૩૪માં કરાંચીમાં જન્મ. નાટકોથી સાહિત્યસર્જનનો આરંભ કરનાર નાગ્રેચા ટૂંકીવાર્તાઓ થકી સાહિત્ય જગતમાં છવાઈ જાય છે. એક આગવી પોતીકી ઓળખ ઊભી કરે છે. નાગ્રેચાની વાર્તાઓમાં વિશિષ્ટ પ્રકારની જીવનાભિમુખતા જોવા મળે છે. કદાચ એના કારણે જ લોકોને તેમની વાર્તા સ્પર્શી જાય છે –અપીલ કરી જાય છે. તેમની વાર્તાઓ વૈવિધ્યસભર છે. સાંપ્રત સમાજના સંકુલ સંવેદનોને વાચા આપતા આ સર્જક સ્ત્રીમાનસનાં સૂક્ષ્મ સંચલનોને પકડવામાં માહેર છે. સ્ત્રીનાં ભાવવિશ્વનાં આગવા રંગોને ઉઘાડે છે. સ્ત્રીમાનસના આવાં જ સૂક્ષ્મ સંચલનને સહજતાથી ઉકેલતી વાર્તા 'ખીંટી' છે.

ઘણાં ઘરોમાં કમાતી દીકરીની કમાણી ઘર માટે એટલી હદે જરૂરી હોય છે, કે મા-બાપ તેની વધતી જતી ઉંમર સામે પણ આંખ બંધ કરી લે છે. આ જાણીતા વિષયવસ્તુને સર્જક 'ખીંટી'માં કંઇક અલગ રીતે જ આલેખે છે. અહીં એ ખાસ નોંધવું રહ્યું કે વાર્તામાં નબળી આર્થિક પરિસ્થિતિનો તો કોઈ પ્રશ્ન જ નથી. છતાં પણ માત્રને માત્ર પુરુષપણાંને સાબિત કરવા- પોષવા માટે જ દીકરી સાથે અશોભનીય અને નિષ્ઠુર વ્યવહાર આચરવામાં આવ્યો છે. સર્જક પ્રથમ પુરુષનું ક્થનકેન્દ્ર પસંદ કરી નાયિકાની સંવેદના તેના જ મુખે તીવ્રતાસભર રીતે પ્રગટાવી શક્યાં છે. વાર્તાના આરંભથી જ સર્જક વાચકને પાત્ર સાથે કુશળતાપૂર્વક જોડી દે છે અને વાર્તાનાયિકા ભાવક સાથે સીધો સંવાદ કરતી હોય એમ પોતાની આપવીતી આરંભે છે:

"ઘરકામ કરી છેલ્લે શ્વાસે નોકરીએ પહોંચવા રોજ ભાગદોડ કરતી શહેરની અસંખ્ય યુવતીઓમાંની એક હું પણ છું, હેતલ." આમ કહેતી નાયિકા ભાવક સાથે ગાઢ રીતે જોડાયેલી હોય એમ પોતાની વ્યથાને વાચા આપે છે. હેતલ પોતાના કહેવાતા બાપ જયંતીને ધિક્કારે છે. સાથે જ એ સ્પષ્ટતા પણ કરી દે છે કે પોતે 'જયંતી'ને ધિક્કારે છે, નહીં કે એમાં રહેલા બાપના જીવને. ભાવક સમક્ષ આવી સ્પષ્ટતા કર્યા વિના વાત કરે તો નાયિકાને લાગે છે કે બાપને અન્યાય થઈ જશે. આખો દિવસ જયંતી સામે બળાપો કાઢતો હેતલનો જીવ બાપુને જોતાં જ અપરાધભાવે દુણાવા લાગે છે. એ ગૂંગળામણથી છૂટવા જ કદાચ હેતલ ભાવક સાથે સંવાદ સાધે છે.

આખી વાર્તામાં 'બાપુ' ન બની શકેલા જયંતી સામેનો હેતલનો રોષ-ચીડ દેખાઈ આવે છે. પતિની હયાતિમાં જ પોતાને 'અનાથ' અનુભવતી પુષ્પા બે વરસ પહેલા જ જયંતીથી હંમેશ માટે છૂટી ગયેલી. હેતલ દીકરી હોવાના નાતે જયંતીની અપેક્ષાની જાળમાં ફસાઈ જાય છે. પુષ્પાને સુખેથી જીવવાં ન દેનાર જયંતી તેને સુખેથી મરવા પણ નથી દેતો. પુષ્પાના મરણ બાદ ખાંપણનો ખરચોય બોઝ લાગતા તે બબડેલો :

"એ તો ગઈ, હવે એની જ કોઈ જૂની સફેદ સાડીથી કામ નહીં ચાલે!" જીવનનો આટલાં વર્ષોનો સધિયારો હોવા છતાં પૈસાનું મહત્ત્વ જયંતી આંકે છે. ત્યારે આમ બોલતા જયંતીને હેતલ 'નાલાયક' તરીકે ઓળખાવે છે. વાત આગળ વધારતા જણાવી દે છે કે, જયંતી સાથેનો ધિક્કાર-ધૃણાભાવ-પરાણે નિભાવાતો સંબંધ પોતે સમજણી થઈ ત્યારથી આવો જ રહ્યો છે. પુષ્પા પર "પતિપણું' ભોગવતો જયંતી હેતલને દીઠો ગમતો નહિ; એટલે જ પંદર વર્ષની ઉંમરે હેતલને જયંતી સાથે સંબંધ વધુ બગડ્યો હતો. એ પછી જયંતી હેતલને વતાવતો નહીં પણ દિવસે દિવસે હેતલને કાબૂમાં કરવાનું તેનું ખૂન્નસ વધતું જતું હતું. ગમે ત્યાં હેતલને પરણાવી દેવાના પેંતરાં પણ કર્યા, એક પણ કારી ન ફાવતા જયંતી અસે મસે અકળાવા લાગ્યો. હેતલના કહેવા મુજબ "મીંદડીને જોઈ ડાઘિયો ઘૂરકે એમ મારી હાજરીમાં એ ધૂંધવાયા કરતો." પણ જેવો દર માસે હેતલનો પગાર તેના હાથમાં પડવા લાગ્યો કે તે ઢીલો પડવા લાગ્યો, જોકે તેમ છતાં પુષ્પાની દશા તો એની એ જ.

હેતલના ત્રણ ભાઈઓમાં એક વીસ વરસનો ચંદુ મેન્ટલી રિટાર્ડેડ છે. જેની સારવારમાંથી પુષ્પા ઊંચી નહોતી આવતી. બાકીના બે ભાઈઓ જયંતીના સ્વભાવને પારખી ગયેલા. તેમાંથી છૂટવા મથતા હોય એમ એક ભાઈ સામેથી નોકરીમાં બદલી માગી બીજે જતો રહે છે, તો બીજો ભણવાને બહાને શિષ્યવૃત્તિ મેળવી બોર્ડિંગ જતો રહે છે. આવા વખતે પણ જયંતીએ "તને જ છોકરાં સાચવતાં ન આવડ્યાં"ના માછલાં પુષ્પાના માથે ક્યાંય સુધી ધોયેલાં. આવાં સમયે હેતલ વિચારે છે:

"ત્રણ ભાઈ વચ્ચે હું એકની એક બહેન, પણ બધો બોજો મારા પર જ કેમ? વેંઢારું છું એટલે? નફફટ નથી થઈ શકતી એટલે? કે ક્યાં જઈશની બીકમાં!" અહીં ભાવકને નારીની પરવશતા બોલકી બનીને પ્રગટી હોય એવું લાગવાનું.

ભાઈઓના જવાથી હવે હેતલનો વારો હતો જયંતીથી દબાઈને રહેવાનો. હેતલ તેને તાબે ન થતાં, જયંતી તેનો સામાન રૂમ બહાર ફેંકી દીકરીને પોતાના જ ઘરમાં નિરાશ્રિત કરી દે છે. ત્યારે હેતલ-સ્ત્રીની લાચાર સ્થિતિ સર્જકની સાથે ભાવકને પણ કરુણ કંપનોમાં ઝબકોળી દે છે. અહીં નારીની-હેતલની વિવશતા જ તેની મજબૂરી બને છે. એટલે જ વળી પુરુષનો આશરો શોધવા એ મથે છે.

પુષ્પાના મરણ બાદ ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું. પુષ્પાની આટલી મોટી ખોટ પડશે એની હેતલને કલ્પના પણ ન હતી. પુષ્પાની ખોટમાં ઘાંઘો થયેલો જયંતી પોતાના જીવનક્રમમાં સહેજ પણ ફેરફાર સ્વીકારવા તૈયાર ન હતો. એને મન હેતલ પુષ્પાની અવેજીમાં હતી. પુષ્પા પર ઠલવાતો રોષ હવે હેતલ પર ઠલવાવા લાગે છે. ડઘાઈ ગયેલી હેતલ ઘર માથે ઉપાડી લે છે. સવાર-સાંજ રસોઈ, બળદ જેવા જોરાવર ચંદુને સાચવવાનો, નોકરી કરવાની અને રાતે એ જ કામનો ઢગલો. હેતલ મન મારીને બધી જવાબદારી નિભાવ્યે જાય છે પણ ચંદુને હવે પોતે સાચવવો પડે છે એની લાયમાં જયંતીએ હેતલને વગોવવા માંડી. આડકતરી રીતે તે સંભળાવે છે :

"આ છપ્પરપગીને છે કોઈ માયા-મમતા! લાચાર ભાઈ અને ઘરડા બાપ કરતાં લોભણીને એની નોકરી જ વ્હાલી છે. મોત પડે છે છોડતાં, બસ, પૈસો, પૈસો મારો પરમેશ્વર."

હેતલ સમસમી રહે છે. એક તરફ જયંતીની ફરિયાદો ખૂટતી નથી અને નોકરી છોડી દેવાનું દબાણ વધતું જાય છે તો બીજી તરફ ખારાપાટમાં હેતલ માટે મીઠી વીરડી સમાન પંકજ- એના સુખ-દુઃખનો સાથી લગ્નની ઉતાવળ કરે છે. હિમ્મત કરી હેતલ જયંતીને પંકજની વાત કરે છે ત્યારે એક સમયે દીકરીને ગમે ત્યાં પરણાવી દેવાના પેંતરા કરતો જયંતી ઉકળી ઉઠે છે ને બદદુઆ દેતા હેતલને અલ્ટિમેટમ આપી દે છે :

"સગા બાપ અને ભાઈને રઝળતાં મૂકી તું તારું સુખ શોધવા નીકળી છો ને, પણ યાદ રાખજે, તારા હાથમાં ધૂળ ને ઢેફાં આવશે, સાલી ઘરની ઘાતકુ, નીકળ પહેરેલ કપડે ઘરની બહાર. ઊભે પગે હાલતી થા, અબઘડી તું જા જેની પાસે જવું હોય... તારે સમજી !"

અગાઉ પણ "ભાઈને મારે જ સાચવવાનો?, ચંદુના બાપની જવાબદારી નહીં?, હું નોકરી છોડી દઉં, કેમ?, તમારો સલાડો સાંભળવાનો શું મેં ઠેકો લીધો છે? મારે મારો સંસાર માંડવાનો કે નહીં?"- આવું હેતલ બોલેલી ત્યારે જયંતીને ઝાળ લાગી હતી ને હાથ પકડી ઉંબરે ઢસડતાં એ તાડૂકેલો :

"જોઉં છું કોણ સંઘરે છે તને !" આવી સ્થિતિ આવશે જ એ જાણતી હેતલે એકલા રહેવાની સુરક્ષિત જગ્યા શોધવાના પ્રયાસો કરેલા પણ બધેથી એને જાકારો જ મળેલો. પરંપરાથી ટેવાયેલો સમાજ એકલી સ્ત્રીના જીવનને સ્વીકારી શકતો નથી. એના સુખદુઃખની પણ પરવા કરતો નથી. જાણે કે એકલા રહેવાનો હેતલનો ઈરાદો ઉધઈ હોય અને એ એમના સંસારને કોરીને ખાઈ જવાની હોય !

જયંતી દ્વારા કાઢી મુકાયેલી નાયિકા માટે પંકજ તૈયાર હતો. લગ્નની તૈયારી કરતો પંકજ હેતલને કહે છે : "માથે પડશે ને તું નહીં હો તો જયંતી તરત શોધી કાઢશે બીજું કોઈ ભોગ લેવા જેવું. આવા જળો જેવા લોકો બીજાના ભોગે જ નભતા હોય છે." સાંભળીને હેતલને ગમેલું. પણ પૂરી કળ વળે એ પહેલા જ પંકજ પણ પોતાની શરત તેને કહે છે :

"બા સખત બીમાર છે, ઘરમાં કોઈ પોતીકું નથી એમની સંભાળ લેવા. લગ્ન પછી નોકરી કરવાની તારે જરૂર નથી. હવે તું રાજીનામું આપી દે... જો હેતલ મારાથી હવે વધુ રાહ જોઈ શકાય એમ નથી, તું શું વિચારે છે? બોલતી કેમ નથી, હા કે ના... તને આ મંજુર ન હોય તો મારું તને કોઈ દબાણ કે બંધન નથી. તારી મરજી. પણ બે દિવસમાં જવાબ આપજે. નહીં તો હું..."

અહીં જોઈ શકાય છે કે 'તારી મરજી'ની ઉદારતા પાછળ 'નહીં તો હું'ની ગર્ભિત ધમકી પડેલી છે. હેતલ ત્યાં જ ખીંટીની જેમ ખોડાઈ જાય છે. ખીંટી, જેના પર પંકજે પણ જયંતીની જેમ પોતાની જરૂરિયાત ટિંગાડી દઈ અલ્ટિમેટમ આપી દીધું હતું.

આ રીતે આરંભથી અંત સુધી હેતલ માત્રને માત્ર ખીંટી જ બની રહી છે. આજે બદલાયેલા જીવન સંદર્ભે વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયા છે ત્યારે સ્ત્રીની સમસ્યામાં કે એના શોષણમાં જોઈએ એવો બદલાવ નથી જ આવ્યો. ભણેલી અને કમાતી સ્ત્રીઓ પણ આજે પહેલા જેવો જ અજંપો વેઠે છે. એ વાત હેતલના માધ્યમથી સર્જક સુપેરે નિરૂપી શક્યાં છે. એકની એક દીકરી-બહેન હોવા છતાં ઘરની જવાબદારીઓ વચ્ચે ફંગોળાતી હેતલ સગાંવહાલાં, પાડોશીઓને મન સમજુ, ઠરેલ, કહ્યાગરી છે. લોકો પોતાના સંતાનોને હેતલનો દાખલો આપી મેણાં મારી શકે છે, હેતલને વખાણે છે પણ હેતલને ખબર છે કે વખાણ તેના શ્વાસ તો નથી જ. એ કેટલા ટકશે એનું નક્કી ખરું? અને પોતાને શું સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર જ નહીં? તેથી જ તે કહે છે :

"આવા બધા ભાવોના કાટમાળ વચ્ચે જિવાય થોડું? ને જિવાય તો કેવું ચીંથરા જેવું !" આમ છતાં અંતમાં હેતલ દ્વિધામાં છે. જયંતી કે પંકજ... એણે ખીંટી તો બનવાનું જ છે. ત્રીજો કોઈ વિકલ્પ એની પાસે છે જ નહીં. કારણ કે એકલા રહેવાનો એનો વિકલ્પ પરંપરાગત જડ સમાજમાં ખીંટી બનવા કરતા પણ વધુ અઘરો છે, કદાચ હેતલ એવું સમજે છે- સ્વીકારે છે.

ટૂંકમાં, કોઈને કોઈ રીતે શોષાતી, ફરજને ફગાવી નહીં શકતી, સંવેદનશીલ, સંસ્કારથી ઢંકાયેલી, દરેકની જરૂરિયાતો ટાંગવા માટેની ખીંટી બનીને રહી જતી સ્ત્રીની પીડાને, એનાં બેવડાં શોષણને આલેખતી 'ખીંટી' પૂર્વસૂરીઓની વાર્તાઓને અતિક્રમી શકી છે. ભાષાનો સંવેદન મઢ્યો પુટ મમળાવવો ગમે છે.

પ્રીતિ ધામેલિયા
જે.આર.એફ.,
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી,
ભાવનગર