Special issue on K. M. Munshi
ક.મા.મુનશી વિશેષાંક

'પૃથિવીવલ્લભ' : એક ઐતિહાસિક નવલકથા

પ્રસ્તાવનાઃ

ભારતીય વિદ્યાભવન સાહિત્ય સંસદ, સંસ્કૃત વિશ્વપરિષદ, ગુજરાતી સાહિત્ય પરિષદ આદિ અને સાંસ્કૃતિક-સાહિત્યિક- શૈક્ષણિક સંસ્થાઓના પ્રણેતા અને સૂત્રધાર, રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય - સંગ્રામના મહારથી, દેશ-વિદેશનાં ઇતિહાસ-સંસ્કૃત-સાહિત્યના અભ્યાસી નામાંકિત ધારાશાસ્ત્રી અને દેશવત્સલ રાજપુરુષ કનૈયાલાલ મુનશી આપણા આધુનિક સાહિત્યમાં, વિશેષત: લલિત ગદ્યના ક્ષેત્રમાં એક અગ્રણી પ્રતિભા સંપન્ન સર્જક તરીકે સુપ્રતિષ્ઠિત છે. સમકાલીન રાજકારણ, રાષ્ટ્રકારણ, શિક્ષણ-સંસ્કાર અને સાહિત્યના પ્રદેશોમાં તેમનું કાર્ય ન ઉવેખી શકાય તેનું મૂલ્યવાન છે. તેમની બહુમુખી પ્રતિભાના નોંધપાત્ર નિદર્શન નાટક-નવલકથા-નવલિકા-જીવનચરિત્ર-આત્મચરિત્ર-પ્રવાસકથા-નિબંધ વગેરે સ્વરૂપની કૃતિઓ ઉપરાંત તેમનાં વ્યાખ્યાનો-લેખો અને સ્વાધ્યાય ગ્રંથોમાં મળે છે. ગુજરતની અસ્મિતાના ઉદ્દગાતા ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા અને દેશહિત ચિંતક મુનશીની વૈયકિતક સંવેદનાઓ, ભાવનાઓ અને સ્વપ્નસૃષ્ટિ તેમની વિવિધ સ્વરૂપની સર્જનાત્મક તથા ચિંતનાત્મક કૃતિઓમાં શબ્દસ્થ થયેલી છે. પરંતુ ગુજરાતની સાહિત્ય-રસિક જનતામાં તેઓ નવલકથાકાર તરીકે વિશેષ કરીને ઐતિહાસિક નવલકથાઓના સિદ્ધ હસ્ત સર્જક તરીકે પસિદ્ધ પામ્યા છે.

નવલકથાકાર કનૈયાલાલ મુનશી.

મુનશીના વ્યકિતત્વનાં ધારાશાસ્ત્રી, વહીવટદાર, હૈદરાબાદ રાજ્યના એજન્ટ, જનરલઅન્ન્મંત્રી, રાજ્યપાલ, કુલપતિ, દેશભક્ત, મુત્સદી, વિશ્વવિડદ્યાલય સમી સંસ્થા ભારતીય ભવનના સ્થાપક, સંસ્કારપુરુષ એવાં વિવિધ પાસાં ઉજ્જવલરૂપે પ્રગટ થયાં છે. તે જ રીતે એમનામાંના સહિત્યપુરુષનાં વિવિધરૂપો પણ તેજસ્વીતાથી અંકિત થયાં છે. એમનું સખત પરિશ્રમ અને પુરુષાર્થભર્યું જીવન એમને અનેક સિદ્ધિઓ તરફ દોરી જાય છે. એમની બુદ્ધિની તીક્ષ્ણતા અને એમના હૃદયની સુકુમારતા આપણને પ્રભાવિત કરે છે અને નવલકથા-નાટક જેવી કૃતિઓમાં પ્રગટ થતી એમની સર્જકતા આપણને આંજી દે છે. એમના વ્યકિતત્વના વિવિધ નયન આકર્ષક રંગો આપણને પુલકિત કરે છે અને એની પાછળ પ્રકાશી રહેલો ભારતીય સંસ્કારોનો-ભારતીયતાનો ઉજ્જવલ ધવલરંગ આપણને પ્રસન્ન કરે છે. લાગે છે કે મુનશીનો એ મૂળ શ્વેતરંગ સાચો પ્રેમ છે. ૩૦ ડિસેમ્બર ૧૮૮૭માં જન્મેલા યુગપુરુષ કનૈયાલાલ મુનશીને એમના જન્મદિને કોટિ કોટિ વંદન.

કનૈયાલાલ મુનશીનો સાહિત્ય પ્રવેશ 'મારી કમલા' નામની સફળ વાર્તાથી થાય છે આ પછી મુનશી સાહિત્યકાર બને છે. પછી તો 'વેરની વસુલાત' એ સામાજીક નવલકથા 'ગુજરાતી' માસિકમાં હપ્તે પ્રગટ થાય છે ને ગુજરાતી વાચકોને વશ કરે છે. આથી નવલકથાકાર મુનશીની કીર્તિનો ઉત્સાહ વધે છે. 'પાટણની પ્રભુતા' ગુજરાતનો નાથઅને ' રાજાધિરાજ' એ ત્રણ સોલંકી-યુગીન ઐતિહાસિક નવલકથાઓ કનૈયાલાલ નામને સાહિત્ય ક્ષેત્રે ગાજ્તું કરી મુકે છે ને કનૈયાલાલની નવીન વાર્તા કળા પ્રત્યે ગુજરાતમાં, લોક ચાહનાનો જુવાળ ઊઠે છે એમની 'પૃથિવીવલ્લભ' નવલકથા અને ' વાવાશેઠનું સ્વાતંત્ર્ય' તથા 'પુરંદર પરાજ્ય' એમ બે નાટકો લોકચાહના પ્રાપ્ત કરે છે. નવલકથા અને નાટક એ બે સાહિત્ય-સ્વરૂપના વિકાસમાં કનૈયાલાલ મુનશીનો ફાળો અવિસ્મરણીય છે.

મુનશીની નવલકથાઓ વિષયવસ્તુની દ્દ્ષ્ટિએ સામાજિક, ઐતિહાસિક તથા પૌરાણિક છે એમાં ઐતિહાસિક નવલકથાએ મુનશીને ઘણી કીર્તિ અપાવી છે. 'પાટણની પ્રભુતા','ગુજરાતનો નાથ','રાજાધિરાજ','જય સોમનાથ','ભગ્ન પાદુકા','પૃથિવીવલ્લભ' અને 'ભગવાન કૌટિલ્ય' એ મુનશીની સુવિખ્યાત ઐતિહાસિક નવલકથાઓ છે. આપણા મહાન સાહિત્યકાર અને આપણે જેમને ગુજરાતની અસ્મિતા કહી શકીએ એવા શ્રી કનૈયાલાલ મુનશીનું પ્રદાન અદભૂત છે. તેમણે નવલિકા, નવલકથા, નાટકો,, જીવન કથાઓ વગેરે સાહિત્ય સ્વરૂપો પર નોંધ પાત્ર પ્રદાન કર્યું છે. તેમના ૧૨૩ જેટલા ગ્રંથો પ્રગટ થયા છે. તેમના કેટલાક તો જગતની કોઇપણ ભાષાના સર્વોત્તમ સાહિત્યની હરોળમાં બેસી શકે એવા શ્રેષ્ઠ છે. ભારતીય સાંસ્કૃતિક પ્રણાલિકાઓ જીવતી અને જોમવંતી થાય એ માટે આજીવન પુરુષાર્થ કરનાર શ્રી મુનશી 'ભારતીય નવચેતનાના પ્રણેતા' હતા. મુનશીએ તો પ્રાચીન આર્યવ્રતને આપણી આંખ સમક્ષ ખડુ કરીને આપણા વર્ષોથી પૂજાતા આવતા પૂર્વજોના કાર્ય અને તેમની ભાવનાઓને મૂર્તિમંત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે, ' પૃથિવીવલ્લભ' એક ઐતિહાસિક નવલકથા અંગેના મારા મંતવ્યો આ પ્રમાણે છે.

'પૃથિવીવલ્લભ'

અગિયારમી આવૃત્તિ પ્રસંગે મુનશીની શ્રેષ્ઠ નવલકથા કઈ એ વિશે વિભિન્ન મંતવ્યો છે. પરંતુ અનેક વિવેચકોના મત પ્રમાણે 'પૃથિવીવલ્લભ' એમની શ્રેષ્ઠ નવલકથા છે. ૧૯૨૦ માં પ્રગટ થયેલી 'પૃથિવીવલ્લભ' જેટલી વખોડાઈ હતી તેટલી જ વખણાઈ પણ હતી. એક શતકમાં એની અગિયાર આવૃતિઓ ગુજરતીમાં - અને એકથી વધુ આવૃત્તિઓ હિંદી, મરાઠી, બંગાળી, તામિલ, કન્નડ અને અંગ્રેજીમાં- પ્રગટ થઈ છે. ગ્રંથ તરીકે અને તખ્તા પર આ સર્વ એની સરસત્તાને અને સજીવતાગે અંજલિરૂપ છે.

' પૃથિવીવલ્લભ' ઇ.સ. ૧૯૨૦માં લખાયેલ છે, પૃથિવીવલ્લભનું વસ્તુ ગુજરાતને અડીને આવેલ માળવાના ઇતિહાસનું છે. સોલંકીયુગની જ પણ ધારાનગરીના રાજા મુંજ અને તૈલપના સંઘર્ષ અને મુંજ અને મૃણાલના પ્રેમની સુશ્ર્લિષ્ટ આકારની નવલકથા છે. આમ તો મુંજ તૈલપને અનેક વાર હરાવી ચૂક્યો છે. પણ તૈલપ સામંત ભિલ્લમરાજન ઉપયોગ કરી મુંજને કેદમાં નાખે છે. કેદ ખાનામાં જ રાસિક મુંજ અને તૈલપની બહેન મૃણાલવતીને પ્રેમ સઘાય છે.મૃણાલ છે તો કઠોર વૈરાગ્યને બ્રહ્મચર્યને વરેલી પણ એની દમન પામેલી પ્રણયવૃત્તિ મુંજના પ્રેમ-દર્શનથી જાગી ઉઠે છે. મુંજ-મૃણાલનો પ્રેમ પ્રકાશ પામે છે. પણ અંતે તૈલપ અણનમ મુંજને હાથીના પગ નીચે કચડાવી મારી નાખે છે. 'ગતે મુંજે યશઃ પુંજે નિરાલંબા સરસ્વતી ' ઉદ્દગાર સાથે કથા પુરી થાય છે. મુંજ-મૃણાલની પ્રેમકથા સાથે રસનિઘિ ભોજ અને વિલાસની પ્રેમકથા સમાંતરે ચાલે છે. જે સુખદ છે. મુનશીની આ નાટયાત્મક લઘુનવલ એક સુશ્ર્લિષ્ટ કલાકૃતિ છે. નગરીના રાજા મુંજના ચરિત્રનું કલ્પના મિશ્રિત ઇતિહાસરૂપે અહીં નિરૂપણ થયું છે. મુંજ એક વીર રાજા ઉપરાંત વિલાસી કવિ હતો. તેણે તૈલપને અનેસ વખત પરાજય આપ્યો હતો, છેવટે સામંત ભિલ્લમરાજની છૂપી સહાયથી તૈલપના હાથે મુંજ કેદ પકડાય છે. તેમાં તેનાથી મોટી ઉંમરની વિધવા બહેન મૃણાલનો મોટો ફાળો હતો. મૃણાલનો મુંજ પ્રત્યેનો વેરભાવ છૂપા પ્રણય રૂપે ફાલેફુલે છે તૈલપને આ કિસ્સાની ખબર પડે છે. તૈલપ મૃણાલ અને મુંજનો પ્રણય સંબંધ સહન કરી શકતો નથી. કાતીલ યોજનાના એક ભાગ રૂપે તૈલપ કેદ પક્ડાયેલા મુંજને જાહેરમાં પોતાની બહેન મૃણાલની હાજરીમાં હાથીના પગ નીચે કચડીને મારી નાખવાની જાહેરાત કરે છે. સોળ દિવસ સુધી કેદ રાખી, ઘેર-ઘેર ભીખ મંગાવી હાથીના પગ નીચે કચડાવી નાખી તૈલપ જાણે પોતાના રાજકીય વેરની તૃપ્તિ અનુભવે છે. વાસ્તવમાં કાષ્ઠપિંજરમાં પુરાયેલો મુંજ મૃણાલના રસહીન જીવનને પ્રેમના આકર્ષણથી મઘમઘતું કરી મૂકવામાં સફળ થાય છે તે લેખક ખાસ દર્શાવે છે અને સૂચવે છે કે મુંજ મરીને પણ જીતી ગયો. આમ મુંજની વિજયની કથા બની રહે છે. સીધી વેગવંત ગતિવાળી આ કથા નાટયાત્મક નિરૂપણનો સુંદર નમૂનો બનેલી છે તેથી એના નાટ્યરૂપાંતર અને ચિત્રપટ કથા રૂપે થયેલા રૂપાંતર સફળ નીવડ્યા છે. મુનશીની આ એક આકર્ષક લઘુ નવલકથા બની છે. ' પૃથિવીવલ્લભ ' તો કલા અને લોકપ્રિયતાની દ્દષ્ટિએ પણ ઉચ્ચ નીવડી તેથી મુનશીની મહાન ઐતિહાસિક નવલકથાકાર કહેવાય.

' પૃથિવીવલ્લભ ' નવલકથાના નાયક-નાયિકા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર છે કારણ કે મૃણાલવતી આદર્શ વૈદ્યવ્યવ્રત્તધારિણી ને મહાપ્રતાપી નારી છે અને મુંજ તેનો કેદી છે. 'પૃથિવીવલ્લભ' નામને સાર્થક કરતું પ્રસન્ન ગૌરવ પ્રગલ્ભ વિલાસિતા અને અજોડ વિદ્યાકલા ચાતુર્ય તેને અનોખું વ્યકતિત્વ આપે છે એ ખરું, પણ તેના વ્યકિત્ત્તવનું અપ્રતિહત તેજ અને માનવોત્તર કોટિનું સામર્થ્ય કાક, મુંજાલ અને પરશુરામથી ભાગ્યે જ જુદું જણાશે. મૃણાલ મુંજની નફટાઇને જેર કરવા તેના હાથનું કાચું માસ બાળે છે. પણ મુંજ તો એવો દુર્જેયરહે છે. ઊલટું, મૃણાલવતી તેનાથી જિતાઇ જાય છે. અને પોતાનું ગુમાન તો ઠીક પણ વૈઘવ્યવ્રતને રાજમાતા તરીકેની પ્રતિષ્ઠા સુધ્ધાં પ્રણયની વેદી પર હોમે છે ને વિવશબનીને મુંજની સાથે નાસી જવા તૈયાર થાય છે. આમ, મુનશીની નવલકથાઓમાં સ્ત્રીપાત્રો પ્રતાપી અને જાજરમાન વ્યકિત્ત્તવવાળાં હોય છે ખરા, પણ છેવટે તે કોઇને કોઇ નરપુંગવ આગળ નમી પડે છે.

વળી, આ મહાન પાત્રો તેમના સર્જકની પ્રણયભાવનાનું વિશિષ્ટ પણે નિર્વહણ કરે છે. મુંજ જે પ્રણયને ખાતર હાથીના પગ નીચે હસતે મુખે ચગદાઇ જાય છે. તે પ્રણય એટલે સ્ત્રી અને પુરૂષનું પરસ્પર અદમ્ય આકર્ષણ ' અવિભક્ત આત્મા ' નાટકમાં અરુંધતી લગ્ન કરવાની ના પાડે છે ત્યારે વશિષ્ટ તેને કહે છે ! મને પેલા પ્રતાપી બાલ-વશિષ્ઠો અને અરુંધતીના આકંદ સંભળાય એમને અવતરતાં પહેલાં કેટલી વાટ જોવી પડશે ? આ આકર્ષણ જાતીય કોટિ ઉપરથી આત્માની કક્ષાએ પહોંચે છે એમાં જીવનનું સાર્થક્ય છે. 'પુરુષ કે સ્ત્રી બેમાંથી કોઇનું યે જીવન પ્રણય પ્રરિત સંસાર વિના સંપૂર્ણ નથી' તે મુનશીના આ બધાં જ પાત્રોના ઉદ્દેશય મુનશીએ કાલવ્યુત્ક્રમનો દોષ વહોરી લઇને જીવનના ઉલ્લાસની નવી દ્દ્ષ્ટિએ આ આધુનિક ભાવનાને તથા તેને અનુષંગે પ્રગલ્લભ ચેષ્ટાઓને વશિષ્ઠ-અરુંધતી તથા અગસ્ત્ય-લોપા જેવાં પૌરાણિક અને ઐતિહાસિક રચનાઓનાં મુખ્ય પાત્રો, આમ છેવટે તો મુનશીની જીવન ભાવનાના પ્રતીક બની રહે છે. ' પૃથિવીવલ્લભ ' મુનશીને એક ઉત્તમ ઐતિહાસિક નવલકથા છે. એનુ વસ્તુ ઇતિહાસ પ્રસિદ્ધ છે. વિક્રમની અગિયારમી સદીના લગભગ મધ્યભાગની અમુક ઐતિહાસિક વ્યક્તિઓ અને ઘટનાઓને પાયામાં રાખી લેખકે નિર્માણ કરેલું કથાશિલ્પ તેમની અન્ય નવલકથાઓ જેવું અનેક કેન્દ્રી નથી પરંતુ એક કેન્દ્રી એને પ્રભાવક છે. મુનશીની આ લઘુનવલના કથાનકને લોકપ્રિય કલારૂપ સાપડ્યું છે. કદની દ્દ્ષ્ટિએ તેનું સ્વરૂપ લઘુનવલનું હોવા છતાં તે અત્યંત રસિક કૃતિ છે ૧૭૨પાનામાં લખાયેલી આ કૃતિના અનુવાદો પણ વાચકોમાં લોકપ્રિય થયાં છે. તેના પરથી નાટકો અને ફિલ્મોનું પણ સર્જન થયું છે, જે કનૈયાલાલ મુનશીની લોકપ્રિયતાને સિદ્ધ કરે છે.

મધ્યકાલીન તેમજ અર્વાચીન કૃતિઓમાં અવંતિપતિ મુંજ અને તૈલંગણના મુંજ વિજેતા રાજા તૈલપરાજ-આહવમલ્લની વિધવા બહેન મ્રુણાલવતીની પ્રણય કથા વિવિધ સ્વરૂપે ગૂંથાયેલી છે. યુદ્ધમાં પરાજિત મુંજની પ્રભાવકતા-પ્રભુતા વિજેતા દેશનાં પ્રજાજનો પર, રાજા પર અને સૌથી વિશેષ તો આ અપૂર્વ વિજયની પ્રેરણામૂર્તિ રાજવિદ્યાત્રી મૃણાલવતી પર દર્શાવીને તેની પૃથિવીવલ્લભતા પ્રસ્થાપિત કરવી એ આ નવલકથાનો ઉદ્દેશ છે. કૃતિના આરંભથી માંડીને અંત સુધીના બધા પ્રસંગો- પરિસ્થિતિઓના આયોજન અને આલેખનમાં આ કથા પ્રયોજનના નિશાન બિંદુ પર લેખકનું ધ્યાન કેન્દ્રીત થયેલું જણાય છે. મુંજ રાજકેદીની હેસિયતથી પાટનગર માન્યખેટમાં આવે તે પૂર્વે તેના પરાજયના સમાચાર મહાસામંત ભિલ્લમરાજ મૃણાલને આપે છે. ભિલ્લમરાજ, રાણી જક્ક્લાદેવીને એકરાર કરતાં કહે છે કે, 'ક્યાં મુંજ ને ક્યાં મહારાજ ?' વિલાસવતી મુંજને જોવા ઉત્સુક બને છે. સવારીની પૂર્વ તૈયારી વખતે મૃણાલની સખ્તાઇને અવગણવાની ધૃષ્ટતા કરીને પણ ભિલ્લમ કહે છે 'આપણે પૃથિવીવલ્લભને લઇ આવ્યા છીએ, મુંજ જેવા નર આખી પૃથ્વીમાં સૌ વર્ષે એક પાકે, હજાર વર્ષે નજરે ચઢે, પણ દસ હજાર વર્ષે પણ આમ પકડાઇ આવતો ભાળીએ નહિ', મુણાલ મુંજની પ્રશંસાથી અકડાય છે અને કહે છે કે 'મુંજ્માં શુ જોવાનું ?' એ જ હાડકાનો માળો, એજ ચામડું, એજ નરકની બનેલી દેહ - છતાયે સવારીને પ્રસંગે તે મુંજને જોવા ગયા વિના રહી શકતી નથી. પ્રચંડ કદ, અપૂર્વઘાટ, મોહકમુખ, સુરસરિતાના જલ સમાલાંબા કાળા વાળ, શંકરશા વિશાળ ખભા, ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીઘરની ફણાની માફક તેની ભરેલી ડોક, ગર્વ અને બેપરવાઇથી જગતનો તિરસ્કાર કરતા હોય એવાં અંગો અને સ્નાયુબદ્ધ વિશાળ છાતીના અંગ વિભાગો 'તેનો પ્રતાપ દાખવી, દુનિયાને ડારતા હોય' એમ દેખાય છે. લેખક કહે છે તેમ 'તે શરીર જીવંત માણસનું ન હોતું - શારીરિક અપૂર્વતાનું સ્વપ્નું હોય એમ લાગતું, અને અંગ અંગમાંથી દિવ્યતા ઝરતી' પરાજયની સ્થતિમાં પણ મુંજ પ્રતાપી વિજેતા જેવો પ્રભાવ દાખવે છે. મૃણાલ ' ઝનૂન ભરી આંખે ' આ બધુ જુએ છે અને ગુસ્સામાં હોઠ દ્દઢ કરે છે કારણ કે તેને ' મુંજના વ્યકિત્ત્તવમાંથી ઝરતા પ્રતાપને લીધે પોતે અધમ હોય તેના ભાઇની રાજ્યસત્તા ક્ષુદ્ર હોય, આ વિજય ખરું જોતા મુંજનો જ હોય ' એવો ખ્યાલ આવી ગયો છે. અટારીમાં ઊભેલી સ્ત્રીઓ તરફ મુંજ જુએ છેત્યારે એકે એક સ્તબ્ધ થઇ જાય છે. મુંજ મૃણાલ પર દ્રષ્ટિ સ્થિર કરી હસે છે તે વખતે મુંજનું સુંદર મુખ જોઇ, મૃણાલ બધું ભુલી ગઇ-માત્ર જોઇ જ રહી. વિશાળ ભાલની સ્ફટિકશી નિર્મલતા, મોટી તેજસ્વી આખોમાંથી ઝરતી મધુરતા,સુંદર લોભાવે એવા હોઠોએ હાસ્ય કરી છોડેલી શરસમી સ્નેહભરી મોહકતા, વદન પર હાસ્યમાં સ્પષ્ટ દેખાતો વિજય-આટલું જ તેણે જોયું, તે દિવ્ય મુખમાં કાવ્યની મીઠાશ હતી, તે હાસ્યમાં પુષ્પધન્વાનું સચોટ શરસંધાન હતું- મૃણાલ પળવાર-એક જ પળવાર-સ્તબ્ધ બની રહી-કોઇએ તૈલપરાજ જોયો નહિં, કોઇએ મહાસામંત તરફ નજર ન કરી-બધાંએ નીચા વળી દૂર ને દૂર જતાં પૃથિવીવલ્લભની પીઠ તરફ જોયા કર્યું. 'મૃણાલ મુંજ વચ્ચેનો સંઘર્ષ અત્યાર સુધી રણક્ષેત્રમાં ખેલાતો હતો અને તેમાં આખરે મૃણાલ જીતે છે. પણ મૃણાલની હૃદયભુમિ પર જે સંઘર્ષ હવે પછી જામવાનો છે તેનો પ્રારંભ આ પ્રસંગે જ થઇ જાય છે. પણ 'પહેલો મેળાપ' થતાં પરિણામ કાંઇ જુદું જ આવે છે. ત્યાં જતી વખતે તે 'માત્ર નામનો જ અસ્પષ્ટ ક્ષોભ' અનુભવી 'પોતાની હંમેશની સ્વસ્થતા ખોવા લાગી, એ સ્વસ્થ જતાં પરિણામ એ જ આવ્યુંકે તેની હિંમત કૃત્રિમ થઇ તેનો તિરસ્કાર વધારે જુસ્સા ભર્યો થયો.' અવંતિ નરેશને ' અસત્યનો અવતાર' અને પોતાને 'સત્યનો અવતાર' માનતી મૃણાલ સત્યનો વિજય ધ્વજ લહેરાવવાના 'મહાન કર્તવ્ય' અર્થે હોઠ બીડી, 'પોતાની શુદ્ધિ ને વૈરાગ્યની મહત્તામાં મગરૂર' બની મુંજની મુલાકાતે ઊપડે છે, કારણ કે 'પૃથ્વીના પાપીઓમાં પોતે શ્રેષ્ઠ માનેલા પુરુષને તેની અધમતાનું ભાન કરાવવું એથી બીજીશી વધારે શુદ્ધ અને ધાર્મિક વસ્તુ હોઇ શકે ?' પરંતુ પછી ધીમે ધીમે તેને મુંજની વાતોમાં જિજ્ઞાસા જાગે છે : ' મને વશ કરવા આવ્યા હતા-વશ થઇને જાઓ છો. તમારા જેવાને વશ કરવા કરતાં બીજું વધારે શું સુખ ? ' ... મારી પાસે આવીને ભુલ કરી હવે તમે જુદા જ થઇ રહેવાનાં, મૃણાલવતી ! મારી પાસે આવ્યાં કે સજીવન થયા વિના રહેવાનાં નથી મૃણાલ મહેલમાં પછી આવે છે, સંસર્ગ દોષ મટાડવા સ્નાન કરે છે. માનસિક શુદ્ધિ માટે ધ્યાન ધરે છે, પણ ધ્યાન કોનું ? મુંજ તો ધ્યાન આગળથી ખસતો જ નહતો, પણ રાજમાતાનું અપમાન કરનાર પાપીને તો દયા નહિ પણ ન્યાયી શિક્ષા જ ઘટે. પ્રચલિત રીતરસમ પ્રમાણે તેને કાષ્ઠપિંજરમાં પૂરવાનો મૃણાલ નિર્ણય કરે છે તે પ્રસંગે મુંજને 'ન્યાયબુદ્ધિથી દીધેલી શિક્ષા' ભોગવતો જોવાનો તલસાટ તે અનુભવે છે. લોકો અને એક નાની છોકરી મુંજ્ના શીખવ્યા પ્રમાણે ગીત ગાતાં થઇ જાય છે. "તૈલપ તણી નગરી સદા રસગાનતાન વિહીન છે" ... અટારીમાંથી મૃણાલ આ દ્દ્શ્ય જોઇ જાય એવા ડરે' ત્યાંથી એકદમ ચાલી જાય છે. મુંજ્ના સર્વાશ્ર્લેષી પ્રભાવથી સિપાઇઓ, નગરજનો, ખુદ મૃણાલ પણ ઊગરી શકતી નથી. કાષ્ઠપિંજરની શિક્ષાથી મુંજને અધમતાનો સ્વાદ ચખાડવામાં નિષ્ફળ ગયેલી મૃણાલ બીજી મુલાકાત વખતે મુંજ મીઠાશ ભર્યા અવાજે આવકારે છે તેજ પળે 'તેના હૈયાના જે-જે બખ્તરો સજ્યાં હતાં તે બધાંના બંધ તૂટ્વા' લાગે છે, તીવ્ર લઘુતાગ્રંથિથી પીડાતી આ માનભંગ માનુનીની પરોપકારવૃતિ અને મુરબ્બીવટ રમૂજ પ્રેરક છે. હું મારી ગરજે નથી આવી, તારા આત્માનો ઉદ્ધાર કરવા આવી છું, પાપપંકમાં મહાલી રહેલા તારા નઠોર આત્માને શુદ્ધિને પવિત્ર પંથે ચઢાવવા આવી છું : મૃણાલની આ દાંભિકતાનો પડછે મુંજની નિખાલસતા ધારદાર રીતે લેખક ઉપસાવી આપે છે ' મેં પણ પરમાર્થ કર્યો છે, મેં પણ ગરીબોને તાર્યા છે ને દુ:ખિયાના દુ:ખ નિવાર્યા છે, પણ એ તે તેમના ભલા માટે નહિ મારા સ્વાર્થને ખાતર-એ પરમાર્થ કરવામાં મારું હૃદય તૃપ્ત થતું હતું તેથી-મારી અહંતા સંતોષાતી હતી તેથી- મારું મન રાચતુ હતું તેથી મૃણાલને મુંજના આ સૂત્રોમાં ' કંઇ ન સમજાય તેવી સત્યતા' ભાસે છે. મુંજના ચરિત્રગત પ્રતાપ પ્રભાવની આભાનું તેજોવલય રચનામાં લેખકની સંવાદકલા સોળે કલાએ ખીલી ઊઠે છે, ' ...કોઇ અનાથને ત્યાં જન્મેલો છોકરો છું, આજે પૃથિવીનો વલ્લભ છું. મને સિંહણોએ દૂધ પાયા છે ને ગજરાજોએ પવન નાખ્યા છે. મેં ભીખ માંગી છે, ને સિંહાસનો દાનમાં દીધાં છે, મેં દુ:ખીયા માટે દેહ આપ્યો છે, ને સુખિયાના દેહની કચ્ચરો કરી છે. મેં રમણીઓના રસ ભંડારો લુંટ્યા છે, ને લક્ષ્મી સમાન લલિતાઓનો શિરચ્છેદે કર્યો છે. શ્રુતિવાક્યોનો પાઠ કરતાં દેવને પણ દુર્લભ એવી ત્તપશ્ચર્યા આદરી છે, ને શૃંગાર સૂત્રોને ગુંજતાં બીભત્સ રસનો પણ સાક્ષાત્કાર કર્યો છે. હવે શું બાકી રહ્યું ?' સરર્સ્વતીના લાદીલા મુંજની વાક્છટા અને વાગ્મિતાથી પ્રતિસ્પર્ધીને અભિભૂત કરવાની લાક્ષ્ણીક નાટ્યાત્મક નિરૂપણ કલાનો હદ્દ ઉન્મેષ પ્રગટે છે. સોળેક વર્ષની ઉમરે વિધવા બનેલી મૃણાલે ત્રીસ વર્ષની ઉગ્ર તપશ્ચર્યા પછી, પરમ પવિત્ર તપસ્વિની અને રાજવિદ્યાત્રી રૂપે પોતાની દેહદમનમૂલક સંયમસાધના અને જપ-તપની ઉપાસનાથી રાજા-રાણી, રાજ્કુમાર અકલંકચરિત (સત્યાશ્રય), વિલાસવતી, દાસ-દાસીઓ, પ્રજાજનો અને સામંત - મહાસામંત આદિ સર્વને એટલી હદે પ્રભાવિત કરેલા છે કે આત્યંતિક આચાર-વિચારનાં નિયંત્રણ અને આનંદ - ઉત્સાહના નિષેધથી મનોમન અકળાય તો પણ તેઓ તેની સામે હરફ ઉચ્ચારી શક્તાં નથી, તેનો બોલ ઉથાપી શકતાં નથી. તેણે આંકી આપેલી મર્યાદામાં રહીને, તેના ઇચ્છા-આદેશના અનુશાસનને માથે ચડાવી તેઓ આનંદ-ઉત્સવ માણવાની નૈસર્ગિક પ્રવૃત્તિઓના આવિષ્કારને જાહેરમાં વર્જે છે. મૃણાલની આ નિષેધાત્મક તપોપ્રધાન જીવનદ્દ્ષ્ટિમાં, મુનશીના શબ્દોમાં કહીએ તો "મૃત્યુની હિમાયત" છે. માન્યખેટમાં મુંજનું આગમન થતાં આ બે જીવનદ્દ્ષ્ટિઓ નાયક-નાયિકાનાં વિચાર-વર્તન-વાણીના રૂપમાં સામસામે ટકરાય છે. પાદપ્રક્ષાલનને પ્રસંગે તૈલપરાજના સામંતોને હંફાવી મુંજ તૈલપરાજને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકે છે તે વખતે મૃણાલ 'મુંજ્નો વિજય જોવા' એકીટશે જોઇ રહે છે ; તેને કારાવાસમાં એકાંતે મળવા માટે 'નવવધૂના ઉત્સાહથી' સાયંકાળની રાહ જોયા કરે છે, મુંજના સ્પર્શે 'સજીવન' થાય છે ; અને મુંજ તેને બાથમાં ભીડી-ચગદી નાખે છે ત્યારે તો 'વૃદ્ધાવસ્થાને આરે ઊભેલી ઉગ્ર તાપસી, તરફડ્તી, ધ્રુજતી, નાસી જવાની ઇચ્છાથી કાંપતી,' 'આનંદની અવધી અનુભવે છે.' મુંજ જીવનના આનંદ-ઉલ્લાસનાં રસસૂત્ર ઉચ્ચારે છે. 'આનંદસમાધિ અનુભવતાં કદીયે કલંક હોય નહિ કે ભ્રષ્ટ થવાય નહિ. એ તો તપની મહાસિદ્ધિ ! આનંદની જે અરુચિ તેનું નામ રોગ. હવે તમે રોગથી મુક્ત થયાં' આ રીતે 'રોગમુક્ત' થયેલી મૃણાલને હવે મુંજરાજ 'અદ્દ્ભૂત' અને 'ખરેખરા પૃથિવીવલ્લભ' લાગે તેમાં નવાઇ પામવા જેવું નથી. કથાના અંતભાગમાં મૃણાલ તપોમૂર્તિ રાજમાતાને સ્થાનેથી ભ્રષ્ટ થયા પછી પણ મુંજનું અપમાન કરવા ઉત્સુક તૈલપરાજને સ્પષ્ટ સંભળાવી દે છેઃ 'મુર્ખ ! તારા જેવા દસ હજાર તૈલપ ભેગા થાય તો પણ તેને ન પહોંચે...હું ઉગ્ર તાપસી હતી, તૈલંગણની રાજવિધાત્રી હતી; હવે બધા મને કુલટા કહી મારા નામ પર થૂકશે-છતાં હું તાપસી બની જે ગર્વ ધારતી હતી તેટ્લો જ ગર્વ - તેથી વધારે ગર્વ - પૃથિવીવલ્લભની વલ્લભા થઇ ધારું છું' મૃણાલના આ શબ્દોમાં 'પ્રેમની મસ્તી' અને જીવનના ઉલ્લાસ' નું જયગાન સંભળાય છે.

સુખમાં ને દુ:ખમાં, વિજયમાં ને પરાજ્યમાં, સમરાંગણમાં ને સંવનનમાં, જીવનમાં ને મૃત્યુમાં પણ ક્ષમતા-સ્વસ્થતા જાળવી જાણતો મુંજ અમુક અંશે ભગવદ્ ગીતાના સ્થિતજ્ઞ જેવો લાગે છે. પ્રિયતમા મૃણાલને જાણે ભેટતો હોય એટલા જ આનંદથી મૃત્યુનેય સહજ-સ્વાભાવિક રીતે ભેટતો મુંજ મૃત્યુંજય બની રહે છે. હાથી પાસે જતાં તે ક્ષણવાર ખંચાય છે ત્યારે તૈલપના હૃદયમાં આશા જન્મે છે કે મુંજ મૃત્યુથી ગભરાઇ જશે. પણ મુંજ ખંચાયો તે એ વિચારને કારણે કે હવે 'બિચારી સરસ્વતીનું શું થશે' યુદ્ધમાં ભિલ્લમરાજ સાથેના દંગલમાં મૃત્યુના ભણકારા સંભળાતા હતા તે સ્થિતિમાં તેને બીજા કોઇની નહિ, પણ પોતાના કવિઓના યોગક્ષેમની ચિંતા થઇ હતી, તેમ જીવનની આ અંતિમપળોમાં પણ તેને આલબંન ખોઇ બેસનાર સરસ્વતીનો જ વિચાર આવે છે. નિત્શેપ્રેરિત માનવશ્રેષ્ઠ 'પ્રભુ' નાં કેટલાંક લક્ષણો ધરાવતો મુનશીનો આ માનસપુત્ર "પ્રણયયોગી, ભાવનાશીલ, ઉન્નતાશયી, પ્રચંડ ઊર્મિઓનો ધણી" છે. 'લક્ષ્મી સમાન લલિતાઓ'નો શિરચ્છેદ કરવાની ક્રુરતા આચરતો, દુ:ખીજનો માટે દેહ આપતો અને 'સુખિયાના દેહની કચ્ચારો' કરતો, અનેક 'રમણીઓના રસભંડાર' લૂટતો, લહેરથી ભિક્ષા માંગતો અને સિંહાસનો દાનમાં આપી જાણતો મુંજ નીતિ-અનીતિનાં ધોરણોથી પર અતિનૈતિક -amoral - માનવતનું જીવંત પ્રતીક છે. તેના મૃત્યુટાણે વિજેતા તૈલપ નિરાશા અનુભવે છે, પ્રજાજ્નો આંસુ સારે છે, મૃણાલ તેની ક્ષમા યાચી ચરણરજ માથે ચઢાવે છે; પણ મુંજના હોઠ પર મીઠું ગૌરવભર્યુ હાસ્ય, તેની આંખમાં નીડરતા અને પૃથિવીના વલ્લભતા સૂચક તેજ વિલસે છે. મૃત્યુની વેદના તેને લેશમાત્ર સ્પર્શી શકતી નથી ; તેના જીવનમાં કે મૃત્યુમાં ટ્રેજેડીના કારુણ્યનો સંસ્પર્શ અનુભવતો નથી. 'પૃથિવીવલ્લભ' માં ખરેખરું કરુણરસિક પાત્ર મુંજ નહિ પણ મૃણાલ છે. નવલકથામાં પ્રારંભે તપસ્વિની અને પ્રતાપી રાજવિદ્યાત્રી મૃણાલની જે એકચક્રી સત્તા અને સર્વોપરિતા પ્રવર્તતી હતી, તે અંતમાં નામશેષ બની જાય છે. વર્ષોની સાધનાથી મેળવેલી તપોમય જીવનની સાધના અને નિષ્કલંક વૈદ્યવ્યની વિશુદ્ધિને ભોગે તે મુંજ સરખા અદ્વિતીય પ્રિયતમનો પ્રેમ પામે છે, મુંજ તેને અવંતિના સામ્રાજ્ઞીપદે સ્થાપવા તૈયાર હોવા છતાં તેની સાથે ભાગી છુટવાની તક તે હાથે કરીને જતી કરે છે, એટલું જ નહિ પણ વિશ્વાસઘાત કરીને મુંજને પકડાવી દઇ તેને મોતના મુખમાં હડ્સેલે છે. પોતાની સ્વાર્થી ગણતરીમાં થાપ ખાઇ ગયેલી મૃણાલ એક જીવલેણ ભૂલને કારણે તપસ્વિની-રાજવિદ્યાત્રી તરીકેનું માનભર્યું સ્થાન ગુમાવી તૈલગણનાં રાજા-પ્રજાની દ્દ્ષ્ટિએ કલંકિની ઠરે છે અને પોતની જ નબળાઇને લઇને પ્રિયતમ મુંજને પણ સદાને માટે ખોઇ બેસે છે. હવે તેનું ભાવિ જીવન કેવું દારુણ્ય યાતનાભર્યું હશે, એ કલ્પના પણ સહૃદય વાચકને કંપાવી મૂકે તેવી છે. પરંતુ ચલચિત્રાત્મક ગતિશીલ પ્રસંગ પરંપરાઓના ચિત્રણમાં વ્યસ્ત મુનશી પાત્રના આંતરસંઘર્ષને, તેની ચેતન-અવચેતન કે અચેતન મનની સંદિગ્ધ સંવેદનાઓને અવગત કરી નિરાંતે આલેખવા ઝાઝું થોભતા નથી. મનોવાસ્તવના કલાયુક્ત આલેખનની શક્યતાઓ મુણાલના ચરિત્રમાં ઘણી બધી છે. પણ તેનો પૂરો લાભ લેવાયો નથી ; કેમ કે મુનશીની ગતિ મનૌવૈજ્ઞાનિક નવલની દિશામાં નહિ પણ ઐતિહાસિક રંજનકથા - Historical romance - ની દિશામાં છે. લેખકના કેમેરાનું લક્ષ્બિંદુ - Point of focus - મૃણાલના મનોજગત પર સ્થિર થવાને બદલે મુંજની પૃથિવીવલ્લભતા-લોકોત્તર પ્રભાવક્તા- પર કેન્દ્રિત થયેલું છે તે આ કારણે નવલકથાનાં કથા-ઘટકો (motifs)ઘટનાસ્થળ અને તેમની આસપાસના પરિવેશની પસંદગી તેમજ માવજત જે રીતે થઇ છે તેમાં લાક્ષણિક મુનશીશાઇ ઐતિહાસિક રંજનકથાનાં લક્ષણ-અપલક્ષણ જ આગળ તરી આવે છે. આ બાબત જરા વિગતે જોઇએ. બે દુશ્મન રાજ્યોનાં રાજા/ રાજકુમાર/પ્રધાન/પ્રધાનપુત્ર અને રાણી/ રાજકુંવરી/ રાજમાતા/પ્રધાનપુત્રી એકબીજાના પ્રેમમાં પડે અને યુદ્ધસંઘર્ષને વિષમ સંજોગોમાં પાંગરેલો તેમનો પ્રણય આખરે સુખદ કે કરુણ અંતમાં પરિણમે એ પુરાણું વસ્તુબીજઘટક આપણી ઘણી આખ્યાનકથાઓ પૃથ્વીરાજ-સંયુક્તા આદિની ઐતિહાસિક કથાઓ, ગ્રીક પુરાણકથાઓ તથા શેક્સપિયર્ જેવાની મધ્યકાલીન કૃતિઓમાં વિવિધ પ્રકારાન્તરે પુનરાવર્તન પામતું જોવા મળે છે. 'પૃથિવીવલ્લભ'માં મુંજ-મૃણાલ તથા રસનિધિ-વિલાસનાં પ્રધાન-ગૌણ બને કથાનકોમાં પણ કથાઘટક અનુસ્યૂત છે. મુખ્ય કથાઘટકની ધ્યાનપાત્ર વિલક્ષણતા એ છે કે અહીં શત્રુ રાજ્યો વચ્ચેની લાંબી યુદ્ધપરંપરા અને તજ્જન્ય વેર-વિદ્વેષની વકરેલી વૃત્તિ-પ્રવૃત્તિ અને સંઘર્ષની પરિસ્થિતિ માટે ખુદ નાયક-નાયિકા પદે વિરાજતાં પ્રણયી પાત્ર જ કારણ્રરૂપ છે ! ખરો સંઘર્ષ માલવા અને તૈલંગણના રાજાઓ અને તેમનાં સૈન્ય વચ્ચે નહિ પણ પૃથિવીવલ્લભ અને તેની વલ્લભા વચ્ચે છે. બે શત્રુરાજ્યો વચ્ચેના દીર્ઘકાલીન સંઘર્ષોમાં વસ્તુત: 'મુંજ અને મૃણાલની પ્રબળ ઇચ્છાશક્તિઓનું દારુણ યુદ્ધ જ' ખેલાતું હતું નવલકથાના ત્રીજા પ્રકરણમાં રાજકેદી મુંજનું આગમન થતાં સામસામા છેડાની જીવનદ્દ્ષ્ટિઓના સંઘર્ષનું, પ્રણય-પ્રભાવના ચુંબકીય આકર્ષણ અને તેના પ્રતિકારનું પણ યુદ્ધ બને છે. નાટ્યાત્મક અને ક્યારેક નાટકી-પરિસ્થિતિઓ તથા ત્વરિત પ્રસંગ-પરંપરાઓના સંયોજન દ્વારા સંઘર્ષ અને કથારસની જમાવટ કરવાની ફાવટ મુનશીમાં ઘણી છે. તેમની આ લાક્ષણિક શક્તિ અને સીમા 'પૃથિવીવલ્લભ'માં પણ જણાઇ આવે છે. ગ્રીક ટ્રેજેડીની લક્ષ્યગામિતા, પ્રભાવની એકાગ્રતા, પ્રસંગ પરિસ્થિતિની નાટ્યાત્મકતા અને ગતિશીલતા ધરાવતી આ કથા સમુચિત સમયસંકલનાને કારણે નાટકની લગોલગ પહોંચી જાય છે. ભિલ્લમરાજે શિવાલયમાં મૃણાલને આપેલા મુંજવિજયના સમાચાર અને મૃણાલનો પ્રતિભાવ, સવારીના પ્રસંગે મુંજનાં પ્રથમ દર્શને મંત્રમુગ્ધ થતાં નગરજનો અને સ્તબ્ધતા-અસ્વસ્થતા અનુભવતી મૃણાલ,જીવિતદાનનું 'વરદાન' પામેલા મુંજના કવિઓનું ભિલ્લમરાજના મહેલમાં આતિથ્ય,વિલાસ-ભોજની મુલાકાતો અને સાહિત્યગોષ્ઠીઓ,સત્યાશ્રયનું સંવનન, કારાવાસમાં મુંજ અને મૃણાલનો પ્રથમ મેળાપ,કાષ્ઠપિંજરમાં અને પાદપ્રક્ષાલન દ્વારા મુંજ ને નમાવવામાં સાંપડેલી નિષ્ફળતાનો મૃણાલ અને તૈલપરાજ પર પડતા પ્રત્યાઘાત,લક્ષ્મીદેવી-ભોજની છાની ગુફતેગો,બીજી મુલાકાત વખતે મુંજને ડામ દેવરાવ્યા પછી નિરાધારી અનુભવતી મૃણાલની સજીવન થતી પ્રણયસંવેદના અને ત્રીજી મુલાકાતે મુંજના મધુર સ્પર્શે સાંપડ્તી ' તપની મહાસિદ્ધિ', મુંજને છોડાવવા ગુપ્ત રીતે આવેલા ભોજ સાથે ભાગી છૂટવાનો મુંજનો ઇનકાર,ભોજનું ષડ્યંત્ર ખુલ્લું પાડવાની પોતાની બાજી ઊધી વળતાં તૈલપરાજને હાથે અપમાન-તિરસ્કાર સહેતી મૃણાલની વિવશતા,ભોજ સાથે ભાગી છૂટતી વિલાસની બેભાન સ્થિતિમાં થયેલી હત્યા અને સ્યૂનરાજ ભિલ્લમ તથા લક્ષ્મીદેવીનો વિદ્રોહ - આ બધી ઘટનાઓ ફક્ત પાંચ દિવસના સમયગાળામાં બનતી બતાવાઇ છે.મુંજ-મૃણાલ અને ભોજ-વિલાસની પ્રણયકથાઓનાં ઘટકો સાથે સંબંધ ધરાવતા પ્રસંગો લગભગ એકી વખતે બનતાં હોવા છ્તાં તેનું સંયોજન એવું રીતે થયું છે કે સમયનું કે માનસિક પરિણામ પ્રાપ્ત થવાથી પાત્રોનાં ચેતસિક સંવેદનો સમયમાં વિસ્તરતાં અનુભવાય. ભોજ-વિલાસનું પ્રણય વિકસન દર્શાવાયું ન હોવા છતાં ક્ષતિ ઝટ વાચકની આંખે ચડતી નથી તે પણ આ પ્રકારના વસ્તુપાત્ર અને સમયના નાટ્યોચિત સંવિધાનને આભારી છે.મુંજ માન્યખેટની શેરીઓમાં સાત દિવસ ભિક્ષા માંગે છે અને સાતમે દિવસે તે હાથીના પગ તલે કચડાઇ મૃત્યુ પામે છે. આ સમય દરમિયાન પ્રિયતમના મૃત્યુના ભયાનક ઓથારમાં ગૂંગળાતી મૃણાલે યુગ યુગ જેવડી યાતનાસર પળો કેમ કરીને વિતાવી હશે, પ્રિયતમને હાથે કરીને યમદેવતાને હવાલે કરવાના પ્રશ્ર્ચાતાપના અગ્નિમાં તેનું નારીહ્રદય કેવુંક સિઝાયું હશે,એની કલાત્મક અભિવ્યક્તિ માટે અહીં એક મૂલ્યવાન તક હતી, લેખકે ધાર્યું હોત તો સાત દિવસમાં મૃણાલની મનોભૂમિનાં સાતેય પાતળનો તાગ તેઓ લઇ શક્યા હોત, પણ અહીં એમ બનતું નથી, કેમ કે 'પૃથિવીવલ્લભ' મનોવૈજ્ઞાનિક નવલ નહિ પણ એક ઐતિહાસિક રંજનકથા છે.

મુનશીની વાર્તાકલા તત્વત: નાટયાત્ક હોવાથી વિગત પ્રચુર અને ચિત્રાત્મક પ્રસ્તારમુક્ત વર્ણન તેમની અન્ય ઐતિહાસિક નવલોની જેમ અહીં પણ મળતાં નથી. પાત્રના પૂર્વજીવનની વિગતો,સ્વભાવની લાક્ષણિકતાઓ કે વ્યકતિત્વની રેખાઓ દ્વારા સપ્રાણ તરવરિયાં ક્રિયાશીલ પાત્રોના સર્જન માટે તેઓ સામાન્યતઃ કથન અને સંવાદનો આશ્રય લે છે.બને તેટલા ઓછા શબ્દોમાં છટાદાર સંવાદ અને ગતિશીલ કથન દ્વારા પ્રભાવની એકાગ્રતા,ભાવની સઘનતા અને પ્રસંગ-નિરૂપણની રસાત્મકતા નાટ્યાત્મક રીતે સધાય તેવાં સંયત સક્ષમ ભાષાકર્મમાં તેમનો શક્તિ વિશેષ કળાય છે. રાજકેદી મુંજના દેહ સોન્દર્યની અપૂર્વતા અને વ્યક્તિત્વની પ્રભાવક્તા ઉપસાવવા માટે સવારીના પ્રસંગમાં તેમણે યોજેલાં કલ્પન-અલંકાર-'સુરસરિતાના જલ સમા વાળ','શંકરશા વિશાળ ખભા' 'ફણીધરની ચાલ' દ્વારા સઘાતી અભિવ્યક્તિની સરસતા-સચોટ્તા ધ્યાનપાત્ર છે. મુંજના 'અંગેઅંગમાંથી દિવ્યતા' કેમ ઝેર છે તેનું રહસ્ય સમજાવવા કે તેના પ્રતાપની વિગતો વર્ણવવા લેખક રોકાતા નથી; પરંતુ પ્રજાજનો,રાજપરિવારની સ્ત્રીઓ અને વિશેષત : મૃણાલ પર થતી તેના પ્રતાપ-પ્રભાવની તત્ક્ષણ પ્રતિક્રિયા તેઓ બારિકાઇપૂર્વક નિરૂપે છે.મુંજના 'દિવ્ય' લોકોત્તર પ્રભાવની આભા રચવા માટે પ્રસંગોપાત્ત યોજાયેલાં પુરાકલ્પનો જુઓ :
-કારાવાસી મુંજ ' ઓરડીના અંધકારમાં શેષ પર શયન કરતા લક્ષ્મીવર જેવો ' લાગે છે.
-નવોઢાની જેમ શરમાતી ગતયૌવનના વિરૂપ મૃણાલના સંવનન પ્રસંગે 'નયનતેજના સુદર્શનચક્રથી મૃણાલનું રક્ષણ કરતો ધરણીધર સમો 'પૃથિવીવલ્લભ' તેની સમીપ આવી ઊભો રહે છે.
-પાદપ્રક્ષાલન પ્રસંગે મુંજ રાજસભામાં 'દેવ જેવો' આવે છે તે ક્ષણે 'રાજસભા માત્ર જંતુઓની હોય એવી' ભાસે છે.
-મૃત્યુની પળોમાં ગજરાજની ઊંચી-નીચી થતી સૂઢ વચ્ચે 'હસતો, પ્રભાવકારી આંખો વડે ગર્વ દર્શાવતો પૃથિવીવલ્લભ કાલીનાગ નાથતા શ્રીકૃષ્ણસમો લોકોની નિશ્ર્ચલ ને સજલ આંખો અગાડી' રમી રહે છે.

આવી કલ્પન-અલંકારયુક્ત ભાષાઇબારતમાં લેખકે જાળવેલો કળા-સંયમ લઘુનવલના સર્જકને છાજે એવો પ્રશસ્ય છે. વ્યંજનાનો ખાસ આશ્રય લીધા વિના અભિઘા-લક્ષણોને સ્તરે પણ ઐતિહાસિક રંજન કથામાં લઘુનવલનું લાઘવ અને નાટકની પ્રભાવ એકાગ્રતા સિદ્ધ કરવાની મુનશીની ભાષાતેવડ અને સર્જકતાનો એક સમૃદ્ધ ઉન્મેષ 'પૃથિવીવલ્લભ'માં સંતર્પક બની રહે છે.

સંદર્ભ પુસતકો
  1. (૧) સાહિત્ય અને સમાજ - વિધુત જોષી પ્રાશ્ર્વ પબ્લિકેશનઃ અમદાવાદ.
  2. (૨) અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ધીરૂભાઇ ઠાકર (પ્રાશ્ર્વ પબ્લિકેશનઃ અમદાવાદ)
  3. (૩) ગુજરાતી કથા વિશ્ર્વ - નવલકથા સંપાદકો - બાબુ દાવલપુરા,નરેશવેદ.
  4. (૪) અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇત્તિહાસ પ્રિ.ડો.બહેચરભાઇ પટેલ (નવભારતી સાહિત્ય મંદિર)
  5. (૫) કૃતિ પ્રત્યક્ષ - ડો. જગદીચંદ્ર પટેલ શબ્દલોક પ્રકાશન, અમદાવાદ.
  6. (૬) કથાગોષ્ઠી - બાબુ દાવાલપુરા.
  7. (૭) અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા -(૪)(ગાંધીયુગ અને અનુગાંધીયુગ) ધીરૂભાઇ ઠાકર ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
  8. (૮) અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ડો.રમેશ એન. ત્રિવેદી.
  9. (૯) આપણા પ્રતિનિધિ સારસ્વતો સંપાદક - રમેશ એમ. શુક્લ.
  10. (૧૦) સાહિત્ય સેતુ - યશવત કડીકર (આદર્શ પ્રકાશન)
  11. (૧૧) અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - ગ્રંથ-૪ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
  12. (૧૨) પૃથિવીવલ્લભ - કનૈયાલાલ મુનશી.