‘સુન્દરમ’ની બાલકવિતામાં ‘બાળકેળવણી’

‘ગાંઘીયુગના સમર્થ સર્જક સુન્દરમના અન્ય સાહિત્યના પ્રમાણમાં ઓછા જાણીતા બાળકાવ્યોને ‘સમગ્ર બાલ કવિતા’(૧૯૩૯) શીર્ષક હેઠળ એકત્રિત કરીને સુધા સુન્દરમે બાળકોના હાથમાં મૂકી દીધાછે .‘રંગ રંગ વાદળિયાં’‚‘ ચક ચક ચકલાં’‚ ‘આ આવ્યાં પતંગિયા‚’ ‘ગાતો ગાતો જાય કનૈયો’ અને ‘સોનેરી શમણાં સોનલનાં’ એમ પાંચ ભાગમાં સંપાદિત આ સચિત્ર કાવ્યસંગ્રહના ટુચકા‚ જોડકણા‚ કાવ્યો અને કથાકાવ્યો કાવ્યો હસતા‚ રમતા‚ પડતા‚ આખડતા‚ ઉછરતા ‚ઉભરતા બાળકોને નજરમાં રાખીને લખેલા છે જે બાળકને ગમ્મ્ત સાથે જ્ઞાન આપી તેના જીવનનું ઘડતર કરે.

સુન્દરમના મતે બાળક માટે સૌથી મોટી શાળા તો આ દુનિયા છે.આથી‚ સૌથી પહેલા ‘ નિશાળ વિશાળ ’માં ગગન‚ તરુવર ‚પર્વત‚ ઉડતા પંખી ‚નદી ‚સાગર ‚ખૂલ્લા ખેતરોનો પરિચય કરાવે છે. પછી આવે શાળાની પસંદગીની વાત.બાળક માટેની આદર્શ શાળા કેવી હોય? ‘નિશાળ નિહાળું’માં કવિ લખે છે.

‘જ્યાં લસબસતાં ચૉકલેટ નાં ચોસલાં જેવા છોકરાં હોય અને
આનંદના ટુકડાં‚ શાંતિની બરફી ‚ઘીની જલેબી‚ શીરો ને પૂરી હોય.’[1]

એવી શાળા કે જ્યાં બાળક હસતા હસતા આવવાનું પસંદ કરે. આનંદના ટુકડાં મળે તો જ બાળક શાળાએ આવવાનું પસંદ કરેને ! શાંતિની બરફી તો જ જળવાય .શાળામાં આહાર મળવો જોઈએ અને જે મળે તે પણ શીરો પૂરી જેવો પૌષ્ટિક અને બાળકને ભાવે તેવો. આવી શાળાએ આવતા બાળક ને કંઈ તરત ભણવા નથી બેસાડી દેવાનું . રમતાં મેલી દેવાં માં લખે છે-

‘બાળવાડીનાં બાળકડાં ને
સૌથી પહેલું એમનું જે કૈં ગાંડુ- ઘેલું
ચીકણું –ચોખ્ખું –અંક લૈ એમ ને લૂછવાં ગાછવાં
અને પછી – ટપલી મારી ગાલ પે એમને હાથમાં આપી ફૂગ્ગો એક્કેક
આભમાં જોતા રમતાં એમને મેલી દેવાં.’[2]

બાળકને આવા વાત્સલ્ય સાથે મળતા સ્વચ્છતાના પાઠ એ તરત શીખી જવાનું . ફૂગ્ગાને પકડવાને બહાને બાળક અન્ય બાળકોના પરિચયમાં આવવાનું અને શાળાનો ખૂણેખુણો તે આપોઆપ જોઈ વળવાનું .આવી શાળાનાં શિક્ષક કેવા હોય ?

‘મિસ્ટર ત્રિપાઠી’ માં લખે છે .
સોટીની શી વાત કરીશું – કોણે કોને માર્યું? છી છી એવું કદી નહિં પણ – ક હો કયું ફળ પાડીશું ?’

સાહેબની સોટીથી પાડેલા ફળ સાહેબ જ બધાને ધોઈને સમારીને આપે અને બધા સાથે બેસીને ખાય. - સાહેબની વાંકી સોટીનો આવો ઉપયોગ પણ થાય !

હવે આવે‚ માતૃભાષાનો પરિચય .‘પેંડાની વાત’ માં લખે છે.
‘હું તે છું હું – અને તું છે જે તે તું – હું –તું ની વાત સૌ જાણે બધી.
હું ના અમે અને તું ના તમે – અમે – તમે ની વાત સૌની સદા.[3]

અને પેલો છે તે જરા ઉભેલો દૂર –માથા પર આંગળી રાખીને ખાસ ઘણાક છે તે – બધા તેઓ બને’ એને – તેને – કોને માં લખે છે
એને –એ ણે એક નથી એ‚ જુદાં છે એ બે
તેને – તેણે – કોને – કોણે – જુદાંજુદાં – મનમાં રાખો ખૂબ બરાબર.[4]

આમ હું‚ તું ‚ તે‚ તેઓ- એમ એકવચન‚બહુવચન અને ત્રીજા પુરુષની વાત કેટલી સરળ રીતે સમજાવે છે! કક્કાના અક્ષરો ની ઓળખ પણ કાવ્યમાં જ કરાવે છે. જેમકે‚
મારું નામ ક‚ કમળનો ક
તારું નામ ગ ‚ગણેશનો ગ
બેનનું નામ ચ ‚ચન્દ્રા નો ચ[5]

બાનું નામ જ‚જમનાનો જ -બાપુજીનો બ -બળવંત નો બ- આમ‚ બાળક ને એના સ્વજનોનાં નામ અને ક્ક્કો એમ બન્ને આવડી જાય .આજ કાવ્ય માં ‘રુ’ અને‘ રૂ ’નો ભેદ તથા સંવૃત‚ વિવૃત નો ભેદ પણ ‘રુઆબ’ અને ‘રૂમાલ’ ‘પેન’‚‘ હૅટ’‚‘ કૅટ’ ના ઉદાહરણ સાથે સમજાવે છે.
જુઓ ત્યારે ‘આમ લખાય’...
ડ નો ડગલો ડ ડ ડ ડગલે ને પગલે
ઢ નો ઢગલો ઢગલો ઢ ઢ ઢ – ઢમ ઢમ ઢમ મોટી પડઘમ
ઇ ની છે ઇચ્છા નાની એવી ઇ- ઈ ના તો ઈશ્વર [6]

એજ રીતે ઉ અને ઊ નો ભેદ પણ ઉંદર અને ઊંટના ઉદાહરણ સાથે સમજાવે છે. બાળક ને સ્ત્રીલિંગ‚ પુલ્લિગ ના ભેદ સમજાવતા‘ હું હું અમે’ માં લખે છે
‘ હું ભમતો હતો – હું ભમતી હતી ’

આજ રીતે ‘ પીળું પીળાં ’જેવા કાવ્યો વડે રંગ‚ વિકારી અને અવિકારી વિશેષણનો ખ્યાલ આપ્યો છે જેમકે -
‘નીચી ઝૂંપડી- ઊંચી ડાળ.’

‘ક ’ની ક.. થા’ માં ક‚ કા ‚કિ‚ કી‚ કુ‚ કૂ ‚કે‚ કૈ ‚કં અને કઃ કઈ રીતે લખાય તે વિગતે સમજાવ્યું છે.

ગુજરાતી પછી વારો આવે ગણિતનો . ‘અહો એકડા’માં લખે છે
‘આવો ભણીએ એકડા ભરીએ મધના ઘૂં----ટડા મીઠા મધનાં ઘૂં.... ટડા.

આગળ લખે છે
‘મીંડું તો લખતાં જાણો ને ?
માંડો ત્યારે મીંડું - ગોળ મજાના ચાંદા જેવું
એ મીંડાના જમણા પેટે એક લીટી નીચે તાણો અને થશે ભાઈ એકડો
અને એમ બગડો – ત્રગડો – ચોગડો –પાંચડો –બગડાને અવળો કરી છગડો – એમ દશ સુધી શીખવ્યા પછી બાળકને સમજાવે છે
બસ લખવાનું હવે નવું નહીં
લઈ એકડો જોડે મૂકો
મીંડાભાઈને
એ થાય ૧૦
પણ દસડો એમ ના બોલાય
એકડે મીંડે દ—સ ’[7]

અને આજ રીતે વીસ –ત્રીસ અને છેક સો કરોડના અજબ સુધીનાં આંક એક જ નાનકડા કાવ્યમાં સમજાવી દે છે.

ફરી‘લખો’ કાવ્યમાં બાળકને સારા અક્ષર કાઢતા શીખવે છે.
‘લખો એકડો

નાનો સરખો
નહિં જાડો
કે
નહીં પાતળો[8]

‘એક ને એક બે ’કાવ્ય માં એક ને એક બે- બે ને બે ચાર, ચાર અને પાંચ નવ’ એમ સરવાળા શીખવે છે.
હવે - ‘એકડા તો આવે જાણે
મોતી કેરી થાળ
કક્કાનાં તો કમળ ખીલે
હંસોની શું હાર’

વિવિધ વિષયોનો પણ પરિચય આપવાનું યોગ્ય ધારી કવિ ભૂગોળ વિષે સમજાવે છે
‘ભૂગોળ- શો ભવ્ય ગોળો
આકાશે ભ્રમણ
નક્ષત્રો ને તારા સૂર્યો અનંત ક્રમણ.
ઈતિહાસ – એતો જાણે
શક્તિઓનો રાસ
દેવો અને દાનવોનાં અમૃત મંથન.'[9]

નાનકડી પંક્તિઓમાં જ કવિ વિષયના કેટલા મોટા વ્યાપને આવરી લે છે.‘અન્ડરસ્ટેન્ડ ’માં લખે છે
‘આ છે બૂક સ્ટેન્ડ- અન્ડરસ્ટેન્ડ
આ છે બૂક શોપ
પેલી ફિલમ ગઈ ફ્લોપ
અન્ડરસ્ટેન્ડ’[10]

‘કૌશિકી’ માં પરસપરસ અભિવાદન કરતા શીખવે છે.
‘ગુડ મોર્નિગ ડિયર
અહો નિરંજન
ગુડ ડે –ડિયર’

કવિ બાળકને ‘પુસ્તકો હા –દોસ્તો કેરી / દુનિયા એ અજબ‚’[11] એમ પુસ્તકોને મિત્ર બનાવવાનું કહે છે.

બાળક પાસે કુરકુરીયા‚બિલ્લીબહેન જેવા પ્રાણીઓ કોયલ ‚ઘુવડ ‚ચકીબહેન‚ બતક ભાઈ ‚સિસોટી‚એંજિનના અવાજો કઢાવી તેનો પરિચય કરાવે છે. વિવિધ વિષયના અભ્યાસ સાથે બાળકની તંદુરસ્તીની પણ સંભાળ રાખવી જોઈએ .આથી કવિ બાળકને પ્રાણાયામ શીખવે છે.
‘હવે નાક ઝાલો –પછી આંખો મીંચો –ખૂબ વાર ગણો -
શ્વાસ ઊંચો કરો – પછી નીચો કરો એનું નામ પ્રાણાયામ.’[12]

બાળકને જીવનમાં કઈ રીતે વર્તવું એ શીખવવું પણ અનિવાર્ય હોય છે. આથી ‚‘આધાર’ માં લખે છે
રાજા વાજા ને વાંદરા ત્રણનો ભરોસો ન થાય –
એના આધારે માંડો કંઈ કામ તો અણધાર્યું વણસી જાય.[13]

કેમ ભરોસો ન કરવો જોઈએ એ પણ વિગતે સમજાવે છે .
‘સીતાજીનો પોપટ’માં પીંજર બારણું ખોલી પોપટને ઉડાડી મૂકતા તેને સંબોધે છે
‘ ભાઈભાંડુને ભેગાં કરી પોપટ આટલું કહેજે‚
કોયો ભગત તને કરગરે શરણે કોઈને ન રહેજે.’[14]

આમ‚‘ સોનાના પાંજરામાં મળતા ઘીના ચૂરમાને બદલે ભૂખ્યા રહિને પણ પોતાની રીતે લીલા વગડામાં રહેવું સારું’ એમ કહી સ્વતંતત્રતાના પાઠ ભણાવે છે.

‘અરજો સાંભળજો’ જેવા કથાકાવ્યમાં પોતાના આંગણામાં જ બેસી રહી પ્રભુને પ્રાર્થતી અને પોતાની ખોવાયેલી પાડી શોધી દેવા વીનવી રહેલી ડોશીને ભગતના પાત્ર દ્વારા કહેવરાવે છે. ‘સાચા સંકટમાંય મહેનત કર્યા વિણ કોઈએ નહીં આવી બચાવશેજી
ખોળ્યા વિના તારી પાડી ના જડશે દોર્યા વિના ન ઘેર આવશે જી ’[15]

આમ‚ પરિશ્રમનો મહિમા સમજાવે છે.

‘ત્રણ સવાલ’ કથાકાવ્યમાં રાજાના મનમાં ઉઠેલા સવાલ “મુહૂર્ત સાચું શું હશે કરવા દરેક કામ ? / ખરો હશે માણસ ક્યો આવે ખરો જ કામ ? અને / કયું સૌથી જરુર કેરું કામ ? ” નાં જવાબ આપતા સંત કહે છે- “વર્તમાન કાળ જ ખરો કાળ- કેમકે માત્ર વર્તમાન કાળ ઉપર જ આપણી સત્તા હોય છે. જે માણસ સંકટ ક્ષણે આપણી મદદ માટે પાસે હોય તેજ સુપાત્ર અને અન્ય પર ઉપકાર કરવો એજ મહત્વનું કામ.”[16] આમ‚આ કથાકાવ્ય દ્વારા બાળકને જીવનનાં પાઠ શીખવે છે.

‘ભજિયાં ને મધ’ માં બાળકને ભાવતા ભજિયાનો ટોપલો અને બે મણ મધ છે -એમાંથી કોને કેટલું વહેંચવાનું છે એ સમજાવે છે.
‘પહેલા તો શેખ સહેબ ને
ભજિયાંની બે ડિશ
ને મધ નાં બે કપ
બીજાતો દાદાજી
દોઢ ડિશ ભજિયાંની
મધના કપ દોઢ’[17]

ત્યારબાદ બા‚ બાળકો અને ત્યારબાદ નોકર‚ ડ્રાઈવર‚ ધોબી‚ફળિયામાં ‚બાગમાં ‚અગાશીમાં પંખી માટે એક ડિશ અને પછી શાળામાં ‚શહેરમાં અને બાકી વધે તે રેવાજીને તીર માછલાંને પણ જમાડી દેવાની વાત કરેછે. આમ‚ નાનકડાં કાવ્યમાં મહેમાન ‚વડીલ‚ પછી કોને કેટલું આપવું તેના પ્રમાણ સાથે વસુધૈવ કુંટુંબની ભાવના પણ બાળકમાં કેળવે છે .‘ બોલ મા ઝાઝેરું ’માં બાળક ને વધારે પડતું ન બોલવાની અને કબીર ‚મીરાં ‚તુલસીદાસ જેવા સંતોના સાહિત્યનું પાન કરવા કહેછે. સુન્દરમને ઢીલું પોચું આડું અવળું ગમે તે બોલતું રહેતું‚ ફાટી આંખે માત્ર પાસ થવા માટે જ વાંચ્યા કરતું બાળક પસંદ નથી ‘ આમ નહિ ’માં બાલકને તે અંગે પણ શીખ આપે છે.‘ માગીએ’ માં કહે છે-
‘માગીએ ચાલો
જ્યારે કોઈ જો દાતા મળે‚
કહેશે માગ માગે તે આપું ‚
શું શું માગશું કેટલું માગશુ‚
માગીએ એકાદ ચોપડી ‚કાગળ થોકડી
રંગને પીંછી ‚ચીતરવાનાં દશ્યો
ઊંઘ એવી કે સોનેરી સોણલાં ટોપલે ટોપલાં[18]

આમ‚ કવિ બાળકને ધન દોલત નહીં પણ જીવન ઘડતર માટે જરુરી પુસ્તક અને તંદુરસ્તી માટે જરુરી ગાઢ નિંદર માગવાનું કહે છે.

ગુરુજનના આશ્રમમાં રહી પ્રાપ્ત થતું જ્ઞાન આજે વિદ્યાર્થી ના ખભે‘ ભાર વગર નું ભણતર ’બની લટકવા માંડ્યું છે. શાળાના ચાર ખૂણામાં નજરકેદ કરી બાળક ને અપાતું શિક્ષણ સુન્દરમે જે રીતે પોતાના કાવ્યોમાં આપ્યું છે એવી શાળા અને એવા શિક્ષક દ્વારા સંગીત સાથે ગીતમાં વણી લઈને ગવરાવવામાં આવે કે પછી ખૂલ્લા ખેતરમાં ફરતા ફરતા કે પેંડા કે ચોકલેટ ખવરાવતાં ખવરાવતાં આપવામાં આવે તો!

પુસ્તકનું નામ‚ પ્રુ- નં‚પંક્તિ નં

  1. ૧-રંગ રંગ વાદળિયાં - પ્રુ-૫૪-૧૪
  2. ૨-‘ ચક ચક ચકલાં’-પ્રુ-૪૧-૧‚ પ્રુ-૨૭-૫‚ પ્રુ-૩૯-૬‚ પ્રુ-૫૩ -૭ ‚ પ્રુ-૧૩-૮‚ પ્રુ-૬૫-૧૩‚
  3. ૩-ગાતો ગાતો જાય કનૈયો- પ્રુ-૫૧-૩‚ પ્રુ- ૫૯-૪‚ પ્રુ-૨૯-૯ ‚ પ્રુ-૨૪-૧૨ ‚
  4. ૪- સોનેરી શમણાં સોનલનાં-પૃ -૫-૨‚ પૃ -૪૫-૧૦‚ પૃ -૬૫-૧૧‚ પૃ -૯૮-૧૫‚ પૃ -૧૦૫-૧૬ પૃ -૮૮-૧૭ ‚પૃ - ૩૫-૧૮‚

ડો. અર્ચના જી. પંડ્યા
એસ. એલ યુ આર્ટસ & એચ. & પી. ઠાકોર કૉમર્સ કૉલેજ ફોર વિમેન
વિ એસ હૉસ્પિટલ પાસે એલિસબ્રિજ અમદાવાદ
મો -૯૯૯૮૦૮૮૬૬૦