બાળસાહિત્ય-સ્વરૂપ ચર્ચા

માનવીય લાગણીઓ, અનુભવો, કલ્પનો વગેરેનું ભાષાકીય સંકેતો દ્વારા થતું નિરૂપણ એટલે સાહિત્ય. પણ સાહિત્ય શબ્દની આગળ જ્યારે આપણે ‘બાળ’ શબ્દ લગાડી બાળસાહિત્ય એવું નામકરણ કરીએ છીએ ત્યારે આવા પ્રકારના સાહિત્યની વિભાવના તદ્દન બદલાઈ જાય છે. ‘બાળસાહિત્ય’ એટલે બાળકો માટે લખાતું સાહિત્ય એવી ધારણા મોટે ભાગે પ્રચલિત થયેલી જોવા મળે છે. પણ માત્ર આટલી વિભાવનાથી ઘણા પ્રશ્નોના જવાબો મળી શકતા નથી. જેવા કે, બાળસાહિત્ય એટલે શું માત્ર બાળકો માટે લખાયેલું હોય તેવું સાહિત્ય ? કે પછી બાળકો વડે લખાયેલું હોય તેવું સાહિત્ય ? કે પછી બાળકો જેમાં વિષયવસ્તુ બાળક હોય તેવું સાહિત્ય ? વગેરે જેવા પ્રશ્નો તો સામે ઊભા થવાના જ. આ સંદર્ભે ડૉ. શ્રધ્ધા ત્રિવેદી લિખિત ‘બાળસાહિત્ય: એક ઝલક’ નામના પુસ્તકમાં તેમણે જે એક સ્પષ્ટતા કરી છે તેનો ઉલ્લેખ અહીં કરવું જરૂરી લાગે છે. તેઓ કહે છે કે, “આપણને લોકસાહિત્યમાંયે બાળકો સંબંધી એવું સાહિત્ય મળતું રહ્યું છે, જેમાં બાળસાહિત્યની અનેક લાક્ષણિકતાઓ યતકિંચિત પ્રગટ થતી રહી હોય. પ્રાચીન કે મધ્યકાલીન બાલાવબોધોનું સાહિત્ય મળે છે, જેમાં ‘બાલ’ શબ્દ પ્રયોજાયેલો હોય. પરંતુ ત્યાં ‘બાલ’ શબ્દ કરતાં સવિશેષ તો મનુષ્યમાંની બાલસહજ મુગ્ધાવસ્થાનો નિર્દેશક છે.” (પૃષ્ઠ, ૧૧)

ડૉ. હુંદરાજ બલવાણી તેમના ‘ગુજરાતી બાળસાહિત્ય: ગઈ કાલ અને આજ’ નામના પુસ્તકમાં લખે છે કે, “બાળકો માટે લખવાની પ્રવૃત્તિ માટે ‘બાલહૃદય પ્રવેશ’ અનિવાર્ય છે... બાળકોમાં આનંદ માણવાની ઊર્મિપ્રબળ હોય છે... આનંદ એ બાળસાહિત્યની ગદ્ય કે પદ્ય કોઈપણ રચનાનો પ્રાણ છે એ યાદ રહેવું જોઈએ.” (પૃષ્ઠ, ૧૩-૧૪)

ઉપરોક્ત બન્ને વિધાનો વાંચવાથી બાળસાહિત્ય વિશેની સમજ થોડી સ્પષ્ટ થાય છે. પરંતુ ખરેખર બાળસાહિત્યના લક્ષણો કેવા હોવા જોઈએ તેની વાત કરવાનો મારો અહીં ઉપક્રમ રહ્યો છે.

૧. ગમ્મત સાથે જ્ઞાન
શિષ્ટ સાહિત્ય આપણને જ્ઞાન સાથે ગમ્મત પમાડે તેવું હોય છે. એટલે કે ત્યાં જ્ઞાન એ મુખ્ય બાબત છે જ્યારે ગમ્મત એ ગૌણ બાબત બની જાય છે. પરંતુ બાળસાહિત્યમાં આનાથી તદ્દન ઉલટું છે. તેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. એટલે કે અહીં ગમ્મત એ મુખ્ય બાબત બની જાય છે જ્યારે જ્ઞાન એ અહીં ગૌણ બાબત છે. એના લીધે જ બાળસાહિત્યમાં બાળકોને ક્યારેય પણ કંટાળો આવતો નથી. ડૉ. હુંદરાજ બલવાણી કહે છે તેમ ‘આનંદ’એ બાળસાહિત્યની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે ઘણી વખત બાળસાહિત્યમાં અમુક શબ્દોના અર્થો બાળકોને ભલે સમજાય નહીં પણ તેમ છતાં પણ બાળકોને તેમાં રસ પડતો હોય છે, તે બાળકોને પ્રિય થઈ જતાં હોય છે. એનું કારણ બાળકને તેમાંથી જે આનંદ મળતો હોય છે તેને ગણાવી શકાય. બાળક જ્ઞાન મેળવવા માટે સાહિત્ય પાસે નથી જતો, તેને તો જોઈતો હોય છે માત્ર આનંદ. આ આનંદની સાથોસાથ તેને જ્ઞાન મળતું જાય છે. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ:
‘અડકો દડકો દઈ દડૂકો,
પીલુ પાકે શ્રાવણ ગાજે,
ઉલમૂલ ધતુરાનું ફૂલ, સાકર શેરડી ખજૂર.’
આ જોડકણામાં પહેલી પંક્તિ શું કહેવા માંગે છે તેનો અર્થ બાળકોને ભલે સમજાતો ન હોય છતાં પણ તે આનંદ આપનારું હોઈ બાળકોમાં આજે પણ લોકપ્રિય છે.

૨. કથાવસ્તુ
બાળસાહિત્યનો એક ઉદ્દેશ્ય ભવિષ્યના સારા નાગરિકો તૈયાર કરવાનું પણ છે. આજનો બાળક એ આવતી કાલનો નાગરિક બનવાનો એટલે બાળકોને એવી બાબતો શિખવવી જોઈએ જેથી એક આદર્શ રાષ્ટ્ર બનાવવામાં તે મદદરૂપ બની શકે. બાળક બીજાને મદદરૂપ થવાની ભાવના ધરાવનાર, બીજાના દુ:ખો દૂર કરનાર અને સહાનુભૂતિ આપનાર વ્યક્તિ બને તેવી બાબતો તેને શિખવાડવી જોઈએ. બાળસાહિત્યના કથાવસ્તુમાં સાહસ, શૌર્ય વગેરે આ દૃષ્ટીએ અનિવાર્ય છે. એટલે બાળસાહિત્યમાં વીરરસનું પ્રમાણ વધારે રહેવું જોઈએ. તો બાળપણમાં બાળકની સમજણશક્તિ પરિપક્વ હોતી નથી એટલે સમાજ અને આ દુનિયાની નરી વાસ્તવિકતાથી તે અજાણ હોવાનો તે સ્વાભાવિક વાત છે. કોઈ કૃતિમાં ઉડતો ઘોડો કે સ્વર્ગની પરીઓ જેવા કોઈ પાત્રો આવે તો પણ બાળકને કોઈ અચરજ થતું નથી. તેને આ બધાથી આનંદ મળે છે. એટલે બાળસાહિત્યના કથાવસ્તુમાં અદભુત રસ પણ વીર રસ જેટલો જ અનિવાર્ય છે. તો સાથોસાથ તેમાં હાસ્યરસ પણ એટલો જ મહત્ત્વનો છે. પરંતુ બાળસાહિત્યમાં બને ત્યાં સુધી કરુણ, શૃંગાર કે બીભત્સ રસનું આલેખન ટાળવું જોઈએ.

૩. પાત્રસૃષ્ટી
બાળસાહિત્યની પાત્રસૃષ્ટીમાં ઘણી બધી વિવિધતાઓ આપણને જોવા મળતી હોય છે. એમાં સામાન્ય વ્યક્તિથી માંડીને રાજા, રાજકુમારો, પરીઓ પણ પાત્ર સ્વરૂપે આવતાં હોય છે. તો તેમાં દેવો પણ આવે અને દેવીઓ પણ આવે, સ્વર્ગલોકના પાત્રો પણ આવે અને પાતાળલોકના પાત્રો પણ આવે. તેમાં મનુષ્ય ઉપરાંત પશુ, પંખી, જીવ, જંતુ, વૃક્ષો વગેરે જેવા સજીવો પણ પાત્ર તરીકે આવે. ચેતન અને અચેતન તમામ ઘટકો બાળસાહિત્યના પાત્રો તરીકે આવી શકે છે. બાળમાનસને કારણે તે પરી, જલકન્યા, ઉડતા ઘોડા અને કાર્ટુન વગેરેને પણ પાત્રો સ્વરૂપે કલ્પી શકે છે. બાળસાહિત્યમાં તો મીકી માઉસ પણ હોય અને ચાચા ચૌધરી પણ હોય. પણ એક વાત આપણે બધાએ ભુલવી ન જોઈએ કે જેમ સમાજમાં સજ્જ્નો છે, તેમ દુર્જનો પણ છે. એટલે બાળકને સમાજની સાચી વાસ્તવિકતાથી પરિચિત કરાવવો અતિ આવશ્યક છે. નહિતર બાળક દિવાસ્વપ્નમાં જ રાચ્યાં કરે અને એ જ વિચાર્યાં કરે કે અહીં બધું જ સારું છે તો તે તેની ભૂલ ગણાશે અને બાળસાહિત્યની નબળાઈ. એટલે બાળસાહિત્યમાં ચોર, લુંટારાઓ, ડાકુઓ, ઢોંગીઓ, બાવાઓ, રાક્ષસો, દાનવો જેવા દુષ્ટપાત્રો પણ હોવા જ જોઈએ જેથી બાળકને વાસ્તવિકતાની જાણ થાય. વળી, સમય આવ્યે આ બધામાંથી કેમ બચવું જોઈએ એવું પણ બાળકને બાળસાહિત્યના માધ્યમ દ્વારા સમજાઈ જાય છે.

૪. સાદી અને સરળ ભાષા
બાળસાહિત્યની ભાષા સાદી અને સરળ હોવી જોઈએ જેથી બાળકો તેને આસાનીથી સમજી શકે. અલંકારમંડિત અને છંદોથી ભરપુર અને સમાસપ્રચુર ભાષા બાળસાહિત્યને ક્યારેય માફક આવતી નથી. બાળકોની કલ્પના શક્તિના વિકાસ માટે કલ્પનો જરૂરી છે એટલે કલ્પનોયુક્ત ભાષા વાપરવી વધારે ફાયદાકારક નીવડે છે. પણ તેમાં પ્રતીકો ઓછા હોવા જોઈએ જેને કારણે તે ઝડપથી સમજાઈ જાય. નહીંતર પ્રતીકાત્મક ભાષામાં લખાયેલું સાહિત્ય સમજવામાં જ બાળકને પોતાની સમજણશક્તિ વાપરવી પડે તો પછી બાળક આ બાળસાહિત્યનો આનંદ ક્યાંથી માણી શકવાનો ?

બાળસાહિત્યની ભાષા સાદી અને સરળ તો હોવી જ જોઈએ. સાથોસાથ તેમાં લય પણ અનિવાર્ય બાબત છે. બાળસાહિત્યનો લય એ બાળકોને આકર્ષિત કરનાર પરિબળ સિધ્ધ થાય છે. આપણે જાણીએ છીએ કે વિશ્વની લગભગ દરેક ભાષાઓમાં પહેલા પદ્યસાહિત્ય લખાયું છે. પછી જ ગદ્યસાહિત્ય લખાવાની શરૂઆત થઈ છે. આનું મુખ્ય કારણ પદ્યમાં રહેલા લયને ગણાવી શકાય. પદ્યસાહિત્યમાં લય હોવાથી તે યાદ રાખવામાં વધારે સરળ પડે છે, જ્યારે ગદ્યમાં પદ્ય જેવો લય હોતો નથી. એટલે બાળસાહિત્ય માટે લયાત્મક ભાષા આશિર્વાદરૂપ છે. તેના ઉદાહરણો જોઈએ,
લોઢાના બે લાટા, એનું નામ પાટા- સીધા સીધા ચાલ્યા જાય લાં-બા લાંબા ચાલ્યા જાય
એમ જાય ને તેમ જાય જાવું હોય તે ગામ જાય નદી હોય તો ટપી જાય ડુંગર હોય તો ખોદી જાય !
****************
નાની મારી આંખ,
એ તો જોતી કાંક કાંક,
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાક મારે નાનું,
એ સુંઘે ફૂલ મજાનું,
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાના મારા કાન,
એ સાંભળે દઈ ધ્યાન,
એ તે કેવી અજબ જેવી વાત છે.

આમ, બાળસાહિત્યમાં ટૂંકા વાક્યોવાળી શૈલી વધારે અસરકારક સાબીત થાય છે. વળી, ભાષાનું સ્તર બાળકોની ઉંમરને અનુરૂપ હોવું જોઈએ. ક્રમશ: ભાષાસ્તર સરળતાથી અઘરા તરફ ગતિ કરનારું હોય તો તે બાળમાનસને વિકસાવવામાં ખુબ જ લાભદાયક નીવડે છે. બાળસાહિત્યની ભાષા સંદર્ભે ડૉ. શ્રધ્ધા ત્રિવેદીનું એક વિધાન અહીં નોંધવા જેવું છે કે, “લેખકે બાળકોને જીવનમાં, કુદરતમાં તો ખરાં જ, પણ ભાષામાં પણ રસ લેતાં કરવાનાં છે. તેથી જ બાલકથાની ભાષા સાદી-સરળ ચાલે, લુખ્ખી-સેક્કી કે ફિક્કી નહીં. બાળકોને જોડકણાંવાળી કથાઓ ગમે છે, તો લાંબી વાક્યરચાનાઓ અને અઘરા શબ્દોવાળી કથાઓ પણ ગમે છે, પણ અનુભવે એક વાત તો સિધ્ધ થઈ છે કે સંવાદાત્મક કે વાતચીત કરતી હોય તેવી ભાષાથી બાળક વાર્તાના તમામ પાત્રો સાથે આત્મીયતાનો ભાવ અનુભવે છે. તે તેના મનને સંતોષ અને આનંદ આપે છે.” (એજન, પૃષ્ઠ ૫૬-૫૭)

૫. વિસ્તારની દૃષ્ટીએ ટૂંકુ પરંતુ અસરકારક
બાળસાહિત્ય વિસ્તારની દૃષ્ટીએ બહુ દીર્ઘ ન હોવું જોઈએ. એટલે જ તેના જે સ્વરૂપો છે તે બધા ટૂંકા ને ટચ હોવા છતાં અસરકારક સાબિત થાય છે. બાળસાહિત્યની રચનાઓ જો દીર્ઘ હશે તો બાળકને તે રચના પૂરી થશે ત્યાં સુધી એ વાત ભુલી જશે કે શરૂઆતમાં શું બન્યું હતું ? એટલે કે બાળકની યાદશક્તિ અને ઉંમરના પ્રમાણે બાળસાહિત્યનો ફલક વધઘટ થવું જોઈએ.

૬. વાસ્તવિક અને અલૌકિક જગતનું સામ્ય
આપણે સૌ જે ચીજ કે વસ્તુઓને જોઈ શકીએ છીએ તે વાસ્તવિક છે અને જેને જોઈ નથી શકતા પરંતુ જેના વિશે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ તે અલૌકિક બાબતો છે તેવું માનવી અત્યાર સુધીના અનુભવોને આધારે જાણી શક્યો છે. પરંતુ આપણે જોયું કે બાળસાહિત્યના પાત્રોમાં ચેતનની સાથોસાથ અચેતન બાબતો પણ આવી શકે છે. તો વળી તેમાં કથાવસ્તુ પણ તે પાત્રોને અનુરૂપ હોય તે પ્રકારનું જ આવવાનું. તેથી બાળસાહિત્યમાં વાસ્તવિક અને અલૌકિક જગત વચ્ચેની ભેદરેખા ભુંસાઈ જાય છે. આપણે જાણીએ છીએ કે પરીઓ હોતી નથી, ઘોડાઓ ક્યારેય ઉડતા નથી, પશુ-પંક્ષીઓ-જીવ-જંતુઓ-વૃક્ષો વગેરે ક્યારેય બોલી શકતાં નથી છતાં પણ આ બધી બાબતો બાળસાહિત્યના કથાવસ્તુમાં સર્જકો દ્વારા આલેખવામાં આવતી હોય છે અને બાળકો તેને બહુ આનંદ અને ઉત્સાહથી સ્વીકારે પણ છે. આથી બાળસાહિત્યમાં વાસ્તવિક અને અલૌકિક જગત બન્ને કથાવસ્તુ તરીકે સ્વીકારાતાં હોઈ તેમની વચ્ચે ભેદ રહેતો નથી, બન્ને સમાન બની જાય છે.

૭. ચિત્રાત્મક સાહિત્ય
બાળસાહિત્ય બાળકના મનોરંજન માટેનું ઉત્તમ માધ્યમ બની શકે તેવી શક્તિઓ પોતે ધરાવે છે. આ માધ્યમ બાળકોને વધારેમાં વધારે સારી રીતે મનોરંજન કેમ પૂરું પાડી શકે તે માટે બાળસાહિત્યકારો તરફથી અવનવી બાબતો જે બાળસાહિત્યને સહાયક હોય તેવી મળતી રહી છે, અને મળતી રહેશે. પણ તેમાં એક બાબત એવી છે કે જે બાળકોને સતત પોતાની તરફ આકર્ષિત કરતી રહે છે અને તે છે તેમાં રહેલી ચિત્રાત્મકતા. બાળસાહિત્યમાં વિષયારૂપ ચિત્રો મૂકવામાં આવતા હોય છે. આ ચિત્રો બાળકને પહેલી નજરે આકર્ષિત કરવાનું કાર્ય કરે છે. જે બાળકોને કથાવસ્તુ સમજવામાં મદદરૂપ નીવડે છે. બાળકનું અનુભવ વિશ્વ નાનું હોવાથી કથાવસ્તુમાં આવતી ઘણી બધી બાબતોથી તે અજાણ હોય છે, ત્યારે આ ચિત્રો તેને એ બાબતોની સમજ પૂરી પાડે છે. આ દૃષ્ટીએ ચિત્રો એ આકર્ષવાનું અને સમજણ પુરી પાડવાનું એવી બેવડી ભૂમિકા ભજવે છે. આ બન્ને ભૂમિકાઓ બાળસાહિત્યને સહાયકારક નીવડે છે.

આથી બાળસાહિત્યમાં કથાવસ્તુની સાથે સાથે અનુરૂપ રંગીનચિત્રો યોગ્ય ક્રમમાં મૂકવામાં આવ્યાં હોય તો તે બાળસાહિત્ય અને બાળકો માટે ફાયદાકારક નીવડે છે.

૮. શ્રેણીબધ્ધ સાહિત્ય
બાળસાહિત્યના અમર પાત્રોની યાદી બનાવીએ તો બકોર પટેલ, શકરો-શકરી, મિયાં ફુસકી છકો-મકો, છેલ-છબો વગેરે પાત્રોને યાદ કરવા પડે. આ બધા પાત્રોના સાહિત્ય પર એક નજર કરીએ તો એક બાબત બધામાં સમાન લાગશે કે આ કોઈ એક જ રચનાના પાત્રો નથી. આ જ પાત્રોની એકસાથી ઘણી બધી રચનાઓ મળે છે. સામાન્ય રીતે સાહિત્યમાં બને છે તેમ દરેક સાહિત્યિક રચનામાં કથાવ્સ્તુ, પાત્રો, સ્થળકાળ, પરિસ્થિતિ વગેરે બાબતો બદલાઈ જતી હોય છે. પરંતુ બાળસાહિત્યમાં એવું નથી હોતું. અહીં પાત્રો ઘણી વખત એકના એક જ રહે છે, બદલાય છે માત્ર આ પાત્રોની આસપાસની પરિસ્થિતિ. આથી આપણને આ પાત્રોનું જે સાહિત્ય મળે છે તે શ્રેણીબધ્ધ મળે છે. આ દૃષ્ટીએ આપણે એવું જરૂરથી કહી શકીએ કે બાળસાહિત્ય શ્રેણીબધ્ધ સાહિત્ય હોય છે. એ પાછળનું કારણ એ પણ હોઈ શકે કે દર વખતે નવા પાત્રોને સમજવામાં બાળકને જે થોડી ઘણી મુશ્કેલીઓ પડે તેમાંથી તેને છૂટકારો અપાવવો. એટલે કે એક ને એક પાત્ર હોવાથી બાળક આવા પાત્રોને ઝડપથી સ્વીકારી લે છે અને તેને આ પ્રકારનું બાળસાહિત્ય સમજવામાં પણ સરળતા રહે છે.

ધોરિયા દિલીપકુમાર રામજીભાઈ
યુ.જી.સી. નેટ. રીસર્ચ ફેલો, ગુજરાતી વિભાગ, આર્ટ્સ ફેકલ્ટી,
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા,
વડોદરા ૩૯૦૦૦૨ મોબાઈલ નંબર: ૮૦૦૦ ૨૮૫ ૧૪૩ ઇમેલ: ddhoriya@gmail.com