સુરતી બોલીમાં રચાયેલું નાટક ‘મેં ગંદેવીંનો ગલો’

સમકાલીન ગુજરાતી નાટ્યક્ષેત્રે સફળ નાટ્યકારોના નામો આંગળીને વેઢે ગણી શકાય એટલા છે. જેમાં નાટ્યકાર સતીષ વ્યાસનો સમાવેશ કરી શકાય. સતીશ વ્યાસ પ્રયોગશીલ નાટ્યકાર છે, તેમજ નાટક સ્વરૂપની ઊંડી સૂઝ ધરાવે છે. એમણે બે એકાંકીસંગ્રહો અને 12 દીર્ધ નાટકો રચ્યા છે. નાટ્ય મર્મજ્ઞ એવા સતીષ વ્યાસ દ્વારા રચાયેલ દ્વિઅંકી નાટક ‘મેં ગંદેવીનો ગલો’ (જાન્યુ.2015) અરુણોદય પ્રકાશન દ્વારા પ્રગટ થયું છે. આ નાટકના પ્રથમ અંકમાં ચાર ર્દશ્યો અને બીજા અંકમાં આઠ ર્દશ્યો છે. આ નાટકમાં સુરતી ભાષાનો પ્રયોગ થયો છે. લેખક સુરતી બોલતા જ નથી, સુરતી જીવ્યા પણ છે. અને એટલે જ ઘણા લાંબા સમયથી સુરતી બોલીનું નાટક રચવાનું એમની મનમા ઘુમરાયા કરતું હતું તેનું સુફળ એટલે ‘મેં ગંદેવીનો ગલો’ નાટક. ‘ગંદેવી’ એ દક્ષિણ ગુજરાતમાં બિલીમોરા પાસે આવેલું ગણદેવી ગામ. લેખકે પોતે જ પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ, ‘અહી વીસમી સદીના પચાસમા દાયકાથી માંડીને એકવીસમી સદીના પહેલા તપ સુધીનું દક્ષિણ ગુજરાત અડીખમ ઊભેલું દેખાશે... ગન્દેવી- ગણદેવી ગામ પસંદ કરવા પાછળ ઊંડે ઊંડે લોકશકિતનો મહિમા (ગણ-લોક, દેવી-શક્તિ) પડેલો છે. ગલોનો અર્થ કરવો છે? ‘ગર્ભ ભાગ’ , ‘મૂળ ભાગ’ (‘ગલ’) એવો નીકળી શકે.’ આમ , અહી ગણદેવી ગામ કેમ પસંદ કર્યુ તેનો ઉત્તર અને નાટકના શીર્ષકનો ગૂઢાર્થ પણ અહીં જણાવી દીધો છે.

આ નાટકની પાત્રસૃષ્ટિ- ગલો, રેવતી, શેઠ, માતા, સવલો, પોલિસો, પંદરેક અન્ય વ્યક્તિઓ

નાટકમાં મુખ્યત્વે સમાજના વર્ગભેદ અને વર્તમાન રાજકારણનું કથાવસ્તુ નિરૂપાયું છે. લેખકે દક્ષિણ ગુજરાતના ઘૈરેયા નૃત્યથી નાટકનો પ્રારંભ કર્યો છે. તેમ અંત પણ ઘૈરેયા નૃત્યથી થાય છે. ગલો એ પછાત વર્ગમાંથી કોલેજ સુધીનું શિક્ષણ લેનારો એકમાત્ર યુવક છે તો સાથે ઘૈરેયા નૃત્યનું મુખ્ય પાત્ર પણ છે. જે ઘેરની ‘કાળી બિલાડી’ (કા. બિ.) તરીકે ઓળખાય છે. કાળી બિલાડી એ અંધકાર તરફથી પ્રકાશ તરફનો માર્ગ બતાવનાર પ્રતીક તરીકે આવે છે.

નાટકના મુખ્ય પાત્ર ગલો અને રેવતી કોલેજિયન યુવક-યુવતી છે. ગલો પછાત વર્ગમાંથી આવે છે તો રેવતી ઊંચા કુળમાંથી આવે છે. જો કે લેખકે અહીં જ્ઞાતિનિર્દેશ ટાળ્યો છે. છતાં બંને વચ્ચે વિજાતીય આકર્ષણ છે. અભ્યાસના પુસ્તકોની આપ-લેના મિષે બંને એકાંતમાં મળે છે. અને એટલે જ ગલાની ગેરહાજરીમાં ગલાના મિત્રો ગલા-રેવતીના સબંધોની ચર્ચા કરે છે. જો કે આ પ્રણય સફળ ન જ નિવડે એની દરેકને ખાતરી છે. કારણ કે રેવતી ગામના શેઠની દીકરી છે. અને શેઠ પોતાના અહમને ખાતર પણ આ સબંધ મંજૂર ન જ કરે એ સ્વાભાવિક છે. છતાં બધાને અંદર અંદરથી ખબર છે કે શેઠને જો કોઇ પહોંચે તો તે ગલો જ છે.

શેઠ મિત્રો સાથે શિયાળામાં કંઇક ગરમાવો કરવા વિચારે છે અને ખૂબજ વખણાતું બાબુલાલનું ઉંબાડિયું મંગાવવા વિચારે છે. પરંતુ એના કરતાં પોતાના ઘરે જ ઉંબાડિયું બનાવવું એમ નક્કી થાય છે. અને તેના માટે ગલાને બોલાવવામાં આવે છે. રેવતી અને ગલો બંને થઇને ઉંબાડિયું પાડે છે. શેઠના બધા મિત્રો ઉબાડિયું વખાણે છે. ગલા અને રેવતીના ‘ઉબાડિયું તે જાને ભર્યો ભર્યો સંસાર’ સંવાદો દ્વારા લેખક સંસારનું તત્વચિંતન પણ મૂકી આપે છે.

ગલો શિક્ષિત છે. ભણતર સાથે ગણતર પણ પચાવ્યું છે. એ સ્વાર્થી નથી. એને એના સમાજ જે બીજા સમાજ કરતાં પાછળ રહી ગયો છે એની એને ચિંતા છે. ‘મારા માનસો, મારો હમાજ રેવા બો પાછલ છે એ બઢાં હજી જીવતા મરેલાં છે. ઊંઇઘા કરતાં છે. મારે એ લોકોને જગારવા છે. બો કરવું પડે એવું છે રેવા. બધુ રાતોરાત થાય એવું ની મલે.’ આમ ગલામાં સમાજની ચિંતા કરનારો, સમાજમાં પરિવર્તન લાવવા પોતાની જાતની પણ ચિંતા કર્યા વિના આગળ વધવાની ધગશ રાખનારો એક સ્ફુર્તિલા યુવાનના દર્શન થાય છે.

પ્રથમ અંકને અંતે ઊબાડિયાંની પાર્ટી પૂરી થાય છે પરંતુ સવલો શેઠના મનમાં ગલા અને રેવતીના સબંધ વિશે શંકાના બીજ વાવતો જાય છે. અને સંઘર્ષની ભૂમિકા બંધાય છે. જે બીજા અંકમાં વિકાસ પામે છે. શેઠ દ્વારા રેવતી ઉપર નિયંત્રણો લદાય છે. શિક્ષિત રેવતી પિતાના વિચારો સાથે સહમત નથી. રેવતીનો સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચે છે. એ બીજા મૂરતિયા સાથે લગ્ન કરવા કરતાં ઘર છોડી ચાલી જાય છે. શેરડીના ખેતરમાં દીપડા સામે ઝઝૂમે છે. બેભાન રેવતીને સવલો એના ઘરે લઇ જાય છે. ત્યાં પણ રેવતી સવલાને ધૂળ ચાટતો કરી ગલાને ઘરે લઇ જાય છે. ગલો એને સમજાવે છે. પરંતુ રેવતી ગલા સિવાય અન્યને ન પરણવાનું નક્કી કરી પોતાના ઘરે પાછી વળે છે

ર્દશ્ય પાંચમાં ગલો સમાજના લોકો સાથે બેઠેલો છે. સમાજની ચિંતા કરે છે: ‘આપને મને મૂલમાંથી ઊખડી જવાના? આ આપવાંને આપની જગાથી, આપનાં મૂલિયામાંથી ઊખાડી કાડહું- આ બધાં, તો આપનું હું થવાનુ? મને હો એની ધન્ની ચિંતા છે’ અને આ ચિંતાના ઉપાય રૂપે ગલો શેઠની સામે ચૂટણીમાં ઊભો રહે છે અને વિજયી થાય છે. ગલાને પોતાની જાત પર પૂર્ણ વિશ્વાસ છે. એ કહે છે : ‘ભોગ વિના કાંઇ ફલ મઇલાં છે તે મલવાના? પેલ્લી લડાઇ જાતથી શરૂ કરવી પડે રેવા. તું જોજે. મેં જોઇ રહેલો છુ કે મારી લડાઇ સફળ રહેવાની. આજે ની તો કાલે સૂરજનો રંગ બદલાવાનો. હમનાનું પખવારિયું ભલે શેઠ લોક હોય પછીનું પખવારિયું અમારા લોકનું ઊગવાનું, મને દેખાય છે મારા જાતભાઇઓનો ઊજરો દહાડો’ પરંતુ સદવિચારવાળા, સારા, સાંચા માણસોને ક્યાં સમાજ ટકવા દે છે. ખુદ પોતાના સમાજના બધા લોકો પણ ક્યાં સાથ આપે છે. અંતે ગલાની પણ એ જ અવદશા થાય છે જીવતા સળગાવવાની.

પરંતુ રેવતીમાં રહેલી સ્ત્રીશક્તિ પ્રજવલિત થાય છે. એ પોતાના પિતા સામે જ અવાજ ઉઠાવે છે. જાગ્રત થયેલી લોકશક્તિ સાથે તે પિતાની સામે ઊભી રહે છે. દારૂપીને પડી રહેતા મંગાની ધણિયાણીને ચૂંટણીમાં ઊભા રાખવાની જાહેરાત કરે છે અને હિમ્મતથી કહે છે: ‘બાપુનું રાજ ગિયું જ હમજો’-પોલિસ આવે છે અને શેઠને હાથકડી પહેરાવે છે.

આમ નાટકનો આરંભ પણ ઘૈરેયા ગીતથી અને અંત પણ ઘૈરેયાના તારમારવાની ગીતથી પૂર્ણ થાય છે. લેખકે ઘૈરેયાગીતો પ્રસંગોચિત વણી લીધા છે. નાટકમાં અનેક ર્દશ્યો છે જેમાં કોલેજનું વાતાવરણ, ઉબાડિયું પાડવું, શેરડીનું ખેતર, દીપડાનો પ્રહાર, ચૂંટણીનું ર્દશ્ય, ગલાને સળગાવવો વગેરે- આધુનિક તકનિકીથી નાટકને મંચનક્ષમ બનાવી શકાય. નાટકમાં રંગભૂમિ સતત જીવંત લાગે છે. ગલાએ વાવેલા બીજ વૃક્ષ બનીને જ રહેશે એ ઉચ્ચવિચાર વ્યક્ત થયો છે. એકહથ્થુ શાસન સામેનો વિદ્રોહ, અન્યાય-શોષણ સામે પડકાર, સત્યનો જય, અસત્યનો પરાજય જેવા મૂલ્યોના દર્શન થાય છે. આ નાટકને સ્ત્રીસશક્તિના સંદર્ભે, સામાજિક અસામનતાના સંદર્ભે કે વૈચારિક ક્રાંતિના કે રાજકારણના સંદર્ભે પણ તપાસી શકાય.

સુરતી ભાષાની એક જુદી જ વિશેષતા છે. સુરતીબોલી દ્વારા રચાયેલ આ નાટકના સંવાદોમાંથી પસાર થતાં દક્ષિણ ગુજરાતમાં રહેતા સુરતીઓની આંખ તથા બુધ્ધિને પણ કદાચ પરિશ્રમ કરવો પડે છે. સુરતી બોલવું અને લખાયેલું વાંચવું એ બે પ્રકિયા વચ્ચે ઘણો ભેદ છે. તખ્તાની પુરેપુરી જાણકારી ધરાવનાર સર્જકે કદાચ સુંદર રીતે ભજવી શકાય, પ્રેક્ષકોને બરાબર જકડી રાખે એવું રંગદર્શિય નાટક રચ્યું છે. નાટકમાં તળભાષામાં વપરાતા કેટલાક પામી ન શકાય તેવા શબ્દોના શિષ્ટ અર્થ પણ સર્જકે આપી નાટક પામવામાં સરળતા કરી આપી છે. કૃતિમાં સમાવિષ્ટ ડૉ. દિનકર ટંડેલનો ‘તળને પદડે’ અને દિગ્દર્શકની દ્રષ્ટિએ રચાયેલ ડૉ. સોનલ વૈધના અભ્યાસ લેખો કૃતિને માણવામાં ઘણા ઉપયોગી બની રહે છે. નાટ્યવિદ ડૉ. સતીષ વ્યાસ પાસેથી નાટ્યકારની કલમે અનેક ઉત્તમોત્તમ કૃતિ પ્રાપ્ત થતી રહે એવી અભ્યર્થતા સાથે...

ડૉ. જયશ્રી એમ. સોલંકી
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ. આર્ટસ અને કૉમર્સ કૉલેજ, મોટાપોઢા.