ભૂતકાળ પાછળ રહી ગયો

મેહા વરસતા વરસાદમા આજે પણ મહિમની રાહ જોઇ ઉભી હતી. બસસ્ટેન્ડ પર આવતી કોઇ સરક્યુલર બસમાં તે બેસતી ન હતી. રીક્ષાવાળા તેને પૂછીને થાકી ગયા. --- પણ તેને ક્યાંય જવુ ન હતુ. પિંક કલરના ડ્રેસમાં લહેરાતા દુપટ્ટામાં સજ્જ ગુલાબી મેહા અતી સુંદર લાગતી હતી. સૌ કોઇનુ ધ્યાન તેના તરફ જતુ. વરસાદના છાંટા થી ભીંજાયેલા વાળ, પવનની લહેરખીથી ઉડતી વાળની લટ્ટ તેના સૌન્દર્ય ની મોહક્તામાં વધારો કરતા હતા. આમ તો ગલ્લાવાળા અને આજુબાજુ રોડ પરના સ્ટોલવાળા ને ખબર જ હતી કે આ છોકરી રોજ આ બસસ્ટેન્ડ પર કોઇની રાહ જોઇને ઉભી રહે છે. એક છોકરો આવે છે બંને જણ બાઇક પર બહાર જાય છે. આજે વરસાદી વાતાવરણ હોવાથી મેહાની મમ્મી ચિંતા કરી રહી હતી. તે મેહાના પિતાને કહી રહી હતી ‘તમે જ ફટવી છે, કશુ કહેતાં નથી, આજે કોલેજ જવાની ક્યાં જરૂર હતી, વરસાદમાં કપડા પલાળી ઘરે આવશે, ટાઇમસર આવતી નથી. દીકરીને બહુ માથે ન ચઢાવાય પારકા ઘરે મોકલવાની છે”. મેહાની માતાની ચિંતા સાંભળી પિતા કહેવા લાગ્યા, ‘ જો ચિંતા ન કર, મારી દીકરી દિકરા કરતા અધિક છે., મારુ ગૌરવ છે, હાલ કોલેજના દિવસોમાં મિત્રો સાથે ફરી લેવાદે,આવી જશે’. માતા પિતા વચ્ચે રોજ મેહાને લઈને ટક ટક ચાલતી. મેહાની મમ્મીએ બોલવાનુ ચાલુ રાખ્યુ, ‘દીકરી કોલેજના છેલ્લા વર્ષમાં છે, કોઇ છોકરો શોધી કાઢો, એની ઉંમર થઇ ગઇ છે’. પિતાએ કહ્યું ‘મારા ધ્યાનમા છે, મેં મોહનભાઇના માનવ માટે વાત ચલાવી છે. થોડા દિવસોમા ગ્રહો મળશે તો જોવા આવશે’.

આજે વેકેશન પછી મેહા-મહિમને મળવાની હતી, તેથી ખુશ હતી, પણ કંટાળી ગઇ કેમકે ઘણી રાહ જોયા બાદ ન મહિમ આવ્યો કે ન તેનો ફોન આવ્યો. વેકેશનમા મેહાએ ઘણાં ફોન કર્યા પણ તેણે મેહાનો ફોન રિસીવ કર્યો જ નહીં. એટલે મેહા આજે મહિમને ખખડાવવાના મૂડમા હતી. કોલેજના બસસ્ટેન્ડ પર રાહ જોઇ થાકી ગયેલી મેહા ઘરે આવી પર્સ સોફા પર ફેંકી, સેંડલ ગમે તેમ કાઢી, મૂડ વગર રૂમમાં જતી રહી. ટી.વી.નો મોટો અવાજ કરી ગીતો સાંભળવા બેસી ગઇ. સતત અઠવાડિયા સુધી મહિમની રાહ જોઇ એક દિવસ તે મહિમના ઘરે પહોંચી ગઇ. મહિમની મમ્મીને તેણે પોતાની ઓળખ આપી. હું મહિમની મિત્ર છું તે આજ કાલ કોલેજ આવતો નથી તેથી.

મહિમની મમ્મી એ કહ્યુ ‘ જો આ મહિમના લગ્નની કંકોતરી, કેવી છપાવી છે? અને મેહાના હાથમાં મૂકી, મેહાના હાથમાં પાણીનો ગ્લાસ હતો, તે સ્તબ્ધ બની ગઇ. ઘણી વેદનાઓ હોવા છતા ચહેરા પર હાસ્ય રેલાવતી તે મહિમની માતા આગળ, ‘લગ્નમાં તેનાં મિત્રો આવવાના છે તું તો હોઇશ’ વાત સાંભળતી સાંભળતી ઘર તરફ જવા રવાના થઇ. મહિમની મમ્મી વિચારતી હતી કેટલી રૂપાળી છોકરી છે, મારી ઉર્વી આવી સરળ સ્વભાવની હોય તો સારુ. મેહાના બે મિનિટ વિચારો કરતી કરતી સ્વગત બોલતી બોલતી મહિમની મમ્મી લગ્નના કામકાજમા પરોવાઇ ગઇ.

આ બાજુ મેહાનો, ઘરનો રસ્તો કપાતો ન હતો. તે રીક્ષામા બેસી ગઇ. મેહાનુ ઘર કોલેજથી તેમજ મહિમના ઘરથી દૂર ન હતુ પણ ખબર નહી, આજે ઘર જલ્દી આવતુ નથી તેવુ તેને લાગ્યુ. ઘરે જઇ મેહાએ ફ્લેટનુ બારણુ આડું હતું તે ખોલી, પર્સ પોતાના ખાનામાં મૂકી, સેંડલ પોતાના ચપ્પલના ખાનામાં મૂકી, બેડરૂમમા જઇ બારણુ બંધ કરી ખૂબ રડી. મમ્મીએ જોયુ આજે સેંડલ પર્સ ઠેકાણે છે, નવાઇ લાગી, તેણે મેહાના રૂમનુ બારણુ ખખડાવ્યું, મેહાને બારણુ ખોલતાં વાર લાગી, માતાએ પૂછ્યુ, તેણે જવાબ આપ્યો, અંદર નવા કપડાની ટ્રાયલ મારતી હતી. માએ મેહાને કહ્યું, ‘બેટા કઇ થયુ છે, તારી આંખો, ચહેરો તારા દુ:ખની ચાડી ખાય છે’. મેહાએ કહ્યું ‘ના મમ્મી આજે ઠીક નથી લાગતુ.’ મેહા જમવા બેઠી પણ કોળિયા ગળે ઉતરતા ન હતા. મમ્મીએ ચાલું કર્યુ. મેહા, ‘મોહનભાઇના માનવ જેના સાથે તારા જન્માક્ષર મળશે તો તેઓ તને જોવા આવશે કદાચ આવતા અઠવાડિએ’ . મેહાએ કહ્યું ‘ભલે મમ્મી’, મેહા કશું જ બોલી નહિ.

સમય વીતતો ગયો, માનવના પપ્પાનો ફોન હતો, માનવને હમણા બહાર જવાનુ થયું હોવાથી થોડા દિવસ પછી આવશે.આ બાજુ કોલેજની ઇન્ટરનલ પરીક્ષાના રિજલ્ટ વખતે મહિમ આવ્યો, મેહા ઉભી હતી તે રસ્તો તેણે બદલી બાઇક બીજા રૂટ પર લઇ ગયો. મેહાને થયુ, મહિમ, કેટલો બધો પ્રેમ હતો આપણી વચ્ચે, એક વાર તો કહેવું હતું, તારી ગમે તે મજબૂરી હોત કે પરેશાની હોત, વાત તો કરવી હતી, મારો વિચાર પણ ન કર્યો, એવું મેહા સ્વગત બોલતી બોલતી આઘાત હ્રદયે ઘરે આવી તે અઠવાડિયા સુધી ઘરની બહાર પણ ન નીકળી, માતાએ દીકરીનો આ બદલાવ જોયો પણ દીકરી અચાનક ડાહ્ની-ડાહ્ની લાગવા લાગી. એવામાં માનવ મેહાને જોવા આવ્યો. પહેલી વાર તે મેહાને મળ્યો. મેહા તેને ખોવાયેલી-ખોવાયેલી લાગી. બંનેની મરજીથી બંનેની સગાઇ થઇ ગઇ.

માનવ જેટલીવાર મેહાને મળ્યો તે ખોવાયેલી લાગતી, પરંતુ માનવે અનુભવ્યુ કે સંસ્કારી ઘરની શરમાળ છોકરી છે. લગ્ન પછી ખૂલશે. ટી.વાયની ફાઇનલ પરીક્ષા પછી મેહાના લગ્ન થઇ ગયા. મેહા માનવ ને પરણી ગઇ, મેહા બેડરૂમમાં બેઠી બેઠી લગ્નની પહેલી રાતે વિચારતી હતી કે ‘ મારે ક્યાં હોવુ જોઇતુ હતું, હે ઇશ્વર હું ક્યાં છું?. કયા અપરાધની સજા મળી? આ રૂમ મારો ન કહેવાય, આ પથારીની મેં કદી કલ્પના નથી કરી અને એવામા માનવ બારણુ ખોલી અંદર આવ્યો અને મેહા સ્તબ્ધ બની. માનવે શાંતિથી હળવાશથી પથારીમા બેસી મેહાનો હાથ તેના હાથમા લઇ, સમ્મુખ થઇ બોલ્યો, મેહા તારી વીતી ગયેલી ક્ષણો ને ભૂલી જા, મારી જિંદગીમા, મારા ઘરમાં તારુ સ્વાગત છે. નવી જિંદગીની શરૂઆત કર, મેહા માનવને ભેટીને ખૂબ રડી, બંને એ સુખદ દામ્પત્યની પળોને માણી. સવારે મેહા ઉઠી તે પ્રફૂલ્લિત હતી. તેના ચહેરા પર ખુશી છવાયેલી હતી.. તેણે માનવના કપાળે ચુંબન કર્યુ. માનવ ઉંઘમા હતો. તે અરીસામા પોતાના ચહેરાને જોઇ રહી. પોતાના વાળને લહેરાવતી સહજ ભાવે બોલી પડી , ભૂતકાળ પાછળ રહી ગયો____ .

ડો. સોનલ જોષી
એમ.એ. પરીખ ફાઇન આર્ટ્સ & આર્ટ્સ કોલેજ
પાલનપુર