અછતમાં જીવેલી કાવ્યાનો સંપત્તિપ્રેમ પ્રગટાવતી વાર્તા 'છત-અછત'

સાંપ્રત સમયમાં ગુજરાતી સાહિત્યમાં અન્ય સાહિત્ય સ્વરૂપોની તુલનાએ ટૂંકીવાર્તાનું સ્વરૂપ વધુ સંતર્પકતાથી ખીલી રહ્યું છે, એમ કહેવામાં મને અતિશયોક્તિ લાગતી નથી. અહીં દંતચિકિત્સાની સાથોસાથ પોતાની સર્જકતાને પણ જુદો જ નિખાર આપતાં ડૉ. કેતન કારિયા નવી પેઢીનાં 'નવા' વાર્તાકાર છે. ડૉ. કેતન કારિયાની કૃતિઓમાં ચૈતચિક સફૂરણોને સુનિયોજિત રીતે આકારવામાં આવ્યાં હોય છે. એમની 'છત-અછત' વાર્તામાં જે વાત છે, એ તો નવી સામાજિક જીવન-રીત-ભાત અનુસાર સંપત્તિ અને મોભો મેળવવા આખો સમાજ જે આંધળી દોટ મૂકી રહ્યો છે, લાગણીની હુંફનાં ભોગે પણ તેની. સાંપ્રત સમયના મધ્યમવર્ગ તેમજ અમીરવર્ગના યુવા માનસના વિચારોને સર્જકે પોતાની સંવેદનામાં ઝીલી અહીં કલાના માધ્યમથી ભાવક-પ્રત્યક્ષ કર્યા છે.

'છત-અછત' વાર્તામાં વસ્તુ તો છે પરંપરાગત, રીતિ બદલાઈ છે. કથા તો છે મધ્યમવર્ગના નિનાદ અને કાવ્યાના પ્રેમની. કાવ્યા પ્રત્યેના પ્રેમને ખાતર જ નિનાદે કાવ્યાની ઈચ્છાને અનુરૂપ મુરતિયો-અમીર મુરતિયો શોધી આપ્યો છે. કાવ્યાને પોતાના અમીરમિત્ર-સુશાંત સાથે નિનાદ જ પરણાવે-જોડી આપે છે. અહીં નિનાદ માત્ર કાવ્યા ઉપર જ નહીં પણ સુશાંત ઉપર પણ મિત્રતાના નાતે ઉપકાર કરે છે. એ ઉપકાર કરવાનું કારણ સર્જકે વાર્તામાં જ સ્પષ્ટ કરી આપ્યું છે : "નિનાદને બાળપણથી જ શિખવાડવામાં આવતું હતું કે પાડોશીની મદદ એ પહેલો ધર્મ, અને એ ધર્મને પોતાના કર્મમાં પણ નિનાદે હંમેશાં નિભાવ્યો હતો. કાવ્યાનું હિત વિચારતા-વિચારતા ક્યારે એ પોતાને ભૂલી અને કાવ્યા વિશે વિચારવા લાગ્યો તે તેને પોતાને પણ ખબર નહોતી રહી." તો બીજી તરફ સગવડતાના નશામાં જ જીવી લેવા માંગતો સુશાંત છે. એ બાપની કમાણીમાં મોજ-મજા કરી લેવામાં માને છે, સ્વમાની બનવામાં નહીં. અને એટલે જ એ કહે છે : "પણ યાર કોઈ મૂરખ જ હોય, જે બાપાનો સેટ બિઝનેસ હોય તોય ખોટા ઢસરડા કરે. એ ય મજાના રાતે રખડીએ, સવારે આરામથી ઊઠીએ..." તો મહેલોના સપના જોતી કાવ્યા મધ્યમ વર્ગની છે. તેની દૃષ્ટિએ સગવડોમાં જ જીવવાનો આનંદ છે. એને સુખની પરવા નથી. એટલે જ એ કહે છે કે, "અછતથી ચલાવતા તો આમ પણ પહેલેથી જ આવડે છે, હવે કદાચ થોડી પ્રેમની અછત હશે તો ચલાવી લઈશ.." અહીં હિન્દી ફિલ્મનું એક પ્રખ્યાત ગીત થોડાં ફેરફાર સાથે મૂકી શકાય : "ચાંદી કી દીવાર ના તોડી, પ્યાર ભરા દિલ તોડ દિયા/ એક ધનવાન કી લાલચને નિર્ધન કા દામન છોડ દિયા" સંપત્તિની છત ઓથે ઢબુરી દેવાતી પ્રેમની અછત પ્રગટતી જોઈ શકાય છે.

સર્જકે પાત્રો જુદાજુદા વિચારોવાળા પસંદ કર્યા છે, સાથે સાથે પત્રોના નામો પણ ઘણુંબધું કહી જાય છે. આ ત્રણેય પાત્રો વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરતા સર્જક નોંધે છે : "આ પ્રણય ત્રિકોણ તો હતો, પણ ત્રિકોણ એ રીતે બનેલો હતો કે નિનાદ નામની એ ત્રીજી રેખા પડછાયો માત્ર હતી અને છતાં બાકી બંને રેખાઓના જોડાણનું કારણ પણ હતી અને આધાર પણ !" વાર્તાકાર દ્વારા તીર્યકતાથી કહેવાયેલી વાત વાર્તાતત્ત્વની ગોપનીયતા ઉપર જાણે Flash કરી દે છે. નિનાદ પોતાના મિત્રોની (ખાસ તો કાવ્યાની) ઈચ્છા સંતોષવા પોતાની ભીતર પ્રગટેલ પ્રણયદીપકને સંકોરી લે છે. તો કાવ્યા સગવડોની છત ભોગવે છે પણ એની ભીતરની નારીના માતૃત્વની ઝંખના અધૂરી અનુભવે છે, માતૃત્વ ઝંખનાની પીડાથી કોરાતી કાવ્યા અંતે નિનાદને જવાબ આપતા :"બે ક્ષણ ચૂપ રહ્યા પછી ભીની આંખે કાવ્યાએ કહ્યું. હું કહેતી હતી ને કે પૈસો બધું જ ખરીદી શકે, સાચું કહેતી હતી. આ રવિવારે એક 'બાબો' ખરીદવા જવાના છીએ." અહીં કાવ્યાની ચુપકીદી જ બધું કહી દે છે. ભાવક પરના અવિશ્વાસના કારણે કદાચ અંતિમ વાક્ય ઉમેરી વાર્તાને બોલકી બનાવી દીઘી છે. ભાવકના મનમાં ટૂંકીવાર્તાએ જે વિસ્તારવાનું-વિલસવાનું છે તેના પર પણ અંતિમ વાક્ય બ્રેક મારે છે.

નિનાદના પાત્રને વિકસાવવામાં સર્જક સફળ થયા છે એટલું જ નહીં પણ આખી અમીર અને મધ્યમ વર્ગ વચ્ચેની વૈચારિક દીવાલને પણ સર્જકે બખૂબી આલેખી છે. અમીર પ્રત્યેનો નિનાદનો(મધ્યમવર્ગનો) અભિપ્રાય આલેખતા સર્જક નિનાદના મુખમાં અવિસ્મરણીય શ્લોકસમું વાક્ય પ્રયોજે છે : "યાર, તમને અમીર લોકોને સ્વમાન જેવું કંઇ ના હોય ?" નિનાદ એક સમજદાર અને શાણો કહેવાય એવો યુવક છે. એનામાં આ સમજણ ઘણી ઓછી ઉંમરે આવી હતી અને એટલે જ "સૌ મિત્રો તેને પપ્પા કહીને બોલાવતા." તો સુશાંત પણ ક્યારેક(નિનાદની મૈત્રીને કારણે જ કદાચ) ખૂબ ઊંડી સમજણ હોય એવી વાત કરે છે. પોતાની મમ્મી ને ગુમાવ્યા બાદ તેને ભૂલવા સંદર્ભે નિનાદ સાથે ચર્ચા કરતા સુશાંત કહે છે :"મન મક્કમ હોય અને લાઇફની રીઅલ ફિલોસોફી સમજી શકતા હોય તો છવ્વીસ દિવસ પણ પૂરતા છે." કાવ્યામાં પણ સમજણ છે જ. કાવ્યા પણ જાણે જ છે કે "મધ્યમવર્ગનો સારો નોકરી કરતો છોકરો વફાદાર પણ હોય અને પ્રેમ પણ કરે." પણ કાવ્યા મમ્મી-પપ્પાના જીવનની તકલીફો જોઈ જોઇને એટલું સમજી છે કે આજના યુગમાં સુખ કરતા પણ વધુ ચડિયાતી સગવડ છે. અને એટલે જ કાવ્યા મોટા ઘરની વહુ થવા માંગે છે. અહીં સાંપ્રત યુવા પેઢી છે એટલું જ નહીં પણ શિક્ષિત યુવાવર્ગ છે. અને એ યુવાપેઢીની સમજણ વાર્તામાં પ્રગટી છે. સર્જકેના ખૂબજ સૂક્ષ્મ નિરીક્ષણોનું એ પરિણામ છે. વાર્તાકાર પોતાની સર્જકાતામાં એક ઉન્મેશની આશા જન્માવે છે.

ભરત એમ. મકવાણા
ગુજરાતી વિભાગ, શ્રી ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયંસ કૉલેજ, જામનગર
મો.નં. 9428230108, e-mail : bharatluhar79@gmail.com