ચેખોવ કૃત સત્તાધારીઓના બેહૂદાપણાની વાર્તાઓ

માત્ર ૪૪ વર્ષનું જીવન જીવનાર રશિયન સાહિત્યકાર એન્તન પાવલોવીચ ચેખોવ (૨૯/૦૧/૧૮૬૦ –૧૫/૦૭/૧૯૦૪) મુખ્યત્વે વાર્તાકાર-નાટ્યકાર તરીકે જાણીતા છે.કારમી ગરીબીનો ભોગ બનેલા આ લેખકે દાક્તરીનો અભ્યાસ કર્યો હતો.ટૂકા આયુષ્યમાં એમણે માણસની દાંભિક્તાને ખુલ્લી પાડનારુ અત્યંત મહત્વનુ સાહિત્ય આપ્યું.વ્યવસાયે ફિઝિશ્યન અને હદયથી સાહિત્યકાર એવા એન્તન ચેખોવ કહે છે-“Medicine Is My Lawful Wife And Literature Is My Mistress.” તેમના સાહિત્યસર્જનમાં વાર્તાઓ નોંધપાત્ર છે.તેમણે તેમના સમયના રશિયાની સ્થિતિને –ઝારશાહીને ખુલ્લી પાડી છે.સત્તાધારીઓના બેહૂદા વર્તનને નિરૂપવામાં ચેખોવને રસ છે.સામાન્ય માણસના જીવનમાં સર્જાતી રોજબરોજની સમસ્યા અને એની સામે સત્તાધારીઓનું વાહિયાત વર્તન એ બધુ ચેખોવ નિસબતપૂર્વક આલેખે છે.અહી તેમની ‘કાચંડો’(ક્રેમેલિયોન) અને ‘કારકુનનું મૃત્યુ’(ડેથ ઓફ એ ક્લાર્ક) એ બેવાર્તાઓની ચર્ચા કરવી છે.

‘કાચંડો’(ક્રેમેલિયોન) વાર્તામાં કાચંડાની જેમ વારંવાર રંગ બદલતા અધિકારીનું આલેખન છે.ખ્રાયુકિન નામના કારીગરને જમણા હાથની આંગળીમાં એક કૂતરો કરડયો છે અને અઠવાડિયા સુધી તે કામ નહીં કરી શકે એવી સ્થિતિ છે.એ જ સમયે પોલિસ અધિકારી ઓકુમેલોફ પોતાના કોન્સટેબલ સાથે બજારમાંથી નીકળેલો હોવાથી ભેગા થયેલા ટોળાં પાસે જઈને ઘટના વિશે જાણે છે અને પોતાનો રુઆબ બતાવતા કહે છે-“ કુતરા રખડતા કેમ મૂકાય છે,એ હું લોકોને બતાવી આપીશ.કાયદા કાનૂન પાળવા નહિ માગતા મહેરબાનોને બોધપાઠ આપવાનો વખત હવે પાકી ગયો છે!એને એવી તો સજા થશે-બદમાશ નહિતો !xxx કૂતરો કોનો છે,એ શોધી કાઢો અને કાગળિયા કરી લો.અને કુતરાનેય અહીનો અહી જ પૂરો કરો,કદાચ હાડકાયોય હોય....હું પૂછું છું કે એ કોનો કૂતરો છે?”(ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ,સંપાદક:અનુવાદક-જયંત પાઠક,રમણ પાઠક,શબ્દલોક પ્રકાશન-અમદાવાદ,પાંચમું પુનર્મૂદ્રણ-૨૦૧૩,પૃ.૭૪) પરંતુ અચાનક ટોળામાથી કોઈક કહે છે કે આ કૂતરો જનરલ ઝિગાલોફનો હોઈ શકે અને તરત ઓકુમેલોફ રંગ બદલતા કહે છે-“એક વાત મને નથી સમજાતી....તને કૂતરો કરડયો કેવી રીતે?એ તારી આ આંગળી સુધી પહોચ્યોં જ કેવી રીતે?આટલો નાનો કૂતરો અને તું આવો પડછંદ માણસ! તેં જ નખ વડે તારી આંગળીમાં ચીરો પાડ્યો હશે અને પછી વળતર મેળવવા આવું તરકટ કરતો હોઈશ!હું ઓળખું છું,તમને લોકોને,બદમાશો!”(એજન-પૃ.૭૪-૭૫)પરંતુ ફરીથી કોન્સટેબલ કહે છે કે જનરલ પાસે તો બધા જ કુતરા શિકારી છે અને આવો કોઈ કૂતરો તેમની પાસે નથી.એટ્લે તરત ઓકુમેલોફ ફરીથી રંગ બદલતા કહે છે-“ખ્રાયુકિન! તને એ કરડી ગયો છે,માટે ખબરદાર!જો આ વાત અહી પડતી મૂકી છે તો.એ લોકોને ખબર પાડી જ દેવી પડશે,હવે તો વખત પાકી ગયો છે...(એજન-પૃ.૭૫)પણ ફરીથી ટોળામાથી કોઈક કહે છે કે આ કૂતરો જનરલનો જ છે એટલે પોલિસ એકૂમેલોફ ફરીથી રંગ બદલતા કહે છે-“આને જનરલને ત્યાં લઈ જા આને તેમના માણસોને કહેજે કે એને મે શોધી કાઢીને મોકલી આપ્યો છે.xxx અને એઈ તું તારો હાથ હવે નીચો કર બેવકૂફ!લોકોને તારી બેવકૂફીના પ્રદર્શન જેવી આ આંગળી બતાવવાનું હવે બંધ કર!તારો જ વાંક...(એજન-પૃ.૭૫)ત્યાં જ જનરલનો બબરચી પ્રોખેર આવી ચડે છે એને પૂછતાં ખબર પડે છે કે આ કૂતરો જનરલનો નથી એટ્લે તરત ઓકુમેલોફ આ કૂતરાને મારી નાખવાનું કહે છે પણ બબરચી જણાવે છે કે આ કૂતરો જનરલના ભાઈ વ્લાદિમીર ઈવાનીચનો છે.અને એકૂમેલોફ ફરીથી રંગ બદલે છે-“એમના ભાઈને મળવાની મારી ઈચ્છા હતી.અને એ આવ્યા છે એની મને ખબર નહિ...તો એ એમનો કૂતરો છે,કેવું સરસ!એને લઈ જાઓ...કેવું સુંદર ગલૂડિયું છે નહિ?વાહ દોસ્ત,હવે ગભરા નહિ હો!ઘુરકે છે કે?લુચ્ચા,ગુસ્સે થયો છે કેમ?કેવું મજાનું ગલૂડિયું!”(એજન-પૃ.૭૬) કૂતરાને પ્રોખેર લઈ જાય છે અને ખ્રાયુકિનને ધમકાવતો ઓકુમેલોફ ત્યાંથી જતો રહે છે.

નિયમો બધા માટે હોતા નથી અને ઉપરી અમલદાર માટે તો હોતા જ નથી એવું જ કઇંક ચેખોવ આ વાર્તામાં દર્શાવે છે.પોલિસ અધિકારી કુતરાના માલિક સામે પગલાં લેવા તત્પર બનતો નથી કારણ કે એ કૂતરો જનરલનો હોય તો એને સજા ન કરી શકાય ! અને એટલે જ ઓકુમેલોફ વારંવાર કાચંડાની જેમ રંગ બદલતા કોઈકવાર કૂતરાને મારી નાખવાની વાત કરે તો કોઈકવાર ખ્રાયુકિનને ધમકાવે છે.સત્તાધારી પોતાના ઉપલા અધિકારીને કાયદામાં પણ છૂટછાટ આપે છે અને મધ્યમ વર્ગના ખ્રાયુકિન જેવા વ્યક્તિની ચિંતા આ ઓકુમેલોફ જેવા સત્તાધારીઓને બિલકુલ નથી.વ્યક્તિના પદને ધ્યાનમાં રાખીને સજા માટેના નિયમોનું પાલન કરવાની પ્રવૃતિ તરફ ચેખોવ આપણું ધ્યાન દોરે છે.એટલે જ તો જે કૂતરાને મારી નાખવાની વાત કરે છે તે જ કૂતરો તેને સરસ મજાનું ગલૂડિયું લાગવા માંડે છે અને જેને કૂતરો કરડયો છે તે ખ્રાયુકિન તેને બેવકૂફ લાગે છે.વાત વાતમાં રંગ બદલતા,કઇંક જુદું જ બોલીને હકીકતમાં કઇંક જુદું જ વર્તન કરનારા સત્તાધારીઓ ઉપર અહી કટાક્ષ કરવામાં આવ્યો છે.સત્તાધારીઓ હકીકતમાં નાટકબાજ હોય છે એ આ વાર્તાનો સૂર છે.

ચેખોવ રોજિંદા જીવનની સામાન્ય ઘટનાઓને વાર્તારૂપ આપે છે. ‘કારકુનનું મૃત્યુ’ (ડેથ ઓફ એ ક્લાર્ક) વાર્તામાં નાટક જોતી વખતે ચેરવ્યાકોફ નામના ક્લાર્કને છીંક આવે છે અને એ છીંકના છાંટા આગળ બેઠેલા સંદેશા વ્યવહાર ખાતાના મુલ્કી જનરલ બ્રિઝાલોફની ટાલઉપર ઉડે છે.આટલી ઘટનાને ચેખોવ વાર્તારૂપે વિકસાવીને સત્તાધારીઓના અણસમજુ માનસ ઉપર કટાક્ષ કરે છે.ચેખોવનું તત્વજ્ઞાન અહી સંવાદોમાં જોઈ શકાય છે-“દરેક માણસને પોતાને ફાવે ત્યાં છીંક ખાવાનો અધિકાર છે.ખેડૂતો,પોલિસ ઈન્સ્પેકટરો,અરે પ્રિવી કાઉન્સીલના સભ્યો પણ છીંક ખાય છે.દરેક જણ છીંક ખાય છે-દરેકે દરેક.”(એજન-પૃ.૯૪) પણ છીંક આવવી એ કુદરતી-સહજ હોવા છતાં આ સામાન્ય કારકુન ચિંતિત બને છે-“પછી પોતે એક સંસ્કારી માણસ હોવાથી પોતાની છીંકથી કોઈનેય કશી તકલીફ તો નથી થઈને,એ જોવા માટે તેણે ચોમેર નજર ફેરવી.અને પછી તેને મૂંઝવણ જરૂર થઈ,કારણ કે તેણે જોયું કે પહેલી હારમાં બરાબર તેની આગળ જ બેઠેલો એક નીચી કાઠીનો વૃદ્ધ માણસ તેના હાથના મોજા વડે એની ટાલિયા ખોપરી અને ગરદન સાફ કરતો કઇંક બબડી રહ્યો હતો.xxx હું તેના ઉપર છીંકયોxxx તે મારો ઉપરી નથી,એ સાચું તોય એ ઘણું અજુગતું કહેવાય.મારે માફી માગવી જોઈએ.”(એજન) કારકુન અનેકવાર આ જનરલની માફી માગે છે પણ જનરલ એને યોગ્ય પ્રત્યુતર આપતો નથી અને આ સંવેદનશીલ કારકુન માનસિક રીતે દુખમાં ગરકાવ થતો જાય છે.બીજા દિવસે જનરલની ઓફિસે જઈને ફરીથી તેની માફી માગે છે તો જનરલ માત્ર આટલું બોલે છે-“છટ છટ ! કેવી બેવકૂફી !” એટલે કારકુન ચેરવ્યાકોફને ખાતરી થઈ જાય છે કે જનરલ તેના ઉપર ગુસ્સે થયા જ છે, એટલે હવે તો માફી માગવી જ પડશે એમ સમજીને તે કહે છે-“નામદાર ! મને માફ કરો ! મને અતઃકરણથી પસ્તાવો થાય છે,તેથી જ આપ નામદારને તસ્દી આપવાની હું હિંમત કરું છું...”(એજન-પૃ.૯૬) પણ જનરલ “તમે મારી મજાક ઉડાવી રહ્યા છો” એમ કહી બારણું બંધ કરી દે છે.

હવે કારકુન માટે વધુ દુખદાયી સ્થિતિ સર્જાય છે કારણ કે મજાક ઉડાવવાનો એક નવો આરોપ તેના ઉપર મૂકાયો છે.આ કારકુન નક્કી કરે છે કે હવે તે પત્ર લખીને જનરલને બધી સ્પષ્ટતા કરી દેશે પણ હવે તેની માનસિક સ્થિતિ સાવ બદલાય ગયેલી છે.જુઓ- “તેને જાત જાતના વિચારો આવ્યા.તેણે આખો દિવસ વિચાર કર્યા કર્યો.છતાં,કાગળ કેવા શબ્દોમાં લખવો એ તે નક્કી કરી શક્યો નહિ.તેથી વાત પતાવવા બીજે દિવસે જનરલને ત્યાં ગયા સિવાય એનો છૂટકો ન થયો.”(એજન) પણ જનરલને મળવા ગયેલા કારકુન ચેરવ્યાકોફ ઉપર જનરલ ગુસ્સે થઈ જાય છે અને ચાલ્યા જવાનું ફરમાન કરે છે એટલે ચેરવ્યાકોફ ભાંગી પડે છે-“ ચેરવ્યાકોફને લાગ્યું કે જાણે તેની ભીતરમાં કોઈ તાર તૂટી ગયો.દરવાજા તરફ પાછો ફરતાં ન તો તે કાઈં સાંભળી શકતો હતો,કે ન તો કઈ જોઈ શકતો હતો.એ રસ્તા પર આવ્યો ને બેધ્યાનપણે ચાલવા લાગ્યો,યંત્રવત લથડતો તે પોતાને ઘેર પહોંચ્યો.એવો ને એવો જ ,એ જ ઓફિસમાં પહેરવાનો ડગલો પહેરી રાખીને તે સોફા પર ઢળી પડ્યો અને મરણ પામ્યો ” (એજન-પૃ.૯૭)

ચેખોવે રજૂ કરેલું સત્તાનું બેહૂદાપણું અહી સ્પષ્ટ છે.વિચિત્ર પ્રકારના સત્તાધારીઓને લીધે જ નિખાલસતા-ઈમાનદારીની હાર થાય છે એવું ચેખોવનું જીવનદર્શન અહી સહજ રીતે પામી શકાય છે.જનરલના માત્ર બે સારા શબ્દો પણ આ કારકુનને જીવાડવા માટે સમર્થ હતા એ વાચક સમજી શકે છે.પણ પેલો ટાલિયો બિલકુલ સમજતો નથી અને વિચિત્ર વર્તન દ્વારા કારકુનને મોતને ઘાટ ઉતારે છે.(હકીકતમાં ટાલિયા લોકોને- એટલે કે ઉમર વાળા લોકોને-વાહિયાત કિસમના ભ્રષ્ટ કામોના અનુભવી ટાલિયાઓને સમજાવવા નિરર્થક છે એવું એક મિત્ર વારંવાર કહે છે.ચેખોવની આ વાર્તા પણ આવું જ કઈંક કહે છે) સત્તાનો નશો એક નિર્દોષ કારકુનને મોત આપે છે.આવા પ્રકારની સત્તાધારી પશુતાથી ચેખોવ ખિન્ન છે.આ બંને વાર્તાઓમાં ચેખોવ સત્તાધારીઓના વર્તન ઉપર સીધા પ્રહારો કરે છે.મધ્યમ વર્ગના વ્યક્તિના જીવનની કરુણતાને આલેખવામાં ચેખોવને રસ છે,કહો કે એક લેખક તરીકેની એ તેમની અનિવાર્ય કામગીરી છે.એટલે જ મેક્સિમ ગોર્કી એમના વિશે લખે છે-“જીવનની ક્ષુદ્ર વસ્તુઓ ને ઘટનાઓ પાછળ રહેલી કરુણતાને કદાચ ચેખોવ જેટલી વિશદ ને સ્વયંસ્ફુર્ત રીતે ભાગ્યે જ કોઈ પકડી શક્યું હશે.આપણાં મધ્યમવર્ગી જીવનની ધૂંધળી અરાજકતાના દયાજનક ને લજ્જાસ્પદ પાસાંની આટલી સચ્ચાઈભરી ને નિસ્ઠુરછબી આજ પૂર્વે કદી કોઈ લેખકે દોરી નથી.અસંસ્કારિતાનો એ કટ્ટો દુશ્મન હતો.જીવનભર એ એની સામે ઝૂઝયો છે,એના પ્રત્યે ભરપૂર તિરસ્કાર વરસાવ્યો છે,પોતાની તીક્ષ્ણ,તટસ્થ કલમ વડે એનાં ચિત્ર આંકયા છે.”( સાહિત્યિક પ્રતિમાઓ,મૂળ લેખક- મેકસીમ ગોર્કી,અનુવાદ-સુભદ્રા ગાંધી.પ્રકાશક-ચેતન પ્રકાશન ગૃહ પ્રા.લિ. વડોદરા,પ્રથમ આવૃતિ-૧૯૬૩,પૃ.૧૩૨-૧૩૩) ગોર્કીની આ વાત સાથે સંમત થવું જ પડે.ચેખોવની ‘છ નંબરનો વૉર્ડ’(વૉર્ડ નંબર સિક્સ) વાર્તા પણ ઉપરોક્ત ચર્ચાને જ સાબિત કરે છે,પણ એ વાર્તાની ચર્ચા ફરી કોઈકવાર.ચેખોવ આજે પણ વિશ્વના શ્રેષ્ઠ સર્જકોમાંના એક સર્જક તરીકે આ સૃષ્ટિ ઉપર જીવે છે અને સૃષ્ટિપર્યંત જીવતા રહેશે એ વાતમાં કોઈ બે મત નથી.

સંદર્ભ-

  1. ૧-ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ,સંપાદક:અનુવાદક-જયંત પાઠક,રમણ પાઠક, શબ્દલોક પ્રકાશન-અમદાવાદ,પાંચમું પુનર્મૂદ્રણ-૨૦૧૩
  2. ૨-સાહિત્યિક પ્રતિમાઓ,મૂળ લેખક- મેકસીમ ગોર્કી,અનુવાદ-સુભદ્રા ગાંધી.પ્રકાશક-ચેતન પ્રકાશન ગૃહ પ્રા.લિ. વડોદરા,પ્રથમ આવૃતિ-૧૯૬૩
  3. ૩- en.wikipedia.org,Wiki/Anton-Chekhov,April-2015

ડૉ. મનોજ માહ્યાવંશી
આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
ગવર્મેન્ટ આર્ટ્સ,કોમર્સ એન્ડ સાયંસ કોલેજ, સીલવાસા-૩૯૬૨૩૦
યુ.ટી.ઓફ દાદરા એન્ડ નગર હવેલી.
મો. ૯૮૯૮૬૮૪૬૦૧ ઇ-મેઈલ – mahyavanshimanoj@yahoo.co.in