લઘુકથા

નિત્યક્રમ

અમારો એ કોમ્પલેક્ષ ભારે ‘કોમ્પલેક્ષ’. બાવન ફ્લેટનું ઝુંડ તોયે મારે લાયક કોઈ ‘કંપની’ નહિ. ઓટલે મળતી સાંજ સભાઓમાં બેસી ગપ્પા મારવાનું મને ફાવે નહિ. બધા સાથે ખાલી ‘કેમ છો’ ‘કેમ નહિ’ પુરતો સંબંધ. નિરાંતના સમયે મારી ચોથા માળની ગેલેરી, એમાંથી દેખાતું શહેર, ધીમી હવાની લહેરો અને હાથમાં પુસ્તક. બીજું શું જોઈએ?

ગાયત્રીભાભી ફલેટમાં ભાડે રહેવા આવ્યા અને અને ઘણું બદલાયું . એમનો સરળ, નિખાલસ સ્વભાવ અને મીઠું મધુર સ્મિત. ફાવી ગયું અમને એકબીજા સાથે અને અમારા સંબંધોની લીલાશ વધતી રહી.

હું ચોથા મળે રહું અને ગયાત્રીભાભી ગ્રાઉન્ડફ્લોર પર.. નાનકડા ફળિયાનો લાભ એમને મળેલો.. જહેમત ઉઠાવી એમાં એમને નાનાકડો બગીચો બનાવેલો. બગીચાના એક બાજુના ખૂણે તુલસીનો ક્યારો. ભાભી દરરોજ સવારે તુલસી ક્યારે આવી દીવો પેટાવે,અગરબત્તી મુકે, સૂર્યને અર્ધ્ય આપી નમન કરે. આ સમયે હું પણ ગેલેરીમાં હોઉં. ભાભીની પૂજા પતે એટલે હું ‘જયશ્રી કૃષ્ણ’ કહું અને ભાભી મને. અમારા દિવસની હલાવી ફૂલ શરૂઆત થાય. આ બાબત અમારો નિત્યક્રમ બની ગઈ.

આજેય હું નાહીને બહાર નીકળી. ગેલેરીમાંથી નીચે જોયું. ઈ જ મજાનો બગીચો અને મધમધતો તુલસી ક્યારો પણ ના મળે અગરબત્તીની સુવાસ. અચાનક મારાથી બુમ પડાય ગઈ: ‘ગયાત્રીભાભી......’ જવાબ નહિ . હું ફરીથી બુમ પાડવા ગઈ. લહેરાતા તુલસીના પણ ઉપર નજર કરીને મને યાદ આવ્યું કે ગયાત્રીભાભી ગઈ કાલે જ આ મકાન ખાલી કરી બીજે રહેવા ગયા હતા.

મારા પળવારના ભૂલકણાપણા પર મને મનમાંજ હસવું આવી ગયું. અંદર જઈ મોબાઈલ લઇ ગેલેરીમાં ફટાફટ પાછા આવી મે ગયાત્રીભાભીને ફોન લગાડ્યો: ‘હેલ્લો ગયાત્રીભાભી, જયશ્રી કૃષ્ણ’.

*************************************

નસીમ મહુવાકર
(મામલતદાર, મામલતદારની કચેરી, સુત્રાપાડા, જિ: ગીર સોમનાથ)