આસ્વાદ-સમીક્ષાલેખ

લોકપ્રિય નવલકથાઃ ધારાવાહી કથાના સંદર્ભે

નવલકથા સ્વરૂપનું એટલું વ્યાપક ખેડાણ અને વ્યાપક રીતે સંશોધન થયેલ છે કે બધી ચર્ચા અહીં અપ્રસ્તૃત લાગે છે. આપણને અભિપ્રેત છે એ પ્રકારની નવલકથાનું માળખું કંઇક આવું હોઇ શકે. એમ કહી શકીએ. આટલી ચર્ચા પછી નવલકથાના મુખ્ય પ્રકારોને વહેંચીના વાત કરીએ. આ પ્રકારો પણ આપણને સમજવા માટે સરળ પડે તે અર્થે જ છે. જેમ કે, ઇતિહાસની કોઇ ઘટના કે કાલ ખંડને નવલકથામાં લેવામાં આવે ત્યારે એને ઐતિહાસિક નવલકથા કહેવામાં આવે છે. આ સમજવા માટે પાડેલા ભેદ છે.

  1. ૧. સામાજિક નવલકથા.
  2. ૨. ઐતિહાસિક નવલકથા.
  3. ૩. જાનપદી નવલકથા.
  4. ૪. ચૈતસિક વ્યાપાર રજૂ કરતી નવલકથા.
    1. આવા મુખ્ય પ્રકારો ઉપરાન્ત હાસ્ય નવલ, ચિન્તન પ્રધાન નવલ, કરુણાન્ત નવલ, રહસ્ય અને કુતૂહલને પોષતી જાસૂસી કે થ્રિલર નવલ અને સેક્સવૃત્તિને આલેખતી પોર્નોગ્રાફીક નોવેલ જેવા પ્રકારો પણ હોઇ શકે છે.

      આ બધાં પ્રકારો જે તે નવલકથાના કેન્દ્રમાં રહેલા કથાવસ્તુના આધારે પાડવામાં આવેલા પ્રકારો છે. આવા કોઇપણ વસ્તુને જ્યારે મનોરંજક શૈલીએ આલેખવામાં આવે ત્યારે એને રંજન કથા કહેવાનો ચાલ પણ આપણે ત્યાં રહ્યો છે. આવી રંજનકથાના કોઇ વિશેષ લક્ષણો ન હોવા છતાં નવલકથાના મૂળ લક્ષણોમાં જ થોડાં પરિવર્તનો કરીને નિપજાવવામાં આવતી હોય છે. એ બધામાં કોઇ સર્વસામાન્ય લાક્ષણિકતા જોવી હોય તો તે છે સતત નજર સામે રહેતો વાચક. આ પ્રકારના લેખકો કૃતિની જરુરિયાત કરતા ભાવકના આનંદને , એની ઇચ્છાને , એને મનનું રંજન કઇ રીતે થશે ? – તેને ધ્યાનમાં રાખીને લખતા હોય છે.

      રંજનકથાનો લેખક વિશાળ સામાન્ય વાચકવર્ગની રૂચિ-અરૂચિ, સૂઝ અને સમજનો ખ્યાલ સતત રાખતો હોય છે. જેમકે, આપણે ત્યાં નારાયણ વસનજી ઠક્કુર, ક.મા.મુનશી, ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, જેવા લેખકો વાચકોની નાડ પારખીને લખનારાં લેખકો છે. આવી નવલકથાઓ વિશે રમેશ ઓઝા લખે છેઃ ‘કૃતિને લોકપ્રિય કેમ બનાવવી એની વતરણરુપે આંજી નાંખતો ચિંતનનો ખોટો ઘટાટોપ ઊભો કરવાની, વિષય નાવિન્યમાં રાચતી સસ્તી તરકીબો રચવાની મધ્યમતાને ગણાવી શકાય... એમાં વાચકની ભાગેડુ વૃત્તિને પંપાળવામાં આવે છે. રસકીય પ્રતિભાવ માટેની તાલીમની શક્યતા સર્જ્યા વિના યાંત્રિક પ્રતિક્રયામાં રાચતા કરી દેવાની ગમ્મત કરાવે છે. લગ્ન એટલે શરણાઇના સૂર અને મરણ એટલે પવનની ઝાપટમાં ઓલવાતો દીવો, એવા સમીકરણી પ્રતિભાવોનો કૃતિમાં જ સમાવેશ કરી આપવામાં આવે છે. અનુભવોના રહસ્યોમાં કોઇપણ પ્રકારનું ઊંડાણ સિદ્ધ કર્યા વગર, માનવવ્યવહાર પાછળના આકાર લેતા આશયોનું સૂક્ષ્મ આલેખન કર્યા વગર, ઉપરછલ્લા માત્ર નવીનતાનો આભાસ ઉપજાવતા, નિરીક્ષણો અથવા ચટાકેદાર વર્ણનો કરવામાં આવે છે. સુરેશ જોષીના મત મુજબ, વાચકની પોતાની દ્રઢ નીતિ જોડે જ તાળો મેળવી આપવાની તત્સમવૃત્તિ વિશેષતઃ સાચવવામાં આવે છે.– એવી સામગ્રીને એમણે લોકપ્રિય-કૃતિઓના વ્યાકરણ તરીકે ઓળખાવી છે. આપણા લોકપ્રિય લેખકોની કૃતિઓનું વિવેચન કરવામાં આવે તો આ બધી લાક્ષણિકતા જણાયા વગર રહે નહીં...[1]

      લોકપ્રિય લેખકો કોઇપણ ભોગે અનેક રીતે વાચકોને રસ પડે તેવી કથાઓ લખવા તત્પર રહે છે. ઘટનાઓની જમાવટ કરવા તરફ વધારે ધ્યાન આપે છે. પ્રત્યેક પ્રકરણના અંતે પછીનું પ્રકરણ વાંચવાની જિજ્ઞાસા પ્રબળ બને તેવું આલેખન હોય છે. ઝવેરચંદ મેઘાણી કહે છેઃ ‘વાર્તાકારની પહેલી ફરજ અને છેલ્લી પણ એક જ છે. વાર્તા સારી રીતે કહેવી ને વાર્તા જ કહેી. મેં પણ અહીં વાર્તા બસ વાર્તા જ કહેવાનો દાવો રાખેલ છે,’[2]

      ધૂમકેતુએ શાસ્ત્રીયતા અને સરસતા નામના લેખમાં બહુ સરસ રીતે લોકપ્રિયતા અને સાહિત્યિકતા વિશેની વિચારણા આપી છે. એ જોઇ લઇએઃ “શાસ્ત્રીયતાનો દાવો છે કે એના વર્તુળમાં જે ન આવી શકે તે અનધિકારી ગણાય. રસિકતાનો દાવો છે, કે કોઇ પણ ભોગે મોટું વર્તુળ જન્માવવું એટલે મારું કર્ત્તવ્ય પૂરું થાય છે...શાસ્ત્રીયતા અને રસિકતા એ બંને ગુસ્સે થયેલા અને એક બીજાને પીઠ દઇને બેઠેલા મિત્રો છે...(આજની) નવલકથાઓ, રસિકતા મરી ન જાય એની ચિંતામાં બે બૈરી ને એક પુરુષ કે એક પુરુષ ને બે બૈરી, એ પ્રેમત્રિકોણમાંથી મુક્ત થતી નથી. અને જે લોકોને આકર્ષવા આટલું બધું કરવામાં આવે છે, એ લોકો છેવટે તો આમ કરતાં કંઇક સહેલું, હલકું અને ટીખળી આપો, એવી માગણી મૂકે છે...શાસ્ત્રીયતા જીવનની શુદ્ધિ અને ક્ષણે ક્ષણની જાગૃતિ માગે છે. રસિકતા શુદ્ધિનો પવિત્ર આનંદ અનુભવવાની શક્તિ અને વિરલ ક્ષણોને પોતાની કરી લેવાની તત્પરતા માગે છે. એકના વિના બીજું અપૂર્ણ છે એટલું જ નહીં, નિર્માલ્ય અને નિષ્ફળ પણ છે.”[3]

      લોકપ્રિય નવલકથાઓ ઘટનાપ્રધાન હોય છે. એણાં અણધાર્યાં આવતાં વળાંકો, રહસ્ય, રોમાંચ અને રોમાંસ, પ્રેમ, વીર, અદભુત તત્ત્વો અને નાટ્યાત્મકતાનો પાર નથી હોતો. અશ્વિની ભટ્ટ સ્પષ્ટ જ કહે છેઃ ‘વાચક મારો આરાધ્ય છે. ગ્રાહક છે. એ જે માગે છે તે હું પુરેપુરું વળતર મળે એ રીતે આપું છું.’

      લોકપ્રિય કથાઓમાં બહુધા સમકાલીન માન્યતાઓ, ઘટનાઓ કે ‘હવા’ને આલેખવામાં આવે છે. મુનશીએ ‘કોનો વાંક ?’માં બાળલગ્ન, કજોડા, વિધવાવિવાહ, જેવા તત્કાલીન પ્રશ્નોને લીધેલા. ઇતિહાસના હાડપિંજર પર પણ તેમણે ઘણાં સમકાલીન રંગો જ પૂર્યા છે. ર.વ.દેસાઇએ સ્વાતંત્ર્ય સંગ્રામ, દારુબંધી, ગાંધીદર્શન જેવા સમકાલીન પ્રશ્નો લીધા છે. એના ઉદાહરણ બધે જ જોવા મળશે. એટલે જ દાણચોરી, ખૂન, ધાડ, મર્દાનગી, ગૂંડા ટોળીઓ, નશીલી ચીજોનો વ્યપાર, ગૂનાશોધકો, સાહસિકો અને ઓલ ટાઇમ ગ્રેટ એવો ભૂત-પ્રેતનો વિષય ભરપૂર રીતે પ્રયોજવામાં આવે છે. લોકપ્રિય નવલકથાની મહત્વની લાક્ષણિકતાઓ છે. સંવાદો ધારદાર હોવા એ ખાસ લક્ષણ બનીને મુનશીથી અશ્વિની ભટ્ટ સુધીમાં જોવા મળે છે.

      રઘુવીર ચૌધરી લખે છેઃ ‘ડિટેક્ટિવ વાર્તા, લોકપ્રિય નવલકથા અને ઉત્તમ સાહિત્યકૃતિનું એક સાથે વાચન કરનાર જરુર તારવી શકે કે જીવનની વ્યાપક અને માર્મિક અનુભૂતિ કલાત્મક અભિવ્યક્તિ પામે ત્યા સહ્યદયનું ચિત્ત સવિશેષ રમે છે. મોટા ભાગની રહસ્યકથાઓમાં કુતૂહલ ઉશ્કેરવાની વ્યુહરચનાથી વધું કશું હોતું નથી. ગુજરાતીમાં ‘આશકા માંડલ’ જેવી કથાઓ બહુ ઓછી હશે જે ઇતિહાસ, રાષ્ટ્રપ્રેમ, માનવસંબંધના નિરુપણમાં મૂલ્યદૃષ્ટિ સાવવાની સાથે સાથે રહસ્યકથા, ડિટેક્ટિવ વાર્તા હોય તો બીજી બાજુ મુનશી અને ર.વ.દેસાઇની કથાઓની લોકપ્રિયતા સમજવા મથનાર જોઇ શકશે કે વાચકનું કુતૂહલ જીવતું રહે.‘[4]

      આમ આખીએ ચર્ચા-વિચારણામાંથી લોકપ્રિયતા અને એ કૃતિઓની લાક્ષણિકતા, ખાસિયતો અહીં ઊભરી આવેલી જોઇ શકાશે. હવે પછીના પ્રકરણમાં શ્રી ક.મા.મુનશી., ઝવેરચંદ મેઘાણી, હરકિશન મહેતા અને અશ્વિની ભટ્ટની નવલકથાઓમાંથી ઊભરી આવતી લોકપ્રિયતાની કારિકાઓનો અભ્યાસ કરવાથી ધારાવાહી નવલકથાઓનો વિશેષ ખ્યાલ આવે તેમ છે.

      “આ પ્રાંતના ઘણાંખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્તાઓ વાંચવાનો ઘણો શોખ છે. પણ હજી સુધી એવી વાર્તાઓ ગદ્યમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે અને જે છે તે લોકોમાં પ્રસિદ્ધ નથી. આ ખોટ પૂરી પાડવાનો તથા અંગ્રેજી ગાથા તથા વાર્તાના જેવાં ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરવાને આ પ્રાંતના માજી એજ્યુકેશન ઇન્સપેકટર મહેરબાન રસેલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું.”

      આ શબ્દો છે ગુજરાતી પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ના સર્જક શ્રી નંદશંકર તુળજાશંકરે પ્રસ્તાવનામાં આપેલી નોંધના. આ કૃતિ ઇ.સ. ૧૮૬૬માં પ્રગટ થયેલી. એ જ અરસામાં વિદ્યમાન અને આપણાં પ્રથમ વિવેચક નવલરામે એના અવલોકનમાં લખ્યું કે, ‘એ જાતના પુસ્તક ગુજરાતી ગદ્યમાં અત્યારલગી ઘણાં થોડાં લખાયા છે. અને લખાયા છે તેમાં ‘સાસુવહુની લડાઇ’ એ નામની નાની હાસ્યરસની વાર્તા સિવાય સઘળાં પર ભાષાના તરજૂમા છે. અથવા એવી ઢપછપથી લખાય છે કે ગુજરાતીમાં પ્રસિદ્ધિ પામ્યાં નથી. તેથી એ ગ્રંથકાર કહે છે તેમ ખરેખર એ ગુજરાતીમાં પહેલું નોવેલ છે.’- ‘કરણઘેલો’ નવલકથાની રચનામાં વોલ્ટર સ્કોટની અસર હોવા છતાં કહી શકાય કે ગુજરાતનું એ પહેલું મૌલિક સર્જન છે.

      અંગ્રેજોએ ભારતમાં દાખલ કરેલા યુનિવર્સિટીશિક્ષણથી એક બૌદ્ધિક વર્ગ ઊભો થયો. તો બીજી બીજી બાજુ વહીવટી સરળતા માટે તાર-ટપાલ રેલવે અને છાપખાનાની શરૂઆત પણ થઇ. પહેલું છાપખાનું પારસીઓએ નાંખ્યું, પહેલું વર્તમાનપત્ર પણ પારસીઓએ કાઢેલું. પહેલો શબ્દકોષ તૈયાર કરવાનો યશ પણ એમને છે. આમ સમુહ-માધ્યમોના ઉદભવમાં પારસીઓનો બહુ મોટો ફાળો છે. આ માધ્યમોના આવિષ્કાર સાથે જ ગુજરાતી સાહિત્ય સમ્પૂર્ણપણે નવા સ્વરૂપે, નવા રંગેરૂપે અને મિજાજ સાથે ગતિ કરવા લાગે છે.

      છાપખાનાની સગવડ થઇ એટલે સામયિકો આવ્યાં. એ સાથે જ એમાં નવલકથાઓ (ખાસ કરીને રંજકકથાઓ)નો પણ આરંભ થયો. નવલકથા પ્રચાર પામવા લાગી. એ બધી કથાઓ ત્યારની અંગ્રેજી નવલકથાઓ કરતાં દોઢસો વર્ષ જૂની શૈલીની હતી. ઐતિહાસિક અને સામાજિક વાતાવરણને આલેખવાની સ્વસ્થતાનો અભાવ, સ્પષ્ટપણે જણાઇ આવે એટલો છીછરો છે. મોટાભાગે સુધારાના ખ્યાલો એમાં પડેલા જણાય છે. મહિપતરામ રુપરામ નિલકંઠ – ‘વનરાજ ચાવડો’, ‘સધરા જેસંગ’, જેવી ચરિત્રપ્રધાન કૃતિઓ આપે છે. શ્રી હરગોવિંદદાસ કાંટાવાળાની કૃતિ- ‘અંધેરી નગરીનો ગાંધર્વસેન’ એક ઉત્તમ વાર્તા અને કટાક્ષકથા કહી શકાય. એમાં એ સમયે રજવાડામાં પ્રવર્તતી સ્થિતિને કટાક્ષમય રીતે જોઇ છે.

      આવી રીતે ગુજરાતમાં નવલકથાનો આરંભ નબળો પણ ચોક્કસ દિશામાં થવા લાગેલો. ઉમાશંકર જોશી ‘સરસ્વતીચંદ્ર’ની વાત કરતી વખતે તત્કાલીન પરિસ્થિતિ વિશે લખે છે. ‘હિન્દમાં નવી યુનિવર્સિટીઓ, પશ્ચિમના અભ્યાસી વિદ્વાનોએ જેને ભવ્ય માનવ વારસા તરીકે વધાવ્યો હતો તે પ્રાચીન ભારતીય વિદ્યા રાશિના મહાન પ્રકાશમાં વિસ્તરણ, પ્રસારણ કેન્દ્રરુપ પણ બની હતી. આમ, યુનિવર્સિટીના નવા સ્નાતકો બેવડી સજ્જતા પામ્યાં હતાં. ૧૯મી સદીના યુરોપના ઉદાર-મતવાદ અને માનવવાદને તેમણે આત્મસાત કર્યો અને તેની સાથે સાથે આત્મ જીવન માટેની યુગ, યુગવાદી ભારતીય અભીપ્સા પર પણ એમણે શ્રદ્ધાભરી નજર ઠેરવી. પશ્ચિમના સંપર્કને પરિણામે જે બળો બહાર આવ્યાં હતાં એમણે ૧૯મી સદીના ઉત્તરાર્ધના આ યુનિવર્સિટી સ્નાતકો અને એમના જેવા નવશિક્ષિતોની કૃતિમાં સાહિત્યિક અભિવ્યક્તિ મળી.’[5]

      ગોવર્ધનરામ આવા જ એક સાક્ષર હતાં. એમણે પોતાની કૃતિ દ્વારા પશ્ચિમ અને ભારતીય સંસ્કૃતિના સારાં પાસાઓને આવકાર્યાં. ખરાબનો નિષેધ કર્યો. એમનામાં પહેલવહેલા સર્જકીય સભાનતા અને સ્વસ્થતાનાં દર્શન થાય છે. રઘુવીર ચૌધરી કહે છે એમઃ ‘રાજકીય વિચારોમાં આજે એ પૂરે પૂરા જૂનવાણી લાગે પણ સમગ્ર રીતે જોઇએ તો એ બહુ રૂઢિના બંધનોમાં ફસાયા નથી. સરસ્વતીચંદ્ર અને કુમુદના આત્મલગ્નની વાત એ કરી શક્યાં છે. તો કુસુમ અને કમળાના મુક્ત ઉછેરમાં નવો તરવરાટ જોવા મળે છે. કલ્યાણગ્રામની કલ્પના એ યુગના સંદર્ભે જોઇએ તો ચોક્કસ આશ્ચર્યજનક ગણાય. અને એટલે જ પ્રો. વિષ્ણુપ્રસાદે કહ્યું છે કે-કલાકાર તરીકે ગોવર્ધનરામની મોટી વિશિષ્ટતા એ છે કે, સરસ્વતીચંદ્રમાં જીવનના પ્રવાહનો અને તેની ઘનતાનો અનુભવ થાય છે. આટલી સઘનતાનો અનુભવ જગતની ઓછી નવલકથામાં થતો હશે.’[6]

      આગળ કહ્યું તેમ આપણી નવલકથા અંગ્રેજી સાહિત્યથી લગભગ દોઢસો વર્ષ પાછળ ચાલતી હતી. એમાં ‘સરસ્વતીચંદ્ર’એ અંતર ઘટાડવા બહુ મોટી છલાંગ લગાવી. પણ પછીના ગાળામાં શૂન્યાવકાશ સર્જાય છે. બીજી કોઇ મોટી સર્જકતા એ સમયમાં દેખાતી નથી. પરિણામે ગોવર્ધનરામે તૈયાર કરેલું પ્લેટફોર્મ વિખરાઇ જતું દેખાય છે. એ સમયે, (એટલે કે,૧૮૬૦-૧૯૧૭)માં ભોગીન્દ્રરાવની નવલકથાઓ એક સાથે પાંચપાંચ પત્રોમાં છપાતી હતી. ‘મૃદુલા’ (૧૯૦૭) અને ‘ઉષાકાન્ત’ (૧૯૦૮)માં પ્રગટ થઇ. ઠીક ઠીક જાણીતી થયેલી રમણભાઇ નિલકંઠની કૃતિ ‘ભદ્રંભદ્ર’ અવિસ્મરણીય બની રહેવા પામી. રમણભાઇએ એ સમયે ઠઠ્ઠાચિત્રો દોરવામાં કુશળતા દાખવી, પ્રાચીન પરસ્તિનો ઉપહાસ કર્યો.

      ઇ.સ.૧૯૧૫માં થયેલ ગાંધીજીનું આગમન ગુજરાતીમા નવા યુગના મંડાણની ભૂમિકા બની રહે છે. ગાંધીજી પ્રત્યક્ષરૂપે તો સાહિત્ય સાથે એટલા બધા સંકળાયેલા ન હતા. હા, સાહિત્ય અને કલાઓ પાસે એમનો મજબૂત આગ્રહ હોય તો તે ‘કોશિયો પણ સમજી શકે એવું લખાવું જોઇએ’- એ હતો.આ વાક્ય પાછળ રહેલ અર્થચ્છાયાંએ ગુજરાતી સાહિત્યમાં નવાં જ પ્રકારના ગદ્ય, વિષયો, વિચારોના વમળો પ્રસરાવ્યાં. જો કે,પંડિતયુગે પ્રસરાવેલી ચેતનાને પરિણામે પ્રગટેલો સુધારાવાદ અને પૂર્વ પશ્ચિમ સંસ્કૃતિ વિષયક ચાલતા વિચાર મંથનને કારણે ગાંધીજી અને એમના અનુયાયી સ્વાતંત્ર્ય પ્રેમીઓનું કાર્ય સરળ બની રહ્યું.જો પ્રજાનું આ પ્રકારનું ઘડતર ન હોત તો, ગાંધીજી આટલા સમયમાં અને આટલા પ્રભાવક ન જ નીવડ્યાં હોત !

      નવલકથાનો બીજો મુકામ બને છે ગદ્યસ્વામી શ્રી ક.મા.મુનશી (૧૮૮૭ થી૧૯૭૧) ‘વેરની વસુલાત’ (૧૯૧૩), અને ‘કોના વાંકે ?’ (૧૯૧૫)થી તે સાહિત્યમાં સક્રિય બને છે. એ સમયે તેઓ મુખ્યત્વે રંગદર્શી રહ્યા છે. એમના પુરોગામીઓ પ્રચલિત ઇતિહાસ અને દંતકથાનો આશ્રય લે છે. તો મુનશી પ્રબંધ આદિ સાહિત્ય અને વેદાંતનો આધાર લઇને આવે છે. વાચનરસિયા ગુજરાતી ભાવકોને મુનશી ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬), ‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૦), ‘રાજાધિરાજ’ (૧૯૨૨) અને ‘સ્વપ્નદૃષ્ટા’(૧૯૨૪) જેવી નવલકથાથી આંજી નાંખે છે. મુનશી આ કૃતિઓ દ્વારા અભૂતપૂર્વ લોકાદરની સિદ્ધિ પામ્યાં. એમણે વાચનરસ બહેકાવ્યો. ગુજરાતને સ્વપ્નો આપ્યાં. પહેલીવાર ગુજરાતની અસ્મિતાનો મહિમાં એમણે કર્યો. ગુજરાતી પ્રજાને ગૌરવની અનુભૂતિ કરાવી. મુનશીએ સોલંકી યુગની જેમ જ પ્રાચીન ભારતીય આર્ય સંસ્કૃતિના વેદ અને વેદોત્તર કાળને પણ વિષય બનાવી ભારતના ભૂતકાળને વર્તમાન માટે આલેખ્યો. ભગવાન ‘પરશુરામ’(૧૯૪૬), ‘લોમહર્ષિણી’ (૧૯૪૫) જેવી નાટ્ય કૃતિઓમાં કથારસ મહત્ત્વનો બની રહે છે.

      મુનશીના સમકાલીનોમાં એક શ્રી નારાયણ વસનજી ઠક્કુર દર વર્ષે ઓછામાં ઓછી એક મનોરંજન કથા આપતાં. શીર્ષક એક નહીં બે રાખતાં ! ઇતિહાસ, ઉપદેશ, રહસ્ય, હિન્દુ માનસ, અને કથાભાગના કુલ પૃષ્ઠના પ્રમાણમાં ચોથા ભાગની જાહેરખબરો આવતી. એ ભૂલાવા જોઇએ તે કરતાં પણ વહેલા ભૂલાઇ ગયા !

      મુનશીના બીજા સમકાલીન છે શ્રી ર.વ.દેસાઇ (ઇ.સ.૧૮૯૨થી ૧૯૫૪) એ સમયે ‘યુગમૂર્તિ વાર્તાકાર’ ગણાયેલા, આજે અસરકારક રહ્યા ન હોવા છતાં એક સમયે મોટા લોકપ્રિય નવલકથાકાર રહ્યાં છે. સુધારા, રહસ્યમય પાત્રો અને પ્રણયત્રિકોણ એમની મનપસંદ પ્રયુક્તિઓ રહેલી. અસ્પૃશ્યતા નિવારણ, અહિંસા, ગ્રામોદ્ધાર જેવા ગાંધીવિચારોને પોતાની કૃતિઓમાં આલેખ્યાં. ગુજરાતી નવલકથાઓમાં નોંધપાત્ર ગણી શકાય એવી ‘દિવ્યચક્ષુ’ (૧૯૩૨), ‘ગ્રામલક્ષ્મી’ (૧૯૩૩-૩૭) ભાગ-૧-૪, ‘જયંત’ (૧૯૨૫), ‘શિરીશ’, ‘કોકિલા’ (૧૯૨૭), ‘પૂર્ણિમા’ (૧૯૩૨), ‘સ્નેહયજ્ઞ’ (૧૯૩૧) જેવી એમની નાની નવલકથાઓ છે. મોટાભાગની રચનાઓમાં ગાંધીવિચારના પ્રવર્તક યુવાન-યુવતીઓના પ્રેમની કથાઓ છે.

      ર.વ.દેસાઇ પછીના શ્રી ઝવેરચંદ મેઘાણીને પણ પુષ્કળ વાચકવર્ગ મળેલો. એ અને ગુણવંતરાય આચાર્ય (૧૯૦૦થી ૧૯૬૭) ચોથા દાયકામાં વાચકોનું સન્માન પામેલા લેખકો છે. ગુણવંતરાયની સાગરકથાઓએ નવા જ વિષય અને સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના ઇતિહાસનો ગુજરાતી વાચકોને પરિચય કરાવ્યો. પૂર્વના કોઇપણ કથાકાર કરતાં કૃતિઓની સંખ્યામાં એ આગળ નીકળી ગયેલા. એમનામાં ભાષાનું જ્ઞાન હતું પણ સંયોજવાની કળાનો અભાવ હતો. મેઘાણી ‘સોરઠ તારાં વહેતા પાણી’ દ્વારા પ્રાદેશિક નવલકથાનો વિષયમાર્ગ મોકળો કરી આપે છે. એમાં પ્રદેશ દેખાય છે. ચિત્રો નવા આપે છે. એમાં પ્રદેશના લક્ષણો ઉપસે છે. સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે આકારિત થઇ રહેલી રાજકીય જાગૃતિનું આકલન આ કૃતિમાં જોવા મળે છે. તો ‘તુલસી ક્યારો’ એક સામાજિક નવલકથા છે. સામાજિક સ્થિતિસ્થાપકતાની જાળવણીની તેઓ ચિન્તા કરે છે. હિન્દુ સમાજની કૌટુંબિક વાસ્તવિકતાની મેઘાણીની સમજ અહીં પ્રગટ થાય છે.

      વચ્ચે એક નોંધપાત્ર અને ખાસ તો વાર્તાકલાના શિખર પર વિરાજેલા ધૂમકેતુની નવલકથાઓ વિશે પણ નોંધ કરવી જરુરી બને છે. ‘પૃથ્વીશ’ (૧૯૨૩), ‘રાજમુગુટ’ (૧૯૨૪), ‘રુદ્રશરણ’(૧૯૩૭) તો ઐતિહાસિક નવલકથાઓમાં ‘ચૌલાદેવી’ (૧૯૪૦), ‘રાજસન્યાસી’ (૧૯૪૨), ‘કર્ણાવતી’ (૧૯૪૩), ‘વાચિનીદેવી’ (૧૯૪૫), મુનશીની કૃતિઓ જેવા જ તત્ત્વો ધૂમકેતુ અજમાવે છે પણ મુનશી જેમ ઇતિહાસ સાથે છૂટ નથી લેતા. ભાષા અને સંવાદની બાબતે સંયમ રાખે છે. પરિણામે ધૂમકેતુ વાતાવરણ ઘડી આપે છે, મુનશી એના પર ઇમારત ચણતા જણાય છે. ધૂમકેતુની એ મર્યાદા બની રહે છે. મેઘાણીએ લોકકથાઓ નવલિકાઓ, અને નવલકથાઓના લેખનમાં તળપદી ભાષાનો વ્યાપક વિનિયોગ શરૂ કર્યો. એ માટે અનુગામી નવલકથાકારો એમના ઋણી છે.

      શ્રી પન્નાલાલ પટેલ, ઇશ્વર પેટલીકર, મનુભાઇ પંચોળી, ચુનિલાલ મડિયા, મોહનલાલ મહેતા ‘સોપાન’, પિતાંબર પટેલ, પુષ્કર ચંદરવાકર, ચંદ્રવદન શુક્લ, યશોધર મહેતા, જયભિખ્ખુ, મોહનલાલ, ચુનિલાલ ધામી, દેવશંકર મહેતા, સારંગ બારોટ, વિઠ્ઠલ પંડ્યા, રસિક મહેતા, આદિ વિશાળ વાચક વર્ગમાં વહેંચાયેલા લેખકો છે. એમાંના કેટલાક લેખકો પાસેથી નોંધપાત્ર નવલકથાઓ મળી છે. સામાજિક, રાષ્ટ્રીય, ધાર્મિક વિષયો પર ૧૯૪૦ પછી સંખ્યાબંધ નવલકથાઓ લખાઇ છે.

      શ્રી મેઘાણીએ કંડારેલી જાનપદી નવલકથાની કેડી પર સફળતાની સિદ્ધિ લઇને આવે છે શ્રી પન્નાલાલ પટેલ. લાગણીની પ્રાકૃત શક્તિને આલેખતી લોકભાષા એ એમની આરંભિક કૃતિઓમાં પ્રગટતું લક્ષણ છે. ઇડર બાજુના પ્રદેશની બોલચાલની ભાષાને પોતાના સાહિત્યમાં આલેખી આપવામાં ઉમાશંકર પછી પન્નાલાલનું નામ મુકી શકાય એમ સુન્દરમ્ નોંધે છે.[7]

      ઉત્તર ગુજરાતના ખૂણે ખાંચરે પડેલા અશિક્ષિત માણસની વાત કરતાં પન્નાલાલે નિરાડંબર વસ્તુલક્ષી આલેખનની સબળતા દાખવી છે. ‘વળામણા’ (૧૯૪૦), ‘મળેલા જીવ’ (૧૯૪૧) શુદ્ધ ગ્રામજીવનની કથાઓ આવી. એની ભાષા અને સ્થળ જ નહીં ભાવજગત અને સમસ્યા પણ તળના ગ્રામજીવન પર કેન્દ્રિત થતાં હતાં. એ પછી ‘માનવીની ભવાઇ’ એ તો આખા પ્રદેશને અને છપ્પનિયા દુકાળના ગુજરાતને આલેખીને એક વિશિષ્ટ ઇતિહાસ જ સર્જી આપ્યો. પન્નાલાલની આ કૃતિઓ અને પાત્રોએ એમને દેશના સાહિત્યકારોની અગ્ર હરોળમાં સ્થાન અપાવ્યું છે.

      આ પ્રવાહને મજબૂત કરે છે ઇશ્વર પેટલીકર અને ચુનિલાલ મડિયા. ચુનિલાલ મડિયાની ‘પાવકજ્વાળા’ (૧૯૫૪) અને ‘વ્યાજનો વારસ ’ (૧૯૪૬) સોરઠી રંગની ભાષા, ભાવ, વાતાવરણ, પરંપરા અને સમાજને આલેખે છે. જયંતિ દલાલ ‘ધીમુ અને વિભા’ (૧૯૪૩)માં ભાવના આદર્શ અને સ્વરાજ્યપ્રેમ આલેખે છે. પેટલીકર ખેડા જિલ્લાના તળપદા જીવનના આલેખનથી માંડીને નગરજીવનની સમસ્યાઓ સુધીનું આલેખન કરે છે. ગુજરાતી સમાજનું યથાતથ ચિત્રણ કરતા રહે છે. પોતે પત્રકાર હોવાથી આલેખન સરળ અને વાચકને કેન્દ્રમાં રાખીને કરે છે. યૌન સંબંધો અને લગ્નજીવનના પ્રશ્નોને એ રુઢિ કે વળગણથી જોવાના બદલે સામાજિક વ્યવસ્થા અને માનસશાસ્ત્રીય કોણથી જોઇને ઉકેલો સૂચવે છે. ચૂનિલાલ મડિયાની ‘વ્યાજનો વારસ’ને ઉમાશંકર જોશીએ નાયક વિનાની નવલકથા કહી છે. ભાષાની દૃષ્ટિએ મડિયા પર મેઘાણીનો પ્રભાવ દેખાય. ધર્મ, સમાજ અને નગરજીવન જેવા વિષયો મડિયાને પ્રિય છે.

      મનુભાઇ પંચોળી આ પરંપરાથી અલગ પડે છે. એમનું સન્ધાન આદ્ય નવલકથાકાર ગોવર્ધનરામ સાથે અનુભવાય છે. ‘દીપનિર્વાણ’(૧૯૪૪) ઔતિહાસિક નવલકથામાં સાંસ્કૃતિક વાતાવરણ આલેખીને રસપ્રદ ચિત્ર આપવાનો પ્રયાસ છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી ’માં પણ રચનારીતિ અને પાત્રોનું કુળ ‘સરસ્વતીચંદ્ર’ સાથે અનુભવાય છે.

      સારંગ બારોટ છઠ્ઠા દાયકામાં ઊભરી આવે છે. ‘અગનલેખ’(1952)માં રમણલાલ જેમ વાર્તાની વચ્ચે વચ્ચે વિચારો રજુ કરે છે. એમની મર્યાદા વાર્તા સંકલનમાં છે. પીતાંબર પટેલ રહી રહીને ‘ખેતરને ખોળે’ જાય છે. ચિત્રો આપવાની શક્તિ પીતાંબર પટેલમાં છે. પણ ઘનતા નથી. ‘ધરતીના અમી’, ‘મંગલ ભાવના’- જેવી કૃતિઓમાં જાનપદી તત્ત્વો હોવા છતાં પ્રતિબદ્ધતાના પ્રશ્નો ઊભા થયા કરે છે. શિવકુમાર જોશી, ચંદ્રકાન્ત બક્ષી, અને મોહમ્મદ માંકડ અને ભગવતીકુમાર શર્મા. છઠ્ઠા દાયકાના હોવા ઉપરાન્ત નવા પ્રકારના નવલકથાકારો છે. નવા વિષયો, નવી જ સમસ્યાઓ લેખનની નવી જ રીતો અપનાવનારાં આ સર્જકો છે. સ્ત્રી પુરુષોના સંબંધોનું ખુલ્લું અને અપૂર્વ આલેખન, બંડખોર ભાષા, અરૂઢ એવા વિચારોથી માંડી ઘટનાઓ આલેખીને વાચકચિત્તને ઝકજોળવાનું કામ આ નવા નવલકથાકારો કરે છે.

      શિવકુમાર જોશીની ‘કંચુકી બંધ’ (1956), ‘અનંગરાગ’ જેવી કૃતિઓમાં સ્ત્રી-પુરુષના અંગત જીવનનું આલેખન થયું છે. ખુમારીભર્યા સ્ત્રી પાત્રોને છેવટે ભાવુક બનાવીને સંતોષ પામવો એ શિવકુમારની લાક્ષણિકતા રહી છે. ‘આભ રૂવે એની નવલખ ધારે’માં મુક્તભોગની ભાવુક સ્થિતિ આલેખી છે.

      મહોમ્મદ માકડ અને ભગવતીકુમાર શર્મા બંને મુક્તમને ખુલ્લા રહેતા નવલકથાકારો છે. એ આજુબાજુના સમાજને જુએ છે. સમજે છે. બન્નેએ નવલકથાના સ્વરુપ અને સામગ્રી વિશે નોંધપાત્ર સભાનતા દાખવી છે. સમકાલીન પ્રેમ અને યૌન સંબંધને સમજવાનો પ્રયત્ન કરતા રહે છે. માકડ નગર અને ગામ બંનેને પ્રભુત્વ સાથે આલેખી શકે છે. જ્યારે ભગવતીકુમાર શર્માને અલંકરણનો શોખ નડે છે. કૃત્રિમ લખાણ અને અસંતુલનનો ભોગ બનતા જણાય છે.

      ‘પડઘા ડૂબી ગયા’થી જ ચંદ્રકાન્ત બક્ષી જુદી મુદ્રા લઇને આવે છે. પ્રસ્થાપિત મૂલ્યોને તોડવા, બેચેની અને આવેશથી ભટકતા પોતનામાં જ રમમાણ રહેતા પાત્રોનું સભાન આલેખન. દરેક નવલકથા ખંત અને ચીવટથી લખે. આકાર પછી નવી નવલકથાથી એમનું સ્થાન અવિચળ બને છે. ઔદ્યોગિક ક્રાંતિ, નગરજીવનમાં વરતાતો મોકળાશનો અભાવ, સમાજ અને વ્યક્તિ પરથી ઘટેલી ધર્મની અસર, વાહનો અને સંદેશાવ્યાવહારે જીવનમાં લાવેલા બદલાવ, સમુહમાધ્યમોના કારણ જન્મેલી માહિતી સમૃધ્ધીની જીવન પર અસર, અશ્રદ્ધા અને અસ્તિત્વનો લગતી શંકામાંથી જન્મેલું ચિન્તન અને આ બધાને એકસૂત્રે અને બળકટ રીતે રજૂ કરતી ગુજરાતી સાહિત્યમાં સાવ અનોખી લાગતી એમની આગવી ભાષા. એ ભાષા પાસે જબરું કામ લઇ શક્યાં છે.

      આજનો નવલકથાકાર જીવનઅનુભવને કોઇ બીબામાં જડ કરવા નથી માગતો. એ અનુભવને જ અર્થ માને છે. અર્થને નકારતો નથી. ચન્દ્રકાન્ત બક્ષીએ પોતની બરછટ રીતે માનવજીવનના એક વિચિત્ર બહુકેન્દ્રી જણાતા, છતાં નથી જ જે તેવા આકારને રચવા નવલકથા સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. હેન્રી મૂરના શિલ્પો વચ્ચેના પોલાણો એમનાં પાત્રોની છાતિમાં મળી આવે છે. આથીયે વિશેષ તીવ્રતાથી જેના અનસ્તિત્વનો અનુભવ આપણને થાય છે તે ‘ચહેરા’નો નિષાદ. ‘અમૃતા ‘નો અનિકેત અને ‘પળના પ્રતિબિંબ’ નો દિલાવર.[8]

      ઇ.સ. 1963માં ક્ષિતિજના નવલકથા વિશેષાંકમાં સુરેશ જોષીએ ગુજરાતી નવલકથાનું નિરાશાજનક સરવૈયું કાઢતા સ્વરૂપ, પાત્રવિધાન અને ટેકનિકને લગતા પોતાના વિચારો પ્રગટ કરીને સમકાલીન નવલકથા વિશે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સુરેશ જોશી ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના પ્રવર્તક ગણાયા. વિવેચનમાં નવા સિદ્ધાંતો અને ખાસ કરીને ‘ઘટનાનું તિરોધાન’, ‘ટેકનિકકેન્દ્રી આલેખન’, અને ‘ભાષા વાહન નહીં પણ કૃતિના અંગરુપ ઘટક’ હોવાની કરેલી ઘોષણા પછી ગુજરાતી સાહિત્યની દિશા ધરમૂળથી બદલાય છે. એમનું ‘અર્થઘન ગદ્ય’ અને એમની ‘ટેકનિકકેન્દ્રી કૃતિ’ઓ એક વિરલ ઘટના બની રહી છે. એમણે ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ જેવી નવલકથાઓના કાચા મુસદ્દા પણ પોતાના સ્થાપેલા સિદ્ધાંતોના સમર્થનમાં પ્રકાશિત કરી હતી.

      રઘુવીર ચૌધરી એક મજબૂત નામ બનીને સાહિત્ય જગતમાં પ્રવેશે છે. વિવિધ વિષયો અને વિવિધ પ્રકારની ડઝન જેટલી નવલકથાઓ એમણે આપી છે. એમાં ‘અમૃતા’, ‘ઉપરવાસ કથાત્રયી’, ‘ઇચ્છારામ’ અને ‘સોમતીર્થ’ અગત્યની નવલકથાઓ છે. ‘અમૃતા’માં ભારતીય બૌદ્ધિક વર્ગની અસ્તિત્વલક્ષી અને વૈચારિક કટોકટીનું આલેખન છે. અતીત અને અનાગત, સ્મૃતિ અને પ્રેમમાં માનતો, અખિલાઇના સંદર્ભમાં વ્યક્તની વફાદારીમાં વિશ્વાસ ધરાવતો અનિકેત મૂલ્યો સાથે સમાધાન કરતો, કેવળ વર્તમાનને ક્ષણના સંદર્ભમાં સ્વીકારી અસ્તિત્વને આકારવાનો આગ્રહી ઉદયન છે. એ બે વચ્ચે છે અમૃતા. પસંદગીના દ્વન્દ્વમાં એ ફસાઇ છે.

      અહીં પહોંચ્યા પછી ફરી એકવાર નવલકથાના આખાય વિકાસક્રમને જોઇ લઇએ. ત્યાર પછી છેલ્લા અને વર્તમાન એવા તબક્કાની વાત કરીશુ.

      પરિવર્તનના મહત્વના તબક્કાઓ આ પ્રમાણે છે.

      1. 1. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી,
      2. 2. શ્રી કનૈયાલાલ મુનશી.
      3. 3. ર.વ.દેસાઇ અને ઝવેરચંદ મેઘાણી.
      4. 4. પન્નાલાલ પટેલ, દર્શક અને જયંતિ દલાલ.
      5. 5. નવા નવલકથાકારો.

      ચોથા તબક્કાથી રચનાસંકલના તરફની સભાનતા વધતી જોવા મળે છે. આલેખનની વિવિધ પ્રયુક્તિઓની શોધ ચાલે છે. વિષયો, રચનારીતિ, પાત્રો અને મૂલ્યોમાં આવેલા પરિવર્તનને આલેખવાની મથામણ આ તબક્કામાં જોઇ શકાય છે. યંત્રયુગનો પ્રભાવ વધારે ને વધારે સ્પષ્ટ થતો જાય છે. આમ છતાં આખીયે નવલકથા પરંપરાને જોઇએ તો એક મોટી ઉણપ નજરે ચડ્યા વિના નથી રહેતી. તે છે. સર્જક પાસે જોઇએ તેટલું અનુભવવિશ્વ નથી. અને અનુભવ નથી એટલે એટલા મોટા વૈવિધ્યની ગૂંજાઇશ પણ નથી. પરિણામે નગર, ગ્રામ, પ્રેમ અને એના ત્રિકોણ, એકની એક પ્રયુક્તિઓ, પરિસ્થિતીઓની હારમાળા થોડાંઘણાં ભેદે આલેખાયા કરે છે. એક લેખક થોડું કંઇક નવું કરવા મથે તો એની સસ્તી નકલો કેટલીયે પ્રકાશિત થઇ જાય તેવું બન્યું છે. યુરોપ કે અમેરિકન સાહિત્યમાં જે વ્યાપ જોવા મળે, જે વૈવિધ્ય જોવા મળે તે ગુજરાતીમાં હજી એટલી મોટી માત્રામાં જોવા મળી નથી. આટલો વિશાળ સાગર કાંઠો હોવા છતાં સુકાની અને ગુણવંતરાય આચાર્ય જેવા બે જ નવલકથાકારો આપણને દરિયાનું આલેખન કરતા હોય એવા મળ્યા છે. કચ્છથી માંડીને ડાંગ સુધીના વ્યાપમાં ફેલાયેલા પ્રદેશને હજી ખરા અર્થમાં આલેખવાનો બાકી હોય તેવું લાગ્યા વિના નથી રહેતું. કિશોર કથાઓનો તો સદંતર અભાવ વર્તાયા કરે છે. ક્લ્પનાલોક, વિજ્ઞાનકથાઓ, પરીકથાઓ, સાહસકથાઓ જેવાં કેટલાંય ક્ષેત્રો હજીએ અસરકારકતાથી ખેડાયા વિનાનાં જણાય છે.

      આજે વળી લોકપ્રિય કથાલેખન તરફનો ઝોક વધી રહ્યો છે. મોટા પ્રમાણમાં નવલકથાલેખન ચાલી રહ્યું છે. વર્ષે અનેક નવલકથાકારોની રચનાઓ પ્રગટ થાય છે. વિવેચકો એ બધાને નજરતળેથી કાઢી પણ ન શકે એટલી મોટી સંખ્યામાં ઉત્પાદન ચાલ્યા કરે છે. અનેક વર્તમાનપત્રો, સામયિકો, ફિલ્મો, સિરિયલ્સની મોટી માંગના કારણે પણ આમ હોઇ શકે. પણ એ બધામાંથી નક્કર કહી શકાય એવું કેટલું ? એ પ્રશ્ન છે. સક્રિય એવા લેખકોના નામ નીચે જણાવી રહી છું.

      કુન્દનિકા કાપડિયા, સરોજ પાઠક, હરિન મહેતા, શશી શાહ, રમણભાઇ પાઠક, ચંદુલાલ સેલારકા, લલિતકુમાર બક્ષી, દિનકર જોશી, ચિનુ મોદી, જ્યોતિષ જાની,સુમન શાહ, વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા..પછીની પેઢીમાં યોગેશ જોશી, અશોકપુરી ગોસ્વામી, કાનજી પટેલ, મોહન પરમાર, જોસેફ મેકવાન, બિંદુ ભટ્ટ, મણિલાલ હ. પટેલ, વિનેશ અંતાણી, ધીરેન્દ્ર મહેતા, જેવા નવલકથાકારો અત્યારે કાર્યરત છે. પરંતુ એમની દિશા કે સ્વરુપની બાબતે કોઇ વિશિષ્ટ મુદ્રા હજી સુધી જન્મી આવી નથી. દલિતચેતના, નારી ચેતના અને એથીએ આગળ વધીને અપંગોની ચેતના સુધી વિસ્તરતી ક્ષિતિજોમાં અત્યારે તો ખાલીખમ ભાસે છે. લખાઇ રહ્યું છે, કશુક તો નવું જન્મી જ આવશે..

      હા, આ બધાની અવગણીને, કે ધ્યાન પણ આપ્યા વિના એક સમાન્તર પ્રવાહ ચાલ્યો આવે છે. એમાં કશા મોટા પ્રયોગોને અવકાશ નથી. એમાં ઇતિહાસ કે સંશોધન કે કશાય શાસ્ત્રીય બંધનોનો છોછ રાખવામાં આવતો નથી. એ ચાલે છે માત્ર વાચકની ભૂખને સંતોષવા. એના ચિત્તને બહેલાવવા માટે થઇને જ. નિયમિત રીતે છાપાઓમાં, રેલ્વે અને બસ સ્ટેન્ડના બુક સ્ટોલ પર એના ઢગલા ખડકાય છે ને એમ જ વંચાય છે પ્રવાસમાં, સમય પસાર કરવા માટે એવા લેખકોમાં અત્યારે સક્રિય છે પ્રિયકાન્ત પરીખ, ચંદ્રકાન્ત બક્ષી (વર્તમાન સ્વરુપમાં), હરિકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, કનુ ભગદેવ, ગૌતમ મહેતા, પરાજિત પટેલ, રજનીકુમાર પંડ્યા, જિતેન્દ્ર પટેલ વગેરે. આ લેખકો આજે મોટા પાયે વંચાય છે.

      વિઠ્ઠલ પંડ્યા અને પ્રિયકાન્ત પરીખ સમાજ અને રહસ્ય કથાઓના લક્ષણો સેળભેળ કરીને લખનારાં છે. વિઠ્ઠલ પંડ્યાએ પચાસ તો પ્રિયકાન્ત પરીખે પણ અડધી સદી ઉપરની નવલકથાઓ લખી છે. સુરુચિભંગ ન થાય તે રીતે શહેરી સમાજનું મનોરંજન કર્યું છે. પાત્રોના વિશિષ્ટ નામો પાડવામાં પરીખનો જોટો જડવો મુશ્કેલ છે. એકના એક સ્થળોના વર્ણનો એમની કેટલીયે નવલકથામાં વણાઇને આવે છે. પોતે જ્યાં પણ જાય, જુએ, કરે તે થોડા જ સમયમાં એમની રચનાઓમાં આલેખાઇને આવી જાય છે વાચકોની સામે !!! વિભાવરી દવે, ..... જેવા નામો આજે સક્રિય છે.

      આ છે આપણી ગુજરાતી નવલકથાનું આછુપાતળું ચિત્ર. અનેક નામો રહી પણ ગયા છે. જેનું કોઇ કૃતિ કે જે તે સમય પૂરતું મહત્ત્વ કદાચ પ્રગટ્યું હોય પણ કાળના અખણ્ડ પ્રવાહમાં એ લુપ્તપ્રાયઃ બની ગયા હોવાનો સંભવ છે. છતાં એમના પ્રદાનનું મૂલ્ય જરાં પણ ઓછું નથી. એમણે જન્માવેલા નાનકડાં વિચાર પિન્ડમાંથી જ મોટા ગજાના સર્જકોને સામગ્રી મળી રહેતી હોય છે ને એ જોઇને તો એવા સર્જકો મર્યાદાઓ ટાળી શકતા હોય છે. વિશ્વકક્ષાની નવલકથા હજી ગુજરાતીમાં આવશે… રાહ જોવાની છે...!

      *************************************

      ::: સંદર્ભ :::
      1. 1. રમેશ ઓઝા, સ્વરુપ સન્નિધાન. પૃ.-૧૭૭
      2. 2. ઝવેરચંદ મેઘાણી, વેવિશાળ(૧૯૩૯)નિવેદન.
      3. 3. સાહિત્ય વિચારણા. લેખ- શાસ્ત્રીયતા અને સરસતા. પૃ. 109.
      4. 4. ગુજરાતી નવલકથા. પૃ-૪૬૯
      5. 5. નિરીક્ષા. પૃ.-૩૧૩
      6. 6. ર.જો કૃત. ગોવર્ધન- એક અધ્યયન. પૃ.-૨૭૯
      7. 7. અવલોકના. પૃ.-૪૧૮
      8. 8. ગ્રંથનો નવલકથા વિશેષાંક(ડિસેમ્બર-1996)

      *************************************

ડૉ. નરેશકુમાર શુક્લ, 53-એ, હરિનગર સોસાયટી, મુ. વાવોલ, ગાંધીનગર, પીન-382016