વાર્તાવારિધિ

હું અને સરલા

લે. ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા

મારા અને સરલાના જીવનમાં પ્રથમથી જ કાંઇ એવા બનાવો બનતા આવ્યા છે કે જેથી ત્રાહિત મનુષ્યોને હાસ્યરસની ઊર્મિ ઉછળી આવે અને અમને એથી કાંઇક જુદી જ જાતની લાગણી થાય.

હું યુવાન હતો, કૉલેજમાંથી પરવારીને તરતનો નોકરીમાં રહ્યો હતો; સરલા સાધારણ અભ્યાસ પૂરો કરીને ભરવા ગૂંથવાના કલાસમાં જતી હતી. હું એને ઓળખતો હતો. તે મને ઓળખતી હતી. અમે ઉભય લગ્નથી જોડાવાને રાજી હતાં, ઉત્સુક હતાં સરલાના પિતાની ઇચ્છા કાંઇક વિરુદ્ધ હતી.

એક દિવસ નાતાલની રજા અગાઉ એકાએક બેએક દિવસ પહેલાં મારા ઉપર સ્નેહવદનની પત્નીનો પત્ર આવ્યો; અંદર લખ્યું હતું : " તમે આ નાતાલની ત્રણેક દિવસની રજા ગાળવા જરૂર મલાડ આવો. સરલાને પણ મેં બોલાવેલી છે એટલે તમને ઉભયને આનંદ થશે." પછી કેટલીક પ્રાસંગિક બાબતો લખીને છેલ્લાં લખ્યું હતું કે, " તમે એમનો સ્વભાવ તો જાણો છો,પણ બનતા સુધી તો એમને તમારી આડે નહિ આવવા દઉં"

આ પત્ર વાંચીને હર્ષથી પ્રફુલ્લ થઇ ગયો, સ્નેહવદનની પત્ની શોભનાને અનેક આશિષ આપવા લાગ્યો. સ્નેહવદન વિષેનું તેનું લખાણ જરા મારા મનમાં ખુંચ્યું પણ પાછળથી "એ બિચારો શું કરવાનો છે" એમ ધારીને મન વાળ્યું. બિચારા સ્નેહવદનનો સ્વભાવ કાંઇક વિચિત્ર હતો. સર્વ મનુષ્યો તરફ તે ઉપકાર કરવા જતો પણ કોણ જાણે શાથી ઉપકારને બદલે કાંઇક ઉંધું જ વેતરાતું. સ્નેહવદન પોતાની ભલાઇથી ગમે તે કરવા ધારે પણ નસીબ તેની પાસે એવાં કાર્યો કરાવતું. પરિણામે તેને બિચારાને જશમાં જૂતિયા જ પડે ! વળી મને બિચારી, ભલી શોભનાનો વિચાર આવ્યો : " અહો ! કેવી માયાળુ ! અમારે માટે એણે કેટલી મહેનત કરી છે !"

જવાનો દિવસ જેમ તેમ કરતાં આવ્યો. હું હાથમાં ન્હાની બેગ લઇને ગ્રાંટ રોડ ઉપર ૩-૧૫ની ટ્રેન પકડતા ઉપડી ગયો. ત્યાં જઇને જૌં છું તો સરલા પણ નાની બેગ લઇ સ્ટેશન ઉપર ફરતી હતી. મેં તેને સાહેબજી કરીને પૂછી જોયું તો જણાયું કે શોભનાએ તેના ઉપર પણ આમંત્રણ મોકલ્યું હતું અને તેમાં આ જ ટ્રેન અનુકૂળ આવશે એમ જણાવ્યું હતું. બન્ને જણ એક જ સ્થળે જવાનાં હતાં એટલે સ્વાભાવિક રીતે અમે વાતે ચઢ્યાં. મારા મનમાં એમ થયા કરતું હતું કે આજે સેકન્ડ કલાસમાં પેસેંજરોની ભીડ નહિ હોય તો સારું !

ટ્રેન આવી પહોંચી. પેસેંજરો બહુ નહોતા; સેકન્ડ કલાસના ડબા ખાલી હતા. એક ખાલી ડબામાં મેં સરલાને બેસાડી, બન્ને બેગ અન્દર મૂકી અને વ્હીસલ થઇ એટલે મેં પણ ઉપર ચઢીને બારણું બંધ કર્યું એટલામાં સ્નેહવદન હાફળા ફાંફળા દોડતા આવીને અમારા સબામાં ચઢી બેઠા. ચાલતી ટ્રેને ચઢવાથી અને તે પકડાવાના પ્રયાસમાં આઘેથી દોટ મૂકવાથી તેમનો શ્વાસ ભરાઇ આવ્યો હતો તે શમી ગયો. પછી મોં રૂમાલથી લૂછતાં સ્નેહવદને અમારા બન્નેની સાથે ઘણા સ્નેહથી શેકહેન્ડ કરી અને કહ્યું. "હું જાણતો હતો કે તમે આ ટ્રેનમાં આવવાનાં છો તેથી ખાસ કરીને મેં આ ટ્રેન પકડવાનો પ્રયત્ન કર્યો. હું ચુકી જ જાત. છેક તો તમે તો રવડી જાત ! તમને વાત કરાવનાર બીજું કોણ ? તમે બન્ને એકેક્ની સામાં મલાડ સુધી ઘુવડની માફક જોતાં કરતા. ચાલો All’s well that ends well. સૌ સારું-હા-હા. હા-હા. જે થયું તે ઠીક જ થયું. કેમ સરલા બેન, મઝામાં છો કોની ? કેમ નાનાભાઇ, તમે ? ઓલ રાઇટ ? હો-હો-હો-હો-. " આમ કરીને પુન : તેમણે એક પ્રચંડ હાસ્ય કર્યું.

હું તો તેમના આગમનથી શાંત જ થઇ ગયો હતો. મારા હ્રદયમાં નિરાશા પ્રસરી રહી. સરલા મારા મુખ ઉપરની નિરાશા જોઇને કંઇક સ્મિત કરતી સ્નેહવદનની સાથે વાતે વળગી. પરંતુ મને લાગ્યું કે એ સ્મિત ફક્ત બહારનું જ હતું. નિરાશામાં મારી ધારણા મને કંઇક શાંતિ અર્પતી હતી; કાળાં વાદળાંમાં માત્ર એટલો જ રૂપેરી દોરો હતો.

"અચાનક શોભનાને આ વિચાર આવ્યો અને મને તે તરત જ ગમી ગયો. મેં તો તરત જ કહ્યું કે હવે કોની રાહ જોવી છે ? બોલાવો એમને ? અને મારે ત્યાં જે કોઇ આવે તેને એક દિવસ તો શું પણ એક કલાક પણ આનંદ વગરનો ન વિતાડવો પડે એ વાત તો તમે ક્યાં નથી જાણતા ? હું કા&ઇનું કાંઇ શોધી જ કહાડું !" આ પ્રમાણે અમને આનંદ આપવાનો વૃથા પ્રયત્ન કરતા સ્નેહવદન બોલ્યા જતા હતા. હું તો એટલો બધો ખિન્ન થઇ હયો હતો કે બારીમાંથી ડોકું બહાર કહાડીને મારું ચિત્ત અન્ય દિશામાં વાળવાનો શ્રમ પણ લઇ શક્યો નહિ. શૂન્ય હ્રદયે સ્નેહવદન સામું જોઇ રહ્યો અને તેની વાતચીત સાંભળી રહ્યો. સરલા પણ નીચું જોઇને બેસી રહી પણ સ્નેહવદનની વાત ખુટી નહિ. ઘડીકમાં મોટેથી હસી પડે, ઘડીકમાં હાથના ચાળા કરે અને એક વાત પૂરી થાય કે તરતજ બીજી વાત એ ઉપાડે. આ રીતે મલાડ આવ્યું.

સ્ટેશને સ્નેહવદન ટાંગાની શોધ કરતા હતા એટલામાં મેં એક યુક્તિ શોધી કહાડી. મેં કહ્યું : "સરલા તમે સામાન લઇ બેશી જાઓ ટાંગામાં જ હું તો ચાલતો આવીશ."
"ના,ના હું પણ ચાલતી આવીશ." ઉપડતી ટ્રેન ભણી જોઇને સરલા ધીમેથી બોલી.
"ઓહો ! સોના કરતાં પીળું શું ? ચાલો આપણે ત્રણે જણ ચાલીજ નાંખીશું ; બંગલો આઘો પણ ક્યાં છે ?" સ્નેહવદન આવી બોલ્યા. થયું. બીજો ઇલાજ નહોતો; ટાંગામાં સામાન ગયો. અને એક બાજુ હું, અને બીજી બાજુ સરલા અને વચમાં પૂર બહારમાં વાત કરતા જતા સ્નેહવદન એ પ્રમાણે અમે બંગલે જઇ પહોંચ્યા. રસ્તામાં જુદાં જુદાં ઘર, તેના ઘરધણીઓ, રસ્તામાં મળતાં માણસો, તેમના ધંધા વગેરે વિષયો સંબંધી મને અને સરલા ને અનિચ્છાએ પણ ઘણી માહિતી મળી.

અમે બંગલે પહોંચ્યા પછી સ્નેહવદન લુગડાં ઉતારતા હતા એટલે શોભના બોલી, "અરે શું ? એ તમારી જ ટ્રેનમાંજ આવ્યાં ? બળ્યો એમનો સ્વભાવ એવો જ છે ?" ઉત્તરમાં હું કાંઇ બોલું અને સરલા પ્રત્યેની મારી ઊર્મીઓનો અણસારો પણ કરું એટલામાં તો લુગડા ઉતારી સ્નેહવદન આવી પહોંચ્યા.
" ચાલો હવે આપણે તમારી તહેનાતમાં તૈયાર ! તમે એકદમ ચાહ અને ખાવાની તૈયારી કરો" મેં ચીડમાં દાંત કચર્યા પણ લાચાર.
અમે ચાહ અને ખાવાનું લીધાં. સ્નેહવદન વાત કરવા જ જતા હતા. એટલામાં શોભનાએ એક માર્ગ શોધ્યો ; તેણે કહ્યું, "જાઓ સરલા, તમે અને નાનાભાઇ ટેનીસ તો રમો."
"હા-આ, ત્યારે અત્યારે બીજું કરવાના પણ શું ?" સરલા કાંઇક શરમાતી બોલી.
"ફર્સ્ટક્લાસ, શોભના ફર્સ્ટક્લાસ, ચાલો-વેકો-આપણે બધાંજ ટેનીસ રમવા ઉતરી પડીએ." સ્નેહવદને કહ્યું.

સ્નેહવદન ટેબલ ઉપર આનંદથી હાથ અફળાતા બોલી ઉઠ્યા. " ના તે નહિ ચાલે." શોભના રમવાની ના પાડતી હતી તેને સ્નેહવદને કહ્યું. "ઘેર પરોણા બોલાવવા અને મારે આમ નથી કરવું ને તેમ નથી કરવું તે કામનું શું ? ત્યારે શું એ બે જણ એકલાં રમે ? એમાં શી મઝા પડે ? ઊઠો નાનાભાઇ તમે ને શોભના એક તરફ ને હું અને સરલા બીજી તરફ જુઓ તો ખરા કેવી ગમ્મત પડે છે "
"પણ એમાં પાર્ટી ક્યાં બરાબર પડે છે !" હું બોલ્યો.
"અરે પાર્ટી ને બાર્ટી ?" સ્નેહવદને ઉત્તર વાળ્યો "તમે પણ મારા ભાઇ !અહીં કંઇ કૉલેજનું ટુર્નામેન્ટ છે ?અહીં તો જરા મઝાને વાસ્તે રમવાનું છે ? શોભના એમ બહાના નહિ ચાલે."
અમે ઉઠયાં, સ્નેહવદન અને સરલા, હું અને શોભના એમ રમ્યાં, પણ મને તેમાં બિલકુલ રસ પડ્યો નહિ. સરલા અને શોભનાને પણ ગમ્મત પડી હોય તેમ જણાયું નહિ. ફ્ક્ત સ્નેહવદનને બહુ જ રસ પડ્યો.

છેક દીવા પડ્યા ત્યાં સુધી આ પ્રમાણે રમત ચાલુ રહી, અને પછી વાળુનો પ્રોગ્રામ શરૂ થયો, તે પૂરો થયો, પાનબાન ખવાયાં એટલે સ્નેહવદન પોતાના ઓરડામાં સીગાર લેવા ગયા. એટલામાં શોભનાએ કહ્યું, " અહા શું મજેનું મૂનલાઇટ છે ! તમે એમ કરો, નાનાભાઇ, તમે અને સરલા આમતેમ ફરવા માંડો એટલે હું એમની સાથે આવું છું" હું અને સરલા ઓટ્લાના પગથીયાં ઉતરીને ટેનીસ કોર્ટ ભણી ચાલ્યાં. મને એમ લાગ્યું કે આખરે મારા સુભાગ્યે આ તક મળી છે. રાત્રીમાં ચમકતી ચન્દ્રિકા, વૃક્ષને પાંદડે પથરાયેલા આગીયા કીડા, અમૃત વરસાવતી ગાઢ શાંતિ: આહા ଴! આવાં કોડભર્યાં કુંજન કુદરતનાં, તેમાં પનોતા પ્રેમને ઉદભવતા શી વાર ! પરંતુ મારા આવાં વિચાર દીર્ઘકાળ પર્યંત ટક્યા નહિ. દશ સેકન્ડમાં સ્નેહવદને દોડતાં આવીને મારો હાથ પકડ્યો. "અરે તમે બન્ને ભલાં માણસ જણાઓ છો ! નાહક અમને બદનામ કરવાનો વિચાર છે ! અજાણ્યાં છો એટલે ખાડાખડીઆ આવ્યા કે ટાંટીઓ ભાંગ્યો; એ તો ટઃઈક થયું કે તરતજ હું ઓટલા ઉપર પાછો આવ્યો. શોભનાને એટલી અક્કલ નહિ કે તમને બેને એકલા ન જવા દઇએ ! અને તેવ પણ રાતે મૂનલાઇટ હોય તો પણ શું ખાડા જણાય ખરા કે ? હં, ઘેર પરોણાને બોલાવી તેમની કેમ બરદાસ કરવી જાણવાની તો સમ જ ખાધેલા."

"અમને ઉભયને સ્નેહવદને ચંન્દ્ર, પાસેના ડુંગરાઓનો દેખાવ, આગીઆ કીડા, મલાડની હવા, પાણી, માળીની આપદા, જાજરૂઓની સાફ સૂફ વગેરે વિષયો પર લંબાણથી સમજાવ્યું. આ પ્રમાણે લગભગ કલાકેક ફરીને અમે ઘેર આવ્યાં ત્યાં મારે સુવાનું હતું ત્યાં આગળ સ્નેહવદન મને મુકી ગયા અને હું ખાટલામાં સૂતો ત્યારે જ પોતે ‘ગુડનાઇટ એન્ડ હેપી ડ્રીમ્સ. ગુડનાઇટ’ કરતા હસતા હસતાં સુવા ઉપડી ગયા."

થોડી વાર પછી શોભના બંગલાનાં બારણાં દેતી દેતી મારા ઓરડા તરફ આવી અને અંદર ડોકિયું કરીને કહેવા લાગી. " માફ કરજો નાનાભાઇ, તમને નાહક હેરાનગતિમાં નાખ્યાં. અહીં બોલાવીને એમણે આજ તો હદ કરી! હવે એમને ચેતવવા પણ શી રીતે ? જે કાંઇ કહેવા જાઉં તો એ તો તરત વખતે સરલાને બનાવવા માંડે. પછી તમે સરલાનો સ્વભાવ જાણૉ છો જ ને ! એને તો વખતે અપમાન લાગી જાય તો ઓડનું ચોડ વેતરાઇ જાય. હવે જોઇએ, કાલ સાંજ સુધી તો છે ને !"

હું દીર્ઘ નિશ્વાસ મૂકીને સુઇ ગયો, અને સહવાસમાં છએક વાગે ઉઠ્યો. દાતણ પાણી કરીને ઓરડાની બહાર નીકળ્યો. સ્નેહવદન મને સામા જ મળ્યા. મેં આમ તેમ દ્રષ્ટિ કરી પણા સરલા કે શોભના દેખાયાં નહિ.

"કેમ કોને શોધો છો ? તમે મને તે શું સમજો છો ?" સ્નેહવદને મારી દ્રષ્ટિની દિશા ઉપરથી કારણ જાણી લઇને કહ્યું, "મેં હમણાં જ સરલા અને શોભનાને મોકલાવી દીધાં છે. જરા સવારની લહેજત તો ચાખે ! શોભના તો ના કહેતી અને કહે કે નાનાભાઇને ઉઠવા દો, પછી જઇશું. અહં, બધામાં ફલાણાની રાહ જુઓ ? એ તો અહીં વહેલો તે પહેલો. આપણે રોજ ફરવાનું છેસ્તો; કેમ ખરું ને ?"

હું શો જવાબ આપું મૂંગો જ રહ્યો. સાતેક વાગે બન્ને ફરીને આવ્યાં. તેમના બેમાંથી કોઇના મોં ઉપર આનંદ જણાતો ન હતો. પછી અમે ચાહ પીધી અને ત્યારે મારા મનમાં એમ થયું કે, " હવે જરા વરન્ડા પર બેસશું-વાડામાં બોરડી છે તેનાં બોર તોડશું. બદામડી ઉપરથી લીલી બદામ તોડશું-હું ઝાડ પર ચઢીશ: સરલા નીચે ખોળો ધરી ઊભી રહેશે-સ્નેહભર્યા હૈયાનાં દ્વાર સ્વર્ગ દેખાડશે-પ્રેમ ઝ્રાવશે. પછી મારે બીજું શું જોઇએ ?"

પરંતુ પ્રેમી હ્રદયના આ વિચારોમાં સ્નેહવદનને સ્થાન નહોતું મળ્યું. તેની શક્તિને ગણતરીમાં નહોતી લીધી. ચાહ પીવાઇ રહી અને પળવાર શાંતિ પ્રસરી રહી શોભના મારા સામું જોઇ રહી. મેં ધીમેથી કહ્યું, ‘સરલા, શોભનાબેન. તમને વાડામાંના હિંચકા ઉપર બેસીને હિંચકા ખાવાનો શોખ છે કે ? ચાલો , ખવડાવું.’

હજી પૂરા શબ્દો મારા મોંમાંથી નીકળ્યા પણ નહોતા એટલામાં તો શોભના અને સરલા ઊઠ્યાં. શોભનાએ આંખના ઇશારાથી મારી યોજના પસંદ કરી એટલામાં સ્નેહવદન બોલી ઉઠ્યા, "અરે ! નાનાભાઇ!અત્યારે વાડામાં હિંચકા ! જાઓ મારા સાહેબ ; પછી મુંબઇ જઇ એમ કહેવું હશે કે ‘ભાઇ મલાડ ગયા’તા તે હિંચકા ખાઇ પાછા આવ્યા ! મેં અત્યારનો પ્રોગ્રામ તો ક્યારનોય ઘડી રાખ્યો છે. જાઓ શોભના, સરલાબેન, તમારે થોડા હિંચકા ખાવા હોય તો ખાઓ, રામાને કહેશો તો તમને પેટ ભરીને આજે કઠો, પુરી અને ઢોકળાનું જમણ છે તેની તૈયારી કરો. ઢોકળા બનાવતાં આવડે છે કે સરલાબેન ! હા, હા, હા ; નથી આવડતાં ? ત્યારે શીખો શીખો નહિ તો સાસરામાં કેમ સમાશો ? હેં, હેં, હેં, હેં !!!"

સ્નેહવદનનું અટ્ટાહાસ્ય ચાલ જ રહ્યું. શોભનાની ભ્રમર ક્રોધથી ક્ષણબ હર ચઢી પણ પત્નીએ ભોળા પણ વિચિત્ર પતિ પ્રત્યેનો રોષ તરત જ શમાવ્યો અને રસોડા ભણીનો માર્ગ લીધો. સરલા, નિરાશ વદને ફીક્કું સ્મિત કરતી શોભનાની પાછળ પાછળ ગઇ. હજી સ્નેહવદનનું અટ્ટાહાસ્ય ચાલ્યા જ કરતું હતું. "હવે ક્યાં સુધી હસશો ?" મેં તેમના અટ્ટાહાસ્યથી કંટાલીને કહ્યું. "કેમ ઠીક બજાવીને ! ઓ હો હો હો હો ! કેવો હ્યુમર કર્યો છે ! સરલાબીનને પણ આપણે તો ઊંચકી નાંખીએ. અત્યારે કનૈયાલાલ હોત તો જરૂર આ હ્યુમરની કદર કરત. એ તમારાથી થાય જ નહિ. હા, હા, હા, હા, !"સ્નેહવદન હસતા હસતા માંડ માંડ બોલ્યા."પણ હા, હું આપણા પ્રોગ્રામ વિષે કહેવાનું તો ભૂલી જ ગયો. એ તો એમ કે આજ મારા એક મિત્ર છે તેને ત્યાં જરા પાર્ટી જેવું છે-કાંઇ ખાસ નહિ-સહેજ હાર્મોનિયમ ગ્રામોફોન એવુંસ્તો. ચાલો વહેલા થાઓ નહિ તો વળી એ લોકો બૂમ પાડશે."

બસ-ખલાસ ! મારું સ્વપ્ન સ્વપ્નસમ અદ્રશ્ય થઇ ગયું. હું ક્રોધથી હોઠ પીસતો સ્નેહવદનની સાથે પેલા મિત્રની પાર્ટીમાં ગયો અને ત્યાંથી છેક જમતી વખતે સ્નેહવદન પોતાના બેચાર મોત્રોને સાથે ઘસડી લાવ્યા હતા. એટલે સ્ત્રીઓને જુદા ખંડમાં બેસી જમવું પડ્યું. જમી ઊઠ્યા એટલે બે વાગ્યા. સાંજે છ વાગ્યાની ટ્રેનમાં પાછા જવાનું હતું. ચાર કલાકમાં મલાડ ટ્રીપ પુરી થઇ જવાની હતી અને મનની મનમાં રહી જવાની હતી. મિત્રોને આગ્રહ કરી કરીને બેસાડીને સ્નેહવદને છેક ચાર વાગે જવા દીધા.

પછી હું મારાં કપાડાં પહેરીને, નયનોમાંથી જવાલામુખી વરસાવતો શોભાનાને "સાહેબજી" કરીને ઓટલા ઉપરથી નીચે ઉતર્યો. સરલાએ તેની સાથે શેકહેન્ડ કરી. શોભનાની આંખમાં શરમને માર્યે ઝળઝળીઆં આવી ગયાં. મને ખાસ સ્નેહભાવથી, સરલા સાથે વધુ પરિચય થાય એ ઉદેશથી બોલાવેલો ને પરિણામે કલાક પણ વાત કરવાની તક મળી નહિ એથી એના મનમાં બહુ લાગી આવ્યું હતું. પણ તે બિચારી કરે પણ શું ! તેમ હજી પણ સ્નેહવદન અમારો પીછો છોડે એમ ક્યાં હતું ? મને એમ થયું કે ચાલો હવે એકલા પડીશું. સાંજનો સમય, નવાં નવાં વૃક્ષને કાંઇ પ્રેમ સંદેશો કહેતી હોય તેમ અંધારામાં આગળ વધતી ટ્રેન, ટ્રીપ ઉપરથી પાછા ફરતી વખતે સ્વાભાવિક રીત હૈયામાં થતી દિલગીરી; સ્વગૃહે જતું પુકારતું તલસતું હૈયું ! આ પ્રમાણેની સ્થિતિ ફક્ત અર્ધા કલાકમાં પણ શું ન કરે ? આવા વિચાર્થીહું હજારો નિરાશામાં છુપાયેલી આશાને ઓથે, ઉત્સાહભર્યે હૈયે કમ્પાઉન્ડની બહાર નીકળવા જતો હતો એટલામાં ઉપલા માળની બારીએથી "ધીમે-ધીઇઇમે ! કેમ બહુ ઉતાવળા ! તમને એકલા જવા દેવા છે એમ કેમ ધારો છો ?" આ પ્રમાણે વાક્ય ઉચ્ચારતો સ્નેહવદનનો ઘાંટો સંભળાયો ! આશાની ઓથ અદ્રશ્ય થઇ ગઇ. શોભનાએ ઘણું પણ કહ્યું કે ‘અત્યારે રાત પડી ક્યાં જાઓ છો ?’ પણ સાંભળે છે કોણ ?

"આવી રીતે એકલાં પરોણાને જવા દઇએ તો ફરીથી આપણે ત્યાં કોણ કાકો આવે ? અહં અત્યારે બિચારાં એકલાં કરે શું ? કોપરા જોખે ? સ્નેહવદને આ પ્રમાણે શોભનાના વાંધા તોડી પાડ્યા. અમે ત્રણ જણ સ્ટેશને હયાં. ટ્રેનમાં બેઠાં અને ગ્રાંટરોડ ઉતર્યાં. હવે મારાથી રહેવાયું નહિ. હું મરણિયો થયો અને મેં કેસરીયાં કર્યાં. દરવાજો વટાવ્યો કે તરતજ પાસે ઉઉભેલી વિક્ટોરીઆમાં મેં સરલાને બેસાડી દીધી. અને ‘જલ્દી ચલાઓ’ એમ વિક્ટોરિઆવાળાને કહેતો કે હું લગભગ ચાલ્તી વિક્ટોરીઆમાં ચઢી બેઠો. પાછળ સ્નેહવદન "અરે એઇઇઇઇ વિક્ટોરીઆવાળા બેઉકુફ હય! ખડા રખો-અમ આનેકે હય" બોલતા લાંબી છલંગ મારતા આગળ આવ્યા પણ મેં ગણાકાર્યું નહિ. "તુમ તુમારે ચલાઓ" એમ વિક્ટોરીઆવાળાને કહીને, અને "સ્નેહવદને ગુડનાઇટ, તમે તમારી જવાની લોકલ ચૂકી જશો !" એમ સ્નેહવદનને કહીને મેં મોં ફેરવી નાખ્યું.
"અરે અરે ! છેક આમ શું કરો છો ?" સરલા અસ્પષ્ટ રીતે બોલી પણ મુખ ઉપરની પ્રફુલ્લતાને વાક્યને જુઠું પાડ્યું.
અને પછી - પછી શું કહેવાનું બાકી રહ્યું છે ? !
પછી થોડા વખત પછી મારાં-સરલાનાં લગ્ન થયાં. સ્નેહવદન, હજી જ્યારે તે દિવસની વાત નીકળે છે ત્યારે ત્યારે વિક્ટોરીઆવાળાને જ ગુન્હેગાર ગણી લઇને તેને જ ગાળો દે છે પણ ખરું જોતાં વાંક કોનો હતો તે શોભનાથી છૂપું રહી શક્યું નથી.

*************************************