Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ફ્રેન્ચ સાહિત્યકાર બૉદલેરનો કાવ્યસંગ્રહ ‘ફ્લાવર્સ ઓવ ઇવિલ’નું પ્રકાશન થયું. સમાજ અને સાહિત્યકારોની એક ટોળીએ બૂમ પાડી કુરૂપતા-કુત્સિતતાની તે વળી કવિતા લખાતી હશે?અને તે કવિતા કહેવાય કેવી રીતે! બસ, આ જ રીતે ગુજરાતી સાહિત્યમાં પ્રથમવાર દલિત કવિતાનો ઉદભવ થયો, ત્યારે સમાજના દલિત વર્ગે કવિતાને આવકારી પણ અદલિત સમાજ અને સાહિત્યકારોએ ગણગણાટ શરૂ કરેલો કે દલિત કવિતા કે કાંઈ દલિત કવિતા કહેવાય!

પરંતુ જે કવિતાનું નામકરણ 1974માં ’આર્તનાદ’ નામના માસિકના ’દલિત કવિતા’ કોલમમાં થયું તે કવિતાનાં જળ આજે સ્થિર-સ્ફટિકમય અને નિર્મળ થયાં છે.તે કોલમના સંપાદક ડૉ. રમેશચંદ્ર પરમાર હતા. તેમાં છપાયેલી કવિતામાં કેટલીક કવિતાઓ સાથે ’વ્યથા’ નામની કવિતા છપાયેલી. ત્યારથી દલિત કવિતાએ પેન્થર (માસિક), આક્રોશ (ઋતુપત્ર) અને કાળો સૂરજ(ઋતુપત્ર) મારફતે અનામતિયા હુલ્લડોનો સામનો કર્યો અને 1981ના સમયગાળાથી દલિત કવિતાનો પ્રવાહ ધોધ રૂપે વહ્યો. ઘણા કવિઓનું ઉમેરણ થયું.

દલિતો પ્રત્યે સહાનુભૂતિની કવિતા તો ગુજરાતી સાહિત્યમાં ગાંધીના આગમન સાથે જ લખાતી હતી.તેમાં કેટલાય સાહિત્યકારોને આ ગાંધીની દલિતપ્રીતિ ગમી ગયેલી અને ગાંધીના નિધન સાથે પ્રીતિનાશ થયેલો. આઝાદી પૂર્વેના ગાળામાં દલિત કવિતા કે સાહિત્યનો પ્રવાહ ચાલી શક્યો નહીં કારણ કે દલિત સમાજ તે વેળાએ અભણ-નિરક્ષર હતો. સામાન્ય રીતે સાહિત્યમાં જોવાયું છે કે જે સાહિત્યકાર જે જાતિમાંથી આવ્યા, તેમણે હંમેશાં તેમની જાતિ વિશેના સાહિત્યની રચના કરી. અગાઉનાં વર્ષોમાં બ્રાહ્મણો સિવાયની જાતિઓ સાહિત્યમાં હતી જ નહીં. અન્ય જે કોઈ જાતિઓ હતી તે અપવાદરૂપ કિસ્સામાં હતી. તે પણ બ્રાહ્મણ,ક્ષત્રિય, વૈશ્ય સિવાયના વર્ગોની/વર્ણોની વાત લખવામાં નાનમ સમજતા. કવિઓ પ્રકૃતિ, પ્રેમ અને જાતિયતાની કવિતાઓમાં ગળાડૂબ હતા. જનસામાન્ય તેમાંથી બાકાત રહેતો. પ્રતિબદ્ધ કવિતાને શંકાની નજરે જોવામાં આવતી.

દલિતોમાં ભણતરના પ્રતાપે આઝાદી પછીના તરતના ગાળામાં ડૉ. આંબેડકરના નિર્વાણ સમયે દલિતોએ સામૂહિક રીતે કલમ પકડી અને ડૉ.. આંબેડકર વિશેની ગેય કવિતાઓ જુદા જુદા ઢાળમાં રચાઈ.પણ તેમાં બાબાસાહેબનું જીવન અને દલિતોની વ્યથા હતાં.

આઠમા દશકમાં જે કવિતાઓ રચાવા માંડી અને આજ સુધી જે કવિતાઓ રચાય છે તેનો મિજાજ નોખો છે.તેણે સાહિત્યમાં પોતાનું સ્થાન નક્કી કરી, પોતાની હાજરી પુરાવી છે.

કેટલાક સાહિત્યકારો માને છે કે સર્જન અને સર્જનાત્મકતા એ એક વૈયક્તિક મનોસંચલનોના આવિષ્કારની નિષ્પત્તિરૂપ ઘટના છે. અંગત અનુભૂતિનો પરિપાક એટલે કૃતિસર્જન. એમણે તો સમાજને કવિતામાંથી સાવ નકાર્યો એમ કહીએ તો ખોટું નથી.

દલિત કવિતાએ આ વિભાવનાથી ઉફરા ચાલવાનું સ્વીકાર્યું. માનવીય શોષણ, સામાજિક અન્યાય, ધર્મ સામે વિદ્રોહ, આર્થિક વિડંબણાઓ, સંપત્તિની વહેંચણી સામે આક્રોશ, વર્ણાશ્રમીય ધોરણ હેઠળ વહેંચાયેલી કામગીરીનો વિરોધ, આ બધું યથાતથ નિરૂપવા માટે હામ ભીડી.

સામાજિક વ્યવસ્થા સામે હજારો વર્ષથી ધૂંધવાટ હતો. એને વાચા મળતી ન હતી. તેને રાહબર મળતો નહોતો. ક્યારેક કોઈ અલપઝલપ દેખાયા ખરા પણ તેમનો અવાજ પ્રબળ બની શક્યો નહીં.ઓગણીસમી સદીમાં મહાત્મા ફૂલે, વીસમી સદીમાં મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકર આવ્યા.વીસમી સદી દલિતોને ફળી. તેમને માણસ તરીકે / નાગરિક તરીકે બંધારણીય સ્વીકૃતિ મળી. અદલિત સમાજ હજીય તેની માનસિક નઘરોળ માન્યતાઓ અને આચરણમાંથી બહાર આવી શક્યો નથી. ક્યાંક થોડું પરિવર્તન આવ્યું છે તો નવી રીતે અસ્પૃશ્યતા સળવળી રહી છે.

આ સાંપ્રત સામાજિક વ્યવસ્થા અંગે ડૉ. મહાવીરસિંહ ચૌહાણ ’દુંદુભિ’ (કવિતાસંગ્રહ)ની પ્રસ્તાવનામાં લખે છે કે,
'દલિત સમાજ એ વાત સ્વીકારતો નથી કે આપણી સંસ્કૃતિ બહુ ઉદાત્ત, માનવીય તત્ત્વોથી સભર,ગતિશીલ અને ઉચ્ચ આશયવાળી છે. વર્ણવ્યવસ્થાએ એમની જીવનશક્તિ કોરી ખાધી છે.સ્થિતિસ્થાપકતા તેનાં મૂળમાં છે. કોઈ પણ પડકારની સામે શાહમૃગની જેમ આંખો બંધ કરીને ઊભા રહેવામાં જ તે પોતાની સુરક્ષા જુએ છે. દલિત કવિ તેને ભારતીય સંસ્કૃતિ તરીકે નહીં બલકે બ્રાહ્મણ સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. બ્રાહ્મણ સંસ્કૃતિ એટલે વર્ણવ્યવસ્થા ઉપર ટકેલ તેમજ વર્ણવ્યવસ્થા ટકાવી રાખવા વાળી સંસ્કૃતિ. દલિત કવિ,કવિતા આ બ્રાહ્મણવાદી સંસ્કૃતિનો અસ્વીકાર કરે છે.’(દુંદુભિ, પ્રસ્તાવના, પાના નં. 7)

એટલે જ દલિત કવિતાના ઉદભવથી સાથે રહેલી દલિત કવિ ત્રિપુટીમાંના કવિ પ્રવીણ ગઢવી ’બ્રેઇનવોશ’ કવિતામાં ભૂદેવોના ભેજામાં ’સદીઓથી જામી ગયેલા વિચારોના કાટ’ને સાફ કરવાનું આહ્વાન કરતા કવિતામાં કહે છે,
'મને થોડું ગંગાજળ આપો.
અને એમાં ઉમેરો સાત પવિત્ર નદીઓનું પાણી.
મારે આ ચિત્તપાવન બ્રાહ્મણની ફાટી ગયેલી ખોપરીમાંથી
લબડી પડેલા એના ભેજાને
ઘસી ઘસીને ધોવું છે.
મને ટાટાની ડિટરડન્ટ ગોટી આપો.
એના ભેજાના એક એક કોષને મારે સાફ કરવા છે.
સદીઓથી જામી ગયેલો વિચારોનો કાટ
ઘસી ઘસીને કાઢવો છે.’ (દુંદુભિ,પાના નં. 25)

દલિત કવિ ત્રિપુટીમાં પ્રવીણ ગઢવી હતા. સાથે બે અન્ય કવિ નીરવ પટેલ અને દલપત ચૌહાણ હતા.દલિત કવિતાના ઉદભવથી આજ સુધીમાં સવા સોથી દોઢ સો જેટલા કવિઓએ કવિતાઓ લખી છે.જ્યારે સિત્તેરથી એંશી જેટલા કવિઓના એક કે એકથી વધારે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. જો કવિઓનાં નામ લેવામાં આવે તો પણ ઘણું લંબાણ થઈ જાય. જેથી હું બે-ત્રણ કવિઓ વિશે વાત કરીને મારી વાત પૂરી કરીશ. સાથે મારે કહેવું જોઈએ કે દલિત કવિતામાં હવે એટલું બધું માતબર કામ થયેલું છે કે દલિત કવિતાનો સમગ્ર કવિતા કે દલિત કવિતા જેવો વિષય નક્કી ન કરતાં કોઈ એક કવિ કે કોઈ કવિનો અન્ય કવિ સાથેનો તુલનાત્મક અભ્યાસ થાય તો તે અભ્યાસુઓ માટે ઘણું ઉપયોગી થઈ શકે તેમ છે.

પ્રથમ હું જે કવિ વિશે વાત કરવા માંગું છું તેમના કાવ્યસંગ્રહનું નામ છે, ’બહિષ્કૃત ફૂલો’. હું તેમાંની કેટલીક કવિતાઓ વિશે વાત કરીશ.

આ સંગ્રહમાં લગભગ બાસઠ જેટલી કવિતા છે. તમામ કવિતાઓ અછાંદસ છે. તેમણે ગીત, ગઝલ કે કવિતાના અન્ય પ્રકારમાં હાથ અજમાવ્યો નથી. તેમની કવિતાઓ ઘણી પ્રલંબ અને વિચારપ્રધાન છે. તેનાં રૂપરંગઢંગઢબ અન્ય કવિઓથી સાવ નોખાં છે. તેમજ ક્યારેક ઇતિહાસનાં પાત્રો સાથે સમાજનાં પાત્રો જોડાયેલાં રહે છે. કવિતામાં વ્યંજના,વક્રતા, વ્યંગ અને વેદના છલકતાં રહે છે. કવિતામાં જિજીવિષાનું એક વર્તુળ છે. ’ફૂલવાડો’માં માનવી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પોતાને સતત સંકોરતો રહે છે. પ્રતિકૂળતાને પોતાના પર હાવી થવા દેતો નથી.ભયંકર વિટંબણાને પણ ફૂલ જેવી હળવાશથી આલેખતો કવિ કહે છે /કહેવાય છે,
'ફરમાન હોય તો માથાભેર,
ફૂલોને કાંઈ બીજું કહીશું.
........’
પછી કવિતા આગળ પગરણ માંડે છે,
’આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.
કદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરતાં,
કદીક રાતરાણીની જેમ છૂપા છૂપા સુવાસ ફેલાવતાં
કદીક લજામણીની જેમ મૂગા મૂગા રડતાં.’(બહિષ્કૃત ફૂલો, પાના નં. 2)

કવિતામાં એકસાથે આજીજી છે. જીવનનું જિવાતું સત્ય છે. વિકાસ સાધવાનો છૂપો મનોરથ છે. ને તેમ તેમની ઇચ્છા બર ન આવતાં દુઃખ ભારોભાર જણાય છે.

‘ફૂલ’ શબ્દ કવિતા સાથે એવો જડાઈ ગયો છે કે દલિતો માટે વપરાતી કહેવતોને નવો આયામ મળ્યો છે. ’ફૂલ ફજેતો, ગામ હોય ત્યાં ફૂલવાડો હોય.’ આ પંક્તિઓ દલિત સમાજના દૂઝતા ઘાને તાદૃશ્ય કરી આપે છે.

નાટ્યકાર શેક્સપિયરે સાચે જ કહ્યું છે કે ’નામમાં શું બળ્યું છે.’ હા, કદાચ એ સાચો ઠરે છે. નામમાં શું બળ્યું છે.જે કાંઈ છે, તે તો તેના ’સ્વ’ સાથે જોડાયેલું છે. અર્થ અને શબ્દને શું લેવાદેવા જે છે તેને ઓળખો એ સાચું સત્ય. એટલે જ કવિ કહે છે,
'.......
અને આમને ફૂલો કહીશું,
ગંદ કાંઈ થોડી જવાની છે.’(બહિષ્કૃત ફૂલો, પાના નં. 3)

નીરવ પટેલની કવિતામાં બોલચાલની ભાષાનું ઐડપણું અને નોખાપણું છે. દાઢ કચકચાવીને બોલવાની ઉગ્ર પરંપરા, દલિત સમાજની પરિસ્થિતિઓનું દૃશ્યાત્મક ચિત્રાંકન અને દલિત ઓળખની વિવિધતાઓ મળે છે.

રાજકારણ,દલિતકારણ, સંયમિત કટાક્ષ અને કહોડાફાડ ભાષા જોવા મળે છે. કલ્પન અને કાકુ ઉપરાંત સ્વભારથી ખચિત તળપદ ભાષાના હળવા ઉપહાસ, મશ્કરી કે હાસ્ય કવિતામાં કવિતામાં મળી આવે છે. ’હું ન ડોશી’કવિતામાં આ સઘળું જરૂર માણી શકીએ,
'ભૈ તમન હોંપ્યા રાજ ન પાટ,
અમારઅ તો ભલો અમારો રઝળપાટ.
કો’ દાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ
પાપમાં પડવાનું સ
પણ બાલ્યું પાળવાનું સ.
એટલે મત તો પાક્કો મનુભૈન
બોલો,આલવા સઅ માથી દીઠ બાર?
બે...સ... ?
હું ન ડોશી.’ (બહિષ્કૃત ફૂલો, પાના નં. 4)

કવિની કવિતામાં પ્રૌઢી વરતાય છે. તેમ છતાં તેમની કવિતાઓ પ્રસંગના પ્રત્યાઘાતમાંથી અવતરેલી છે. ’વહવાયાં’,’જેતલપુર હત્યાકાંડ’,’કૂતરો દ્વિજ થયો’.’ભૂદેવો અને બાકીના સૌ પામર જીવડાંઓ’, ’પટેલ લાડુ’,’ભવની ભવાઈના પ્રિમીઅરમાં’,વગેરે આનાં ઉદાહરણ ગણી શકાય.

કવિને તેમની કવિતામાં વિશાળ વાંચનનો ખૂબ લાભ મળ્યા છે અને પરિણામે સાંપ્રત કવિતાને ઉલ્લંઘી જવાનો મોકો મળ્યો છે. કવિતા પદ્ય કરતાં ગદ્યની વધારે નજીક જતી જણાય છતાં સહ્ય અને સદ્ય બને છે. કવિતાની ગતિશીલતા એની બીજી ધાર્મિતા છે. તેમની કવિતા સ્વની ઓળખ છે તે સ્વીકારવું રહ્યું.

દલિત કવિતાને બીજો અનોખો સ્વ-ભાન કવિ મળ્યો છે. એ કવિની કવિતા વિશે કહેતાં પહેલાં મને ફરીથી ડૉ. મહાવીરસિંહ ચૌહાણની ઉક્તિઓ નોંધવાનું મન થાય છે,
'આજનો દલિત સમાજ એક ઐતિહાસિક સ્થિતિની નીપજ છે. એટલે જ ઐતિહાસિક અનુભવ દલિત સંવેદનાની જરૂરિયાત તરીકે કવિતામાં અભિવ્યક્ત પામે છે. કવિતા રચનાની પ્રક્રિયાના સંબંધમાં એક સામાન્ય વિશ્વાસ એ છે કે સૌંદર્ય-અનુભૂતિ યુગની નથી હોતી, ક્ષણની હોય છે. કવિનો જે અનુભવ તેની સૌંદર્યાનુભૂતિની ક્ષણમાંથી પસાર થઈને આવતો નથી, તેનો રચનામાં વિનિયોગ થતો નથી, આ દૃષ્ટિએ દલિત કવિતાની રચના પ્રક્રિયા આધુનિક બોધથી તદ્દન ભિન્ન છે,’ (દુંદુભિ,પ્રસ્તાવના, પાના નં. 11)

આધુનિક બોધથી તદ્દન વિપરીત એવો તળપદ ભાષાને પોતાના હાથવગા હથિયાર તરીકે વાપરનાર કવિ સાહિલ પરમાર છે. તેમના બે કવિતાસંગ્રહ થયા છે. ’વ્યથાપચીસી’ અને ’મથામણ’.ઉપરાંત, ’એક રકાબી ફૂટી’નામનું દીર્ઘ કવિતાનું પુસ્તક આપ્યું છે.

સાહિલ પરમાર દલિત કવિતાનું સબળ નામ છે. રુક્ષતા ને નિર્ભયતાના કવિની કવિતાઓ અદલિતોને અરુચિકર લાગે છે. મોઢું મચકોડવા માટે પ્રમાણ પૂરું પાડે છે, પરંતુ દલિત સમાજે તેમની કવિતાને ઉત્સાહથી, માનભેર સ્વીકારી છે. માણી છે. અદલિત સમાજ દ્વારા કવિતામાં સહજ ભાવે આવતા ગુસ્સા-જુસ્સાને તથા ગાળને નકારવાનું વલણ અપનાવાયું છે. રૂઢિવાદીઓએ તે તેને વખોડવાનું કામ કર્યું. સાહિલ પરમારની કવિતામાં આવતું બરછટપણું તેમનો વિશેષ છે.

આમ તો તેમણે ત્રણ પુસ્તકો આપ્યા એમ ગણાય છતાં ’મથામણ’ કાવ્યસંગ્રહમાં તેમણે અગાઉનાં બે પુસ્તકોની કવિતાઓનો સમાવેશ કરી દીધો છે.

શોષણ,ચિંતા, વિષાદ, અભાવ, આભડછેટ, બેરોજગારી, સ્ત્રીઓ પરના અત્યાચાર, ભૂખમરો, બેહાલી,ગરીબી, સામંતશાહીની છાયા ધરાવતા સમાજ સામે આક્રોશ આ સઘળું તેમની કવિતાના પરિપ્રેક્ષ્યમાં સુંદર રીતે ગૂંથાયેલું જણાય છે. તેમની કવિતા ’તાંણવા માટઅ નૈં આવવાના’ વિશે ખૂબ ઊહાપોહ થયેલો. થોડીક પંક્તિઓમાંથી પસાર થઈએ,
'જી...પાંણી’લ્યા ખૉવ તમે નઅ,
ચૂહી ચૂહી ખોખલું કરી,
અમનઅ આલો ખેંચવા માટઅ,
મોટ્ટું જાંણી દાન કર્યું ઈંમ કે’તઅ કે’તઅ...’

સાહિલ પરમારે અછાંદસ કવિતા સાથે ગીત, ગઝલ પણ લખ્યાં છે. સર્-રિયાલિસ્ટિક કવિતાના પ્રયોગો કર્યા છે.
'હાથ તે પેલા જળને વાગે,
કે પછી જળ હાથને વાગે
કે બેઉ બેઉને વાગે... ’

જેવી કવિતાનું નામ જ આપણને સટ્ટાક સટ્ટાક વાગવા લાગે છે. ’ચાબખો અને દેહ એક અનુભૂતિ’. ’રોટલાની મંડાઈ મ્હોંકાંણ’, ’મિલ છૂટ્યાની વેળા’માં અને અદલિત વિષમતાઓનું તાદૃશ્ય દૃશ્ય મળે છે. દલિત સમાજ અને અદલિત સમાજ વચ્ચે કેવી વિશાળ ખાઈઓ છે તેનું સાહજિક, પ્રતીકાત્મક, કલાત્મક ચિત્રણ ’એટલું જ’ નામની કવિતામાં મળે છે. કવિ કહે છે,
'તારા બંગલા ઉપર ધ્વજ ફરકે છે,
ત્યારે,
વંદેમાતરમ્ અને જનગણના સૂરો
મિલના સાંચાની ઘઘરાટી ભેદી
મારા કાન સુધી પહોંચી શકતા નથી.
એટલું જ,
વિશેષ કશું નહીં.
.....
ક્યારેક,
ભારત મારો દેશ છે.
શાળાજીવન દરમ્યાન કરેલો પોપટપાઠ,
યાદ આવી જાય ત્યારે...
હું..ખડખડાટ હસી પડું છું.
એટલું જ,
વિશેષ કશું નહીં.’

સાહિલની કવિતામાં જુસ્સો છે. ગુસ્સો છે. લય છે. તાલ છે. સામાજિક પ્રતિબદ્ધતાને સમાજને બદલવાની નેમ છે. આશાવાદ છે. એ કહે છે,
'ધકેલાતાં અંધારે કૂટાતાં પગલાં,
હતાં ઝાડુ પછવાડે ભૂંસાતાં પગલાં,
લપાતાં છુપાતાં હતાં કાલે કિંતુ,
દૃઢ નિશ્ચયે આજ મૂકાતાં પગલાં.’

એક કવિ હુંકાર કરીને ઈશ્વરનેય ધમકી આપે છે કે,
'ભગવાનને હું આમ જ,
લટકાવી દઈશ સૂર્ય સામે,
મૂકી દો નસે નસમાં Blood Suckor!’

હા,એમ કરવું જરૂરી છે. આ કવિતાના કવિ છે હરીશ મંગલમ્. પરંતુ હું તેમની કવિતાની વાત નહીં કરું. હું એક એવા કવિની વાત કરવા માંગું છું જેમણે થોડી કવિતા લખી છે, છતાં એક સુંદર વિત્તવાન કાવ્યસંગ્રહ આપ્યો છે. એ કવિ આપણને પૂછી રહ્યા છે,
'વિતેલા આયખાનું રોજ રોજ ગાવાનું
બેસૂરું અધ્ધરિયું ગાણું.’

થોડામાં ઘણું કહેતો વાસ્તવવાદી કવિ છે અરવિંદ વેગડા અને કાવ્યસંગ્રહ છે ’પગેરું’. કવિ કહે છે,
'આવવું છે તોય હવે આવીએ રે કેમ?
તમે રસ્તાની ધગધગતી ધૂળ.
ખીલવું છે તોય હવે ખીલીએ રે કેમ?
અમે ટૂટેલી ડાળખીના ફૂલ.’ (પગેરું, પાના નં. 1)

કવિ આશાવાદી છે. એને દલિત સમાજ અને દલિત સમાજ વચ્ચે પડેલી તિરાડ પાર કરવી છે. પણ તે રસ્તો પાર કરી શકે તેમ નથી. તેઓ તો રસ્તા પર ધગધગતી ધૂળ થઈ વિખરાઈ પડ્યા છે.ખીલવાની ઇચ્છા હોવા છતાં એ ખીલી શકે તેમ નથી, તે તૂટેલી ડાળખીના ફૂલ છે. ધગધગતી રેતી, તૂટેલી ડાળી જેવાં પ્રતીક અહીં કવિ અંકે કરે છે. કવિએ અછાંદસ, ગઝલ અને ગીત લખ્યાં છે.

સમાજમાં ઈશ્વરનાં સ્થાનોમાં કે સામાજિક જીવનમાં જે ગંદકીઓ છે, તેને સાંગોપાંગ કવિતારૂપ આપવાનું કાર્ય એમની કવિતામાં થયું છે, તાદૃશ્યતા, વિષમતાનો ભાર, મિલમજૂર, ખેતમજૂર,અનામતિયાં હુલ્લડ, લય બધું તેમની કવિતામાં સંભવે છે. તેમની કવિતામાં અછાંદસ દૃશ્યાત્મકતાનો લય અને દૃશ્યોની વિરૂપતા જોતાં ધ્રૂજી જવાય છે. ’હડસેલો’, ’સૂરજ’, ’સંઘર્ષ’,’સૂર્યવેધ’, ’મંદિરમાં’ વગેરે કવિતાઓ ધ્યાનપાત્ર છે,
'...આંખો બંધ કરું ને
પેલા તૂટેલા માણસના હાથ પરની
બણબણતી માખી.
ભગવાનના નાક પર બેસી
બાળકના લીંટને આરોગતી બેસે છે.
મારા હાથ પર...’

વળી,પાછું કહું કે દલિત કવિતા માતબર છે ને કવિઓનો મોટો કાફલો છે. તેમાંથી મેં બે-ચાર કવિઓ વિશે વાત કરી. તમે સાંભળી.

(ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પરિસંવાદમાં આપેલું વક્તવ્ય. તા. 11-12-2010)

દલપત ચૌહાણ, પ્લોટ નં. 928/2,સેક્ટર 7સી, ગાંધીનગર, 382007