સ્વીટ મેમરીઝ

હું બારી પાસેની સીટ પર જઇ બેઠો. મારી બાજુમાં પટેલસાહેબ આવી બેઠા. હું બારી બહાર ઝરમરતા વરસાદને તાકી રહેલો. બસ હજી ઉપડી ન હતી. વાંદરાભાઇ હંમેશની જેમ બસની ઊપર ચડીને બેઠેલા. થોડી થોડી વારે ઊંધા માથે લટકી, બારીમાં ડોકાઇ મને કંઇક ઈશારા કરી જતા હતા. બસ ઉપડી પછી બારીમાંથી હાથ લંબાવી તેમણે મને ચશ્માં ધર્યાં. મેં લઇ પહેરી લીધાં ને એમાં એમણે સૅટ કરેલાં દૃશ્યો જોવા લાગ્યો. જોકે સૅટિંગ રૅન્ડમ મૉડ પર કરેલું લાગ્યું. છતાં, આછાં ને ઘાટાં, દૂરનાં ને નજીકનાં રંગબેરંગી દૃશ્યો સતત સરકતાં હતાં ને મારો ટાઈમ પાસ થતો હતો.
અચાનક બસને બ્રેક વાગી. હું આગળ ઝૂકી ગયો ને ચશ્માં નીકળી પડ્યાં. મેં બાજુમાં બેસીને છાપું વાંચતા પટેલસાહેબ સામે જરા સ્માઈલ કર્યું. આંચકા સાથે બસ ઉપડી ને મારી નજર પટેલસાહેબના હાથમાંના છાપામાં છપાયેલા ફોટોગ્રાફ પર પડી... વાંચો ! ડોક લંબાવી ઝીણી આંખે મેં ફોટો બરાબર જોયો. ઈન્સૅટ કરેલો એ સ્ટૅમ્પ સાઈઝ ફોટો એનો જ હતો - હા, એ જ ! પણ... જેમાં એ ઈન્સૅટ કરેલો એ પાનું માંગી હું વાંચવા - જોવા માંડ્યો,
શહેરના પૉશ વિસ્તારમાં ફલેટમાં એકલી રહેતી યુવાન પરિણીતાની આત્મહત્યાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઇ હતી. પડોશીઓને શક પડતાં બારણું તોડી અંદર જતાં મૃતદેહ મળી આવ્યો. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે પૉસ્ટમૉર્ટમ માટે મૃતદેહ હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે. (વિસ્તૃત અહેવાલ પાના નં.....)
માય ગૉડ! હબકી ગયેલો હું. વાંદરાભાઇ પણ બારીમાંથી અંદર ધસી આવેલા. ફાટી આંખે એય ફોટો જોઇ રહેલા. યલો કલરની ચાદર પર બ્લૂ જીન્સ અને પિન્ક ટી-શર્ટમાં એ ચત્તીપાટ પડી હતી. છાતી પર પૅરટ-ગ્રીન કલરનું આલ્બમ. આલ્બમ પર એની પાતળી નાજુક આંગળીઓ, સ્લીવલૅસ ટી-શર્ટમાંથી કાન પાસે થઇ ઊપર તરફ લંબાયેલો બીજો હાથ. એક જાણીતી સુગંધ મારા શ્વાસમાં ન જાણે કયાંથી પ્રસરી ગઇ ને હું થથરી ઉઠ્યો. વાંદરાભાઇએ ટેબલ પર પડેલા દેખાતા કાચના ગ્લાસ ફરતે આંગળી ફેરવી એ તરફ મારું ધ્યાન દોરેલું.
પટેલસાહેબ મારા હાથમાંથી છાપાનું પાનું ખેંચી, ‘ઉતરવાનું નથી ?’ કહેતા ઉભા થયા ને હુંય યંત્રવત્ ઊભો થઇ ભીડમાં જગ્યા કરતો એમની પાછળ ઉતરી પડ્યો. કંઇ ન સૂઝતાં બાઘાની જેમ હું સ્ટાફના મિત્રોની પાછળ ચાલવા લાગ્યો, ત્યાં વાંદરાભાઇએ બાવડું ઝાલી મને હચમચાવી નાંખ્યો. મોઢા પર આંગળી મૂકી, ચૂપ રહેવાનું સૂચવતા મને બીજી તરફ ખેંચી ગયા. બસ-સ્ટૅન્ડની પાછળ મૅગેઝીનની દુકાને લઇ જઇ મને ઉભો રાખ્યો. દુકાનદાર પાસે છાપું માંગી હું છુટ્ટા પૈસા શોધવા લાગ્યો તો વાંદરાભાઇએ મારું વૉલેટ કાઢી પચાસની નોટ મારા હાથમાં પકડાવી. ‘હેં ? હા, હા,’ કરતાં મેં એ દિવસનાં ગુજરાતી-અંગ્રેજી બધાં છાપાં માંગી લીધાં ને બાજુની કીટલીના ખૂણા પરના મૂડા પર બેસી ઝડપથી છાપાં ઊથલાવવા લાગ્યો.
બધાં છાપાંમાં વાચાની આત્મહત્યાના સમાચાર છપાયા હતા. મોટા ભાગનાંમાં ફોટોયે છપાયો હતો. એ જ, યલો ચાદર, બ્લૂ જીન્સ, પિન્ક ટી-શર્ટ ને પૅરટ-ગ્રીન આલ્બમ ! ગઇકાલે સાંજે પડોશીઓને શંકા જતાં બારણું તોડી અંદર ઘૂસેલા પણ પોલીસે આગલા દિવસે મૃત્યુ થયું હોવાની શંકા વ્યકત કરી હતી. મને કંઇ સૂઝતું ન હતું. વાંદરાભાઇ મારો મૉબાઈલ લઇ ઝડપથી કંઇક મચડી રહ્યાં હતાં. મેં એમની સામે જોયું તો મૉબાઈલ મારી તરફ ધરી કૉલ રજિસ્ટરમાં જઇ રિસીવ્ડ કૉલ્સ બતાડવા લાગ્યા. બે દિવસ પહેલાંની ડૅટમાં એટલે કે બુધવારના રજિસ્ટર થયેલો વાચાનો નંબર સ્ક્રીન પર લાવી એમણે ફોન મારા હાથમાં પકડાવ્યો. હજી ગુંજતો હતો જાણે એનો અવાજ... ‘આઈ એમ હૅપ્પી - રીઅલી બિલીવ મિ. આઈ એમ હૅપ્પીએસ્ટ પર્સન ઈન ધી વર્લ્ડ. હું કાલની રાત કયારેય નહીં ભૂલી શકું... આઈ ડૉન્ટ નૉ, તને સમજાશે નહીં, પણ કંઇ ન કરીનેય કેટલું બધું કર્યું છે મારા માટે!’ ખાસ્સી ડિસ્ટર્બ લાગતી હતી. અસંબદ્ધ જેવી લાગતી કંઇ કેટલીય વાતો કરતી હતી. ‘તું યાદ રાખીશ ને મને?’ પૂછતી હતી વારંવાર.
તરવરતો હતો એનો ચહેરો મારી આંખ સામે. એની આંખો, એના હોઠ, સ્મિત એનું. છાતી પરનો તલ, મારી બરછટ રૂંવાંટી પર સરકતી એની કોમળ આંગળીઓ ને સુગંધ એના શરીરની... હજી બુધવારે સવારે તો મારી સાથે વાત કરી છે ને આગલી રાતે તો... એ રાતનાં દૃશ્યો જોવા મેં વાંદરાભાઇ પાસે ચશ્માં માંગ્યાં. દાંડી પરનાં બટન દબાવતાં એમણે ચશ્માં મારા હાથમાં મૂકયાં. હવે વાચાને બસ આમ જ ચશ્માંમાં જોવાની ? વિચારતાં મેં ચશ્માં આંખે ચઢાવ્યાં. વાચાને બદલે ખાખી કપડાંમાં સજજ કોઇ મૂછાળો પોલીસ દેખાયેલો મને. એક હાથમાં દંડો હતો ને બીજા હાથમાં બાવડું ઝાલી મને તાણી જતો હતો. ગભરાઇ જઇને મેં ચશ્માં કાઢી નાખેલાં... કદાચ મરતાં પહેલાં છેલ્લે મારી સાથે જ વાત કરી હોય એવુંય બને ! અને એના રૂમમાંથી એનો મૉબાઈલ તો પોલીસને મળ્યો જ હોય. ઝડપથી મેં મારો ફોન સ્વિચ-ઓફ કરી દીધેલો, ગમે ત્યારે એના ફોન પરથી નંબર મેળવી પોલીસ મને ફોન કરી શકે, અને પછી સઘન પૂછપરછ ને પછી...
વળતી બસ પકડી હું ઘરે પહોંચેલો. સીમા પિન્કુને સ્કૂલે જવા તૈયાર કરતી હતી. ‘કેમ પાછા ?’ પૂછતી મારા હાથમાંનાં છાપાંના થપ્પાને એ જોઇ રહેલી. ‘મારે બહારગામ જવું પડશે, ઑફિસના કામથી, બે-ત્રણ દિવસ. તું એમ કર, તારાં મમ્મીના ઘરે - પિન્કુને મૂકીને સીધી જતી જ રહેજે...’ મને બીક એ વાતની હતી કે, નંબર મળે પછી સરનામું મેળવતાં પોલીસને વાર કેટલી ? અને એમાંય જો હું આગલી રાતે એની સાથે હતો એવી ખબર પડે તો તો... ફોટામાં જોયેલા, વાચાના ટેબલ પર પડેલા કાચના ગ્લાસ મારી આંખ સામે તરવરતા હતા. મને સતત પરસેવો વળતો હતો. ‘ઠીક નથી ?’ પૂછેલુંય ખરું સીમાએ. મેં ઊતાવળ કરાવેલી એને. એણે બૅગ ભરી દીધેલી. વાંદરાભાઇએ ત્યાં સુધીમાં સ્વિચ-ઑફ કરેલા મારા ફોનનું સિમ કાર્ડ કાઢી તોડી ફેંકી દીધેલું ને ફોન રૂમમાં મૂકી આવેલા. ‘કોળિયો જમી તો લો’ કહી સીમાએ જમવા બેસાડી દીધેલો. ઊતાવળે બે કોળિયા ખાઇ એમને વિદાય કરી હું ઝડપથી ઘરની બહાર નીકળી ગયેલો.
‘આમ તો આપણે કયાં કંઇ ખોટું કર્યું છે!’ હું કારણ વગર વાંદરાભાઇને સમજાવવા માંડેલો. ‘...આ તો શું કે બે દા’ડામાં સાચી વાત બહાર આવશે - ત્યાં સુધી કયાં મગજમારીમાં પડવું... કોઇ જાણે તો એમ જ માને કે શુંય વાત હશે ...ને સીમાને ખબર પડે તો તો...’ વાંદરાભાઇ મારો બબડાટ સાંભળતા, મારી સામે જોતા મલકાતા રહેલા. મારે હમણાં તો તાત્કાલિક કયાંક ચાલ્યા જવું જોઇએ એમ મને લાગેલું. પણ કયાં ? વાંદરાભાઇએ મને રસ્તો બતાડેલો ને એ મુજબ બસમાં રેલવે સ્ટૅશન પહોંચી મેં નજીકની એક નાનકડી હૉટેલમાં ખોટા નામથી રૂમ બુક કરાવેલી. એ રૂમમાં બેસી હું એમની સાથે ચર્ચા કરતો રહેલો, શું થયું હશે, શું થશે, શું કરી શકાય...
હું ચારે તરફથી ભીંસાતો હોઉં એવું મને લાગતું હતું. મારો ફોન નંબર - મારું સરનામું - ગ્લાસ પરનાં મારાં આંગળાંનાં નિશાન - ને રહી જતું હોય તેમ પેલા આલ્બમમાં મારા ફોટા ! હું માથું પકડી, આંખો મચી પલંગમાં બેસી પડેલો. મારા ધબકારાં વધું ને વધું તેજ થતા અનુભવી રહ્યો હતો. ત્યાં વાંદરાભાઇએ પાછળથી આવી પેલાં ચશ્માં મને પહેરાવી દીધેલાં. હું એ રાતની એક એક વિગત યાદ કરી લેવા માંગતો હતો. આંખો ખોલી જોઉં તો, -ઝરમર વરસી રહ્યો છે વરસાદ. કૉલેજમાંથી નીકળી અમે પાંચ-સાત મિત્રો મસ્તી કરતા - ખડખડ હસતા જઇ રહ્યા છીએ. મારો હાથ વાચાના હાથમાં છે. દોડે-કૂદે-ઉભી રહે-ખડખડાટ હસે-હાથ હિલોળે પણ મજબૂતીથી પકડેલો માર હાથ છોડતી નથી. એક બાજુ અમે બે ને બીજી બાજુ બીજા બધા, ખાબોચિયાંમાં ભરાયેલાં પાણી ઊડાડી એકબીજાંનાં કપડાં બગાડવાની મસ્તી ચાલી રહી છે. ઊંડો નિસાસો નાખતાં મેં ચશ્માં કાઢી નાખેલાં. પલંગમાં આડો પડી ઓશીકું માથા પર દાબી પડી રહેલો.
કૉલેજમાં અમે સાથે હતાં. ખાસ્સાં નજીક હતાં. પણ મને સતત લાગતું કે રોહિત એને માટે ખાસ છે. એ એની બાજુમાં જ રહેતો. સાથે જ બન્ને કૉલેજ આવતાં - સાથે જ જતાં. રોહિત એની ગેરહાજરીમાં એમની કંઇકેટલીય વાતો - ખાસ વાતો કહેતો. ટી.વાય પાસ કરીને બન્ને પરણીય ગયેલાં. પછી સંપર્ક ન હતો. એક જ શહેરમાં રહેવા છતાં મળ્યાં ન હતાં કયારેય. પણ અચાનક અઠવાડિયા પહેલાં એ મળી ગયેલી મને. બજારમાં. એક દુકાનમાં. ગયા શુક્રવારે જ વળી ! શાંત-શાંત ને ગંભીર લાગતી હતી. જોયા કરતી હતી નિષ્પલક, મારી સામે. ‘કૉલેજમાં કેવા પલકારો ન મારવાની શરત મારી, આંખમાંથી પાણી નીકળ્યા કરે તોય જીદે ચડી એકબીજાને જોયા કરતાં હતાં!’ યાદ કરાવેલું મેં. ને લુખ્ખું હસતાં એણે આંખ ઝૂકાવી દીધેલી. ‘મળીએ યાર નિરાંતે.’ મેં કહેલું ને સરનામું - ફોન નંબર આપી, ‘નિરાંતે બેસાય એમ’ ઘેર આવવા એણે કહેલું. હાથમાં હાથ લઇ, હક્કથી, બને એટલો જલદી આવવાનું પ્રોમિસ માંગેલું. ‘રોહિત મજામાં?’ પૂછેલું મેં. ને મારો હાથ છોડી દઇ, ‘તું આવ, પછી વાત કરીએ બધી.’ કહેતી એ ઝડપથી ચાલી ગયેલી.
મેં પ્રોમિસ પાળેલું. મંગળવારે ફોન કરી એની સાથે નક્કી કરેલું, ‘તું ફ્રી હોય તો આજે સાંજે આવું...’ ઑફિસેથી જરા વહેલો નીકળી એના ઘરે ગયેલો. ‘કામ બહુ છે. મોડું થશે. જમવામાં રાહ ન જોતી.’ ઘરે સીમાનેય કહી દીધેલું મેં.
ખભો ઝાલી વાંદરાભાઇએ હચમચાવ્યો ત્યારે ઝબકી ગયેલો હું. ચશ્માંની દાંડી પકડી ગોળ ગાળ ઘુમાવતા એ મારી સામે જોઇ હસતાં હતાં. હું મોં ફેરવી બેસી પડેલો. રૂમની ખખડધજ બારી એમણે ધક્કો મારી ખોલી નાખેલી. બહાર અંધારું થઇ ગયું હતું. હું બહાર નીકળી ઝડપથી જમી આવેલો ને મોડી રાત સુધી એ હૉટેલના પલંગમાં પડખાં ઘસતો રહેલો.
વહેલી સવારે વાંદરાભાઇએ ઢંઢોળીને જગાડેલો મને. સૌથી પહેલું કામ જ મેં સ્ટૅશન બાજુ જઇ છાપાં મેળવવાનું કરેલું. ત્યાં ઉભાં ઉભાં જ વાંચવાય માંડેલો,
- પરિણીતાની આત્મહત્યાનું રહસ્ય હજી અકબંધ
- ઊંઘની ગોળીઓ ખાઇને વાચા દવેએ જીવન ટૂંકાવ્યું હતું, પણ શા માટે? હજી એ વણઉકલ્યો પ્રશ્ન
- વાચા દવે આત્મહત્યા પ્રકરણમાં રૂમમાંથી જ મળી આવેલી મૃતકની ડાયરી ભેદ ઊકેલશે?
હેડલાઈન્સ વાંચતાં વાંચતાં હું અટકી ગયેલો. તે દિવસે એટલે કે બુધવારે, સવારે હું નીકળી ગયો પછી એણે ડાયરી લખી હશે? છાપાંમાં છપાયેલી વિગતો પર મારી આંખો ઝડપથી ફરી રહી હતી.
આત્મહત્યાના થોડા જ સમય પહેલાં લખાયેલી ડાયરીમાંની ડાઈંગ ડેકલેરેશન જેવી વિગતો મૃતકની આત્મહત્યાનું કારણ જાણવા માટેની આધારભૂત માહિતી બની રહેશે. ડાયરીના આધારે પોલીસની સઘન તપાસ ચાલુ...
મારા હાથ ધ્રૂજવા માંડેલા. વરસાદ અચાનક ચાલુ થઇ ગયેલો. મારા હાથમાં પકડેલાં છાપાં પર ટપ-ટપ છાંટા પડતા હતા. પડતાં જ શોષાઇ વિસ્તરી જતા હતા. વાંદરાભાઇએ છાપું વાળી મારી બગલમાં દાબી દીધેલું. મારો ખભો પકડી દુકાન આગળ બાંધેલા મીણિયા નીચે લઇ ગયેલા. મીણિયા પર વરસાદનાં ટીપાં પડવાનો અવાજ સંભળાતો હતો. હું હતપ્રભ થઇ ઉભો રહેલો. વાંદરાભાઇએ હળવેકથી મારી આંખો પર ચશ્માં ચડાવી દીધેલાં અને હું જોઉં છું તો, વાચા ઓશીકા પર કોણી ટેકવી ઊંધી પડી છે. આગળ પડેલી ડાયરી વાંચીને મને સંભળાવે છે. થોડી વારે એની મોટ્ટી આંખો મારી તરફ મંડાય છે. આંખમાંથી આંસુ દદડી ડાયરીના પાના પર પડે છે. મારો હાથ લંબાય છે. એના સુંવાળા ગાલ પરથી આંસુ લૂછતો હું પૂછું છું, ‘યુ રીઅલી મિન ઈટ? હું તો સમજતો હતો કે, તું પહેલેથી રોહિતને...’
શુક્રવારે બજારમાં અચાનક અમે મળી ગયાં. તે દિવસનું લખાણ વાંચી રહી હતી. મને મળીને કૉલેજની સ્મૃતિઓ તાજી થઇ હતી. એ દિવસોનો એનો મારા પ્રત્યેનો પ્રેમ અને મારી સતત બેદરકારીની વાતોથી પાનાં ભર્યાં હતાં. મેંય કૉલેજ વખતની એના પ્રત્યેની ફિલિંગ્સની વાત કરેલી. એ કહે, ‘હું તારી રાહ જોતી રહી ને રોહિત માટે મારા ઘરનું દબાણ વધતું જ રહ્યું. કૉલેજ પૂરી થઇ. આપણે છૂટા પડ્યાં પછી છેવટે હા પાડવી પડી - પણ...’ એના કહેવા મુજબ રોહિત બધાં લક્ષણે પૂરો હતો. દારૂ-જુગાર તો ઠીક, લફરાંય પાર વિનાનાં. નર્યો વિકૃત. છાતી પરના ઘાનાં નિશાન બતાવી રહી છે વાચા. હું સ્પર્શ કરું છું એ નિશાન પર, હાથથી - પછી હોઠથી...
એકદમ વાંદરાભાઇએ ચશ્માં ખેંચી લીધેલાં. હું ચમકી ગયેલો. વરસાદ ચાલુ હતો હજી. વાંદરાભાઇ રોડ તરફ ઈશારો કરતાં હતાં. મેં જોયું તો સામેના બિલ્ડિંગની છત નીચે ઉભા રહી બે પોલીસ ઊંચે જોઇ દુકાનોનાં પાટિયાં વાંચતા કંઇક વાત કરી રહ્યાં હતાં.
વરસાદથી બચવા માટે રાખ્યા હોય એમ મોં-માથા આડાં છાપાં રાખી હું ચાલુ વરસાદમાં જ ત્યાંથી ફટાફટ નીકળી ગયેલો. હૉટેલમાં જઇ, બૅગ લઇ, ઝડપથી રેલવે સ્ટૅશન તરફ ચાલી નીકળ્યો હતો.
ટ્રેનમાં બેસી પહેલાં તો મેં બધાં છાપાં વિગતવાર વાંચી નાખેલાં. પછી બારી બહાર જોતો બેસી રહેલો. ટ્રેન શહેરની નજીકના હિલ સ્ટૅશન તરફ ગતિ કરી રહી હતી. વરસાદની વાછટથી હું ભીંજાતો રહેલો.
ટ્રેનમાંથી ઉતરી જીપમાં હું હિલ સ્ટૅશન પહાચ્યો ત્યારે વાદળાં ગોરંભાયેલાં હતાં. ઘડીમાં ગાઢ ધુમ્મસ આખી હિલને ઢાંકી-ભજવી જતું હતું ને ઘડીમાં દૂરની ટેકરીઓને ભરડો લઇ વટળાતાં વાદળ દેખાતાં હતાં. એક એજન્ટ સાથે જઇ હૉટેલનો રૂમ બુક કરી, થાકયો-પાકયો હું પલંગમાં ફસડાઇ પડેલો. વાંદરાભાઇ બારીમાં બેસી ચશ્માં ચડાવી દાંડી પરનાં બટન દબાવતાં ખીખીખી કરતા હસી રહ્યાં હતાં. શું લખ્યું હશે એણે ડાયરીમાં? મને કંઇ સમજાતું ન હતું. બેચેની વધતી જતી હતી. આ બધાંનો અંત કઇ રીતે આવશે? પલંગમાંથી ઉભા થઇ બારીમાં બેઠેલા વાંદરાભાઇની પાછળ જઇ મેં એમનાં ચશ્માં કાઢી લીધેલાં ને પાછો આવી, ચશ્માં પહેરી પલંગ પર બેસી ગયેલો હું.
વરસાદમાં કેવી ધમાલ કરતા’તા, નહ! વાચા પૂછે છે મને. એના બેડરૂમના, બાલ્કનીમાં ખૂલતા બારણા પાસે અમે વરસાદને જોતાં ઉભાં છીએ. વરસાદી વાછટથી ખાસ્સાં ભજાયાં છીએ. મારો હાથ પકડી વાચા મને બાલ્કનીમાં ખેંચી જાય છે. પછી પગ પછાડી નીચે ભરાયેલાં પાણી ઊડાડે છે...
કૂદકો મારીને વાંદરાભાઇ પલંગ પર આવ્યા. હું એમનાથી દૂર જાઉં એ પહેલાં મેં પહેરેલાં ચશ્માંની દાંડીનું બટન એમણે દબાવી દીધું ને દૃશ્ય બદલાઇ ગયું.
‘લૂકિંગ બ્યુટીફુલ’ હું વાચાને કહું છું. ‘આઈ રિમેમ્બર, યુ લાઈક પેક ઓન મી’ પેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સ પહેરીને આવી છે. વાળ હજી ભીના છે. પાણીના ગ્લાસ ટેબલ પર મૂકતી કહે છે, ‘ચાલ, ફટાફટ ખાઇ લઇએ, અહીં જ લઇ આવું છું,’ હું એને - એની પ્રત્યેક હલચલને - લચકતાં પુષ્ટ અંગોને જોયા કરું છું. બે ડિશ બેડ પર મૂકી કબાટમાંથી પૅરટ-ગ્રીન કલરનું આલ્બમ લઇ આવે છે, ‘સ્વીટ મેમરીઝ’ બોલતી, આંખ મટકાવતી, આલ્બમ મને આપે છે. ‘ખાતાં ખાતાં આ ફોટા જોઇએ, પછી એક બહુ ખાનગી વસ્તુ બતાવવાની છું તને.’ ‘શું બતાવીશ?’ હું મજાકના મૂડમાં ઊપરથી નીચે સુધી એને જોતો પૂછું છું. ‘શટ્ અપ - મારી પર્સનલ ડાયરીની વાત કરું છું.’
આલ્બમમાં અમારા કૉલેજ વખતના ફોટા છે. એ જોતાં જૂની યાદોમાં - વાતોમાં ખોવાઇ જઇએ છીએ. ‘ખાવાનું તો ચાલુ રાખ..’ વાચા જાતે કોળિયો ભરી મારા મોંમાં મૂકે છે.
ભૂખ બરાબરની લાગેલી મને. ચશ્માં કાઢી વાંદરાભાઇને આપ્યાં. બાજુની રેસ્ટાંરાંમાં જઇ જમી આવ્યો. વાંદરાભાઇએ સામેના ટેબલ પર પડેલું ટીવી ચાલુ કર્યું ને મને એકદમ યાદ આવતાં રિમોટ લઇ ન્યૂઝ ચૅનલ્સ શોધવા લાગ્યો.
જુદી જુદી ન્યૂઝ ચૅનલ પર બે-ત્રણવાર એકના એક સમાચાર રીપિટ થયેલાં. વારંવાર એના બેડરૂમનું દૃશ્ય! એ જ રૂમ, એ જ બેડ ને એ જ યલો ચાદર...
- પૉસ્ટમોર્ટમ કે રિપોર્ટ કે મુતાબિક મૃત્યુ કી વજહ કાફી માત્રામેં લી ગઇ નિંદ કી ગોલિયાં હૈ, મગર કયા વજહ હૈ આત્મહત્યા કી?
- પુલીસ કો મીલી ડાયરી કે આધાર પર ખોજ જારી. આત્મહત્યા સે પહલે કયા લીખા ગયા હૈ ડાયરી મ, યે અભી તક હૈ રાઝ!
સાંજે મોડા સુધી, ટીવીમાં રીપિટ થયા કરતા સમાચાર જોયા પછી કંટાળીને મેં ટીવી બંધ કરેલું. વરસાદ અટકયો હતો.
હું હૉટેલમાંથી બહાર નીકળેલો. ટૂરિસ્ટ ખાસ ન હતાં. લગભગ બધું સૂમસામ. દૂર એક ટેકરી પર સર્પાકારે ચઢતા એક નિર્જન રસ્તા પર હું ચાલતો રહેલો. વાંદરાભાઇ મસ્તીએ ચઢ્યા હતા. વચ્ચે વચ્ચે મને ચશ્માં પહેરાવી આડાં-અવળાં દૃશ્યો દેખાડી જતા હતા. મારાં જાણીતાં સ્થળો અને પાત્રોને લઇ, બનેલી ઘટનાઓ કે બનનારી ઘટનાઓનાં અને ઘણીવાર તો કયારેય ન ઘટનારી ઘટનાઓનાં દૃશ્યો વાંદરાભાઇ એમનાં ચશ્માંમાં મને દેખાડતા હોય છે - જે જોવા માંગતો હોઉં તે ન બતાવીને વિચિત્ર આનંદ પણ લૂંટતા હોય છે. પણ હું શું કરી શકું? ચશ્માંનાં બટન ઑપરેટ કરતાં હજી મને આવડ્યું નથી. ચાલતો ચાલતો ટેકરીની ટોચે પહોંચ્યો ત્યારે એમણે ચશ્માંમાં બે સ્ટીલ ઈમેજિસ બતાવી હતી. એક કાચમાં પીન્કુ દેખાય ને બીજામાં સીમા!
મેં નીચે ઉતરી ટેલિફોન બુથમાંથી સીમાને ફોન જોડેલો. ખુશખુશાલ હતી. ‘પીન્કુ તો, જુઓ ને, કયારની બૂમો પાડું છું, આવતી જ નથી - પલળવા જતી રહી છે વરસાદમાં...’ મારી ચિંતા કરતી કહે,‘ટાઈમસર ખાઇ લેજો પાછા.’ ‘કોઇ આવ્યું’તું? કોઇનો ફોન?’ મેં ખાતરી કરવા એને પૂછી લીધેલું. પીન્કુ સાથે વાત નહિં થયેલી. ફોન મૂકી મેં હૉટેલમાં થોડું ખાઇ લીધું. પૈસા ઓછા હતા. એટીએમમાં જઇ ઊપાડી લીધા. પછી રૂમ પર આવી ગયેલો, મૂંઝાતો - કયારે પાછું જવાશે ?
રૂમ પર આવી ટીવી ચાલુ કર્યું તો, નો સિગ્નલ. વૉલેટ કાઢી પીન્કુનો ફોટો જોતો બેઠો હતો ત્યાં વાંદરાભાઇ ચશ્માં પહેરાવી ગયેલા...
મોબાઈલની રીંગ કયારની વાગી રહી છે. હું કંટાળીને હાથ લંબાવી બેડના ખૂણામાં પડેલો ફોન ઊઠાવું છું. સ્ક્રીન પર સીમાનો ફોટો દેખાય છે, કૉલિંગ સીમા... વાચાથી જરા અળગો થઇ વાત કરું છું. ‘બોલ, શું હતું?’ વાચા ભ્રમર ઊલાળી,‘કોણ?’ એમ પૂછે છે. સીમા ફોનમાં, ‘બીઝી છો? પછી કરું?’ પૂછે છે. ‘ના, બોલ શું હતું?’ હું જવાબ આપું છું. વાચા મારો બીજો હાથ હાથમાં લઇ પોતાની છાતી પર મૂકી મારી આંગળીઓથી રમવા માંડે છે. ‘જમી લીધું?’ સીમા પૂછે છે. ‘વરસાદ વધારે છે, એવું હોય તો રોકાઇ જ જજો. પલળતા નહીં, શરદી તો થયેલી છે, વધુ બીમાર થઇ જશો...’ ‘હા’ હું ટૂંકમાં જવાબ આપી વાત પતાવું છું. વાચા સૂતી સૂતી જ મને પોતાની નજીક ખેંચી લે છે. ‘એક મિનિટ’ સીમા બોલે છે,‘પીન્કુ ગૂડ-નાઈટ કહે છે...’ થોડી ક્ષણોની શાંતિ. વાચાનો હાથ મારી પીઠ ફરતે વિંટળાય છે. ‘હું તમારી કીટ્ટા છું - તમે સ્ટૉરી કહેવાના હતા...’ રડમસ અવાજે પીન્કુ બોલે છે. ‘બેટા...’ વાચાના હાથ ખસેડતો ઉભો થઇ હું પીન્કુને મનાવવા માંડું છું.
ચશ્માં કાઢીને મેં વાંદરાભાઇના હાથમાં મૂકયા. પીન્કુને ખાસ્સી વારે મનાવી શકેલો. પછી જ,‘લવ યુ પાપા!, ગૂડનાઈટ’ કહીને એણે ફોન મૂકેલો. અસ્વસ્થ થઇ ગયેલો હું. પાણી પીવા ટેબલ પર પડેલો ગ્લાસ ઊપાડેલો. ખાલી હતો. પલંગમાંથી ઉભી થઇ કપડાં ઠીક કરતી,વાળમાં હાથ ફેરવતી વાચાએ કહેલું, ‘આપું છું.’ રસોડામાં જઇ પાણીનો જગ લઇ આવી હતી.‘આઈ એમ સૉરી વાચા.’ મેં કહેલું. એણે ગ્લાસ ભરી દીધેલો. મારા ખભે હાથ મૂકી ઉભી રહેલી. ‘આઈ અન્ડરસ્ટૅન્ડ’ મારા હાથમાંથી ગ્લાસ લેતાં બોલેલી, ‘સારું જ થયું... નહીં તો હું મારી જાતને માફ ન કરી શકત...’ એની આંખો ઝૂકી ગઇ હતી, ‘આઈ થિન્ક, યુ મસ્ટ ગો’ હાથમાંનો ગ્લાસ ટેબલ પર મૂકી જગ મૂકવાના બહાને અવળી ફરી ગઇ હતી. બહાર કડાકા સાથે તોફાની વરસાદ તૂટી પડેલો. ‘ના, હવે તો નહીં જ જવાય.’ મેં એના ખભે હાથ મૂકીને કહેલું.
રોકાઇ ગયેલો પછી રાત્રે. વરસાદ આખી રાત વરસતો રહેલો. એ મારા ખોળામાં માથું મૂકી આડી પડી હતી. ને હું એના માથે હાથ ફેરવતો એની વાતો સાંભળતો રહેલો... થોડી ભૂતકાળની યાદો, થોડી રોહિતની ફરિયાદો, એના જીવનની નાની-મોટી વાતો જ વાતો... એની સંવેદનાઓ ને વેદનાઓ... સીમા વિશે, પીન્કુ વિશે પણ વારંવાર બધું પૂછ્યા કરતી હતી. ને ‘યુ આર લકી’ દરેક વાર બોલતી હતી. સવારે છૂટાં પડતાં પણ કહે, ‘સીમાને બહુ સાચવજે. એને દગો ન કરતો. હવે આપણે ફરી કયારેય નહીં મળીએ.’ નહીં સમજેલો હું એની વાત. ‘ઈટ્સ ઑકે યાર, આપણે કયાં કંઇ...’ મેં કહેલું ને ઊંડો શ્વાસ લઇ જોતી રહેલી મારી સામે - જોતી જ રહેલી.
‘ધબ ધબ ધબ’ બહારથી કોઇ બારણું ઠોકતું હતું. ભયંકર રીતે. ભડકી ગયેલો હું. ધબકારા વધી ગયેલા. રૂમને બારણું એક ને એક જ બારી. શું કરું, કયાં જાઉં? બારી ખુલ્લી હતી ને વાંદરાભાઇ ગુમ! બારણું વધુ જોરથી ખખડ્યું - મેં લાઈટ ચાલુ કરી. પોણા પાંચ થયા હતા. ‘કોણ?’ પૂછતાં ધ્રૂજતા હાથે મેં બારણું ઊઘાડેલું ને ‘હૂ હૂ હૂ’ કરતા વાંદરાભાઇ અંદર ધસી આવેલા. મારી સામે જોઇ જોઇ હાથ લાંબા કરતા - તાબોટા પાડતા હસ્યે જ જાય... ઊંડા શ્વાસ લેતો હું લમણે હાથ દઇ પલંગ પર જઇ બેઠો તો મારી પાસે આવી એમણે ડૂચો વળેલાં બે કાગળિયાં મારી ઊપર ફેંકયાં. મેં ખોલીને જોયું તો કાલ રાતની એટીએમની રિસિપ્ટ ને ફોનનું બિલ...
તરત તો મને કંઇ સમજાયેલું નહીં પણ પછી ભાન થયું, સીમાનો ફોન ટ્રેસ થતો હોય તો! અને સેલરી એકાઊન્ટના એટીએમમાંથી કયારે અને કયાંથી ટ્રાન્જેકશન થયું એ તો...
બીજી જ મિનિટે મોઢુંય ધોયા વિના હું બૅગ લઇ હૉટેલમાંથી બહાર નીકળી બસ ડૅપો તરફ દોડી ગયેલો. જે બસ પડેલી દેખાઇ એમાં ચડી ગયેલો. બસ ઉપડવાને વાર હતી ને છાપાંવાળો દેખાયેલો. છાપાં લઇ ઊતાવળે હું ઊથલાવવા માંડેલો અને...
- વાચા ભટ્ટ આત્મહત્યા પ્રકરણમાં મૃતકનો પતિ રોહિત ભટ્ટ રંગે હાથ ઝડપાયો
રોહિત કોઇ સ્ત્રી સાથે પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને સેકસ રૅકેટ ને પૉર્ન ફિલ્મોનાં શૂટિંગ ને એવું બધું ઘણું... ઝડપથી મારી આંખ છાપાના લખાણ પર ફરતી હતી. વાચાની ડાયરીનાં લખાણોને આધારે જ રોહિતને શોધી એની ધરપકડ કરાઇ હતી. વળી, ‘આત્મહત્યાની થોડી જ મિનિટો પહેલાં લખાયેલી વિગતોનો અંશ’ પણ છપાયો હતો, અલગ બૉક્ષમાં-
- ‘બસ, આ છેલ્લા શબ્દો લખીને જાઉં છું. આ છેલ્લા ચાર દિવસ મયૂરની રાહમાં જ જીવન લંબાવ્યું છે, નહીં તો તે દિવસે જ આ ગોળીઓ તો ખરીદી હતી. પણ દુકાન આગળ જ એ મળી ગયો. એવો જ ઓછાબોલો. કહે, ‘મળીએ નિરાંતે’ કાલે જ આવ્યો હતો. વરસાદને કારણે રાત રોકાઇ ગયો હતો. હજી હમણાં જ એની સાથે ફોન પર છેલ્લે છેલ્લે વાત કરીને બેઠી છું. જીવનના આ છેલ્લા દિવસે એટલું આશ્વાસન છે કે મારો પ્રેમ એકપક્ષીય ન હતો. સંતોષ છે. આખી રાત સાથે રહીનેય અમે એ પ્રેમની પવિત્રતા અને જીવન પ્રત્યેની નિષ્ઠા જાળવી શકયાં છીએ.
- ‘મારી સામે એણે અધૂરો મૂકેલો પાણીનો ગ્લાસ છે ને બાજુમાં ટૅબ્લેટ્સ છે. મારી આત્મહત્યાનું એકમાત્ર કારણ મારો અન્યાયી, આક્રમણખોર અને વિકૃત પતિ રોહિત જ છે. એણે લગ્ન પહેલાં અને પછી પણ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખ્યા છે. અનેકનાં જીવન બરબાદ કર્યાં છે. ઇશ્વર પણ એને માફ નહીં કરે.’
ડ્રાઈવર બસમાં બેસી ગયો હતો. ઘરઘરાટી કરતી બસ ચાલુ થઇ. હું બૅગ ઊઠાવી ઊતાવળે બસનાં પગથિયાં ઉતરી ગયો. બહાર વરસાદ ચાલુ થયો હતો. છત નીચે જવાને બદલે હું ખુલ્લા આકાશ નીંચે ભીંજાતો મારા ઘર તરફ જનારી બસની રાહ જોઇ રહ્યો.

જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ
૯, ન્યૂ સૂર્યનારાયણ સોસાયટી,
રન્નાપાર્ક, અમદાવાદ
મોઃ ૯૪૨૮૧ ૨૪૧૧૫

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index