શિવમહિમ્નસ્તોત્રમાં આવતા મિથક

મિથ શબ્દ અંગ્રેજી ભાષાનો છે. તે ગ્રીક શબ્દ મુથોસ અને લેટીન શબ્દ(Mythes) પરથી ઉતરી આવ્યો છે. એરિસ્ટોટલે તેનો કથાવિધાન અર્થ કર્યો છે. કાલક્રમે સત્યની વિરુધ્ધ સ્વરુપ ધરાવતો શબ્દ થયો. મિથને પુરાણી પરંપરાની વાર્તા,કિમ્વદંતી ,પ્રાચીન માન્યતાઓ, કાલ્પનિક કે અતિમાનવીય કથાનો અર્થ પણ થયો છે.મિથકની વિભિન્ન વિભાવનાઓ જોતાં તેનું સ્વરુપ પામવાની ચેષ્ટા ‘અન્ધગજ ન્યાય’ જેવી છે.

સંસ્કૃત ભાષામાં મિથ શબ્દ રહસ્ય ,એકાંત કે નિર્જનના અર્થમાં વપરાય છે. મિથ અવ્યયનો અર્થ પરસ્પર છે. વેદાંતમા મિથ્યા શબ્દની વિભાવના તત્કાલ અને તદ્દેશ સમ્બન્ધિત સત્ય કરવામાં આવ્યો છે.પૌરત્સ્ય વિદ્વાનોના મતે મિથનો પર્યાય પુરાકલ્પન માનવામા આવ્યો છે. આમ, મિથક શબ્દ એટલે પુરાકથા અર્થ કેટલાક વિદ્વાનોને બરાબર જણાય છે. મિથક એટલે પુરાકલ્પનના અર્થ લગભગ સમાન રીતે સમગ્ર વિશ્વમા પ્રચલિત થયા છે.

કથાનક મિથ શબ્દ અસત્ય,સાર્વજનિક ભ્રાંતિ,સાર્વજનિક અનુભૂતિ,રહસ્યવાળી કથા,સ્વપ્ન કથા,આદિમ વિદ્યા,ઐતિહાસિક તત્વના આધારે દાર્શનિક સત્યનુ પ્રતીક ગણાયો અને અનુભૂતિઓમાં પ્રતિબિમ્બ વગેરે અર્થમાં પ્રયોજાય છે.

આમ મિથકનું સ્વરુપ કથાત્મક હોય છે. લોક બાહ્ય અલૌકિક અને અતિમાનવીય ઘટનાઓની સાર્થકતાને માનવીના જીવન સાથે જોડવામાં આવે છે. મિથકના સ્વરુપ ઘડતરમાં કલ્પનાનો મોટો ફાળો હોય છે. કલ્પના સાથે સંયોગ સધાય છે.

મિથક એટલે દૈવતશાસ્ત્ર આ અર્થ ભલે સંકુચિત હોય તો પણ પ્રાક્રુતિક તત્વના દર્શનથી જેવા શોક, ભય, આશ્ચર્ય, હર્ષ, ઇચ્છાપૂર્તિ વગેરેના કારણે તત્વનું આરક્ષણ જે દેવ દેવી કે અસુરની કલ્પનાનો પરમ આધાર છે. તેથી મિથક એટલે દૈવતશાસ્ત્ર અર્થ કરવામા આવ્યો છે. આમ મિથકનો સમ્બન્ધ અનેક શાસ્ત્ર સાથે સ્વીકારવો જ રહ્યો. મિથકના વિવિધ મંતવ્ય જોતાં મિથકના આરમ્ભના સ્વરુપને પામવું એ એક દુષ્કર કાર્ય છે.

ભારતીય મિથકનો સમ્બન્ધ દૈવતશાસ્ત્ર,દર્શન,ધર્મ,માન્યતાઓ પરમ્પરાઓ ,પુરાણની પરાકથાઓ વગેરે સાથે જોતા મિથક બહુઆયામી છે.સ્તોત્રકાવ્યમાં શિવમહિમ્નસ્તોત્ર કાવ્ય હોવાથી સાહિત્ય સાથે મિથકનો સમ્બન્ધ વિચારવો જોઇએ. અમેરિકામાં તો કેટલાક વિદ્વાનો મિથકને સાહિત્યનો પર્યાય માની સાહિત્ય અને કલાને મિથકાત્મક હોવું અનિવાર્ય માને છે.માનવજીવનની સાર્વભૌમ અનુભૂતિ સાહિત્ય અને કલામાં પ્રગટ થાય છે.

સાહિત્ય માત્ર કલ્પનાનો વિષય નથી.તેનો જીવન સાથે સમ્બન્ધ છે. Art of the sake of Art.હોય છે. પણ કલાને લોક્વ્રુત્તિથી અલગ ન કહી શકાય. હા અનેક વૈયક્તિક અનુભૂતિ  સંસ્કાર વગેરેની અભિવ્યક્તિ હોવા છતાં સામાજીક ચેતનાથી અસ્પ્રુસ્ય રહી શકાતું નથી. સાહિત્યમાં મહાકાવ્ય,લઘુકાવ્ય , નાટક સ્તોત્રકાવ્ય આદિને મિથક સાથે ગાઢ સમ્બન્ધ છે.સ્તોત્રકાવ્યનો સમ્બન્ધ દૈવતશાસ્ત્ર સાથે વિશેષ હોવાથી સ્તોત્રકાવ્ય મિથક સાથે સતત સંલગ્ન હોય છે.

 શિવમહિમ્નસ્તોત્રમાં સ્તોત્ર જ મિથક ઉપર આધારિત છે. શિવભક્ત ગન્ધર્વરાજ પુષ્પદંતની કથા એક મિથક છે.આ શિવમહિમ્નસ્તોત્રમાં ગન્ધર્વરાજ પુષ્પદંત શિવના ગુણ ગાતા કેટલાક મિથકોનો નિર્દેશ કર્યો છે.

શિવમહિમ્નસ્તોત્રના દસમા પદ્ય તવૈશ્વર્યમ….માં બ્રહ્મા અને વિષ્ણુ પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા અગ્નિજ્વાળાનાં શિવલિંગરુપના અંત પામવા બ્રહ્મા ઉપર અને વિષ્ણુ નીચે ગયા પરંતુ તેનો અર્થ પામી શક્યા નહીં.  પૌરાણિક કથા પ્રમાણે બ્રમ્હાએ સાક્ષી તરીકે કેવડાનુ ફુલ રજુ કર્યુ. શિવે બ્રહ્માનુ અસત્ય પ્રગટ કરતા કેવડાના ફુલનો ત્યાગ કર્યો. આ કથાનક કેનોપનિષદના ઉમા હેમવતી વ્રુતાંતનો આધાર હોવાની સમ્ભાવના વ્યક્ત કરે છે. સ્રુષ્ટીનો આરમ્ભ કેવી રીતે થાય અને સ્રુષ્ટીનુ આદિ કરણ શુ છે તે વિષે ખગોળીય ઘટના આ પુરાકથાના પ્રેરણાસ્ત્રોત ગણાય છે.

અયત્નાપાદ્ય….(૧૧) અને અમુષ્ય….(૧૨)માં પદ્યમા લંકેશ્વર રાવણ શિવનો પરમ ભક્ત હતો. રાવણે શિવના વરદાનથી દસ મસ્તક અને વીસ ભૂજાઓ મેળવી હતી. તેણે ત્રોણેય લોકમાં વિજય મેળવવાનો પ્રયત્ન કરતા ત્રોણે લોક ત્રાસ પામ્યા હતા. રામાયણમાં ઉત્તરકાણ્ડમાં રાવણના પૂર્વ જીવનની હકીકત જોવા મળે છે.રાવણે શિવને લંકા લઇ જવા કૈલાસને મુળમાથી ઉખેડવા વીસબાહુથી બળ અજમાવ્યું.  શિવે પગનો અંગુઠો દબાવતા રાવણ પાતાળમાં જતો રહ્યો. આ ઘટના પણ રામાયણમાં રાવણના તક અને પરાક્રમની વાત કરતા નોધાઇ છે.

યદદ્ધિમ…(૧૩)માં પદ્યમાં શિવ અને બાણાસુરની કથા છે. બલિપુત્ર બાણાસુર શિવનો પરમ ભક્ત હતો. તેણે પોતાના નગરના રક્ષણ માટે શિવનુ વરદાન મેળવ્યુ હતુ. તેનુ ઐશ્વર્ય ઇન્દ્ર કરતા પણ વધુ હોવાથી સુત્રામન ઇન્દ્ર હલકો દેખાવા લાગ્યો.આ કથા પણ પુરાણ પ્રસિદ્ધ છે.આ ઘટનાનું મુળ સામાજીક અને રાજનૈતિક છે.

અકાણ્ડબ્રહ્માણ્ડ…..(૧૪)માં પદ્યમાં દેવો અને દાનવોએ અમ્રુત મેળવવા ક્ષીરસાગરનું મંથન કર્યુ. શિવે લોકકલ્યાણની ભાવનાથી વિષપાન કર્યુ. આથી શિવ નીલકંઠ તરીકે ઓળખાયા. આ કથા પુરાણોમાં અને સમુદ્રમંથનના પ્રસંગોમાં મળે છે.

અસિદ્ધાર્થા….(૧૫)માં પદ્યમાં કામદહનની ઘટનાનો નિર્દેશ કરવામા આવ્યો છે.પરિણામે બળી ગયેલ કામદેવનો સ્મર સ્મર્તવ્યાત્મા બની ગયો આ ઉલ્લેખ પણ પૌરાણિક છે.

મહીપાદાઘાત…….(૧૬)માં પદ્યમાં શિવતાણ્ડવનું વર્ણન છે.અહી તાણ્ડવન્રુત્ય જગતને અસુરના ત્રાસથી રક્ષણ માટે હતું. જગતને શિવે તાણ્ડવ અને પાર્વતીએ લાસ્ય ન્રુત્ય આપ્યા છે.

વિયદ્વ્યાપી……(૧૭)માં પદ્યમાં ગંગાવતરણની કથાનો નિર્દેશ કર્યો છે.અહી સામાજીક ધાર્મિક દ્રષ્ટિએ ગંગાનુ મહત્વ બતાવ્યુ છે.

રથ:ક્ષોણી….(૧૮)માં પદ્યમા ત્રિપુરનાશની કથાનો ઉલ્લેખ છે. શિવની આ કથાથી પુરારિ, ત્રિપુરહર અને ત્રિપુરારિ આ ત્રોણ નગરોની રચના સ્થાપત્યની દ્રષ્ટીએ મહત્વની છે.

હરિસ્તે……(૧૯)માં પદ્યમાં વિષ્ણુ દ્વારા શિવની નેત્રકમળ પુજા કરવાનો ઉલ્લેખ છે. આવી કથાઓ શિવ-વિષ્ણુ વચ્ચે અભેદ દર્શાવનારી કથાઓ છે. શિવ ત્રોણેય જગતના રક્ષણ માટે સતત જાગ્રત છે.એમ અહી દર્શાવ્યુ છે.

ક્રતૌસુપ્તે……..(૨૦).તથા શ્રિયાદક્ષો…..(૨૧)માં દક્ષયગ્નનો ઉલ્લેખ છે. શ્રદ્ધા વગરના યગ્નનું હંમેશા દુષ્પરિણામ આવે છે તે અહીં બતાવ્યુ છે.

પ્રજાનાથંનાથ……(૨૨)માં બ્રહ્માશિરચ્છેદન વ્રુતાંત છે .આ કથાનુ મુળ અલૌકિક છે. ખગોળીય સ્થિતિને પુરાણકથાનું રુપ આપ્યુ છે.

સ્વલાવણ્ય શંસા…(૨૩)માં શિવ કામહંતા અને વામાંગે પાર્વતીનો ઉલ્લેખ છે.

સ્મશાને સ્વાક્રીડા…..(૨૪)માં મંગલમય શિવના અમંગલ સ્વરુપની વાત કરવામાં આવી છે.

અસિતગિરિસમં…..(૩૨)માં સરસ્વતી દ્વારા શિવના ગુણગાન વ્યક્ત કર્યા છે.

કુસુમદશનનામા…..(૩૭) તથા શ્રીપુષ્પદંત…..(૪૩)માં કુસુમદર્શન તથા ગન્ધ્રર્વરાજ પુષ્પદંતની વાત કરી છે. અહી દંતકથા લોકકથાનો આધાર પણ મિથક સાથેનો સમ્બન્ધ દર્શાવે છે.

સંદર્ભ પુસ્તક: 

  1. શિવમહિમ્નસ્તોત્રમ ચૌખમ્બા પ્રકાશન વારાણસી.

અતુલકુમાર હરિલાલ રાવલ, આસી. પ્રોફેસર (સંસ્કૃત), ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, (સાંજની) અમદાવાદ