મધ્યકાલીન સંત દાસીજીવણની વાણીમાં પુરાકલ્પનનો વિનિયોગ

આપણા પરંપરિત પ્રાચીન ગ્રંથોમાં મબલખ ‘હીર’ પડેલું છે. તે હીરને લઇને કેટલાંક મહાન સર્જકો પોતાનું સર્જન કલ્પનાના રંગે રંગીને એવું સજાવે છે કે, વર્તમાન વાસ્તવિકતાની સાથે તેનો પ્રાચીન સંદર્ભનો સુયોગ ખુબ જ સુંદર રીતે સધાય જાય છે. આવી કૃતિઓમાં પુરાકલ્પનનો વિનિયોગ થયો હોય એમ કહી શકાય. પરંતુ, અહીં પ્રશ્ન એ થાય છે કે, આ પુરાકલ્પન એટલે શું? જેને અંગ્રેજીમાં ‘Myth’ (મિથ) સંજ્ઞાથી ઓળખવામાં આવે છે…. પ્રથમ તેની ચર્ચા કરી લઇએ.

‘મિથ’ (પુરાકલ્પન) માટે ‘પુરાણકલ્પન’, ‘પુરાણકથા’, ‘પુરાવૃત’, ‘દૈવકથા’,‘પૌરાણિક કથા’, ‘ ‘આદિમ કથા’, ‘ પ્રાચીન લોકકથા’, ‘પુરાપ્રતીક’, ‘પુરાકથા પ્રતીક જેવી સંજ્ઞાઓ પ્રયોજવામાં આવે છે. ‘મિથ’ વિશે વિદેશી વિદ્વાન અન્સર્ટ કેસિરેરે કહ્યુ છે- “A Concentration and Heightening Of Simple Sensory Experience”.

આ ‘મિથ’ સંકુલ સંજ્ઞા હોવાથી તેની ચોક્કસ વ્યાખ્યા બાંધવી કઠિન કાર્ય છે. આ વિષે ગુજરાતી વિવેચક પ્રવીણભાઇ દરજી કહે છે, ‘’ આ ‘મિથ’ (Myth) છે શું? આવો પ્રશ્ન જો એના તદ્દ્વિદો સમક્ષ કરવામાં આવે તો ભાગ્યે જ એનો એક સરખો ઉત્તર મળે. એવું પણ બને કે, એમાંથી કેટલાંક ઉત્તર આપવાનું ટાળે અને જે થોડાંએક ઉત્તર આપ્યા હોય તે પણ સંતોષકારક ન હોય. સંભવ છે કે ઉત્તર આપનાર પણ કયારેક પોતાના ઉત્તરથી પૂરેપૂરો રાજી ન હોય ! ‘મિથ’ વિશે ચર્ચા કરનારાઓ, એમાં ઊંડે સુધી ખૂંપી જનારાઓ કે તે વિશે સતત ખણખોદ કરનારાઓ ઘણીવાર ગુંચવાઇ જતા જોવાય છે. કોઇક કોઇક વિચારણાંના છેક જ અંતિમ બિંદુએ પોંહચી જતા હોય છે, તો કોઇક એના મર્મને ઉદ્ઘાટિત કરવા તાણીતૂંસીને એને દૂર સુધી ખેંચી જતા હોય છે.” ટૂંકમાં એમ કહી શકાય કે, ‘મિથ’ (પુરાકલ્પન) એક સંકુલ અર્થવિસ્તાર ધરાવતી સંજ્ઞા છે.

છતાં સરળ શબ્દોમાં તેની સમજ મેળવવી હોય તો ‘પૂરા’ એટલે ‘જે થઇ ગયુ છે તે’ અથવા ‘પ્રાચીન’ અને ‘કલ્પન’ એટલે થઇ ગયેલી ઘટનામાં સર્જક પોતાની કલ્પના ઉમેરે તે. આમ, ‘પુરાકલ્પન’ શબ્દયુગ્મ બને છે. બીજી રીતે જોઇએ તો પુરાકલ્પન એટલે પૌરાણિક કે પ્રાચીન દંતકથાઓ, દ્રશ્ટાંતકથાઓ કે આખ્યાયિકાઓની સહાયથી વર્તમાન જીવનના અનુભવોને અતિ અસરકારક રીતે અભિવ્યક્તિ આપવાની રીત. સાહિત્યમાં વપરાતું પુરાકલ્પન સર્જક વ્યવહારની સીધી સાદી ભાષાને બદલે આવા ધારદાર હથિયારો લઇને તેની રચનાને નવો મોડ આપે છે.

આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યમાં આ પુરાકલ્પનનો અનાયસે જ વિનિયોગ થઇ જતો. તેમાં પણ આપણી મધ્યકાલીન સંત પરંપરા તો અદભૂત એટલાં માટે કહી શકાય કે તેમાના મોટાભાગના સંતો નિરક્ષર અથવા તો અલ્પશિક્ષિત હતા. છતાં તેઓની વાણીમાં ખુબ જ સુંદર રીતે કાવ્યતત્વ ઝિલાયુ છે.

મધ્યકાલીન સંત દાસીજીવણની વાણીમાં પુરાકલ્પન તપાસતા પેહલા એ સ્પષ્ટ કરવાનું છે કે, તેઓ મધ્યકાલીન સંતકવિની શ્રેણીમાં સ્થાન ધરાવે છે અને આ સંતકવિઓનું સર્જન કોઇ જાગ્રુત કવિ તરીકેનું નથી. સંતકવિઓની વાણી કાવ્ય સાધનાના હેતુથી રચાયેલ નથી. એમણે અર્વાચીન કવિઓની જેમ અભિવ્યક્તિના નવાં નવાં ઉપકરણો પ્રયોજવાનો પ્રયાસ કર્યો નથી. કાવ્યકલાના સિંધ્ધાતો નજર સમક્ષ રાખી આ વાણીની રચના થઇ નથી. છતાં એમાં સહેજે કાવ્યગુણો છે. દાસી જીવણની સહજ અભિવ્યક્તિમાં પણ કેટલી સબળતાપૂર્વક ‘પુરાકલ્પન’ પ્રયોજાયું છે તે અલગ તારવીને જોઇ શકાય છે.

‘દાસીજીવણ’ ઉપનામથી શૃંગાર ભક્તિથી છલકાતાં ઘણાં સુંદર ભજનો રચનાર જીવણ સાહેબ સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના નાનકડા ગામડાંના વતની. કબીરપંથની જ એક શાખા એવા રવિભાણ સંપ્રદાયના સંત હોવા છતાં પણ તેમની વાણીમાં કૃષ્ણપ્રેમ છલકાતો રહ્યો.

લોકોએ પણ તેમને કૃષ્ણપ્રેમિકા રાધાના અવતાર તરીકે સ્વીકારેલા. કારણ કે તેમના મોટાભાગના ભજનોમાં કૃષ્ણવિરહની વેદના વ્યક્ત થતી. તેમની વાણીમાં પુરાકલ્પન ખુબ જ સુંદર અને સહજ રીતે પ્રયોજાયું છે તે જોઇએ.

જીવણનું ‘દાસી’ બિરુદ જ આભારી છે કૃષ્ણભક્તિની આતુરતા ને ઉત્કટ ભાવાવેશભરી ચિત્ત અવસ્થાના સાતત્યનું કૃષ્ણ પ્રિતીની ઘેઘૂર મસ્તીએ એના સમગ્ર અસ્તિત્વને એવું તો આષ્લેષમાં લઇ લીધું હતું કે આઠે પહોર એના રોમરોમમાં ને રગરગમાં રાધાભાવ રમ્યા કરતો. અહીં એ વાત નોંધનીય છે કે દાસીજીવણે સ્વંય પોતાની જાતને જ પુરાકલ્પન સાથે જોડી દીધી છે. તેમનું રૂપ, વાણી, વિરહભાવ, કૃષ્ણપ્રેમ, સર્વ ચેષ્ટાઓ રાધા સાથે સંલગ્ન છે. એ શા માટે? તેનો જવાબ તેઓ પોતે જ આપે છે-

“જન્મોજનમની પ્રીત્યું રે, મીઠા મહોલે આવજો રે,
જોઇ જોઇ વોરીયે જાતું, બીબાં વિના ન પડે ભાતું,
ભાર ઝીલે ભીંત્યું રે,”

કહે છે કે, મારી આ વિરહ વેદના હાલની જ નથી પરંતુ કૃષ્ણથી હું જયારથી વિખૂટી પડી ત્યારથી દરેકે દરેક જન્મમાં મને કૃષ્ણની પ્યાસ રહી ગઇ છે. તેમની સાથે મારે જન્મો જન્મની પ્રીત બંધાયેલી છે. અહીં તેમનો રાધાભાવ પુરાકલ્પનને આમંત્રે છે. તો વળી બીજી વાણીમાં કહે છે-

“સાંયાજીને મળવાને હાલો જાયેં શૂન્યમાં,
સર્વે સાહેલીઓ પેહરી લ્યો ને ભગવો ભેખ,” 

અહીં દાસીજીવણ આત્મા પરમાત્માં ને મળવા માટે જે ઝંખના કરે છે તે વાત વ્રજની ગોપીઓના પુરાકલ્પન સાથે સંયોજે છે. અંહી દાસીજીવણના વ્યક્તિત્વની મજાની વાત તો એ છે કે, તેમણે પોતાને ‘ દાસ’ નહી પણ ‘દાસી’ નું સંબોધન આપ્યું છે. તે પાછળનું કારણ જ પુરકલ્પન સાથે જોડાયેલું  છે. તેઓનો રાધાભાવ કે ગોપીભાવ વ્યક્ત કરતા કહે છે –

“દાસી માથે શેનો છે દાવો, મંદિર મારે કેમ ના’વે માવો,
આવડો શેનો અભાવો રે, ઓધા મંદિર આવજો.” 

કૃષ્ણને મળવા માટેનો રાધા કે ગોપીઓનો તલસાટ, તડપ, પીડા, વેદના દાસીજીવણની વાણીમાં સ્પષ્ટ દેખાઇ આવે છે. અહીં ગોપી કે રાધાના વિરહભાવથી દાસીજીવણનો વિરહભાવ સહેજ પણ જુદો નથી. કયારેક તો દાસીજીવણ પોતાની વાણીમાં કૃષ્ણ સાથે પોતાને સીધો પ્રેમ સંબંધ છે તે નિડરપણે સ્વીકારતા કહે છે-

“મીઠાજી, મેં જાણ્યો ઇ તારો મરમ,
હે મારે મો’લે માવા, પધારો,
તારે મારે છે એમાં સૌ જગ જાણે વા’લા,
શેની રાખો શરમ ?”  

હે મીઠાજી ! તારે ને મારે જે સ્નેહસંબંધ બંધાયો છે, પ્રેમ થયો છે તેને આખું જગત જાણે છે. હવે તમે તેની શરમ શા માટે રાખો છો ? પ્રભુ મિલનના પરમ સંતોષ થયા પછી જે અનુભવ થાય, સંતોષનો આંનદ થાય તે દાસીજીવણ રાધાભાવે રજૂ કરે છે. કહે છે કે, શામળાને વ્રજથી બોલાવું અને મારે મંદિરે- ઘેર પ્રેમથી પધારવું. સેજ બિછાવી તૈયાર રાખું.

રાધા સાથે પોતાની જાતને જોડતા પુરાકલ્પનનો આધાર લઇ દાસીજીવણ એક વાણીમાં કહે છે-

“આજ સખી ઓલ્યે શામળીયે,
રંગમાં રમાડી મને હેતમાં હુલાવી,
આજ સખી ઓલ્યે શામળીયે….. “

દાસીજીવણે શામળીયા સાથે આખી રાત્રી રંગમાં વિતાવી છે. તેનું મિલનસુખ પોતાની સખીને આ વાણીમાં કહી સંભળાવે છે. પ્રેમલક્ષણ ભક્તિનું ભક્ત- ભગવાનનું આ મિલનસુખ ભાવકને પણ ખેંચી જાય છે. તો દાસીજીવણ પોતાની અન્ય વાણીમાં પુરાણ કથાઓના આધાર લઇને પણ પુરાકલ્પન યોજે છે-

“મેં પણ દાસી રે તોરી દાસી
હે પિયા તમારા ચરણકી
મેં તોરી દાસી રે પિયા,
તોરે સંગ રાચી દીનબંધુ દેવા,
આવો હે વાલા ગોકુળીયાના વાસી.”
શ્રીબાઇના બોલ સાંભળી સૂરતા રાખી શામ,
બળતામાંથી બાળ ઉગાર્યો, રાખી પ્રતિજ્ઞા રામ,
પ્રેહલાદ કારણ પ્રભુજી પધાર્યા, પેની ન ધરી પાછી,
થંભ ધગાવી તરત ઠાર્યો, કઇ વાત રાખી કાચી..“ 

અહીં શ્રીબાઇ, રામ, પ્રહલાદ વગેરેની કથાનો આધાર લઇ દાસીજીવણે કૃષ્ણના ગુણગાન ગાયા છે. માનવમાત્રમાં પૂર્વ સંસ્કારો પડેલાં હોય છે. માનસ વિજ્ઞાનના સિંધ્ધાત પ્રમાણે માનવીમાં રહેલાં આવા સંસ્કારો સુષુપ્ત અવસ્થામાં પડયા હોય છે. સમયાનુસાર કયારેક એમાંથી એકાદ સંસ્કાર જાગ્રત થાય છે. તે સંસ્કાર કે વર્તનને પુરાણકાળના પાત્રો જેમ કે, હિરણ્યકંશ અને રાવણ જેવાં અન્ય પાત્રો તરફ ઇશારો કરીને દાસીજીવણ પોતાની વાણીમાં વર્તમાન સમાજને શિખામણ આપે છે અને પોતાની વાણીને નવો ઓપ આપે છે.

દાસીજીવણ પોતાની વાણીમાં કૃષ્ણની વાંસળીનું પણ પુરાકલ્પન બખૂબી યોજી જાણે છે. તેઓની એક વાણીમાં તેઓ કહે છે-

“મારા મનડા હેર્યા રે, મારા દલડા હેર્યા રે:
મારા માવાની મોરલીએ , મારા મનડાં હેર્યા રે, “
*              *               *
“બંસી વાઇ એસી બંસી વાઇ,
મેરે મંદિરીએ આઇ બંસરી રે બજાઇ,
સ્વપનામાં સૂતાં મૂન, નીંદરમાં જગાઇ, “ 

દાસીજીવણની આવીતો અઢળક વાણી છે જેમાં પુરાકલ્પનના અનેક દ્રષ્ટાંતો મળી આવે છે. રાધા કૃષ્ણને કદી સદેહે પામી શકયા નહી તેનો રંજ દાસીજીવણ પોતાની વાણીમાં ગાય છે. દાસીજીવણની વેદના, ખાલીપાનો ભાવ એ રાધાભાવ છે. તેમનું આ ચિત્ર પુરાણકથાની રાધાને લઇને વાસ્તવમાં પોતાની વેદનાને નિરૂપે છે. દાસીજીવણે રાધાના પુરાકલ્પન દ્વારા આકારેલું ચિત્ર પોતાની વાસ્તવિક સ્થિતી છે. રાધા અને કૃષ્ણ માત્ર પૌરાણિક આધાર છે. એ જ તો ‘મિથ’ની વિશેષતા છે. દાસીજીવણે આખી જિંદગી કૃષ્ણગાન કર્યુ છે. તેને સમાજે રાધાના અવતાર તરીકે જ સ્વીકારેલાં માટે તેમનું નામ, વ્યક્તિત્વ, વેદના અને વાણી પુરાણની રાધા સાથે જોડાયેલ છે. જેને દાસીજીવણે સફળતાપૂર્વક કલાઘાટ આપ્યો છે.

સંદર્ભ નોંધ:-

  1. Literary Criticism: A Short History : W.K.Wimsatt & C.Brooks: 1967:p.701.
  2. પુરાકલ્પન: ડો. પ્રવીણ દરજી, પ્રકાશક : નટવરસિંહ પરમાર- અધ્યક્ષ, યુનિ. ગ્રંથ નિર્માણ  બોર્ડ, ગુજરાત, પૃ.૧
  3. મોરલો મરતલોકમાં આયો, ડો. નાથાલાલ ગોહિલ, પ્ર. પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. પૃ. ૨૧૭
  4. એજન, પૃ. ૨૧૬.
  5. એજન, પૃ. ૨૧૮.
  6. એજન, પૃ. ૨૩૩.
  7. એજન, પૃ. ૨૧૮.
  8. એજન, પૃ. ૨૪૭.
  9. એજન, પૃ. ૨૬૭.

પ્રો. મહેશકુમાર ડી. મકવાણા, આસી. પ્રોફેસર –ગુજરાતી, કોટડા સાંગાણી