‘સરસ્વતીચંદ્ર‘માં પુરાકલ્પન

‘પુરાકલ્પન’ નો સાદો કે અભિધાર્થ એવો થાય કે ‘પ્રાચીન સમય વિશેની કલ્પના કે માન્યતા’ અથવા પુરાણ વિષયક કલ્પનો. ‘पुरा भवमिति पुराणम्’ અથવા ‘पुरा नीयते इति पुराणम्’ ‘પુરાણ’ શબ્દની વ્યુત્પત્તિ છે. એના પરથી બનેલા ‘પુરાકલ્પન’ શબ્દ કે સંજ્ઞા માટે અંગ્રેજીમાં Myth સંજ્ઞા પ્રયોજાય છે. ગુજરાતી સાહિત્યમાં પણ ‘પુરાકલ્પન’ ની સંજ્ઞા સ્વરૂપ કે સંકલ્પના વિશે અનેક વિવરણો થયા છે. ખરા અર્થમાં પુરાકલ્પન એક વિભાવ છે. જેમાં સંસ્કૃતિના વારસાનો આવિષ્કાર થાય છે. આથી જ તે સામૂહિક ચેતના પ્રગટાવનારું તત્ત્વ બની રહે છે. જન સમૂહનો હિસ્સો છે. માટે સ્વાભાવિક રીતે જ એકાધિક વિષય, ક્ષેત્ર અને ભાષા સાથે વ્યક્તિ કે વસ્તુ સાથે જોડાયેલું છે. સમાજની સહિયારી મૂડી હોવાને નાતે સહુ પોત-પોતાની પ્રકૃતિ કે જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરે છે એ પછી કવિ હોય, શિલ્પી હોય, એવો કોઈ કલાકાર હોય, શિક્ષક હોય, વેપારી હોય, મજૂર હોય, તબીબ હોય કે રાજકારણી હોય. ઉમાશંકર જોશી આ સંદર્ભમાં નોંધે છે કે ‘‘પુરાણો એટલે હિન્દુધર્મનો વિશ્વકોશ. હિંદુઓના જીવનને સ્પર્શતી ભાગ્યે જ એવી કોઈ મહત્વની બાબત હશે જેનો ઉલ્લેખ પુરાણોમાં ન હોય. ધર્મ, તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, રાજનીતિ, વ્યવહાર, સંગીત, શિલ્પ, સ્થાપ્તય, ભૂગોળ એમ અનેક અને વિવિધ વિષયોની માહિતી પુરાણોમાંથી ઉપલબ્ધ થાય છે. અને તેથી જ વૈદિક સાહિત્યના ઉચ્ચોચ્ચ હિમશિખરોએ પહોંચી ન શકતી જનતામાં ‘પુરાણ સાહિત્ય એ વહેતી નદીની પેઠે તીર્થસ્થાનની જેમ સર્વગ્રાહ્ય થઈ પડેલ છે.’’ હિંદમાં સૈકાઓથી પુરાણોની પ્રતિષ્ઠા અને પ્રામાણ્ય સ્વીકારાતા આવ્યા છે. માટે જ ‘પુરાકલ્પન’ સાહિત્યમાં આદર્શ કે શ્રેષ્ઠતા દર્શાવવા માટે પ્રયોજાતું આવ્યું છે. કલ્પનના સ્વીકારને કારણે તેમાં કવિનું મૌલિક દર્શન ઉમેરાતું રહે છે પણ એનો ઉદ્દેશ-હેતુ તો આદર્શ સ્થાપવાનો રહ્યો છે. આધુનિક સાહિત્યકારો આ સંદર્ભમાં જુદા પડે છે પણ મારા અભ્યાસનો વિષય આધુનિકતા પહેલાના સમય અને સાહિત્ય સાથે નિસબત ધરાવે છે. – ‘સરસ્વતી ચંદ્ર માં પુરાકલ્પન’.

સરસ્વતી ચંદ્ર નવલકથા વિશે એટલું બધું કહેવાઈ-લખાઈ ગયું છે કે હવે જે પણ કાંઈ લખીશ તે પુનરુક્તિ જ ગણાશે.

ગોવર્ધનરામે પોતાની આદર્શ રાજ્યતંત્રની કલ્પના પુરાણના આધારે કરી છે. પુરાણના પાત્રો પ્રસંગો કે શ્લોકને એમણે આદર્શ તરીકે સ્થાપ્યાં છે. વર્તમાન કે સમકાલીન પરિસ્થિતિ ઉણપના નિવારણ અર્થે પણ પુરાકલ્પનને જ ખપમાં લીધું છે. ખાસ કરીને ત્રીજા અને ચોથા ભાગમાં રાજા અને પ્રધાનોના હોદ્દા, રાજા અને પ્રજાના પરસ્પરના સંબંધો, અંગ્રેજી રાજ્ય અને ભારતના રાજવાડાના સંબંધો કે રાજનીતિ-પ્રવૃત્તિમાંથી લેખકે આદર્શ રાજતંત્રની જે કલ્પના કરી છે તે કવિનો આર્ષદૃષ્ટા તરીકે પરિચય આપે છે. એ માટે એમણે મહાભારતના રૂપકોનો પર્યાપ્ત ઉપયોગ કર્યો છે. કવિ ન્હાનાલાલ આ વાતના સમર્થનમાં જણાવે છે કે ‘‘એ રામાયણ અને મહાભારત સમું મહાકાવ્ય છે, માત્ર એનું અવતરણ ગદ્યમાં થયું છે. એનું ચિન્તન મહાભારતનું સ્મરણ કરાવે છે.’’ ત્રીજા ભાગના ‘સંસ્કૃત પ્રકરણઃ લક્ષ્યાલક્ષ્યરહસ્ય વિવરણ’, સ્વપ્ન, જાગૃત અને પાછું સ્વપ્ન, રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો, મણિરાજનો શોક અને પિતૃદર્શન, ચોથા ભાગમાં મલ્લમહાભવન અથવા રત્નગીરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર, અલખમન્થન અને લખ સપ્તપદી, સનાતન ધર્મ અથવા સાધુજનોના પંચમહાયજ્ઞ વગેરે પ્રકરણો જોતા ગોવર્ધનરામે પુરાકલ્પનો દ્વારા પોતાને ઈપ્સિત અર્થ કેવી રીતે પ્રતિપાદિત કર્યો છે એ સમજાય છે.

મણિરાજના મતે રાજધર્મ અને રાજકાર્યનું ઉત્તમ અને આદર્શ આલેખન શાંતિપર્વના આ શ્લોકમાં રહેલું છે.

भवितव्यं सदा राज्ञा गर्भिणीसहधर्मिण
कारणं च महाराज गृणु येनेदमिष्यते ।।
यथा हि गर्भिणी हित्वा स्वं प्रियं मनसोsनुगम
गर्भस्थ हितमधत्ते तथा राज्ञाप्यसंशयम् ।।
वतितव्यं कुरुश्रेष्ठ सदा धर्मानुवर्तिना
स्वं प्रियं तु परित्यज्य पद्यलोकहितं भवेत् ।।

– મહાભારત ‘શાંતિપર્વ’ ભાગ-3 પ્ર.2 પૃ.48 શાબ્દી આવૃત્તિ

આ શ્લોક તેણે પોતાના શયનખંડ અને વ્યવહારખંડમાં સોનેરી અક્ષરે કોતરી રાખ્યો છે. જરાશંકર અને વિદ્યાચતુર સાથે અંગ્રેજના નવાયુગની દશાના અવલોકનનું આ રૂપક જુઓ-

‘‘પાંડવો જેવા મૂઢ રાજાઓના દેખતા દુર્યોધન સરકારની ઈચ્છાથી દુઃશાસન એજન્ટો અનેક ક્ષુદ્ર વરને વરેલી રાજલક્ષ્મીનાં અસંખ્ય ચીર એક પછી એક આવી રીતે અને બીજી અનેક રીતે ઉતારવા લાગ્યા. પાંચ પ્રકારની બુદ્ધિના પાંડવો પેઠે અનેક બુદ્ધિવાળા નિઃસત્ત્વ રાજાઓ પોતાની રાજલક્ષ્મીનાં ઉતરતાં ચીરનો ઢગલો પોતાની પાસેના રાજદ્યૂતના ચોપાટ આગળ એકઠો થતો બળતે ચિત્તે જોઈ રહેવા લાગ્યાં, ભીષ્મપિતામહ, દ્રોણ અને વિદુર જેવા નીચું જોઈ રહેલા વૃદ્ધોની ચિત્તવૃત્તિને પ્રત્યક્ષ પ્રતિકુળ થતો, પોતાની જંઘા થાબડતો, રક્ષણ કરવા અસમર્થ નિઃસત્ત્વ અનેક પતિઓને ત્યજી પોતાની એ એક સમર્થ જંઘા ઉપર બેસવા, ચીરહીન થતી રાજાઓની રાજલક્ષ્મીને નેત્ર વડે આજ્ઞા કરતો કરતો-

‘‘દુર્યોધન કહે દુઃશાસનને  – કર કર ઉઘાડું એ ગાત્ર ! ’’

પણ પ્રજાપીડક રાજાઓને વરેલી રાજલક્ષ્મીમાં એટલો જીવ ન હતો કે આ કડીનું અનુસંધાન કરી બોલી શકે કે,

‘‘ધાયે પ્રભુ અનાથકો નાથ !’’

તો પિતાના મૃત્યુ બાદ મણિરાજ પિતાની પાદુકા સિંહાસન પર મૂકી ભરતે જેમ રામની પાદુકા મૂકી હતી તેમ. ‘મણિરાજનો શોક અને પિતૃદર્શન પ્રકરણમાં મલ્લરાજ સ્વપ્નમાં આવીને પોતાના પુત્ર મણિરાજને પોતાની રાજનીતિનું રહસ્ય સમજાવવા માટે જે રૂપક યોજે છે તેમાં અંગ્રેજોને હજાર માથાવાળા રાવણ જેવા આપણને રંજાડનારા રાજાઓને હણનાર વાનર અને રીંછની ઉપમા આપે છે. આ વાનરો અને રીંછે જ રામરાજ્ય પ્રવર્તાવ્યું છે એમ મલ્લરાજનું માનવું છે. એટલે કે લેખકનું માનવું છે. મલ્લ મહાભવનની યોજનામાં જુદા જુદા ભવનો બતાવ્યા છે. આ ભવનોના નામ મહાભારતના પાત્રોના આધારે રાખવામાં આવ્યા છે. તે દરેક પાત્રનો વિશિષ્ટ અર્થ કરીને મલ્લરાજે તેને અમુક અમુક વિચારના પ્રતીકો બનાવ્યાં હતાં. રચના આ પ્રમાણે હતી. મુખદ્વારમાં પ્રવેશતા જ વિદુરભવન આવે એની પાછળ કૌરવશાળા નામની પાંચખંડોની હાર- દુર્યોધનભવન, દુઃશાસનભવન, કર્ણભવન, દ્રોણભવન અને પિતામહ ભવન આ કૌરવશાળાના દરવાજા કુરુક્ષેત્રનામના ખંડમાં પડતા કૌરવશાળાની સામે પાંડવશાળાના પાંચ ખંડોની હાર હતી. ધર્મભવન, ભીમભવન, અર્જુનભવન, નકુળભવન અને સહદેવભવન. આ પાંડવશાળા પાછળ પાંચાલી ભવન હતું જેમાં પાંડવશાળાના પાંચે ભવનના દ્વાર પડતા કુરુક્ષેત્રના ખંડની એક બાજુ પાંડુભવન અને બીજી બાજુ ધૃતરાષ્ટ્ર ભવન હતા. દરેક ભવનમાં જે તે પાત્રના સંદેશને આધારે રૂપકલેખ હતા. પ્રતીમા અને મહાભારતના શ્લોક પણ લખેલા હતા. પાત્રના કાર્યની સિદ્ધિને લગતી બાબતોના રાજકાર્યની વિચારણા માટેના આસનો હતા. રાજા પ્રધાન કે અધિકારી તે આસનો ઉપર બેસીને કર્તવ્યનો નિર્ણય કરતા. દરેક ભવનમાં લાગતા વળગતા વિષયનું નાનકડું પુસ્તકાલય રહેતું. દરેક ખંડમાં રોકાકાગળના પાંચ પુસ્તકો કે નોંધપોથી રાખવામાં આવતી. તેમાંથી એકમાં વિદ્યાચતુર મલ્લરાજના ઉપદેશને ધ્યાનમાં રાખી વિવેચનાત્મક લેખ લખતો. બીજામાં મણિરાજ પોતે સ્વાનુભવો લખતો. ત્રીજુ પુસ્તક કે નોંધપોથી રાજ્યના ભાવિ રાજા માટે રાખવામાં આવતું ચોથામાં પ્રધાનો સ્વાનુભવ લખતા અને પાંચમામાં જે તે ભવનના મંત્રી પુસ્તકાલયમાંથી ઉપયોગી ઉતારાઓ કરી રાખતા. દા.ત. પાંડુભવનમાં પાંડુરાજા અને તેની આસપાસ તેની બે રાણીઓની આરસની પ્રતિમાઓ હતી. પાંડુના સિંહાસન પાસે સુવર્ણ લેખ હતો. ‘‘………… રાજયોગકાળે પરાક્રમઅંગ તે જ આ પાંડુ રાજા છે – અને રાજત્વની વંશવૃદ્ધિ એના જ વંશમાં છે. મલ્લરાજના અનુયાયી રાજ્યાધિયો એ રાજાનું સત્વ સાચવશે તો નશ્વર સંસારમાં તેમનું રાજત્વ જીર્ણોદ્ધાર પામશે. રાજ્યયોગનો અધિકારી ધૃતરાષ્ટ્ર નથી પણ પાંડુ છે એ વાત નિત્યસિદ્ધ છે.’’ પાંડુરાજામાંથી સમકાલીન દેશીરાજાઓએ શું શીખવાનું છે તે પણ ગ્રંથમાં પ્રધાને લખ્યું હતું. આ સર્વ અર્થઘટનોમાં ગોવર્ધનરામના વિચારો પુરાકલ્પનની ધજા ફરકાવે છે. કુંતી ધૈર્ય અને ક્ષમાની મૂર્તિ છે. પાંડુભવન રાજ્યયોગનું સાધન છે તો બાકીના ભવન રાજ્યક્ષેમના છે. આ ભવનોમાં પહેલુ ભવન ધર્મનું છે. કેમ કે ધર્મ જ જીવતે દેહે સ્વર્ગ પામે છે. રાજ્યભારમાં સ્વસ્થનિદ્રા પણ ધર્મને જ છે. અધર્મની શૈયામાં સૂનારને કાંટા જ છે. બધા પાંડવો ધર્મને / યુધિષ્ઠઇરને વશ વર્તે છે. ધર્મભવનમાં ત્રણ આસનો છે એકમાં માનસિક ધર્મના આચાર વિચારની બીજામાં બેસીને રાજસેવકોના ધર્મ અને આચરણની અને ત્રીજામાં પ્રજાના અપરાધીઓના અપરાધના વિચારની યોજના છે. ભીમભવન પ્રજાના રક્ષણ, સ્વમાન અને શક્તિના આત્માનું પ્રતીક છે. અર્જુન ભવન પ્રજાના ઉત્કર્ષનું પ્રતીક છે. અર્જુન પ્રગતિનું સત્વ છે. અર્જુન ભવનમાં યોગ, નીતિ, ક્રિયા, વિજય અને વિભૂતિ એમ પાંચ આસનો છે. એની જયયાત્રાના ચાલક ભગવાન શ્રીકૃષ્ણ છે. નકુળ ભવન રાજ્યની શોભા-સુંદરતાનું પ્રતીક છે. રાજ્યની સમૃદ્ધિ પ્રજાના કલ્યાણ અને શોભા માટે વપરાવી જોઈએ એ તેનો ઉદ્દેશ છે. લલિત અને લલિતેતર કલા, મ્યુનિસિપાલિટી લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, શિક્ષણ વગેરેનો પ્રબંધ તેની ફરજ છે. નકુળ પછીનું ભવન તે સહદેવ ભવન છે. તે આવકના સાધનો શોધનાર રેવ્નયુ કમિશ્નર છે. સહદેવ ધન ભેગુ કરે અને નકુળ પ્રજા હિતાર્થે ખર્ચે.

પાંચાલી ભવન એટલે પ્રજા ભવન. આ ભવનમાં રાજા પ્રધાનો અધિકારીઓ પ્રજાને પ્રજાના જુદા જુદા વર્ગના માણસોને મળે છે. ધૃતરાષ્ટ્રભવન અર્થાત રાજા રાજશરીરની ચિંતા કરે છે. પિતામહ ભવનના પ્રણેતા ભીષ્મ પુરાણ અનુભવ પરંપરા અને યુગોના ડહાપણની મૂર્તિ છે. એમનું જ્ઞાન એમની નીતિ અને સદગુણમાં દેશની-ભારતવર્ષની આશા છે. શાંતિપર્વ અને અનુશાસનપર્વ જેવી મંજૂષાઓમાં ભરેલા ગંભીર ઉદાત્ત અને પરમબુદ્ધિથી શોધી સંસ્કારેલા અનુભવરત્નોના અક્ષયભંડાર પિતામહ પાસેથી લઈ લઈ યુધિષ્ઠિર રાજા રાજ્યના અને પ્રજાના પરમક્ષેમના આધાર થયા. દ્રોણભવન કલા અને વિદ્યાની ઉપાસનાનું પ્રતીક છે. કર્ણભવન રાજાની દાનવીર વૃત્તિનું પ્રતીક બને છે. દુશાસન ભવન રાજની દંડશક્તિનું, દુર્યોધનભવન રાજનીતિનું, વિદુરભવન આતિથ્યનું રૂપક બન્યું છે. વિશિષ્ટ અર્થ કરીને મલ્લરાજે તેને અમુક અમુક વિચારના પ્રતીકો બનાવ્યા હતા. ધર્મભવન, ભીમભવન, અર્જુન ભવન, નકુળ ભવન, સહદેવ ભવન, પાંચાલી ભવન, પાંડુભવન, ધૃતરાષ્ટ્ર ભવન, પિતામહ ભવન અને વિદુર ભવન. દરેક ભવનમાં જે તે પાત્ર વિષયક રૂપકને સમજાવનાર લેખ હતા. અંગ્રેજી પદ્ધતિ મુજબ આને રાજ્યમાં ‘પબ્લિક વર્કસ’ના ખાતા કહી શકાય.

ભોંયતળિયા ઉપરના પ્રથમ મજલે સમુદ્રભવન, મનુષ્ય દેહભવન, મોક્ષભવન અને ચક્રવર્તીભવન છે. સમુદ્રભવનમાં મહિષીઆસન, યુવરાજ કે પરીક્ષિત આસન, ધનસમૃદ્ધિ સત્તાસન અને વિચક્ષણ જનસંબંધાસન એવા ચાર આસનમાં પ્રજાનું ભદ્ર કેમ વધારવું તે વિચારાય. ચક્રવર્તી ભવનમાં સરકારની નીતિ, ક્રિયા અને ઉદ્દેશ વિચારાય છે. મનુષ્ય દેહ ભવનમાં મનુષ્ય દેહ, આયુષ્ય, ઉત્તરાશ્રમ નામના આસન છે. મોક્ષભવનમાં ધર્મ ભક્તિ રણક્ષેત્ર અને અન્ય કારણથી થતા મોત અને મોક્ષનો વિચાર થાય છે.

ટૂંકમાં મલ્લ મહાભવનમાં લેખકની શોધ, ઉપદેશ, અનુભવ, વિદ્યા, બુદ્ધિ, નીતિ, શાસ્ત્રો, પુસ્તકો વિચાર અને ક્રિયાનું પ્રતિબિંબ છે જે પુરાકલ્પનના કાચમાં જોઈ શકાય છે. આ રૂપકો દ્વારા લેખક હિન્દની તમામ સંસ્કૃતિને મહાભારતના પાત્રો મારફત સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેમના આ કલ્પનમાં પૌરાણિક રાજત્વનો આદર્શ અને અર્વાચીન પ્રજાની અસ્મિતાની ભાવનાનો સમન્વય થયેલો છે.

આ રીતે સરસ્વતીચંદ્ર નવલકથામાં ગોવર્ધનરામે પ્રાચીન પરિભાષામાં કે પુરાણની વિભાવનામાં અર્વાચીન અર્થનો ગુમ્ફ પ્રગટાવ્યો છે. એટલે જ કેટલાક વિદ્વાનો તેને પંડિતયુગનું પુરાણ કહે છે. ચોથાભાગના પુર્વાર્ધમાં તેમણે ‘સાધુજનોના પંચમહાયજ્ઞો’ (સનાતનધર્મ) ની મીમાંસા કરી છે. પ્રાચીન યજ્ઞોની પરિભાષામાં લેખકે માનવકર્તવ્યનું કર્તવ્યના આદર્શનું સમર્થ વિવરણ કર્યું છે. નાયક સરસ્વતીચંદ્રના મનમાં પડેલી સુક્ષ્મ વાસનાનો ક્ષય થાય તે હેતુથી પંચયજ્ઞનો ઉપદેશ કર્યો છે. સરસ્વતીચંદ્ર વિષ્ણુદાસજીને પ્રશ્ન પૂછે છે જેના ઉત્તર રૂપે વિષ્ણુદાસે માનવજીવનના પ્રદીપ જેવા પંચમહાયજ્ઞોનો પ્રબોધ કર્યો છે જે ગોવર્ધનરામનું મૌલિક પુરાકલ્પન છે. લેખક અહીં આખા જગતને યજ્ઞનું રૂપક આપે છે. આ વિશ્વ તે એમને મન પરમ લક્ષ્ય પરમાત્માનો યજ્ઞ છે. એમાં વેદી, આહુતિ અને હોતા એ ત્રણે એ પોતે જ છે. આપણા શરીર અને કર્મ બેઉ આપણને વિશ્વમાંથી એટલે કે લક્ષ્યરૂપમાંથી મળ્યા છે. શરીર અને કર્મનો હોમ કરીને જ્યારે એને લક્ષ્યરૂપ સોંપી દઈએ ત્યારે કર્મજાળ શાંત થાય છે.

આથી જ સાધુઓ વિશ્વમાંગલ્યની ઈચ્છા રાખે છે.  એને ફળીભૂત કરવા પંચમહાયજ્ઞ પણ આરંભે છે. પુરાણમાં આપેલા યજ્ઞોને આધારે ગોવર્ધનરામ અહીં પંચયજ્ઞોને નવીન રીતે મૂકે છે. જો કે નાવિન્ય એ પુરાકલ્પનની જરૂરી શરત નથી. પણ પુરાકલ્પનમાં જો સર્જકનું પોતાનું દૃષ્ટિબિંદુ ન ઉમેરાય તો તે વંધ્ય ગણાય. ગોવર્ધનરામ આ બાબતે સતત સભાનતા દાખવે છે. શ્રેષ્ઠતા કે આદર્શના પ્રતિષ્ઠાન માટે પુરાકલ્પન પાસે જાય છે પણ એમાં પ્રસ્તુતતાના પ્રાણ પુરવાનું કે નવ્ય દર્શનની દિશા દોરવાનું ભૂલતા નથી. એમણે દર્શાવેલ આ પંચમહાયજ્ઞો જુઓ-

  1. પિતૃયજ્ઞ (સાધુઓ કે સંતો માટે મઠયજ્ઞ)
  2. મનુષ્યયજ્ઞ
  3. ભૂતયજ્ઞ
  4. દેવયજ્ઞ અથવા ઋતુયજ્ઞ
  5. બ્રહ્મયજ્ઞ અથવા સત્યયજ્ઞ

આ પાંચમહાયજ્ઞોથી માનુષ્યજીવનની કૃતાર્થતા મનાય છે. મનુષ્ય માત્રના સર્વયજ્ઞો યથોચિત માત્રામાં થવા જોઈએ.

સાધુના માતા-પિતા કે પિતૃતનો ઉદ્ધાર કુળમાં એ સાધુ થયો એટલા માત્રથી જ થઈ જાય છે માટે એમને તર્પણની જરૂર નથી માટે સાધુઓએ મઠયજ્ઞ કરવાનો છે. ગોવર્ધનરામ મનુષ્ય યજ્ઞને પ્રીતિયજ્ઞ અને મનુષ્યયજ્ઞ એવા બે ભાગમાં વિભાજિત કરે છે. આકારક, આમંત્રિત અને આગન્તુક-એવા ત્રણ પ્રકારના અતિથિયજ્ઞ દર્શાવ્યા છે. જ્ઞાતિ, માતૃભૂમિ તથા સમગ્ર માનવજાત સાધુઓ માટે આકારક અતિથિ છે. પુત્ર-પુત્રીઓ આમંત્રિત અતિથિ કહેવાય. જ્યારે કોઈ નિમિત્ત રૂપે જે જે વ્યક્તિઓ મળે તે આગન્તુક અતિથિ બને છે. આ બધા માનવ સંબંધીઓમાં માત્ર પતિ-પત્નીને જ પ્રીતિયજ્ઞના અધિકારી ગણ્યા છે. આ સર્વની તૃપ્તિ મનુષ્યયજ્ઞનું ફળ છે. ભૂતયજ્ઞ ખરેખર તો જંતુઓની તૃપ્તિનો પ્રકાર છે. એના પેટા વિભાગમાં વ્યવહારયજ્ઞ, દયાયજ્ઞ અને વિદ્યાયજ્ઞનો સમાવેશ થાય છે. વિદ્યાયજ્ઞમાં વિવિધ યજ્ઞો વચ્ચેના વિરોધનું તટસ્થ નિરૂપણ હોય છે. પ્રીતિયજ્ઞના અદ્વૈતનું ઉત્તમ ઉદાહરણ રામ-સીતા છે. રામે સીતાનો ત્યાગ કર્યો છતાં સીતાના મનમાં રામ માટે કુભાવ નથી. એની દૃષ્ટિએ રામ નિર્દોષ છે. એમાં સંઘર્ષને કે વિરોધને સ્થાન નથી. આમંત્રિતોના નિર્વાહમાં સાચો અતિથિધર્મ છે. મનુષ્યયજ્ઞમાં યોગી કે સાધુજન સૃષ્ઠિના સર્જકનું અને સર્જનનું રહસ્ય પામીને સંસારના કલ્યાણનો માર્ગ જાણી શકે છે. પાંચમો યજ્ઞ બ્રહ્મયજ્ઞ જેમાં પરમાત્માનું યથાર્થ સ્વરૂપ જાણવા મળે છે. દેવયજ્ઞ જ્ઞાન દ્વારા સિદ્ધ થાય છે તો બ્રહ્મયજ્ઞ ધ્યાન દ્વારા સિદ્ધ થાય છે. અત્રે ગોવર્ધનરામને બતાવવું છે એ કે, લોકકલ્યાણ એકલા કર્મયોગથી કે એકલા જ્ઞાનયોગથી કે એકલા ધ્યાનયોગથી નહીં પણ એ ત્રણેના સમન્વયથી જ શક્ય બને છે. આ ત્રિવેણી સંગમ રૂપી લેખકની આ યજ્ઞમીમાંસામાં પુરાણની પરિભાષામાં નૂતન જીવન ભાવનાનું મંગળ અને મનોહર, સાત્વિક અને સમર્થ વિવરણ તેમણે યોજેલા પુરાકલ્પનોને આભારી છે. એમણે આ પુરાકલ્પન દ્વારા પૂર્વ અને પશ્ચિમના ઉત્તમાંશોનો સમન્વય સાધ્યો છે. પુરાણમાં રહેલા સનાતનધર્મ અથવા સાધુઓના પંચમહાયજ્ઞનું તત્ત્વચિંતન ગોવર્ધનરામના હાથે નવું પરિમાણ અને પરિણામ પામે છે.


પ્રૉ. ડૉ. પારૂલ રંગપરિયા, ગુજરાતી વિભાગ, એલ.એન્ડસી. મહેતા આર્ટ્સ કૉલેજ, એલિસબ્રીજ, નવરંગપુરા, અમદાવાદ-380006