પુરાકલ્પન અને ‘પ્રાચીના’ કાવ્યસંગ્રહમાં પુરાકલ્પનનો વિનિયોગ

‘મિથ’ – Myth અંગ્રેજી શબ્દ છે. Myth શબ્દના મૂળ ગ્રીક શબ્દ ‘મુથોસ’ – Muthosમાં અને લેટિન ‘મિથસ’ – Mythusમાં છે. તો ક્યાંક Muthos ને બદલે ‘મિથોસ’ કે ‘માઇથોસ’ – Mythos એવો શબ્દ પણ મળે છે. ગ્રીક ભાષામાં એનો અર્થ – વાણી, કથા, વાર્તા – Fable, tale, talk, speech. એરિસ્ટોટલે ‘કથાવિધાન’ ના અર્થમાં એનો પ્રયોગ કર્યો છે.

‘મિથ’ ‘વાસ્તવમાં જે ખરેખર અસ્તિત્વ ધરાવતું નથી-વાસ્તવનો વિરોધ કરતી કોઇ પણ વસ્તુ’-એવો અર્થ અભિવ્યક્ત કરે છે. Mythનો એક અર્થ –‘જૂની પરંપરાગત વાર્તા’ એવો થાય છે. Myth પરથી બનેલા Mythic અથવા Mythology કે Mythomania –‘ ઇશ્વર સાથે સંબંધિત’ , ‘લોકોનો ઇશ્વર કે અધિનાયકો સાથે સંબંધિત’ કે ‘જુઠુ બોલવાની વ્રુત્તિ’ જેવી અર્થછાયાઓ મળી આવી છે. જ્યારે ઓક્સફર્ડ ડિક્ષનરીમાં ‘અમાનુષ કે અધિમાનવની સંડોવણીવાળી કાલ્પનિક કથા’ એવો અર્થ બતાવ્યો છે.

Mythનો ઉદ્દ્ભવ સંસ્ક્રુત ‘મિથ’ પરથી થયેલો જોઇ શકાય છે.જેનો અર્થ ‘રહસિ’-(જેનાથી રહસ્ય સર્જાય છે તે). Myth વિશે કંઇક વધારે સ્પષ્ટતાથી વાત કરીએ તો, ‘ મનુષ્ય કે પરામનુષ્ય ને તાકતી ઊંડા રસ-રહસ્યોવાળી, ગર્ભિત – પ્રતીકાત્મક વાર્તા કે વાર્તાતત્વોનું સંકુલ.જેનું યથાર્થ રૂપે અસ્તિત્વ જ નથી’ એવી બઘી જ વસ્તુઓમાં તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ક્લોડ લેવી- સ્ટ્ર્રાઉન ‘પુરાક્લ્પન’ ની વ્યાખ્યા આપતા જણાવે છે  કે ; “ પુરાક્લ્પન એ  પેઢી દર પેઢી ચાલી આવતી કથા તો છે જ, પણ તે સાથે માનવમને રચી કાઢેલી એક તાર્કિક પધ્દ્રતિ પણ છે. જેમાં  માનવ સન્મુખ વિભિન્ન  સ્તરે ઊભી થતી સમસ્યાઓનો ઉત્તર રહેલો છે.”1તો એલન વોક્સ ‘પુરક્લ્પન’ ને “થોડાંક નિ:શંક સત્યો અને થોડીક કલ્પનાઓનુ વાર્તગુચ્છ કહે છે. જેમાં માનવીય વિશ્વના અંતરમર્મ  નો નિર્દેશ છે.”2 આમ, જો ‘પુરાકલ્પન’ ને કોઇ એક વ્યાખ્યાના બંધનમાં બાંધવા જઇશું તો કદાચ ખોટા ઠરાય. કેમ કે, ‘પુરકલ્પન’ – સ્વનિર્ભર , સ્વતંત્ર કલ્પના છે. જેમાં માનવ સમાજની સામૂહિક સંવેદનાઓનું એક એવું વિશિષ્ટ મૂર્તરૂપ છે. જેમાં પ્રચ્છન્ન રૂપે પ્રક્રુતિ – મનુષ્યના અદ્વ્રૈતનો તાર ખેંચયેલો છે. જેમા કથાંશો ભરપૂર માત્રામાં છે. દેવ કે કોઇ અદેશ્ય શક્તિ કથાના કેન્દ્રમાં રહેલી છે. જે કોઇક ને કોઇક રીતે માનવજીવન માટે  પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પ્રસ્તુત બનતી હોય છે. જેમાં કલ્પનાનું સ્થાન વાસ્તવને ધ્યાનમાં લઇને આગળ આવે છે. પુરકલ્પન – ‘પૌરાણિક કે પ્રાચીન દંતકથાઓ , આખ્યિકાઓ, ર્દષ્ટાંત કથાઓ આદિની મદદ વડે સાંપ્રતના કોઇ અનુભવને સચોટ રીતે  વ્યક્ત કરવાની રીત છે.’3 પૂર્વ પરિચિત પૌરાણિક સામગ્રીને નવા અર્થમાં નવા સંવેદનને વ્યક્ત કરવા  સાહિત્યકાર  જ્યારે સર્જન કરે છે ત્યારે પુરાકલ્પનનો પ્રયોગ કરે છે પૌરાણિક ઘટનાના ઉલ્લેખથી ભાવક ચિત્તમાં વિશિષ્ટ સંસ્કારો જગાડી, એ સંસ્કારોને પોતાના  ઇષ્ટ એવી ઘટનાના નિરૂપણમાં લાભ ઉઠાવવાની કોશિશ સાહિત્યકાર જ્યારે કરે છે ત્યારે ‘ પુરાકલ્પન’ અસ્તિત્વમાં આવે છે. આમ, જોવા જઇએ તો  પુરાકલ્પન એટલે ‘પૌરાણિક પ્રતીક’ સાહિત્યના ઊંડા સાગરમાં ગમે ત્યાં સુધી તણાતાં  જઇએ અને જોઇએ  તો સાહિત્યમાં એક પાસુ કયાંક ને કયાંક પ્રશિષ્ટ ક્રુતિઓનો ( રામાયણ, મહાભારત, ભાગવદ્દ ગીતા, પુરાણો વગેરે.. ) અંશ જોવા મળે છે. જે ક્રુતિ ને અનેકશ: વિસ્તારી આપવા અવનવા અર્થોથી સમ્રુધ્ધ કરવા નવાં પરિમાણો ઊભા કરી આપવા પુરાકલ્પનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કાન્ત, નિરંજન ભગત , સિતાંશું, ચિનુમોદી વગેરે જેવા વિધ્વાન સર્જકોના સાહિત્યમાં આપણને ‘પુરાકલ્પન’ નો પ્રયોગ વિશિષ્ટ રીતે થયેલો જોવા  મળે છે. જેમાંથી ઉમાશંકર જોશીના ‘પ્રાચીના’ કાવ્યસંગ્રહ  (પદ્યનાટકો) માં થયેલો પુરાકલ્પનનો વિનિયોગ જોઇશું.

ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના મુખ્ય સર્જક એવા શ્રી ઉઁમાશંકર જોશી જેમના વીસ વર્ષના સમયગાળાના અંતરે બે વિશિષ્ટ કાવ્યસંગ્રહો – 1944 (‘પ્રાચીના’)   અને 1965  ‘મહાપ્રસ્થાન’ આપણા ગુજરાતી સાહિત્યની બે વિશિષ્ટ ક્રુતિયોની દેન છે. જેમાં ‘પ્રાચિના’ કાવ્યસંગ્રહમાં ‘કર્ણ-ક્રુષ્ણ’, ’19મા દિવસનું પ્રાભાત’, ‘ગાંઘારી’, ‘બાલ રાહુલ’ , ‘રતિમદન’, ‘આશંકા’, ‘કુબ્જા’ એમ સાત પદ્યનાટકો- પ્રાચિન ભારતીય સંસ્ક્રુતિના મૂલ્યો પ્રગટ કરતા સાત સંવાદકાવ્યો છે.

‘પ્રાચીના’ પદ્યનાટકો નું વિષયવસ્તુ મહાભારત, રામાયણ, ભાગવત , પુરાણો, બૌધ્ધધર્મની જાતક કથાઓ – બુધ્ધના જીવનપર આધારિત છે. આખી ને આખી રચનાઓ પુરાકલ્પન આશ્રિત છે. જેમાં ઉમાશંકર જોશીએ પ્રાચીન સંદર્ભમાં અર્વાચીનને મૂકવાનું અને અર્વાચીનમાં પ્રાચીનને મુકી એમાંથી જીવનના નવા રસ – રહસ્યોનો ઉધાડ કર્યો છે. અહીં કવિએ ભૂતકાળની ઘટનાઓ – અતીત અને વર્તમાન  બંને નવ્યરૂપે – નવા અર્થે રજૂ કર્યા છે. પ્રાચિન કથાઓનો વિનિયોગ અહીં પરંપરાગત મૂલ્યોના દ્રઢીકરણ માટે નહીં પણ નવા , જો કે અર્વાચીન નહીં, માનવીય મૂલ્યોના અન્વેષણ માટે થયો છે. તેને માટે પાત્રપ્રસંગને ક્યારેક મૌલિક પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા છે. વર્તમાનની ક્ષણ પર ઉભેલા કવિનું ભૂતકાળના સમય સાથેનું પુન:સંધાન સંવેદના ને વ્યાપક અર્થ આપે છે. કથા પ્રધાન નહીં, પણ ચરિત્ર- પ્રધાન પદ્યનાટકો સંવાદકાવ્યો છે.

‘કર્ણ-ક્રુષ્ણ’ પદ્યરૂપક સંવાદકાવ્યનું વસ્તુ ‘મહાભારત’ માંથી લેવામાં આવ્યું છે. ‘કર્ણ-ક્રુષ્ણ’ જીવનની પરમ કરૂણાને વ્યક્ત કરતી કાવ્યરચના છે. કર્ણની રહસ્યમયી જિઁદગી, માત્રુવાત્સલ્યથી વંચિત રહ્યાનો પરિતાપ , કુલશીલહીનતાને કારણે થતી માનહાનિનો કારમો ડંખ અને વીરત્વનું આત્મગૌરવ દર્શાવ્યું છે.

“જે ન્યાયનો તે અધિકાર પામવા ,
મથી રહ્યો છું અધિકાર પામવા ,
કે હીન જન્મે નવ હીન માનવ ,
કે હીન કર્મે કરી હીન માનવ ,
લડી રહ્યો હું ય સમષ્ટિ કાજ”4

વ્યક્તિહિત અને સમષ્ટિ હિતની સાથે માનવ – ગૌરવની વાત  પણ પ્રસિધ્દ્ર પુરાકલ્પનોની નવરચના વડે ઉપસાવી છે.ગાંધીયુગની મુખ્ય સંવેદનાનો અહીં સ્પર્શ જણાય છે.અમુક વર્ગને તુચ્છ ગણવો , અસ્પ્રુશ્ય લેખવો એ સ્રુષ્ટિનો ન્યાય નથી. અહીં આજે પણ સમાજમાં થતા ઊંચનીચના ભેદભાવ સ્પષ્ટ રીતે દેખાઇ આવે છે.

‘19મા દિવસનું પ્રભાત’ – મહાભારત માંથી વિષયવસ્તુ  લેવામાં આવ્યું છે. 18 દિવસ મહાભારતનું યુધ્દ્ર  ચાલ્યુ પછી 19મા દિવસનું  પ્રભાત કેવું ઊગ્યું ? યુધ્ધને અંતે થયેલો વિલાપ , દુ:ખની લહેરો વહેતી દેખાય છે.

“અહો મહા ઉદ્યમ યુધ્દ્રનો આ, અંતે જેને જીવવું પાત્ર રોવા?

દ્રૌપદી નો વિલાપ :

“ મારે લીધે! જો કરી યુધ્દ્ર આશ
લૂંટાઇ અંતે ! સુત પાંચ ક્યાંથી?”5

ને ક્રુતિને અંતે કુંતીનો  આ પ્રશ્ન સૌનો પ્રશ્ન બની રહે છે- “રે હા! શાને ભાઇ હાથે જ ભાઇ ?” અંતમાં યુધ્ધની વ્યર્થતા પ્રગટ કરતી ક્રુષ્ણની ઉકિતમાંનો કરૂણામય  કટાક્ષ  અને કુંતીના ઉદગારોમાંની અશમ્ય  પીડા કાવ્યને  લાગણીવશ ઉભરાવે છે. અહીં કવિ અતીતના યુદ્ધથી ય કોઇ ફાયદો ન હતો ને આજના આઘુનિક યુધ્ધથી ય માનવ જાતને  કોઇ ફાયદો  થવાનો નથી. અર્વાચીન વિશ્વયુધ્ધ કવિને ભૂતકાળની મહાભારતકાલીન યુધ્ધઘટના પાસે ખેંચી જાય છે. ગાંધીયુગના સર્જક ને તો  ગાંધીજીની જેમ અહિંસા ને શાંતિ જ પોસાય. યુધ્ધનો અંત  જો  વિનાશ જ હોય તો યુધ્ધની  નિરર્થકતા સમજી શાંતિ – અહિંસાનો માર્ગ માનવજીવનને વધુ ઉપકારક છે.

‘ગાંધારી’ કાવ્ય મહભારતમાં થયેલા યુધ્દ્રને અંતે ગાંધારી પણ દિવ્યચક્ષુ વિના સર્વનાશના અનુભવમાં કશુંક પામે છે.

“ તો તો હું અંતે કંઇ પામી સાર;
હવે જ ખૂલ્યાં ગણું દિવ્ય લોચન”

યુધ્દ્રના અનુભવ પછી સતી ગાંધારી  શાપમુક્તિ  પામે છે આજના માનવીને આ વસ્તુ શીખવાની છે. તો ‘બાલ રાહુલ’ કાવ્ય બોધ્ધધર્મની જાતકકથામાંથી વિષયવસ્તુ લેવામાં આવ્યું છે. પતિના ગયા પછીની વ્યગ્રતા અનુભતી યશોધરાની  સ્થિતિનું વર્ણન છે. બુધ્ધ થયા પછી રાહુલ વિશે,બુધ્ધ અને તેના શિષ્ય આનંદ વચ્ચેની વાતચીતમાં બુધ્ધના પૂર્વાશ્રમની , તપસ્યાની બુધ્ધિપ્રાપ્તિની કથા આલેખયી છે. ‘રતિમદન’ માં મહાદેવ અને પાર્વતીના મિલન પાછળ  રહેલી  સમાજહિતની ભાવના બતાવાયી છે. ‘કુબ્જામાં કુંઠિત ચિત્ત જીવને પ્રેમનો અનુભવ થતાં એ સ્વત્વ પામે એવી ઉદાત ભાવના દર્શાવી છે. જેનું કથાનક ભાગવદમાંથી લેવાયું છે ‘આશંકા’ માં એક જાતકકથાનું ક્ષ્લેષયુકત હળવાશભર્યુ  આલેખન છે. કાવ્યના અંતે એ હળવાશ અનુભવાય છે.

આમ, આ બધા જ પદ્યનાટકો  પૌરાણિક કથાનકો છે. ‘પ્રાચિના’ સંગ્રહમાં પુરાકલ્પનનો  વિનિયોગ ભરપૂર જોવા મળે છે. અતીત અને વર્તમાનની તુલનામાંથી કવિએ જે રીતે  ભારતીય સંસ્ક્રુતિ, યુધ્ધ, માનવપ્રેમ, કે ઉચ્ચાવચતા  જેવા ખ્યાલોનું નિર્માણ કયુઁ છે એ ગૌરવતા દર્શાવે તેવું છે. ‘પુરકલ્પન’  એક સાંસ્ક્રુતિક રચના છે. જે આધુનિક સંસ્ક્રુતિની દેણ રૂપે ઉપસી આવે છે. જેમાં આધુનિક સંસ્ક્રુતિનો પડઘો સંભળાય છે.


  1. ‘પુરાકલ્પન’ – ર્ડા પ્રવિણ દરજી પ્રુ – 13
  2. એજન – પ્રુ – 13
  3. ‘ શબ્દ સાધના’ વર્ષ-૧, અંક – ૦૨, માર્ચ – ૨૦૧૪ – પ્રુ- ૨૯૭
  4. ‘પ્રાચીના’- ઉમાશંકર જોશી – પ્રુ – ૧૦
  5. એજન  – પ્રુ – ૨૪
  6. એજન- પ્રુ – ૩૬

પ્રાઠોડ આરતી પરાગ, અધ્યાપક સહાયક, ગુજરાતી, આર્ટ્સ કોલેજ ,વડાલી, સાબરકાંઠા.