સાહિત્યમાં પુરાકલ્પન

રામાયણ, મહાભારત, ઉપનિષદો, પુરાણો આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે.  સાહિત્ય પણ તેનાથી પર નથી. માટે જ પુરાકલ્પન એ સાહિત્યનો એક મહત્વનો હિસ્સો રોકે છે. ગુજરાતી સાહિત્યમાં પુરાકલ્પન કેવો ભાગ ભજવે છે તે સંબંધે વિશેષ પ્રકાશ પાડવા અર્થે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (સાંજની), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૯/૧/૨૦૧૬ના શનિવારે રાજ્યકક્ષાના એકદિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું આયોજન નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં જુદી જુદી કોલેજના ૭૦ જેટલા ભાષાના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના સમગ્ર સ્ટાફ મળીને ૧૦૦ જેટલા ભાવકોએ ભાગ લીધો.

આ પરિસંવાદની શરૂઆત ઉદ્ઘાટન બેઠકથી થઇ થઇ હતી. આ બેઠકમાં ઉદ્ઘાટક તેમજ અતિથિવિશેષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા તથા પરિસંવાદના બીજરૂપ વક્તા શ્રી સતીશભાઈ વ્યાસ તથા શ્રી ચિનુ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોમર્સ કોલેજના આચાર્યશ્રી પ્રવીણભાઈ પટેલ, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્યશ્રી રાઠોડસાહેબ તેમજ સરકારી વિનયન કોલેજના આચાર્યાશ્રી ગીતાબહેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પરિસંવાદની શરૂઆત પ્રા.નેહા પારેખના શ્લોક ગાનથી કરવામાં આવી. મહેમાનશ્રી દ્વારા દીપપ્રાગટ્ય કરીને પરિસંવાદની પાવન શરૂઆત થઇ. પ્રત્યેક મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ, સ્મૃતિચિહ્ન તથા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજની)ના આચાર્યશ્રી ડૉ. શૈલેષભાઈ સોલંકી દ્વારા મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ પરિસંવાદની પૂર્વભૂમિકા પણ બાંધી.

શ્રી ભાગ્યેશ જહાએ સર્વને સંબોધતા જણાવ્યું કે, “ સંવેદનશીલ વ્યક્તિ જ અગત્યનો છે. કલ્પન – ઈમેજીઝ સાહિત્યનો પ્રાણ છે.  આપણા મહાકાવ્યોનું સતત પુન: અર્થઘટન થવું જોઈએ. જેમકે ગુણવંત શાહે ઉપનિષદ, ગીતા, રામાયણ , મહાભારત ઉપર નવા  સંદર્ભથી કામ કર્યું છે. લોકો સાથે સંકળાવું જરૂરી છે. સાહિત્ય પણ લોકોથી ક્યાંક દૂર જતું રહ્યું છે. વાંચવાની આખી તાણ ઉભી થઇ ગઈ છે. આવા સંજોગોમાં પૌરાણિક ગ્રંથોનું પુન: અર્થઘટન થવું જરૂરી છે. દા.ત. ભગવદ્ ગીતાનું માહાત્મ્ય વાંચતા હોઈએ અને એનું પુન:અર્થઘટન કરીએ તો આજના સમયમાં પણ એને સાંકળી શકાય છે.  સાહિત્યમાં પુરાકલ્પનનો વિનિયોગ કરીએ છીએ ત્યારે આપણે સામૂહિક ચેતનાને ઝંઝોડીએ છીએ. જુદાજુદા સમાજમાં આ મહાકાવ્યોની જુદી જુદી અભિવ્યક્તિ હોય છે.  પુન:અર્થઘટનને સમજાવતાં તેમણે મહાભારતના ગાંધારીના પાત્રના સંદર્ભમાં પણ વાત કરી હતી. નિયતિ અને ગાંધારી વચ્ચેનો સંવાદ તેમણે ચર્ચ્યો.  ગાંધારીના આંખે પાટા શા માટે તો નિયતિ ઉદ્દેશ સમજાવે છે કે દુનિયામાં કોઈ સ્ત્રીને ના પડ્યું હોય તેવું દુ:ખ ગાંધારીને પડવાનું છે આથી એ તેણે જોવું ના પડે માટે પાટા ! આવી રીતે પુન: અર્થઘટન પણ કરી શકાય. નવી પેઢી સુધી આપણા આ પાત્રો પહોંચે તે માટે પુરાકલ્પન મહત્વનો ભાગ ભજવે છે.” ભાગ્યેશભાઈએ પરિસંવાદ સફળ થાય તે માટે અકાદમી તરફથી ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

બીજરૂપ વક્તવ્યમાં શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબે સર્વને સંબોધીને જણાવ્યું કે,  “ પુરાકલ્પન શબ્દ અંગ્રેજીમાં ‘મિથ’ તરીકે જાણીતો છે અને હિન્દીમાં ‘મિથક’ શબ્દ પ્રયોજાય છે. આ ‘પુરાકલ્પન’ સંજ્ઞા ચોક્કસ અર્થઘટન સુધી પહોંચાડવામાં મુશ્કેલી સર્જે છે. ગુજરાતીમાં ‘પુરાકલ્પન’ તરીકે સંજ્ઞા સ્થિર કરી તે પૂર્વે પણ વિદ્વાનોએ મથામણ કરી છે. કોઈએ પુરાકથા કહ્યું, કોઈએ પુરાણકથા કહ્યું, કોઈએ પુરાણ ચરિત્ર કહ્યું પણ એનો મૂળ આશય એ છે કે એ આપણી આ જૂની કથા પરંપરા, ચરિત્ર પરંપરા સાથે સાથે આપણને જોડે છે.  પ્રાચીન ગ્રીક ભાષાનો શબ્દ ‘મુથોસ’ પરથી ઉતારી આવ્યો છે અને લેટિનમાં ‘મિથસ જેવો શબ્દ મળે છે. કથા, વાર્તા, અને વાણી જેવા એના અર્થો મળે છે. લાંબુ સ્વરૂપ તે કથા અને એનાથી નાનો પટ હોય તો વાર્તા. એની સાથે વાણીને પણ જોડી લેવામાં આવી છે. અનેક ચિંતકોએ વર્ષોથી આ મિથકને સમજવાના કે ઉકેલવાના પ્રયાસો કર્યા છે. સમગ્ર સંસ્કૃતિ સાથે, શાસ્ત્રો સાથે પણ આ સંજ્ઞા જોડાયેલી છે. એનું ક્ષેત્ર વ્યાપક છે. પુરાક્લ્પનમાં પ્રવેશ કરીએ છીએ તો એનો સંબંધ વૈશ્વિક બને છે. માત્ર સાહિત્ય પૂરતું તે સિમિત નથી. સાહિત્ય પણ ક્યાં કોઈ એક ભાષા સાથે સંકળાયેલું રહ્યું છે. સાહિત્ય સાથે અનેક વિષયો જોડાય છે. સાહીત્યાતાથી કામ પાર પાડનાર વ્યક્તિ અનેક વિષયો સાથે સંપર્કમાં આવે છે. મિથ પણ આ પરંપરા સાથે જ જોડાય છે. પરંપરાનું તત્વ પણ સહજ રીતે આવ્યું છે. આદિમ કાળથી મનુષ્યને કથામાં રસ પડતો રહ્યો છે. એનું એ જુદું જુદું રૂપાંતરણ કરતો રહ્યો છે. જેમકે એકની એક રામાયણ જુદા જુદા કેટલાં સ્વરૂપે મળે છે. માત્ર રામાયણની કોઈ એક જ કથા પણ વિશ્વની કોઈ ભાષામાં એટલા સ્વરૂપે મળે કે એમ થાય કે આ તો અમારું કથાનક છે આ તમારે ત્યાં ક્યાંથી આવી ગયું.  આ સામ્ય ક્યાંથી આવ્યું ? એ વિચારવાની તક આપણને મિથ નિમિત્તે મળશે. મિથની ક્ષમતા કેટલી છે ? પુરાકલ્પન કેટલું વ્યાપક બની શકે ? અને એ દ્વારા આપણે ખોજ શેની કરીએ છીએ ? સર્જકોને કેમ આમાં રસ પડે છે ? આ પણ જો આપણે ઉકેલવા મથીશું તો આપણે અનેક રહસ્યો તરફ જઈ શકીશું. સંસ્કૃતિ સાથેનો નાતો ટકાવી રાખવો મિથમાં બહુ જરૂરી છે. સંસ્કૃતિ સાથેનો આપણો અનુબંધ કયા પ્રકારનો છે એ જાણવા માટે મિથ બહુ મદદરૂપ થાય છે. આલ્બેર કામુ વિચ્છીન્નતાનો અનુભવ કરી ચૂક્યા હતા. તેઓ કહે છે કે જ્યારે હું વધુ ને વધુ વિચ્છીન્નતાનો અનુભવ કરતો હોઉં ત્યારે મિથ પાસે જાઉં છું. પરિતૃપ્તિનો અનુભવ કરું છું. આ મિથનો અભ્યાસ અનેક ચિંતકોએ કર્યો છે.  મનુષ્યની સામૂહિક ચેતના એટલે મિથ. પ્રજાની સામુહિક ચેતનાને પ્રગટ કરનારું તત્વ છે. કેમ રામ કે કૃષ્ણને આપણે ભૂલી શકતા નથી. સદીઓની પરંપરા આ પાત્રો સાથે જોડાયેલી રહી છે એટલે જ એનો નાતો સંસ્કૃતિ સાથે બંધાયેલો રહે છે. ફ્રોઈડ અને હ્યુંગ જેવા મનોવિજ્ઞાનીઓ પણ મીથને પોતાની રીતે ઘટાવતા આવ્યા છે. આપણી જે સ્વપ્નસૃષ્ટિ  છે એનો નાતો અનિવાર્ય રીતે મિથ સાથે છે. આપણું કલ્પના જગત જાત જાતનાં સ્વપનો  રચે   છે અને એ જ સ્વપ્નો જોતાં જોતાં આપણે એને નવું રૂપ આપતાં જઈએ છીએ. ફ્રોઈડ અને હ્યુંગે  પણ આ પુરાકલ્પનનાં મનોવૈજ્ઞાનિક રીતે અર્થઘટનો કર્યાં છે. ખાસ કરીને સ્વપ્નસૃષ્ટિ અંગે ફ્રોઈડ મિથને ઉકેલવાની મથામણ કરે છે. ‘ઈડિપસ’ને આધારે આપણી મનોગ્રંથિઓને ઉકેલવાનો પ્રયાસ કરે છે. આ ‘ઈડિપસ’ જ્યારે સોફોક્લીસનાં હાથમાં આવ્યું ત્યારે પણ એ મૌલિક ના હતું.  ફ્રોઈડ આને કઈ રીતે માનવની આંતરિક જરૂરિયાત સાથે સાંકળે  એ સમજવા જેવું છે.   મનોવિજ્ઞાન પાસે પણ મિથની વિભાવના પડેલી છે. કોઈ શાસ્ત્ર એવું નથી જે આ મિથની મથામણ ના કરતું  હોય.

નરસિંહ મહેતા એ ગુજરાતની પ્રજા માટે મિથ છે. આપણે શા માટે આટલી જૂની કથાઓ તરફ જવું પડે છે ?  મિથ ક્યારેય સંપૂર્ણ હોઈ ન શકે. માટે જ એક મીથમાં અનેક સર્જકોને રસ પડે છે. જ્યાં સુધી એની આસપાસ રહસ્ય ગુંથાયેલું હોય ત્યાં સુધી રસ પડે છે. સર્જક માત્ર જૂની કથા કરવા માટે નથી આવતો. એને કશુંક નવું કરવું છે. અને એ નવું પ્રસ્તુત હોવું જોઈએ, એ સર્વકાલીન પણ બની શકે એનું પણ ધ્યાન રાખવાનું. એ રીતે નવી કથા સાથે જોડાણ પણ કરવું પડે. વર્તમાન સમય આપણને કોઈક ને કોઈ રીતે અપૂરતો લાગે છે, ખર્ચાઈ ગયેલો લાગે છે એટલે પુરાણમાં જઈને કંઈ એવું શોધીએ જે સનાતન સાથે કામ લાગે.  એની ખોજ લેખકો નવાં નવાં અર્થઘટનો સાથે કરતાં રહ્યાં છે.

માત્ર પ્રાચીનતા એ જ મિથ નથી. લાભશંકર ઠાકરે ઉભો કરેલો ‘લઘરો’ પણ મિથ છે. સર્જકે એને કલ્પનામાં જોયો અને એની મિથ ઉભી કરી.  મિથને ઈશ્વરના પર્યાય તરીકે સ્વીકાર્યો છે.  લા.ઠા. એ પોતાની મિથ ઉભી કરી. પ્રજાને કોઈને કોઈ પ્રકારની મિથ- આધાર જોઈએ છે. મિથ કાલ્પનિક કે ભ્રમણાયુક્ત નથી.

પુરાકલ્પનમાં ‘મિથ’ નહિ પણ ‘મિથિકાલીટી’ આવે તો કદાચ આપણે આ પુરાકલ્પનને હજુ વધારે રચનાત્મક રીતે મૂકી શકીએ.”

આ ઉદ્ઘાટન બેઠકમાં પાછળથી જાણીતા અભિનેતા શ્રી રાજુભાઈ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના નાટક ‘કૈકેયી’ અને ‘સોક્રેટીસ’ સંદર્ભે તેમના અનુભવોની વાત કરી હતી.

ઉદ્ઘાટન બેઠકનું સંચાલન પ્રા. ડૉ. નિયતિ અંતાણી દ્વારા કરવામાં આવ્યું.

પ્રથમ બેઠકનો વિષય હતો – ‘ ગુજરાતી નાટકમાં પુરાકલ્પન’. આ બેઠકના અધ્યક્ષનું સ્થાન શ્રી ચીનુભાઈ મોદીએ શોભાવ્યું .  નાટક એ ગુજરાતી સાહિત્યમાં એવું સ્વરૂપ છે કે જેના માટે એવું વિધાન કરવામાં આવે કે જે ભજવાય છે નાટક નથી પણ જે નથી ભજવાતાં એ નાટક છે. ગુજરાતી નાટકનો જે ઈતિહાસ શરુ થયો તે ‘મિથ્યાભિમાન’ નાટકથી. ‘ભદ્રંભદ્ર’ જો નાટક તરીકે લખાયું હોત તો એ વધુ પ્રચલિત થયું હોત અને આજ સુધી તે ભજવાતું આવ્યું હોત.  નાટક એ ખરેખર સાહિત્યિક કળા છે કે પરફોર્મિંગ આર્ટ છે ? જો એ પરફોર્મિંગ આર્ટ હોય તો શેક્સપિયરનાં બધાં નાટકો કઈ જોયા નથી તોય એને નાટક તરીકે કબુલ્યા છે. ઉમાશંકર જોશી કહેતા, મનની રંગભૂમિ પર ભજવાય તે નાટક.  નાટક એ નેત્રયજ્ઞ છે. જો તમે પુન:અર્થઘટન કરવાની શક્તિ ના હોય તો તમે નાટક ના લખો. જેમકે ભાસે દુર્યોધનને સુયોધન તરીકે કલ્પ્યો. તર્કશક્તિ દસ્તાવેજીકરણ સાથે સંલગ્ન રહીને સાથે ચાલવું જોઈ. વચ્ચેના સંઘર્ષ બિંદુઓને લઇ આવવાનાં છે. આ સંદર્ભે તેમણે ‘સ્વપ્ન-દુ:સ્વપ્ન’ નાટકનું ઉદાહરણ આપ્યું હતું.

એફ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિષયના અધ્યાપિકા પિન્કીબેન પંડ્યાએ ‘પુરાકલ્પન દ્વારા સત-અસતનું નિરૂપણ’ વિષય પર વક્તવ્ય આપ્યું. જેમાં તેમણે ખાસ કરીને રામાયણનાં ખલ પાત્રો – મંથરા અને કૈકેયી વિષે વાત કરી હતી. દેખીતી રીતે જે અસ્ત છે તે અસત હોય જ એ જરૂરી નથી. મીથનું સ્વરૂપ નાટકમાં સૌથી વધુ ખીલે છે.  પ્રાચીન કાળના કોઈ પાત્રો, કથાન, ઘટના નવા સંદર્ભે સર્જાય. એ છાપને સર્જક ઉફરા ચાલીને કે ઉવેખીને એ સર્જન કરે છે. એ મુદ્દાને પણ તેમણે ચર્ચ્યો.

‘મહાભારત આધારિત નાટકો’ વિશે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અધ્યાપિકા શ્રીપૂર્વીબહેન ઓઝાએ વાત કરી. પુર્વીબેને ‘નૈષધરાય’ સંદર્ભે રજૂઆત કરફી હતી. તેમણે મહાભારત અને ‘નૈષધરાય’નો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો.

સતીશ વ્યાસ રચિત ‘અંગુલીમાલ’ નાટક સંદર્ભે એસ.એન.ડી.ટી. યુનિવર્સીટીના અધ્યાપક શ્રીકવિતભાઈ પંડ્યાએ પોતાનું વક્તવ્ય આપ્યું. ‘અંગુલીમાલ’ નાટકમાં માત્ર આંગળી કાપવાની ઘટના છે. સમકાલીન સમસ્યાને આ નાટકમાં ઉજાગર કરવામાં આવી છે.

અધ્યક્ષ શ્રી ચીનુભાઈ મોદી દ્વારા ત્રણેય વક્તાઓના વક્તવ્ય સંદર્ભે પોતાનું મૂલ્યાંકન પણ રજૂ કર્યું. હસમુખ બારાડીના ‘ગાંધારી’ નાટકની પણ તેમણે નોંધ લીધી. આ બેઠકનું સંચાલન શ્રી હસમુખભાઈ પટેલે કર્યું.

આ બેઠકનો વિષય હતો – ‘ગુજરાતી કવિતામાં પુરાકલ્પન’.  શ્રી વિનોદ જોશીએ આ બેઠકનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યું. વક્તાઓના મૂલ્યાંકન કરીને તેમજ વિષય સંદર્ભે શ્રી વિનોદ જોશીએ પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવ્યું કે, “ પુરાકથા આજના સંદર્ભમાં કવિ પ્રયોજે ત્યારે પુરાકલ્પન સિદ્ધ થાય એવું જરૂરી નથી. કવિએ આજના સંદર્ભમાં કશુંક કહેવું છે એવું કવિના ચિત્તનું નિર્માણ નથી. પણ એને કંઇક જુદું કહેવું છે એ સમજવું પડે. જેમકે વાલ્મિકીના જટાયુમાં અને સિતાંશુના જટાયુમાં જુદાંપણું હોઈ શકે. શબ્દ એ માત્ર અર્થ જ નહિ પણ એનું વાસ્તવ લઈને આવે છે. આપણી અંદર એ બધાનું સંકુલ મૂલ્ય રચાયેલું હોય છે. હરીશ મીનાશ્રુએ નવી ભાષા રચવાના માયથોલોજીકલ પ્રયાસો કર્યા. ભાષાનું નિર્માણ મીથનો સૂક્ષ્મ ખૂણો છે. એના પાયા વગર આગળ જઈ ના શકાય.  કવિ સ્વરૂપને પકડે છે કે સ્વરૂપ કવિને પકડે છે એ પણ વિચારવા જેવો મુદ્દો છે. દા.ત. શામળે જૂની વાર્તાઓને નવા સ્વરૂપે રજૂ કરી. રચના કલા સાથે પુરાકલ્પન જોડાયેલું છે. કવિના પાયામાં પુરાકલ્પન છે. કયા ધોરણે આપણે પુરાકલ્પનને માપીએ છે તે જાણવું જરૂરી છે.

આ બેઠકમાં ‘ખંડકાવ્યો પર પુરાકલ્પન’ વિષય પર સુરત યુનિવર્સીટીના આધ્યાપક શ્રી નરેશ શુક્લે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. જેમાં તેમણે કાન્તનાં ખંડકાવ્યોથી લઈને આધુનિક ‘શિખંડી’, ‘બાહુક’ ‘જટાયુ’ જેવા ખંડકાવ્યોમાં પુરાકલ્પનનો વિનિયોગ સંદર્ભે રજૂઆત કરી.

સરકારી વિનયન કોલેજ, ખોખરાના ગુજરાતી વિષયના અધ્યાપક શ્રી નિસર્ગભાઈ આહીરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ‘આધુનિક ગુજરાતી કવિતામાં પુરાકલ્પન’ વિષયને પોતાના વક્તવ્યમાં રજૂ કર્યો. કવિ કવિએ નિજી પ્રતિભાનુસાર પુરાકલ્પનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

હરીશ મીનાશ્રુના ‘નાચિકેતસૂત્ર’ સંદર્ભે સરકારી વિનયન કોલેજ, મેઘરજનાં ગુજરાતી વિષયના અધ્યાપકશ્રી અજયસિંહ ચૌહાણ દ્વારા રજૂઆત કરવામાં આવી. નચિકેતાની કથાને કવિએ અહીં મૂકી આપી છે. કવિની વૈયક્તિક જરૂરીયાતને લીધે કદાચ, પોતાના દર્શનને મુકવા સારું કવિ પુરાકલ્પન પાસે જાય છે.

આ બેઠકનું સંચાલન પ્રા. નેહા પારેખ દ્વારા કરવામાં આવ્યું.

ત્રીજી બેઠક ડૉ. ઓમપ્રકાશ શુક્લના અધ્યક્ષ સ્થાને શોધપત્ર વાચનની હતી. જેમાં વિવિધ અભ્યાસુઓ દ્વારા ‘સાહિત્યમાં પુરાકલ્પન અનુસંધાનિત શોધપત્રો રજૂ કરવામાં આવ્યા.

અંતમાં બે અધ્યાપકો દ્વારા પરિસંવાદ સંબધિત પોતાના પ્રતિભાવ પણ રજૂ કરવામાં આવ્યા.

સમગ્ર પરિસંવાદના અંતે કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ રાઠોડે ઉપસ્થિત તમામ  વક્તાઓ, શ્રોતાઓ , અધ્યાપકો, ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ પરિસંવાદનાં આયોજનમાં  પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સંકળાયેલા તમામનો આભાર માન્યો.

‘સાહિત્યમાં પુરાકલ્પન’ વિષયક આ પરિસંવાદ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર  અને ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજની)ના સંયુક્ત પ્રયાસોથી સફળ અને સંતોષકારક રહ્યો.

પરિસંવાદમાં જે અધ્યાપકો દ્વારા જે માળખામાં સંશોધન પત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા તે જ અનુસાર યથાતથ સર્વ લેખોનો આ અંકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંક પુરાકલ્પન વિષે જિજ્ઞાસુ સર્વ માટે અવશ્યપણે ઉપયોગી થઇ રહેશે તેવી મનોકામના સાથે.


ડૉ. નિયતિ અંતાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ) અમદાવાદ