મિથ : સંજ્ઞા અને વિવરણ

મિથ એટલે શું ? આ પ્રશ્નનો ઉત્તર તેના નિષ્ણાંતો દ્વારા પણ એકસરખો મળવો મુશ્કેલ છે. સેન્ટ ઓગસ્ટાઈને પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા ‘મિથ’ અર્થઘટનની બાબતમાં જણાવ્યું કે – ‘કોઈ મને ‘મિથ’ શું છે ? – એમ પૂછે નહિ તો એ વિશું હું સારું જાણું છું. પણ જો કોઈ એ વિશે પૂછે, અને એને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરું તો મુશ્કેલીમાં મૂકાઈ જાઉં.’ [1]

‘મિથ અતિ વ્યાપક, અતિ સંકુલ અને લોકપ્રિય સંજ્ઞા છે. મિથ એ સમગ્ર માનવજાતની એક એવી ક્લપના છે જે મનુષ્યનાં શ્રદ્ધા અને વિશ્વાસનો પાયો બની રહે છે. કારણ કે મિથ અંતર્ગત મનુષ્યના ચિરસ્થાયી મનોભાવો, ઈચ્છા – આકાંક્ષા તથા કાર્યપદ્ધતિઓ ઉદ્ઘાટિત થાય છે. મિથનો અભ્યાસ એટલે વિવિધ પ્રકારની માનવપદ્ધતિઓનો વૈવિધ્યપૂર્ણ અભ્યાસ’.[2]

રમેશ ગૌતમ કહે છે, ‘‘મિથ ખરેખર તો એ વિજ્ઞાન છે, જેના દ્વારા આદિમાનવે પ્રકૃતિના રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું. એટલે મિથની કલ્પના આદિમાનવ સાથે સંકળાયેલી છે. આદિયુગમાં મનુષ્યે પ્રકૃતિનાં સર્જન અને વિસર્જન સંબંધી પરિવર્તિત દ્રશ્યો જોઈને, એના સૌંદર્યથી મુગ્ધ અને વિકરાળ સ્વરૂપથી દુ:ખી થઈને પોતાની સંપૂર્ણ ભાવનાત્મક અને બૌદ્ધિક ક્ષમતા સાથે કુતૂહલપૂર્વક જે શ્રદ્ધા અને ભાવોની અભિવ્યક્તિ કરી હશે, શક્ય છે મિથની નિર્માણ પ્રક્રિયા ત્યાંથી શરૃ થઈ હશે.’’[3]

‘મિથ’ – Myth અંગ્રેજી શબ્દ છે. Myth  શબ્દનું મૂળ ગ્રીક શબ્દ ‘મુથોસ – Muthos માં અને લેટિન ‘મિથસ’ – Mythus માં છે. ગ્રીક ભાષામાં એનો અર્થ થાય છે વાણી, કથા, વાર્તા.’

એન્સાયક્લોપીડિયા – બ્રિટાનિકામાં ‘મિથ’નો અર્થ છે – ‘વાસ્તવમાં જે ખરેખર અસ્તિત્વ ધરાવતું નથી.’ ધ ન્યૂ લેક્સી કોન વેબસ્ટર ડિક્ષનરીમાં ‘મિથ’નો અર્થ – જૂની પરંપરાગત વાર્તા અથવા ક્વિંદન્તી એવો આપ્યો છે. સંસ્કૃત ભાષામાં મિથ શબ્દની નજીક ‘मिथ’ અને ‘मिथ्या’ એવા શબ્દ છે જો કે સંસ્કૃતના આ શબ્દોને કદાચ તેના સરખા ઉચ્ચારણ પૂરતું જ મહત્વ આપી શકાય. બાકી Myth ના કુળ – મૂળ તો ગ્રીક – લેટિનમાં જ અસ્તિત્વ ધરાવે છે. ’[4]

ગુજરાતીમાં ‘Myth’ શબ્દ માટે ‘પુરાણ કલ્પન’ શબ્દ વપરાયો છે. પરંતુ ડો. હરિવલ્લભ ભાયાણીને આ શબ્દપ્રયોગનો અસ્વીકાર કર્યો છે. કેમકે ‘મિથ’ શબ્દ જે વ્યાપક ક્ષેત્રને આવરી લે છે તે ‘પુરાણ કલ્પન’ શબ્દમાં નથી. આજના સમયમાં પણ ‘મિથ’ નો સર્વમાન્ય ગુજરાતી પર્યાયી શબ્દ મળ્યો નથી. ‘ગુજરાતી વિદ્વાનોએ ભલે એને માટે ‘પુરાણ કલ્પન’, ‘પુરાકથા’, ‘આદિમકથા’ કે પુરાકલ્પન જેવી સંજ્ઞાઓ પ્રયોજી હોય છતાં એ બધી અધૂરી, સાથે અસ્પષ્ટ પણ છે. ‘મિથ’માં જે પ્રાચીનતાનો, ધર્મનો – ધર્મવિજ્ઞાનનો, પ્રતીકાત્મક વાર્તાઓનો, મનુષ્ય કે પરામનુષ્યનો, એ સૌનાં ઊંડા રસ – રહસ્યોનો જે સમાવેશ થયેલો છે તે ગુજરાતી પર્યાયોમાં ભાગ્યેજ સ્કૂટ થતો જણાય છે. ’[5] ભારતની અન્ય ભાષાઓના અભ્યાસીઓને પણ આ પ્રશ્ને મૂંઝવ્યો છે. કેટલાક અભ્યાસીઓએ તો અંગ્રેજી ‘મિથ’ શબ્દને જ સીધો અપનાવી લેવામાં શાણપણ માન્યું છે. એથી જ આવી સંકુલ સંજ્ઞાઓ માટે મૂળ શબ્દ યોજાય એ કદાચ સાહિત્યના વધુ હિતમાં ગણાશે. ઘણા અંગ્રેજી શબ્દોને આપણે અપનાવ્યા છે. ‘મિથ’ શબ્દ પણ એજ રીતે વ્યવહારમાં અપનાવાય તો તે યથાયોગ્ય જ ગણાશે.

‘મિથ’ સંજ્ઞાનું સ્વરૃપ અતિશય સંકુલતા ધરાવે છે. તેથી બધાજ વિદ્વાનોને સ્વીકાર્ય બને તેવી વ્યાખ્યા મળવી મુશ્કેલ છે છતાં કેટલીક વ્યાખ્યાઓનો ખ્યાલ મેળવીએ.

‘મિથ’ કથાત્મક અને અબૌદ્ધિક હોય છે. એમાં નિયતિ અને ઉદભવની કથા કહેવાયેલી હોય છે. વિશ્વ શા માટે છે અને આપણે જે કરીએ છીએ,’ તે એમજ કેમ કરીએ છીએ ? પ્રકૃતિ અને માનવ ભાગ્ય શું છે ? વગેરેને તે આગળ ધરે છે.

  • વોરેન અને વેલેક

‘‘ ‘મિથ’ એ પેઢી દર પેઢી ચાલી આવતી કથા તો છે જ, તે સાથે માનવમને રચી કાઢેલી એક તાર્કિક પદ્ધતિ પણ છે. જેમા માનવ સમક્ષ વિભિન્ન સ્તરે ઉભી થતી સમસ્યાઓનો ઉત્તર રહેલો છે.’’

  • ક્લોન લેવી અને સ્ટ્રાઉસ[6]

આ વ્યાખ્યા પરથી એવા તારણ પર અવાય કે ‘મિથ’ એ માનવસમાજની સામુહિક સંવેદનાઓનું મૃતરૂપ છે. ‘મિથ’ ને વાસ્તવ સાથે સંબંધ નથી. એ કાલ્પનિક તત્વો પર આધારિત છે. એમાં દેવી ચમત્કારોને સંપૂર્ણ અવકાશ છે. દૈવી શક્તિ ધરાવનાર વ્યક્તિ કે જેના દ્વારા ચમત્કારો સર્જાતા હોય, એને આલેખતી જાણીતી કથા મિથમાં જોવા મળે છે. આ એવી કથાઓ છે’[7] જે કાલ્પિનક છે પણ ક્યારેક એનો અતિ દૂરના ઈતિહાસ સાથે સંબંધ પણ જોવા મળે છે. ‘મિથ’ની અનેક વ્યાખ્યાઓમાંથી એવા તારણ પર અવાય કે ‘મિથ’ સ્વનિર્ભર, સ્વતંત્ર કલ્પના છે. દેવ કે કોઈ અદ્રશ્ય શક્તિ કે એની કથાના કેન્દ્રમાં રહેલી હોય છે. આવી કથા કોઈક ને કોઈક રીતે માનવજીવન માટે પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષપણે પ્રસ્તુત બનતી હોય છે. એમાં કલ્પનાનું સ્થાન રહ્યું છે. પણ વાસ્તવને અનુષંગે એટલે કે કલ્પના અને સત્યની સહસ્થિતિ ત્યાં રહી હોય છે. એની સંરચનામાં બહિર્વિશ્વ, એની પ્રભાવક શક્તિઓ અને ચમત્કારોનો જેટલો હિસ્સો રહ્યો છે એટલે જ ફાળો એ બધાને પોતાની રીતે ઝીલનાર, આકારિત કરનાર માનવચેતનાનો પણ છે.’[8]

‘મિથ’ સંજ્ઞાને તેના અભ્યાસીઓએ – તજજ્ઞોએ તપાસીને જે વાતો રજૂ કરી તેમાંથી તેના ઉદભવ – શરૂઆત પર પ્રકાશ પડે છે.

મંજુ ઝવેરી કહે છે, ‘‘આપણામાંના ઘણા પ્રકૃતિને લઈનેજ અપાર કુતૂહલ લઈને આવ્યા છે. કઈ ચીજ કેમ કામ કરે છે, આપણી આજુબાજુનું વાસ્તવ શું છે ? આ અસ્તિત્વ શું છે? વગેરે પ્રશ્નો એમને સતત થયા કરે છે. અને એ માટે બુદ્ધિને બરાબર ચકાસી જુએ છે, જ્ઞાનને પૂર્ણ રીતે કામે લગાડે છે. પણ ઘણા પ્રશ્નોના ઉત્તર બુદ્ધિ આપી શકતી નથી. જ્ઞાનમાં ખાલી જગ્યાઓ રહી જાય છે. કહેવાય છે કે જ્ઞાનની આ ખાલી જગ્યાઓ પૂરવા માટે પૂરા કલ્પનો અસ્તિત્વમાં આવ્યા.’’ આ વાત ઉપરથી એવું પણ એક સમીકરણ બાંધી શકાય કે જ્ઞાન જ્યાં અટકે છે, બુદ્ધિની એક સીમા આવી જાય છે ત્યારે મિથનો જન્મ થાય છે. ‘[9]

માનવસંસ્કૃતિના શરૂઆતના તબક્કામાં મનુષ્ય જ્યારે આદિમ અવસ્થામાં હતો ત્યારે તે પ્રકૃતિની ખૂબ નજીક હતો. કુદરતી તત્વો દ્વારા પોતાની મૂળભુત જરૂરિયાતો પૂર્ણ થતી હોવાને કારણે મનુષ્યને પ્રકૃતિ તત્વોમાં અખૂટ વિશ્વાસ બેસતો ગયો. પ્રકૃતિના તત્વો સૂર્ય, ચંદ્ર, તારા, પહાડો, નદી, સાગર, જળ, અગ્નિ, વૃક્ષોનો મનુષ્ય સમુદાય પર જબરજસ્ત પ્રભાવ હતો. પ્રકૃતિના આ તત્વોની શક્તિ આગળ મનુષ્ય પોતાને નિર્બળ માનતો અને પ્રકૃતિ લીલાઓ અને એનો સમસ્ત જગત ઉપરના પ્રભાવને અહોભાવથી જોતો. ‘એને કારણે પ્રકૃતિ તત્વોનું મિથમાં પ્રાધાન્ય જોવા મળે છે. સૂર્ય અને ચંદ્ર સાથે સંકળાયેલી ઘણી બધી કથાઓ છે. સૂર્ય શક્તિનો સ્રોત ગણાય છે. સમગ્ર જીવનશક્તિ, પ્રકાશ, કૃષિ એ બધુ તેને આભારી છે. એવી સમજને લીધે સૂર્યે ધીમેધીમે દેવતાનું સ્થાન લઈ લીધું.’

પ્રકૃતિ તત્વોએ તેમની આગવી લાક્ષણિકતાને લીધે ધીમે ધીમે મનુષ્ય જીવનમાં દેવતા તરીકે સ્થાન જમાવી દીધું. આ દેવતાઓ ઉપરની અસીમ આસ્થાએ મનુષ્ય તેની અર્ચના આરાધના કરતો રહે છે. પ્રકૃતિ સાથેના પોતાના સંબંધોને મનુષ્ય રૂપક કથા રૂપે લાવે છે. એમાં સૂર્યની વાત પણ હોય, આકાશ અને ધરતીની પ્રેમકથા પણ હોય, સાગરનો નિર્દેશ હોય તો ક્યારેક અગ્નિ જેવું વિનાશક તત્વ પણ હોય. આવી કથા ક્યારેક સાચી હોય તો ક્યારેક કાલ્પનિક તત્વ પર આધારિત હોય. ‘‘આ પ્રકારના ‘મિથ’ માં દેવ, અર્ધદેવ, અધિમાનવ કે માનવ સાથે સંકળાયેલા ક્રિયાકાંડો, ધાર્મિક અંશો, સામાજીક ઐતિહાસિક તત્વો, સામૂહિક ચેતન-અચેતન એ સર્વ કોઈક ને કોઈક રીતે સંકળાતા રહે છે.’[10]

‘દરેક દેશ-પ્રદેશમાં જુદીજુદી મિથ જોવા મળે છે. સમગ્ર વિશ્વના સંદર્ભમાં જોઈએ તો ગ્રીક અને ભારતીય ‘મિથ’ કંઈક જુદાજ તરી આવે છે સૃષ્ટિના સર્જન-વિનાશ અને સર્જનની ચક્રિય ‘મિથ’ લગભગ દરેક સમાજ અને સંસ્કૃતિમાં જોવા મળે છે.

એચ. જે. રોજર  વિભિન્ન સમાજોમાં પ્રચલિત મિથને ત્રણ ભાગમાં વહેંચી નાખે છે.

  1. સૃષ્ટિની રચના વિશેની
  2. પ્રલય કે વિનાશ વિશેની
  3. દેવતાઓના પ્રેમ વિશે.

ભારતીય ‘મિથ’ પ્રમાણે આપણે સૌ મનુના વંશજો છીએ તો ‘બાઈબલ’ પ્રમાણે આદમ અને ઈવના સંયોગથી મનુષ્ય સૃષ્ટિનો જન્મ થયો. સર્જન વિષયક આ મિથ સૂચવે છે કે કોઈ એક તબક્કે માનવીને પોતાનાથી એક વધુ સશક્ત, અપરિમેય, બૃહદ શક્તિની જરૂરિયાત ઉભી થઈ. પોતે જ્યાં જીવી રહ્યા છે ત્યાં ન્યૂનતાઓ છે, પાપાચારો છે, એક પ્રકારની અવ્યવસ્થા છે. આ બધાની કોઈક વિરાટ શક્તિ નોંધ લે, જે પાપીને દંડ દે અને પુણ્યશાળીને રક્ષે, વ્યવસ્થા સર્જે, સૌને માટે એક નિયંત્રણ બની રહે – એવું માનવી ઝંખવા લાગ્યો. આ ભાવનામાંથી સૃષ્ટિના કોઈ સંચાલકની, દેવાધિદેવની, બ્રહ્માની કલ્પના ઉદભવી. આવી દૈવી શક્તિ જ માનવીને અણિના પળે સહાય કરે છે. તેનું રક્ષણ કરે છે. માનવી જ્યારથી પોતાનાથી ભિન્ન એવી અવર અને શ્રેષ્ઠ હસ્તિને સ્વીકારતો થયો ત્યારથી દેવ-દેવી અસ્તિત્વમાં આવ્યા.’[11]

‘જગતના નિર્માણન જેમ તેના અંત વિશેની ‘મિથ’ પણ વિભિન્ન રૂપે જુદાજુદા દેશોમાં જોવા મળે છે. જગત કેવી રીતે નષ્ટ થયું અને એમાં એકાદ યુગલ કે ગણ્યા ગાંઠ્યા માણસો કેવી રીતે ઉગરી ગયા તે વાત તેમાં હોય છે. એમાં ક્યારેક, ક્યાંક મનુ તો ક્યારેક ક્યાંક નૂહ બચી જાય છે. અને એ દ્વારા વળી બધુ ક્રમશઃ આકાર લે છે. અને એમ હરીભરી સૃષ્ટિ નજર સામે આવે છે.’

‘સર્જન અને વિનાશ ની સાથે પ્રણય ભાવના મિથ પણ વિભિન્ન રૂપે અનેક સમાજમાં ઉપલબ્ધ થાય છે. આકાશ અને પૃથ્વીના પ્રેમનું ‘મિથ’ વિશેષરૂપે પ્રસિદ્ધ છે. દેવદેવીઓ તેમજ દેવ અને માનવીની પ્રેમકથાઓનો આમાં સમાવેશ કરી શકાય.’[12]

‘મિથ’ એટલે કેવળ કોઈ એક શાસ્ત્ર કે વિદ્યા એવું નથી. વિવિધ શાસ્ત્રો અને વિદ્યાઓના સમન્વયથી મિથ બને છે. મિથને સમાજ સાથે સંબંધ છે. તો એને મનોવિજ્ઞાન અને ભાષા વિજ્ઞાન સાથે પણ નિસ્બત રહેલી છે, સાથે તે લોકસાહિત્યનો પણ એક ભાગ છે. આમ તેના વ્યાપ અને સંકુલતાનો વિસ્તાર થતો રહે છે.’[13] પુરાણકથા, દંતકથા, રહશ્યકથા, આદિકથા, ઐતિહાસિક કથા, ધાર્મિક કથા વગેરેના સમૂહથી મિથ બને છે.

‘મિથ’ સમાજમાંથી જન્મે છે એટલે એને ‘લોક’ સાથે સંબંધ રહ્યો છે. સમાજમાં બનતી ઘટનાઓનું પ્રતિબિંબ જેમ સાહિત્યમાં પડે છે તેમ મિથમાં પણ પડે છે. સમાજ ચમત્કારની અપેક્ષા રાખે છે. એટલે મિથમાં દૈવી ચમત્કારોનું પ્રાધાન્ય રહેલું છે.’[14] ‘સમાજે પોતાની સમસ્યાઓના નિવારણ માટે અને કોઈ ચમત્કારના દર્શન કરવા માટે દેવતાઓનું સર્જન કર્યું અને પોતાની શ્રદ્ધા એ દેવતાઓ પ્રત્યે વ્યક્ત કરી સમાજમાં બનતી ઘટનાઓનું દૈવી પ્રતિબિંબ ‘મિથ’ માં જોવા મળે છે. એ અર્થમાં મિથ સમાજનું ‘દિવ્યદર્પણ’ બને છે.’[15]

 ‘મિથ’ ને ધાર્મિક ક્રિયાકાંડો સાથે, અધ્યાત્મ સાથે, અમાનુષી તત્વો સાથે ને તેમની પવિત્રતા સાથે જોડવામાં આવ્યું છે. આદ્ય પુરાકલ્પનો પાછળની ભાવનાને સમાજ પ્રસંગે પ્રસંગે અનુસરતો રહ્યો છે. આપણા ધાર્મિક વિધિવિધાનોમાં આ વસ્તુ પ્રગટ થતી રહે છે. જન્મ, લગ્ન, યજ્ઞોપવિત, મરણ વેળા થતી ધાર્મિક ક્રિયાઓ આના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ત્યાં આ વિધિઓ કેમ કરીએ છીએ ? તેનો કોઈ તાર્કિક ઉત્તર નથી હોતો.’[16]

‘ફ્રોઈડ અને હ્યુંગે મિથના અભ્યાસનું એક નૂતન દ્વાર ખોલી આપ્યું છે. મનોવિજ્ઞાનના અભ્યાસે ‘મિથ’ની સિકલ પલટી નાખવાનું મોટું કામ કર્યું છે. ‘મિથ’ સાથે સંકળાયેલા ઐતિહાસિક કે સાસ્કૃતિક ખ્યાલનો મનોવિજ્ઞાન છેદ ઉડાડે છે.’ ‘હવે મિથ ધર્મકેન્દ્રી કે વ્યક્તિકેન્દ્રી નથી પણ મનકેન્દ્રી અને સમૂહકેન્દ્રી છે.’[17]

‘ફ્રોઈડ મિથ અને સ્વપ્નના કાર્યને એક ગણીને ઈચ્છાપૂર્તિના એક સાધન તરીકે એમને જુએ છે. જે ઈચ્છાઓ વાસ્તવિક જીવનમાં પૂર્ણ થતી નથી એવી ઈચ્છાઓ મિથ કે સ્વપ્ન દ્વારા પૂર્ણ થતી હોય છે. એટલે એ વ્યક્તિના અજાગ્રત મન સાથે સંબંધ ધરાવે છે.’[18]

‘‘યુંગે ફ્રોઈડની માન્યતાના સામા છેડે જઈને પ્રસ્થાપિત કર્યું હતું, કે મિથ એ વ્યક્તિગત પ્રક્રિયા અંતર્ગત નહિ પણ સામૂહિક પ્રક્રિયા અંતર્ગત બનનારી ઘટના છે.’’

‘મિથ નું વિશાળ જગત કે પછી એની અંદર બનનારી કોઈ એક ઘટનાની નિર્મિતિ કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. વ્યક્તિએ વ્યક્તિએ ઝીલાતા સંસ્કારોના સમન્વયરૂપે મિથ પ્રગટ થાય છે. દરેક વ્યક્તિની સંવેદના પણ અલગ હોય છે. અને આ સંવેદનાઓ એકસૂત્રે ગોઠવાઈને જે ચમત્કારિક કથારૂપનું સર્જન કરે એ મિથ તરીકે ઓળખાય છે. કાર્લ હ્યુંગે સામૂહિક અવચેતનની નીપજ તરીકે મિથને ઓળખાવી છે.’’[19]

‘મનોવિજ્ઞાને મિથને ધાર્મિક પ્રવૃત્તિ પૂરતી સીમીત ન રાખીને વ્યક્તિના મન સાથે જોડી આપી. આમ કરીને, ‘મનોવિજ્ઞાને મિથને નવું જીવન આપ્યું છે.’ હવે મિથ ધર્મકેન્દ્રી કે વ્યક્તિકેન્દ્રી નથી પણ મનકેન્દ્રી અને સમૂહકેન્દ્રી છે.’[20]

મિથને સમાજવિજ્ઞાન, મનોવિજ્ઞાન જેવી વિદ્યાઓ સાથે સંબંધ છે. તો ધર્મ, ભાષા સાહિત્ય જેવી વિદ્યાશાખાઓ અને લોકકથા, દંતકથા સાથે પણ સંબંધ છે. મિથ પોતે વૃક્ષ છે અને અન્ય વિદ્યાઓ એની શાખા છે અથવા તો એ પોતે કોઈ વિદ્યાવૃક્ષની શાખા છે. એટલે મિથની પોતાની ભૂમિકા પણ વિદ્યા બદલાતા બદલાતી જાય છે.

‘માનવચેતનાની અભિવ્યક્તિરૂપ મનોવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન, જીવશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર એ સર્વને કળા સાહિત્ય સાથે પ્રગાઢ નાતો રહ્યો છે. અને આ સર્વનું કોઈકને રૂપે આદિ માનવજીવન સાથે ગઠવંધન રહ્યું હોવાથી એની સાથે સંબંધ મિથનો અભ્યાસ જરૂરી બને છે. મિથે આમ માનવ ચેતના માટે, જ્ઞાન-વિજ્ઞાનની અનેક શાખાઓના પરિચય માટે એક ઉર્જાકેન્દ્ર જેવું કામ કર્યું છે.’[21]

‘અનેક વાદ વિવાદોને અંતે આપણે સ્વીકારવું પડશે કે – મિથ છે સમસ્ત પ્રજાનો, એટલે કે આપણા સર્વના પૂર્વજો તરફથી આપણને મળેલો સમૃદ્ધ વારસો, એ રીતે દરેક કાળની કળાનો પણ તે વારસો રહ્યું છે. મિથ જ્યાં સુધી આવા ‘વારસા’નું સ્થાન ધરાવે છે ત્યાં સુધી આપણે એના વિશે કંઈકને કંઈક કશુંક જાણવાના પ્રયત્નો કરતા જ રહેવાના, કરતાં જ રહીશું.’[22]

સંદર્ભ નોંધઃ

  1. પુરાકલ્પન, પ્રવીણ દરજી, પા-2
  2. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-8
  3. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-27
  4. પુરાકલ્પન, પ્રવીણ દરજી, પા-4
  5. પ્રસ્તુત, પ્રવીણ દરજી, પા-221
  6. પુરાકલ્પન, પ્રવીણ દરજી, પા-13
  7. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-24
  8. પુરાકલ્પન, પ્રવીણ દરજી, પા-14
  9. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-28
  10. પ્રસ્તુત, પ્રવીણ દરજી, પા-223
  11. પુરાકલ્પન, પ્રવીણ દરજી, પા-10
  12. પુરાકલ્પન, પ્રવીણ દરજી, પા-11
  13. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-208
  14. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-209
  15. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-31
  16. પુરાકલ્પન, પ્રવીણ દરજી, પા-15
  17. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-35
  18. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-36
  19. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-37
  20. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ,પા-38
  21. પ્રસ્તુત, પ્રવીણ દરજી, પા-225
  22. પ્રસ્તુત, પ્રવીણ દરજી, પા-226

પ્રા. સ્મિતા મહેતા, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ), અમદાવાદ