‘અશ્વપાલ, પીંગળા અને કાનાજી’-વાર્તાવિશ્વ


મોહન પરમાર ગુજરાતી સાહિત્યનુ વર્તમાન સમયનું જાણીતું નામ છે. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર, વિવેચક અને સંપાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં ઓળખાયા છે. તેમનું ગુજરાતી સાહિત્યના વાર્તાક્ષેત્રમાં ઐતિહાસિક સ્થાન છે. વાર્તાક્ષેત્ર તેમનું પ્રિય એવું સર્જનક્ષેત્ર છે. તેઓ ‘પોઠ’ વાર્તાસંગ્રહના નિવેદનમાં નોંધે છે: ‘જીવનમાં કદાચ બીજું બધું છૂટી જશે, પણ વાર્તા પાસેથી ખસવાનું મને નહિ ગમે, વાર્તાના લેખન-ભાવને મને હરહંમેશ તૃપ્ત કર્યો છે. અનુભવે એટલું તો જણાયું છે કે લેખક અને ભાવક વચ્ચે પ્રત્યાયન સાધવાની કોઈ સાહિત્ય સ્વરૂપ પાસે તાકાત હોય તો તે વાર્તા પાસે છે’. વાર્તાઓમાં રહેલી આ પ્રત્યાયન ક્ષમતા તેમના ‘કોલાહલ’(૧૯૮૦), ‘નકલંક’(૧૯૯૧), ‘કુંભી’(૧૯૯૬), ‘પોઠ’(૨૦૦૧) અને ‘અંચળો’(૨૦૦૮) વાર્તાસંગ્રહોમાં જોવા મળે છે. તેમની વાર્તામાં રહેલ દલિતપીડિતોનું થતું શોષણ, કૌટુંબિક અને દાંપત્યજીવનના સંવેદનો માનવમનની અકળલીલા દ્વારા આલેખિત થાય છે. માનવના સુખ, દુ:ખ અને દર્દની વાર્તાઓમાં રહેલી સર્જકની ભાવકને સતત પ્રતીતિ કરાવાની કળા ધ્યાનર્હ બને છે. વિષયવસ્તુની નાવીન્યતા, પાત્રગત સંવેદના, સ્થળ-કાળ-પરિવેશને અનુરૂપ ભાષાનું સૌદર્ય વાર્તાઓને જીવંતતા અર્પે છે. અનુઆધુનિક સાહિત્યના સમયમાં પરંપરાગત રીતે માંડીને વાર્તા કહેવાની રીતિ સાથે ઘટનાને ઓગાળતી એવી આધુનિકતા પણ સર્જક્ના સર્જનમાં જોવા મળે છે.

અહીં મોહન પરમારના ચોથા વાર્તાસંગ્રહ ‘પોઠ’ની ‘અશ્વપાલ, પીંગળા અને કાનાજી’રસપ્રદ એવી વાર્તાનો આસ્વાદ રજૂ કર્યો છે.

‘અશ્વપાલ, પીંગળા અને કાનાજી’ વાર્તા પાત્રના મનની એક અકળ લીલાનું નિરૂપણ થયું છે. ગ્રામ્ય પરિવેશની આ વાર્તાનું કેન્દ્રિય પાત્ર કાનાજી છે. જ્ઞાતિએ દરબાર એવા કાનાજી ગામમાં ભવાઈવેશમાં સ્ત્રી પાત્ર ભજવનાર તૂરી જાતિના મફા તૂરી તરફ આકર્ષણ અનુભવે છે. મફો તૂરી એવો એવો અભિનય કરે છે કે ગામના પુરુષો તો ઠીક સ્ત્રીઓ પણ તેના તરફ આકર્ષાય છે.

સર્જકે કાનાજીના મનોભ્રમને વાર્તામાં નિરૂપ્યો છે. મનનું આ એકપક્ષીય વલણ તથા દિવાનાપણાને પાત્ર દ્વારા નર્મ-મર્મ સંવાદોમાં નિરૂપ્યાં છે. કાનાજીની દિવાનગી એટલી હદે વધી છે કે તે મફા તુરીને આલિંગન કરી ચુંબન કરી બેસે છે. પોતાની પત્નીથી છુપાવેલું ચાંદીનું માંદળિયું ભેટરૂપે આપે છે.

વાર્તામાં કાનાજીનું પાત્ર વ્યસની એવા દારૂડિયાનું છે. આરંભમાં જ કાનાજી કુતરાથી બચતા અને ધારિયું લઈને આવતા જોવા મળે છે. ધોતીના નીકળી ગયેલા છેડાને ખોસવા માટે એ છેડાને બદલે જમીન પરથી નાળિયેરની  છાલ લઈ કેડમાં ખોસી દે છે. આ જોઈ વાર્તામાં ગામના બાળકો અને યુવાનો હસી પડે છે. ત્યારે ભાવક તરીકે આપણને પણ રમૂજ થાય છે. સર્જકે કાનાજીના પાત્રને સમગ્ર વાર્તામાં તેમના વાણી-વર્તનો દ્વારા નશાની હાલતના સંવાદોમાં નિરૂપિત કર્યા છે. જે વાર્તામાં અવારનવાર રમૂજને પ્રગટાવે છે. ‘ચ્યમ’લા ઑમ ભેળા થયાં સો! ના હો, નકર આ ધારિયું જોયું છઅ’ (પૃ.૯૪) [ગામના બાળકો સામે કહેતા]

‘હું….. હવઅ ચ્યાં જવાનો છઅ તું…..’ (પૃ.૯૩) [ધોતીના છૂટી ગયેલા છેડાને કહેતા] આમ ગામમાં અડબડિયા ખાતા કાનજી ભવાઈવેશ ભજવતા મફા તુરીને સાવળીંગા, હોથલ પદમણી, સોનકંહારી, પીંગળા કહે છે. મફા તુરીની પત્નીને મફા વિષે પૂછતાં ‘એ તો મારી સોનકંહારી’ કહે છે ત્યારે પત્નીની રેશમ છણકો કરતાં ‘હું લેવા આટલો બધો ડહતો હશી’ (પૃ.૯૪) કહે છે. આગળ જતાં મફા તૂરી વિશે રઈલીને પૂછે છે ‘છોડી ઊભી રેનઅભા, પેલી હોથલ પદમણીનઅ મોકલઅ!’ (પૃ.૯૫) ત્યારે થોડું વિચારે તેણીની કહે છે ‘કુની વાત કરો સો કૉનાભા!’,      ‘મફાકાકાનઅ  મોકલું….’(પૃ.૯૫) આમ આખાય ગામમાં કાનાજીની હરકતોની જાણ છે વાર્તા કહેવાતી જાય અને મફા(પીંગળા) તરફનું કાનાજીનું આકર્ષણ વધતું જાય છે. જેના નિરૂપણ સાથે વાર્તામાં હાસ્ય પ્રસરતું રહે છે.

વાર્તા મધ્યે ગામમાં રાજા ભરથરીનો ખેલ થવાનો છે. ઘરે જઈ પત્ની જીવુબાને પણ ખેલ જોવા આવવાનો આગ્રહ કરે છે. જતાં પહેલા કાનાજી થોડી ટાપટીપ કરીને કાંટાળી ઝાળીઓમાંથી દારૂની બોટલ કાઢી ગટગટાવી જાય છે. અશ્વપાલ અને પીંગળાના પ્રણયદ્રશ્યો ખેલમાં જોતાં કાનજી ઊચોનીચો થાય છે. અને ‘મારી પીંગળા સાથે અશ્વપાલ પ્રેમ કરઅ છઅ, મારી નાખું સાલા નઅ….’(પૃ.૯૮) બોલી બેસે છે. પીંગળાના પાત્રનો અભિનય કરતો મફો જ્યારે તેની સમક્ષ જોતો નથી ત્યારે તેનું મન ઈર્ષાથી ખિન્ન થાય છે અને અશ્વપાલના બાહુઓમાં ઝૂલતી પીંગળા(મફા)ને જોઈ કાનાજીના સંયમનો બાંધ તૂટી પડે છે ‘છોડી દે હરામી, પીંગળા તારી નઈ મારી છઅ….’(પૃ.૯૯) આ સાંભળતા પ્રેક્ષકો એવા ગામના લોકો હસે છે. પીંગળા તરફનું કાનાજીનું ખેચાણ જાતિય ઉત્કટતા રૂપે પ્રગટે છે. જેનું નાટયાત્મ્ક અને હાસ્યસ્પદ એવું નિરૂપણ પૃ. ૯૯ અને ૧૦૦ પર જોવા મળે છે. પીંગળા(મફા)નું કાનાજી પાસેથી છૂટવાની મથામણમાં ક્ષણિક મફાનું પીંગળાના નારીભાવે સહેજ ઉત્તેજના અનુભવવી તથા  કાનાજીની પીંગળાને પામવાની શરીરજન્ય ઉત્કટતાનું આલેખન થયું છે. આ જોવા ગામના લોકો ટોળે વળ્યાનો પરિવેશ રચાયો છે. બંનેની ઝપાઝપી વચ્ચે મફાની સાડી અને માથાનો બનાવટી ચોટલો દૂર ફેકાય છે ત્યારે ‘બ્લાવ્ઝ અને ચણિયામાં, ટૂંકાવાળવાળો’ મફો તૂરી દ્રશ્યમાન થાય છે. અને કાનાજીનો ભ્રમ તૂટે છે. ખાસિયણો પડી ગયેલો કાનાજી ઘર તરફની વાટ પકડે છે આ દરમ્યાન ગામમાં કોમી તોફાન જેવું વાતાવરણ સર્જાય છે. પત્ની જીવુબા કાનાજી પર ગુસ્સે થઈને ધોકેણું ઉપાડે છે એ દરમ્યાન ફાણસની વાટ સરખી કરતી પત્નીના ગળામાં ચમકતી ચીજ જોવા કાનાજી નજીક જાય છે ત્યારે મફા(પીંગળા)ને આપેલું માંદળિયું જોઈ એક સમયે પત્નીથી ફફડી રહેલો કાનાજી જીવુબાને પાછળ ધકેલતા ‘હટ, રાંડ પીંગળા!’(પૃ.૧૦૧) કહે છે. જેમાં પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધો અને તે પુરુષ મફો તૂરી નીકળે છે.ભાવક તરીકે જે આપણાં ચિતમાં આશ્ચર્ય જન્માવે છે.

 વાર્તાન્તે એક તરફ કાનાજીનો મફાને ખરેખર પીંગળા સમજી બેસવાનો ભ્રમ તૂટે છે અને બીજી તરફ પત્નીને અને મફાના સંબંધો દ્વારા પત્નીનો દગો કાનજી પામે છે. કાનજીનો સમ્યક હોવાનો સંવાદી ભ્રમ વાર્તાન્તે દૂર થાય છે તેની સાથે સર્જકે પત્નીની બેવફાઈ મૂકી આપે છે. આ સહોપસ્થિતિ વાર્તાન્તે રમૂજ સાથે કટાક્ષને પ્રગટાવે છે.

વાર્તાન્તે આવેલો વળાંક અચાનક લાગતો નથી તે માટે સર્જકે વાર્તામાં અગાઉ ઈંગિતો મૂક્યા છે. ‘જીવુબા પૂરા ઓળઘોળ થઈને મફા સામે એકીટસે જોઈ રહ્યાં હતા’(પૃ. ૯૮)  અને બીજી તરફ મફાના પક્ષે ‘ઘણાં બૈરાંની આંખોમાં ખુલ્લું આહવાન એણે જોયેલું. પણ કોણ કોનું બૈરું છે એનીએ એને ક્યાં ખબર હતી?’ (પૃ.૯૬) તથા જીવુબાનો વ્યસની એવા પતિ તરફનો અણગમો પણ જોવા મળે છે. ‘ખાતાં ખાતાં જીવુબાએ કાનાજીના ચીમળાઈ ગયેલા મોં સામું જોયું ઉબકો આવવા જેવુ થયું’ (પૃ.૯૭)

સર્વજ્ઞના કથનકેન્દ્રથી રચાયેલ વસ્તુસંકલન વાર્તામાં ઉપયોગી બને છે. અને સર્જક ગ્રામ્ય પરિવેશમાં મનોરંજનના ખેલને વસ્તુસંકલન તથા પાત્રોના સંવાદો અને આલેખનમાં કારગત નીવડે છે. વાર્તામાં રહેલ ખેલ ભજવણીની પ્રયુક્તિ, પાત્ર અને પાત્રગત ચિત્રણ, ગ્રામ્ય પરિવેશ અને બોલીનો પ્રયોગમાં રહેલ દ્વિરુકત(‘ટાઉં ટાઉં’, ‘ફરરફુસ’, ‘હડફડ હડફડ’જેવા) શબ્દો દ્રશ્ય-શ્રાવ્ય ચિત્રો  વાર્તાને જીવંત બનાવે છે આમ વાર્તા શીર્ષક ‘અશ્વપાલ, પીંગળા અને કાનાજી’ અશ્વપાલ અને પીંગળાના પ્રણય દ્રશ્યો કાનાજીને અસહ્ય બનતા ભ્રમ તૂટવાના કારણ રૂપે જોવા મળે છે. તથા વાર્તામાં રહેલી કાનાજીના મનના ભ્રમ એવા સંવેદનને નર્મ-મર્મ ગદ્યશૈલીમાં સર્જકે નિરૂપીત કરી છે.

  • [‘પોઠ’(વાર્તાસંગ્રહ)-મોહન પરમાર, રન્નાદે પ્રકાશન, પ્ર.આ. ૨૦૦૧, મૂ. ૧૦૦]

પ્રા.અનિતાબહેન પાદરિયા, શ્રી કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદ. મો,નં. 9586876965 anita_padariya@yahoo.com