અનુવાદ અને સમુહમાધ્યમો


आज यहां इस सभागृह में उपस्थित सभी लोग ऐसे है जो अनुवाद के क्षेत्र में मुजसे कंई अधिक जानकारी रखता हो । यहां उपस्थित कंई विद्वानो को पहेचानता हुं जीसने अनुवाद के क्षेत्र में अपनी नीजी ईमेज बनाई है । पुरस्कृत भी हूए है । एसे विद्वानो के सामने अनुवाद का कोई अनुभव नहीं रखनेवाला में अपने आप को ईस क्षेत्र का अल्पजीव मानता हूँ । संयोजक ओमप्रकाश शुक्लजी, जो हमारे मित्र है, उनके अनुरोध पर आप के सामने एक दो बात रखने का साहस कर रहा हूँ ।

सभापति की अनुमति के साथ आगे की बात अपनी भाषा गुजराती में करने जा रहा हुं ।

મિત્રો,

કોઈકે આ સદીને માહિતીવિસ્ફોટની સદી કહી છે તો કોઈએ 21મી સદીને અનુવાદની સદી પણ કહી છે. અને એ હકીકત પણ છે કે, ગઈ એક-બે સદી દરમિયાન વિશ્વના દેશો એકબીજાની વધુ ને વધુ નજીક આવતા ગયા છે. ભારતની ધરતી સદીઓથી વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહી છે. એ આકર્ષણ માત્ર ભૌતિક ધન-દોલત જ નહીં પણ એનું વ્યુહાત્મક સ્થાન, ભૌગોલિક સમૃદ્ધિ, સુનિયોજિત સદીઓ જૂની સંસ્કૃતિ, વિદ્વાનો અને એમની પ્રતિભામાંથી જન્મેલા જીવનરહસ્યો, ઔષધોની જાણકારી, વેપાર-વાણિજ્ય, ધર્મની આગવી સમજ, આગવી જીવનશૈલીમાંથી જન્મેલી સમૃદ્ધ પરંપરાઓ, અનેકતાઓની વચ્ચે રહેલી અનોખી એકતા, વૈવિધ્યસભર ધરતીના રૂપો- સમુદ્રો, નદીઓ, મેદાનો, રણથી માંડી બરફથી ઢંકાયેલા પર્વતો- આ બધું એક જ સ્થળે હોય એવો દેશ ભાગ્યે જ આ ધરતી પર હતો, ને છે. એટલે સદીઓથી આપણો વ્યવહાર વિશ્વના અનેક દેશો સાથે રહ્યો છે. દેશ-વિદેશથી આપણે ત્યાં યાત્રિકો, વિદ્યાર્થીઓ, યોદ્ધાઓ, વિદ્વાનો, પ્રવાસીઓ, ભક્તો, ભગવાનો, આક્રાંતાઓ, રાજાઓ- અને પ્રજાઓના ધાડાઓ સતત આવતા જ રહ્યાં છે. સૌને પોતાની સમજ હતી, સૌને પોતાની ગરજ કે જરૂરિયાત હતી. બધા કંઈકને કંઈક પામતાં રહ્યાં છે આ ભારતની ધરતી પરથી.

એટલે એક ભાષાથી બીજી ભાષાઓ સાથેનું સંક્રમણ આપણે ત્યાં નવું નથી. એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિનું સંક્રમણ પણ આપણે ત્યાં નવું નથી. ભિન્ન ભિન્ન મતો અને મતાંતરોની આપણને ક્યારેય નવાઈ જ નથી લાગી. આપણા વારસાએ આગવી સ્થિતિસ્થાપકતાનો ગુણ વિકસાવ્યો છે. ક્યારેક ફેલાઈને, તો ક્યારેક સંકોચાઈને, ક્યારેક ટૂંટૂયું વળીને તો ક્યારેક નક્ષત્રોના માપ ગણવાની ઊંચાઈને આપણે સહજભાવે જ આંબી શક્યાં છીએ. વળી, ક્યારેય એને અભિમાન કે કોપીરાઈટના સંકુચિત ચોકઠામાંય નથી પૂરાઈ રહ્યાં. એટલે અનુવાદની કળા આપણા લોહીમાં બહુ સહજભાવે વણાયેલી છે. છેક બારમી તેરમી સદીમાં ગુજરાતીઓ, ભારતીયો શ્રીલંકાથી માંડી, આફ્રિકા, મિડલ ઈસ્ટના દેશો હોય કે જાવા-સૂમાત્રા, કે મોરેસિયસ હોય- આપણાં વડવાઓને વેપાર કરવામાં ક્યારેય ભાષા નડી નથી. આપણને નડે છે આ અંગ્રેજી મેનર કે અંગ્રેજી સ્ટાઈલના અનુવાદો. એનુ પદ્ધતિશાસ્ત્ર આપણને વિચલિત કરે છે. આપણને અનુવાદો કરવા કરતાં અનુવાદ કરવાના શાસ્ત્રમાં અટવાવી દીધા છે- એવું ક્યારેક અનુભવાય છે. આપણી મર્યાદા અથવા કહો કે વિશેષતા એ છે કે, આપણે હવે અંગ્રેજોએ જે માનસિકતા અને જે શિક્ષણપદ્ધતિ આપી છે એના ચક્કરમાં એવા અટવાઈ ગયા છીએ કે આપણાં જીન્સમાં પડેલી પેલી વિશેષતાને ભૂલી ચૂક્યાં છીએ. બસ, હનુમાનજીને જેમ એની શક્તિ યાદ અપાવવાની વાર હતી એમ આપણા ભારતીઓને પણ એમનામાં રહેલી આ વિશિષ્ટ શક્તિને યાદ કરાવવાની જરૂર છે. પછી જૂઓ કેવો ચમત્કાર થાય છે.

મારે વાત કરવી છે અનુવાદ અને સમુહમાધ્યમો વિશે.

સમુહમાધ્યમો આરંભકાળે હતા લોકો સુધી માહિતી પહોંચાડનારાં માધ્યમો. સંદેશાઓની લોકસમુહ સુધીની આપ-લે. એ શિલાલેખરૂપે, તામ્રપત્ર રૂપે કે પછી ખરિતાઓ દ્વારા મુખિયા, રાજા કે પુરોહિત પોતાના વિચારો લોક-સમુહમાં પ્રસરાવવા મથતો. એ જ રીતે સમાન્તરે ત્યારનો કવિ કે કલાકાર પોતાની રચનાઓ દ્વારા લોકોના સમુહ સુધી પહોંચવા માટે સભાઓ, રાત્રી બેઠકો, ડાયરાઓ, ધાર્મિક પ્રસંગો કે પારાયણો દ્વારા લોકમનોરંજન અને લોકશિક્ષણનું કામ કરતા. એ માટે એણે રાગ-રાગીણીઓ, પદ્યકથાઓ, ગદ્યકથાઓ, આખ્યાનો, ગરબા-ગરબી કે ભજન આદિ સાહિત્યસ્વરૂપો વિકસાવ્યા. આ બધી વાત એટલી જાણીતી છે કે એ મારે કહેવાની હોય નહીં. એટલે કે આરંભકાળથી જ સમાજની રાજ્યવ્યવસ્થા, ધર્મવ્યવસ્થા, કેળવણીની વ્યવસ્થા કે પછી વિચારના આદાન-પ્રદાનની મોટી વ્યવસ્થારૂપે સમુહમાધ્યમો જન્મ્યા ને વિકસ્યા હતા. આરંભમાં સંસ્કૃત, પછી પ્રાકૃત ભાષાઓ, પછી પ્રાદેશિક ભાષાઓમાં વિકસેલા આ સમુહમાધ્યમોના પુરાવાઓ આપણને અનેક જગ્યાઓએથી મળે છે.

રામાયણ, મહાભારત કે પછીના સંસ્કૃતના અનેક મહાકાવ્યો, નાટકો, ખંડકાવ્યો આદિ આપણને સંસ્કૃત ભાષામાં મળે છે.  સાથે સાથે ભારતભરની અનેક ભાષાઓમાં જુદા જુદા સમયખણ્ડમાં થયેલા એના અનુવાદો પણ પ્રાપ્ત થાય છે. ઉદાહરણરૂપે કહું તો વલભીવિદ્યાપીઠ અહીં ગુજરાતમાં જ આવેલી. એના વિશે આપણી પાસે વધારે અધિકૃત પુરાવાઓ ઓછા મળ્યા તો એની સામે હ્યુ-એન-સાંગ નામના ચીની યાત્રિકે એની વિગતે નોંધ લીધી હતી- એ આજે એકદમ અધિકૃત માહિતી સાથે ચીની ભાષામાં ઉપલબ્ધ છે. આ શક્ય બન્યું એના યાત્રાગ્રંથના અનુવાદથી. આવું તો ઉદાહરણરૂપે ઘણું આપી શકાય. શક અને ક્ષત્રપોનું રાજ્ય ઇ.સ.પૂર્વે દોઢસો-બસો કે એનાથીએ વધારે વર્ષો પૂર્વેથી ગુજરાતમાં હતું ને એમના સિક્કાઓ પર લખાયેલ ગ્રીક ભાષાના શબ્દો આપણને આપણાં ઇતિહાસને ઉકેલવામાં અનોખા પૂરવાર થયા છે. અનુવાદ થતો રહ્યો છે સદીઓથી. એના આ જીવતા-જાગતા પૂરાવાઓ છે. અરબી-ફારસી ભાષા સાથેનું આપણું જોડાણ તો અજોડ છે. ભારતીય અનેક ગ્રંથો અરબી-ફારસી દ્વારા વિશ્વમાં ફેલાયા છે એ હકીકતને કેમ ભૂલી શકીએ. આ અર્થમાં ગ્રંથો સમુહમાધ્યમ તરીકે વર્ત્યા છે સદીઓ સુધી.

0000

આજના સમુહમાધ્યમો બદલાયા છે- અંગ્રેજોને કારણે. પાશ્ચાત્ય દેશોના પ્રભાવ હેઠળ, એમની પ્રજાએ કરેલ મુલ્યવાન સંશોધનો અને પ્રયત્નોના કારણે.  એનું એક આગવું મહત્વ છે. રોજ સવારે આવતું છાપું અને એની સાથે આવતા કેટલાંય જાહેરાતના ચોપાનીયાઓએ આપણી દુનીયા બદલી નાંખી છે. ટેલિવિઝને આખીએ દુનીયાને આપણી આંગળીઓ પર રમતી કરી દીધી છે. માત્ર માહિતી જ નહીં, માત્ર મનોરંજન જ નહીં, માત્ર શિક્ષણ જ નહીં, માત્ર વેપાર જ નહીં, માત્ર સગવડો જ નહીં, માત્ર વિચારો જ નહીં- બધું જ બદલી નાંખ્યું આ નાનકડાં ટેલિવિઝને. આપણાં વિઝનને, આપણાં જીવનને પણ સમુળગું બદલી નાંખ્યું છે. પહેલા વર્તમાનપત્ર, તાર પછી ટેલિફોન, રેલવે પછી મેટ્રો, જહાજ પછી હવાઈ જહાજ, ચિત્ર નહીં કેમેરાના ફોટોગ્રાફ્સ ને પછી હાલતી-ચાલતી-બોલતી ફિલ્મો, આકાશ નહીં અવકાશ ને એનીએ પાર પથરાયેલા અફાટ એવા બ્રહ્માંડોના રહસ્યો, તો બીજી બાજુ આપણી પૃથ્વી પર રહેલા અજીબો –ગરબ જીવો, દૃશ્યો, સુક્ષ્મથીએ સૂક્ષ્મ એવા વાયરસ-બેકટેરિયાઓ, બ્રંહ્માંડ અને પૃથ્વી બનવાનો ઇતિહાસ, માનવશરીરમાં રહેલા કલ્પનાનેય વિસ્ફારિત કરી નાંખે એવી અજાયબ રચનાના અંકોડાઓ આપણી સામે ખુલી રહ્યાં છે, આપણી સામે આ ટેલિવિઝન કોઈ પરીકથા કે સાયન્સ ફિક્શનનેય આંટે એવા દ્શ્યો ને અવાજોને મુકી રહ્યું છે. અવાજ અને દૃશ્યોની આ વિસ્ફોટક ક્રાન્તિએ આપણા સમુળગા જીવનને ઉપરતળે કરી નાંખ્યું છે. આજના સમુહમાધ્યમો અ-પૂર્વ છે. એ સંદેશાવાહકો જ નથી, એ માત્ર મનોરંજન આપનારાં જ નથી, એ વિચારોને ધકેલનારાં પ્રબળ વલયો પણ છે, એ ક્રાન્તિના મંડાણ કરી શકે છે. એ ઉથલપાથલને દેખાડે છે તો ઉથલપાથલ સર્જી પણ શકે છે. એ તાકાત છે તો એ રાક્ષસી શક્તિ પણ છે. એ તમને ગમે કે ન ગમે- તમારી અને મારી હકીકત છે.

0000

તમને નહીં ગમે કદાચ, પણ અનુવાદના આવા સેમિનારોનું ભવિષ્ય બહુ બહુ તો પચાસ કે સો વર્ષ પૂરતું જ રહેશે. કેમકે, પછી અનુવાદ કરવાની કદાચ જરૂર જ નહીં રહે. આ સમુહમાધ્યમો બધું જ રફેદફે કરી નાંખશે. આ ન ગમે એવું વિધાન છે પણ મને એ ભવિષ્ય દેખાઈ રહ્યું છે. સાહિત્યકૃતિઓના અનુવાદોની વાત ઠીક છે. સર્જક એની માતૃભાષામાં સર્જન કરે ને એને અન્ય ભાષામાં પહોંચાડવાની મથામણ થાય એ બહુ જ સારી પ્રવૃત્તિ છે. હું માનું છું એના મહત્વને. મેં અનુવાદો વડે  વિશ્વની ઘણી રચનાઓને માણી છે. એ અનુવાદકોના સદૈવ ઋણી રહેવાના છીએ. પણ સમુહમાધ્યમોની વાત જૂદી છે.

બીજો મુદ્દો પણ અહીં છેડવા માંગું છું, એ પણ ન ગમે એવો છે. એ છે માતૃભાષાની જાળવણીનો. હમણાં જ માતૃભાષા દિવસ અમે ઉજવ્યો. ને મેં વિદ્યાર્થીઓને ગુજરાતીભાષા અને એની સાથે જોડાયેલા સાંસ્કૃતિક વારસાના વ્યાપક સંદર્ભને લઈને વાત કરેલી. પણ ત્યારે મારા મનમાં પ્રશ્ન બીજો જ ચાલતો હતો. એ તમારી સામે મુકવા માગું છું. શુદ્ધ સંસ્કૃતના લેખક,  દાસ-દાસીઓની ભાષા નિમ્ન સંસ્કૃતમાં આલેખતા કાલિદાસને અણસાર નહીં આવી ગયો હોય કે મારી પ્રશિષ્ટ ભાષા સંસ્કૃતના પ્રાણ મંદ થઈ રહ્યાં છે…? પ્રાકૃત ભાષાઓનો ઉદય થઈ રહ્યો છે એ વાતનો ખ્યાલ એને કે એના પછીના વિદ્વાનોને નહીં આવ્યો હોય…? સંસ્કૃત ભાષાને બચાવવા એમણે પ્રયત્નો કર્યા હશે કે નહીં….? મહાવીર અને ભગવાન બુદ્ધે એમના ઉપદેશ જ્યારે પ્રાકૃત-અપભ્રંશમાં આપ્યા ત્યારે એ સંસ્કૃત પરનો હુમલો જ હતોને ?  હુમલો નહીં, છેવટનું ઢાંકણું બંધ કર્યાનો પુરુષાર્થ હતો એ. એ પછી ચારસો-પાંચસો વર્ષે અપભ્રંષ-પ્રાકૃત ભાષાઓ પણ ગઈ ચાલી. આજે એવા દિવસો મારી ગુજરાતી, હિન્દીના આવ્યા છે. આપણે સૌ શીખવીએ છીએ વિદ્યાર્થીઓને કે ભાષા એ સતત પરિવર્તનશીલ છે. તો પછી આપણા આ મમતનું શું થવાનું છે ? – એ નક્કી છે. આપણા પ્રયત્નો, અને ટેકનોલોજી કદાચ એને પચાસ-સો વર્ષ વધારે જીવાડશે. પણ છેવટે તો જે ભાષકની જીભે રમે એ જ ભાષા બનવાની છે. ઇંગ્લેન્ડમાં સાચું અંગ્રેજી બચાવવાના પ્રયત્નો ચાલુ થયાં છે.!! અંગ્રેજો ચિંતીત છે કે એમની માતૃભાષા અંગ્રેજી પર વિશ્વભરના દેશોમાં અત્યાચાર થઈ રહ્યાં છે. એને બચાવો.  વિશ્વભરમાં ફેલાઈ રહેલા અંગ્રેજી ભાષાના પ્રભાવને રોકવા મથવું કે આપણી ભાષાને ટકાવવા…? મને નથી સમજાતું. સુજ્ઞજનો વિચાર કરજો. સમયના અભાવે અહીં આ મુદ્દે અટકું. અનુવાદનો મહત્વ ત્યારે જ ટકવાનું છે જ્યારે ભાષાઓ ટકે, જ્યારે અસમાન એવી સાંસ્કૃતિક ભિન્નતા હોય ત્યારે જ અનુવાદનું પણ મહત્વ થવાનું છે. વિશ્વ આખું એકસરખા પરિવેશ, એકસરખા ખાનપાન, એક સરખા ઉત્સવો, એક સરખી જીવનશૈલી અપનાવવાની દિશામાં ગતિ કરી રહ્યું છે. પ્રાદેશિક લક્ષણો ભૂંસાતા જાય છે ત્યારે આપણે ક્યાંથી થીગડા મારવાની શરુઆત કરવી…? તમને ખ્યાલ હશે જ કે વિશ્વના 60 ટકા લોકો ટેક્નોસેવી બની ગયા છે. કોઈને કોઈ રીતે આ યંત્રો, સમુહમાધ્યમોના આદતી બની ગયા છે. એ લાંબા સમયે સમુળગી જીવનશૈલીને જ બદલી નાંખવાના છે- આવા સમયે મારા આ અરણ્યરુદનનું શું…?

00000

હવે આજના સશક્ત એવા ફિલ્મ, ટેલિવિઝન, ઇન્ટરનેટ અને મોબાઈલ ફોન વિશે. આ માધ્યમો જે રીતે ફૂલી-ફાલી રહ્યાં છે એ જોતા તો ભસ્માસુરની યાદ અપાવે છે. એ બધાને ગળી જવા સક્ષમ છે. અનુવાદ માટે સૌથી વધારે અનુકૂળ માધ્યમ લાગ્યું હોય તો આ ઓડિયો-વિઝ્યુઅલનું માધ્યમ. એને ભાવક પાસેથી કશા જ પ્રકારની સજ્જતાનો ખપ નથી. બસ બે આંખ ને કાન હોય એવો કોઈ પણ માણસ એનો ગ્રાહક થઈ શકે !!  આ સ્થિતિ ભયંકર છે. પેલા સાહિત્યિક કૃતિઓના અનુવાદોમાં ઘણું ચૂકી જવાતું હોય છે, અથવા તો મૂળમાં હોય એનાથી ઓછું કે ક્યારેક અનુવાદક અનુસર્જક બની જાય તો વધારે પીરસાઈ જાય એવું બનતું હોય છે. ને એ શાસ્ત્ર જાણનારાઓ માટે આ વાત માથાના દુ:ખાવા બરાબર છે. આ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોની તાકાત એવી છે કે એ ભાષા ઉપર જ વધારે આધાર રાખવાને બદલે દૃશ્ય વડે પણ કહે છે. એટલે જ્યાં તરજૂમા માટે યોગ્ય શબ્દ ન મળે અથવા તો મૂળ અર્થ સૂચવનારાં પ્રયોગોને અનુદિત ન કરી શકાય ત્યાં આ દૃશ્યો મદદે આવી પહોંચે છે. એટલે અનુવાદકની મર્યાદાઓ ઢંકાઈ જાય એવું બને. અનેક હોલિવૂડની ફિલ્મો જોઈ છે, જાપાનિઝ કે ચાઇનિઝ ફિલ્મો જોઈ છે ત્યારે આ વાત મને સમજાઈ છે. ભાષા ઇઝ નો મેટર ઇન ફિલ્મ એન્ડ ટેલિવિઝન. ઇન્ટરનેટ ઓલ્સો. હું મૂળની રચનાની નજીક પહોંચી જાઉં છું. એવી જ અનુભૂતિ કરું છું. આ હકીકત અનુભવી છે. અનુવાદકો આનંદો, તમારી સામેનો કલ્ચરભેદનો મોટો પડકાર ક્રમશઃ ઓગળી રહ્યો છે.

00000

આજના આ વ્યાખ્યાનનો છેલ્લો મુદ્દો.

બહુ જ જાણીતી વાત કહેવાનો છું. આજના યુવાનો માટે આ ક્ષેત્રમાં ખુબ જ વ્યવસાયિક તકો રહેલી છે. ચોવીસો કલાક, આખાય સપ્તાહ ચાલતા આ મહારાક્ષસો જેવા ક્ષેત્રો- પ્રિન્ટ મિડિયા, વિઝ્યુઅલ મિડિયા અને ફિલ્મો, તથા ઇન્ટરનેટને હવે અનુવાદકો વિના ચાલે એમ નથી. એટલિસ્ટ આવનારાં પચાસ-સો વર્ષ તો નહીં જ. આવું એટલે કહું છું કે મારા-તમારાં સૌના બાળકો ભલે કોઈ પણ માધ્યમમાં ભણે, પણ એને અંગ્રેજી વિના ચાલવાનું નથી. આ હકીકત સ્વીકારીએ તો આવનારા વર્ષોમાં એ સીધા જ વિશ્વના મોટા ફલક સાથે જોડાઈ જવાના છે, જોડાઈ ગયા છે. એટલે આ પેઢીના વિદ્યાર્થીઓ, યુવાનો, પગાર ઉપરાન્તની આવક ઇચ્છતા સૌ કોઇ માટે અનુવાદ એ વ્યવસાયનું ઉઘડતું ક્ષેત્ર છે. ભારતમાં ‘મેક ઇન ઇન્ડિયા’નું સૂત્ર આજે વ્યાપક બની રહ્યું છે ત્યારે વિદેશી પ્રજા આપણે ત્યાં એસેમ્બલ કરવા પધારશે ત્યારે એમના માટે અનુવાદકો વિના ચાલવાનું નથી. દરેક દેશી-વિદેશી પ્રોડક્ટને બજાર સુધી તો પહોંચાડી શકાય પણ ગ્રાહકના ચિત્ત સુધી પહોંચાડવા માટે સમુહમાધ્યમો, અને એ માટે અનુવાદકોની મોટી ફોજ જરૂરી બની રહેવાની છે. પ્રાદેશિક ભાષાઓનું બળ છે એના ભાષકો- અને એ ભાષકો પાછા ગ્રાહકો પણ છે, શ્રોતાઓ અને દર્શકો પણ છે એટલે વિશ્વના કોઈ પણ દેશમાં બનતી ચીજ-વસ્તુઓ, ફિલ્મો, શોધપત્રોથી માંડી ઇન્ટરનેટ પરની વિગતો- બધાને અનુવાદકની જરૂર છે. ને મને પૂરી શ્રદ્ધા છે મારા ભારતીયો પર કે એ ક્યારેય પાછા નથી પડ્યાં અવગમન કરવામાં, વિચારોની અને વેપારની આપ-લે કરવામાં. હવે પણ પાછા નહીં પડે.

કેમકે,

મારી આંખ સામે મિનિટના 60 શબ્દોની જડપે મોબાઈલ ફોનમાં મેસેજ લખતા, ટાઈપ કરતાં કિશોરને જોઈને મારી આંખ ચમકી ઊઠે છે, ભલે એ રોમન લિપિમાં ગુજરાતી કે હિન્દી લખતો હોય પણ કોમ્યુનિકેશન કરવામાં જૂની પેઢીઓ કરતાં કંઈ ગણો આગળ છે…!!

આશા રાખું છું, આ બેઠકને કશીક દિશા આપવામાં આ વિચારોય  ખપમાં લાગશે…

આભાર.

ડૉ. નરેશ શુક્લ, ગુજરાતી વિભાગ,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત-7. ફોન-9428049235
(ગુજરાત કોલેજ(સાંજની) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં રજૂ કરેલ)